Category Archives: ભાષાંતરિત કાવ્યો

ગ્લૉબલ કવિતા : ૧૫૨ : તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ

She dwelt among the untrodden ways

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.

She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે

તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે
ગંગાના ઝરણાંઓ પાસે,
મુગ્ધા જેને વખાણનારું કોઈ નથી ને
ભાગ્યે જ કોઈ એને ચાહે.

જાંબુડી ફૂલ શેવાળિયા પથ્થરની પાસે
આંખોથી અડધું જે ઓઝલ!
– તારા જેવી શુભ્ર પ્રકાશિત, નભમાં જ્યારે
હો સાવ જ એ એકલદોકલ.

રહી અણજાણી જીવી, ને ભાગ્યે જ કો’ જાણે
કે લ્યુસી ક્યારે થઈ ગઈ ઢેર;
પણ એ તો સૂતી છે એની કબર મહીં, ને,
રે રે ! પડ્યો જે મુજને ફેર!

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

જ્યાં ના પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ…

વસ્તુ હોય કે વ્યક્તિ- આપણે ઘણીવાર એને હાંસિયામાં ધકેલી દઈને જીવી જતાં હોઈએ છીએ. મહત્ત્વનું ન લાગે એને આપણે જોયું-ન જોયું કરીને આગળ નીકળી જઈએ છીએ. ખેર, એ આપણો સ્વભાવ છે. બિનજરૂરી વ્યક્તિ કે વસ્તુની અવગણના આપણા રંગસૂત્રોમાં વણાઈ ગયેલ છે. પણ કળાકાર નામનું પ્રાણી જરા હટ કે છે. જમાના આખાએ જેનું મૂલ્ય શૂન્ય આંકી દીધું હોય એમાંથી પણ મૂલ્યવાન જન્માવવું એની ફિતરત છે. રંગોના લસરકાઓમાં કે શબ્દોના શિલ્પથી કળાકાર અલ્પગણ્યને અગ્રગણ્ય અને મૂલ્યહીનને અમૂલ્ય બનાવી દે છે. મોનાલિસા નામની સ્ત્રી કોણ હતી એ આજેય કોઈ જાણતું નથી, પણ લિઓનાર્ડોએ પીંછીના ચંદ લસરકાઓથી એને અજરામર બનાવી દીધી. જેનું સૌંદર્ય કોઈ જોઈ શકતું નથી, કળાકાર જોઈ લે છે. જેની કોઈને તમા નથી, કળાકાર એની તમા રાખે છે. માટે જ કહ્યું છે ને કે જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં કદાચ સૂર્ય પણ નહોતો પહોંચી શકતો,એવા કોઈક જંગલમાં અજાણી જિંદગી જીવી ગયેલી લ્યુસીને વર્ડ્સવર્થે એની કવિતામાં અમરત્વ આપ્યું છે.

વિલિયમ વર્ડ્સવર્થ. ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટના કમ્બરલેન્ડ પરગણાના કોકરમાઉથ ખાતે ૦૭-૦૪-૧૭૭૦ના રોજ વકીલ પિતા જૉન તથા એનના ઘરે જન્મ. જે રીતે ઇન્ગ્લેન્ડના વાયવ્ય ખૂણામાં આવેલા આ લેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત ‘લેક પોએટ્સ’ની જાણકારી વિના અધૂરી છે એ જ રીતે વર્ડ્સવર્થ, કોલરિજ, તથા સાઉધી જેવા લેક પોએટ્સની કવિતાનું સાચું સૌંદર્ય લેક ડિસ્ટ્રિક્ટની જાણકારી વિના પૂરું માણી નહીં શકાય. એક તરફ આ પ્રદેશે આ અને અન્ય કવિઓની રચનાઓને અનવરત પ્રેરણા પૂરી પાડી તો બીજીતરફ આ કવિઓની રચનાઓમાં પ્રાદેશિક સૌંદર્ય કાબેલ ફોટોગ્રાફરે ખેંચેલા ઉત્તમ ફોટોગ્રાફ્સની જેમ ડગલે ને પગલે ઉજાગર થયું છે. ૮ વર્ષની વયે માતા અને ૧૩ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. પણ ત્યાં સુધીમાં પિતાના આગ્રહના કારણે વર્ડ્સવર્થ સાહિત્યસાગરના મરજીવા બની ચૂક્યા હતા. બાળપણમાં અનાથાવસ્થાના કારણે ગરીબીનો શિકાર વર્ડ્સવર્થ કાકાઓની મદદથી ભણ્યા. કેમ્બ્રિજ સુધી ગયા. ૧૭ વર્ષની વયે એમનું પ્રથમ સૉનેટ ધ યુરોપિયન મેગેઝીનમાં છપાયું અને સાહિત્યકારની કારકિર્દીનો પ્રારંભ થયો. ફ્રાન્સ ગયા ત્યાં ફ્રેન્ચ રિવૉલ્યુશનની સાથે એનેટ વેલોનમાં રસ પડ્યો અને એની સાથેના સંબંધથી ૧૭૯૨માં કેરોલિન નામની છોકરી જન્મી. છોકરીને ભરણપોષણ માટે વર્ષોવર્ષ નિયત રકમ ચૂકવી એનું ધ્યાન રાખ્યું પણ કવિએ ઇંગ્લેન્ડ પરત આવીને લગ્ન બાળપણની સખી મેરી હચિસન સાથે કર્યા. લેક ડિસ્ટ્રિક્ટ ખાતે સ્થાયી થયા. પાંચ સંતાન થયાં, જેમાંથી ત્રણનું મૃત્યુ કવિના જીવનકાળ દરમિયાન જ થઈ ગયું. બહેન ડોરોથી આજીવન પડછાયાની પેઠે એમની સાથે જ રહી. કવિએ ‘એણે મને આંખો આપી છે, એણે મને કાનો આપ્યા છે’ કહીને બહેનનું ઋણ સ્વીકાર્યું છે. બહેન અને પત્નીનો વર્ડ્સવર્થના જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો. કવિને ફર-વા હતો એટલે જિંદગીભર મુસાફરી કરતા રહ્યા. કોલરિજની સાથે દોસ્તી રોજ સાથે ચાલવા જવાનું નિમિત્ત બની અને આ ‘વૉક’ની જ ફળશ્રુતિ એટલે બંનેનો સહિયારો અમર સંગ્રહ –‘લિરિકલ બેલડ્સ’. શરૂમાં ધ્યાન ન ખેંચી શકેલી એમની કવિતા ઝડપભેર ખ્યાતિના આકાશને ચુંબી ગઈ. ૧૮૪૨ની સાલમાં એમને રાજ્ય તરફથી ૩૦૦ પ્રાઉન્ડનું વર્ષાસન મળ્યું અને જિંદગીના આખરી દસકામાં, ૧૮૪૩માં એમને રાજકવિનું સન્માન પણ મળ્યું. પોતાના ભારીખમ્મ ઇગો સાથે જીવનાર સર્જક તો તો ઘણા જોવા મળશે પણ પોતાના વજનદાર ઇગોને જીરવનાર જમાનો પણ જીવતેજીવત પામે એવા સર્જક તો જૂજ જ. જનાબ આવા ‘રેરેસ્ટ’માં સ્થાન પામે છે. ૨૩-૦૪-૧૮૫૦ના રોજ પ્લુરિસીના કારણે રિડલ માઉન્ટના એમના ઘરમાં જ મૃત્યુ.

વર્ડ્સવર્થને ઇન્ગ્લેન્ડના શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખનાર લોકોનો તોટો નહીં જડે. કોલરિજની સાથે ભાગીદારીમાં પ્રગટ કરેલ ‘લિરિકલ બેલડ્સ’થી અંગ્રેજી સાહિત્યમાં સુપ્રસિદ્ધ ‘રૉમેન્ટિક’ ક્રાંતિ અને યુગના શ્રીગણેશ થયા. કવિતા વિશેની એમની બહુખ્યાત વ્યાખ્યા, ‘કવિતા બળવત્તર સંવેદનાઓનો સ્વયંસ્ફૂર્ત ઉભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર થયેલ લાગણીમાંથી જન્મે છે’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. કવિતા વિશેની એમની ‘તીવ્ર’ માન્યતા હતી કે કવિતાનો વિષય સામાન્ય જનજીવનમાંથી, બહુધા ગ્રામ્યજીવનમાંથી જ પસંદ કરેલો હોવો જોઈએ કેમકે હૃદયના આવશ્યક આવેગ એ જ જમીનમાં પુખ્તતા પામી શકે છે. તદુપરાંત કવિતાની ભાષા પણ રોજિંદા જીવનની જ હોવી જોઈએ અને ગદ્ય અને છાંદસ ભાષા વચ્ચે કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કવિ ઘણે અંશે આ માન્યતાને જડની જેમ વળગી પણ રહ્યા હતા પણ એમના જ અંગતતમ મિત્ર કોલરિજે આ બાબતમાં જાહેરમાં એમના છોતરાં ફાડ્યાં હતાં. સાહિત્યજગતની ઉત્તમોત્તમ મૈત્રીમાંની એક આ કારણ સિવાય, બંનેના વ્યક્તિત્વના ભેદભાવ, કોલરિજનું અફીણનું વ્યસન અને ગાંડપણ, તથા વર્ડ્સવર્થની સાળી સાથે કોલરિજના લગ્નથી જન્મેલ કજોડું –જેવા કારણોસર પડી ભાંગી. તોય કોલરિજના મૃત્યુ બાદ વર્ડ્સવર્થે એના પુત્રની સાળસંભાળ રાખી હતી. કવિતાની સાદગી અને સૌંદર્યની બાબતમાં વર્ડ્સવર્થને ભાગ્યે જ કોઈ અતિક્રમી શકે. એ રીતે જોતાં એમનું નામ વર્ડ્સવર્થ -શબ્દો જેમને લાયક છે- યથાર્થ છે.

પ્રથમ પંક્તિ કવિતાનું શીર્ષક પણ છે. ૧૭૯૮માં લખાયેલી આ કવિતા પ્રકારની દૃષ્ટિએ લિરિક છે. બર્ન્સ કે શેલીની જેમ લિરિકલ પોએટ્રીના માસ્ટર ન હોવા છતાં એ એમને ઠીકઠાક માફક આવી છે. એમના સૉનેટ જોકે અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠતમ ગણાય છે. લિરિકલ-પોએટ્રી યાને કે ઊર્મિકાવ્ય કે ભાવગીત નામ પ્રમાણે જ ઊર્મિપ્રધાન-ભાવપ્રધાન હોય છે, વિચારપ્રધાન નહીં. આ કવિતાઓ જ્યારે તમારી અંદરથી પસાર થાય છે ત્યારે દિલને પહેલાં સ્પર્શે છે, મગજને પછીથી. અહીં પ્રસ્તુત રચના પણ સીધી દિલને જ સ્પર્શી જાય છે. આ ઊર્મિગીત શોકગીત (Elegy) અને લોકગીત (Ballad)– બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. શોકગીત કેમ છે એ તો દેખીતું જ છે. સાથોસાથ લોકગીતના લક્ષણો પણ અહીં છે જેમ કે, છંદ તથા પ્રાસ. ત્રણ ચતુષ્કમાં વારાફરતી આયમ્બિક ટેટ્રામીટર અને ટ્રાઇમીટર તથા ABAB પ્રકારની પ્રાસવ્યવસ્થા અહીં પ્રયોજાઈ છે. લોકગીતની અન્ય લાક્ષણિકતા મુજબ કવિતા ટૂંકી છે, સરળ અને સીધી ભાષામાં લખાઈ છે અને એમાં કથા પણ વણી લેવામાં આવી છે. કવિતા રૉમેન્ટિક પોએટ્રીનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારના ઇંગ્લેન્ડમાં રોમાન્સ, રોમેન્ટિક, રોમાન્ટિસિઝમનો અર્થ આજે આપણે જે પ્રેમ સંબંધી અર્થ તારવીએ છીએ એ નહોતો. રોમાન્સ શબ્દ ‘રોમન’ પરથી ઊતરી આવ્યો હતો. એ સમયે રોમાન્સ એટલે વ્યક્તિગત હીરોગીરી આધારિત મધ્યયુગીન રાજવી પરાક્રમોની વાર્તા કે ગીતગાથા. એના પરથી પ્રવર્તમાન ‘ક્લાસિકલ’ પ્રવાહની વિરુદ્ધ વ્યક્તિગત લાગણીઓનો ઊભરો અને પ્રકૃતિના નાનાવિધ સ્વરૂપોની આરાધના કરતો જે કળાપ્રવાહ ઊભરી આવ્યો એ રોમાન્ટિસિઝમ કહેવાયો અને વર્ડ્સવર્થ એના મુખ્ય પ્રણેતા ગણાય છે. વર્ડ્સવર્થની આ કવિતા રોમેન્ટિક યુગનો આયનો છે. વિષય અને કાવ્યપદ્ધતિ –બંને રીતે આ રચના રોમાન્ટિસિઝમના લક્ષણ ધરાવે છે. સીધી-સરળ ભાષા, સહજ અભિવ્યક્તિ, અંગત લાગણી, ગ્રામ્યજીવન અને કુદરતનું મહત્ત્વ, પારંપારિક પૌરાણિક પાત્રોની ગેરહાજરી અને લાઘવ- રોમાન્ટિસિઝમની આ તમામ કસોટી પર આ કાવ્ય ખરું ઉતરે છે. ચુસ્ત પ્રાસ જાળવવા જતાં કદાચ કવિતા બહારના શબ્દો કવિતામાં લાવવાની ફરજ પડે એ બીકે અનુવાદ કરતી વખતે ચુસ્ત પ્રાસનો મોહ જતો કરવો પડ્યો છે.

આ કવિતા ‘લ્યુસી’ નામના કાલ્પનિક પાત્ર માટે લખાયેલી છે. વિશ્વ સાહિત્યમાં કાલ્પનિક કે મનગમતી પણ હાથવગી ન થઈ શકે એવી સ્ત્રીને સંબોધીને કવિતાઓ લખવાનો ચીલો નવો નથી. છેક ચૌદમી સદીમાં ઇટાલીના પેટ્રાર્કે (જેને દુનિયા આજે સૉનેટ કાવ્યસ્વરૂપના પિતા ગણે છે) લૉરા ડિ નોવ્સ નામની સ્ત્રી માટે સૉનેટ્સ લખ્યા. જેના પરિપાકરૂપે આવનારી સદીઓ સુધી આવા કૃત્રિમ પ્રણયકાવ્યો લખવાની પ્રણાલિકા સ્થાપિત થઈ જે ‘પેટ્રાર્કન કન્વેન્શન’ તરીકે ઓળખાયું. દાન્તે જેવા દિગ્ગજ કવિએ પણ બિટ્રિસ પોર્ટિનારી માટે આવા પ્રણયકાવ્યો લખ્યાં. શેક્સપિઅરના સૉનેટ્સમાં કોઈક પુરુષપાત્ર માટેનું સમલૈંગિક આકર્ષણ સદાકાળ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, ચન્દ્રવદન મહેતાની ‘ઈલા’, ખલીલ ધનતેજવીની ‘અનિતા’ એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’…! લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આજે પણ કલ્પનાનો વિષય છે. કવિએ પોતે કદી આ પાત્રની હકીકત ઉપર પ્રકાશ ફેંક્યો નથી. પણ ‘લિરિકલ બેલડ્સ’ના કાવ્યો બહુધા વાસ્તવિક જીવનમાંથી આવ્યા હોવાથી લ્યુસીને સાવ જ કપોળકલ્પિત ગણી લેવી પણ સર્વથા યોગ્ય નથી. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ વિશદ ચર્ચા જગાવી છે. એમની એક કવિતા ‘લ્યુસી ગ્રે’નો ઉત્તમ ભાવાનુવાદ ‘મીઠી માથે ભાત’ કવિતામાં શ્રી વિઠ્ઠલરાય આવસત્થીએ કર્યો છે. પ્રસ્તુત કાવ્યમાં શરૂમાં બે બીજા પણ ચતુષ્ક હતાં, જેને કવિએ પાછળથી કાઢી નાંખ્યાં હતાં. મૂળ કાવ્યની શરૂઆત આ હતી:

આશ હતી જે મારી, એ શહેરોથી આઘે,
ઊછરી એકાકી વગડામાં;
હોઠ રતુંબલ એના લાલ ગુલાબ જ જાણે,
વાળ ફૂલોની જાણે માળા.

(My hope was one, from cities far,/Nursed on a lonesome heath;/Her lips were red as roses are,/Her hair a woodbine wreath.)

કવિતાની શરૂઆત નાયિકા વણકચડાયેલ માર્ગો વચ્ચે, ઝરણાંઓ પાસે રહેતી હતી ત્યાંથી થાય છે. કવિતા અંતભાગે પહોંચે છે ત્યાં સુધી નાયિકાનું નામ, અને એ મરી ચૂકી છે એ માહિતી ગુપ્ત રહે છે. પણ ‘રહેતી’તી’ કહીને કવિ આ ઘટના ભૂતકાળની હોવાનો ઈશારો તો કાવ્ય ઊઘડતાવેંત જ કરી દે છે. વણકચડાયેલા રસ્તાઓ માત્ર જંગલના નથી, લ્યુસીના વ્યક્તિત્વના પણ છે, મનોજગતના પણ છે અને અબોટ સેક્સ્યુઆલિટિના પણ છે. લ્યુસીના દિલ સુધી, મન સુધી, શરીર સુધી કદાચ કોઈ પહોંચી શક્યું નહોતું. એ રસ્તાઓ કોઈએ હજી સુધી કચડ્યા નથી. એ ઝરણાંઓ પાસે રહે છે. ઝરણાં શબ્દ સાથે જ આપણાં માનસપટ પર સ્વચ્છ, તાજું, શીતળતાદેય, વહેતું પાણી તરવરી આવે. એક કુંવારિકાની તાજપ, અક્ષુણ્ણતા અને ચંચળતા- આ બધું કવિ એક જ વિશેષણમાં રજૂ કરી દે છે. આ શબ્દની તાકાત છે અને વર્ડ્સવર્થ જેવાને એ હસ્તગત છે. બધું હોવા છતાં આ મુગ્ધા, આ સુંદરી દુનિયાની નજરોથી એ રીતે દૂર છે, કે એને વખાણનાર કે ચાહનાર કોઈ નથી. થોમસ ગ્રેની ૧૨૮ પંક્તિની ‘એલિજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’ કવિતા યાદ આવે: ‘ઘણાં ફૂલ વણદેખ્યાં રહી જવા અને એમની મીઠાશ રેગિસ્તાનની હવાઓમાં વેડફી દેવાને માટે જ જન્મ્યાં હોય છે.’

લ્યુસી ક્યાં રહે છે એ કહ્યા બાદ એ કેવી છે એ તરફ કવિનો કેમેરા ફરે છે. પથ્થર લાંબો સમય ઝરણાં પાસે પડી રહે એટલે સમય એના પર શેવાળ બનીને ફરી વળે. કવિ લ્યુસીને પથ્થર પાછળથી ઊગી આવતું પણ પથ્થરના કારણે અડધું જ નજરે ચડતું અર્ધનિમીલિત આંખ જેવું જાંબુડી ફૂલ કહે છે. તકલીફો પછીતેથીય ઉપસી આવતું પણ વણપ્રીછ્યું જ રહી ગયેલું લ્યુસીનું વ્યક્તિત્વ અને એની સુંદરતા- બંને અહીં છતા થયાં છે. લ્યુસીનું સૌંદર્ય એકલપંડા તારા જેવું છે. વીનસ યાને શુક્રનો તારો મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર તરીકે ઓળખાય છે. રાત પડે ત્યારે અને સવાર પડવાની હોય એ વખતે, બીજા એકેય તારાઓ દૃષ્ટિગોચર થતા ન હોય એ સમયે શુક્રગ્રહ એકલવાયો પ્રકાશતો જોવા મળે છે. જો કે શુક્રના અતિપ્રકાશિત અને સર્વવિદિત ગ્રહ સાથે કવિ અણજાણ જિંદગી જીવી ગયેલી લ્યુસીને સરખાવે છે જરા અજુગતું પણ લાગે છે. જો કે લ્યુસી શબ્દ લેટિન શબ્દ લક્સ યાને પ્રકાશ પડતી ઊતરી આવ્યો છે, એ જોતાં જંગલમાં એકલી હોવા છતાં દેદિપ્યમાન સૌંદર્યની સામ્રાજ્ઞી લ્યુસીની એકલવાયા તારાના પ્રકાશ સાથેની સરખામણી યથાર્થ પણ જણાય છે. વળી, શુક્ર એટલે કે વિનસ ગ્રીક પુરાકથાઓમાં સૌંદર્ય, પ્રેમ અને કામની દેવી છે, એ વાત પણ આ સરખામણીને ટેકો આપે છે. આકાશમાં એક જ શુભ્ર પ્રકાશિત તારો દૃષ્ટિગોચર થતો હોય એમ અવાવરુ જંગલમાં ઝરણાકાંઠે લીલબાઝ્યા પથ્થર પાછળ ખીલેલા એકાકી રંગીન પુષ્પ જેવી એ શોભાયમાન છે…

આખરી બંધમાં યુવતીનું નામ અને એના અકાળ મૃત્યુના સમાચાર આપણને મળે છે. સરનામાં વિનાની ટપાલ જેવી ઓળખાણરહિત જિંદગી એ જીવી ગઈ અને કદાચ એ હવે નથી રહી એની પણ બહુ લોકોને ખબર નહીં હોય. અન્ય એક લ્યુસી કાવ્યમાં કવિ લખે છે: ‘તે મરી ગઈ, અને મારા માટે આ ઉજ્જડ વગડો, આ શાંતિ અને આ નિઃસ્તબ્ધ દૃશ્ય છોડી ગઈ.’ અન્ય લ્યુસી કાવ્યમાં એના મૃત્યુનો ઉલ્લેખ આ રીતે છે: ‘તેની પાસે હવે નથી કોઈ ગતિ, નહીં બળ; એ નથી સાંભળી શકતી, નથી જોઈ.’ જેને કોઈ જાણતું નહોતું એવી સૌંદર્યવતી લ્યુસી હવે કબરમાં જઈ સૂતી છે એમ કહ્યા પછી કવિ ‘રે રે’ના વિસ્મયોદ્ગાર સાથે આ ઘટનાથી પોતાને પડેલા ફરકનો સ્વગતોચ્ચાર કરીને કાવ્ય પૂર્ણ કરે છે.

જિંદગી જેમને ધ્યાનમાં નથી લેતી કે કદર નથી કરતી એ તમામ લોકો માટે કદાચ કવિનું આ કલ્પાંત છે. એવા તારાઓ જે એકલા જ પ્રકાશે છે, મુસાફરી કરે છે અને બળીને અંતે ખતમ થઈ જાય છે. શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ પાછળ આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય! બીજી રીતે જોઈએ તો આ કવિતા કદાચ લ્યુસીની ઓછી છે અને કવિની વધારે છે. કદાચ લ્યુસીની જિંદગી અને મોત કરતાં પણ કવિની સંવેદનશીલતાનું અહીં વધુ મહત્ત્વ હોય એમ પણ અનુભવાય. એક લગભગ ગુમનામ કુમારિકા જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે? પણ કવિ પોતાને પડેલા ફરકની વાત કરીને અટકે છે, ભાવકને અટકવા મજબૂર કરે છે. આગળ કહ્યું એમ વર્ડ્સવર્થ જીવનભર પોતાના અહમનો ભાર ઊંચકીને ચાલ્યા. અહીં દેખીતી રીતે તો કવિ લ્યુસી જેવા એકલવાયા ગુમનામ જીવ પરત્વેની પોતાની દરકાર-પોતાનો ફરક અધોરેખિત કરે છે, પણ આ વાત શેવાળ-છાયો પથ્થર ફૂલને ગમે એટલું ઢાંકે તોય એ અડધુંપડધું દેખાઈ આવે એના જેવી છે. તુચ્છ મનુષ્ય માટે પણ ઉદાત્ત મમતા દાખવીને કવિ ભાવક સામે માત્ર પોતાની તીવ્ર ઊર્મિશીલતા અને સ્નેહભાવ જ ઉજાગર કરવાની કોશિશની આડમાં પોતાનો અહમ છૂપાવવા ઇચ્છે છે પણ કવિની આત્મશ્લાઘાપૂર્ણ પ્રયુક્તિ ન ઇચ્છવા છતાંય છતી થઈ જાય છે. ટૂંકમાં, આ ગીત ક્દાચ એકલી લ્યુસીની જ નહીં, કવિની પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે.

કવિતા એવી ટૂંકી ટચરક છે, કે શરૂ થવાની સાથે જ અંત પામે છે. લ્યુસીના ટૂંકી જીવનરેખા સાથે એ એકદમ સુસંગત છે. સરળ ભાષામાં કવિએ આખી રચનામાં મોટાભાગે એક-એક શબ્દાંશ (single syllables)વાળા શબ્દો જ વાપર્યા હોવાથી કવિતાનો ભાવ દિલને વધુ નજીકથી સ્પર્શવામાં સફળ રહે છે. શબ્દો અને વર્ણનની કરકસર વાતને વધુ અસરદાર બનાવે છે. લ્યુસીની સાદગી સાદી ભાષાના કારણે તાદૃશ થાય છે. પોતાને પડેલા ફરકનો ઉલ્લેખ માત્ર કરીને કવિ પોતાને પડેલા ફરકને અલ્પોક્તિ વડે જે સિફતથી હાઇલાઇટ કરે છે, એ બહુ ઓછા કવિઓ કરી શકે છે. પરિણામે સવા બસો જેટલાં વર્ષોના વહાણાં વાઈ ચૂક્યાં હોવા છતાં આ કવિતા આજે પણ વિશ્વભરના ભાવકોને પ્રભાવિત કરે છે.

ગ્લોબલ કવિતા : ૧૫૧ : સાક્ષી – માર્કસ આર્જેન્ટેરિયસ

Witness

Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.

– Marcus Argentarius

સાક્ષી

છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌનો સાક્ષી બન્યો છે આ દીવો.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं |

પ્રેમના નામે આપણે ગમે એટલાં બણગાં કેમ ન ફૂંકતા હોઈએ, પ્રેમમાં એક થવાની તડપ અને તરસ તો હોય જ. જેમાં બે પાત્ર એકાકાર થવાની આરત ન ધરાવતા હોય એવો આત્મીય પ્રેમ મોટા ભાગે પુસ્તકોમાં જ જીવતો જોવા મળે છે. બે તલસાટસભર દેહનું મિલન ‘નિર્દંભ’ પ્રેમની ચરમસીમાએ થયા વિના ભાગ્યે જ રહે છે. વળી, પોતે જે કર્યું છે એનું રસિક વર્ણન કરવાની પણ એક ઓર જ મજા છે. કવિઓ, ચિત્રકારો, શિલ્પકારો કામકેલિના અમૂર્ત અનુભવોને મૂર્ત કરવામાં જીવનનું સાફલ્ય ગણતાં હોય છે. જો કે, પ્રેમનું વર્ણન કરતી વખતે મુઠ્ઠી જેટલી ઊઘાડી હોય એના કરતાં થોડી બંધ રાખવામાં આવે તો વાત ઓર ચટાકેદાર બનતી હોય છે. કહેવા કરતાં અધૂરું કહેવાની મજા વધારે જ હોવાની. પ્રેમની પરાકાષ્ઠાની વાતો કરતું એક ગીત આપણે સૌએ કદાચ સાંભળ્યું જ હશે: ‘तेरे लबों से प्यार की कलियाँ तोड लूं, तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं’ –આ ગીત આપણા દરેકની ભીતર રહેતા પ્રેમીને ઠે…ઠ ઊંડે જઈને પ્રસવારતું હોય એવી મીઠી અનુભૂતિ કરાવે છે, આપણને મજા પડે છે પણ આ ગીત કંઈ આજના જમાનાની ફળશ્રુતિ નથી એવી ખબર પડે તો? આવું જ ગીત આજથી બે હજાર વર્ષ પહેલાં કોઈ લખી ગયું છે એમ ખબર પડે તો કેવું સાનંદાશ્ચર્ય થાય?! આર્જેન્ટેરિયસનું પ્રસ્તુત લઘુકાવ્ય આ વાત લઈને આપણી સમક્ષ હાજર છે.

માર્કસ આર્જેન્ટેરિયસ. લગભગ બે હજાર વર્ષ પહેલાં થઈ ગયેલો કવિ. એના નામે ગ્રીક એન્થોલોજીમાં ત્રીસેક જેટલા ચાટુક્તિસભર લઘુકાવ્યો (Epigrams) બોલે છે જેમાંના મોટાભાગના સંભોગશૃંગારને લગતા તો કેટલાક શબ્દાર્થની રમત અને વ્યંગસભર છે. શ્લેષાલંકાર (Paronomasia/Lusus verborum) તો એમની કૃતિઓમાં એમની ઓળખ બની રહે એ રીતે રચ્યોપચ્યો જોવા મળે છે. એમના સમયના અન્ય ગ્રીક કવિઓની રચનાઓમાંથી એમના જીવન કે તત્કાલિન સમાજ વિશેની માહિતી મળી આવે છે, જે જે-તે કવિ તથા એના જીવનકાળ પર પ્રકાશ નાંખવામાં મદદરૂપ થાય છે, પણ માર્કસની રચનાઓમાંથી એમના જીવન કે સમાજ પર પ્રકાશ નાંખે એવી કોઈ માહિતી ભાગ્યે જ હાથ આવી છે. એટલે એમના જીવન વિશે નહિવત્ જાણકારી જ ઉપલબ્ધ છે. જાણકારોના અનુમાન મુજબ ઈસુના જન્મ પૂર્વેના શતકમાં એમનો જન્મ થયો હોવાની શક્યતા વધુ છે. એ જમાનામાં વ્યવસાયના આધરે નામકરણ થતું એ જોવા જઈએ તો આર્જેન્ટેરિયસનો અર્થ બેન્કર અથવા ચાંદીનો કારીગર થાય છે. ગ્રીક રુઢિપ્રયોગો તથા પિંગળ પરના કવિનું પ્રભુત્વ હોવાથી લેટિન નામ હોવા છતાં એમની મૂળ ભાષા ગ્રીક હશે અને તેઓ તે સમયની સંસ્કારનગરી રોમના નિવાસી હશે એવું માની શકાય. હૉમરનો પ્રભાવ એમની કલમ પર વર્તાઈ આવે છે. આર્જેન્ટેરિયસની રચનાઓ બહુધા એલેક્ઝાન્ડ્રીઅન હેક્ઝામીટરમાં લખાયેલી જોવા મળે છે, જેના ડેક્ટાઇલ (ગુરુ-લઘુ-લઘુ) અને સ્પોન્ડી (ગુરુ-ગુરુ) પદ્યભારના વપરાશના આધારે પ્રમુખ ચાર પ્રકાર પડે છે: dsddd , ddddd , ssddd, sdddd; જે અનુક્રમે છવ્વીસ, એકવીસ તથા તેર-તેર વાર પ્રયોજાયેલ છે. (સ્ટુઅર્ટ જી. એફ. સ્મૉલના સંશોધનલેખના આધારે)

ઉપલબ્ધ વિશ્વકવિતાના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરતાં સમજાય છે કે પ્રાચીન વિશ્વમાં કોઈપણ સંસ્કૃતિ-કળામાં સેક્સ અને સ્ત્રી-પુરુષના અંગોપાંગના ખુલ્લા વર્ણનોનો કોઈ છોછ નહોતો. ઊઘાડું લખનાર, ઊઘાડું દોરનાર અને ઊઘાડાં શિલ્પ બનાવનાર એ સમાજ વધુ સુસંસ્કૃત હતો, વધુ પુખ્ત હતો અને એ સમાજમાં સ્ત્રીઓ કદાચ વધારે સુરક્ષિત હતી. સમય સાથે જેમ-જેમ આપણે આપણી જાતને વસ્ત્રોથી વધુ ઢાંકતા ગયા, એમ-એમ સભ્યતા અને સંસ્કાર ના નામે આપણે વધુ અસભ્ય અને અસંસ્કારી બનતા ગયા. જાહેર નગ્નતા તરફ છોછ રાખવાનો શરૂ થયો એની સમાંતરે સ્ત્રીઓ પર થતા જાતીય હુમલાઓ વધતા ગયા. સંભોગની ચરમસીમાએ યોનિપ્રવિષ્ટ પૂર્ણઉત્તેજિત શિશ્નપૂજન એ આપણી સંસ્કૃતિનું સાચું ઔદાર્ય સૂચવે છે. આસામમાં કામાખ્યાદેવીના મંદિરમાં યોનિપૂજા કરવા વિશ્વભરમાંથી ભારતીયો આવે છે. સમાજમાં શિવલિંગપૂજા અને યોનિપૂજા તો રહી ગયા આપણે એનો સંદર્ભ ગુમાવી બેઠાં છીએ. વાત્સ્યાયન-ખજૂરાહોની પરંપરાથી સમૃદ્ધ છતાં આપણી સંકીર્ણ રોગિષ્ઠ માનસિકતાએ આજે કામસૂત્રને પણ બદનામસૂત્ર બનાવી દીધું છે. વાત્સ્યાયન અને ખજૂરાહોને આપણે વર્તમાન અને પ્રવર્તમાન રાખવાના સ્થાને ઇતિહાસ બનાવી દીધાં એને આપણી સંસ્કૃતિએ પગ પર કુહાડો માર્યાની ઘટના જ લેખી શકાય. ખેર, આપણે આપણી કવિતા તરફ વળીએ.

વ્યક્તિવાચક સંજ્ઞાથી શ્લેષ જન્માવવા માટે માર્કસ જાણીતા છે. જો કે ક્યારેક નામ માત્ર છંદ સાચવવા (metri gratia) માટે પણ વપરાયા છે. આ કવિતામાં આવતા એન્ટિગ નામ સાથે કોઈ શ્લેષાલંકાર જોડાયેલ હોય તો એ આપણે આજે જાણતા નથી. એન્ટિગની ગ્રીક પુરાકથાઓનું મહત્ત્વનું પાત્ર છે. લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની સગી માતા જોકાસ્ટા સાથે અજાણતા થયેલ લગ્નથી જન્મેલ અનૌરસ સંતાન એ એન્ટિગની. એટલે સંબંધમાં એ ઇડિપસની બહેન પણ ખરી અને પુત્રી પણ ખરી. થીબ્સના યુદ્ધમાં એન્ટિગનીના બન્ને ભાઈઓ પરસ્પર વિરોધી છાવણીમાંથી લડીને વીરગતિ પામે છે. વિજેતા રાજા ક્રિઓન પોતાના પક્ષે લડેલા ઇટિઓક્લિસને તો માનભેર દફનાવવાની તજવીજ કરે છે પણ પોલિનિસસ સામા પક્ષે લડ્યો હોવાથી એનું શબ નગરમાં દાટવાના બદલે યુદ્ધમેદાનમાં ખુલ્લું જ સડવા દેવાનો આદેશ આપે છે જે એ જમાનામાં સૌથી મોટું અવમાન ગણાતું. શબની આ અવહેલના ત્યારે અત્યંત કડક અને શરમજનક સજા ગણાતી. પણ પોલિનિસસને થીબ્સમાં જ દફન કરવાની જિદ્દ પર અણનમ એન્ટિગની આ આદેશનો અનાદર કરવાની કોશિશમાં પકડાઈ જાય છે. પોતે જે કર્યું છે એના પર એન્ટિગનીને પસ્તાવો નથી. એ માને છે કે એણે ઈશ્વરના કાયદાનું પાલન કરવાની, પારિવારિક વફાદારી તથા સામાજિક ઔચિત્ય જાળવવાની કોશિશ જ કરી છે. એ ક્રિઓનની સામે હિંમતભેર ઊભી રહે છે, દલીલો કરે છે, દયાની ભીખ માંગતી નથી અને મૃત્યુદંડની સજા પામે છે. નાટ્યાત્મક વળાંકો પછી ક્રિઓન સજા બદલવાનું વિચારે છે પણ ત્યાં સુધીમાં એન્ટિગની મૃત્યુને વહાલું કરી ચૂકી હોય છે. સર્વકાલીન ઉત્તમ સર્જક સોફોક્લિસની બહુખ્યાત ‘ઇડિપસ ત્રિલજી’માં એન્ટિગની કહે છે, ‘કોઈએ મારા માટે લગ્નગીત ગાયાં નથી, મારી લગ્નશૈયા કોઈએ ફૂલોથી વણી નથી, હું મૃત્યુને પરણી છું’ (No youths have sung the marriage song for me,/My bridal bed/No maids have strewn with flowers from the lea,/’Tis Death I wed.)

એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. બીજો અર્થ ‘મા-બાપને લાયક’ પણ થાય છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીની હિંમત, જિદ અને પરિવાર તરફની ફરજ નિભાવવાની સમજ એને એ જમાનાના પુરુષોથી મુઠી ઊંચેરી સિદ્ધ કરે છે, એની તાકાતનો અહેસાસ કરાવે છે. એના નામના અર્થને એ સાર્થક કરે છે. પ્રસ્તુત રચનામાં એન્ટિગનીનો ઉલ્લેખ એના વિશે આટલું જાણવા છતાંય સમજણના પ્રદેશની જરા બહાર રહી જતો અનુભવાય છે. માર્કસની અન્ય લઘુરચનાઓ જોઈએ:

‘પહેલાં તું, એન્ટિગની, સિસિલિઅન (રસાળ વૈવિધ્યસભર વાનગીઓનો પ્રદેશ) હતી, પણ જ્યારથી તું ઇટોલિઅન (વિવિધ માંગણીઓ કરનાર, ભિખારી) બની ગઈ છે, હું મિડ (કંજૂસ) બની ગયો છું.’ (To me you were formerly a Sicilian, Antigone; but since you/have become an Aetolian, look, I have become a Mede. )

‘ત્રણ વખત તું છીંક્યું, વહાલા ફાનસ! શું, કદાચ, મને એ કહેવા માટે કે આહ્લાદક એન્ટિગની મારા કક્ષમાં આવી રહી છે? કેમ કે આ વાત, મારા સ્વામી, જો સાચી હશે તો, તારે ત્રિપાઈની બાજુમાં, એપોલોની જેમ, ઊભા રહેવું પડશે.’ (Thrice have you sneezed, dear lamp ! Is it, perhaps, to tell me that delightful Antigone is coming to my chamber? For if, my lord, this be true, you shall stand by the tripod, like Apollo, and prophesy to men.)

અન્ય રચનાઓમાંના એન્ટિગનીના આવા ઉલ્લેખ જોતાં એમ માની શકાય કે આ નામ કોઈ સૂચિતાર્થ વિના વપરાયું હોઈ શકે. કવિતામાં તત્કાલીન પાત્રોનો નામોલ્લેખ કદાચ એ જમાનાની કાવ્યપ્રણાલિનો અંશ પણ હોઈ શકે. હશે, કદાચ એમ પણ હોય. પણ કેટલીકવાર કવિતામાં કોઈનો નામોલ્લેખ નામ સાથે જોડાયેલી અર્થચ્છાયા ઊભી કરવા પૂરતો પણ હોઈ શકે. રાણી લક્ષ્મીબાઈનું નામ લેતાંની સાથે જ આપણું ભાવવિશ્વ વીરાંગના સાથે, સ્વાભિમાન અને આઝાદીની ઉત્કટ ઝંખના સાથે સંકળાઈ જાય છે. એ જ રીતે કદાચ આ રચનામાં એન્ટિગનીની હાજરી કદાચ રતિક્રીડામાં સ્ત્રી-પુરુષ વચ્ચે સર્જાતા મૂક સાયુજ્ય દરમિયાન નારીશક્તિનો અહેસાસ કરાવવા ખાતર પણ હોય.

પ્રસ્તુત રચના માર્કસની ઉપલબ્ધ ચાટુક્તિઓ (એપિગ્રાફ્સ)માંની એક છે. મૂળ ગ્રીક ભાષાની આ રચનાના એકાધિક અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ છે. મોટાભાગના અનુવાદો જે રીતે એકબીજાથી નાની-નાની જગ્યાએ અલગ તરી આવે છે, એ જોતાં જ રૉબર્ટ ફ્રોસ્ટ યાદ આવી જાય: ‘કવિતા જ છે, જે અનુવાદમાં ખોવાઈ જાય છે.’ ઉપલબ્ધ અનુવાદોમાંથી જે વધુ સ્પર્શી ગયો એના આધારે આપણે આગળ વધીએ. સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે.સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે. બે જણ પ્રગાઢ આલિંગનમાં બદ્ધ છે. સ્ત્રીના સ્તન પુરુષની છાતીમાં ભીંસાઈ ગયાં છે. ચાર હોઠ એક થઈ પ્રેમરસનું પાન કરી રહ્યા છે. પ્રેયસીની ત્વચા જાણે પોતાની જ ત્વચા ન હોય એમ પ્રેયસીને ઓઢીને એકાકાર થયેલ પ્રેમી આગળની ઘટનાઓનું વર્ણન કરવાના બદલે અચાનક મૌન રહેવાનું નક્કી કરી, આપણા રસભાવની કસોટી કરતા હોય એમ આગળની વાર્તા આખી ઘટનાના ‘સાક્ષી’ દીવાના ઝાંખા પ્રકાશના હાથમાં છોડી દે છે… આ પ્રિટરિશિયો (Praeteritio)નું સ-રસ દૃષ્ટાંત છે. આ શબ્દાલંકારનું ગુજરાતી ભાષાંતર દોહ્યલું છે. મૂળ લેટિનમાં આ શબ્દનો અર્થ ‘છોડી દેવું’ થાય છે. ના-ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે જેવી આ વાત છે. નથી કહેવું કહીને કહેવાનું. અવગણીને ધ્યાન ખેંચવાનું. એને ઓક્યુલેશિયો, એપોફેસિસ કે પેરાલેપ્સિસ પણ કહે છે. (આ સંજ્ઞાઓનું ગુજરાતી પણ કપરું જ છે!) પણ મુખ્ય વાત ન કહીને કહેવાની છે ને એની આ કવિતામાં ખરી મજા છે. છાતી, સ્તન, હોઠ, ત્વચા –કામકેલિ જે રીતે આગળ વધે છે એ જોતાં આગળ જનનાંગોના નામ કઈ રીતે કવિએ પ્રયોજ્યા હશે કે કામક્રીડાનું રસાળ વર્ણન કવિએ કેવું કર્યું હશે એ જોવા-જાણવાની ઉત્કંઠા કાવ્યારંભે જ તીવ્રતમ થાય પણ કવિતામાં આગળ વધતાં જ કવિ રતિક્રીડાના સાક્ષી દીવાને આગળ ધરી દઈને અચાનક મૌન સેવે છે. આ છે પ્રિટરિશિયો.

એક બીજી આડવાત. શબ્દાલંકારની જ વાત નીકળી છે તો કવિતામાં અધૂરી છોડી દેવાયેલ ભાષાશૈલી – પોલિપ્ટોટન (polyptoton)ને પણ સમજી લઈએ. (આ પોલિપ્ટોટનનું ગુજરાતીકરણ પણ કેમ કરવું?) એક જ મૂળમાંથી જન્મેલા શબ્દોને જોડાજોડ પ્રયોજવાના કવિકર્મને પોલિપ્ટોટન કહે છે. દા.ત.રિચર્ડ બીજો નાટકમાં શેક્સપિઅર કહે છે, With eager feeding, food doth choke the feeder. (આગ્રહપૂર્વક ખવડાવવામાં આવતાં, ખોરાક ખાનારને ગૂંગળાવી શકે છે.) પ્રસ્તુત રચનામાં કવિ છાતી, સ્તન, હોઠ અને ચામડી – એમ વારાફરતી સ્ત્રી અને પુરુષના અંગોની વાત કરે છે. પોલિપ્ટોટન આગળ વધે તો હવે સ્ત્રી અને પુરુષના જનનાંગોના નામ કવિતામાં આવે પણ ત્યાં કવિ વાત અધૂરી મૂકી દે છે… અને કવિતા વધુ રસપ્રદ બને છે.

સાવ એક લીટી જેવડી નાનકડી કવિતા, પરંતુ જેમ કામકેલિની ચરમસીમા પણ ક્ષણિક છતાં પ્રબળ હોય છે એમ જ ટચૂકડી છતાં તાકતવર. છાતી છાતીની સાથે જકડાયેલી છે એમ કહી દીધા પછી સ્તનની વાત કરે છે… બંને અલગ ? કે પછી વર્તુળના પરિઘ પરથી કેન્દ્ર તરફની ગતિ અહીં ઈંગિત થાય છે? પ્રગાઢ ચુંબન પછી નાયક એન્ટિગનીને વચ્ચે કશું જ ન રહે એમ જાતસરસી જકડી લે છે. એની ત્વચા નાયકની ત્વચા બની રહે છે. अब हवा भी नहीं, तेरे मेरे दरमियां।

ચસોચસતા હો એવી કે હવાની આવજા દુષ્કર બને,
સતત એવા અને એથી પ્રબલ આલિંગનોને શોધું છું.

– અને આ તીવ્રાનુભૂતિ પર આવીને નાયક અચાનક જ મૌન રહેવાનું જાહેર કરે છે… ‘બીજી તમામ ક્રિયાઓ’ બોલીને એ બીજી તમામ ક્રિયાઓની હાજરી હોવાનું તો સમર્થન કરે છે પણ એ ક્રિયાઓ વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. પ્રેમ તો આગળ વધે છે પણ કથા અટકી જાય છે. અહીં સુધીની અને હવે પછીની તમામ ઘટનાઓનો દીવો મૂંગો સાક્ષી બની રહે છે. આમ તો દીવાનું તો કામ પ્રકાશ નાખવાનું છે. અંધારું દૂર કરવાનું છે. અહીં એ બંને પ્રણયરત નિર્વસ્ત્ર પ્રેમીઓના શરીરને પણ પ્રકાશિત તો કરે જ છે પણ જે ઘટના બંને વચ્ચે ઘટી ચૂકી છે કે ઘટી રહી છે એના પર પ્રકાશ ફેંકતો નથી. આખી ઘટનાનો એકમાત્ર સાક્ષી હોવા છતાંય દીવો પ્રકાશ પાડવાના બદલે સમગ્ર ઘટનાને અંધારામાં રાખે છે. આ પેરાડોક્સ-વિરોધાભાસ માત્ર એક જ લીટીની સાવ સામાન્ય લાગતી સંભોગોક્તિને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.

બીજું, અહીં જે પ્રણયની તીવ્રતમ અનુભૂતિ છે એ આ કાવ્યનો આત્મા છે. વાત તો શારીરિક પ્રેમની જ છે પણ એકબીજામાં ઓગળી જવાની પરાકાષ્ઠા, પ્રિયજનની ત્વચાને પોતાની બનાવી લેવાની ઉત્કંઠા દૈહિક આવેશમાં કાવ્યપ્રાણ પૂરે છે. પ્રગાઢ આલિંગન, ચુંબન અને સંભોગથી કવિતા ખુલે છે અને મૌનમાં સમેટાય છે એ જ કેટલું સૂચક છે! પ્રણયની પરાકાષ્ઠાએ શરીર અને શબ્દો – બંને ઓગળી જાય છે. દિવેટ બળે અને મીણ ઓગળે ત્યારે જ અંધકારને મારી હટાવતો પ્રકાશ રેલાય છે. આપણી જાત, આપણી એષણાઓ બળી જાય અને બે જણ એકમેકમાં ઓગળી જાય ત્યારે જ પ્રેમનો શાશ્વત પ્રકાશ રેલાય છે. શબ્દો સળગી ઊઠે અને શબ્દાર્થ પણ મૌનમાં ઓગળવા માંડે એ ઘડી દ્વૈતમાંથી અદ્વૈત તરફની ગતિની, ચિર સાયુજ્યની પરમ ઘડી છે. ઓશો પણ સંભોગથી સમાધિની વાત કરે છે, કેમકે સેક્સની પરાકાષ્ઠાએ જ મનુષ્ય ઈશ્વરની સહુથી વધારે નજીક હોય છે. કામક્રીડાની ચરમસીમા પર હોઈએ એ એક ઘડીએ જ આપણે સંપૂર્ણ શરીરવિહીનતા-સ્વશૂન્યતાની ધન્યાવસ્થાએ પહોંચી શકીએ છીએ, જે અન્યથા વર્ષોના ધ્યાનથી પણ સંભવ બનતું નથી.

આ ગ્રીક કવિતાના અલગ-અલગ અંગ્રેજી અનુવાદ થયા છે જેમાંના એકનું ભાષાંતર કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીને’ પણ કર્યું છે, એ પણ જોઈએ:

એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.

મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.

આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.

ગ્લૉબલ કવિતા : ૧૪૯ : ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

ગુલાબ લાલ, લાલ

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત

પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ તથા અભિવ્યક્તિમાં અતિશયોક્તિ એ આદિકાળથી મનુષ્યમાત્રની અનિવાર્યતા રહી છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આજે આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ ઉભય પક્ષે અપાતા વચનો અશક્ય હોવાની સમજૂતિ હોવા છતાં પ્રેમને આ વચનોની આપલે વિના ચાલતું નથી એ પણ હકીકત છે. પ્રેમની ઘણીકે બાબત અસંભવ હોવા છતાં આપણને આકર્ષે છે, કેમકે પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે. પ્રસ્તુત રચનામાં બર્ન્સ પ્રેમની આ વિભાવનાઓને ચરિતાર્થ કરી બતાવે છે.

રૉબર્ટ બર્ન્સ. ૨૫-૦૧-૧૭૫૯ના રોજ સ્કૉટલેન્ડના કાઇલ જિલ્લ્લાના ઍરશાયર નજીકના એલોવે ગામમાં ખેડૂત પિતાએ હાથે બનાવેલા માટીના ઝૂંપડામાં જન્મ. ગરીબ પણ ખંતીલા ખેડૂતના સાત સંતાનોમાં સૌથી મોટા રૉબર્ટ ‘જ્યાં જાય ઉકો, ત્યાં પડે સૂકો’ જેવું નસીબ લઈ જન્મ્યા હતા. ઔપચારિક શિક્ષણ અને સમૃદ્ધિના અભાવમાં બાળપણથી જ ખેતમજૂરીમાં જોતરાયા. આકરી મજૂરીના કારણે શરીરનો બાંધો નબળો રહ્યો અને ખૂંધ નીકળી આવી. કવિતાએ નાનપણથી જ હાથ પકડ્યો હતો અને પોતાની કવિતા લોકોને ગમે છે એ સમજાઈ જતાં જ એ સોળે કળાએ ખીલ્યા પણ સફળતા પચાવી ન શક્યા. પ્રવર્તમાન યુગના ચલણ મુજબ દારૂ, ઉડાઉપણું અને ઐયાશીથી બચી શક્યા નહીં. ઊલટું કવિ હોવાના અહેસાસે આ બદીઓ વધુ વકરાવી. ખેતીમાં નિષ્ફળ રહ્યા. એક્સાઇઝ સહિતની અનેક નોકરીઓ કરી. પણ એમની ખર્ચાળ જીવનશૈલી માટે નોકરી અને કવિતા અપૂરતાં હતાં. જિન આર્મર સાથે લગ્ન પૂર્વે અને પશ્ચાત એકાધિક પ્રેમસંબંધે પણ જોડાયા. લફરાંઓ ઉપરાંત રુઢિચુસ્ત ધર્મ અને નૈતિકતા સામેની વિદ્રોહી વૃત્તિના કારણે પણ તેઓ જાણીતા હતા. પરિસ્થિતિ અને સંગત અનુસાર પોતાનું વ્યક્તિત્વ બદલી શકનાર બર્ન્સને લોકોએ કાચિંડા પણ કહ્યા છે. સતત અજંપો, અસંતોષી સ્વભાવ, ઉદાસીના હુમલા, ઘેરા તણાવ અને બેબાક જીવનશૈલીના કારણે હૃદયના વાલ્વની (રુમેટિક) બિમારી અકાળે વકરી અને ૨૧-૦૭-૧૭૯૬ના રોજ ડમ્ફ્રીસ ખાતે એમનું નિધન થયું.

ખૂબ નાની વયે દુનિયા છોડી જવા છતાં અમર થઈ ગયા હોય એવા સાહિત્યકારોની લાંબી યાદીમાં માત્ર સાડત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર રૉબર્ટ બર્ન્સ માનભેર મોખરે બિરાજે છે. ઇંગ્લેન્ડના પરિવર્તન યુગમાં થઈ ગયેલ બર્ન્સ આવનાર રોમેન્ટિસિઝમ યુગના પ્રણેતા ગણાય છે. કવિતાના જૂના સ્વરૂપો, નિયમો અને પાંડિત્યપૂર્ણ ભાષાનો અંચળો ફગાવીને સીધી-સ્ટીક લોકબોલીમાં લખાયેલ એમના ગીતો સ્વયંસ્ફૂર્તતા અને નૈસર્ગિકતાના કારણે લોકદિલને સ્પર્શી ગયાં. પ્રચીન લોકગીતોના લયને એમણે પુનર્જીવન બક્ષ્યું. પ્રાદેશિક આબોહવા, સ્થળવિશેષ, રીતિરિવાજો અને લોકબોલીને પકડી લઈને સરળ પણ અદભુત શબ્દો સાથે પરણાવી દેવાની એમની અદ્વિતીય જન્મજાત અવડતના કારણે તેઓ સ્કોટલેન્ડના રાષ્ટ્રીય કવિ ગણાયા. સ્કોટિશ અને અંગ્રેજી –બંને ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં પણ સ્કૉટિશ છાંટની ભરમારવાળી બર્ન્સની કવિતા લાગણી અને અનુભવોના પ્રચંડ કાર્યક્ષેત્ર વડે અને હાસ્ય અને કરુણાને સમાન તુલામાં બેસાડ્યા હોવાથી સમસ્ત મનુષ્યજાતિને એક પરિવાર બનાવવામાં સફળ રહી છે. એમની કાવ્યપ્રતિભા એમના કટાક્ષોમાં ચરમસીમાએ પહોંચે છે. પ્રેમ અને માનવસ્વભાવની લાક્ષણિકતાઓની ઝીણામાં ઝીણી ઝાંય કવિતાઓમાં પકડવામાં એ સફળ રહ્યા છે.

પ્રથમ કાવ્યપંક્તિથી જાણીતી આ સુપ્રસિદ્ધ રચના ઉત્તમોત્તમ ગીતરચના (Lyrical poetry)નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રાચીન લોકગીતોમાં વપરાતું બૅલડ મીટર પ્રયોજીને કવિએ ચાર ચતુષ્ક વડે સોળ પંક્તિનું આ નાનકડું પણ ચુસ્ત ગીત રચ્યું છે. એકી પંક્તિઓમાં આયમ્બિક ટેટ્રામીટર (અષ્ટકલ) તથા બેકી પંક્તિઓમાં આયમ્બિક ટ્રાઇમીટર (ષટકલ) વપરાયા છે, પણ કવિતાની ૧, ૩, ૧૦, ૧૨, તથા ૧૬મી પંક્તિમાં નિયત માત્રાસંખ્યા કરતાં એક માત્રા વધારાની છે. દરેક ચતુષ્કની બીજી તથા ચોથી પંક્તિમાં ચુસ્ત પ્રાસ મેળવાયો છે, જે બૅલડ મીટરનું મુખ્ય પાસું ગણાય. આ સિવાય છેલ્લા બે અંતરામાં એકી પંક્તિઓમાં શબ્દોની પુનરુક્તિના કારણે આભાસી પ્રાસ પણ મળે છે, જેના કારણે કેટલાક એને ‘કોમન મીટર’ ગણી બેસે છે. ગુજરાતી અનુવાદમાં અષ્ટક-ષટક મુજબ યંત્રવત્ માત્રામેળ કરવાના બદલે લોકગીતનો લય જાળવવું અને અબઅબ પ્રકારે પ્રાસ મેળવવું વધુ પર્યાપ્ત જણાયું છે. આજે જેમ આપણી ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોની ભરમાર નજરે ચડે છે એમ એ સમયે કવિના અંગ્રેજીમાં સ્કૉટિશ બોલીની અસર અલગ કરી શકાતી નથી: Love (Luve), Melody (Melodie), Pretty (bonnie), Lady (Lass), Gone (Gang) વગેરે.

ઈ.સ. ૧૭૯૪માં લખાયેલા આ ગીતની અચંબાજનક હકીકત એ છે કે એ બર્ન્સનું મૌલિક સર્જન નથી. બર્ન્સે પોતે કબૂલ્યું છે કે આ ગીત એણે મેળવ્યું છે, લખ્યું નથી. સ્કૉટલેન્ડના ખેતરોમાં ગવાતાં અનેક ગીતો કવિના જાદુઈ સ્પર્શથી નવોન્મેષ પામ્યાં છે. બર્ન્સે આ ગીત કાગળ પર ઊતાર્યું એના સોએક વર્ષ પૂર્વેથી આ ગીત અસ્તિત્વમાં હતું અને કંઠોપકંઠ પેઢી દર પેઢી ઝીલાયા કરતું હતું. ‘ધ વૉન્ટન વાઇફ ઑફ કૅસલ ગેટ’ નામે જાણીતા લાંબાલચ્ચ લોકગીતમાં વચ્ચે આવતી આ પંક્તિઓ જુઓ:

Her Cheeks are like the Roses,
that blossoms fresh in June;
O shes like some new-strung Instru-ment
thats newly put in tune.

આ જ રીતે ‘ધ ટ્રુ લવર્સ ફેરવેલ’ નામથી જાણીતા લોકગીતની કેટલીક પંક્તિઓ પણ જોવા જેવી છે:

O fare you well, my own true love,
O fare you well for a while;
And I will surely return back again,
If I go ten thousand a-mile,

Shall the stars fall from the skies, my dear,
Or the rocks melt with the sun?
I will never be false to the girl of my heart,
Till all these things be done

કેટલું સામ્ય! આને ઊઠાંતરી કહીશું? ખેતરોમાં કે સામાજિક પ્રસંગોએ ગવાતાં લોકગીતો આપણે સહુ સાંભળતાં આવ્યાં છીએ પણ આ ઘાસની ગંજીમાંથી કવિતાની સોય શોધી કાઢીને સામે લઈ આવવી અને એની અપૂર્ણતાઓ અને ખામીઓને દૂર કરીને, ક્યાંકથી કોઈક શબ્દ, ક્યાંકથી કોઈક વિશેષણ, તો ક્યાંકથી વાક્ય અને ક્યાંકથી આખો અંતરો ભેગાં કરીને એક નવું જ ગીત આપવું એમાં પણ કવિની કાબેલિયત જ નજરે ચડે છે. કવિએ પોતે પ્રામાણિકતાપૂર્વક કદી આ અને આવાં કેટલાંક અન્ય ગીતો પર માલિકીદાવો કર્યો પણ નથી. આજે સવા બસો વર્ષ બાદ પણ આ ગીતે એની લોકપ્રિયતા લેશમાત્ર પણ ગુમાવી નથી, એ જ એના સર્જકની ખરી સિદ્ધિ ન ગણાય?

ખેર, આપણે ગીતના લયમાં આગળ હિલ્લોળીએ… નાયક કહે છે કે એનો પ્રેમ જૂન મહિનામાં તાજા જ ખીલેલા લાલ, લાલ ગુલાબ જેવો છે. ગુલાબની જગ્યાએ જાસૂદ કે કરણે-ચંપો હોત તો?

“0 What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet. ૧”

નામમાં શું બળ્યું છે? ગુલાબને બીજું નામ દેવાથી કંઈ સુગંધ બદલાઈ જવાની નથી. પણ બોલવું એક વાત છે અને આચરવું બીજી. નામનો મહિમા આપણે સહુ જાણીએ જ છીએ અને જિંદગી આખી આપણે નામ કમાવા પાછળ જ ખર્ચી પણ નાંખીએ છીએ. પ્યારની વાત આવે ત્યારે ગુલાબનો, ખાસ કરીને લાલ ગુલાબનો અલગ જ રુત્બો છે. વળી, કવિ લાલ શબ્દની પુનરુક્તિ કરીને ગુલાબની લાલિમાને અને પ્રેમની તીવ્રતાને દ્વિગુણે છે. પ્રેમનો લાલ રંગ સાથેનો ધ્વન્યાર્થ તમામ કાળ-સ્થળે પ્રબળતમ છે. સાદો લાલ નહીં, પણ લાલ, લાલ અર્થાત્ લાલચટ્ટાક ગુલાબ જેવો કવિનો પ્રેમ વિશ્વના તમામ પ્રેમથી વધુ બળવત્તર છે અને એય જૂન મહિનામાં તાજા ખીલેલા ગુલાબ જેવો તરોતાજા. આપણે ત્યાં જૂનમાં ચોમાસુ શરૂ થાય, પણ સ્કૉટલેન્ડમાં ઉનાળો. ઇંગ્લેન્ડ-સ્કૉટલેન્ડમાં ઉનાળાનો મહિમા જ અલગ. “Shall I compare thee to a summer’s day? Thou are more lovely and more temperate૨” (તને હું ઉનાળાના દિવસ સાથે સરખાવું? તું તો વધુ પ્યારી અને ખુશનુમા છે.) લાંબી રાતો-સૂર્યહીન દિવસોને ગુડબાય અને લાંબા હૂંફાળા પ્રકાશિત દિવસોનું વેલકમ એટલે સ્કૉટલેન્ડનો જૂન. મોસમ ખુશનુમા હોય તો માનવીનો મિજાજ પણ વધુ ઊઘડે. આવી ઊઘડતી મોસમમાં નવા ખીલેલા લાલમલાલ ગુલાબ જેવો પ્રેમચટ્ટાક પ્રેમી એની પ્રેયસીને કહે છે કે ન માત્ર તાજા ગુલાબ જેવો રાતોચોળ, મારો પ્રેમ તો સૂરમાં વાગતી ગળચટ્ટી કર્ણપ્રિય સંગીતની ધૂન જેવો છે.

પ્રેમમાં પ્રેમનું પ્રદર્શન પણ અનિવાર્ય છે (They do not love that do not show their love. ૩) પ્રેમી પોતાના પ્રેમ પર મુસ્તાક છે એ બીજા બંધમાં સમજી શકાય છે. પ્રેમી ચતુર પણ એટલો જ છે. એ એક કાંકરે બે પક્ષી વીંધે છે. પ્રેયસીના વખાણ તો કરે જ છે, પણ વખાણના ભારોભાર જાતને પણ વખાણી લે છે. કહે છે, તું જેટલી સુંદર દેખાય છે એટલો જ હું તારા પ્રેમમાં ગળાડૂબ છું. મતલબ, પ્રેમિકાને પ્રેમીના પ્રેમને લેશમાત્ર પણ ઓછો આંકવાની તક એ આપતો નથી. જો પ્રેમિકા પોતાને સંસારની સૌથી ખૂબસુરત સ્ત્રી ગણતી હોય તો એણે ફરજિયાત પ્રેમીને સર્વોત્તમ પ્રેમી પણ ગણવો જ રહ્યો. કેવું ચાતુર્ય! આ ચાતુર્ય જ બર્ન્સની કવિતાને પ્રેરિત હોવા છતાં ઉત્તમ કરાર આપે છે. અતિશયોક્તિ એ પ્રેમની પરિભાષા છે. “My bounty is as boundless as the sea, my love as deep; for both are infinite. ૪” (મારું ઔદાર્ય સમુદ્ર જેવું નિઃસીમ અને પ્રેમ એટલો જ ઊંડો છે, કેમકે બંને અનંત છે). વિશ્વના બધા જ સમુદ્રો સૂકાઈ જાય, સૂર્યની ગરમીથી બધા જ પથ્થરો-પર્વતો પીગળી જાય, જીવનની કાચની શીશીમાંથી આયુષ્યની બધી જ રેતી સરકી જાય ત્યાં સુધી અને તે છતાંય હું તને, અને માત્ર તને જ ચાહતો રહીશ. એંડ્રુ માર્વેલની ‘ટુ હિસ કૉય મિસ્ટ્રેસ’ની હજારો વર્ષની સમયરેખા પર લંબાતી અતિશયોક્તિ પણ તરત જ યાદ આવે. પણ પ્રેમ આંખથી નહીં પણ મનથી જુએ છે અને વળી આંધળો પણ છે, (“Love looks not with the eyes, but with the mind૫”; “But love is blind૬”) એટલે અતિશયોક્તિ પણ સત્ય અનુભવાય છે. અને જ્યારે પ્રેમ બોલે છે ત્યારે તમામ દેવતાઓના સ્વરથી સ્વર્ગ પણ એકરાગિતામાં લીન થઈ જાય છે. (“And when love speaks, the voice of all the Gods makes heaven drowsy with the harmony. ૭”) પ્રેમ શાશ્વતીનું મહાકાવ્ય છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો રહેશે અને આંખ જોવાનું છોડશે નહીં ત્યાં સુધી પ્રેમ જીવતો રહે છે અને પ્રેમીઓને જીવન પૂરું પાડતો રહે છે. (“So long as men can breathe or eyes can see, so long lives this and this gives life to thee.૮”) બીજા બંધની ચારમાંથી બે પંક્તિ ત્રીજા બંધમાં કવિ પુનઃ પ્રયોજે છે. આ પુનરોક્તિ પ્રેમના અહેસાસને વધુ ધારદાર બનાવે છે. એના કારણે નાયકની અતિશયોક્તિ સાચી માની લેવાનું આપણને પણ મન થાય છે. ત્રીજા બંધમાં આગલા બંધની બે પંક્તિ સિવાય ‘મારી વહાલી’ સંબોધન પણ દોહરાવાયું છે, જે નાયિકાને પોતાના પરના નાયકના મમત્વની સાથોસાથ પોતાના પરના વહાલની તીવ્રતા અનુભવવામાં મદદરૂપ બને છે.

પુનરોક્તિની આ રીતિ કાવ્યાંતે પણ ચાલુ રહે છે. અંતિમ બંધમાં પણ ‘અલવિદા’ની વાતની સાથોસાથ ‘મારી પ્રિયા’ સંબોધન પુનર્કથન પામે છે. પોતાને જે કહેવું છે એ વાતને અંડરલાઇન કરીને હાઇલાઇટ કરવાની કવિની આ શૈલીના કારણે જ કદાચ આ કવિતા સવા બે સદીઓ બાદ પણ પ્રેમીઓના દિલમાંથી ભૂંસી શકાઈ નથી. ગીતના અંતભાગમાં જીવનરેત ખતમ થવાના ઈશારા પછી તરત જ જુદાઈની વાત આવે છે. નાયકને કોઈક કારણોસર જુદા થવાનું થયું છે. એ જાણે છે કે જુદાઈ દુઃખ આણે છે અને સુખ તાણી જાય છે (When you depart from me sorrow abides, and happiness takes his leave૯) એટલે છૂટા પડતાં પહેલાં પ્રેયસીને પોતાના પ્રેમની ઊંડાઈ અને સત્યતાની પ્રતીતિ કરાવવા મથે છે અને ખાતરી આપે છે કે પોતે એને અને એકમાત્ર એને જ પ્રેમ કર્યો છે. દિલની ગહરાઈઓમાંથી પ્રેમ કર્યો છે. દુનિયામાં કોઈએ કોઈને કર્યો ન હોય એટલો પ્રેમ કર્યો છે અને આ પ્રેમ ન માત્ર સ્થળાતીત છે, એ કાળાતીત પણ છે. આ અલવિદા માત્ર થોડીવાર માટેની જ છે. ભલેને બે જણ વચ્ચે દસ હજાર માઈલ કેમ ન પથરાઈ પડ્યા હોય, આ જુદાઈ કે આ અંતર –જરાય લાંબાં નથી. મુસાફરી પ્રેમીઓના મિલનમાં જ પરિણમશે. (Journeys end in lovers meeting૧૦) નાયક પાછો ફરશે જ. માટે જ, પ્રતીક્ષા કે ભરોસો છોડવાના નથી. જોન ડૉનનું ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવ્યા વિના નહીં રહે જેમાં વિદાયવેળાએ કાવ્યનાયક નાયિકાને રડતી અટકાવવા માટે કટિબદ્ધ જોવા મળે છે. પ્રેમનું મૃદુ ઝરણ હંમેશા તાજું રહે છે… (Love’s gentle spring doth always fresh remain. ૧૧) સાચો પ્રેમ હંમેશા તરોતાજા રહે છે. સમયનો માર આ ગુલાબને કરમાવી શકતો નથી. દુનિયાની દીવાલ બે જણને લાંબો સમય અલગ પણ કરી શકતી નથી. સમયના બેવડાં પરિમાણનો પણ પ્રેમમાં પરિચય થાય છે. એક તરફ નાયકનો પ્રેમ સમય અને દુનિયા અંત પામે તોય ટકી રહે એવો અંતહીન છે તો બીજી તરફ દસ હજાર માઇલની દૂરી પણ ‘થોડી જ વાર’માં કપાઈ જવાનો અડગ આત્મવિશ્વાસ છે. સમયના આ બે અંતિમોનો કવિ એકસાથે સાક્ષાત્કાર કરાવે છે. આ પ્રેમનો ચમત્કાર છે. જે રીતે ગુલાબનું આયુષ્ય ટૂંકું છે, પણ ખુશબૂ દીર્ઘજીવી છે; એ જ રીતે આપણું જીવન નાશવંત છે પણ આપણી પ્રણયસંવેદના અમર છે એ સમજ જ આ કવિતાનો સાર છે.

[લેખમાં ટાંકેલા અંગ્રેજી અવતરણો શેક્સપિઅરના છે: (૧) રોમિઓ એન્ડ જુલિએટ, (૨) સૉનેટ નં. ૧૮, (૩) ધ ટુ જેન્ટલમેન ઑફ વેરોના, (૪) રોમિઓ એન્ડ જુલિએટ, (૫) અ મિડ સમર નાઇટ્સ ડ્રીમ, (૬) ધ મર્ચન્ટ ઑફ વેનિસ, (૭) લવ્સ લેબર્સ લોસ્ટ, (૮) સૉનેટ નં. ૧૮, (૯) મચ અડુ અબાઉટ નથિંગ, (૧૦) ટ્વેલ્ફ્થ નાઇટ, (૧૧) વિનસ એન્ડ એડોનિસ]

ગ્લૉબલ કવિતા : ૧૪૮ : તારા પગ – પાબ્લો નેરુદા

Your Feet

When I cannot look at your face
I look at your feet.

Your feet of arched bone,
your hard little feet.
I know that they support you,
and that your sweet weight
rises upon them.

Your waist and your breasts,
the doubled purple
of your nipples,
the sockets of your eyes
that have just flown away,
your wide fruit mouth,
your red tresses,
my little tower.

But I love your feet
only because they walked
upon the earth and upon
the wind and upon the waters,
until they found me.

– Pablo Neruda
(English Trans.: Donald Walsh)

તારા પગ

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ તરફ જોઉં છું.

મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.

હું જાણું છું કે તેઓ તને સહારો આપે છે,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારી ડિંટડીઓનો બેતરફો જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની ફાડ સમું તારું પહોળું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર.

પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી પર અને
પવન પર અને પાણી પર,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજીમાંથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

તારા પગ જ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે….

પ્રેમમાં પ્રાપ્તિનું મહત્ત્વ છે. પ્રાપ્તિ માટે મુસાફરી જરૂરી છે. મુસાફરી પ્રેમ વિના અસંભવ છે. કોઈને દિલથી ચાહતા હોઈએ તો એના માટે આપણે ન માત્ર ઘર-ગલી, સંબંધો, આખી દુનિયા ત્યજીને એને પ્રાપ્ત કરવા માટેની સફર પર નીકળી પડતાં હોઈએ છીએ. બે જણ એકમેકમાં ઓગળી જઈએ એ સિવાયની કોઈ લાગણી મનમાં બચતી નથી. સમર્પણ કરીને પ્રાપ્ત કરવા નીકળે એનું જ નામ પ્રેમ. પણ સંપૂર્ણ સમર્પણ અને સફરના અંતે સર્વાધિક સ્નેહીજન સાંપડે એ તબક્કે સ્નેહીજન જો આ આખી સફરનું યથાર્થ મૂલ્યાંકન કરવાનું અને પ્રેમીજનના સ્વાર્પણની સાચી કિંમત આંકવાનું ચૂકી જાય તો? જો કે પ્રેમ સાચો હોય ત્યારે આવું જવલ્લે જ બનતું હોય છે. નેરુદાની પ્રસ્તુત રચનામાં પ્રેમીજન સદનસીબે પ્રિયતમાના સમર્પણ અને સફરનું સાચું મૂલ્યાંકન કરવાનું ચૂકતો નથી.

પાબ્લો નેરુદા. મૂળ નામ રિકાર્ડો એલિએસર નેફ્ટાલી રેયેસ બાસોઆલ્ટો. થોડા વરસ પહેલાં એક મિત્રે અમેરિકાથી એક ફિલ્મ-El Postino (The Postman)-ની ડીવીડી મોકલી હતી. ફિલ્મ જોતાં પહેલાં કવિનું માત્ર નામ જ સાંભળ્યું હતું. ફિલ્મ જોયા પછી કવિનો વધુ પરિચય થયો. જોતજોતામાં આ પરિચય ગાઢ પ્રેમમાં પરિણમ્યો. ‘મારા લોહીમાં કદી એક આંગળી પણ ન ડૂબાડનારાઓ શું કહેશે મારી કવિતાઓ વિશે?’ લખનાર નેરુદા વીસમી સદીના સૌથી પ્રતિભાશાળી અને પ્રભાવશાળી કવિઓમાંના એક. જન્મ દક્ષિણ અમેરિકામાં ચિલીના પારાલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ. પિતા રેલ્વે કર્મચારી હતા અને માતા શિક્ષિકા. જન્મના બે જ મહિનામાં માતાનું મૃત્યુ થયું. સાવકી માતા અને સાવકા ભાઈ-બહેન સાથે એ મોટા થયા. દસ વર્ષની વયે પ્રથમ કવિતા લખી અને પિતાની નામરજી હોવા છતાં ૧૩ વર્ષની વયે તો કવિ તરીકે જાણીતા થઈ ગયા. પિતાની નારાજગીથી બચવા કદાચ ૧૯૨૦માં એમણે ઉપનામ અપનાવ્યું, જે પાછળથી એમનું કાનૂની નામ બની ગયું. માત્ર ૧૯ વર્ષની વયે પ્રથમ સંગ્રહ પ્રગટ થયો. બીજા વર્ષે એમનો પ્રસિદ્ધ સંગ્રહ ‘ટ્વેન્ટી લવ પોએમ્સ એન્ડ અ ડેસ્પરેટ સૉન્ગ’ બહાર પડ્યો જે આજે લગભગ સો વર્ષ બાદ પણ બેસ્ટ-સેલર ગણાય છે. આ સંગ્રહમાંનો શૃંગારરસ ખાસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. ધર્મે નાસ્તિક. છૂટાછેડા લીધા એ પહેલેથી જ પત્નીથી અલગ થઈ પોતાનાથી વીસ વર્ષ મોટી ડેલિયા ડેલ કેરિલ સાથે રહેતા. પાછળથી એની સાથે બીજાં લગ્ન. રાજકારણમાં શરૂથી અંત સુધી ભારત અને બર્મા સહિત ઘણા દેશોમાં ઊંચા વગદાર હોદ્દાઓ પર સતત સક્રિય રહ્યા. ચિલિઅન કમ્યુનિસ્ટ પાર્ટીના સેનેટર પણ રહ્યા. તત્કાલિન પ્રમુખે ૦૫-૦૨-૧૯૪૮ના રોજ એમના નામનું વૉરંટ જારી કરતાં મિત્રોએ તેરેક મહિનાઓ સુધી એમને ભૂગર્ભમાં સંતાડી રાખ્યા. ત્યાંથી ભાગીને આર્જેન્ટિના ગયા. પોતાના જેવા દેખાતા ગ્વાટેમાલાના અસ્ટુરિયસના પાસપૉર્ટ પર તેઓ યુરોપ ફર્યા. આ ત્રણ વર્ષમાં તેઓ ભારત સહિત અનેક દેશોમાં ફર્યા. આ દરમિયાન એમની કાળજી રાખવા માટે નિમાયેલ સ્ત્રી સાથે એમણે ત્રીજા લગ્ન કર્યા. ઈ.સ. ૧૯૫૦માં એમને આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૫૩માં વતન પરત ફર્યા. એ પછી પણ સમસ્ત વિશ્વમાં ફરતા રહ્યા. ૧૯૭૧માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો. પ્રોસ્ટેટના કેન્સરના કારણે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે અગસ્ટો પિનોચેટના હુકમાનુસાર ડોક્ટરે એમની હત્યા કરવા અજાણ્યો પદાર્થ ઇન્જેક્શનમાં આપ્યો હોવાની એમને શંકા હતી. હૉસ્પિટલ છોડ્યાના થોડા જ કલાકોમાં ૨૩-૦૯-૧૯૭૩ના રોજ ઇસ્લા નેગ્રા ખાતેના એમના ઘરમાં જ એમનું નિધન થયું. મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ ફેઇલ્યોર અપાયું હોવા છતાં ૨૦૧૫માં ચિલી સરકારના એક વિભાગે એમની હત્યા કરાઈ હોવાની શક્યતા ખૂબ જ વધારે હોવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. પિનોચેટે કર્ફ્યુ લાદી દીધો હોવા છતાં કવિની અંતિમયાત્રામાં લોકો હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

વિપુલ માત્રામાં વૈવિધ્યસભર સર્જન. નેરુદાની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. મનુષ્યજીવનની વિષમતાઓની ગૂંચ ઉકેલવાની મથામણ એમની કવિતાઓમાં સતત ડોકાતી રહે છે. વીસમી સદીના આ કવિની કવિતાની ગેલેક્સીમાં મોટા-નાના ગ્રહ-ઉપગ્રહો, સ્વયંપ્રકાશિત તારાઓ, લિસોટા છોડી જતા ધૂમકેતુઓ, સપ્તરંગી વલયો, રહસ્યગર્ભિત બ્લેકહૉલ્સ, વિસ્મિત કરતી આકાશગંગાઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે લૌકિકને અલૌકિકતા બક્ષે છે… નેરુદા માનતા કે કવિતા રોજબરોજની નાનામાં નાની અને ગંદામાં ગંદી વસ્તુઓમાં પણ રહેલી છે અને જે લોકો આ કવિતા જોઈ નથી શકતા, એ લોકો પાચાં જ પડવાનાં છે. અશુદ્ધ કવિતાની હિમાયત કરતાં નેરુદાએ લખ્યું છે કે, ‘પૈડાં જેમણે ખનીજ અને શાકભાજીના બોજા સાથે લાંબું, ધૂળિયું અંતર કાપ્યું છે, થેલાઓ કોલસાના ડબ્બાઓમાંના, પીપડાઓ, અને ટોપલીઓ, હાથઓ અને દાંડાઓ સુથારના ઓજારપેટી માટે. એમાંથી વહે છે સંપર્કો મનુષ્યના ધરતી સાથેના, જાણે કે મૂંઝાયેલા ગીતકારો માટેનું લખાણ.. કો’ક એમાં જોઈ શકે છે મનુષ્યની સ્થિતિની મૂંઝાયેલ અશુદ્ધિ… કવિતા, આપણે પહેરેલાં કપડાં, અથવા આપણા શરીર જેટલી જ મલિન… પ્રેમના વહનમાં વસ્તુઓની ઊંડી ઘુસપેઠ, કબૂતરના પંજા, બરફ અને દાંતના નિશાનવાળી, પરસેવાના ટીપાં અને વપરાશ વડે નજાકતથી કરડાયેલી એક વપરાઈ ગયેલી કવિતા… સાચે જ એ જ કવિની નિસબત છે, જરૂરી અને સંપૂર્ણ. જે લોકો વસ્તુઓના ‘ખરાબ સ્વાદ’થી ઉફરા રહે છે, એ બરફમાં ચત્તા મોંએ પછડાશે.’

મૂળ સ્પેનિશ ભાષામાં ‘tus pies’ શીર્ષકથી લખાયેલી આ રચનાનો અંગ્રેજી અનુવાદ ડૉનાલ્ડ વૉલ્શે કર્યો છે. મૂળ રચનાને વાંચતા કે ઓનલાઇન સાંભળતા એમાં પ્રાસ કે એકસમાન લય જણાતા નથી એટલે એમ અનુમાન કરી શકાય કે આ મુક્તકાવ્ય-અછાંદસ છે. કવિએ ૨-૨-૩-૮-૫ પંક્તિસંખ્યાવાળા પાંચ અસમાન અંતરાઓ પ્રયોજ્યા છે, જે બબ્બે પંક્તિના બે પગ પર ઊભેલી ઉલટી માનવાકૃતિનો ભાસ પણ સર્જે છે. અંગ્રેજી અનુવાદમાં બીજા-ત્રીજા અંતરાનું કદાચ અર્થને અનુલક્ષીને એકીકરણ કરી દેવાયું છે. અનુવાદના અનુવાદમાં આમેય ઘણું બધું ચળાઈને-બદલાઈને રજૂ થતું હોય છે, એટલે કાવ્યસ્વરૂપની ચર્ચા અસ્થાને મૂકીને કાવ્ય તરફ જ પગ ઊપાડીએ.

‘તારા પગ’ શીર્ષક જેટલું સ્વયંસ્પષ્ટ છે, એટલું જ અચંબાજનક પણ છે. આંખ, હોઠ, ઝૂલ્ફ, ચહેરો, દેહયષ્ટિ વિ.ની કવિતાઓ તો વિશ્વસાહિત્યમાં ચારેતરફ મળી આવશે પણ ખાસડાં અને ધૂળ-કાદવ જ જેના નસીબમાં છે એવા પગ વિશે બહુ ઓછા કવિઓએ કવિતા કરી હશે. પ્રભુના કે ગુરુના પગ ધોઈને ‘ચરણામૃત’નું આચમન લેવાનો રિવાજ હજી આપણે ત્યાં પ્રવર્તે છે. આપણા સંસ્કારનો બ્રાન્ડ ઍમ્બૅસેડર ‘ચરણસ્પર્શ’ હજી સાવ ભૂંસાઈ નથી ગયો. રામની પાદુકા સિંહાસન પર મૂકીને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું હતું. લક્ષ્મણને સીતાનો ચહેરો યદ નહોતો, કેમકે એમણે એમના પગથી ઉપર દૃષ્ટિ જ ઊઠાવી નહોતી. પગની પાનીમાં તીર વાગતાં શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. વામન સ્વરૂપે વિષ્ણુએ ત્રણ પગલાંમાં બલિનું સર્વસ્વ લઈ લીધું હતું. તો એ જ વિષ્ણુના પગમાંથી ગંગા પ્રગટ થઈ હતી. દક્ષની પુત્રીએ પિતાગૃહે શંકરની અવહેલના જોઈ પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી અગ્નિસ્નાન કર્યું હતું. શ્રીમદ્ ભાગવત (સ્કન્ધ ૧૦, અધ્યાય ૩૧)માં બે શ્લોક (૭ તથા ૧૩) પણ પગ વિશે મળી આવે છે. એમાંથી એક જોઈએ:

प्रणतदेहिनां पापकर्शनम्
तृणचरानुगं श्रीनिकेतनम्।
फणिफणार्पितं ते पदाम्बुजं
कृण कुचेषु नः कृन्धि हृच्छयम्॥७॥

(આપનાં ચરણકમળ જે શરણાગત પ્રાણીઓના પાપોનો નાશ કરનાર છે, વાછરડાંઓની પાછળ જાય છે, લક્ષ્મી જેની સેવા કરે છે, સાપની ફેણ પર સવાર થાય છે, તેને અમારા સ્તનમંડળ પર મૂકીને અમારા કામાગ્નિને શાંત કરો.) આ છતાં પણ એ વાત અલગ છે કે ચરણકમળ કદી કવિતામાં કમળ બની ખીલી શક્યાં નહીં. આપણે ત્યાં રમેશ પારેખનું ‘હસ્તાયણ’ જડી આવશે પણ ‘ચરણાયન’ જવલ્લે જ નજરે ચડશે. પણ નેરુદા પગની કવિતા લઈને આવ્યા છે. કેમકે નેરુદાની કવિતા જિંદગીમાંથી જન્મી છે. નેરુદાની કવિતાનું પોતીકું વહેણ છે જે પરંપરાની ધારાને સાવ અડોઅડ છતાં તદ્દન ઉફરું વહે છે. ફ્રેન્ક સ્ટેનફર્ડ નામના સર્જકે ‘બ્લૂ યૉડેલ ઓફ હર ફીટ’ નામે કાવ્ય આ કવિતાને પાયાના પદાર્થ તરીકે વાપરીને રચ્યું છે, જે પણ આસ્વાદ્ય છે.

પાકીઝા ફિલ્મમાં ટ્રેનમાં ઓઢીને સૂતેલી મીનાકુમારીના એકમાત્ર ઉઘાડા અંગ-પગમાં રાજકુમાર ચિઠ્ઠી મૂકીને ચાલ્યો જાય છે, એમ લખીને કે, “आपके पांव देखे, बहुत हसीन हैं । इन्हें जमीन पर मत उतारियेगा, मैले हो जाएँगे ।“ એક વિખ્યાત લોકગીત પણ છે: “હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું?” નેરુદા પણ પ્રિયતમાના પગની કવિતા કરે છે. પણ પગની કવિતા કરવા પાછળનું એમનું કારણ સહજ-સામાન્ય કારણોથી અલાયદું છે. એ કહે છે, જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો, તારા પગ જોઉં છું. ચહેરો કેમ નથી જોઈ શકાતો ભલા? સંકોચ નડે છે? કે ચહેરાનું ઓજસ અસહ્ય છે? હશે. કારણ જે પણ હોય, કવિનો આત્મવિશ્વાસ લગરિક પણ મંદ નથી. આખી કવિતા શરૂથી અંત સુધી એક તણાવનું વહન કરે છે. પ્રિયપાત્રને મળવાનું થાય ત્યારે માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ ઘણીવાર ભારોભાર સંકોચ અનુભવતા હોય છે. આવામાં તારામૈત્રક સર્જવું ઘણીવાર ઉભય પક્ષે સંભવ બનતું નથી. પ્રથમ મિલનના આવેશ અને સંકોચની વચ્ચે પ્રવર્તતો તણાવ કવિતાના શબ્દે-શબ્દે ઝમે છે. ન જોઈને જોવાનો રોમાંચ પણ અવર્ણનીય હોય છે.

કવિની ગતિ એક અંતિમથી બીજા અંતિમ તરફની છે. વચમાં કમરની લચક, સ્તનોનો ઉભાર, આંખ, સ્મિત – ઘણું બધું છે પણ કવિનું ધ્યાન પ્રિયાના પગ તરફ જ છે. પગ માટેનો સવિશેષ પ્રેમ કે જાતીય આવેગ પોડોફિલિઆ (Podophilia) કે ફૂટ ફેટિશિઝમ (Foot Fetishism) તરીકે ઓળખાય છે જેમાં પગ, પગના આંગળાં, પગમાં પહેરેલ આભૂષણો, પગરખાં વિ. જાતીય સંતોષ મેળવવા માટેના સાધન બની રહે છે. કહે છે કે થોમસ હાર્ડી (લેખક), ફ્યોડોર દોસ્તોએવસ્કી (લેખક), એલ્વિસ પ્રિસ્લી (ગાયક), બ્રિટની સ્પીઅર્સ (એક્ટ્રેસ), બ્રુક બર્ક (મોડેલ), એન્રિક ઇગ્લેસિઆસ (ગાયક), એન્ડી વૉરહૉલ (પોપસ્ટાર) જેવી જગવિખ્યાત હસ્તીઓ ફૂટ ફેટિશ હતી/છે. ઘણા નેરુદા માટે પણ આવું વિચારે છે પણ આ એક કવિતાને આધારે એમને આવું વળગણ હતું એમ કહેવું વધુ પડતું છે, કેમકે કવિએ કયા વિષય પર કવિતા નથી કરી એ સંશોધનનો વિષય છે.

મરોડદાર હાડકાંથી બનેલા પ્રિયાના પગ નાના અને સખત છે. આ મુલાયમ પગ સખત કેમ થઈ ગયા છે એનું રહસ્ય જો કે કવિતાની અંતિમ પંક્તિઓમાં ખુલે છે. આ પગ પ્રિયાને આધાર આપે છે અને એનું ફૂલ જેવું નાજુક-મીઠડું વજન પણ ઉપાડે છે. પગ પ્રિયતમાનું જ પ્રતિક પણ હોઈ શકે ને? પ્રિયતમા પણ ફૂલ-સુકોમળ મરોડદાર કાયાવાળી અને કદાચ સખ્તજાન (પણ) છે.

ચહેરો જોવાની અશક્તિ નોંધાવ્યા બાદ પણ કવિ પ્રિયતમા તરફથી ફેરનજર કરતા નથી. નાજુક કમર અને એની નજાકત વધુ ઊભારી આપતાં ભરાવદાર સ્તન, ઉન્નત ડીંટડીઓનો લલચાવતો જાંબુડી રંગ કવિની નજરથી અછતા નથી. પ્રિયા પણ કદાચ નાયકના જેવો જ તણાવ મહેસૂસ કરે છે. એની આંખો પણ ક્યાંક દૂર તાકી રહી છે એટલે કવિને એની આંખો દૂર ઊડી ગઈ હોવાથી એના સ્થાને ખાલી ગોખલા બની ગયા હોવાનું દેખાય છે. કેવું અનૂઠું પણ સચોટ કલ્પન! નાયકના તણાવથી અવગત નયિકાનું સાશ્ચર્ય પહોળું થયેલું મોં કવિને ફળની ફાડ જેવું દેખાય છે. કેશનો રાતો રંગ પ્રેમ-આવેશ-લોહીનો રંગ ઈંગિત કરે છે. પ્રિયતમાના સૌંદર્યના રંગો ભર્યા બાદ પોતાની પરિસ્થિતિ કવિ એક જ પણ અસરકારક લીટીમાં વર્ણવે છે – મારો નાનકડો મિનાર. પ્રિયાના અપ્રતીમ સૌંદર્યથી થતી ઉત્તેજના કવિ છૂપાવતા નથી. છૂપાવવાનું હોય પણ નહીં… પ્રેયસી નિર્વસ્ત્ર ઊભી હોય અને પ્રેમી કામોત્તેજના ન અનુભવે એ ઘડી સેક્સોલોજીસ્ટ પાસે જવાની ઘડી છે. જો કે ફળની ફાડ જેવું પહોળું મોં, રાતા કેશ અને નાનકડો મિનાર- આ ત્રણેય કલ્પન સાથે મળીને સંભોગશૃંગાર રચતા હોવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી.

ચહેરો જોઈ શકવાની અસમર્થતાને કારણે પગ તરફ મીટ માંડતો નાયક નાયિકાની સમગ્ર દેહયષ્ટિનું રસપાન કર્યા બાદ ફરીથી પગ તરફ વળે છે અને પોતાનું ધ્યાન પગ તરફ કેમ છે એનું કારણ લગભગ અંજલિસ્વરૂપે આપે છે. બેઉ માટે ‘આજની ઘડી રળિયામણી’ છે. આ પ્રેમની ઘડી છે. પ્રેમના મૂલ્યાંકનની ઘડી છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘હું ફરીથી પ્રેમમાં પડ્યો, અને પ્રેમે મારી જિંદગીમાં એક નવું મોજું ઊછાળ્યું અને મને પ્રેમથી, ફક્ત પ્રેમથી તર કરી દીધો, કોઈના પણ માટે ખરાબ વિચારી ન શકું એ રીતે.’ આ પ્રેમની તાકાત છે. એ તમને સંપૂર્ણ બનાવે છે. તમે જેને ચાહો છો એને પણ સંપૂર્ણ બનાવી દે છે. કવિ પ્રિયાને સાંગોપાંગ ચાહે છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘મને રોટલી, હવા, પ્રકાશ, વસંત, બધાની ના કહી દે, પણ તારા સ્મિતની નહીં, કેમકે હું મરી જઈશ.’

વીસ પંક્તિની આ કવિતામાં તેર વાર ‘તું’ અને છ વાર ‘હું’ના ઉલ્લેખ છે, જે કવિની પ્રેયસી તરફના ઉત્કટ ઉન્માદ તરફ પણ ઈશારો કરે છે. છેલ્લા અંતરામાં સ્પેનિશ કવિતાની મૂળ કાવ્યપંક્તિ Pero no amo tus piesનો અનુવાદ ‘પણ હું તારા પગને પ્રેમ કરતો નથી’ થાય છે. સમજાય છે કે ‘નથી’ની પૂર્વધારણા મૂકીને નેરુદાએ પ્રેમની તીવ્રતાનો પ્રમેય સાબિત કર્યો છે. અંગ્રેજી અનુવાદમાં આ નકાર ત્યજી દેવાતાં પ્રેમાવેશ થોડો હળવો થઈ જાય છે. આ અનુવાદની મર્યાદા છે. ચહેરો, લલચામણા સ્તન, માદક સ્તાનાગ્ર, લચીલી કમર, આંખ, સ્મિત –બધાને અવગણીને પગનું મૂલ્યાંકન કરે છે, પગને પ્રેમ કરે છે કેમ કે એ પગ જ છે, જે પ્રેયસીને એના સુધી લઈ આવ્યા છે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે. (મનોજ ખંડેરિયા)

પગથી પ્રેમી સુધીની યાત્રા કદાચ વરસોના વરસ લાંબી પણ હોય. ચરણ લઈને જવામાં જ્યાં વરસો લાગવાની વકી હોય ત્યાં શબ્દોની મદદથી પલક ઝપકતામાં પહોંચી જતો કવિ વળી શબ્દો વડે એ જ પગની સ્તુતિ પણ કરે છે. કેમ? તો કે, પૃથ્વી, પવન અને પાણી પર ચાલીને નાયિકા નાયક સુધી પહોંચી છે. એના નાના નાજુક પગ કદાચ આટઆટલું ચાલવાના કારણે સખત બની ગયા છે. અનંતતા, અશક્યતા અને આધારહીનતામાં ચાલવાની આ વાત છે. પણ સાચી પ્રતીક્ષા, સાચો પ્રેમ અનંતનો છેડો, અશક્યને શક્ય અને નિરાધારને આધાર બનાવે છે. એક કવિતામાં નેરુદા કહે છે: ‘તારા નિતંબથી લઈને પગ સુધી, હું એક લાંબી મુસાફરી ખેડવા ચહું છું.’ એ એમ પણ કહે છે: ‘આપણે સમયના જળ પર થઈને સાથે જઈશું કેમકે પડછાયાઓમાં થઈને મારી સાથે બીજું કોઈ મુસાફરી નહીં કરે.’ નાયકને મળવા માટે નાયિકા સમય અને સ્થળના તમામ વ્યવધાનો પાર કરીને, લાંબી મુસાફરી તય કરીને આવી છે. માટે જ નાયક કહે છે કે, આ પગ તને મારા સુધી લઈ આવે છે અને લઈ આવે ત્યાં સુધી એ જંપતા કે થાકતા કે અટકતા પણ નથી, માટે જ હું તારા પગને ચાહું છું. આ પગ ન હોત તો આપણું મિલન શક્ય ન હોત. આ પગ ન હોત તો આપણે એક થઈ શક્યાં ન હોત. આ પગ, પગ નથી; આપણા પ્રેમનો પ્રશસ્ત થયેલો માર્ગ છે. આ પગ આપણા સાયુજ્યના સ્વપ્નને વાસ્તવદેહ આપવામાં નિમિત્ત બન્યા છે. આ પગ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે, માટે જ હું તારા ચહેરાને નથી જોઈ શકતો, ત્યારે આ પગને જોઉં છું, આ પગને ચાહું છું…

ગ્લૉબલ કવિતા : ૧૪૭ : ખાતરી – એડવિન મૂર

The confirmation

Yes, yours, my love, is the right human face,
I in my mind had waited for this long.
Seeing the false and searching the true,
Then I found you as a traveler finds a place
Of welcome suddenly amid the wrong
Valleys and rocks and twisting roads.
But you, what shall I call you?
A fountain in a waste.
A well of water in a country dry.
Or anything that’s honest and good, an eye
That makes the whole world bright.
Your open heart simple with giving, give the primal deed.
The first good world, the blossom, the blowing seed.
The hearth, the steadfast land, the wandering sea,
Not beautiful or rare in every part
But like yourself, as they were meant to be.

– Edwin Muir

ખાતરી

હા, તારો જ છે, મારી પ્રિયે, સાચો માનવીય ચહેરો,
મેં મનોમન આટલો લાંબો સમય જેની રાહ જોયા કરી.
અસત્યને જોતો રહ્યો અને હતો સત્યની તલાશમાં,
ત્યારે તું મને મળી જેમ કોઈ મુસાફરને મળી આવે
અચાનક એક આવકારભર્યું સ્થળ,
ખોટાં ખીણ-પર્વતો અને વાંકળિયાળ રસ્તાઓની વચ્ચે.
પણ તું, હું શું કહું તને ?
વેરાનમાંનો ફુવારો ?
સૂકા પ્રદેશમાંનો પાણીનો કૂવો?
અથવા એવું કંઈ પણ જે ઈમાનદાર અને સારું છે, એક આંખ
જે આખી દુનિયાને રોશન કરે છે.
તારું મોકળું હૃદય, આપવાના ઔદાર્યથી સરળ, બક્ષે છે આદિ કર્મ.
પહેલવહેલું સારું વિશ્વ, વસંત, પ્રફુલ્લિત બીજ,
સગડી, સ્થિર ભૂમિ, ભટકતો દરિયો,
બધી રીતે સુંદર કે દુર્લભ નહીં
પણ તારી જેમ જ, જેમ એ હોવા જોઈએ એમ જ.

– એડવિન મૂર
(અનુ. વિવેક મનહર ટેલર)

जग घूमेया, थारे जैसा ना कोई, जैसी तू है वैसी रहना

માણસ સૌંદર્યનો ભૂખ્યો છે. સૌંદર્યપાન માટે એ આખી દુનિયા ફરે છે. સ્થળનું હોય કે વ્યક્તિનું- સૌંદર્યનું મૂલ્ય એના ચાહકની ચાહના પર આધારિત હોય છે. કહે છે કે ક્લિઓપેટ્રા સાવ કાળી હતી પણ એના સૌંદર્યનું કામણ કંઈ એવું હતું કે ઇતિહાસ એને કદી પણ મિટાવી શક્યો નહીં. લૈલા તો સાવ બદસૂરત હતી એમ કહેવાય છે, પણ મજનૂની નજરે એ દુનિયાની સૌથી સુંદર સ્ત્રી હતી… સનસેટ પૉઇન્ટ પર ઊભેલા હજારો માણસ એક જ સૂર્યાસ્તને એકીસાથે જોઈ રહ્યાં હોવા છતાં દરેકનો સૂર્યાસ્ત અલગ-અલગ હોય છે.

વસ્તુ ભલે ને એક હો, અહેસાસ પોતીકો,
યારો! અલગ અલગ અહીં તો સૌની શામ છે.

દરેક વસ્તુ માટે દરેકનો નજરિયો ભિન્ન હોય છે. માટે જ, જે વસ્તુ આપણને પસંદ પડી જાય છે, એના ગુણ-દોષ જોવાના બદલે એને યથાતથ ચાહવામાં જ એની ખરી ગરિમા છે. પ્રસ્તુત ગ્લૉબલ કવિતામાં પણ પુસ્તકના કવરની આકર્ષકતા પરત્વે દુર્લક્ષ સેવીને પુસ્તકમાં રહેલ ‘કન્ટેન્ટ’ પર ધ્યાન આપવાની વાત બખૂબી કરવામાં આવી છે.

એડવિન મૂર. જન્મ ૧૫-૦૫-૧૮૮૭ના રોજ સ્કૉટલેન્ડમાં ઓર્ક્ની ટાપુઓ પર ડીઅરનેસ ખાતે ખેડૂતને ત્યાં છ સંતાનોમાં છેલ્લા તરીકે જન્મ. તેઓ ચાર વર્ષના હતા ત્યારે પિતાએ ખેતર ગુમાવ્યું અને ગ્લાસગૉ રવાના થયા. બહુ નાની ઊંમરે બહુ ટૂંકાગાળામાં મા-બાપ અને બે ભાઈઓને ઉપરાછાપરી ગુમાવ્યા. અનાથ અને ગરીબાવસ્થામાં હાડકાંમાંથી ચારકોલ બનાવતી ફેક્ટરી જેવી અનેક ક્ષુલ્લક નોકરીઓ કરવાની ફરજ પડી. આ દારુણ ગરીબી, વારંવારની અસફળતા, જીવલેણ હતાશાઓએ જો કે સર્જકના વ્યક્તિત્વને ઘડવામાં મોટો ફાળો ભજવ્યો. ગામડાંથી શહેર તરફની ગતિ મૂર પચાવી શક્યા નહોતા. તેઓ આ સ્થળાંતરને ‘ઇડનથી નરક’ તરફની દુર્ગતિ તરીકે ઓળખાવે છે, જેની અસર એમના વ્યક્તિત્વ અને લેખન પર સદાકાળ રહી ગઈ. તેઓએ લખ્યું છે: ‘અત્યારે મારી ઉંમર બસો વર્ષ છે. ઔદ્યોગિક ક્રાન્તિ થઈ એ પહેલાં ૧૭૩૭માં હું જન્મ્યો હતો. ચૌદ વર્ષની ઉંમરે ૧૭૫૧માં અમે ઓર્ક્નીથી ગ્લાસગૉ જવા નીકળ્યા. હું પહોંચ્યો ત્યારે મેં જોયું કે એ ૧૭૫૧ નહીં, ૧૯૦૧ની સાલ હતી. આ બે દિવસની મુસાફરીમાં જિંદગીના દોઢસો વર્ષ બળી ગયાં પણ હું હજી ૧૭૫૧માં જ હતો અને બહુ લાંબો સમય ત્યાં જ રહ્યો.’ ૧૯૧૩માં કવિતા લખવી શરૂ કરી. ૧૯૧૯માં વિલા એન્ડરસન સાથે ‘એમના જીવનની સૌથી વધુ સદભાગી ઘટના’ યાને લગ્ન થયા અને લંડન ખાતે સ્થાયી થયા. મૂરની કારકિર્દી ઘડવામાં વિલાનો સિંહફાળો હતો. સહતંત્રી, પત્રકાર, અનુવાદક તરીકે કામ કર્યું. પ્રાગ, ઇટલી, સાલ્ઝબર્ગ, વિએના વગેરે જગ્યાઓએ પણ રહ્યા. ૧૯૩૯ પછી પોતાને ખ્રિસ્તી માનવા માંડ્યા. પ્રાગ તથા રોમમાં બ્રિટીશ કાઉન્સિલના ડિરેક્ટરથી લઈને કોલેજના વૉર્ડન અને યુનિવર્સિટીના પ્રોફેસર તરીકે ફરજ બજાવી. ૦૩-૦૧-૧૯૫૯ના રોજ ૭૧ વર્ષની વયે ઇંગ્લેન્ડના કેમ્બ્રિજશાયર ખાતે દેહત્યાગ.

હૃદયના ઊંડાણમાં પ્રવર્તતી ગાઢ જીવંત લાગણીઓને કોઈપણ જાતની શૈલીના આડંબર વિના સરળ ભાષામાં રજૂ કરતી મૂરની કવિતાઓ માનવમનને સહજ સ્પર્શી જાય છે. પ્રવર્તમાન યુગની કાવ્યધારા એમને ભીંજવી શકી નહોતી. દરેક માણસે પોતાની જિંદગી બે વાર જીવવી જોઈએ એમ તેઓ માનતા. જંગિઅન વિચારધારા, કેળવેલો ખ્રિસ્તીભાવ, ગરીબી, શહેરની વચ્ચે અનુભવાયે રહેતું ગામડાંનું ખેંચાણ, ગરીબી, પુરુષાર્થ વગેરેએ એમની કલમને એક અલગ જ આયામ આપ્યો. પરંપરાગત કાવ્યશૈલીઓ પરની એમની હથોટી એમને એમના જમાનાની આધુનિક કવિતાઓની ફેશન-પરેડથી અલગ તારવે છે. ઈલિયટે એમની કવિતાઓ સંપાદિત કરતી વેળાએ લખ્યું હતું: ‘તેઓ પહેલાં અને સૌથી વધુ તો પોતાને જે કહેવું છે એ બાબતમાં ચિંતિત હતા. ભાવનાત્મક તીવ્રતાના દબાણ હેઠળ, અને પોતાની દૃષ્ટિને આધીન, તેઓ, લગભગ સાવ જ અચેતાવસ્થામાં, પોતાને જે કહેવું છે એ માટેનો સાચો અને અનિવાર્ય માર્ગ શોધી લેતા હતા.’ કવિતા ઉપરાંત એમણે સેંકડો વિવેચનલેખો, નવલકથાઓ, વીસમી સદીની શ્રેષ્ઠ કહી શકાય એવી આત્મકથા અને પુષ્કળ અનુવાદો પણ આપ્યા. પત્ની વિલા મૂરના સહયોગથી કરેલા, વિશ્વવિખ્યાત થયેલ અંગ્રેજી અનુવાદો વડે તેઓ ફ્રાન્ઝ કાફ્કા, માન જેવા મહાન જર્મન સર્જકોને સૌપ્રથમવાર વિશ્વ સમક્ષ લઈ આવ્યા.

કવિતાના શીર્ષક ‘ખાતરી’થી વધુ નક્કર શબ્દ દુનિયામાં જડવો કદાચ મુશ્કેલ. દુનિયાની અડધી સમસ્યાઓ માત્ર એ કારણે છે કે મનુષ્યને વાતની કે માણસની ખાતરી નથી હોતી. કોઈ પણ વ્યક્તિ કે વાત પર ખાતરી બેસી જાય તો સમસ્યા ખતમ જ સમજો. સળંગ સોળ પંક્તિઓમાં લખાયેલી આ કવિતા વાચકને વચ્ચે ક્યાંય અટકવાને અવકાશ દેતી નથી. વચ્ચે-વચ્ચે ક્યાંક-ક્યાંક પ્રાસ મળી જતાં દેખાય છે તો ક્યાંક-ક્યાંક પંક્તિઓ આયમ્બિક પેન્ટામીટર કે ટેટ્રામીટરમાં લખાયેલી પણ જોવા મળે છે, પણ મૂળે આ રચના અછાંદસ છે અને એમાં કવચિત સંભળાતા ચુસ્ત પ્રાસ અને છંદ એ એનો આગવો લય માત્ર છે. ‘જે શોધવામાં જિંદગી આખી પસાર થાય, ને એ જ હોય પગની તળે એમ પણ બને’ (મનોજ ખંડેરિયા) જેવી વાત લઈને આવતી એડવિન મૂરની આ કવિતામાં પોતાના પ્યારનો ચહેરો જ સાચો ચહેરો છે એની ખાતરી કવિ આપણને કરાવે છે. વાત ખાતરીની છે, એટલે કવિતાનો પ્રારંભ પણ ‘હા’ થી થાય છે. ‘સુલતાન’ ફિલ્મના ગીત –‘जग घूमेया, थारे जैसा ना कोई’ થી શરૂ થઈ ‘जैसी तू है वैसी रहना’ સુધી આ કવિતા પહોંચે છે.

પેરેડાઇઝ લૉસ્ટમાં જ્હોન મિલ્ટન લખે છે, ‘તારી સાથે વાત કરતી વખતે હું સમય અને ઋતુઓ ભૂલી જાઉં છું. ઋતુઓના પરિવર્તનો એકસમાનરીતે પ્રસન્ન કરે છે. સવારથી રાત સુધી બધું જ ગમે છે પણ તારા વિના કશામાં મીઠાશ નથી.’ પ્રિયતમાનો મહિમા એલેક્ઝાન્ડર પૉપ ‘ધ રેપ ઑફ ધ લોક’માં આ રીતે કરે છે:

If to her share some female errors fall,
Look on her face, and you’ll forget ‘em all.
(તેણીના ભાગે કોઈ સ્ત્રીસહજ ભૂલ થઈ જાય તો તેણીના ચહેરા તરફ જુઓ અને તમે બધું જ ભૂલી જશો)

એડવિન મૂર પણ આ જ વાત કહે છે. કહે છે, હા, મારી વહાલી! તારો જ ચહેરો સાચો માનવ ચહેરો છે. મેંમનોમન વર્ષો સુધી તારા જ ચહેરાની રાહ જોયે રાખી છે. સાચી વસ્તુની –તારી- તલાશમાં જિંદગીભર હું ખોટી વસ્તુઓને જ જોતો રહ્યો. વ્યર્થ જ અહીં-તહીં, આજ-કાલમાં ભટકતો રહ્યો. આપણે પણ જિંદગીભર મૃગજળની ખેતી જ કરતાં રહીએ છીએ, અસત્યમાં જ ફાંફા માર્યે રાખીએ છીએ. સાચું સૌંદર્ય સત્યમાં છે. સત્ય કડવું હોઈ શકે, પણ કદરૂપું નહીં. મજનૂને લૈલા સુંદર લાગી હતી કેમકે લૈલા એ મજનૂની જિંદગીનું એકમાત્ર સત્ય હતી.

રુમી કહી ગયા કે તમે મારામાં જે સૌંદર્ય જુઓ છો એ તમારું જ પ્રતિબિંબ છે. (The beauty you see in me is a reflection of you.) કાલિદાસે એવું કહ્યું કે प्रियेषु सौभाग्यफला हि चारुता। (પ્રિયજનને સુભગ લાગે એ જ સૌંદર્ય) અને એ જ કાલિદાસ એવું પણ કહી ગયા કે सर्वः कान्तमात्मीयं पश्यति। (સર્વ પોતાને પ્રિય હોય એવી વ્યક્તિને સુંદર રૂપે જ જુએ છે.) આમ સૌંદર્ય જોનારની દૃષ્ટિમાં જ છે. (Beauty lies in the eyes of beholder.) આ સૌંદર્ય આખરે છે શું? હેગલ કહી ગયા કે વિચારનો ઇન્દ્રિયજન્ય આવિષ્કાર એટલે જ સૌંદર્ય. (Sensuous appearing of the Idea) ધનંજયે કહ્યું, रुपं दृश्यतोच्यते। (જેમાં દૃશ્યતા હોય એ રૂપ) સુંદરતાનો ભાવ જ સૌંદર્ય છે. (सुन्दरस्य भावः सौन्दर्यम्।) સુશ્રુતસંહિતામાં દલ્હણ રૂપને જ લાવણ્ય અને સૌંદર્ય તરીકે ઓળખાવે છે. (रुपमिहं लावण्यं विवक्षितं यत्पर्यायः सौन्दर्यम्।) તો આનંદવર્ધન ધ્વન્યાલોકમાં કહે છે કે લાવણ્ય તો અંગનાઓના અવયવોથી છલકાતું કોઈ તત્ત્વ છે. (यत्तत्तदेवावयवातिरिक्तं विभाति लावण्यमिवाँगनासु।) આમ, સૌંદર્ય મૂળભૂતરીતે કસ્તૂરીમૃગની નાભિમાં રહેલી કસ્તૂરીની જેમ મનુષ્યની ભીતર જ રહેલું છે, ઇન્દ્રિયો તો માત્ર એની અનુભૂતિનું ઉપરછલ્લું સાધન જ બની રહે છે. કૃષ્ણને તો કુબ્જા પણ નિતાંત સૌંદર્યવતી લાગી હતી કેમકે એ કૃષ્ણપ્રેમથી આકંઠ છલકાતી હતી. મનવાંછિત સૌંદર્યની પીંછી ફેરવીને પ્રેમ આખી સૃષ્ટિને ગુલાબી રંગી દે છે. દુનિયા હોય એના કરતાં વધુ સુંદર દેખાવા માંડે એનું કારણ આંખ પર ચડેલા પ્રેમના ચશ્માં જ હોઈ શકે.

લાંબી પ્રતીક્ષા અને ખોટા માર્ગ પર ભટક્યા બાદ ‘नए मौसम की सहर या सर्द में दोपहर, कोई मुझको यूँ मिला है जैसे बन्जारे को घर’ની જેમ અચાનક ખોટા સરનામાંઓની વચ્ચેથી સાચી વ્યક્તિ-સાચો પ્રેમ જડી આવે તો કેવી દિવ્યાનુભૂતિ થાય! પહેલાં તો પ્રાપ્તિનો આનંદ, તરસ પછીની તૃપ્તિનો આનંદ, અને પછી પરાકાષ્ઠા! આખું વિશ્વ તેજોમય ભાસે છે. તમારું આ પ્રિયપાત્ર… તમે એને શું કહેશો? એ તમારી વેરાન જિંદગીમાં ફૂટેલો ફુવારો છે. સત્યની તલાશમાં ખીણો-પર્વતો-વંકાચૂકા રસ્તાઓ પર અસત્યની વચ્ચે રઝળતા રહેલા તમે કોઈ સૂકા પ્રદેશ જેવા છો અને આ પ્રિયતમા એમાંનો પાણીનો કૂવો છે. આગળ કવિ પોતાની વાતને વધુ સ્પષ્ટ કરે છે. પ્રિયપાત્ર અથવા ઝંખનાનો ચરિતાર્થ આકાર માત્ર સત્ય હોવાના કારણે સુંદર કે શાતા બક્ષનાર નથી. દુનિયામાં જે કંઈ પણ વસ્તુ કે વ્યક્તિ એની જેમ જ ઈમાનદાર છે અથવા સારી છે, એ પણ આમ જ આકંઠ તરસ છિપાવી શકવા સમર્થ છે. તમારી ભીતર કોઈ ખોટ નહીં હોય તો તમારી આંખનું તેજ દુનિયાનું તેજ બને છે. જે આંખમાં સત્ય છે, ઈમાનદારી છે, સારપ છે, એ આંખ બુદ્ધની આંખ છે. એ દુનિયા આખીને રોશન કરે છે.

જેનો આત્મા શુદ્ધ અને દૃષ્ટિ પ્રબુદ્ધ છે, એ આપવામાં માને છે. એનું હૃદય મોકળું હૃદય છે, એમાં ક્યાંય સાંકડી ગલીઓ સંભવ જ નથી. પ્રિયાનું વિશાળ હૃદય આપવામાં જ માનતું હોય એમ પરિતૃપ્તિ આપે છે. જે આપે છે એ સરળ જ હોવાનું. જ્યાં સુધી ભીતરની સંકુલતા દૂર નથી થઈ શક્તી ત્યાં સુધી હાથ દેવા નહીં, બસ લેવા જ લંબાય છે. જીવતરના શબ્દકોષમાં ‘આપવું’નો પર્યાય ‘વિશાળતા’ છે. કવિ કહે છે કે તારું મોકળું હૃદય, આપવાના ઔદાર્યથી સરળ, બક્ષે છે આદિ કર્મ. આદિ કાર્ય એટલે શું? ખ્રિસ્તી ધર્મમાં આદમ અને ઈવની વાત આવે છે. આદમ અને ઈવની વચ્ચે જે સંબંધ બંધાયો, જેનાથી પૃથ્વી પર મનુષ્યજાતિની શરૂઆત થઈ એ આદિકર્મ? સિગ્મંડ ફ્રોઇડ આદિકર્મના સિદ્ધાંતને અલગ રીતે જુએ છે. એમના મત પ્રમાણે એક જ આદિકબીલો હતો જેમાં આદિપિતા તમામ સ્ત્રીઓને એકલહથ્થા ભોગવતા અને પુત્રોને ભગાડી દેતા અથવા ખતમ કરી દેતા. એકવાર પુત્રોએ ભેગા થઈને આદિપિતાની હત્યા કરી નાંખી અને ખાઈ ગયા જેથી સ્ત્રીઓ ભોગવવા મળે. આદિકબીલાની વિભાવના અંત પામી. પણ પુત્રોને અપરાધભાવ જન્મ્યો અને મૃતપિતાને પરમેશ્વર તરીકે સ્થાપ્યા અને પરિવારમાંને પરિવારમાં સ્થપાતા યૌનસંબંધો વર્જ્ય ગણાયા. સમાજવ્યવસ્થાની શરૂઆત થઈ. પણ મરઘી પહેલી કે ઈંડું પહેલુંના પ્રશ્નની જેમ જ આદિકર્મ પણ બહુધા અનુત્તરિત છે. આદિકર્મ એ અંત નથી, આરંભ નથી, પણ પૂર્વારંભ વડે આરંભનો પૂર્વસિદ્ધાંત છે. આદિકર્મ ઉત્પત્તિ વડે કરાયું નહોતું, બલકે એ પોતે જ ઉત્પત્તિ હતું.

ઉત્પત્તિ પછીની સૌપ્રથમ ‘સારી’ દુનિયા, વસંત, પ્રફુલ્લિત બીજ અને એમ સકળ સૃષ્ટિને કવિ હવે નૂતન નજરે જુએ છે. આપવું એ આદિ કર્મ છે, સંઘરવું નહીં. પ્રેમ આપવામાં માને છે. પ્રેમ વહેંચવાથી વધે છે. સાચા દિલથી અને સાચા પ્રેમથી આપણે આપવું શરૂ કરીએ તો દુનિયા પહેલવહેલીવર સારી લાગે છે, સંસારવૃક્ષ ફૂલોથી લચી પડે છે અને આ ફૂલોના બીજ પવન સાથે ફૂંકાઈને દુનિયાભરમાં ફેલાઈ વળે છે અને દુનિયા વધુને વધુ ખૂબસુરત બને છે. સગડી, સ્થિર ભૂમિ, ભટકતો દરિયો એ જીવનના પ્રતીકો છે. એ આપણી અલગ-અલગ અવસ્થાઓ નિર્દેશે છે. જીવનના દરેક તબક્કે આપણી સાથે જે કંઈ બને છે, એ બધું સારું જ હોય એ જરૂરી નથી. જિંદગીના રસ્તામાં આપણે જેને-જેને મળીએ એ બધું સુંદર કે સાચું જ હોવું જરૂરી નથી. પણ જિંદગીભરની રઝળપાટ કર્યા પછી અમૃતકુંભ સમી પ્રેયસી –સાચી, ઈમાનદાર વસ્તુ- હાથ લાગી છે જેનો મૂળભૂત ગુણધર્મ આપવાનો છે, લેવાનો નહીં, ત્યારે કવિની જેમ જ આપણને પણ ખાતરી થવી ઘટે છે કે વિશ્વમાં જે-જે બધું છે એ બધું કંઈ સર્વાંગ સુંદર કે સંપૂર્ણ કે અનન્ય નહીં જ હોઈ શકે પણ એ બધાને એ બધું જેમ છે એમ યથાતથ જ સ્વીકારી લેવાવું જોઈએ. એમાં જ જીવનનું સાર્થક્ય છે. સમગ્રતયા સુંદર કે વિરલની પાછળ રઝળપાટ કરવાને બદલે જે છે એ જેમ હોવું જોઈએ એમ જ હોય એમાં જ એનું સાચું સૌંદર્ય છે. કાલિદાસે સાચું જ કહ્યું હતું: ‘रम्याणी वीक्ष्य।‘ (સર્વમાં સુંદરતા જ જોવી.) અને અંતે સુન્દરમ્ પણ યાદ આવ્યા વિના નહીં રહે:

હું ચાહું છું સુન્દર ચીજ સૃષ્ટિની,
ને જે અસુન્દર રહી તેહ સર્વને
મૂકું કરી સુન્દર ચાહી ચાહી.

ગ્લૉબલ કવિતા : ૧૪૬ : મમ્મીને – ઉષા એસ. (કન્નડ)

To Mother

Mother, don’t , please don’t,
don’t cut off the sunlight
with your saree spread across the sky
Blanching life’s green leaves.

Don’t say: You’re seventeen already,
don’t flash your saree in the street,
don’t make eyes at passers-by,
don’t be a tomboy riding the winds.

Don’t play that tune again
that your mother,
her mother and her mother
had played on the snake-charmer’s flute
into the ears of nitwits like me.
I’m just spreading my hood.
I’ll sink my fangs into someone
And lose my venom.
Let go, make way.

Circumambulating the holy plant
In the yard, making rangoli designs
To see heaven, turning up dead
Without light and air,
For God’s sake, I can’t do it.

Breaking out of the dam
You’ve built, swelling
In a thunderstorm,
Roaring through the land,
Let me live, very different
From you, Mother.
Let go, make way.

– Usha S (Kannad)
(Eng Translation by A K Ramanujan)

મમ્મીને

મમ્મી, નહીં, પ્લીઝ નહીં,
નહીં અવરોધ આ સૂર્યપ્રકાશને
તારી સાડી આકાશમાં ફેલાવી
જીવનના પાનની હરિયાળી ફિક્કી ન કર.

નહીં કહે: તું ક્યારની સત્તરની થઈ ગઈ,
નહીં લહેરાવ તારી સાડી શેરીમાં,
નહીં કર આંખ-ઉલાળા રાહદારીઓ સાથે,
નહીં બન પવન પર સવારી કરતો ટોમબોય.

નહીં વગાડ ફરીથી એ જ ધૂન
જે તારી મમ્મી,
એની મમ્મી અને એની મમ્મીએ
મદારીના બીન પર
મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે.
હું બસ, મારી ફેણ ફેલાવી જ રહી છું.
હું બેસાડી દઈશ મારા દાંત કોઈકમાં
અને ઓકી કાઢીશ વિષ.
જવા દે, રસ્તો કર.

ઓસરીમાં પવિત્ર તુલસી ફરતે
પ્રદક્ષિણા કરવી, રંગોળી મૂકવી
સ્વર્ગપ્રાપ્તિ માટે, હવા-ઉજાસ વિના જ
મરી જવું,
ભગવાનની ખાતર, મારાથી નહીં થાય.

તોડી નાંખીને બંધ
જે તેં બાંધ્યો છે, પૂર-તોફાન થઈને
ધસમસતી,
જમીનને ધમરોળતી,
મને જીવવા દે, સાવ જ વેગળી
તારાથી, મમ્મી.
જવા દે, રસ્તો કર.

– ઉષા એસ. (કન્નડ)
(અંગ્રેજી અનુવાદઃ એ.કે. રામાનુજન)
(અનુ. વિવેક મનહર ટેલર)

મમ્મી. ખસ. જવા દે. રસ્તો કર.

આમ તો મા એની દીકરીની સૌથી નજીકની બહેનપણી ગણાય છે, પણ શું આ વાત સર્વથા સાચી હોય છે ખરી? મોટાભાગના કિસ્સામાં એવું જોવા મળતું હોય છે કે બહેનપણીના સ્વાંગ ધારણ કરીને ચોકીદાર દીકરીની નજીક આવતો હોય છે. અચાનક યુવાન થઈ ગયેલી દીકરીની ચિંતા કઈ માને ન હોય? અનુભવે મા શીખી છે કે દુનિયાની નજર સ્ત્રી માત્રને વસ્ત્રો ઊતારીને જોવાનું જ શીખી છે. જે નજરોએ, જે કમેન્ટોએ પોતાને નિર્વસ્ત્ર હોવાનો ગંદો અહેસાસ કરાવ્યો હતો, એમાંથી દીકરીને પસાર ન થવું પડે એ હેતુસર મા દીકરીને માત્ર સલામતીના પાઠ નથી શીખવતી, એના પર જાત-જાતના પ્રતિબંધો પણ લાદી દે છે. હકીકત એ છે કે, મા ગમે એટલું ધારે પણ જે અનુભવમાંથી એ પસાર થઈ છે, એમાંથી એની મા, માની મા, એની મા; દીકરી, દીકરીની દીકરી, એની દીકરી –બધાંએ પસાર થવું જ પડ્યું છે, પડે છે, ને પડવાનું જ છે, સિવાય કે પુરુષજાત એની એક્સ-રે નજરનો સ્વયંભૂ ત્યાગ કરે! પણ દીકરીઓ પણ સ્માર્ટ હોય છે. બહેનપણી બનવાના બહાને વાલીપણું દાખવવાના માના પેંતરાઓ દીકરીની નજરથી ભાગ્યે જ છટકતા હોય છે. મોટા ભાગની દીકરીઓ ‘આગુ સે ચલી આતી હૈ’ સમજીને માનો વિરોધ કરતી નથી, પણ જે કેટલીક દીકરી પોતાના જીવનનો સાચો અર્થ સમજી શકી છે, એ છાતી કાઢીને માની સામે ઊભી રહી જાય છે. એસ. ઉષાની આ કવિતા આવી જ દીકરીની વાત લઈને આવી છે.

એસ. ઉષા. કન્નડ સાહિત્યકાર. ૧૯૫૪માં તેમનો જન્મ થયો હતો, એ સિવાય ભાગ્યે જ કોઈ માહિતી એમના વિશે હાથ લાગી શકી છે. તેઓ કન્નડ ભાષાના લબ્ધપ્રતિષ્ઠ નવલકથાકાર તથા કવયિત્રી છે. એમની કેટલીક નવલકથાઓ પરથી ફિલ્મ પણ બનાવવામાં આવી છે. કવિતામાં પુરાણના સંદર્ભો વણી લેવામાં તેઓ કુશળ છે. એમની કવિતાઓ છંદમુક્ત હોવા છતાં સુનિશ્ચિત લયગ્રથિત હોવાનું અનુભવી શકાય છે. સ્ત્રી હોવાના કારણે સાહજિક જ એમની રચનાઓમાંથી સ્ત્રીસમાનતાનો સ્વર પ્રગટ થતો અનુભવાય છે પણ આ સ્વર ચીસ નહીં, પુખ્ત અને સમજણભર્યો છે જેને અવગણવું કપરું થઈ પડે છે. કન્નડ લેખિકાઓના સાહિત્યમાં બે ભાગ પડતા અનુભવાય છે. પહેલાંનું સાહિત્ય ‘અમ્મા’ (માતા)ના પદચિહ્નો પર ચાલે છે, જેના પર સત્તરમી સદીના કવિ સાન્સિયા હોન્નમ્માના ‘સમર્પિત પત્નીની ફરજો’નો ખાસ્સો પ્રભાવ અનુભવાય છે. એમાં સ્ત્રીઓ માટેના સમાજમાં સદીઓથી સ્વીકાર્ય બનેલા વિચારો અને એનું સમર્થન નજરે ચડે છે. જો કે હોન્નમ્માનો અવાજ પણ આખરે તો એક સ્ત્રીનો જ અવાજ હતો, એ સાવ જ અછતો તો કેમ રહી શકે?-

શું એ સ્ત્રી નહોતી જેણે તેઓને વેંઢાર્યા હતા,
શું એ સ્ત્રી નહોતી જેણે તેઓને ઉછેર્યા હતા,
તો પછી શા માટે તેઓ હંમેશા સ્ત્રીને દોષ આપે છે,
આ ગમારો, આ આંધળાઓ. (અંગ્રેજી અનુ. તેજસ્વિની નિરંજના)

જો કે ૭૦ના દાયકા બાદના કન્નડ સ્ત્રીસર્જકો અમ્માને છોડીને ‘અક્કા’ (મોટી બહેન-દીદી) તરફ વળતા દેખાય છે, જ્યાં સ્ત્રીઓ જૂની વિચારધારાઓની ધૂંસરી ફગાવીને પોતાનો અવાજ સ્પષ્ટ બુલંદ કરતી નજરે ચડે છે. કન્નડ સાહિત્યમાં ‘અક્કા’ સ્ત્રીઓના પ્રતિકાર અને બળવાનું પ્રતીક છે. સર્વમંગલા લખે છે:

કેટલી કઠિન સ્ત્રી છે તું, દીદી.
તારા પતિને છોડી દઈને
તારા વસ્ત્રો ફગાવી દઈને
તેં તારી જાતને શોધી લીધી!
દૈવી-સદૃશ પત્નીત્વના ઝાંખા દીવા પર પાણી છાંટીને.

પ્રસ્તુત રચના એસ. ઉષાની કન્નડ રચના ‘અમ્માનીજ’નો જાણીતા ભારતીય અંગ્રેજી કવિ શ્રી એ. કે. રામાનુજને કરેલ અંગ્રેજી અનુવાદનું ગુજરાતી ભાષાંતર છે. અનુવાદ આમેય મૂળ કવિતાની હત્યા કરે છે. અનુવાદક ભાગ્યે જ મૂળ કવિના ખોળિયામાં પ્રવેશીને કાવ્યસર્જનની મૂળ પળ સુધી પહોંચી શકે છે. વળી, મૂળ ભાષાના વાતચીતના કાકુ, રુઢિપ્રયોગો-કહેવતો કે જે-તે સભ્યતાના સંસ્કાર-વાર્તાઓ-રૂપકો કોઈપણ અનુવાદક યથાતથ પોતાની ભાષામાં ઝીલી શકતો નથી. રૉબર્ટ ફ્રોસ્ટે કહ્યું હતું, કે અનુવાદમાં જે ગુમાવી બેસાય છે, એ કવિતા છે. વળી, આ રચના તો કન્નડમાંથી કરાયેલા અંગ્રેજી અનુવાદનોય અનુવાદ છે એટલે મૂળ સર્જકના ભાવવિશ્વના અનુસર્જનના અનુસર્જનની કોશિશ છે એટલે સ્વાભાવિક રીતે જ મૂળ રચનાની કાવ્યરીતિ અને ઉષાને હસ્તગત આંતરિક લય વગેરેથી આપણે માહિતગાર થઈ શકીએ એમ નથી. જો કે અન્ય ભાષાથી અજાણ ભાવક માટે અનુવાદથી વધુ મોટો કોઈ આશીર્વાદ પણ ન જ હોઈ શકે. એટલે આપણે કાવ્યસ્વરૂપની વાત બાજુએ મૂકીને કવિતાના ભાવવિશ્વમાં પ્રવેશીએ.

પ્રસ્તુત રચનામાં ઉંમરના હસીન મોડ પર આવી ઊભેલ કોઈ ટીનએજર સમાજની સ્થાપિત કુ-પ્રણાલિઓ સામે શિંગડા ભેરવે છે. પરંપરાના નામે ઊભી કરી દેવાયેલી બેડીઓ-બંધનોને તોડીને પોતાનો રસ્તો કરવા માંગતી આજની પેઢીની યુવતીની આ વાત છે. સીધી અને સટાક. જવા દે, રસ્તો કર. બસ. સમસ્ત સંવેદનાતંત્ર હચમચી ઊઠે એવી આ રચના ભલે મમ્મીને સંબોધીને લખવામાં કેમ ન આવી હોય, એ મા-દીકરીઓની સાથે બાપને પણ અને આપણા આખાય સમાજને એકસમાન સ્પર્શે છે. સત્તર વરસની છોકરી તો કેવી હોય:

એક સત્તર વરસની છોકરી
એવી ફદૂકે જાણે કરતું ન હોય કો પતંગિયું સપનાંઓની નોકરી.

સોળ કે સત્તર– ઉંમરનો કેવો નાજુક વળાંક! એક બાજુ મુગ્ધતા હજી ઓસરી નહીં હોય ને બીજી બાજુ પુખ્તતા બારણે ટકોરા મારીને પૂછતી હોય, આવું કે? જીવનનો સૌથી કમસીન વળાંક! ને આ સાવ નવા જ વળાંકે આવીને ઊભેલી યુવતી જિંદગીને કેવી રીતે જોવી-જીવવી-જીરવવી, એની મીઠી અવઢવમાં ઘર અને ઓસરીની વચ્ચે ‘ઊંબરે ઊભી સાંભળું રે બોલ વ્હાલમના’ નો અધ્ધરિયો અહેસાસ શ્વસતી હોય છે. શરીરમાં હૉર્મોન્સનો હણહણાટ એવો થતો હોય કે અવર કશું સંભળાય-સમજાય પણ નહીં. ‘ઘટમાં ઘોડા થનગને, આતમ વીંઝે પાંખ, અણદીઠેલી ભોમ પર યૌવન માંડે આંખ’ (ઝવેરચંદ મેઘાણી). જતીન બારોટના એક ગીતનો ઉઠાવ યાદ આવે છે:

કે’તો મેરાઈ મૂવો ઓછું છે કાપડું, ને ટૂંકી પડે છે તને કસ
તારે સત્તરમું ભારે છે બસ.

ચાંદની ફિલ્મમાં શ્રીદેવી પણ આવું જ કંઈક ગાય છે: ‘મેરે દરજી સે આજ મેરી જંગ હો ગઈ, કલ ચોલી સિલાઈ આજ તંગ હો ગઈ.’ પણ આપણે ત્યાં છોકરીની બ્લાઉઝ ટાઇટ થવા માંડે એ પહેલાં તો મમ્મીઓ ટાઇટ થઈ જાય છે. કહેવાતા વિકાસ અને બદલાતી જતી સંસ્કૃતિની આ ઊલટી તાસીર છે કે આપણો સમાજ ઉન્મુક્ત થવાના બદલે સંકુચિત થવા માંડ્યો છે. કુંતી એકાંતમાં એકાધિક દેવતાઓનું અધિષ્ઠાન કરી શકતી. પાંચ-પાંચ પતિ હોવા છતાં દ્રૌપદી કૃષ્ણને સખા બનાવી શકતી. રુક્મણિ કૃષ્ણને પ્રેમપત્ર લખી પોતાને લઈ જવાની ધમકી આપી શકતી. સ્ત્રીઓ પોતાનો વર સ્વયં પસંદ કરતી પણ આજે તો મમ્મીઓ પોતાની દીકરીની ચારે તરફ લક્ષ્મણરેખાઓ ખેંચવામાંથી જ ઊંચી નથી આવતી, કેમ જાણે દુનિયાભરના રાવણ એની સીતાને જ ઊંચકી જવાના ન હોય! જો કે મમ્મીઓ સાવ ખોટી પણ નથી. ચારેતરફ જે રીતે નિર્ભયાકાંડ બિલાડીના ટોપની જેમ ફૂલીફાટી નીકળ્યા છે એ સાચે જ ભય જન્માવે છે. ‘સોલહ ખતમ સતરા શુરુ, રાતદિન લૂંટને કા ખતરા શુરુ’ જેવા ફિલ્મી ગીતો આપણા સાંપ્રત સમાજનો સીધો ને સટીક અરીસો છે.

વધતી-ઓછી પંક્તિસંખ્યાના પાંચ અંતરામાં કવિતા પ્રસરી છે. સૌથી પહેલું જે ધ્યાન ખેંચે છે, એ છે નકારની નક્કરતા. પહેલી નવ પંક્તિમાં એક-બેવાર નહીં, આઠ-આઠ વાર નકાર ઘૂંટીને કવયિત્રી પોતાનો આક્રોશ બળવત્તર કરે છે. આમાંથી છ પંક્તિઓની તો શરૂઆત જ નન્નાથી થાય છે. કવયિત્રી પોતાને જે કહેવું છે, એને અંડરલાઇન નથી કરતાં, બલ્કે, હાઇલાઇટ કરે છે. પોતાને જે કહેવું છે એ માટે એ ગળુ એવી રીતે ખોંખારે છે કે તમારે સાંભળવું જ પડે. હા, શરૂઆતમાં દીકરી માને પ્લીઝ પણ કહે છે પણ આગળ જતાં સમજી શકાય છે કે આ પ્લીઝ એ સંબંધજન્ય ઔચિત્યથી વિશેષ કંઈ નથી. શરૂની આજીજી કાવ્યાંતે નક્કર વિદ્રોહમાં રૂપાંતરિત થાય છે.

દીકરી મમ્મી સાથે સંવાદ સાધે છે પણ એ દીકરીની એકોક્તિ સ્વરૂપે રજૂ થાય છે. દીકરી માને કહે છે, મમ્મી, નહીં. પ્લીઝ, નહીં. આગળ કંઈ જ ન લખ્યું હોય તોય ભારતવર્ષની મા-દીકરીઓ સંવાદના મૂળને સૂંઘી શકે એટલી સાર્વત્રિક આ વાત છે. સંતાનોના રક્ષણ માટે મા-બાપ, ખાસ કરીને દીકરીના રક્ષણ માટે મા, છાપરું બની રહે છે, જેથી જમાનાના સૂર્યનો આકરો તાપ સંતાન પર નહીં પડે. વિપુલ માંગરોલિયા લખે છે:

હજી પણ પાતળા કપડાંથી સૂરજને એ હંફાવે,
હજી મારી મા પાલવ એટલો દમદાર રાખે છે.

પણ દીકરીને માના આ રક્ષણમાં પોતાની આઝાદી અને પોતાના વિકાસની રુંધામણી નજરે ચડે છે. પૂરતો સૂર્યપ્રકાશ ન મળે તો છોડ પાંગરીને વૃક્ષ બની જ ન શકે. દીકરીની નજરે માએ ફેલાવેલો આ પાલવ જીવનવૃક્ષના લીલા પાંદડાંઓને અનિવાર્ય સૂર્યપ્રકાશને છાવરી દઈ જીવનની હરિયાળીને ફિક્કી બનાવી દેતો અવરોધ માત્ર છે. સ્વવિકાસની આડે આવતું રક્ષણ આજની દીકરીને મંજૂર નથી. એ મા પસેથી આવી મહેરબાની મેળવવા માંગતી નથી.

સંતાન નાનું હોય ત્યારે આપણે એને એ મોટું હોવાનો અહેસાસ કરાવીએ છીએ: બેટા, હવે તું મોટી થઈ ગઈ, તારાથી ચોકલેટ ખવાય? અને સંતાન મોટું થઈ જાય ત્યારે આપણું વલણ વળી વિપરિત હોવાનું: ધ્યાન રાખ, બેટા. હજી તો તું નાની છે. આપણી નજરે આ આપણો સંતાનપ્રેમ છે. પણ સંતાનની નજરે? એની નજરે આ બંધન છે. બીજા અંતરાની ચારેય પંક્તિઓ નકારથી શરૂ થાય છે. શરૂમાં જે આજીજી ‘પ્લીઝ’ બનીને આગળ આવી હતી, એનું સ્થાન હવે નકારની પુનરોક્તિની દૃઢતાએ લીધું છે. મમ્મીએ જે જે નકાર દીકરી સમક્ષ મૂક્યા છે, એ તમામ સામે દીકરી પોતાનો નકાર ગોઠવે છે. મા કહે છે, કે હવે તું સત્તર વરસની ઢાંઢી થઈ ગઈ છે. તારી સાડીનો છેડો સાચવીને ચાલ. તારા કપડાંઓનું ધ્યાન રાખ. આવતાં-જતાં લોકોથી નજર ચોરીને ચાલ. જેની-તેની સામે ટગર-ટગર ડોળા કાઢવાનું બંધ કર. તું છોકરી છે, છોકરો નથી કે આમ હવામાં ઊડતી ફરે છે. ટોમબોયની જેમ શેરીઓમાં રખડપટ્ટી બંધ કર. ઠરીને બેસ. ઠરીને ચાલતાં શીખ. ઠરીને રહે. પણ નાયિકાનો મિજાજ અલગ જ છે:

अभी शबाब है, कर लूं खताएं जी भर के,
फ़िर इस मकाम पे उम्रे-रवां मिले न मिले । (આનન્દનારાયણ ‘મુલ્લા’)
(હજી યૌવન છે તો દિલ ભરીને અપરાધો કરી લઉં, પછી આ મુકામ પર વહેતી ઉંમર મળે, ન મળે)

‘દીકરી ને ગાય દોરે ત્યાં જાય’, ‘દીકરી તો સાપનો ભારો’, ‘સાત દીકરીએ બાપ વાંઝિયો’, ‘બેટી, તેની ગરદન હેઠી’, દીકરી અને ઉકરડાને વધતાં વાર કેવી?’ -આપણી કહેવતોમાંથી દીકરીઓ માટેની આપણી વિચારધારા દેખાઈ આવે છે. પેઢી દર પેઢી સંસ્કારના નામે આપણે દીકરીઓને વધતી અટકાવી છે. દીકરીને આપણે ઊતરતી જાતિની ગણી છે, પરિણામે સ્ત્રી-પુરુષનો રેશિયો ખાડે જઈ રહ્યો છે અને સરકારે ઊઠીને ‘બેટી બચાવો’ની ઝુંબેશ આદરવી પડી છે. આપણે ભૂલી ગયાં છીએ કે પુત્ર તો ‘પુત્’ નામના નરકમાંથી મૃત્યુપર્યંત ઉગારશે, દીકરી તો જીવતેજીવ પૃથ્વી પર જ ઉગારે છે. આઇરીશ કહેવત છે, ‘A son is a son till he gets a wife, but a daughter is a daughter all her life.’ પણ આપણા ચાવવા-દેખાડવાના દાંત અલગ છે.

દીકરી એની માને કહે છે કે સદીઓથી પેઢી દર પેઢી તારી મા, એની મા અને એની માઓએ મદારીના બીન પર મારા જેવી મૂર્ખીઓના કાનમાં વગાડ્યે રાખી છે, એ હવે બંધ કર. મદારીની ધૂન પર નાચતો સાપ મદારીથી ડરે છે. એ સાપ હકીકતમાં પોતાનું સાપત્વ ગુમાવી ચૂક્યો છે. એનું જીવન મદારીના કરંડિયામાં કાયમ માટે કેદ થઈ ચૂક્યું છે. એ સાપ મદારીનો ગુલામ છે. એની પોતાની કોઈ ઇચ્છા કે આઝાદી બચ્યાં નથી. સદીઓથી મા પોતાની દીકરીઓ માટે મદારીનું કામ કરતી આવી છે. દીકરીઓને પોતાના પર પેઢી દર પેઢી થોપવામાં આવેલી પરંપરાઓના કરંડિયામાં મમ્મીઓ કેદ રાખતી અને એની એ ધૂન પર નચાવતી ચાલી આવી છે. કન્નડ કવયિત્રી શશીકલા વીરય્યા સ્વામી આ સ્ત્રીની ગુલામીને આ રીતે જુએ છે:

તમે તન અને મન બંનેને નગ્ન છોડીને નિર્ભીક બની ગયાં.
મને જુઓ, આ દાદીમાએ બનાવેલ રજાઈમાં.
એક ગુલામ એની ઇચ્છાઓની.
એક છીપ જેનું મોતી વિખેરાઈ જાય છે
જ્યારે એ વાવે છે.

પણ હવે બહુ થયું. દીકરીમાં અહેસાસ જાગી ચૂક્યો છે કે પોતે મૂર્ખ હતી જે આ ધૂન પર આટઆટલી સદીઓથી નાચતી આવી છે. ત્રીજા ફકરાના પ્રારંભે આવતો દીકરીનો નકાર આજીજી અને દૃઢતા પછીની ચેતવણીનો નક્કર નકાર છે. દીકરી માને ચેતવે છે, કે હું મારી પાસે ફેણ હોવાની મને જાણ થઈ ચૂકી છે, હું ફેણ ફેલાવી રહી છું, અને મને જે કોઈ રોકવા આવશે એનામાં મારા દાંત બેસાડી દઈ, હું મારું તમામ વિષ ઓકી કાઢીશ. હવે પરંપરાના નામ પર મને બારી-બારણાં વિનાના મકાનમાં પૂરવાની કોશિશ કરશો તો હું ડંખ મારીશ તમારી આ સડિયલ સિસ્ટમને. માટે, જવા દે, રસ્તો કર.

મા-બાપ બાળકો પર હાલતાંચાલતાં જે પ્રતિબંધો મૂકે છે, એમાંના મોટાભાગના પરંપરાગત ચાલી આવતી રુઢિઓને આભારી હોય છે. સ્ત્રીઓને તો નાનપણથી જ પરંપરા પીવડાવવામાં આવે છે. પરંપરા જેટલી જૂની, એટલી એની અધિકૃતતા વધારે. ઘરના વરંડામાં ઊગાડેલી તુલસી ફરતે પાણી રેડતાં-રેડતાં પ્રદક્ષિણા કરવી, ઘરઆંગણે રંગોળી પૂરવી વગેરે પરંપરાઓનું પાલન કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થતું હોવાના સંસ્કાર માતાઓ પુત્રીઓના દિમાગમાં ઠાંસી દે છે. પરંપરાઓના નામે આપણે સંતાનોની આઝાદીનો જબરદસ્તી બલિ લઈએ છીએ એ વાત હિંદી કવયિત્રી સુનિતા જૈને સરસ રીતે કરી છે:

પચ્ચીસ વરસ સુધી
મને હાથીના પગ સાથે બાંધી દેવાઈ હતી
કેમ કે તેં કહ્યું હતું કે તારી ઇચ્છાનું વધારે મહત્ત્વ છે
મારી જિંદગી કરતાં; અને ઉધઈ-ખાધેલી
હૃદયહીન પારિવારિક પરંપરા ચિલ્લાઈ હતી, બલિદાન.
મેં તને શાપ ન આપવાનો પ્રયત્ન કર્યો છે.

દીકરીનો નકાર કાવ્યાંતે નિર્ધારમાં પલટાયો છે, ને આજીજી ચીસમાં. એ કહે છે, છોકરીઓ માટે પરાપૂર્વથી નિર્ધારી રાખેલા કામો મારાથી નહીં બને. તમે ઘડી કાઢેલા કપોળકલ્પિત સ્વર્ગોની મને કોઈ ખેવના નથી. મારા માટે જે છે, એ આ જન્મ જ છે. મરી ગયા પછી મને શું મળશે એની મને કોઈ તમા નથી. પણ જે જિંદગી અત્યારે મારા હાથમાં છે, એ માત્ર ને માત્ર મારી છે, એના પર મારા સિવાય કોઈનોય અધિકાર નથી. તાજી હવા અને નવા ઉજાસ વિના સડી-સડીને મરવું મારી ફિતરત નથી. મમ્મી, મને બાંધવાની, અટકાવવાની કોશિશ ન કરીશ. તમે બાંધી રાખેલા બંધ અને બંધનો –સઘળું તોડીને હું ત્સુનામીની જેમ તમારા ખોટા મૂલ્યોને ધમરોળતી વહી નીકળીશ. તું જે રીતે જીવી હોય એ તારી પસંદગી હતી. હું તારાથી બિલકુલ અલગ રીતે, હું માત્ર મારી રીતે જીવવા માંગું છું. અને એના માટે મારે સુરક્ષિતતાના જે કોઈ કાંઠા તોડવા પડે, એ હું તોડીશ. આઝાદી માટેનો આક્રોશ અહીં બુલંદીએ પહોંચ્યો છે. દીકરીનો ટોન ચિત્કારમાં પરિણમ્યો છે. જીવન બાબતની એની પસંદગી ક્રિસ્ટલ-ક્લિઅર છે. મમ્મી જો એને ઇચ્છિત આઝાદી નહીં આપે, તો એ એને છિનવીને લઈ લેશે, પછી ભલેને ગમે એવો અંજામ કેમ ન આવે. તુલસી ફરતે ફરતી શાંત સ્ત્રીના ચિત્રણ બાદ તરત જ આવતું આ તોફાનનું ચિત્ર દીકરીના કૃતનિશ્ચયીપણાને ગાઢું બનાવે છે. અંતે દીકરી આગળ જાહેર કરેલો પોતાનો નિર્ણય દોહરાવે છે: જવા દે. રસ્તો કર. બે શબ્દોના બે નાના વાક્યો અને દીકરી મમ્મીની મમ્મી બની રહે છે.

ગ્લૉબલ કવિતા : ૧૪૫ : એક મજાનું ગીત હું જાણતો હતો – સ્ટિફન ક્રેન

Once, I knew a fine song

Once, I knew a fine song,
—It is true, believe me,—
It was all of birds,
And I held them in a basket;
When I opened the wicket,
Heavens! They all flew away.
I cried, “Come back, little thoughts!”
But they only laughed.
They flew on
Until they were as sand
Thrown between me and the sky.

– Stephen Crane

એક મજાનું ગીત હું જાણતો હતો

એકવાર, એક મજાનું ગીત હું જાણતો હતો,
– એકદમ સાચી વાત, મારો વિશ્વાસ કરો-
એ આખું પંખીઓનું હતું,
અને મેં એ ઝાલી રાખ્યું હતું મારી છાબલીમાં,
જ્યારે મેં ઢાંકણ ખોલ્યું,
હે પ્રભુ ! એ બધા જ ઊડી ગયાં.
હું ચિલ્લાયો, “પાછા આવો, નાના વિચારો!”
પણ તે ફક્ત હસ્યા.
તેઓ ઊડતા ગયા
ત્યાં સુધી જ્યારે તેઓ રેત સમા દેખાવા માંડ્યા,
મારી અને આકાશ વચ્ચે ફેંકાયેલી.

– સ્ટિફન ક્રેન
(અનુ. વિવેક મનહર ટેલર)

વિચારોની આઝાદી જ છે સાચી કવિતા…

અભિવ્યક્તિ મનુષ્ય માત્રની અનિવાર્ય આવશ્યકતા છે. કોઈ પણ વસ્તુને જોઈને, સાંભળીને, સ્પર્શીને, સૂંઘીને કે ચાખીને આપણે જે કંઈ સંવેદન અનુભવીએ છીએ એને યથાતથ સ્વરૂપે રજૂ કરવાનું આપણને ગમે છે. રજૂઆતની આ જરૂરિયાતમાંથી ભાષાની શરૂઆત થઈ. ભાષાનું પહેલું સ્વરૂપ વાણી અને બીજું લિપિ. ઈન્દ્રિયગમ્ય અનુભવો અને મનોભાવોને હૂબહૂ વ્યક્ત કરવાની મથામણ મનુષ્ય પ્રારંભથી કરતો આવ્યો છે. પણ શું આવી આબેહૂબ અભિવ્યક્તિ શક્ય હોય શકે ખરી? ચાલો, સ્ટીફન ક્રેનની આજની કવિતા પાસેથી આ વાતનો ઉત્તર મેળવવાની કોશિશ કરીએ.

સ્ટિફન ક્રેન. ૦૧-૧૧-૧૮૭૧ના રોજ ન્યૂ જર્સી ખાતે મેરી અને જોનાથનના ચૌદમા અને આખરી બાળક તરીકે જન્મ. ૯ વર્ષની વયે પિતાનું અને કોલેજમાં હતા ત્યારે માતાનું નિધન. બેઝબોલના સારા ખેલાડી. ભાઈ-ભાંડુ વધુ હોવાથી બહુધા એમની બહેને જ એમને ઉછેર્યા અને ભણાવ્યા. કોલેજ અધવચ્ચે છોડી દઈ ફ્રી-લાન્સ લખેક તરીકે કલમને ખોળે માથું મૂક્યું. માત્ર ચાર વર્ષની ઉંમરે વાંચવા-લખવાની શરૂઆત. સોળ વર્ષની ઉંમરે તો લેખો છપાવા માંડ્યા. ૧૮૯૩માં પહેલી નવલકથા જોન્સન સ્મીથના છદ્મનામે જાતે જ છાપી. યુદ્ધ ખબરપત્રી તરીકે ક્યુબા જતાં જહાજ કમનસીબે પાણીમાં ડૂબી ગયું. મૃતકરાર આપી દેવાયા બાદ અને ત્રીસ કલાક નાના હોડકાના સહારે રહ્યા બાદ તેઓ કિનારે આવ્યા. આ પ્રવાસ દરમિયાન ૧૮૯૭માં વેશ્યાગૃહ ચલાવનાર કોરા સ્ટુઅર્ટ (ટેઇલર) સાથે મુલાકાત થઈ જે આજીવન એમની સાથે રહી. પણ કોરા સાથેના સંબંધોના પરિણામે એમના પર અનેક આરોપો લાગ્યા. ગામચર્ચા અને અફવાઓથી ત્રાસીને બંને ઈંગ્લેન્ડ સ્થાયી થયા. ખર્ચાળ જીવનશૈલીના પરિણામે દેવાના ડુંગરા માથે ખડા થયા. જેમાંથી બચવા લખ-વા થયો હોય એમ તેઓ લખતા. બાળપણથી જ અવારનવાર બિમારીનો શિકાર બન્યે રાખતા ક્રેનના નસીબમાં દીર્ઘાયુષ્ય હતું નહીં તે અંતે ક્ષયરોગના કારણે જર્મની ખાતે એક સેનેટોરિયમમાં ૦૫-૦૬-૧૯૦૦ના રોજ માત્ર ૨૮ વર્ષની કાચી વયે એમણે શ્વાસ છોડ્યો. એ વખતે પણ તેઓ પોતાની કૃતિ ‘ઓ’રુડી’ વિશે લખાવી રહ્યા હતા.

આયુષ્ય ગણીએ તો આંગળીના વેઢા વધારે પડે પણ લેખનકાર્ય જુઓ તો બાહુલ્યનું વરદાન લખાવી આવ્યા હોય એમ લાગે: છ નવલકથાઓ, પાંચ નવલિકાસંગ્રહો, બે કાવ્યસંગ્રહો, પત્રો અને ચિત્રો. મુખ્ય કીર્તિ નવલકથાકાર અને વાર્તાકાર તરીકેની. અમેરિકાના સિવિલ યુદ્ધની પૂરું થયાના છ વર્ષ બાદ જન્મ્યા હોવા છતાં એમની યુદ્ધવિષયક કૃતિઓ જાણે યુદ્ધની વચ્ચોવચ જીવીને જ લખાઈ હોય એવી સજીવન અને વાસ્તવિક હોવાથી ‘યુદ્ધલેખક’નું બિરુદ પામ્યા. સ્ટિફન સાહિત્યના આકાશમાં ધૂમકેતુની જેમ એક લિસોટો છોડી ગયા જે કાયમ પ્રકાશિત રહેનાર છે. અમેરિકાના અગ્રગણ્ય વાસ્તવવાદી સર્જકોમાંના એક સ્ટિફન ક્રેનનું સાહિત્ય યથાર્થવાદી, નિસર્ગવાદી અને પ્રભાવવાદી હતું અમેરિકન નેચરલિઝમની શરૂઆત કરવાનું શ્રેય એને ફાળે જાય છે. માનવીની પરિસ્થિતિઓનું આબેહૂબ રેખાચિત્ર તેઓ ખેંચતા. વિરોધાભાસી સંવેદનોનું બખૂબી આલેખન કરવું એ એમની ખાસિયત. ક્રેનની કવિતાઓ જેને એ ‘લાઇન્સ’ કહેવી પસંદ કરતા, મોટા ભાગે ટૂંકી, છંદ વગરની અને પ્રાસરહિત હતી. ક્રેનનું સાહિત્ય જમાનાની રુઢિથી ઉફરું અને ખાસ્સું આગળ હતું. ક્રેને એક કવિતામાં લખ્યું છે: ‘પ્રથા, તું ધાવણા બાળકો માટે છે.’ ક્રેનની ‘બુદ્ધિજીવી’ કવિતા હૃદય કરતાં વધુ વિચારને સ્પર્શે છે, ભાવના કરતાં સવિશેષ મનને સ્પર્શે છે. ક્રેને કહ્યું હતું કે એકંદરે એમનું કાવ્યલક્ષ્ય જિંદગી વિશેના પોતાના વિચારો, જે મુજબ પોતે જાણ્યા છે, એ સમગ્રતયા આપવાનું છે.

‘એક મજાનું ગીત હું જાણતો હતો’ ક્રેનનું સાવ જ નાનકડું કાવ્ય છે. અહીં, ક્રેનની તાસીર મુજબ છંદ, પ્રાસ, લય – કશું જ હાજર નથી. કવિતાની ભાષા પણ અતિસરળ અને સહજ ભાસે છે. પણ સારી કવિતા કદકાઠી કે લયલાઠીની મોહતાજ નથી હોતી. હકીકતમાં તો ગાગરમાં સાગર ભરી બતાવે એ કવિતા વધુ ઉત્તમ કહેવાય. નાના અમથા મુખમાં આખું બ્રહ્માંડ દેખાડતો કનૈયો આપણને સૃષ્ટિ ભરી દેતું વિરાટ સ્વરૂપ દેખાડતા શ્રીકૃષ્ણ કરતાં વધુ લાડકો અને પોતીકો લાગે છે. કવિતા અને કવિતાની વિભાવના સમજવા માટે આ નાનકડું અછાંદસ કાવ્ય ખાસ્સુ ઉપકારક બની શકે એમ છે. સમય-સમયે અને દેશ-દેશે કવિતાની વ્યાખ્યા સતત થતી આવી છે ને થતી જ રહેશે. કળા કોઈ પણ હોય, એ મનુષ્યને ‘सुब्ह होती है, शाम होती है; उम्र यूँ ही तमाम होती है’ની કંટાળાજનક એકવિધ ઘટમાળમાંથી મુક્ત કરવાનું કામ કરે છે. (મુંશી અમીરુલ્લાહ તસ્લીમ.) કળા એ આપણા હોવાપણાંના ફેફસાંને મળતો રાહતનો શ્વાસ છે, જીવી જવા માટેનું ચૈતસિક બળ છે. ‘साहित्यसंगीतकलाविहीनः साक्षात् पशु पुच्छविषाणहीनः।’ સાહિત્ય, સંગીત અને કળા વગરનો મનુષ્ય પૂંછડા અને શિંગડા વિનાનો સાક્ષાત્ પશુ સમો છે. (નીતિશતક-ભર્તૃહરિ.) આદિમાનવ પાસે જ્યારે કોઈ સંસ્કૃતિ નહોતી, ભાષા નહોતી, અને ઘર સુદ્ધાં નહોતું ત્યારે પણ એ કળાથી વિમુક્ત રહી શક્યો નહોતો. વિશ્વભરમાં ઠેકઠેકાણે મળી આવેલ ગુફાઓમાં જોવા મળતા પ્રાગૈસિહાસિક ગુફાચિત્રો અને શિલ્પો, ઘરવખરી અને આયુધો માનવી અને કળાની અવિભાજ્યતાની દ્યોતક છે. કળા अनन्य परतन्त्रा, नियतिकृत नियमरहिता ભાવસૃષ્ટિનું સર્જન કરે છે. કળા જીવનનું પાથેય છે, જીવનરસ છે. હકીકતે તો કળાના આસ્વાદથી નિપજતો રસ જ જીવન છે.

सत्वोद्रेकादखंड स्वप्रकाशानंद चिन्मय:।
वेद्यान्तर स्पर्श शून्यो ब्रह्मास्वाद सहोदर:।। (સાહિત્યદર્પણ, આચાર્ય વિશ્વનાથ)

(રસનો સાક્ષાત્કાર અખંડ, સ્વયંપ્રકાશ્ય, આનંદમય, ચૈતન્યસ્વરૂપ, અન્ય વિષયોના સ્પર્શ શૂન્ય [સંપૂર્ણ એકાગ્રતા], બ્રહ્મનો આસ્વાદ કરાવે એવો હોય છે.) માટે જ કળા અને કળાસ્વાદથી અનુભવાતા રસનું પાન મનુષ્યને પશુ યોનિથી ઉચ્ચતર સ્થાને સ્થાપિત કરે છે અને કળાકાર-સર્જક સાક્ષાત્ બ્રહ્માના સ્થાને ગણાયા છે. આનંદવર્ધનેકહ્યું હતું, ‘अपारे काव्यसंसारे कविः एवे प्रजापतिः।’ અને અનાદિકાળથી તમામ સંસ્કૃતિ-ભાષા-દેશોમાં તમામ પ્રકારની લલિત તથા લલિતેતર કળાઓમાં કવિતાનું સ્થાન સર્વોત્તમ રહ્યું છે. અને એટલે જ કવિતા શું છે, કાવ્યપદાર્થ શું છે એને સમજવાની, વ્યાખ્યાયિત કરવાની મનુષ્યની નેમ શરૂથી જ રહી છે. એરિસ્ટોટલે કહ્યું, ભાષાના માધ્યમ વડે પ્રકૃતિનું અનુકરણ એ કાવ્ય. આપણે ત્યાં તો કવિતાની વ્યાખ્યા અત્યંત વિશાળ રહી છે. काव्यम् गद्यं पद्यं च । (ભામાહ) અને वाक्यं रसात्मकं काव्यम्। (વિશ્વનાથ) ટૂંકમાં, કવિતા એને કહેવાય જે મનને સ્પર્શી જાય. અંગ્રેજીમાં પણ કહ્યું છે કે A poem should not mean but be. (આર્ચિબાલ્ડ મેકલીશ)

પણ આ તો થઈ કવિતાને વ્યાખ્યાયિત કરવાની વાતો. વ્યાખ્યા કરવી એક બાબત છે અને કવિતા કરવી એ બીજી. કવિતા કરવાના અનેક હેતુ હોઈ શકે: કળાપ્રીતિ, રસપાન, નામનાની કામના તથા અમરત્વપ્રાપ્તિની ઇચ્છા, અર્થોપાર્જન વિ. પણ આ તમામ હેતુઓથી ઉપર કવિતા કે કોઈપણ કળા રજૂ કરવાનો મુખ્ય અર્થ છે, પોતાની જાતને વ્યક્ત કરવી તે. પોતાની અંદર જે ચાલી રહ્યું છે એને અન્યોની સમક્ષ તાદૃશ કરી બતાવવાની ભાવના કવિતા કરવા પાછળનો પ્રમુખ ઉદ્દેશ છે. પણ શું કોઈપણ અભિવ્યક્તિ સર્વાંગ સંપૂર્ણ હોઈ શકે ખરી? મનુષ્યના મનમાં જે ભાવ ચાલતા હોય એ ભાવ શું મનુષ્ય એના એ જ સ્વરૂપે સામા માણસ સામે મૂકી શકે ખરો? પ્રૉ. એબરક્રોમ્બીએ કહ્યું હતું, Expression is an art. અભિવ્યક્તિ એક કળા છે. બધા માણસો કળાનિપુણ નથી હોતા અને જે લોકો હોય છે, એ લોકો પણ પોતાની જાતને યથાતથ વ્યક્ત તો નથી જ કરી શકતા. ક્રેનની કવિતા અભિવ્યક્તિની અપૂર્ણતાના આ તંતુને પકડીને જ ચાલે છે.

કવિ કહે છે કે એકદા એમની પાસે એક ખૂબ મજાનું ગીત હતુ અને તેઓ આ વાતથી વાકેફ પણ હતા. પોતાની પાસે કંઈક હોવું એ એક વાત છે અને હોવા બાબતની જાણકારી હોવી એ બીજી વાત છે. હનુમાન પાસે સાગર લાંઘી શકવાની શક્તિ હતી પણ જાણકારીના અભાવમાં એ શા કામની? જાંબુવાને જો વિષાદગ્રસ્ત અને વિચારગ્રસ્ત અંગદસભામાં હનુમાનને એમની પાસે રહેલી આ શક્તિનું જ્ઞાન આપ્યું ન હોત તો હનુમાન કદી સાગર કૂદીને સીતાને રામનો સંદેશો આપવા લંકા પહોંચી શક્યા ન હોત. સહદેવને બધી વસ્તુનું જ્ઞાન હતું એ પણ એ કોઈના પૂછ્યા વિના કશું કહી શકવા સમર્થ નહોતો. કવિ પાસે જાણકારી પણ છે અને કહેવાની તાકાત પણ. એ કહે છે, કે મને જાણ છે કે એકવાર મારી પાસે બહુ સરસ ગીત હતું. અહીં ભૂતકાળ પ્રયોજવામાં આવ્યો છે એ તરફ પણ ધ્યાન આપવું રહે. જાણકારી પણ ‘હતી’ છે અને ગીત પણ. મતલબ, કવિ પાસે હાલ કંઈ બચ્યું નથી. જ્યારે ગીત હતું અને ગીત હોવાની જાણકારી પણ હતી ત્યારે કવિએ કવિતા લખી નથી; પણ હવે જ્યારે બેમાંથી કંઈ બચ્યું નથી ત્યારે કવિ કવિતા કરવા બેઠા છે. ખરે જ, કવિતા યાદોમાંથી જ જન્મે છે. વર્ડ્ઝવર્થે કહ્યું હતું, ‘Poetry is the spontaneous overflow of powerful feelings: it takes its origin from emotion recollected in tranquility.’ (કવિતા બળવત્તર લાગણીઓનો આકસ્મિક ઉભરો છે: પરમ શાંતિમાં એકત્ર થયેલ મનોભાવોમાંથી એ જન્મે છે.) માણસ જ્યારે ખાલી થઈ જાય છે, ત્યારે કવિતા જન્મે છે. લખવા માટે કાગળ કોરો જ ખપે.

કવિને પોતાને તો જાણકારી હતી જ કે એમની પાસે એક ગીત હતું અને એ વળી મજાનું પણ હતું પણ દુનિયાને આ વાતનો ભરોસો કેવી રીતે અપાવવો? કવિ જાણે છે કે આપણી આસપાસ ગપોડશંખ અને લપોડશંખનો કોઈ તોટો નથી એટલે પોતાની પાસે જે હતું એની ખાતરી કરાવવી પણ અનિવાર્ય છે. અને લોકોને કોઈ વાત પર એમનેમ વિશ્વાસ બેસી જતો નથી.

વિશ્વાસ ક્યાં જડે છે કોઈ આંખમાં હવે?
વિશ્વાસ દાદીમાની કોઈ વારતા હવે.

કવિએ પોતાની વાત વધુ પ્રતીતિકર બનાવવા માટે કહેવું પડે છે કે આ વાત એકદમ સાચી વાત છે, મારો વિશ્વાસ કરો. સાચી વાત પર વિશ્વાસ અપાવવા ક્રેનનો આ મરણિયા પ્રયાસ જોઈને એમની એક નાનકડી કવિતા યાદ આવે, જેમાં કવિ જૂઠ્ઠાણું બોલવું કેટલું આસાન છે અને સાચું બોલવું કેટલું અશક્ય એની હૃદયસ્પર્શી રજૂઆત કરે છે:

હા, મારી કને હજાર જીભ છે,
અને નવ અને નવ્વાણુ જૂઠાણાં.
યદ્યપિ, હું એકનો ઉપયોગ કરવા મથું છું,
એ મારી મરજી પર કોઈ રાગ છેડશે નહીં,
પણ મારા મોઢામાં જ મરી પરવારી છે.

મનુષ્ય પાસેની હજાર જીભમાંથી નવસો નવ્વાણું જૂઠાણું બોલવા ટેવાયેલી છે અને એકમાત્ર જીભ જે સાચું બોલી શકે એમ છે, એ કવિ ઇચ્છે તોય એમની મરજી મુજબ કામ કરતી નથી, કેમકે એ તો મૂળથી જ દમ તોડી ચૂકી છે. એટલે જ પ્રસ્તુત રચનામાં કવિ પોતે સાચું બોલી રહ્યા હોવાની ખાતરી કરાવવા મથે છે. કવિ કહે છે, આ ગીત આખું પંખીઓનું હતું. ગીત પંખીઓ વિશેનું પણ હોઈ શકે અને પંખીઓ જ ગીત પણ હોઈ શકે. બંનેની મજા છે. કવિએ આ પંખીઓનું નાનકડું ગીત પોતાના હૃદયની ટોકરીમાં બંધ કરીને સાચવી રાખ્યું હતું. ક્રેનની નાનકડા પંખીઓ વિશેની એક કવિતા પણ ચૂકવા જેવી નથી:

રાત્રિના નાનકડા પંખીઓ
હા, એ લોકો પાસે કહેવા માટે કેટલું બધું છે
ત્યાં કતારબંધ બેસીને
મારી સામે એમની ગંભીર આંખો પટપટાવીને
યાદ કરતાં કરતાં
તેઓએ જોયેલા અને ચાહેલા ફૂલોને
દૂરના ઘાસના મેદાનો અને વનરાજીઓને
અને સમુદ્રના પગ કનેની ફિક્કી રેતીને
અને પાંદડાંઓમાં ઊડતી લહેરખીઓને.
તેઓ અનુભવમાં વિશાળ છે,
આ નાનકડા પક્ષીઓ જે રાત્રે આવે છે.

નાનાં-નાનાં પક્ષીઓ કવિ માટે અનુભવસાગર છે. આ પક્ષીઓ એમના વિચારો છે. આ પક્ષીઓ એમના શબ્દો છે. આ પક્ષીઓ એમનું ગીત છે, જે કવિએ પોતાની અંદર સુરક્ષિત કેદ કરી રાખ્યું છે. જેવી કવિએ આ ગીતને કાગળ ઉપર ઉતારવા માટે કલમ આપી, જેવી પોતાના વિચારને વાચા આપી, જેવું પોતાની ટોપલીનું ઢાંકણ ખોલ્યું કે તરત જ બધા પંખીઓ ઊડી ગયાં હતાં. કવિતા પંખી જેવી છે, આઝાદ. એને કેદ રાખો ત્યાં સુધી એ પ્રગટ થતી નથી. કાગળ પર કવિતા કરવા કવિ બેઠા હતા અને વિચારો બધા અચાનક ઊડી જતા અનુભવાયા ત્યારે કવિ ચિલાયા પણ હતા. પોતાના નાના-નાના વિચારોને પરત આવવા એમણે આદેશ પણ કર્યો હતો. પણ એ વિચારો તો માત્ર સામે હસીને, કવિની હાંસી ઊડાવીને ઊડી ગયા દૂર-દૂર. કવિની પહોંચની બહાર. કાગળ પર અમૂર્તને મૂર્ત કરવાથી મોટી ધૂર્તતા બીજી કોઈ નથી, પણ મનુષ્ય પાસે પોતાના દિલની અભિવ્યક્તિનું એકમાત્ર સાધન ભાષા છે અને ભાષાનું વાહન છે લિપિ. પણ દુનિયાની કોઈ ભાષા પાસે વિચારોનું સર્વાંગ આલેખન કરી શકે એવી લિપિ નથી. દરેક ભાષા પાસે પોતાના સ્વરો અને વ્યંજનો છે પણ એવા કોઈ સંયોજન નથી, જે મનુષ્યને સંપૂર્ણતયા express કરી શકે. થિઓડોર સી. શરમન નામના એક અલ્પખ્યાત કવિનું લઘુકાવ્ય -‘બોરિંગ’- આ ક્ષણે માણવા જેવું છે:

લખતાવેંત,
આ વાક્ય મારા કાબૂ બહાર નીકળી જાય છે.
હું પોતે પણ આવતીકાલે એનો આનો આ મતલબ નહીં કાઢી શકું.
તમે તો નિશ્ચિતપણે જ એનો આનો આ મતલબ નહીં કાઢી શકો.
મારું કાવ્ય વાંચવું બંધ કરો. તમે એને બરબાદ કરી રહ્યા છો.
આ મેં લખ્યું છે.

કવિતા અભિવ્યક્તિનું સાધન ખરી, પણ એ સાધ્ય બની શકતી નથી. લાગણી તો દરેક માનવી અનુભવે છે, પણ અભિવ્યક્તિની ક્ષમતા દરેકની અલગ અલગ છે. મા જે વાત કહીને સમજાવી નથી શકતી, એ રડીને સમજાવે છે. દીકરો જે વાત રડીને નથી સમજાવી શકતો, એ ચિલ્લાઈને વ્યક્ત કરે છે. ગુસ્સાની અભિવ્યક્તિ માત્ર શબ્દો જ નહીં, હાથ-પગ પણ કરે છે. શબ્દો ટાંચા પડે ત્યારે મનુષ્ય હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓ કામમાં લે છે અને હાવભાવ અને શારીરિક ચેષ્ટાઓનો પનો ટૂંકો પડે ત્યારે એ શબ્દોના સહારે જાય છે. એકેય વસ્તુ અભિવ્યક્તિના સંદર્ભમાં સંપૂર્ણ ન હોવાથી મનુષ્ય તમામનું combination કરીને મનોજગતનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરવાની કોશિશ કરે છે, પણ મનોભાવ જે ઘડીએ શબ્દો કે ચેષ્ટાનો દેહ ધારણ કરે છે એ ઘડીએ જ એનો આકાર પણ બદલાઈ જાય છે અને સામું પાત્ર એને ગ્રહણ કરવા મથે ત્યારે આ આકાર વળી અનું રૂપ ધારે છે. કારયિત્રી પ્રતિભા અને ભાવયિત્રી પ્રતિભા કદી એકસમાન આસને બેસી શકતી નથી. પ્લેટોએ કહ્યું હતું કે કવિતા અનુકરણની કળા હોઈ સત્યથી બે પેઢી દૂર છે. અપણે ત્યાં રાજશેખરે પણ કવિતા પર અસત્યનું કથન, અસત્યનો ઉપદેશ અને અસત્યનું આલેખન કરતી હોવાનો આક્ષેપ મૂક્યો હતો. આ બંને મહાનુભાવોએ કદાચ મનુષ્યની સંપૂર્ણ અભિવ્યક્તિની અશક્તિને આ સ્વરૂપે જોઈ હોવી જોઈએ.

લાગણીઓને કાગળ પર ઉતારવા જતાં જ એમનું સ્વરૂપ બદલાઈ જાય છે. અમૂર્ત લાગણીને નખશિખ શબ્દસ્થ કરી શકે એવો કોઈ કવિ પેદા થયો નથી. અહીં કવિએ પણ મજાના વિચારોને કેદ કરી રાખ્યા છે. પણ આ વિચારપંખીઓ તો છાબડી ખૂલતાવેંત ઊડીને રફૂચક્કર થઈ જશે. ઊડી ગયેલા વિચારોને પાછા બોલાવવાનો વિચાર પોતે મૂર્ખામીથી વિશેષ કશું નથી. લોકો હસશે તમારા પર. આકાશમાં ફેંકેલી ધૂળ જેવા છે આ છૂટી ગયેલા વિચારો… એ ધૂળ પાછી ચહેરા પર જ આવી પડશે. જરૂર છે એને મુક્ત કરવાની, મુક્ત જ રાખવાની. મુક્ત આકાશ જેમ પંખીઓની સાચી જગ્યા એમ જ વિચારોની આઝાદી જ સાચી કવિતા છે. ખરી કવિતા આપણી અંદર રહેલી છે. એને કાગળ પર અક્ષરોની સાંકળથી બાંધવાની ભૂલ આદરીએ એ ઘડી કવિતાના અંતની શરૂઆત છે.

શાશ્વત મૌન છે
એકમાત્ર અક્ષત કવિતા…
એને તમે શબ્દોથી ટાંચો છો
ત્યારે
શિલ્પ તો બની જાય છે
પણ
કવિતા તૂટી જાય છે !

ગ્લૉબલ કવિતા : ૧૪૩ : અતિથિગૃહ – રુમી

A Guest house

This being human is a guest house.
Every morning a new arrival.

A joy, a depression, a meanness,
some momentary awareness comes
as an unexpected visitor.

Welcome and entertain them all!
Even if they’re a crowd of sorrows,
who violently sweep your house
empty of its furniture,
still, treat each guest honorably.
He may be clearing you out
for some new delight.

The dark thought, the shame, the malice,
meet them at the door laughing,
and invite them in.

Be grateful for whoever comes,
because each has been sent
as a guide from beyond.

– Rumi
(English Translation by Coleman Barks)

અતિથિગૃહ

આ મનુષ્ય હોવું એ એક અતિથિગૃહ છે.
દરેક સવાર એક નવો અતિથિ.

એક આનંદ, એક હતાશા, એક હલકટાઈ,
કેટલીક ક્ષણિક જાગૃતિ
આવે એક અનપેક્ષિત મુલાકાતી તરીકે.

સર્વનું સ્વાગત કરો અને મનોરંજન પણ!
ભલે તેઓ દુઃખોનું એક ટોળું કેમ ન હોય,
જે જોરજબરદસ્તી તમારા ઘરમાં ઘુસી આવે,
ને રાચરચીલાં સુદ્ધાંનેય સાફ કરી નાંખે,
છતાં પણ, દરેક મહેમાનની સન્માનપૂર્વક સરભરા કરો.
એ કદાચ તમને ખાલી કરી રહ્યા હોય
કોઈક નવા આનંદ માટે.

મલિન વિચાર, શરમ, દ્વેષ,
મળો સહુને દરવાજે સસ્મિત
અને આવકારો એમને ભીતર.

જે કોઈ આવે એમના આભારી બનો,
કારણ કે દરેકને મોકલવામાં આવ્યા છે
એક માર્ગદર્શક તરીકે પેલે પારથી.

– રુમી
(અંગ્રેજી પરથી અનુ.: વિવેક મનહર ટેલર)

આવકારો મીઠો આપજે રે…
अतिथि देवो भवः એ ભારતીય સંસ્કૃતિની પરંપરાનો અવિભાજ્ય હિસ્સો છે. લગભ છવ્વીસસો વર્ષ પહેલાં લખાયેલ યજુર્વેદના તૈત્તિરીય ઉપનિષદના પ્રથમ અધ્યાય શિક્ષાવલિમાં માતા, પિતા અને આચાર્ય પછી અતિથિને જીવનમાં ચોથું પૂજનીય સ્થાન અપાયું છે. (૧.૧૧.૨) જમાનો જો કે ઝડપભેર બદલાઈ રહ્યો છે અને આમંત્રણ વિના આવી ચડતા અજાણ્યા (કે જાણીતા) અતિથિઓને ઉમંગભેર આવકારવાની રસમ ગામડાંઓને બાદ કરતાં શહેરોમાં તો લગભગ મૃતપ્રાય જ થઈ ગઈ છે. પણ એ છતાં આપણા લોહીમાંથી આ મંત્રોચ્ચાર હજી સૂર્યાસ્ત પામી શક્યો નથી એ પણ હકીકત છે. ભારતીય સંસ્કૃતિના પાયાના સિદ્ધાંત સાથે તાલમેળ મેળવતી રુમીની એક રચના આજે જોઈએ.

જલાલુદ્દીન મુહમ્મદ બાલ્ખી. મૌલાના રુમી. ૩૦-૦૯-૧૨૦૭ના રોજ આજના અફઘાનિસ્તાનના બાલ્ખ (ત્યારના પર્શિયા)માં બહાઉદ્દીન વાલદ તથા મુમીના ખાતુનને ત્યાં જન્મ. રુમમાં જિંદગી વિતાવી હોવાના કારણે રુમી કહેવાયા. પેઢી દર પેઢી મુસ્લિમ ધર્મગુરુ. પિતા બહાઉદ્દીને મનુષ્યના પરમાત્મા સાથેના જોડાણમાં બતાવેલ ચોંકાવનારી કામુકતાસભર આઝાદીએ જિજ્ઞાસુઓને હચમચાવી નાંખ્યા. રુમી પર પિતાજી ઉપરાંત અત્તાર અને સનાઈનો ઊંડો પ્રભાવ. પિતાના મૃત્યુ બાદ ૨૫ વર્ષના રુમીએ દરવેશ સમાજમાં શેખ/મૌલવીનું સ્થાન લીધું. ૧૨૨૫માં ગૌહર ખાતુન સાથે નિકાહ. પત્નીના મૃત્યુ બાદ બીજા લગ્ન પણ કર્યા. બંને પત્નીઓથી બબ્બે સંતાન થયાં. રુમી વિશે ઘણી વાયકાઓ પ્રવર્તે છે. અઢાર વર્ષના છોકરાને બાપની પાછળ ચાલતો જોઈને એ જમાનાના રાજકવિ ફરીદુદ્દીન અત્તારે કહ્યું હતું: ‘આ જુઓ, સાગરની પાછળ મહાસાગર આવી રહ્યો છે.’ ભૌતિકતાવાદી જગતમાં ફસાઈ પડેલા આત્માને લગતું પોતાનું પુસ્તક ‘ઈલાહીનામા’ અત્તારે બાળક જલાલુદ્દીનને આપ્યું, જેણે એની જિંદગી બદલી નાંખી. તબ્રીઝના શમ્સ પોતાની બરનો કોઈ સાથી મેળવવા પ્રાર્થના કરતા હતા. એક અવાજે એમને પૂછ્યું કે બદલામાં શું આપશો? શમ્સે કહ્યું, મારું મસ્તક. ગેબી અવાજે એમને કોન્યામાં રુમીને મળવાનો આદેશ આપ્યો. ૧૫ નવેમ્બર ૧૨૪૪ના રોજ બેની મુલાકાત થઈ અને રુમીનું જીવન બદલાઈ ગયું. રુમી અને શમ્સ સાચા અર્થમાં જિસ્મ-જાન બનીને રહ્યા. એમની વચ્ચેનો સંબંધ હંમેશા રહસ્યમય રહ્યો. કલાકોના કલાકો નહીં, દિવસોના દિવસો તેઓ એકમેક સાથે અનવરત વાર્તાલાપમાં લીન રહેતા. રુમી સાથેના સંબંધથી રુઢિચુસ્ત સમાજમાં જન્મેલી સમસ્યાઓનો અંત આણવા શમ્સ ભાગી છૂટ્યા. રુમીએ કવિતા કરવી શરૂ કરી પણ શમ્સની શોધખોળ ચાલુ રાખી. શમ્સ ફરી મળ્યા અને ફરી બંનેનો સંબંધ ચર્ચાની એરણ પર ચડ્યો. કહે છે કે રુમીના દીકરાની મદદથી એમની હત્યા કરવામાં આવી. આમ, શમ્સે સાચે જ દોસ્તીના નામ પર પોતાનું મસ્તક ભેટ ધર્યું. રુમીની કવિતાઓમાં સતત શમ્સ માટેની તરસ જોવા મળે છે. એકદા શમ્સને શોધતા ફરતા રુમીને જ્ઞાન લાધ્યું: ‘હું શા માટે શોધું છું? હું અને એ એક જ છીએ. એનું જ અસ્તિત્વ મારામાં થઈને બોલે છે. હું મારી જ જાતને શોધી રહ્યો છું.’ રુમીએ શમ્સને યાદ કરીને ચાળીસ હજારથીય વધુ કાવ્ય ધરાવતું ‘દીવાન-એ-શમ્સ-એ-તબ્રીઝી’ લખ્યું. શમ્સના ગયા પછી એમનું સ્થાન પહેલાં સલાહુદ્દીન ઝારકુબ અને એના પછી હુસામ ચેલેબીએ લીધું. જીવનના આખરી બાર વર્ષોમાં એમણે ચેલેબી માટે છ ભાગમાં ‘મસ્નવી’ નામે ૬૪૦૦૦ પંક્તિઓનું મહાકાવ્ય રચ્યું, જે આજેય માસ્ટરપીસ ગણાય છે. સૂફીસંતો એને પર્શિયન ભાષાનું કુરાન ગણાવે છે. ૧૭-૧૨-૧૨૭૩ના રોજ કોન્યા ખાતે રુમી જન્નતનશીન થયા. એમની કબર પર લખ્યું છે કે, ‘જ્યારે અમે મૃત્યુ પામીએ, અમને ધરતી પર કબરોમાં નહીં પણ મનુષ્યોના હૃદયમાં શોધજો.’

રુમી સાચા અર્થમાં કવિતા જીવ્યા, કવિ હોવાના અહેસાસના બોજ વિના. સહજતાથી. સરળતાથી. જેમ આપણે હવા શ્વસીએ એમ. એ જે બોલતા, કવિતા થઈ જતી. એ કહેતા: ‘તમારા શબ્દો મોટા કરો, અવાજ નહીં. વરસાદ છે જે ફૂલો ઊગાડે છે, તોફાન નહીં.’ પ્રિયતમ, પ્રિયતમા, પ્રણય, શરાબ, ગુલ-બુલબુલને કેન્દ્રમાં રાખીને લખાયેલી આ કવિતાઓ ખરેખર તો ઈશ્વરીય પ્રેમની ઉત્કટતાની ચરમસીમા છે. આત્માનો પરમાત્મા માટેનો સીધો તલસાટ છે. અહીં આત્માની શોધ દેહની તરસરૂપે વ્યક્ત થાય છે. કવિતા કરતાં-કરતાં તેઓ ગોળ ગોળ ફરીને નર્તન પણ કરતા. એમની કવિતાઓમાં સૂક્ષ્મ સળંગસૂત્રિતા છે. ઈશ્વર સિવાય કશું સત્ય નથી, બધું ઈશ્વર જ છેનો સૂર તમને એમની રૂબાઇઓ અને ગઝલોમાં સુપેરે વ્યક્ત થતો સંભળાશે. એ કહેતા: ‘મૌન ઈશ્વરની ભાષા છે, બાકી તમામ નબળો અનુવાદ.’ વિશ્વના સર્વોત્તમ આધ્યાત્મિક કવિ રુમી વિશ્વભરમાં કદાચ સહુથી વધુ વંચાય છે. આ મસ્તમૌલા સૂફી સંતકવિની બરોબરી કરે એવા કવિ જડવા મુશ્કેલ છે. રુમીની કવિતાઓમાં સેક્સનો જરાય છોછ નથી. શિશ્ન, યોનિ, વીર્ય, સંભોગક્રિયાના બેબાક વર્ણનો છડેચોક જોવા મળે છે. રુમી કહે છે કે, ‘જે આવેગ આવે છે એને જીવી લેવો, નહીં કે ક્યાંક અટકી પડવું, સડી જવું. દરેક ખેંચાણ આપણને સાગર તરફ લઈ જાય છે. જ્યારે તમે કોઈ વસ્તુ આત્માથી કરો છો, નદી જાતે તમારી ભીતર થઈને વહે છે.’ હસ્તમૈથુન વગેરે વિશે રુમી કહે છે: ‘કરવા દો. જે યુવાન આ બધી ક્રિયાઓમાંથી પસાર થતો નથી એ પીંછા ઊગ્યા વિનાનું પંખી છે, માળામાંથી નીકળ્યું નથી કે શિકાર થયું નથી. સમાગમની ચરમસીમા એ સમર્પણની પરાકાષ્ઠા છે, સમાધિની ક્ષણ છે.’ રુમી આ ઊર્જાને જ ઉર્ધ્વગતિ આપવાના મતના છે. દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. ઓશોના ‘સંભોગથી સમાધિ’ મંત્રમાં રુમીના પડઘા સંભળાયા વિના રહેતા નથી.

‘અતિથિગૃહ’ રુમીની કવિતાના અંગ્રેજી અનુવાદ પરથી કરાયેલો અનુવાદ છે. મૂળ રચના મેળવવી કે એ ભાષામાં પગપેસારો કરવો શક્ય ન હોવાથી મૂળ રચનાનાં કાવ્યસ્વરૂપ, પ્રાસવિધાન, છંદયોજના, પંક્તિ-સંખ્યા વગેરે તમામ કવિકર્મના પાસાં આપણાંથી અજાણ્યાં રહે છે, પરિણામે કાવ્યદેહ વિશે ટિપ્પણી કરવી સંભવ રહેતું નથી. અનુવાદના અનુવાદમાં મૂળ રચનામાંથી ઘણુંક ગુમાવાઈ જવાની અને ઘણુંક નવું ઉમેરાઈ જવાની શક્યતા ઘણી વધી જાય છે. જો કે કોલેમન બાર્ક્સના રુમીના ખાસ્સા આધારભૂત ગણાયા છે એટલે આપણે એની આંગળી પકડીને આગળ વધીએ. આ રચનાનું પૃથક્કરણ લેટિનની એક જ પંક્તિમાં પણ કરી શકાય: res ipsa loquitur (It speaks for itself) (એ સ્વયંસ્પષ્ટ છે.)

રુમીની આ કવિતા જીવનને વિધાયકરીતે-પૉઝિટિવિટીથી જોતાં શીખવે છે એટલું જ નહીં, સમ્યક દૃષ્ટિની હિમાકત પણ કરે છે. એ કહે છે કે આપણું મનુષ્ય હોવું એ પોતે એક અતિથિગૃહ જ છે. અતિથિગૃહ, જ્યાં કોઈપણ ગમે ત્યારે આવી શકે. કોઈને નકારી પણ ન શકાય. બીજી પંક્તિનું, દરેક સવાર પોતે એક નવો મહેમાન છે અને દરેક સવાર એક નવા મહેમાનને લઈને આવે છે -એમ બેય રીતે અર્થઘટન કરી શકાય. બંને અર્થનો પોતાનો મહિમા છે, અને બંને અર્થ સ્વયંસંપૂર્ણ છે. જિંદગી તમારા દરવાજે ટકોરા મારીને નથી આવતી, એ તો બસ તમારા ઘરમાં પ્રવેશી જાય છે. પણ જિંદગીનો સાંતાક્લૉઝ નાતાલવાળા કરતાં અલગ છે. પેલાની ઝોળીમાં નવા વર્ષના આગમનની ખુશાલીમાં ચોકલેટ્સ, ભેટો અને આનંદ જ છે પણ જિંદગીની ઝોળીમાં તો બધું જ છે. રુમી કહે છે, ‘જે તમે શોધો છો, એ તમને શોધે છે.’ જીવન બધું જ લઈને આવે છે. આનંદ, દુઃખ, હલકટાઈ, ક્ષણિક જાગૃતિ-બધું જ. જાગૃતિ માટે ક્ષણિક શબ્દ કેમ પ્રયોજ્યો હશે? રુમી આપણી મનુષ્યગત નબળાઈઓથી વાકેફ છે. એ જાણે છે કે જાગૃતિ કાયમી રહી જાય તો માણસ બુદ્ધ બની જાય અને બુદ્ધ તો હજારો વરસે એક જ થાય. બાકીના માટે તો બુદ્ધત્વ તરફની ગતિમાં મતિ રહે તોય ઘણું. જીવનમાં મોટાભાગનું અનપેક્ષિત મુલાકાતી બનીને આવતું હોય છે. રુમી બધાને આવકારવાનું તો કહે જ છે, આગતાસ્વાગતામાં કાંઈ મના ન રહી જાય એ માટે ટકોર પણ કરે છે. અર્થાત્ જે મળે એને સાચા દિલથી સ્વીકારવાની આ વાત છે.

આ નથી ને તે નથીની વાત પર દુર્લક્ષ દઈ
મેં બધામાં જે મળ્યું તે બેય હાથે લઈ લીધું.

જીવનમાં ક્યારેક દુઃખોનું ત્સુનામી પણ આવતું હોય છે જે તમને અંદર-બહાર બધેથી તદ્દન સાફ કરી નાંખે. જીવનભર જે કાંઈ ઊભું કર્યું હોય એ બધું અચાનક પાયમાલીની ચપેટમાં આવી જાય. અસ્તિત્વ આખેઆખું શૂન્ય બની રહે એવું પણ બને. જીવનનો એકડો ફરી શરૂથી ઘૂંટવાનો આવે એવુંય થાય. રુમી તમામનું સ્વાગત કરવા કહે છે. હિંસકમાં હિંસક દુઃખોની પણ સરભરા કરવા કહે છે, અને એ પણ સન્માનપૂર્વક. જે કોઈપણ જીવનના આંગણે આકસ્મિક આવી ચડ્યું છે, એને સહેજ પણ માનભંગ ન થાય એ પ્રકારે આવકારવાનું છે. દરેકને યથાયોગ્ય આદર દઈને સ્વીકારવાના છે. અલગ-અલગ જગ્યાઓ પર અનેકવાર રુમીએ આ જ વાતને દોહરાવી છે: ‘યાતના એક ભેટ છે. એની ભીતર દયા છુપાયેલી છે.’ ‘વિનાશ છે, ત્યાં જ ખજાનાની આશા છે.’ ‘દુઃખ ન કરો. જે કંઈ તમે ગુમાવો છો એ બીજા સ્વરૂપે પરત આવે જ છે.’ ‘આ જિંદગીમાં ઘણા વિધ્વંસ હકીકતમાં નવીનીકરણ છે.’ ‘ઘા જ એ જગ્યા છે જ્યાંથી પ્રકાશ તમારામાં પ્રવેશે છે.’ રુમીની એક સુંદર કવિતા તો આખી જ આ વિષય પર છે. એના અંશ જોઈએ:

આતમનો મારગ પ્રથમ તો
દેહનો ભાંગીને ભૂકો કરે છે
અને પછી તેને નવી તાજગીથી બેઠો કરે છે.
જેના પાયામાં ખજાનો દટાયો છે
તે મકાનને પહેલાં તો જમીનદોસ્ત કરવામાં આવે છે
અને પછી
એ ખજાનાથી એનું નવનિર્માણ કરવામાં આવે છે !
… …
સંકટોનો પ્રહાર તમારી નબળાઈ પર છે,
નહીં કે તમારા પર.
ગાલીચાને કોઈ સખ્તાઈથી ઝાપટે છે ત્યારે
એ પ્રહારો ગાલીચાને દંડવા માટે નથી હોતા,
એ તો હોય છે તેમાં ભરાયેલી ધૂળની સામે. (અનુ. વસંત પરીખ)

વાત સાચી છે. સંપૂર્ણ ખાલી થવું એ જ નવેસરથી ભરાવા માટેની પૂર્વશરત છે. કાગળ કોરો હોય તો જ નવો અક્ષર પાડી શકાય. આપણી મરજી વિના આપણા જીવનમાં આવી ચડતાં દુઃખો કદાચ આપણી અંદર વરસોથી જમા થયે રાખેલ કચરાને સાફ કરવા માટે જ આવ્યાં હોય. ભલે એ આપણને સાફ કેમ ન કરી નાંખે, આપણે એ તમામની આદરસહિત સરભરા કરવાની છે. કેમ કે કદાચ એ તમામ દુઃખો આપણને નવા આનંદથી ભરી દેવા માટે જ ખાલી કરી રહ્યાં હોય એમ પણ બને. રુમીની કવિતાનો આધાર આ આશા જ છે. એને અંધારામાં પણ અજવાળું નજરે ચડે છે. સાથે જ સુન્દરમ્ નું ‘ઘણ ઉઠાવ’ કાવ્ય પણ યાદ આવે:

ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ, મારી ભુજા !
ઘણુંક ઘણું તોડવું, તું ફટકાર ઘા, ઓ ભુજા !
તોડીફોડી પુરાણું,
તાવી તાવી તૂટેલું.
ટીપી ટીપી બધું તે અવલનવલ ત્યાં અર્પવા ઘાટ એને
ઝીંકી રહે ઘા, ભુજા ઓ, લઇ ઘણ, જગને ઘા થકી ઘાટ દેને.

રુમી નિતાંત પ્રેમકવિ છે. એ ગાય છે: ‘પ્રેમી અને પ્રેમ અમર છે. પ્રેમ સિવાય બીજી કોઈ વસ્તુને પ્રેમ ન કર કેમ કે બીજી વસ્તુઓનું અસ્તિત્વ અસ્થાયી છે.’ એ તમામ વસ્તુઓમાં પ્રેમ શોધે છે અને પછી પ્રેમને જ પ્રેમ કરે છે, કેમ કે એ જ ચિરસ્થાયી છે. મલિન વિચાર, શરમ, દ્વેષ – જે કંઈ જિંદગી આપણા આંગણે લઈ આવે એ તમામને આપણે ખુલ્લા હાથે અને મોકળા મને સસ્મિત આવકારવાનાં છે અને એ પણ દરવાજે જઈને ને વળી આભારી થઈને. તકલીફો વણનોતરી આવી ચડી છે, પણ આપણે એને અવગણવાની નથી. આપણે સામે ચાલીને ઘરનો દરવાજો ખોલવાનો છે, હસીને ભીતર આવકારો દેવાનો છે, આદરપૂર્વક સ્વાગત કરવાનું છે અને આપણે ત્યાં એના આવી ચડવા બાબત એનો આભાર પણ માનવાનો છે. રુમી અતિથિનું કામ કેટલું કપરું બનાવી રહ્યા છે તે તો જુઓ! કવિતાની ભાષા તો કેવી સરળ અને સહજ લાગતી હતી! પણ એક પછી એક શરતના આમળા રુમી યજમાન માટે ચડાવ્યે જ રાખે છે. દુઃખ આવે તોય આપણે એનું મનોરંજન કરવાનું છે. એ આપણને બરબાદ કરી નાંખે તોય આપણે એના આભારી થવાનું છે. ભીતર આખું રસાતાળ જાય તોય એને માનપૂર્વક હસીને આભારી થઈને જ ભીતર લઈ આવવાનું છે. કોઈ માટે દરવાજો કોઈપણ સંજોગોમાં બંધ કરવાનો નથી. દરવાજા સુધી જવામાં આપણે આપણી ગરજ પણ દેખાડવાની છે અને હસતા વદને આવકારવામાં આપણી ભીતરી તૈયારી પણ. માન જાળવવામાં આપણી નમ્રતા પણ વ્યક્ત કરવાની છે અને આભારી બનીને આપણી કૃતજ્ઞતા પણ. આ કામ જરાય સહેલું નથી. સુખ-આનંદને આવકારવાનું જેટલું સરળ છે એટલું જ સુખ અને આનંદ સાથે દુઃખોને આવકારવાનું દોહ્યલું છે. પણ જીવન જો અતિથિગૃહ છે, તો એ તમામ માટે એકસમાન જ ખુલ્લું હોવું ઘટે. અતિથિગૃહના માલિક પાસે સંપૂર્ણ તટસ્થતા જ અપેક્ષિત હોય છે. અતિથિગૃહમાં આવનાર કોઈપણ હોય, એ કંઈકને કંઈક આપીને જ જવાનો છે. માટે, આતિથ્યભાવના અતિથિ જોઈને બદલવાની નથી. કસોટીનું કામ છે, પણ કરવાનું છે. અગ્નિપરીક્ષા છે, પણ આપવાની છે, કેમકે આગમાં તપશે તો જ કથીરમાંથી કુંદન બહાર આવશે. રુમી કહે છે: ‘હીરાના તેજને નિખારવા માટે તેને ખૂબ ઘસવો પડે છે. એમ આત્માની શુદ્ધિ માટે કષ્ટોમાંથી ગુજરવું પડે છે.’

દુઃખ-દર્દ, યાતના-મુસીબત, હર્ષ-દ્વેષ, મહાનતા-હલકટાઈ, આશા-હતાશા, જાગૃતિ-શરમ: તમામને આપણે આપણી ગરજે અને આપણી તૈયારીએ આપણી ભીતર આવવા આગળ વધીને સસ્મિત સાદર સાભાર નિમંત્રણ આપવાનું છે. કેમ કે આ બધું જ નિતનવા અનુભવના સ્વરૂપે ‘એ’ના તરફથી તમને મોકલવામાં આવેલા માર્ગદર્શક-ભોમિયા છે, જે આપણા માટે જીવનપાથેય લઈને આવ્યા છે. આ દરેક અતિથિ આપણું માર્ગદર્શન કરવા માટે આવ્યા છે. એમનો યોગ્ય આદરસત્કાર ન કરવાનો મતલબ છે, માર્ગચ્યુત થવું, દિશા ચૂકી જવી. આ તમામને ઈશ્વરે જ મોકલ્યા છે. આ તમામ આપણા પથપ્રદર્શક છે. એક કવિતામાં રુમી ગાય છે: ‘તમે જે અનુભવી રહ્યા છો એ દુઃખો હકીકતમાં સંદેશવાહકો છે. એમને સાંભળો.’ આંગણે આવનાર તમામ મુલાકાતીઓને સમ્યકભાવે જોવાની આ વાત પર કવિ દુલા ભાયા ‘કાગ’નું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:

તારા આંગણિયાં પૂછીને કોઈ આવે રે,
આવકારો મીઠો આપજે રે.
માનવીની પાસે કોઈ માનવી ન આવે રે,
એજી તારા દિવસની પાસે રે દુઃખિયાં આવે રે
‘કેમ તમે આવ્યા છો ?’ એમ નવ કહેજે રે,
એને માથું રે હલાવી હોંકારો તું દેજે રે.
આવકારો મીઠો આપજે રે.

ગ્લૉબલ કવિતા: ૧૪૨ : કદાચ – ગુલઝાર

शायद

कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद

लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद

दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद

जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद

आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद

राख को भी कुरेद कर देखो
अब भी जलता हो कोई पल शायद

चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद

– गुलज़ार

કદાચ

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)

અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની ગઝલ

ગઝલ આજે કદાચ સૌથી વધુ લોકપ્રિય કાવ્યપ્રકાર છે. ફરસાણની દુકાને એક જ ઘાણમાં જેમ સેંકડો ગાંઠિયા ઉતરે, એમ પ્રધાન ભારતીય ભાષાઓમાં ગઝલોના ઘાણ ઊતરી રહ્યા છે ને કવિતાનો ઘાણ નીકળી રહ્યો છે. દેખાવે સાવ સરળ લાગતો હોવા છતાં હકીકતમાં આ કાવ્યપ્રકાર કદાચ સહુથી કપરો છે, કેમ કે બે પંક્તિની સાવ નાનકડી જગ્યામાં કવિએ દોરડા પર ચાલતા નટની કુશળતાથી સમતુલન ગુમાવ્યા વિના વસવાનું હોય છે. કૃષ્ણના નાનકડા મુખમાં આખું બ્રહ્માંડ દેખાય એમ દરેક શેરના બે મિસરામાં સ્વતંત્ર કવિતા અવતારવાનું ભગીરથકાર્ય જૂજ કવિઓ જૂજ વાર જ હાંસિલ કરી શકે છે. ગુલઝારની પ્રસ્તુત ગઝલ આ કાર્ય સુપેરે કરી શકી છે.

ગુલઝાર. મૂળ નામ સમ્પૂરન સિંહ કાલરા. ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાના સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ. સફળતમ ફિલ્મી ગીતકાર. સેંકડો ઉત્તમ ફિલ્મો-ધારાવાહિકોના સંવાદલેખક-પટકથાલેખક-વાર્તાકાર-દિગ્દર્શક-પ્રોડ્યુસર ગુલઝારના નામથી ભાગ્યેજ કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે. નસીરુદ્દીન શાહ અભિનીત ‘મિર્ઝા ગાલિબ’ ટીવી સિરિયલ એમની કારકિર્દીનું શિરમોર છોગું છે. ૧૮-૦૮-૧૯૩૪ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં માખનસિંહ કાલરા તથા સુજન કૌરના શીખ પરિવારમાં જન્મ. નાની વયે જ માતાને ગુમાવી. પિતાએ ત્રણ લગ્ન કર્યા. વચલી પત્નીથી એક સંતાન, તે ગુલઝાર. પહેલી પત્નીથી ત્રણ અને ત્રીજી પત્નીથી થયેલ ચાર સંતાનોની સાથે તેઓ મોટા થયા. સાત વર્ષની વયે પિતા સાથે દિલ્હી આવ્યા. દિલ્હીમાં એક દુકાનદાર અઠવાડિયાના ચાર આના લઈને ઇચ્છો એટલા પુસ્તક વાંચવા આપતો. ગુલઝાર ભૂખ્યાડાંસની જેમ તૂટી પડ્યા. દુકાનદારે એકવાર કોઈ નહોતું લઈ જતું એ પુસ્તક આપ્યું. રવીન્દ્રનાથના ‘ગાર્ડનર’નો એ ઉર્દૂ અનુવાદ હતો. આજીવન પ્રિય બની રહેનાર એ પુસ્તક એમણે પચાવી પાડ્યું. એમના શબ્દોમાં એ એમની પહેલી ચોરી. આ પુસ્તકે એમને લેખક બનવાની પ્રેરણા આપી. દસ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. શરૂમાં તો એમના પિતાએ આ (કુ)કર્મ માટે એમનો ઉધડો પણ લીધો હતો. ભાગલા સમયે બાકીનો પરિવાર પણ દિલ્હી આવ્યો. ૧૯૫૦માં પિતાએ ગુલઝારને બીજીવાર પરિવારથી અલગ કરી મુંબઈ મોટાભાઈને ત્યાં મોકલી આપ્યા. ભાઈને ત્યાં ગાડીના રંગોની દુકાનમાં થોડો સમય કામ કર્યા બાદ ગુલઝારે ઘણી ક્ષુલ્લક નોકરીઓ કરી. આખરે રંગોની બાબતમાં નૈસર્ગિક હથોટી હોવાના કારણે વરલીમાં એક ગેરેજમાં ગાડી રંગવાના કામે લાગ્યા. ગેરેજ સિવાયના સમયે કોલેજ અને પ્રોગ્રેસિવ રાઇટર્સ એસૉશિયેશનમાં જતા. બિમલ રૉયે કાદવમાંના કમળને પારખી લીધું. ગુલઝાર એમના સહાયક બન્યા. ૧૯૬૩માં બંદિની ફિલ્મ માટે પ્રથમ ગીત, ‘મોરા ગોરા અંગ લઈ લે’ લખ્યું. આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. બિમલ રૉય અને ઋષિકેશ મુખર્જીને તેઓ ગુરુ ગણે છે. લૉન ટેનિસના શોખીન. મુશાયરાઓમાં કદી ભાગ લેતા નથી. ૧૯૭૩માં રાખી સાથે લગ્ન. એક સંતાન, નામે મેઘના, જેના જન્મ પછી બંને અલગ થયા પણ એકમેક સાથે રોજિંદા સંપર્કમાં રહે છે. ગુલઝારના શબ્દોમાં આ ‘Living together, separately’ છે, જેની વિગતો તેઓ દુનિયા સાથે વહેંચવા માંગતા નથી. ટ્રેજેડીક્વીન મીનાકુમારી મીનાકુમારી પોતાની કવિતાઓ અને ડાયરીઓ ગુલઝારના હવાલે કરી ગયાં હતાં. મીનાકુમારીની નાદુરસ્ત તબિયત અને દવાઓની અનિવાર્યતા પારખીને ગુલઝારે એમના વતી રમઝાન માસમાં રોજા રાખવા આદર્યા. મીનાકુમારીને ગયાના વરસો બાદ આજે પણ ગુલઝાર પોતાની ઉમર અને તબિયતને ધ્યાનમાં રાખીને દર વરસે દસથી પંદર રોજા તો રાખે જ છે. વર્ષોથી માત્ર સફેદ વસ્ત્રો જ પહેરે છે. શર્મિલા ટાગોરને એમણે કહ્યું હતું કે એમની પાસે કાળો કોટ નહોતો એટલે તેઓ ઓસ્કાર એવૉર્ડ લેવા ગયા નહોતા. પંચ્યાસી વર્ષની જૈફ વયે પણ તેઓ સતત સક્રિય છે અને મુંબઈમાં જ ‘બોસ્કીયાના’માં રહે છે.

ફિલ્મોમાં ગમે એટલી નામના કેમ ન મળી હોય, ગુલઝારનું શ્રેષ્ઠ પદાર્પણ એટલે એમની કવિતાઓ. સાચા ગુલઝારને મળવું હોય તો એમની કવિતાઓની ગલીઓમાં જ જવું પડે. સરળ ભાસતી ભાષા એમને હસ્તગત સાવ જ અનૂઠા રૂપકોના કારણે અભૂતપૂર્વ પોત ધારતી જોવા મળે છે. સસ્તાં ગણાતાં ફિલ્મી ગીતો પણ એમના પારસસ્પર્શે સુવર્ણ બની જાય છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી. જો કે ગીત-ગઝલ કરતાંય એમનું પ્રધાન કર્તૃત્વ નઝમમાં જોવા મળે છે. પ્રાસ-સ્વરૂપની અન્ય પળોજણ ત્યગીને માત્ર છંદના આવર્તનોનો હાથ ઝાલી ‘બ્લૅન્ક વર્સ’માં ગુલઝાર ઊંડું કાવ્યતત્ત્વ ધરાવતી નઝમો આપે છે. ગઝલના શેરથી ઉપર ઊઠીને એમણે આપણે ત્યાં ત્રિપદી તરીકે આવકાર પામેલ ત્રણ પંક્તિના ‘ત્રિવેણી’ નામક કાવ્યપ્રકારનો આવિષ્કાર કર્યો. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.

ટૂંકી બહેર, ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગઝલ સિદ્ધ કરવી સહેલું કામ નથી. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ અદભુત ગઝલ આપે છે. સાત શેરની ગઝલમાં સાતેય ભાવ-વિશ્વ બિલકુલ સ્વ-તંત્ર હોવા છતાંય ‘કદાચ’ના તાંતણે કવિએ સાતેયને એ રીતે બાંધ્યા છે કે આખી ગઝલમાં સૂક્ષ્મ એકસૂત્રિતા પ્રવર્તમાન હોવાનું અનુભવાયા વગર રહેતું નથી. અનિશ્ચિતતાની ચાદર તળે સંતાયેલી નિશ્ચિતતાની આ ગઝલ છે. ‘કદાચ’, ‘કદાચ’ કહીને પણ કવિ નિશાન તો ધાર્યું જ તાકે છે. ફક્ત એટલું જ થાય છે, કે નિશ્ચિતતાના સ્થિર જળમાં ‘કદાચ’નો આ પથ્થર લાંબા અંતર અને લાંબા સમય સુધી નાનાવિધ અર્થચ્છાયાઓના વમળ જન્માવે છે…

એક પછી એક શેર હાથમાં લઈએ…

કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.

समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ છીએ પણ આપણે જાણીએ પણ છીએ કે સમય નથી કદી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદી જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Carpe Diem – Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!

તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.

કાળની ગતિ અકળ છે. એ કોઈ માટે અટકતો નથી પણ આવનાર સમય મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે જ છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:

सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं

‘રાહી’ કુરેશી પણ યાદ આવે:

मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई

અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરોએ “આગામી કોઈ પેઢીને દેતા હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:

मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं

પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ જે સોચના કાંટામાં ભરાઈ પડ્યો છે. જીવનમાં કોઈક પળે કોઈક તકલીફ આવી પડે તો માણસનું મન ત્યાં જ અટકી જાય છે. જિંદગી ભલે આગળ વહેતી રહે, માણસ એ ક્ષણમાં જ પીગળી ન શકે એવો બરફ બનીને થીજી જાય છે. રેશમની દોરી પર હાથ લસરતો જતો હોય અને વચ્ચે અકસ્માત એક ગાંઠ આવી ચડે તો હાથ કેવો અટકી જાય! કવિ સમયની દોરમાં આવી ગાંઠ-આવો વળ પડી ગયેલ કલ્પે છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના અનનુભૂત સૌંદર્યને ઉજાગર કરે છે. સડેડાટ વહેતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય તો ઇસ્ત્રી કરી શકાતી નથી. ગુલઝાર એક નઝ્મમાં આ ગાંઠનો સ-રસ ઉલ્લેખ કરે છે:

मैंने तो इक बार बुना था एक ही रिश्ता
लेकिन उसकी सारी गिरहें
साफ़ नज़र आती हैं मेरे यार जुलाहे!
*

એકલા આજકાલ છે એ કદાચ
હોઠે મારી જ કો’ ગઝલ છે કદાચ.

પ્રેમમાં કોરી ખાતી એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે. કવિતા તમામ દર્દનો રામબાણ ઈલાજ છે. કવિને ખાતરી નથી પણ પ્રિયપાત્રના હોઠ પર કદાચ પોતાની જ કોઈ ગઝલ રમી રહી હોય એવું લાગે છે એટલે અનુમાન કરે છે કે એ આજકાલ એકલા હોવા જોઈએ. જીવનમાં એકલા પડી જઈએ એ ઘડીએ જ સાચો પ્રેમ, પ્રેમની સાચી અભિવ્યક્તિ હોઠ પર ગણગણાટ બનીને આપોઆપ ઊભરી આવે છે. આસપાસના સહેવાસનો અહેસાસ શ્વાસમાંથી દૂર થાય ત્યારે જ ગઝલનો પ્રાસ બેસે છે. એક નઝમમાં કવિ કવિતાએ એમને કઈ ઘડીએ મળવાનો વાયદો કર્યો છે એ જણાવે છે:

जिस्म जब ख़त्म हो और रुह को जब साँस आये
मुझसे इक नज़्म का वादा है, मिलेगी मुझको
*

દિલ યદિ છે તો દર્દ હોવાનું જ,
ને વળી એનો હલ અકળ છે કદાચ.

ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. પ્રસ્તુત પંક્તિ ગુલઝારે ફિલ્મમાં વાપરી કે ફિલ્મમાંથી ગઝલમાં આવી એ વાત નગણ્ય છે. પણ ગુલઝારની ખાસિયત છે કે એમની રચનાઓમાં પુનરાવર્તન પણ નવસર્જન થઈને જ આવતું હોય છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. એવું કોઈ દિલ બન્યું નથી જે તૂટવાનું ન હોય. કાચનું વાસણ છે. કદાચ તૂટે નહીં પણ તિરાડ તો પડવાની જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:

इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।

આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:

આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
*

જાણે છે, શું છે ફળ ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.

સારા કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે. કોઈ પ્રત્યે ભલાઈ બતાવીએ કે દયા દાખવીએ તો ઈશ્વર એનું સારું પરિણામ આપશે એ પ્રિયપાત્રથી અજાણ્યું નથી. પણ એ છતાં પ્રિયજન કવિ તરફ દયાભાવ કે કરુણાદૃષ્ટિ દાખવતું નથી. કવિને તો પ્રિયજન તરફથી અપેક્ષા, અવમાનનો જ અનુભવ થતો રહે છે. આ છતાંય આ તારણની પાછળ ‘કદાચ’ મૂકીને કવિ પ્રિયજનને શંકાનો લાભ આપીને એના પર આળ મૂકવાથી દૂર રહે છે. રદીફનો આવો સુંદર પ્રયોગ બહુ ઓછા કવિઓ કરી શક્યા છે.
*

આવે છે આ તરફ એ પગરવ ને,
ક્યાંક ખીલી રહ્યાં કમળ છે કદાચ.

પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનૂસી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે. પણ અહીં પણ ‘કદાચ’નો કાકુ વાતને નવો ઓપ આપે છે. એમના પગલાંનો અવાજ આવી રહ્યો છે એ કારણે કદાચ ક્યાંક કમળ ખીલી રહ્યાં છે. ‘ક્યાંક’ કહીને ગુલઝાર પોતાના પ્રિયતમા પરના અવલંબનને રદિયો આપવા કરે છે અને ‘કદાચ’ કહીને વળી ‘नरो वा कुंजरो वा’ના ન્યાયે આ રદીયા નીચે અધોરેખા દોરી એને ગાઢો કરે છે. બાકી, પ્રેમમાં સમર્પણ ગુલઝારનો સ્વભાવ છે:

सिरे उघड गये हैं, सुबह-ओ-शाम के,
वो मेरे दो जहान साथ ले गया
*

જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.

તરત જ ગાલિબ યાદ આવે:

जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?

શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. હવે શેની શોધ છે જે માટે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝાર જેમ પોતાને દોહરાવે છે એમ અન્ય કવિઓની કવિતાઓ સાથે પણ પોતાની કવિતાને તાણા-વાણાની જેમ વણી લે છે. સિદ્ધહસ્ત કવિઓની કવિતામાંથી પ્રેરણા લઈને અનુસર્જન કરવામાં કવિની હથોટી છે. અમીર ખુશરોના ‘અય સરબથે આશિકી’ પરથી ગુરુ ફિલ્મમાં ‘અય હૈરથે આશિકી,’ તો બુલ્લે શાહના ‘થૈયા થૈયા’ પરથી દિલ સે ફિલ્મનું ‘છૈયા છૈયા’ આના ઉત્તમ ઉદાહરણો છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે કેવી કમાલ કરી છે! પ્રસ્તુત શેરમાં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય. કદાચ ‘तुम्हारी यादों के जिस्म पर नील पड गये हैं,’ એ શોધવાનું આહ્વાન કવિ આપતા હોય એમ પણ બને. આ જ શેરના ‘એક્સટેન્શન’ જેવી એક ત્રિવેણીમાં કવિ લખે છે:

जिस्म और जाँ टटोल कर देखें
ये पिटारी भी खोल कर देखें

टूटा फूटा अगर ख़ुदा निकले-!
*

ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.

સવારે ગાયબ થઈ જતા ચાંદ વિશે ગુલઝાર કેવી મજાની કલ્પના કરે છે:

रात के पेड पे कल ही तो उसे देखा था-
चाँद बस गिरने ही वाला था फ़लक से पक कर

सूरज आया था, ज़रा उसकी तलाशी लेना!

આ જ કવિ વળી ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાન પણ પ્રયોજી શકે છે. પ્રિયતમાને ચાંદની ઉપમા કવિઓ સદીઓથી આપતા આવ્યા છે. ગુલઝાર પણ આપે છે પણ જૂના રંગમાં નવી ઝાંય ઉમેરીને એ કેવી મનોરમ્ય નૂતન સૃષ્ટિ સર્જી શકે છે એ સમજવા જેવું છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…

ગ્લોબલ કવિતા : ૧૩૬ : કેમકે કોઈ મદદ શક્ય જ નથી – માઇકલ ડ્રાઇટન

Since There’s No Help

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

– Michael Drayton

કેમકે કોઈ મદદ શક્ય જ નથી

કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.

મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.

પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.

જ્યારે એના નામનું નાહી જ નાખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

જ્યારે બધી જ આશાઓ મરી પરવારે…

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

– બસોએક વર્ષ પહેલાં મિર્ઝા ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? અઢીએક હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ પણ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે. પણ બુદ્ધ કવિ નહોતા, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ હતા. કવિને નિવારણમાં રસ નથી, સંતને એમાં જ છે. બુદ્ધ કહે છે કે જો અપેક્ષા દુઃખનું કારણ છે તો એ કારણનું નિવારણ પણ છે, જે વળી શક્ય પણ છે. પ્રસ્તુત કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું માઇકલ ડ્રેઇટનનું આ કાવ્ય બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પાડે છે.

માઇકલ ડ્રેઇટન. ઇંગ્લેન્ડમાં હાર્ટ્સહિલ (વૉરવીકશાયર) ખાતે ઈ.સ. ૧૫૬૩માં જન્મ. પ્રારંભિક જીવન વિશે વિશેષ જાણકારી નથી. એમની કવિતાઓ વિ. પરથી ઘણુંખરું અનુમાનિત કરવામાં આવ્યું છે. કવિ તરીકે કિસ્મત ચમકાવવા એ ૧૫૯૧ની આસપાસ લંડન સ્થાયી થયા. ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. લોકોના ઘરે નોકર તરીકે જીવ્યા પણ પછી મહારાણી એલિઝાબેથ પ્રથમના દરબારમાં મોભાનું સ્થાન પણ શોભાવ્યું. એલિઝાબેથ પછી જેમ્સ પહેલાના દરબારમાં પ્રામાણિક અને આખાબોલા કવિએ અવગણનાનો સામનો કરવો પડ્યો. સર હેન્રી ગુડ્યર (કે ગુડરે)ના ઘરે તેઓ મોટા થયા હોવાનું મનાય છે અને એમની જ છોકરી એનના પ્રેમમાં હતા. એનને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો પણ એન જ નહીં, કોઈપણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. સ્વભાવે મમતાળુ અને મિત્રવર્ગ બહોળો. તત્કાલીન પ્રસિદ્ધ સાહિત્યકારો બેન જોન્સન અને શેક્સપિઅર પણ એમના મિત્ર. પણ જીવનમાં પૈસાના સ્થાને પ્રતિષ્ઠા અને દોસ્તી જ કમાઈ શક્યા. દારૂણ ગરીબીમાં જ ૨૩-૧૨-૧૬૩૧ના રોજ નિધન.

અગ્રણી એલિઝાબેથન/જેકોબિઅન કવિ. નાટ્યકાર. વિપુલ માત્રામાં સાહિત્યસર્જન. તેઓ કવિને જનતાના પ્રવક્તા ગણતા અને સારું સાહિત્યસર્જન કવિની ફરજ ગણતા. કાળજીપૂર્વકનું સંનિષ્ઠ કવિકર્મ અને પુરુષાર્થ એમની મોટાભાગની કૃતિઓમાં નજરે ચડે છે. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ, એ અંગ્રેજી ‘ઓડ’ના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિય કરનાર હતા. હોરેસની શૈલી એમણે પહેલવહેલીવાર અંગ્રેજીમાં ઉતારી આણી. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા. એકાધિક ભાગોમાં વહેંચાયેલી દીર્ઘ કવિતાઓ એમની વિશેષતા રહી, જેમાં એમની આત્મકથાના અંશો ઉપરાંત સમસ્ત ઇંગ્લેન્ડનું, એની પુરાકથાઓ અને ઇતિહાસ સહિતનું સર્વાંગી દર્શન થાય છે. પોલિ-ઓલ્બિયન તો ૧૫,૦૦૦ પંક્તિઓનું મહત્ત્વાકાંક્ષી મહાકાવ્ય છે. એમણે લખ્યું છે: ‘મારાં ગીત મારા મનની સાફ છબી છે.’

‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ એ ‘આઇડિયા’ના કથિત નામે એનને જ સંબોધીને લખેલ સૉનેટ-સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલી. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. પ્રાસવ્યવસ્થા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રકારની અને ચુસ્ત. પણ યુગ્મકમાં ક-ક પ્રકારની અને સુસ્ત (over-recover), અંગ્રેજીમાં જેને eye-rhyme કહે છે. છંદ અંગ્રેજી કવિતાઓમાં સામાન્ય રીતે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર. પણ તેરમી પંક્તિમાં દસના બદલે બાર અને આખરી (ચૌદમી) પંક્તિમાં અગિયાર શબ્દાંશ (સિલેબલ્સ) વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે પણ પ્રાસવ્યવસ્થા મૂળ અંગ્રેજી મુજબ જ ચતુષ્કોમાં ચુસ્ત અને યુગ્મકમાં સુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત મૂળ કવિતાને અનુસરીને તેરમી પંક્તિમાં બે અને ચૌદમી પંક્તિમાં એક ગુરુ બાકીની પંક્તિઓ કરતાં વધુ વાપરવામાં આવ્યા છે.

કવિતાનું શીર્ષક એ જ એનો પ્રારંભ છે. ‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ વાંચતા એટલું સમજી શકાય છે કે જે કોઈ મદદ કરવાની હતી, એ બધી અગાઉ કરી દેવામાં આવી હશે. ‘કેમકે’નો પ્રયોગ પણ શક્ય હતાં એ બધાં જ કારણો નાણી જોવાયાં છે એ વાત દૃઢીભૂત કરે છે. ‘ચુંબન કરી થઈએ અલગ’ વાંચતા જ ભીતર હચમચાટ અનુભવાય છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ થઈ ચૂકી હોવા છતાં હવે આ સંબંધ એ જગ્યાએ આવી પહોંચ્યો છે, જ્યાંથી પુનર્જોડાણ શક્ય જ નથી. ‘આપણે અહીંથી હવે થઈએ અલગ, આપણી પાસે હવે કંઈ પણ નથી’ જેવી આ ક્ષણ છે. સંબંધ હવે ટકી શકે એમ નથી એમ નાયકે સ્વીકારી લીધું છે. સામા પક્ષે નાયિકાએ પણ આ ફેંસલો સ્વીકારી લીધો હોવાનું અનુભવાય છે. કવિતા ભલે નાયકની સ્વગતોક્તિ હોય, પણ સામા પક્ષ તરફથી નાયકની વાત કોઈ કાપતું હોય એવું દેખાતું નથી. મતલબ જે કોઈ નિર્ણય છે, એ બંને પક્ષે સમજીને જ લીધો છે. ‘કોઈ મદદ હવે શક્ય જ નથી’ની જે વાત છે, એ મદદ બંને પક્ષ પોતપોતાની ક્ષમતાનુસાર મહત્તમ કરી ચૂક્યા પછીની ક્ષણની આ કવિતા છે. પણ સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. આ કાવ્ય પ્રેમની નિષ્ફળતાની અસમંજસની ચરમસીમાએ ઊભું છે. કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે! છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. નાયક કહે છે, ના, હવે બસ, બહુ થયું. હવે તું મને સહેજ પણ વધુ પામી શકનાર નથી. જે પામવા-અનુભવવાનું હતું, એ બધું હવે સમાપ્ત થઈ ચૂક્યું છે. સંબંધમાં સહનશક્તિની પરાકાષ્ઠા આવી ચૂકી છે. નન્નો પરખાવીને નાયક પોતાનો ઈરાદો બુલંદ કરે છે અને વળી, પોતે ખુશ છે, હા, દિલના આખરીમાં આખરી ઊંડાણ લગ ખુશ છે, એમ ખુશ હોવાની વાતની પુનરુક્તિ કરીને નિર્ણય પર મતુ મારે છે. અને સંબંધના કોફીન પર આખરી ખીલો ઠોકતા એ કહે છે, કે પોતે પોતાની જાતને આમ સિફતથી, સફાઈથી પૂરેપૂરી છોડાવી શક્યો છે એ વાતની પોતાને ખુશી પણ છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? પાશ્ચત્ય સંસ્કૃતિની વાત અલગ છે, પણ આપણે ત્યાં તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને વરસોનો નહીં, જન્મોજનમનો ગણવામાં આવે છે. એ વાત અલગ છે કે અનંતકાલીન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકે છે. પાશ્ચાત્ય દેશોમાં પણ છૂટાછેડાની માત્રા ભલે વધુ હોય, સંબંધોને ટકાવવાની મથામણ અને થાકી ન જવાય ત્યાં સુધી વેંઢાર્યે રાખવાની કસરત તો આપણા જેવી જ છે. એ વિના આવી કવિતા શક્ય બને ખરી? કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે. ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી. મરી ગયેલા સંબંધની લાશ ખભે વેંઢારીને આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ આજીવન એકની એક સફરના આંટા માર્યે રાખીએ છીએ. બહુ ઓછા હશે જે આ નાયકની જેમ મરેલા સંબંધની લાશ ખભેથી ઉતારી એને દફનાવવાની હિંમત કરતા હશે.

છૂટાં પડતાં પહેલાં ચુંબન કરી લીધું, આલિંગી પણ લીધું. આત્મીય ઔપચારિકતાઓ ખતમ થઈ. પોતે ખુશ છે એનો પુનરોચ્ચાર કરી નિશ્ચિત થવા માટે ખાતરી પણ આપી દીધી. હવે? હવે વારો સામાજીક ઔપચારિકતાનો. હસ્તધૂનન કરી લઈએ છેલવેલ્લીવાર. સાથે રહેવાના અને એકમેકને ખુશ રાખવા માટે જે કોઈ સોગંદ સાથે મળીને લીધા હતા, એ તમામને રદકરાર આપી દઈએ. ન કરે નારાયણ, ને ક્યાંક મળવાનું બને, એકબીજાની સામે આવી ઊભા રહીએ તો બેમાંથી એકેયના ચહેરા પરથી એવું પ્રકટ થવું ન જોઈએ કે બેમાંથી એકેયના દિલમાં એ જૂના પ્રેમનો એકાદ અંશ પણ ભૂલેચૂકેય હજી બચી ગયો છે. બેમાંથી એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે. ‘મેરી પ્યારી બિન્દુ’ ફિલ્મના એક ગીતમાં આવી જ વાત બહુ સહજતાથી કહેવામાં આવી છે: ‘रास्ते में जो मिलो, तो दूर से ही तुम मुस्काना; लेकिन मुस्कान हो ऐसी, कि जिसमें इकरार नहीं|’ વર્ષોના સંબંધનો આ તે કેવો અંત? એક કવિતામાં ડ્રેઇટન આવી જ લાગણી આલેખે છે: ‘મને કહો કે દુનિયાની શરૂઆત થઈ તે ઘડીથી આજ લગ/આવા અદભુત ઉદયનો આવો કલુષિત અસ્ત કદી થયો હોય તો.’

આઇસીસીયુમાં જવાનું થયું હોય એવા લોકો આ ચિત્રથી પરિચિત જ હોવાના. હાર્ટએટેકના કારણે બ્લડપ્રેસર ઘટી જાય. બ્લડપ્રેસર ઘટે એટલે કિડની કામ કરતી બંધ થાય. કિડની નબળી પડે એટલે લિવર ખોટકાય અને શરીરમાંથી બગાડ નીકળતો બંધ થાય એટલે ફેફસાં જવાબ દઈ દે, વેન્ટિલેટરની જરૂર પડે અને મગજ પણ આ અવયવોને સાથ આપવામાં પાછી પાની કરતું નથી, એ પણ અસ્તાચળે પ્રયાણ આદરે છે. બરાબર, આવું જ ચિત્ર કવિ સજીવારોપણ અલંકાર વડે રજૂ કરે છે. પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે. એની નાડ ધીમી પડી રહી છે. પાસે જ જે આવેશથી બંને એકમેકમાં ઓગળી જઈ એક થઈ જતાં હતાં, એ આવેશ વાચાહીન થઈ પડ્યો છે. પ્રેમની મૃત્યુશૈયાની બાજુમાંજ શ્રદ્ધા પણ હાર સ્વીકારી ઘૂંટણિયા ટેકવી બેઠી છે. જીવનમાં જે કંઈ નિર્દોષતા હતી, એ પણ ધીમે ધીમે એની આંખ બીડી રહી છે. ટૂંકમાં, પ્રેમ એની સાથે જે-જે મિત્રોને લઈને આ બેના જીવનમાં આવ્યો હતો એ તમામ મિત્રોને લઈને મરણ પામવાની તૈયારીમાં છે. પ્રેમ વિના કશું જ ટકી શકતું નથી. પ્રેમ સંબંધના શરીરનું હૃદય છે. એ બધી જ લાગણીઓને ટકાવી રાખે છે. ડ્રેઇટને જ એક કવિતામાં લખ્યું છે:

મારું હૃદય એરણ છે જ્યાં મારા વિચારો ધબકે છે,
મારા શબ્દો હથોડા છે, મારી ઇચ્છાઓને આકારતા,
મારી છાતી ભઠ્ઠી છે, બધી જ ગરમીઓને સમાવતી,
પ્રેમ ઈંધણ છે જે આગ સળગતી રાખે છે.

આખી કવિતા ઘેરા રંગની છે. વિષાદ શબ્દે-શબ્દે છલકાય છે. પણ એ છતાંય કવિ પંક્તિએ-પંક્તિએ કાળાભમ્મર વાદળની કોરેથી પ્રગટવા આતુર સોનેરી પ્રકાશ ચિતરવો ચૂક્યા નથી. છૂટા પડવું છે પણ લડી-ઝઘડીને નહીં, ચુંબન-હસ્તધૂનન કરીને. છૂટા પડવું છે પણ પોતે દુઃખી નથી એની ખાતરી એક-એક કરતાં બે વાર પોતે ખુશ છે, એમ કહીને આપવી પડે છે. કેમ વારુ? જો બધું ખતમ જ થઈ ચૂક્યું છે અને હવે કોઈ મદદ શક્ય જ નથી, તો સામાને પોતાની ખુશીની ખાતરી આપવાની દરકાર કેમ? સૌ શપથ રદ કરવાનાં, કેમકે એ રદ ન કર્યાં હોય તો બેઉના દિલે બોજ વર્તાયે રાખે અને આકસ્મિક ક્યાંક મળી જવાય તો બેમાંથી એકેના ચહેરા પરથી પ્રેમનો અંશમાત્ર પણ છતો ન થઈ જાય એની કાળજી રાખવાની ચીમકી. મતલબ, પ્રેમ ભલે મરવા પડ્યો હોવાનું એલાન કરવામાં આવે, દિલના ઊંડા ખૂણે એ છે જ એની પ્રતીતિ ઉભયપક્ષે છે જ. અને આખરી બે પંક્તિઓ તો આ સૉનેટના આભ આખાને સોનેરી ઉજાસથી અભરે ભરી દે છે. કવિની આ જ માનસિકતા અન્યત્ર પણ પ્રગટી છે: ‘જ્યારે હું પહેલીવાર સમાપ્ત થયો, ત્યારે મેં પહેલી શરૂઆત કરી,/જ્યાં મેં મહત્તમ ગુમાવ્યું, ત્યાં જ મેં મહત્તમ ચાહ્યું.’ અને કવિ સામા પાત્ર પાસે પણ આ જ રીતે નકારમાં હકારની અપેક્ષા સેવનાર છે: ‘હું હવે તને સાબિત કરી દઉં છું, કે તારો પ્રેમ અને નફરત આ જ છે,/તું નફરતમાં પ્રેમ કરે છે, અને નફરત થકી મને તને પ્રેમ કરાવડાવે છે.’

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. બંને જણે પ્રેમના નામનું નાહી નાખ્યું છે એમ કહેતાંમાં તો નાયક વિહ્વળ બની જાય છે. છોડી દઈએ, તોડી દઈએ કરવું અલગ વાત છે અને વાસ્તવિક્તાના દોરાહા પર આવી ઊભવાની ખાતરીનો સામનો કરવો અલગ વાત છે. મરણપથારીએ પડેલ પ્રેમ, વાચાહીન પડેલો આવેગ, લુપ્તગત શ્રદ્ધા, અને હાથતાળી દઈ ગયેલી નિર્દોષતા- આ બધું જ અચાનક જ વેન્ટિલેટરનો સાથ મળી ગયો હોય એમ આંખ ખોલે છે. કાવ્યારંભે અડીખમ નાયક કાવ્યાંતે આકસ્મિક ઘૂંટણિયા ટેકવી બેસે છે. એ નાયિકાને કહે છે, કે બધું બરાબર પણ જો તું ધારે તો આ પ્રેમને હજીયે મોતના મુખેથી ઉગારીને પરત જીવન તરફ લાવી શકે છે. તું જો એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો પુનરપિ આ પ્રેમ જીવિત થઈ ઊઠે… એક કવિતામાં ડ્રેઇટન કહે છે: ‘મારી માલકિન મારી બિમારી પર કાર્યરત છે,/દર કલાકે મને સાજો કરીને અને મારી નાખીને,/ફક્ત તેના સૌંદર્યની સર્વોપરી શક્તિ બતાવવા માટે.’

ना ना करते प्यार કરવાની અનોખી અદાએ આ સૉનેટને અમરત્વ બક્ષ્યું છે. ઇનકારના હૃદયમાં ભંડારાયેલ ઇકરારની શોધ અને સ્વીકાર આ કાવ્યનો પ્રાણ છે. સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કવિ અહીં આ સમજણનો જ સહારો લે છે. હતોત્સાહી હતાશ નાયક આશા માટે નાયિકા તરફ નજર કરે છે. આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. પણ પ્રયત્ન કરો તો ફરી એ બેઠો અવશ્ય થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….