આજે થોડી વાતો… મારા વિષે, મારી મેરેથોન વિષે….

 

જ્યારે અમેરિકાના સ્ટુડંટ વિઝા લીધા, ત્યારે જરા ખબર ન હતી, કે અમેરિકા કેવું હશે? અને હું ત્યા એકલી કેવી રીતે રહીશ? આમ તો ઘણા વિદ્યાર્થીઓ આવે જ છે, એટલે હું કોઇ મોટું તીર નો’તી મારી રહી.. પરંતુ ઘરથી, માતા-પિતાથી આટલે દૂર પહેલી વાર આવી.. એટલે બીક પણ હતી જ મનમાં.

પરંતુ કહેવત છે ને, હિંમતે મર્દા તો મદદે ખુદા. ( તારક મહેતાના એક લેખ “ફીફ્ટી ફીફ્ટી”માં એમણે લખ્યું’તું : હિંમતે નારી તો મદદે માતાજી..:)) મેં સાંભળ્યું હતુ, કે અમેરિકામાં કોઇ કોઇનું સગું નહીં. મારા સદનસીબે સગાઓ અને મિત્રોનો ઘણો સહકાર મળ્યો. અને જોત જોતામાં તો ભણતર પૂરું પણ થઇ જવાનું.

એક દિવસ કોલેજના સ્ટુડંટ લોંજમાં “સેન ફ્રાન્સિસ્કો એઇડ્સ મેરેથોન ટ્રેનિંગ પ્રોગ્રામ“નું ફરફરયું મળ્યું. આમ તો એ પહેલા મેરેથોનના પોસ્ટર ટ્રેનમાં અને બસમાં જોયા હતા, પણ એ દિવસે વધારે વિગતે માહિતી મળી. એમાં લખ્યું હતું, કે તમે જિંદગીમાં ક્યારેય ન દોડયા હોય, તો પણ અમે તમને 6 મહિનામાં તાલિમ આપીને મેરેથોન દોડવા સક્ષમ બનાવીશું.

મને થયું, ચલો, કોશિશ કરી જોઇએ. ફોન કર્યો તો ખબર પડી કે એ તો charity માટે છે. $ 100 ભરીને રજીસ્ટર કરો, અને પછી $ 1700 નો ઓછામાં ઓછો ફાળો ઉઘરાવો “એઇડ્સ ફાઉંડેશન” માટે, ત્યારે આ તાલિમ મળે. જો ફાળો ભેગોના થાય, તો ક્યાં તો તાલિમ છોડવી પડે, અથવા તમારા ખિસ્સામાંથી ખૂટતી રકમ ભરવી.

સાચું કહું તો, એક નવો અનુભવ મળશે, એમ કરીને જ આ ચાલું કર્યું. મને થયું, જો 1700 ભેગા ના થાય, તો છોડી દઇશ.. પરંતુ 2 મહિના સુઘી દર શનિવારે સવારે તાલિમ માટે ગઇ, પછી તો જાણે એની આદત પડી ગઇ. લગભગ દર શનિવારે જીવનની અત્યાર સુઘીની સૌથી લાંબી દોડ દોડતી.. સાથે સાથે એક નવો જુસ્સો, કંઇ કરી બતાવવાનો.. એક જવાબદારીનો અહેસાસ.. રજીસ્ટ્રેશનની સાથે સાથે એક committment આપ્યું હતું, કે દુનિયાના લાખો એઇડ્સ પિડિત લોકો માટે મારાથી બનતું કંઇક કરીશ.

મેરેથોન માટેનો સમય નજીક આવી રહ્યો છે. ગણતરીના દિવસો બાકી છે. આ શનિવારે તાલિમનો છેલ્લો દિવસ હતો. અમારા બંને તાલિમ શિક્ષકો ભાવવિભોર થઇ ગયા હતા, અમને છેલ્લીવાર સલાહ આપતા આપતા..

30 જુલાઇ ના રવિવારે સવારે 5.30 થી તો મેરેથોન ચાલુ..
મેરેથોન વિષે વધારે જાણવું હોય તો અહીં ક્લિક કરો.

અને હા.. થોડા દિવસ પહેલા આપણે સેન ફ્રાન્સિસ્કોની મુલાકાત લીઘેલી, યાદ છે ??

જો હેલિકોપ્ટરમાં બેઠા બેઠા આ શહેર કેવું દેખાય, એ જોવું હોય તો અહીં ક્લિક કરો.

( આ વિડિઓ મેરેથોન course નો છે )

આજે આ બધી વાતો અહીં કેમ કરું છું ? કારણ કે મને તમારી શુભેચ્છાની જરૂર છે.

એક નાનકડા અકસ્માતને લીધે હું વચ્ચે 1 મહિનો સુધી તાલિમમાં ન જઇ શકી. 26 માઇલનો “celebration training run” પણ હું ચુકી ગઇ.. તે છતાં મને વિશ્વાસ છે કે હું આ મેરેથોન પૂરી કરીશ.

વડીલોના આશિર્વાદ, અને મિત્રોની શુભેચ્છાઓની આશા રાખું છું.

Date : May 19,2007.

વડીલોના આશિર્વાદ અને મિત્રોની શુભેચ્છાઓ મને ફળી… અને હું એ મેરેથોન સફળતાપૂર્વક પૂરી કરી શકી. સૌનો ખૂબ ખૂબ આભાર… ( ઘણું મોડુ યાદ આવ્યું કે મારે અહીં એ વાત કરવાની બાકી છે. 🙂 )
IMG3

આભાર.
જયશ્રી ભક્ત.

3 replies on “આજે થોડી વાતો… મારા વિષે, મારી મેરેથોન વિષે….”

  1. અંતઃકરણપૂર્વકની શુભેચ્છાઓ…. માત્ર તમે જ નહીં દોડો, અમારી સદભાવના પણ જોડાશે તમારી સાથે આ મેરેથોનમાં……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *