લાપરવા – મકરંદ દવે

કોક દિન ઈદ અને કો’ક દિન રોજા
ઊછળે ને પડે નીચે જિન્દગીનાં મોજાં.

કાંઈ અફસોસ નહીં કાંઈ નહીં ફિકર
કોઈ ચીજ તણી નહીં જિન્દગીમાં જિકર,
આવે ને જાય એના વેઠવા શા બોજા ?
કો’ક દિન ઈદ અને કો’ક દિન રોજા.

માન મળે, મળે ધનધાન, મળે સત્તા
પાન ચાવી બીજી પળે ખાવા પડે ખત્તા,
વાહ ભાખે કોઈ રૂડી આંખે વેષ ભાળી
આહ નાખે કોઈ ભૂંડી મોઢે મેશ ઢાળી,
રામ મારો રુદે હસે રંગ નહીં દૂજા
કો’ક દિન ઈદ અને કોક દિન રોજા.

હાલ્યા કરે દુનિયાની વણઝાર ગાંડી
કોણ બેઠું રહે એની સામે મીટ માંડી,
દૂધ મળે વાટમાં કે મળે ઝેર પીવા
આપણા તો થિર બળે આતમાના દીવા.
લાંબી લાંબી લેખણે ત્યાં નોંધવી શી યાદી
બેય કોરે આપી જવી મુબારકબાદી,
ઘેલાં ભલે ઘૂઘવે આ જિન્દગીનાં મોજાં
આવો તમે ઈદ અને આવો તમે રોજા. 
– મકરંદ દવે

2 replies on “લાપરવા – મકરંદ દવે”

  1. હા હા બાવા
    કોક દિ ઇદ ને કોક દિ રોજા…
    પર ભટક નહિ ઇધર ઉધર…..
    મઝા તબ આયે ગા જો તું…
    એક બાર ઇસ મે ખોઝા..! નરેન્દ્ર સોની…

  2. વાહ વાહ કેટલી હળવાશ અનુભવાઇ આ કાવ્યને માણતાં. આભાર.

Leave a Reply to Jadavji Kanji Vora Cancel reply

Your email address will not be published. Required fields are marked *