આજે કવિ ‘અમીન આઝાદ’ની આ નઝમ – અને સાથે કવિ ‘રાજેશ વ્યાસ મિસ્કીન’ એ ‘શબ્દ સૂરને મેળે’ (ગુજરાત સમાચાર) માં કરાવેલો આસ્વાદ!
********
જશે, ચાલી જશે, ગઈ, એ વિચારે રાત ચાલી ગઈ,
તમે જ્યાં આંખ મીંચી કે બધે અંધકાર ફેલાયો;
તમે જોયું અને એક જ ઈશારે રાત ચાલી ગઈ.
હજી તારાની સાથે જ્યોત્સ્નાની વાત કરતો’તો
હજી સાંજે તો આવી’તી સવારે રાત ચાલી ગઈ.
જુઓ રંગભેદથી બે નારીઓ ના રહી શકી સાથે,
ઉષા આવી તો શરમાઇ સવારે રાત ચાલી ગઈ.
તમારા સમ ‘અમીન’ ઊંઘી શક્યો ના રાતભર આજે,
પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ.
– ‘અમીન’ આઝાદ
શૂન્ય પાલનપૂરીએ ગઝલના સંદર્ભમાં ‘અરૂઝ’ નામનું એક અમૂલ્ય પુસ્તક લખ્યું છે. તેમાં ગઝલના શેરમાં વિચાર સૌન્દર્ય પ્રગટાવવા માટે કયા પાંચ ગુણો મહત્વના છે તેની ચર્ચા કરી છે. ગઝલના શેરમાં સચ્ચાઇ, સરળતા, સંસ્કારિતા, ઊંડાણ અને ચોટ હોવા જોઇએ. વિચારની સચ્ચાઇના ઉદાહરણમાં તેમણે જલન માતરીનો એક શેર મૂક્યો છે.
કૈં એવું મસ્ત દિલ હતું નિજ વેદના મહી;
વીતી ગઇ છે રાત સવારે ખબર પડી.
માત્ર સુખ વખતે જ નહીં, દુઃખમાં પણ સમયનો ખ્યાલ નથી રહેતો. તમે જેમાં ડૂબી જાવ એમાં જો ખરા હૃદયથી ડૂબી ગયા હો તો સમયનો ખ્યાલ નથી રહેતો. ક્યારેક એક માળા પૂરી કરતા પણ કેટલોય સમય ગયો હોય તેવું લાગે અને ક્યારેક થોડાક સમયમાં કેટલીયે માળાઓ થઇ ગઇ એમ લાગે. સમયને મન સાથે સંબંધ છે. ક્યારેક પ્રિય વ્યક્તિની સાથે વાત કરવામાં, એને મળવામાં એવા ડૂબી જાય છે કે કેટલાક સમયતી પાણી પણ નથી પીઘું એનો ખ્યાલ જ નથી રહેતો.
‘રાત ચાલી ગઈ’ અમીન આઝાદની એવી સુંદર ગઝલ છે કે એક જમાનામાં આ ગઝલ તેમણે મુશાયરો પૂરો થતો હોય ત્યારે રજૂ કરવી જ પડે. આ ગઝલના ભાવવિશ્વમાં ડોકિયું કરીએ. રાત પડી હોય હજુ તો માંડ ૯-૧૦ વાગ્યા હોય પછી વિચારીએ કે આ રાત ક્યારે પૂરી થશે? પછી પાછું ઘડિયાળ સામેય જોઇ લેતા હોઇએ, સવાર થવાને હજુ કેટલા કલાકની વાર છે એ પણ વિચારતા હોઇએ અને આવા વિચારોમાં ને વિચારોમાં મનોમન ગોઠડી કરવા માંડીએ. ખબર જ ન રહે કે ક્યારે રાત પૂરી થઈ ગઈ. અને સવાર પડતી જોઇએ ત્યારે ખ્યાલ આવે છે કે હજુ હમણા તો રાત પડી’તી ત્યાં સવાર પડી ગઈ. કવિએ સરળ શબ્દોમાં એવા સુંદર ચિત્રો આપ્યા છે કે આપણને પણ થાય કે આવું તો આપણે પણ અનુભવ્યું છે.
કવિએ જુદા-જુદા શેરમાં કેવી સરસ કલ્પનાઓ કરી છે? પ્રિય પાત્રએ જરા આંખ મીંચી લીધી અને આ પૃથ્વી ઉપર અંધારું થઇ ગયું. સહેજ આંખ ઉઘાડી અને જ્યાં જોયું ત્યાં તો એક જ ઈશારે રાત ચાલી ગઈ. અરે હજુ હમણાં તો આકાશના તારાઓની સાથે ચાંદનીની વાત કરતા હતા, હજુ હમણાં તો સાંજ પડી’તી અને રાત પૂરીએ થઈ ગઈ! ગઝલના ચોથા શેરમાં ઉષા અને નિશા બંને સ્ત્રીઓ ઈર્ષ્યાને કારણે સાથે ન રહી શકે એ વાત કરી છે. જેવી ઉષા આવી કે નિશા ચાલી ગઈ. સમગ્ર ગઝલમાં ખરેખર તો આખી રાત ઊંઘ નથી આવી, જુદી-જુદી કલ્પનાઓ કરી છે. અને એ કલ્પનાઓના સહારે રાત પૂરી થઈ છે એ વાત કરવામાં આવી છે. પરંતુ એક-એક પળ ગણી ગણીને વિતાવી હોવા છતાં જાણે રાત એક ઝબકારે ચાલી ગઇ હોય એ વાત કરવામાં આવી છે.
રાતના સંદર્ભમાં મરીઝનો એક શેર યાદ આવે. રાતનો એક સંબંધ મોજ, મજા અને મહેફિલ સાથે પણ છે. જીવનમાં પણ આંખ ઉઘડ્યા પછી જ રાતના સંતાપ અને પશ્ચાતાપ થતા હોય છે.
અમારાં બધાં સુખ અને દુઃખની વચ્ચે,
સમયના વિના કંઈ તફાવત ન જોયો.
બધીયે મજાઓ હતી રાતે રાતે,
ને સંતાપ એનો સવારે સવારે.
રાત એક જ હોય તો પણ એના કેટલા બધા રંગ છે!
ઘર જુદાં છે, મન જુદાં છે, આંખ પણ મિસ્કીન અલગ,
રાત એક જ પણ બધે અંધાર જુદો હોય છે.
– મિસ્કીન.
વર્ષો પહેલાં નાથાલાલ દવેની ‘રાત થઈ પૂરી’ નઝમ વાંચેલી. આ નઝમમાં આવતો મિસ્કીન શબ્દ ગમી ગયેલો અને મેં મિસ્કીન તખલ્લુસ રાખેલું. સતત વણઝારા રૂપે જીવતો એક પ્રવાસી એક રાત પૂરતો પ્રિય પાત્ર પાસે અટકે છે. એ નૃત્યની મહેફિલ પણ હોઇ શકે. રાત ક્યાં પૂરી થઈ ગઈ એ ખબર ન પડી. રાત્રિના જામમાં તારાઓ હજુ તરતા હતા. પણ પછી તો બઘુંય ડૂબી ગયું એ રાત્રીના જામમાં. અને એ જામમાં ચંદ્ર પણ ડૂબી ગયો. હવે એ પ્રિય પાત્રનો કંઠ પણ ગાતા-ગાતા થાકી ગયો છે, ગીત પણ થંભી ગયા છે અને એ ક્ષણે પેલો ચિરંતન પ્રવાસી પ્રિય પાત્રને કહે છે… રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.
સવારે ચાલ્યા જવાનું છે એ ખબર હતી એટલે જ એક રાત પૂરતી જ મહોબત માંગી હતી. આ શ્વાસોની વણઝાર તો ઉપડી છે બસ હવે છેલ્લી પ્યાલી ભરી લઈએ. આમ જુદી-જુદી વાત કરતાં-કરતાં એ પણ જણાવી દીઘું છે કે અમે જ્યાં જઇશું ત્યાં તમારા પગની હિના, હોઠની લાલી, દેહમાંથી આવતી ખૂશ્બુ કશું જ નહીં હોય. કોઈ શરબત નહીં હોય, કોઈ મહેફિલ કે લિજ્જત નહીં હોય. આપણા રસ્તાઓ જુદા છે છતાં હૃદયમાં દર્દ કેમ થાય છે? તમારા ગીતમાં ડૂબી જઇને મારું હૃદય પણ ગાતું થઈ ગયું છે પ્રિયે. હવે રજા આપો. વિદાયની આ નઝમ વાંચીએ.
અમારી રાત થઈ પૂરી
રજા ત્યારે હવે દિલબર! અમારી રાત થઈ પૂરી,
મશાલો સાવ બૂઝી, તેલ ખૂટ્યું, વાત થઈ પૂરી
અમારી રાત થઈ પૂરી.
ભરાયો જામ રાત્રિનો, ઉપર તરતા હતા તારા,
ગયા ડૂબી બધા, ડૂબ્યો વળી મહેતાબ આસ્માને,
તમારો કંઠ થાક્યો, ગાન થંભ્યું, વાત થઇ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
અનેરી એક રાત્રિની અમે માગી હતી મહોબત,
સવારે તો જવાનું હા! હવે વાગી રહી નોબત,
અમારી ઊપડી વણજાર, હારો ઊંટની ચાલી,
અને છેલ્લે હવે પ્યાલી.
હવે છેલ્લે ચૂમી ને ભૂલવી બે હસ્તિની ઝાંખી,
તમારા પેરની હિના, ગુલાબી ઓઠની લાલી,
ભૂલી જાવી બદન કેરી અહા! અણમોલ કસ્તૂરી,
અમી ખુશ્બો અને સુરખી તમારી આંખની ભૂરી,
અમારી રાત થઈ પૂરી.
જુઓ મસ્જિદ મિનારે એ ઝલક આફતાબની આવી,
પુકારે બાંગ મુલ્લા મસ્ત રાત્રે વાત થઈ પૂરી,
અમારી રાત થઈ પૂરી.
અમે જઈશું ત્યહાં દિલબર! નહિ સાકી, નહિ શરબત,
ન આ ઝુલ્ફો તણી ખુશ્બો, નહિ મહેફિલ, નહિ લિજ્જત,
અમે મિસ્કીન મુસાફર – ગાનના શોખીન – નહિ ઈજ્જત,
અમારા રાહ જુદા ને છતાં આ દર્દ કાં થાતું?
તમારા ગાનમાં ડૂબી જિગર મારું થયું ગાતું.
અને વાત આ થઈ પૂરી.
રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી.
– નાથાલાલ દવે
કવિ નાથાલાલ દવે, મારાં મામા વિશે સ્મરણ લેખ, ‘ભૂમિપુત્ર’, ‘કૂમાર’ અને મારા બ્લોગ https://saryu.wordpress.com પર પ્રેમથી આવકારાયા છે. તેમના કાવ્યોનો આસ્વાદ ફરીને વાંચવો ગમે છે. ધન્યવાદ.
સરયૂ પરીખ.
“પરંતુ કલ્પનાઓના સહારે રાત ચાલી ગઈ. ” // – ‘અમીન’ આઝાદ
“રજા ત્યારે હવે દિલબર, અમારી રાત થઈ પૂરી. ” // નાથાલાલ દવે
આ તો ભાઇ લગભગ ઘણખરા પ્રેમીજનોનો અનુભવ….આવો સમય
આવેજ…સહુ સંવેદનશીલ જણ જીવનમાં …’ગીતમાં ડૂબી જઇને હૃદય
પણ ગાતું થઈ ઝૂમી ઉઠાય… ‘- એજ માણનારની ઉપલબ્ધી…ભાવકની
કંઈક ક્ષણો ઉજળી થઇ જાય…
“રાત એક જ પણ બધે અંધાર જુદો હોય છે. ” — મિસ્કીન.
‘જીસકા જૈસા-જીતના આંચલ વૈસા-ઉતના પાટતે સબ…”
સ્વ અભિનેત્રી મીનાકુમારીની ગાયેલી પોતાની નઝમ..સહજ યાદ આવી!
-લા’કાન્ત / ૫-૩-૧૩
નાથાલાલ દવે, રાજેશ વ્યાસ ‘મિસ્કીન’, અમીન આઝાદ , શૂન્ય પાલનપૂરી અને જલન માતરી ! એક રાત ના વિવિધ સ્વરુપ મિજાજ અને અસર એક સાથે અનુભવ થાય તે જેકપોટ લાગ્યા જેવું લાગે! સરસ ! હવે રાત જુદા અનુભવ સાથે વિતાવવી ગમશે!
અમે (પણ) મિસ્કીન મુસાફર…..ગાનના શોખીન…વાહ !
આટલુઁ વાઁચતાઁ વેઁત..”રાત ચાલી ગઇ ” !!!!!!!!!!
સરસ
અમે મિસ્કીન મુસાફર…..ગાનના શોખીન…વાહ !
આટલુઁ વાઁચતાઁ વેઁત..”રાત ચાલી ગઇ ” !!!!!!!!!!
કવિશ્રી રાજેશ વ્યાસ “મિસ્કીન્ તખલ્લુસની વિગત આજે જ જાણી, આભાર……..
કવિશ્રી નાથાલાલ દવેની આ ખુબ જ જાણીતી રચના છે, અગાઉ પણ માણી હતી,
ગઝલકાર અમીન આઝાદ અમારા રાંદેર, સુરતના એટલે સુરતના મુશાયરામા કોઈક વાર એનો આનદ લીધાનુ સ્મરણ થાય છે,
આપનો આભાર………………………