હું માણસ છું કે શું? – ચંદ્રકાન્ત શાહ | અમર ભટ્ટ

કવિ ચંદુ શાહની યાદો અમર ભટ્ટના શબ્દોમાં…

“1982નું વર્ષ હતું. સુરેશ દલાલના સંચાલનમાં યોજાયેલ કવિસંમેલનમાં એક કવિએ ”સત્તરહજાર છોકરીઓનું ગીત” વાંચ્યું અને સૌને અભિભૂત કર્યા તે બીજો કોઈ નહીં પણ ચંદ્રકાન્ત શાહ – ચંદુ શાહ – સર્જકતાથી ભરપૂર કવિ.
પછી બૉસ્ટનમાં સ્થાયી થયેલ કવિએ “બ્લુ જિન્સ” કાવ્યો મારે ત્યાં કવિ લાભશંકર ઠાકર ને ચિનુ મોદીની હાજરીમાં વાંચેલાં. એક વાર એમણે મને કહ્યું હતું કે અમેરિકામાં ઘણો બધો સમય રસ્તા પર ડ્રાઇવિંગમાં જાય અને એમાં પણ ”રિયર વ્યૂ મિરર”માં જોતાં જોતાં, ડ્રાઇવિંગ કરતાં કરતાં એમણે જીવનને ”રિયર વ્યૂ મિરર”માંથી જોયેલું ને “રિયર વ્યૂ મિરર” કાવ્યો મળ્યાં. ગુજરાતી કવિતામાં ક્રિએટિવિટીની ભરપૂરતા માણવા બંને “બ્લુ જિન્સ” અને “રિયર વ્યૂ મિરર” પાસે જવું જ જોઈએ.
પોતે નાટ્ય લેખક ને અદાકાર પણ ખરા. નર્મદ ઉપર એમણે પ્રસ્તુત કરેલ એકપાત્રી નાટક એટલું બધું અદ્દભુત હતું કે દિવસો સુધી એની અસરમાંથી બહાર આવવું મારે માટે મુશ્કેલ બની ગયું હતું.
મેં એમનું એક ગીત સ્વરબદ્ધ વર્ષો પહેલાં કરેલું તે આજે વહેંચીને કવિને યાદ કરું છું. નવેમ્બર ૨૦૨૩માં તેમણે કાયમી વિદાય લીધી.”

– કવિઃ ચંદ્રકાન્ત શાહ
– સ્વરકાર-ગાયકઃ અમર ભટ્ટ

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે?

આમ સ્પંદનો ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?
દરિયા જેવો કાયમ થાવા મર્ત્યલોકમાં નીકળ્યો, નીકળ્યો એક જનમથી બીજે
વાદળઘેલા કોઈ જનમની હજી કનડતી ઇચ્છાઓથી જીવતર લથબથ ભીંજે,
વર્તમાનમાં માણસનો હું વેશ ધરીને ભૂતકાળમાં રઝળું છું હું માણસ છું કે?
આમ ઊર્મિઓ ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

છાતી અંદર શ્વાસ થઈને કરે ઠકાઠક રોજ રોજનો લાંબો તીણો ખીલ્લો

હું પણ સહુની માફક ચણતો મારી ફરતે એકલતાનો રોજ નવો એક કિલ્લો
ફિલસૂફોના ટોળા વચ્ચે એકલવાયો અવાજ લઈને રખડું છું હું માણસ છું કે?
ભાવભીનો હું ફાટફાટ ને આમ સાવ હું ખખડું છું હું માણસ છું કે ?

આમ જગતમાં જીવું છું ને આમ જીવમાં ફફડું છું હું માણસ છું કે ?

One reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *