Category Archives: લીલોછમ ટહુકો

હું અને દરિયો – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

આ તું, આ સ્નિગ્ધ ક્ષણોના પહાડ,
ને આ હું અને દરિયો !
આ નયનનું ગગન, આ કાજળનાં વાદળ,
ને આ હું અને દરિયો !

આ તારી હસ્તરેખા, આ માર ખાલી હાથ
ને આ હું અને દરિયો !
આ તારા હાથોની મહેંદી મારું રંગહીન નસીબ
ને આ હું અને દરિયો !

આ તારા કેશ, આ ચમેલીની સુગંધના તરંગ,
ને આ હું અને દરિયો !
આ તારો સ્પર્શ, આ અધરોની ઘટા સઘન
ને આ હું અને દરિયો !

આ તું, આ રેશમી રાત, સરકતું ગગન;
ને આ હું અને દરિયો !
આ વણથંભી સફર ને જન્મોથી પ્રતિક્ષિત તું-
હું અને દરિયો !
– જયશ્રી મર્ચન્ટ

નીકળી જા – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

પળની બંધ પલકોને ખોલીને નીકળી જા !
સંભવના કોચલાંને કોરીને નીકળી જા !

ટૂંટિયું વાળીને આકાશ તારા પગમાં હશે !
એકવાર તો ગરદન ઊંચી કરીને, નીકળી જા !

મોસમને તકાજો બાંધ્યો બંધાશે ક્યાં કદી ?
કાદવમાંથી કમળની જેમ ખીલીને નીકળી જા !

હસ્તરેખામાં શોધ્યા ન કર નામ સાથીનું ,
મૂકી હાથ મારા હાથમાં દોડીને નીકળી જા !

– જયશ્રી મર્ચન્ટ

ઉઘાડ ગઝલનો – જયશ્રી મર્ચન્ટ

આલબમ : લીલોછમ ટહુકો
સ્વરાંકન અને સ્વર : નેહલ રાવલ ત્રિવેદી

.

હું બનીને રદીફ કરી લે, ઉઘાડ ગઝલનો !
તું બનીને જો , બસ એકવાર કાફિયા ગઝલનો !

ગુફ્તેગુ આપણી, બની જાય જો પ્રસિદ્ધ ગઝલ ,
તું કહે છે એમાં, ક્યાં કોઈ કશો વાંક ગઝલનો ?

ખુદાની આંગળીએ, વળગીને જાણે ચાલતી રહી…
એક વાર બસ, ઝાલી શું લીધો મેં હાથ ગઝલનો !

આપણી વચ્ચે હવે ક્યાં કોઈ પડદો છે, ખુદા ?
હું તો માત્ર કાયા, ને છે તું તો પ્રાણ ગઝલનો !

– જયશ્રી મર્ચન્ટ