નક્કી આ ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે

આજે ફરી એક વરસાદી ગઝલ.. મને જરા થયું ખરું કે આ વરસાદી વાતોનો Overdose તો નથી થઇ જતો ને? પણ વરસાદના આવવાની રાહ જોવામાં કેટલીય વરસાદી ગઝલો અને વરસાદી ગીતો સાચવી રાખ્યા હોય છે, કે સમયસરની પોસ્ટ કરીશ…! એટલે ચોમાસામાં તો થોડા થોડા દિવસે (અને ક્યારેક એકી સાથે) વરસાદી ગીતો અહીં છલકવાના જ છે..! 🙂

અને હા, જ્યારે ગઝલમાં વાત ચોમાસાના બેસવાની થતી હોય, તો એ ગઝલ વાંચવાની સૌથી વધુ મઝા ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ આવે ને..!

(નક્કી આ ચોમાસુ બેઠું….Photo by Lauren Sailsbury)

* * * * * * *

પથરા આધા પાછા થૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.
છત્રી પન ચોરીને લૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

રેઇનકોટ ને ગમશુઝથીયે જાડી ચામડીય વાળા ક્યે,
ભીંજાતા ભીંજાતા રૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈં આપે? પણ –
મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

કઇ રીતે ભીંજાવુ એનું લાબું લાબું ભાષણ દઇને
પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા રે
મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

– કૃષ્ણ દવે

15 replies on “નક્કી આ ચોમાસુ બેઠું – કૃષ્ણ દવે”

  1. વરસાદી માહોલમાં સુંદર રચના! ભીંજાઈ ગયા! આભાર.

  2. સરસ વરસાદી ગીત અને પ્રેમીની યાદ આવી જાય છે……

  3. અને આને થોડો કાંઈ overdose કહેવાય… આ આખા જૂલાઈ મહિનામાં ‘ગાગરમાં સાગર’ પર રોજ એક વર્ષાકાવ્ય ઝરમરવાનું છે… એટલે કે overdose તો એને કહેવાય બેના… 😀

  4. મસ્ત મજાનું હળવું ગીત… પંચમભાઈની જેમ મનેય આ નવીન કાફિયાઓ મજાનાં લાગ્યા..

  5. કૃષ્ણભાઈ,
    આપણી રચનાઓ ભગવાન પણ વાંચતા લાગે છે..
    આજને આજ ચાર ઇંચ વરસાદ……!!!!!

  6. ભીતર જ આનંદથી પલળી જાય અને પહેલા પ્રેમ ની યાદ કરાવી જાય તેવી સુંદર્ રચના………..

  7. કવિના ગીતો જેવી જ માદક સવૈયા ગઝલ. ખાસ તો થૈ લૈ રૈ જેવા અનોખા કાફિયાઓ કેવા સહજ રીતે પ્રયોજાયા છે!

  8. કૃષ્ણભાઈ,
    આ વખતે બધે વરસાદના ફાંફાં છે…….તો પછી
    પહેલા આ વાગોળો…..!!!!!!!

    આવરે…..વરસાદ
    સાંભળજે.. તું સાદ

    છે તરસ જળની અષાડી માસના સોગંદ છે
    ના ખપે મૃગજળ હવે, આભાસનાં સોગંદ છે

    માનવી તો ઠીક પણ જોજે અબોલા જીવને
    જે ચડ્યા અધ્ધર, બધાનાં શ્વાસના સોગંદ છે

    રામ, લક્ષમણ, જાનકીનો તો સહી લીધો અમે
    કેમ સહેશું, તેં લીધો વનવાસ, ના સોગંદ છે

    માનવીના આંતકોથી થરથર્યા કરીએ, હવે
    ઓણ સાલે તેં ગુઝાર્યા ત્રાસના સોગંદ છે

    સ્થાન જે લીધું પ્રભુ, તેને હવે શોભાવજે
    જેમના પર જીવતા, વિશ્વાસના સોગંદ છે

  9. વરસાદી માહોલ વચ્ચે ગણગણતાં પલળવાનું મન થાય અને,
    છત્રી,રેઈનકૉટ બધું ભૂલીને માણવા જેવી રચના.

  10. નહિંતર એ કેવા કંજુસ છે! કદિ કોઇને કૈં આપે? પણ –
    મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

    કઇ રીતે ભીંજાવુ એનું લાબું લાબું ભાષણ દઇને
    પોતે પાછા ઘરમાં વૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

    આ પંકિતઓને આ રીતે પણ વ્યકત કરી શકાય,

    વાત પ્રેમના વરસાદની પણ છે. પ્રિયતમ એવો કંજુસ છે પ્રેમના બદલે પ્રેમ આપવાને બદ્લે આંખોમાં વાદળ આપી ગયા. ઝરમર ઝરમર પાણી વરસ્યા જ કરે છે.

    પહેલા પ્રેમની વાતો કરી પ્રીત શીખવાડી એ તો પાછા ચાલ્યા ગયા. જીંદગીમાં હંમેશા માટે ચોમાસુ મુકતા ગયા.

  11. મને ગીફ્ટમાં મિત્રો દૈ ગ્યા, નક્કી આ ચોમાસું બેઠું
    મને ગીફ્ટમાં ગીતો દૈ ગ્યા, નક્કી આ ચોમાસું બેઠું

  12. બીજા તો કોરાકટ સમજ્યા, પણ સોંસરવા જે પલળ્યા રે
    મને કાનમાં આવી કૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

    સુંદર…

  13. મને ગીફ્ટમાં વાદળ દૈ ગ્યા, નક્કી આ ચોમાસુ બેઠું.

    સરસ ગીત છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *