ગ્લૉબલ કવિતા :૮૮: નિદ્રાચારીઓ માટે – એડવર્ડ હર્શ

For The Sleepwalkers

Tonight I want to say something wonderful
for the sleepwalkers who have so much faith
in their legs, so much faith in the invisible

arrow carved into the carpet, the worn path
that leads to the stairs instead of the window,
the gaping doorway instead of the seamless mirror.

I love the way that sleepwalkers are willing
to step out of their bodies into the night,
to raise their arms and welcome the darkness,

palming the blank spaces, touching everything.
Always they return home safely, like blind men
who know it is morning by feeling shadows.

And always they wake up as themselves again.
That’s why I want to say something astonishing
like: Our hearts are leaving our bodies.

Our hearts are thirsty black handkerchiefs
flying through the trees at night, soaking up
the darkest beams of moonlight, the music

of owls, the motion of wind-torn branches.
And now our hearts are thick black fists
flying back to the glove of our chests.

We have to learn to trust our hearts like that.
We have to learn the desperate faith of sleep-
walkers who rise out of their calm beds

and walk through the skin of another life.
We have to drink the stupefying cup of darkness
and wake up to ourselves, nourished and surprised.

– Edward Hirsch


નિદ્રાચારીઓ માટે

આજે રાત્રે હું કંઈક અદભુત કહેવા માંગું છું
નિદ્રાચારીઓ માટે જેમને આટલો બધો વિશ્વાસ છે
પોતાના પગો પર, એટલો બધો વિશ્વાસ જાજમમાં

કંડારાયેલા અદૃશ્ય નિર્દેશ-ચિહ્ન પર, ઘસાયેલા માર્ગ પર
જે બારીના બદલે સીડી તરફ દોરી જાય છે,
ખુલ્લા દ્વારમાર્ગ, નહીં કે સાંધારહિત અરીસા તરફ.

મને ગમે છે જે રીતે નિદ્રાચારીઓ તૈયાર હોય છે
પોતાના શરીરમાંથી નીકળીને રાતમાં પગલાં માંડવા માટે,,
હાથ ઊઠાવીને અંધારાને આવકારવા માટે,

ખાલી જગ્યાઓને માપતા, દરેક વસ્તુને સ્પર્શતા.
તેઓ હંમેશા સુરક્ષિત રીતે ઘરે પરત ફરે છે, આંધળા માણસોની જેમ
જે ઓછાયાઓને અનુભવીને જાણી લે છે કે સવાર પડી ગઈ છે.

અને તેઓ હંમેશા જાગે છે ફરીથી ખુદ તરીકે જ.
એટલા માટે જ હું કંઈક આશ્ચર્યકારક કહેવા ઇચ્છું છું
જેમ કે: આપણાં હૃદય આપણાં શરીર છોડી રહ્યાં છે.

આપણાં હૃદય તરસ્યા કાળા હાથરૂમાલો છે
જે રાતે વૃક્ષોમાં થઈને ઊડે છે, ભીંજવતા
ચાંદનીના અંધારા કિરણોને, ઘુવડોના

સંગીતને, પવનથી તૂટેલી શાખાઓની ગતિને.
અને હવે આપણાં હૃદય છે જાડી કાળી હથેળીઓ
પરત ઊડી આવતી આપણી છાતીઓના હાથમોજાંમાં.

આપણે આપણાં દિલો પર એ રીતે વિશ્વાસ કરતાં શીખવું પડશે.
આપણે શીખવો પડશે બેકરાર ભરોસો આ નિદ્રા-
ચારીઓનો જેઓ તેમની શાંત પથારીઓમાંથી ઊઠી બહાર આવે છે

અને બીજી જિંદગીની ત્વચામાંથી પસાર થાય છે.
આપણે અંધારાના મદહોશ કરનાર પ્યાલાને પીવો પડશે
અને આપણી જાત પ્રત્યે જાગવું પડશે, પોષિત અને આશ્ચર્યચકિત.

– એડવર્ડ હર્શ
(અનુ. વિવેક મનહર ટેલર)

ઊંઘમાં ચાલનારાઓ ભરોસોની આંખોથી જુએ છે… આપણે?

ચપ્પુના એક-બે નહીં, ચુમ્માળીસ-ચુમ્માળીસ ઘા કર્યા પછી તરણકુંડમાં ડૂબાડીને રાત્રે ઘસઘસાટ ઊંઘતી પત્નીની હત્યા કરનાર પતિને પોલિસે તો પકડ્યો પણ કૉર્ટે છોડી મૂક્યો. કેવું વિચિત્ર અને અવિશ્વસનીય લાગે, નહીં? કારણ? અમેરિકાના એરિઝોના રાજ્યમાં જાન્યુઆરી ૧૯૯૭માં સ્કૉટ ફલેટરે આ કામ કર્યું હતું. કેનેડામાં ૧૯૮૭માં કેન પાર્ક્સ રાત્રે ઊંઘમાંને ઊંઘમાં ૨૩ કિલોમીટર ગાડી ચલાવીને સાસરિયે પહોંચ્યો અને સાસુની હત્યા કરી અને સસરાને ઢોરમાર મારીને ઘાયલ કર્યા. એને પણ કૉર્ટે નિર્દોષ છોડી મૂક્યો. બંને કેસમાં આરોપીની દલીલ એ જ હતી કે પોતે નિર્દોષ છે. બંને જણે પોતે ઊંઘમાં આ કામ થયું હોવાની દલીલ કરી અને કહ્યું કે પોતે ઊંઘમાં હતો અને ઊંઘમાં શું કર્યું એ કશું જ યાદ નથી. બંનેને રાત્રે ઊંઘમાં ચાલવાની યાને કે નિદ્રાચારની સમસ્યા હતી. કુલ વસ્તીના અઢી ટકા લોકો નિદ્રાચારની સમસ્યાથી પીડિત હોય છે અને ટીનએજમાં પ્રવેશતાં પહેલાં તો પંદર ટકા બાળકો આમાંથી પસાર થતાં હોય છે. નિદ્રાચાર દરમિયાન થતા ગુનાઓનું પ્રમાણ આમ તો ખાસ્સુ ઓછું છે પણ કાયદાકીય, તબીબી, માનસિક અને દાર્શનિક દૃષ્ટિકોણથી એ રસપ્રદ સમસ્યાઓ સર્જે છે. ઊંઘમાં પુરુષ બળાત્કાર પણ કરી શકે છે એવું નિષ્ણાતો નોંધે છે. ‘જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ’ની યાદ અપાવે એવી સાવ અનુઠી આ રચનામાં એડવર્ડ હર્શ ખુલ્લી આંખે ઊંઘમાં ચાલનારાઓની દુનિયામાં આપણને ખુલ્લી આંખે ને સભાનાવસ્થામાં મુસાફરી કરાવે છે.

એડવર્ડ હર્શ. ૨૦-૦૧-૧૯૫૦ના રોજ શિકાગો ખાતે જન્મ. કવિતા સાથે બાળપણથી જ ઘરોબો થઈ ગયો. લોકસાહિત્યમાં પી.એચ.ડી. થયા. એક-બે કહેતાં સાત જેટલી માનદ્ પદવીઓથી વિભૂષિત થયા છે. અંગ્રેજી તથા સર્જનાત્મક લેખનના પ્રોફેસર તરીકે વર્ષો સુધી સક્રિય રહ્યા. ૨૦૦૮માં એકેડમી ઑફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર બન્યા. એમના પુસ્તકો ઢગલાબંધ ઈનામ-અકરામોથી નવાજાયાં છે. હાલ એ બ્રુકલિન, ન્યૂયૉર્ક ખાતે રહે છે.

કવિતા, કવિતા-વિષયક પુસ્તકો અને વિવેચના તથા ‘પોએટ’સ ચોઇસ’ કૉલમના કારણે તેઓ કાવ્યજગતમાં એ હદે બહુખ્યાત થયા છે કે એમનું જીવન, દિનચર્યા પોતે જાણે એક કવિતા બની ગયા છે. પુલિત્ઝર પારિતોષિક પામનાર ઝુમ્પા લાહિરી એમના વિશે કહે છે કે, ‘એમની કવિતાઓના ટ્રેડમાર્ક એ વસ્તુઓ છે, જે હું મારી પોતાની કવિતાઓમાં લાવવા મથું છું: નૈકટ્ય હોવા છતાં સંયમિત, ભાવુક થયા વિના સંવેદનશીલ, ખચકાયા વિના જીવનના સાક્ષી થવું, અને બધાથી વધીને, આપણા અસ્તિત્વની એ બાબતો જે મોટાભાગે નજરઅંદાજ કરાય છે, આસાનીથી ભૂલી જવાય છે, આપણા આત્મા માટે બહુ આવશ્યક છે, એને નોખી તારવવી અને સાચવવી.’ માત્ર બાવીસ જ વર્ષના એકના એક પુત્રના અકાળે અવસાન પર એમણે લખેલ ‘ગેબ્રિએલ: અ પોએમ’ નામના સિત્તેર પાનાંના ગ્રંથ-કાવ્યને ન્યૂ યૉર્કર ‘વેદનાના માસ્ટરપીસ’ તરીકે ઓળખાવે છે.

નિદ્રાચારીઓ માટે’ ઠીકઠાક લંબાઈની કવિતા છે. સત્તાવીસ પંક્તિઓની આ કવિતાને કવિ ત્રણ-ત્રણ પંક્તિના નવ અંતરામાં વહેંચે છે. કવિ પ્રાસની પળોજણમાં પડ્યા વિના આગળ વધે છે. કવિ છંદની પળોજણમાં પણ પડતા નથી. શાસ્ત્રની દૃષ્ટિએ આને મુક્ત કાવ્ય કહી શકાય પણ આયમ્બિક પેન્ટામીટર વાપર્યું હોવાનો ભાસ સતત થતો રહે એટલી ચુસ્તતાથી કવિએ અછાંદસ કાવ્ય સર્જ્યું છે. પ્રસ્તુત રચનાનું શીર્ષક એમના પ્રથમ કાવ્યસંગ્રહનું શીર્ષક પણ છે. એના પરથી કવિના મનમાં આ રચનાનું કેટલું મહત્ત્વ હશે એ પણ સમજી શકાય છે. એક બાજુ, ઘણી જગ્યાએ અપૂર્ણાન્વય (enjambment)નો સહારો લઈ પંક્તિઓ એક-મેકમાં ઢોળાતી જોવા મળે છે જે આખી કવિતાને એક તાંતણે બાંધી રાખવામાં સહાયક સિદ્ધ થાય છે તો બીજી તરફ, દર ત્રણ પંક્તિઓ કવિ જગ્યા રાખે છે, જે સળંગસૂત્રતાની વચ્ચેવચ્ચે ભાવકને શ્વાસ લેવા માટેની તક પૂરી પાડતી હોય એમ જણાય છે.

ઊંઘમાં ચાલનારાઓ માટેની આ વાત છે પણ આપણે બધા કંઈ ઊંઘમાં ચાલતા નથી એટલે પહેલાં તો આ વિષયને સમજી લેવો જરૂરી બને છે. ઊંઘના વિકારો પેરાસોમ્નિયા તરીકે ઓળખાય છે. એમાંનો એક એ સૉમ્નામ્બ્યુલિઝમ અથવા નોક્ટામ્બ્યુલિઝમ યાને કે ઊંઘમાં ચાલવું તે અર્થાત્ નિદ્રાચાર, નિદ્રાટન કે નિદ્રાચરણ. હિપોક્રેટ્સના સમય પહેલાં એટલે કે લગભગ ૨૫૦૦ વર્ષ પહેલાં પણ નિદ્રાચારના કિસ્સા નોંધાયેલા જોવા મળે છે. ‘શેક્સપિઅરની મેકબેથ’ નામક કરુણાંતિકા (અંક ૫, દૃશ્ય ૧)માં લેડી મેકબેથના નિદ્રાચરણનું દૃશ્ય પ્રસિદ્ધ છે. મેકબેથને સતત ઉશ્કેરીને એની પાસે પિતાની હત્યા કરાવ્યા બાદ અનુભવાતી ગુનાહિત લાગણી નિદ્રાચાર દરમિયાન હાથ પરથી લોહીના ડાઘા ધોવાની કવાયતમાં પરિણમે છે. ગાય ડિ’ મોપાસાંની ‘લા હૉર્લા’ અને બ્રામ સ્ટૉકરની ‘ડ્રેક્યુલા’માં અને એ સિવાય પણ અસંખ્ય પુસ્તકોમાં નિદ્રાચારની વાત વાંચવા મળે છે.

નિદ્રાચારમાં સંકુલ સ્વચાલિત વર્તણૂકો જોવા મળે છે, જેમકે, અકારણ ભ્રમણ, કપડાં પહેરવા અને કાઢવા, ખાવું, અયોગ્ય જગ્યાઓએ પેશાબ કરવો, ઘરવખરી આમથી તેમ કરવી, અને ક્યારેક ડ્રાઇવિંગ પણ કરવું. નિદ્રાટન કરનારાઓની આંખો ખુલ્લી તથા સ્થિર હોય છે, એ બોલે તો સમજી ન શકાય એવું હોય છે અને એમની પ્રવૃત્તિઓમાં નિશ્ચિત હેતુનો અભાવ જોવા મળે છે. ૧૯૬૦ સુધી તો નિદ્રાટન સ્વપ્ન સાથે સંકળાયેલ માનસિક બિમારી ગણાતું હતું. પણ હવે સાબિત થયું છે કે સ્વપ્નાવસ્થાને એની સાથે કંઈ લાગે વળગતું નથી. ઊંઘ આવી ગયાના બેથી ત્રણ કલાકની અંદર નિદ્રાટન શરૂ થાય છે અને સામાન્યતઃ પંદરેક મિનિટની અંદર એ પતી જતું હોય છે. વધુ પડતો તણાવ, ઉજાગરા, અંગત કટોકટી, દવાઓ કે નશીલા પદાર્થોનું સેવન, વિકાસાત્મક સમસ્યાઓ વિ. નિદ્રાટન માટે ઉત્તેજક પરિબળો ગણાય છે. દિવસ દરમિયાન ખૂબ સૌમ્ય લાગતો માણસ નિદ્રાચારમાં હિંસક થઈ જાય એની પાછળ એના મનમાં ધરબાઈ રહેલી સુષુપ્ત ઇચ્છાઓ જવાબદાર હોવાનું મનાય છે. નિદ્રાચાર દરમિયાન મગજનો આગળનો હિસ્સો (પ્રિફ્રન્ટલ કોર્ટેક્ષ), જે નૈતિક નિર્ણયશક્તિ અને ઉદ્દેશ માટે જવાબદાર હોય છે એ અસરકારક રીતે ઑફલાઇન થઈ જાય છે અને ભાવાવેશ માટે જવાબદાર લિમ્બિક સિસ્ટમ તથા એમિગ્ડેલા અતિસક્રિય થઈ જાય છે. કાનૂન નિદ્રાચારમાં કરાયેલા ગુનાઓને માફ તો કરી દે છે પણ આરોપીએ એ સાબિત કરવાનું રહે છે કે એ સમયે એ સ્વચાલિત સ્થિતિમાં હતો.

અહીં વાત જો કે ગુનેગારોની નથી. કવિ નિદ્રાચારીઓની ઊજળી બાજુ આપણી સમક્ષ ઊઘાડે છે. વાતની શરૂઆત આજની રાતથી થાય છે. હા, કારણ કે વાતનો સંબંધ જ રાત સાથે છે. કવિ કહે છે કે આજે રાત્રે એ નિદ્રાચારીઓ માટે કંઈક અદભુત કહેવા માંગે છે. રોજબરોજની જિંદગીમાં ઘરેડબંધ બન્યા કરતી સાવ જ ક્ષુલ્લક ક્રિયાઓના મહાસાગરમાંથી ‘અદભુત’નું મોતી શોધી લાવવાની કળાનું જ બીજું નામ કવિતા છે ને? વાસ્તવિક્તા એ છે કે નિદ્રાચારીઓ જે પણ કરે છે એ સુષુપ્તાવસ્થામાં કરે છે, પોતાની જાણકારી બહાર કરે છે પણ કવિ એ રીતે એમની પ્રશંસા કરે છે જાણે એ જે કરે છે, એ સમજી-વિચારીને કરે છે. કહે છે, કે નિદ્રાચારીઓને પોતાના પગમાં અને પગ જેના પર ચાલે છે એ જાજમમાંના અદૃશ્ય નિર્દેશ-ચિહ્નો પર અભૂતપૂર્વ ભરોસો છે. જે એને સીડી સુધી અથવા દ્વારમાર્ગ તરફ દોરી જાય છે. બાઇબલના ‘ટેન કમાન્ડમેન્ટ્સ’માં પથ્થરોમાં કોતરેલા નિર્દેશ-ચિહ્નોનો ઉલ્લેખ છે એ યાદ આવી જાય છે. માણસ ગમે એટલો ઊંઘમાં કેમ ન ચાલતો હોય, એ બારીમાંથી ભાગ્યે જ કૂદી પડતો હોય છે. એ કંઈ અરીસામાં ઘુસી જતો નથી. પહેલા અંતરાના અંતે ‘ફેઇથ ઇન ધ ઇન્વિઝિબલ’ વાક્ય કવિ અધૂરું છોડે છે જે બીજા અંતરામાં ‘એરૉ’ સાથે જોડાય છે પણ ‘ફેઇથ ઇન ધ ઇન્વિઝિબલ’નો ઉલ્લેખ ઈશ્વરમાંની શ્રદ્ધા તરફ પણ અંગૂલિનિર્દેશ કરે છે.

રાત અને અંધારું આપણને પરાપૂર્વથી ડરાવતાં આવ્યાં છે. અંધારાને ઈશ્વર તરીકે પૂજનાર પણ એક આખો સંપ્રદાય છે. પણ નિદ્રાચારીઓ એમનાથી ડરતા નથી. એ લોકો પોતાના શરીરમાંથી બહાર આવીને રાતમાં કદમ માંડે છે, તેઓ હાથ ઊઠાવીને અંધકારને આવકારે છે. દિવસના અજવાળામાં આપણે શયનકક્ષમાં દરેક વસ્તુઓ ક્યાં અને કેવી રીતે પડી છે એ હજારોવાર જોયું હોવા છતાં રાતના અંધારામાં નાઇટલેમ્પ રોશની ફેંકતો ન હોય તો અંદાજ બાંધીને આપણે સડસડાટ ચાલવાના બદલે ફફડાટ અનુભવીને એક-એક પગલું એક-એક કિલોમીટર જેટલું લાંબુ ન હોય એમ ડરતાં-ડરતાં આગળ વધીએ છીએ. નિદ્રાચારી આ ડરથી પર છે. અંધારામાં આપણે છતી આંખે આંધળા હોઈએ છીએ જ્યારે ઊંઘમાં ચાલનારાઓ માટે તો અંધકાર જ પ્રકાશ છે. તેઓ અવકાશને હથેળીઓમાં ભરી લઈ શકે છે. દરેક ચીજને એમ અડે છે જેમ જોઈ શકતા હોય અને હરી-ફરીને અંતે સુરક્ષિત પરત ફરે છે. અંધ માણસો સૂર્યોદય કે સૂર્યાસ્ત જોઈ શકતા નથી પણ પ્રકાશની વધઘટ લઈને આવતા ઓછાયાઓ અનુભવીને રાત પડી ગઈ કે પૂરી થઈ એનું જે રીતે સચોટ અનુમાન કરી શકે છે એ જ રીતે નિદ્રાચારીઓ પણ સમયસર પોતાના ઘરે પાછાં આવી જાય છે. કહે છે કે અંધ માણસ પાસે જ સાચી દૃષ્ટિ હોય છે. કવિ કદાચ આવી જ દૃષ્ટિ નિદ્રાચારીઓ પાસે પણ છે એમ કહેવા માંગે છે.

એ લોકો જ્યારે જાગે છે ત્યારે ખુદ તરીકે જ જાગે છે, અન્યો તરીકે નહીં. જાગતો માણસ જાતજાતના મહોરાં પહેરી લઈ પોતાની ઓળખાણ બદલતો રહેતો હોય છે પણ નિદ્રાચારીઓ નિદ્રામાંથી ઊઠે છે એ ઘડીએ હરહંમેશ ‘સ્વ’ તરીકે જ ઊઠે છે. એટલા માટે જ કવિને એમના માટે પહેલાં અદભુત કહેવાની ઇચ્છા થયા બાદ હવે કંઈક આશ્ચર્યકારક કહેવાનું મન છે. અહીંથી કવિતાનો ભાવ બદલાય છે જે વાત પર મુદ્રણમાં અક્ષરો ત્રાંસા મૂકીને કવિ ભાર પણ આપે છે.

એક જમાનામાં એવું માનવામાં આવતું હતું કે નિદ્રાચારીઓનો આત્મા રાત્રે શરીરમાંથી બહાર નીકળી ભ્રમણ કરવા જાય છે. એટલે તમે એને ઊંઘમાં ચાલતા માણસને જગાડી દો તો આત્માને કાયામાં પુનઃપ્રવેશની તક મળતી નથી અને વ્યક્તિ આજીવન આત્મા વિનાનો થઈને જીવે છે. હકીકતે, નિદ્રાચારની વચ્ચેથી વ્યક્તિને જગાડવું મુશ્કેલ હોય છે. અને પ્રયત્નપૂર્વક ઊંઘમાંથી ઊઠાડી દેવામાં આવે તો વ્યક્તિ ભ્રમિત અને સ્થળ-કાળ સાથે અસંગત જોવા મળે છે. બહુધા એ તરત જ પથારીમાં જઈને સૂઈ જાય છે અને સવારે રાતની ઘટનાઓ વિશે બિલકુલ બેખબર અથવા તો મૂંઝાયેલો હોય છે. ઉત્તમ વસ્તુ તો એ જ છે કે એને શયનકક્ષ તરફ ફેરવી દઈને પથારી તરફ ફરી મોકલી આપવો. આટલી આડવાત પછી ફરી કવિતા તરફ આગળ વધીએ.

ઊંઘમાં ઊઠીને ચાલનારાઓને કવિ શરીર છોડી જતાં હૃદયો સાથે સરખાવે છે. અહીં હૃદય એટલે મન. પ્રકટપણે જોવા જઈએ તો ઊંઘમાં શરીર પથારી છોડી દઈને ચાલી નીકળ્યું છે પણ મન હજી પથારીમાં જ છે. પણ ભૌતિકશાસ્ત્રને બાજુએ મૂકીને વિચારીએ તો એમ ચોક્કસ અનુભવી શકાય કે નિદ્રાચારીઓનું મન એમના શરીરને આ દુનિયામાં પડતું મૂકીને કોઈક બીજી દુનિયામાં પહોંચી ગયું છે. જે ઊંઘમાં ચાલી નીકળ્યું છે એ મન છે અને પથારીમાં પાછળ રહી ગયેલો ખાલીપો એ શરીર છે. કવિ હૃદય યાને મનને કાળાં તરસ્યાં હાથરૂમાલો કહે છે. કાળા રંગનો સામાન્ય અર્થ નકારાત્મક થાય છે. પણ નિદ્રાચારીઓની દુનિયામાં કાળો રંગ એ પ્રકાશનો રંગ છે, ધનમૂલકતાનો રંગ છે. મન આ નવી દુનિયામાં બિલકુલ આઝાદ છે, નિર્બંધ છે. એ વૃક્ષોમાં થઈને ઊડે છે, ચાંદનીના અંધારામાં અંધારા કિરણોને, ઘુવડોના સંગીતને, પવનથી ભાંગેલી ડાળીઓની હલચલને ભીંજવતું. આ તમામ વસ્તુઓ જાગૃતાવસ્થામાં ડર પમાડે છે પણ અહીં નિર્ભીક ઊડ્ડયન છે. છાતીમાંથી નીકળી જઈને પરત ફરતાં હૃદયને કવિ છાતીના હાથમોજાંમાંથી નીકળી જઈને પાછી આવતી કાળી જાડી હથેળીઓ પણ કહે છે. કંઈક આશ્ચર્યકારક કહેવા માંગું છું કહીને કવિ સાચે જ આશ્ચર્ય પમાડે એવા રૂપકો અહીં પ્રયોજે છે, ને સરવાળે ભૂલી ન શકાય એવાં ચિત્રો કવિ સફળતાપૂર્વક અહીં દોરી આપે છે.

કાવ્યારંભે કવિ ‘ફેઇથ ઇન ધ ઇન્વિઝિબલ/એરૉ’ વચ્ચે પંક્તિવિભાજન વડે અદૃશ્યમાંની શ્રદ્ધા-ઈશ્વરમાંના વિશ્વાસ તરફ નિર્દેશ કરે છે તો કાવ્યાંતે ‘ડેસ્પરેટ ફેઇથ ઑફ સ્લિપ/વૉકર્સ’ વચ્ચે ફરી એકવાર પંક્તિ વિભાજીત કરવાની પ્રયુક્તિ પ્રયોજીને ઊંઘમાં ભરોસો-મૃત્યુમાં ભરોસો મૂકવાની વાત કરે છે એમ સહજ સમજી શકાય છે. અનુવાદની મર્યાદા અહીં ઊઠીને સામે આવે છે. ભાષાનો અનુવાદ શક્ય છે, ભાવનો નહીં. ફ્રોસ્ટની ઉક્તિ, ‘કવિતા છે જે અનુવાદમાં ખોવાઈ જાય છે’ તરત યાદ આવે.

કવિ આખરે પોતાના દિલ પર ભરોસો કરવાનું શીખવે છે. નિદ્રાચારીઓને પોતાના દિલ પર ભરોસો છે. એમનું નિદ્રાટન પોતાની આદિમ વૃત્તિ (બેઝિક ઇન્સ્ટિન્ક્ટ) પર અવલંબિત છે માટે જ તેઓ સુરક્ષિત ઘરે પરત ફરે છે. આપણે આપણા દિલો પર આવો ભરોસો મૂકી શકતાં નથી, ને પરિણામે આપણું આપણી જાતમાં, આપણા સંબંધોમાં, આપણા સંસારમાં સુરક્ષિત પરત ફરવું કાયમ અનિશ્ચિત જ હોય છે. નિદ્રાચારીઓને આ ભરોસો છે એટલે જ તેઓ શાંત પથારીઓમાંથી ઊઠીને બહાર આવે છે અને બીજી જ જિંદગીની ચામડીમાં પગપેસારો કરી આવે છે. દુનિયામાં કદાચ બાઇબલ પછી બીજા ક્રમાંકનું વેચાણ ધરાવતી જે.કે. રૉલિંગની પરીકથાઓમાં હેરી પૉટર ભરોસાની લાકડી પકડીને જ રેલ્વે પ્લેટફૉર્મના કોલમની અંદર પ્રવેશીને બીજી દુનિયામાં પહોંચી શકે છે. ઘોર અંધકાર, અગોચર, ભય કે મૃત્યુના મદહોશ અને મૂર્છિત કરી દે એવા પ્યાલાને આકંઠ ભરોસા સાથે પીતાં આવડે, તો જ આપણે પૂર્ણ પોષિત તથા ચકિતાવસ્થામાં આપણી જાતમાં જાગી શકીશું, કેમકે શરીર લઈને ખુલ્લી આંખે આ દુનિયામાં ફરી રહ્યા હોવાનો ભ્રમ સેવતાં આપણે જીવી રહ્યાં છીએ એ હકીકતમાં તો ધોળેદહાડે કરાતો નિદ્રાચાર માત્ર છે, ખરું જીવન નથી. જીવતી લાશ લઈને ફરતા ‘ઝૉમ્બી’ છીએ આપણે સહુ. જીવન જીવવાની ખરી શરૂઆત તો એ ઘડીથી જ થાય છે જે ઘડીએ આપણે મૃત્યુની કાળીડિબાંગ અંતહીન ખીણમાં જીવનના નખશિખ ભરોસાનું પેરાશૂટ બાંધીને ઝંપલાવી શકીએ છીએ…

2 replies on “ગ્લૉબલ કવિતા :૮૮: નિદ્રાચારીઓ માટે – એડવર્ડ હર્શ”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *