Category Archives: Global કવિતા

ગ્લૉબલ કવિતા : ૧૬૬ : ઠાગા ઠૈયા – રાવજી પટેલ

ઠાગા થૈયા ભલે કરે રામ !
આપણે તો અલબત-શરબત ઊંચું મેલ્યું.
ભલે મારું નિર્વાણ ઊડી જાય !
ભલે મને મળે નહીં બ્રહ્મનું બટેરું ભરી છાશ.
દોમદામ પેઢીઓની ગીચતાને
મારે નથી શણગાર પ્હેરાવવા,
એની પર ખીજડા છો ઊગ્યાં કરે;
સુગરીઓ ભલે બાંધે ઘર, ભલે સેલ્યૂટ ભર્યા કરે !
આપણે શા ઠાઠ
કવિતાને ઘર શું ને કરવા શા ઘાટ !
કવિતાને મોગરાની ખપે બસ વાસ.
દોમદામ સાહ્યબી મારે મન ફફડતા પડદા –
ફફડતી ભીંત.
મારે મન હંમેશનાં હવડ કમાડ
ઘટમાળ-બટમાળ કશું નહીં,
સાહ્યબીનો ચ્હેરો હવે સૂર્ય નહીં –
સૂર્ય હવે છાણનું અડાયું મારે મન.
મારે મન કવિતાની સાહ્યબીના સૂરજ હજાર.
ઓરડામાં પડેલો આ અંધકાર ઊંચકું હું કેમ?
તમારે કહ્યે મારા નિજત્વને ફેંકી દઉં કેમ?
મને તો ઘણુંય થાય :
નજીક બેસાડી તારા ઘરને હું કવિતાની જેમ
કશો અર્થ દઉ;
તારી શય્યાને કવિતાની ગંધ દઉં.
કિંતુ વ્યર્થ
તમારે તો સાણસીનો કરવો છે અર્થ.
હું તો માત્ર કવિતાઈ રણનો પ્રલંબ પટ
કેવળ વેરાઈ જાણું પ્રણયની જેમ.
પણ તમારે તો દરિયાનો કરવો છે અર્થ.
હું તો માત્ર,
કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર,
હું તો માત્ર
કવિ,
હું તો માત્ર
ઓરડામાં સબડતું આદિ મમી,
હું તો માત્ર
ભૂખથી રિબાતું મારું વલ્લવપુરા ગામ.
હું તો માત્ર
ખાલીબખ નિઃસહાય ૐ
પણ તમારે તો ગણિતનાં મનોયત્ન ગણવાં છે.
મારી પાસે નથી એ ગણિત
મારી પાસે નથી એનો અર્થ
મારી પાસે કવિતાનો નથી કશો નર્થ.

– રાવજી પટેલ

યુનિફૉર્મ પહેરેલી ઘેટીઓનો પપેટ શૉ

વાત કોઈ પણ હોય– વાઢકાપ કરી, એની અંદર ઉતરવાનો આનંદ લેવો એ આપણી સહજ પ્રકૃતિ છે. એમાંય બીજાઓને હાથવગું ન બન્યું હો એવું કંઈ હાથ લાગે તો તો આ આનંદ ચરમસીમાએ પહોંચે. વાત કળાની હોય તો આ ગુણધર્મ પ્રબળતમ સ્વરૂપ ધારણ કરે, અને કળામાંય કવિતા કેન્દ્રસ્થાને હોય તો અર્થગ્રહણ-આસ્વાદ-વિવેચનની વૃત્તિ વધુ વકરે. દુનિયાની ભાગ્યે જ કોઈ ભાષામાં કવિતા વિશે આસ્વાદ કે વિવેચનલેખો લખાયા નહીં હોય. પણ કવિતા સમજવી શું સાચે જ આવશ્યક છે? અને કવિતામાં પરંપરાનું મહત્તાગાન અગત્યનું ગણાય કે ‘રૉડ નોટ ટેકન’ લઈને ઉફરાં ચાલવાનું? આ બે બાબતો પર પ્રકાશ પાડતી રાવજી પટેલની એક રચના જોઈએ.

રાવજી પટેલ. આપણી ભાષાનો એ એવો લાડકો છે કે નર્મદની જેમ તુંકારા સિવાય બોલાવી જ ન શકાય. ખેડા જિલ્લાના વલ્લવપુરા ગામમાં ૧૫-૧૧-૧૯૩૯ના રોજ ગરીબ પણ સંસ્કારી પાટીદાર ખેડૂત કુટુંબમાં જન્મ. પિતા છોટાલાલ. માતા ચંચળબા. સાત ભાઈબહેનોના લાવલશ્કરમાં એક રાવજી. જમીન ઓછી ને પેટ ઝાઝા એટલે સતત આર્થિક અથડામણ. સીમખેતરો વચ્ચે ઉછેર. ડાકોર સંસ્થાન હાઇસ્કૂલમાં અભ્યાસ. કવિતા ત્યાંથી વળગી. મેટ્રિક ભણવા ને કમાવા અમદાવાદગમન. ટી.બી.ની બિમારી, દારુણ ગરીબી અને અસ્થાયી નોકરીના કારણે કૉલેજ અડધેથી છૂટી. નાની વયે લક્ષ્મી સાથે લગ્ન. એક દીકરી, નામે અપેક્ષા. મુકુન્દ પરીખ સાથે ‘શબ્દ’ સામયિકના થોડા અંક પ્રગટ કર્યા. શરૂમાં આણંદના દરબાર ગોપાળદાસ સેનેટોરિયમમાં ને પછીથી ભાવનગરના સોનગઢ-ઝિંથરીના અમરગઢ ક્ષય-ચિકિત્સાલયમાં સારવાર લીધી. પળેપળ મૃત્યુને ઢૂંકડું આવતું જોતા રાવજીને તબિયત કથળતાં ગામ લવાયો. ટીબીના ખપ્પરમાં એક ફેફસું સ્વાહા થયું એ ઓછું હોય એમ ડાયાબિટીસે દેહપ્રવેશ કર્યો. અવારનવાર ખોઈ બેસાતા સાનભાન વચ્ચે સાંપડતી સ્વસ્થતાની પાતળી જમીન પર શબ્દ સાથેનું સંવનન ચાલુ રહ્યું. છેલ્લા શ્વાસ સુધી જીવી લેવાની તાલાવેલીએ સર્જનની આગ ઓર પ્રજ્વલિત કરી. છેવટે અમદાવાદની વાડીલાલ સારાભાઈ હોસ્પિટલમાં ૧૦-૦૮-૧૯૬૮ના રોજ આયખું ત્રીસીના આંકડાને સ્પર્શે એ પહેલા જ આ સારસી ગુજરાતી સાહિત્યના ખેતરને શેઢેથી ઊડી ગઈ.

મુખ્યત્વે કવિ. નવલકથાકાર તથા વાર્તાકાર પણ ખરો. પત્રાચાર પણ બહુમૂલ્ય. ગ્રામ્યઉછેર અને અપૂરતો અભ્યાસ વરદાન સાબિત થયા. કલમ અન્ય સાહિત્યકારો અને પ્રવર્તમાન સાહિત્યપ્રવાહોના સંસ્પર્શથી અબોટ રહી. નૈસર્ગિકતા જળવાઈ રહી. સરવાળે, નિજત્વથી ભર્યો ભર્યો કવિ. ગામ, સીમખેતર, વગડો, ગામજંગલની ઋતુઓના ચહેરાઓ અને એમ, લોહીમાં ઊં…ડે સુધી ઊતરી ગયેલી પ્રકૃતિની હારોહાર અમદાવાદના નગરજીવનની સંકીર્ણતાનો વિરોધાભાસ એની કલમનો જાન. કૃષિજીવન, ગ્રામ્યપરિવેશ અને શહેરની વિસંગતતા ઉપરાંત પ્રેમ, વિરહ, રતિ, વિ-રતિ અને મૃત્યુના સાક્ષાત્કારના નાનાવિધ સ્વરૂપ એની કૃતિઓમાં નવોન્મેષ પામ્યાં. એની સર્જકતાને કશું ગતાનુગતિક, કશું રૂઢ ખપ્યું નહીં. એની અભિવ્યક્તિ ભાવાર્થ અને રચનારીતિની દૃષ્ટિએ ખાસ્સી સંકુલ છે. ડુંગળીના પડની જેમ એના શબ્દો બહુસ્તરીય છે. રઘુવીર ચૌધરી લખે છે: ‘રાવજીનો મુખ્ય અનુભવ વિખૂટા પડવાનો છે, ખેતર અને સ્વજનોથી વિખૂટા પડવાની વેદનાનો છે… એણે જે વેઠેલું એ માટે તો વરદાન જોઈએ. ઝેર પીને કોઈક મીરાંબાઈ જ ગાઈ શકે.’ લાભશંકર ઠાકરે કહ્યું હતું: ‘કવિ તરીકે રાવજીનો જે વિશેષ છે તે એની શબ્દ-પટુતા. પટુતા એટલે સેન્સિટિવિટી. રાવજીનો કાન તો કવિનો ખરો, પણ રાવજીની આંખ, ચામડી, નાક અને જીભ પણ કવિનાં… એની પાંચે ઇન્દ્રિયો શબ્દને પામી શકતી.’ ૧૯૬૦ની આસપાસ શરૂ કરી, ૬૮ સુધીમાં માંડ નવેક વર્ષ જ એણે સર્જન કર્યું, પણ એટલા ગાળામાં તો દુનિયાભરના ગુજરાતીઓના હૃદયમાં એ અજરામર સ્થાન પામી ગયો. અકાળ અવસાન ભલે એક ગરવા અવાજને સમયથી પહેલાં છિનવી ગયું, પણ કોલેજ સુદ્ધાં પૂરી ન કરી શકનાર આ સર્જકની કૃતિઓ વર્ષોથી વિશ્વવિદ્યાલયોમાં અભ્યાસ અને સંશોધનના વિષયો તરીકે સ્થાન પામી રહી છે.

‘ઠાગા ઠૈયા’ એટલે કામ કરવાનો ડોળ કરી ઠાલો વખત ગાળવો તે. ઠાગા શબ્દ ઠગ પરથી ઉતરી આવ્યો જણાય છે, અને ઠૈયાં એટલે ઠેકાણું. પણ ઠાગાઠૈયા શબ્દની સાચી ઉત્પત્તિ શી હશે એની ભાળ જડતી નથી. આમ તો ઠાગાઠૈયા એક જ શબ્દ છે, પણ ઠાગા અને ઠૈયાની વચ્ચે જગ્યા છોડીને પોતે આ કવિતામાં કવિતા વિશેના પ્રણાલીગત વિચારોને તોડીફોડી નાંખનાર છે એનો અણસારો રાવજી આપતો હોય એમ પણ બને. તેંતાળીસ પંક્તિઓની આ સળંગ રચના પહેલી નજરે અછાંદસ લાગે, પણ રહો. રાવજી છંદનો પક્કો ખેલાડી હતો. અલગ-અલગ છંદોના રસાયણ બનાવવામાં પણ એ એક્કો હતો. પ્રસ્તુત રચનામાં એણે કટાવ છંદની શૈલીમાં સંખ્યામેળ મનહર છંદ પ્રયોજ્યો છે. પૂર્ણ આવર્તનો વચ્ચેની ખાલી જગ્યાઓ પઠનની લવચિકતાથી ભરાઈ જાય એવી કુશળતાથી એણે પરંપરિત મનહર વાપર્યો છે. દલપતરામની ‘ઊંટ કહે આ સભામાં’ના ઢાળમાં રચના ગાવાની મજા જ કંઈ ઓર છે. કવિતામાં એક સ્થાને રાવજીએ ‘કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર’ કોપી-પેસ્ટ પણ કર્યું છે.

ગલ્લાંતલ્લાં કરી, કરવાનું કામ પડતું મૂકીને, ન કરવાની વસ્તુઓ પર ભાર આપતી આ દુનિયા ભલે કવિતાના નામે ઠાગાઠૈયા કર્યે રાખે, રાવજીને કેવળ શુદ્ધ કવિતા સાથે જ નિસ્બત છે. ગળચટ્ટાં અર્થોના શરબત એણે અલબત્ત ઊંચે મેલી દીધાં છે. આમ તો અલબત-શરબત આંતર્પ્રાસ માટે પ્રયોજાયેલાં જણાય છે, પણ અલબતનો અલબત્ત અર્થ પણ કરી શકાય; અને અર્થઘટન કરવામાં સમસ્યા અનુભવાતી હોય તો અર્થઘટન કરવું પણ નહીં. કેમ કે રાવજી એ જ તો ઇચ્છે છે. પેઢી દર પેઢી આપણાં પૂર્વજોએ કવિતાની જે ઇમારત અને ઇબારત ઊભી કરી દીધી છે, જે ઘાટ-આકાર આપ્યાં છે, એની સામે રાવજીનો વિરોધ છે. સર્જનક્ષણે કવિને બ્રહ્મા સાથે સરખાવાયો છે. अपारे काव्य संसारे, कविरेव प्रजापति| પણ રાવજીને તો કવિતાના રસ્તે ચાલીને નિર્વાણ મળતું હોય તો એય નથી જોઈતું અને બ્રહ્મનું બટેરુંભર છાશ પણ નથી ખપતી. પૂર્વજોની દોમદોમ સાહ્યબી ધરાવતી પેઢીઓની ગીચતાને એ શણગારવા તૈયાર નથી. સુવર્ણાક્ષરે લખાયેલા ઇતિહાસ કરતાં વધું વહાલું છે એને એની આજનું પાનું. પૂર્વસૂરિઓ જે કરી ગયા એ એમને મુબારક. રાવજીને તો પોતાની મૌલિકતા, પોતાનો અવાજ જ વહાલો છે. કવિએ આજમાં રહેવાનું છે, ભૂતકાળમાં નહીં. ‘કવિશ્રી ચિનુ મોદી’ કવિતામાં એ કહે છે: ‘કવિઓને ભૂતકાળ કદીય ના હણી શકે,/કવિઓને ભૂતકાળ કદીય ના સુખ આપે!’

ભલે કાવ્યસંસ્કૃતિની પૂર્વખેડિત ધરા પર ખીજડાઓ ઊગ્યા કરે, ભલે સુગરીઓ એના પર માળા બાંધ્યે રાખે, ભલે સલામો ભરતી રહે, રાવજીને તમા નથી. ખીજડા સામાન્યતઃ રણ કે ઓછા કસવાળી જમીન પર ઊગતાં ઝાડ છે. રાવજી એનો ઉલ્લેખ કરીને પેઢીઓની દોમદોમ સાહ્યબીવાળી જમીનના રસકસ પર થોડી ઉતાવળ કરીએ તો ચૂકી જવાય એવો હળવો કટાક્ષ કરે છે. ‘સંબંધ (ક્ષયમાં આત્મદર્શન)’માં એ કહે છે: ‘પ્રેમ એટલે એંઠા બોર/…/આપણાં કષ્ટોનું કારણ છે એંઠું બોર/વત્સો, શરણ કોઈનું સ્વીકારો નહીં.’ માળાય એને સુગરીના દેખાય છે, કેમકે એના જેટલું ઘાટીલું અને મહેનત માંગી લેતું ઘર ભાગ્યે જ બીજા કોઈ પક્ષીનું જોવા મળશે. કવિતાના પ્રસ્થાપિત આકારો અને એની જીહજૂરીપ્રથાની એ ખિલાફ છે. એના મતે કવિતાને વળી ઘર શાં ને ઘાટ શાં? કવિ અને કવિતાને કોઈ ઠાઠબાઠની શી જરૂર? ‘કૃષિકવિ’ રાવજીની તળપદી ભાષામાં અચાનક સેલ્યૂટ જેવો અંગ્રેજી શબ્દ આવી ગયો, એ નોંધ્યું? પરંપરા સામેનો વિરોધ કરવામાં એ કોઈ હથિયાર બાકી રાખવામાં માનતો નથી. જો કે પરંપરાગત કાવ્યપ્રણાલિ સામેના એના કટાક્ષ કે વિરોધમાં ક્યાંય આક્રોશ નથી. આગળ કોઈ ખોટું કરી ગયું કે આજે કોઈ એ ખોટા માપના પેંગડામાં પગ ઘાલ્યે રાખવા મથતું હોય એની સાથે ઝઘડો કરવામાં એને રસ નથી, એને તો પોતે કોઈના પદચિહ્નો પર ચાલવા તૈયાર નથી અને બદલામાં જે કંઈ જતું કરવું પડે એ જતું કરવાની તૈયારીનું એલાન કરવામાં જ રસ છે. પ્રસ્થાપિતોને ઉખેડી નાંખવા માટેની મથામણના સ્થાને સ્વયંની કેડી કંડારવા માટેની એની વૃત્તિ વધુ છતી થાય છે. રઘુવીર ચૌધરીએ યથાર્થ તારવ્યું છે: ‘પરંપરાના સંપૂર્ણ વિચ્છેદને બદલે રાવજી પરંપરાના નજીકના સગા તરીકે જ એની સામો થાય છે. એનો પરંપરા અને જગત સાથેનો ઝઘડો એક પ્રેમીનો છે, તર્કશાસ્ત્રીનો નથી.’

એના મતે કવિતાને રંગ-રૂપ-આકાર નહીં, માત્ર મોગરાની વાસ ખપે છે. જરા થોભો. કવિતા મોગરાનું ફૂલ નથી, સુગંધ માત્ર છે. એને આકાર નહીં, સાક્ષાત્કાર ખપે છે. મૂર્ત અર્થો અને આકારોમાં નિબદ્ધ રહે એ તો માત્ર શબ્દોની રમત. કવિતા એટલે તો અમૂર્ત અનુભૂતિ. આર્ચિબાલ્ડ મેકલિશની ‘આર્સ પોએટિકા’ના કાવ્યાંશ જોઈએ:

કવિતા શબ્દહીન હોવી ઘટે,
પક્ષીઓની ઉડાન પેઠે.
કવિતા સમયના પરિપ્રેક્ષમાં ગતિહીન હોવી ઘટે,
જેમ ચંદ્ર આકાશમાં.
કવિતાનો અર્થ જરૂરી નથી,
બસ, કવિતા હોવી જોઈએ.

કવિતામાંથી સાંપડતો યશ એને મન ફફડતા પડદા, ફફડતી ભીંત સમાન છે. પડદા કદી સ્થિર રહે નહીં. પ્રસિદ્ધિ કદી કાયમી રહે નહીં. પડદા તો ફફડે પણ ભીંત? સદા સ્થિર રહેવા સર્જાયેલી ભીંતને પણ રાવજી ફફડતી જુએ છે અને એ રીતે અવિચળ લાગતી નામનાનોય એકડો કાઢે છે. હવડ કમાડ સમી કવિતાની સાહ્યબી હંમેશ રહેતી નથી. કવિતામાં કોઈ ઘટમાળ-પરંપરા-પ્રણાલિકા હોતાં નથી. સૂર્ય પ્રકાશનું અને એ રીતે યશ-પ્રતિષ્ઠાનું પ્રતીક છે. એનો પ્રકાશ જગ આખામાં પથરાય છે, પણ રાવજીને મન પ્રસિદ્ધિનો સૂર્ય સાહ્યબી નહીં, છાણનું અડાયું માત્ર છે. અડાયું એટલે જે છાણ તરફ કોઈએ લક્ષ સેવ્યું ન હોય અને પડ્યું-પડ્યું સૂકાઈ ગયું હોય એ. રાવજીને મન કવિતાની કિંમત છે, કીર્તિની નહીં. કીર્તિને એ નધણિયાતું છાણ લેખાવે છે. એ લખે છે: ‘હવે શાં કાવ્ય લખું?/…/આખો દેશ અડાયા પર બેઠો છે!/ત્યારે બૉમ્બ પડેલા ગામ સરીખી/સપાટ નિર્જન જીભ (કવિની).’ (‘૧૯૬૪-૬૫માં’) રાવજીને મન ખરી સાહ્યબીનો સૂરજ કવિતાનો છે અને એ પાછા એક-એક કરતા હજાર છે.

રાવજીનો વિરોધ હજી શાંત થયો નથી. પરંપરાનો ઓરડો આખો અંધકારથી ભરેલો છે. રાવજી એ અંધકારને ઊંચકવા-ઉસેટવા તૈયાર નથી. કોઈના કહેવાથી એ પોતાના નિજત્વને ફેંકી દેવા તૈયાર નથી. એને મન તો ‘હાય આનાથી તો કવિતા ન લખી હોત તો સારું.’ (ચણોઠી-રક્ત અને ગોકળગાય) અત્યાર સુધી કવિતામાં બધું આપણું અને મારું જ આવ્યું છે. પહેલવહેલીવાર રાવજી બીજા પુરુષનો ઉલ્લેખ કરે છે, અને તે બહુવચનમાં – ‘તમારે કહ્યે.’ આગળ જતાં પણ એ આખી કવિતામાં બેવારના અપવાદ સિવાય બીજા પુરુષ બહુવચનમાં જ વાત કરે છે. આ તફાવત ધ્યાનમાં રાખવા જેવો છે. એને ઘણુંય મન થાય છે કે નજીક બેસાડીને ‘તારા’ ઘરને એ કવિતાની જેમ કશો અર્થ અને ‘તારી’ શૈયાને કવિતાની ગંધ આપે. આખી કવિતામાં સામા માટેના આ બે જ તુંકારા તીરની બદલાયેલી દિશા ઇંગિત કરે છે. જમાનાની સામે જાતને મૂકીને એ દુનિયાને સંબોધતો હતો, પણ હવે અચાનક એ કવિતાના ભાવકના સીમિત વર્તુળમાં, ભલે થોડી પળ પૂરતો જ, પણ આવી ચડ્યો છે. નિશાન સમષ્ટિથી હટી વયષ્ટિ તરફ વળ્યું છે. ભાવક માટેનો એનો પ્રેમ છતો થાય છે. ઘરને કવિતાની જેમ અર્થ આપવો અને શૈય્યાને કવિતાની સુગંધથી તરબતર કરવી એ અંગતતમ નૈકટ્યના દ્યોતક છે, જે રાવજી પોતાના વાચાક-ચાહક સાથે અનુભવે છે. શૈયાની ગંધથી વધુ સામીપ્ય તો શું હોઈ શકે! સુગરીના ઘરની જેમ ભાવકના ઘરને કવિતાનો અર્થ આપવાની વાત કર્યા બાદ તરત જ રાવજી મોગરાની વાસની જેમ કવિતાની ગંધની વાત આણીને અમૂર્ત અનુભૂતિની આવશ્યકતાને પુનઃ અધોરેખિત કરે છે.

બે’ક પળ ભાવક સાથે ઘરોબો દાખવી રાવજી ફરી સચેત થઈ બે ડગલાં પાછળ હટી જાય છે. ‘તું’ ‘તમે’માં પલોટાઈ જાય છે, અંત સુધી ‘તમે’ જ રહેવા માટે! એ જાણે છે કે પોતે જે ઇચ્છ્યું છે એ વ્યર્થ છે. અર્થ સાથે વ્યર્થનો આંતર્પાસ જોઈએ ત્યારે રચનામાં સતત સંભળાતું આછું સંગીત અલબત-શરબત, છાશ-વાસ, ઠાઠ-ઘાટ, કમાડ-હજાર, ઘટમાળ-બટમાળ જેવી અનિયત પણ ઉપસ્થિત પ્રાસાવલી અને બ્રહ્મનું બટેરું, હંમેશના હવડ કમાડ, મારે મન મારે મન, સાહ્યબીના સૂરજ, ઓરડામાં આ અંધકાર ઊંચકું જેવી વર્ણસગાઈઓના કારણે હતું એ સમજાય છે. કવિતામાંથી અર્થ શોધવો એ સાણસીનો અર્થ કરવા બરાબર મૂર્ખામી છે. સાણસીનો ઉપયોગ કરી લેવાનો હોય, એના અંગોપાંગનો અભ્યાસ કરવા રહીએ તો ચા ઊભરાઈ જાય. વ્યક્તિ રાવજીની અભિવ્યક્તિ કવિતાઈ રણનો પ્રલંબ પટ છે, જ્યાં એ માત્ર પ્રણયની જેમ વેરાઈ જાણે છે. કવિતાની અખિલાઈ બે જ પંક્તિમાં કેવી રજૂ કરાઈ છે! કવિતાના દરિયાની વિશાળતા અને વહાલને ભીતર ઊતરીને માણવાના હોય, એના અર્થ કાઢવા ન બેસાય. રાવજીની કવિતાઓ આટલા દાયકાઓ પછી પણ આપણને આકર્ષે છે કેમકે –

હું એ ડાળીની લાલકૂંણી કૂંપળમાંથી જ
સીધો આ ઘરમાં ઊતરી આવ્યો છું!
નહીં તો
આ રૂંવાડાંમાંથી કોયલ ક્યાંથી બોલે?
મારી આંગળીઓમાંથી
પાંદડાં જેવા શબ્દો ક્યાંથી ફૂટે? (બાર કવિતાઓ: ૩)

‘હું તો માત્ર’, ‘હું તો માત્ર’ –એમ છ-છ વાર કહીને રાવજી કવિતામાં અનુભૂતિ અને મૌલિકતાને સતત હાઇલાઇટ કરે છે. કવિતામાં છંદ-ભાષા-વ્યાકરણમાં ખોડ જોનારાઓ માત્ર કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર જુએ છે. (‘અન્યનું તો એક વાંકું, આપના અઢાર છે’નો ઉપાલંભ શું નથી સંભળાતો?) રાવજી માત્ર કવિ છે. કવિ અને કવિતાને સમગ્રતાના અનુલક્ષમાં મહેસૂસ કરવાનાં છે. એના ઘટક અંગોનું પૃથક્કરણ-વિચ્છેદન કરવા બેસીશું તો બંધ ઓરડામાં સબડતા મમીથી વિશેષ કશું હાથ નહીં આવે. પરાપૂર્વથી સાચવી રખાયેલું આપણું કાવ્યશાસ્ત્ર શું સડી ગયેલ મમી બની ગયું છે? પ્રાણ તો સદીઓ પહેલાં જ જતો રહ્યો છે. વેધક વાત છે. સોંસરી ઊતરી જાય એવી. એની કવિતામાં ભૂખથી રિબાતા એના વલ્લવપુરા ગામની ગરીબીની વાસ્તવિક્તા છે, સ્વપ્નોના મહાલયો નથી. વલ્લવપુરા એટલે ચરોતરનો પૂર્વોત્તર ઈલાકો. ત્યારે ત્યાં નહોતી વીજળી, નહોતી સડકો કે નહોતી પાણી માટે નહેર. રાવજીની કવિચેતના આ વરવા વાસ્તવનો પડઘો ઝીલે છે. ન ઝીલે તો શા કામની? છઠ્ઠી અને છેલ્લીવાર ‘હું તો માત્ર’ કહીને રાવજી કવિતાને ખાલીબખ નિઃસહાય ૐ સાથે સરખાવે છે. પ્રારંભમાં ‘બ્રહ્મ’ જેવા પરમ તત્ત્વને ‘બટેરું છાશ’ જેવી તુચ્છતમ ઉપમા આપીને વિદ્રોહની આલબેલ પોકાર્યા બાદ રાવજી કૂંડાળું પૂર્ણ કરે છે. પરમતત્ત્વની નિઃસહાયતાની વાત કરે છે. કવિતાના માથે આધ્યાત્મનો બોજો નાંખી દેવાયા સામેનો આ ચિત્કાર છે કે શું? ૐ સામેનો એનો વાંધો કંઈ પહેલી વારનો નથી. ‘સંબંધ’માં એને ‘વાંકુંચૂંકું ૐ બોબડું’ દેખાયું છે, જે-

સંતાતું સદીઓથી
બીકથી પ્રસવેલું વેરાન ફરે સદીઓથી
એણે પૃથ્વીને રગદોળી કષ્ટી ઈશ્વર થઈને,
એણે સરજેલી સરજતને અંત હોય છે,
હું આવ્યો છું હવે અંતહીન વાચા ઘડવા.

કેવી વાત! ઈશ્વરનું સર્જન પણ અંત પામે, પણ કવિની વાચા તો અનંત. એથી જ ગણિતના મનોયત્નોની જેમ કવિતાના સમીકરણ માંડવા મથતા વિવેચકો સામે એને વિરોધ છે. ’૧૫-૧૧-૧૯૬૩’માં રાવજી કહે છે કે ‘ઈસ્ત્રી કરેલા શબ્દોને હું ગોઠવું છું.’ પણ એના જીવનની હકીકત આ છે: ‘શબ્દોમાં મેં જીવ પરોવ્યો/શબ્દ સાચવે અવાજ/શબ્દ તો નવરાત્રિનો ગરબો.’ એના શબ્દોમાં એનો જીવ પરોવાયો હોવાથી એની કવિતાઓ પાસેથી સ્થાપિત અર્થોની ઉઘરાણી કરવાનો અર્થ નથી. એની કવિતા સહજ ઉલટથી ઊભરી આવેલી છે, એની પાછળ કોઈ ગણિત નથી. છેલ્લે એ કહે છે કે મારી પાસે નથી એનો અર્થ કે મારી પાસે કવિતાનો નથી કશો નર્થ. અર્થનો વિરોધી શબ્દ આમ તો અનર્થ થાય પણ રાવજી ‘ન+અર્થ=નર્થ’ શબ્દની સરજત કરે છે. સતીશ વ્યાસ લખે છે: ‘‘નર્થ’ શબ્દ અત્યાર સુધીની અર્થાવલંબિત વિવેચનાને ઉપહાસે છે. એ કેવળ ‘અર્થ’ના સાદૃશ્યે જન્મ્યો છે, નહીં કે પ્રાસાર્થે.’ કવિતા, કવિતાના અર્થને પરંપરાની જડસીમાઓથી મુક્ત કરવા માટેનો આ પુરુષાર્થ છે. એ કહે છે: ‘કવિતાને કાયદાથી વાળો: દ્રોહ પહેલાં ટાળો.’

ટૂંકમાં કવિતાને એની અખિલાઈમાં આસ્વાદવાની છે. એનું અંગ-ગણિત નહીં, એને સંગ અગણિત માણવાનું છે. એની આબોહવામાં બેરોમીટર નહીં, ખાલી ફેફસાં લઈને પ્રવેશવાનું છે, તો જ શ્વાસમાં એનો પ્રાણવાયુ ભરાશે. તત્ત્વજ્ઞાનના પરંપરાગત વિચારો, મૃતઃપ્રાય સંસ્કૃતિના બીબાંઢાળ સંસ્કારો, વ્યવહારુ ભૌતિકવાદના સુનિશ્ચિત માળખાંમાં જે કેદ છે એ બીજું કંઈ પણ હોય, કવિતા નથી. કવિતા જ સાચો વૈભવ, કવિતા જ સાચો પ્રકાશ, કવિતા જ સાચું ઘર. શૈય્યા અને ભૂખના અંગત નિત્ય અનુભવોની અર્થધાત્રી એ કવિતા. ભવ્ય ભૂતકાળ નહીં, પણ પ્રવર્તમાન ઠોસ વાસ્તવ સાથેનું નિજત્વની સુગંધસભર અનુસંધાન એ જ જીવનનો સાચો અર્થ, એ જ સાચી કવિતા. અને જરા જુઓ તો, આ કેવી વિડંબના કે અર્થને અવગણી અનુભૂતિને આત્મસાત કરવાનું કહેતી કવિતાને હાથમાં લઈને આપણે એના અર્થ કાઢવા બેઠાં છીએ! પણ હકીકતે તો કવિતાનું અર્થઘટન કરવાની આ કસરત કવિતાના મોગરાની વાસ સહેજે ચૂકી ન જવાય એ માટે જ છે ને! અંતે પરંપરાની ઠેકડી ઊડાડતી દીર્ઘ રચના ‘એન.સી.સી. પરેડ’ના કાવ્યાંશ:

તોપ જેવી ફૂટી જશે કવિતા
તૂટી જાવ બાયલાઓ
ઇતિહાસ એંઠો થતો બંધ કરો બાયલાઓ.

નથી થવું ભા. ઓ વર્ષો જૂની પાળેલી પયગંબરની
ઘેટીઓનું બંધ કરો યુનિફૉર્મ જણવાનું-

બહુ ચાલ્યો પપેટ શો!

ગ્લૉબલ કવિતા : ૧૬૫ : પદયાત્રી – ટોમી બ્લૉન્ટ



The Pedestrian

When the pickup truck, with its side mirror,
almost took out my arm, the driver’s grin

reflected back; it was just a horror

show that was never going to happen,
don’t protest, don’t bother with the police

for my benefit, he gave me a smile—

he too was startled, redness in his face—
when I thought I was going, a short while,

to get myself killed: it wasn’t anger

when he bared his teeth, as if to caution
calm down, all good, no one died, ni[ght, neighbor]—

no sense getting all pissed, the commotion

of the past is the past; I was so dim,
he never saw me—of course, I saw him.

– Tommye Blount

પદયાત્રી

અને જ્યાં એના સાઇડ મિરરથી એ ભરી ટ્રકે
ઉખેડી નાંખ્યો હાથ લગભગ મારો, નજરમાં

ચડ્યો ત્યાં એનો ડ્રાઇવર ખિખિયાતો મિરરમાં,

ન ધારી’તી એવી ભયજનક બીના ઘટી, અરે!
ન વાંધો, ના તો રાવ કરું હું કશે, લાભપ્રદ એ

મને છે, હા, એવું સહજ સ્મિતથી એ કહી ગયો;

ડર્યો થોડો એયે, મુખ પણ થયું લાલ ઘડી તો,
ગયો નક્કી આજે હું, પળભર માટે થયું મને.

બતાવી બત્રીસી ઘડીપળ જ એણે, શું હતું એ?

નહોતો એ ગુસ્સો, અગર હતી તો તાકીદ હતી-
‘તું ઠંડો થા, ને જો બધું સરસ છે, ની [ચ/કળ], જા,

શું દાટ્યું ગુસ્સામાં? થતું, થયું, થશે આ જ સઘળે.

‘થયું એ ભૂલી જા’, ક્વચિત્ હું હતો એ મગતરૂં
ન જોયું એણે જે, પણ હું ન ચૂક્યો કૈં નીરખવું.

ટોમી બ્લૉન્ટ
(અનુ.: વિવેક મનહર ટેલર)

રંગભેદ – વૈશ્વિક અન્યાયની ગંગોત્રી

‘હું શ્વાસ નથી લઈ શકતો… હું શ્વાસ નથી લઈ શકતો…’ –એ બોલતો રહ્યો પણ એને જમીન પર ઊંધો પાડી, એની ગરદન પર ઘૂંટણ દબાવીને બેઠેલ પોલિસકર્મીના બહેરા કાને ઓલવાતા અવાજના આ આર્તનાદો ન પડ્યા તે ન જ પડ્યા. જમા થયેલાં લોકો પણ ‘એની નાડી તપાસો..’ ‘જુઓ, એ શ્વાસ નથી લઈ શકતો..’ ‘શરીર હલતું બંધ થઈ ગયું છે’ બોલતાં રહ્યાં. એ પોલિસ(કુ)કર્મીના ત્રણ સાથીઓ ખડે પગે પેલા નરપિશાચની પડખે ઊભા રહ્યા. જ્યૉર્જ ફ્લૉઇડ એ ઇસમનું નામ. આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ એનું નામ જાણતું નહીં હોય. કોરોનાની વૈશ્વિક મહામારીના કારણે ૪૬ વર્ષની વયના જ્યૉર્જે નોકરી ગુમાવી અને માત્ર વીસ ડૉલરની બનાવટી નોટથી સિગારેટ ખરીદવાના ગુનાસર ૨૫મી મે, ૨૦૨૦ના રોજ અમેરિકાના મિનિઆપોલિસમાં એની ધરપકડ કરાઈ, એ દરમિયાન ડેરેક ચૉવિન પર રંગભેદનું ભૂત સવાર થઈ ગયું અને નિઃસહાય નિઃશસ્ત્ર જ્યૉર્જને જમીન પર ઊંધો પટકી હાથકડી પહેરાવવાના બદલે એની ગળચી પર પોણા નવ મિનિટ સુધી ઘૂંટણ દબાવી રાખીને એણે કાયદાની ઓથે સરેઆમ નિર્મમ હત્યા કરી. અમેરિકાથી શરૂ થઈ આખી દુનિયામાં રંગભેદ-જાતિભેદ વિરોધી દેખાવો અને તોફાનો ફાટી નીકળ્યા. પ્રસ્તુત રચના રંગભેદની કુનીતિ તરફ ધ્યાન દોરી સુપ્ત સંવેદનાઓને ઝંકોરવાની કવિની નિષ્ઠાવાન કોશિશ છે.

ટૉમી બ્લૉન્ટ. ડિટ્રોઇટ, મિશિગન ખાતે જન્મ. હાલ, મિશિગનના નોવી પરામાં રહે છે. વૉરેન વિલ્સન કૉલેજમાંથી ફાઇન આર્ટ્સમાં અનુસ્નાતક. ૨૦૧૬માં ‘વૉટ આર વી નોટ ફોર’ નામે એક ચેપબુક અને માર્ચ, ૨૦૨૦માં ‘ફેન્ટાસિયા ફોર ધ મેન ઇન બ્લુ’ પુસ્તક પ્રગટ થયાં. કવિ બનવાનું સપનેય વિચાર્યું નહોતું, પણ ટાઇપિસ્ટ મમ્મી ‘ડૉટ મેટ્રિક્સ’ (કમ્પ્યુટર સ્ટેશનરી) ઘરે લાવતી, જેના હાંસિયા-લીટી વિનાના ખુલ્લા આકાશ જેવા કોરા કાગળ ટૉમીને ખૂબ ઉત્તેજીત કરતા. એ આ કાગળો ચીતરડાંઓ અને લખાણોથી ભરી દેતા. આગળ જતાં કાગળ પરની ખાલી જગ્યા કેવી રીતે કમાવી એ સમજાયું અને લેખક બન્યા. મિશિગન સ્ટેટ યુનિવર્સિટીમાં બીએ કરતી વખતે તેઓ બ્લેક પોએટ્સ સૉસાયટીમાં જોડાયા. ત્યાં વિવી ફ્રાન્સિસે ટૉમીની જિંદગી અને કવિતાને દિશા બતાવી. સરળતા એમનો પ્રમુખ કાકુ છે. તેઓ પોતાની જાતને ન માત્ર શ્યામ, પણ સમલૈંગિક અને વૉયુરિસ્ટિક, તથા સ્વાર્થી અને અહંપ્રેમપ્રચુર પણ કહેવડાવે છે. બહારની દંભી દુનિયાની સામે એમને પૉર્નોગ્રાફીની નિર્દંભ નિર્વસ્ત્રતા વધુ પ્રામાણિક લાગે છે અને એમની રચનાઓમાં આ સૂર ઊઠતો સંભળાતો પણ રહે છે. અમેરિકન બ્લેક્સ પર સમાજ અને પોલિસ વડે થતા આવતા અત્યાચારો અને અન્યાયો સામેનો આક્રોશ ટૉમીની કલમ આલેખે છે.

‘રાહદારી’ શીર્ષક સ્વયંસ્પષ્ટ છે. અંગ્રેજીમાં કવિએ આ સૉનેટની પંક્તિવ્યવસ્થા 2-1-2-1-2-1-2-1-2 કરી છે, જે પ્રચલિત પદ્ધતિઓથી ઉફરી તરી આવે છે. રંગભેદની વાત કરતી આ કવિતાની આ એકી-બેકી પંક્તિવ્યવસ્થા કાળા-ગોરાઓ વચ્ચેના તફાવતને કદાચ દૃઢીભૂત કરે છે. કવિએ શેક્સપિરિઅન શૈલી મુજબ a-b-a-b/ c-d-c-d/ e-f-e-f/ g-g પ્રાસાવલિ અપનાવી છે પણ ચુસ્ત પ્રાસનો આગ્રહ સેવ્યો નથી. અનુવાદમાં પંક્તિવ્યવસ્થા મૂળ મુજબ પણ પ્રાસરચના સ્વરાંત અને a-b-b-a/ c-d-d-c/ e-f-f-e/ g-g મુજબ છે. કાવ્યને ઓછી હાનિ પહોંચે એ હેતુસર એક જગ્યાએ સ્વરાંત પ્રાસનો મોહ પણ જતો કર્યો છે. અંગ્રેજી કાવ્ય પ્રચલિત આયમ્બિક પેન્ટામીટરમાં છે, અને અનુવાદ શિખરિણીમાં.

આત્મકથનાત્મક શૈલીમાં કથક કહે છે કે, એ રસ્તે ચાલી રહ્યા હતા એવામાં એક વજનદાર ટ્રક એમને ઘસાઈને એમ પસાર થઈ, જાણે એનો સાઇડ મિરર આખો હાથ ઉખાડી નાંખવા ન માંગતો હોય! કથકને એ જ મિરરમાં ડ્રાઇવર ખંધું હસતો નજરે ચડે છે, જાણે એ એનો અધિકાર હતો પણ એ ઉખાડી ન નાંખ્યો એ જ એનો ઉપકાર! સ્વપ્નમાંય વિચારી ન હોય એ વાત, એવી ભયજનક (દુર્)ઘટના ઘટી ગઈ. અજાણતાંય જો આપણું વાહન કોઈ રાહદારીને અડી જાય તો ગુનાહિત લાગણી આપણા હૃદયને ઘેરી વળે છે. આ સામાન્ય વ્યવહાર છે, પણ અહીં તો બિલકુલ વિપરિત વાત છે. નિર્દોષ રાહદારી સાથે ખરાબ રીતે ભારીખમ્મ ટ્રક ઘસાવા છતાં ડ્રાઇવર ખિખિયાટા કરે છે, કેમકે રાહદારી આફ્રિકન મૂળનો છે અને ટ્રકડ્રાઇવર અમેરિકન ગોરો છે. રંગભેદની નીતિનો આ ઘસરકો માત્ર કથકના બાવડે જ નહીં, આપણી અંદર પણ થતો અનુભવાય છે.

પણ રંગભેદ, જાતિભેદ કે વંશભેદ કંઈ આજકાલના સમાજની પેદાશ નથી. એ તો પરાપૂર્વથી ચાલતાં આવ્યાં છે. એક જાતિ કે રંગના માણસો બીજા કરતાં ચડિયાતા કે ઉતરતા હોવાની, તથા માણસના સામાજિક અને નૈતિક લક્ષણો એની જન્મજાત જૈવિક વિશિષ્ટતાઓના આધારે પૂર્વનિર્ધારિત હોવાની માન્યતા એટલે રંગભેદ કે જાતિભેદ. ચામડીનો રંગ, ધર્મ, ભાષા, જાતિ, જન્મસ્થળના આધારે એક માણસ બીજાને પોતાનાથી ‘ઓછો’ માણસ ગણી દિલમાં જન્મજાત નફરત સેવે એ દુર્ઘટનાનો ઇતિહાસ સદાકાળથી જ સાક્ષી રહ્યો છે. આ ઊંચનીચના કારણે ન માત્ર મારામારી-લૂંટફાટ કે ગુલામી, પણ જઘન્ય હત્યાઓ અને હત્યાકાંડોથી લઈને યુદ્ધ અને રાષ્ટ્રવિભાજનો પણ થયાં છે. ત્રેવીસસોથીય વધુ વર્ષ પહેલાં એરિસ્ટોટલે ગ્રીક લોકોને અન્ય લોકો કરતાં ચડિયાતાં ગણાવી અન્યોને ગુલામ લેખાવ્યાં હતાં. એ સમયે શારીરિક લક્ષણો અને સભ્યતા (એથ્નોસેન્ટ્રિઝમ) ભેદભાવના પ્રમુખ સાધન હતાં. પાંચ હજાર વર્ષ પૂર્વે મહાભારતમાં પણ કર્ણને સૂતપુત્ર હોવાના કારણે એના અધિકારોથી વંચિત રખાયો હતો. કદાચ એ દુનિયાનો પ્રથમ જાતિવાદ હતો. દરેક સભ્યતામાં આ થતું આવ્યું છે. પંદરમી સદીમાં પૉર્ટુગીઝો આફ્રિકા આવ્યાં ત્યારે તેઓ આફ્રિકનોને દુશ્મન ગણતાં. યુરોપિયનોની પ્રગતિ સાથે તાલમેલ રાખવામાં નિષ્ફળ આફ્રિકન સભ્યતાને બળ, કળ અને છળથી તેઓએ ગુલામ બનાવવી શરૂ કરી અને ગુલામીપ્રથા તથા શ્વેત-શ્યામ વંશવાદના શ્રીગણેશ થયા. આફ્રિકન લોકોને બંદૂક અને પૈસાના જોરે ઊઠાવીને અમેરિકા-યુરોપના દેશોમાં ગુલામી માટે મોકલવાનો સિલસિલો શરૂ થયો. શાકભાજી કરતાંય ખરાબ રીતે આક્રિકન સ્ત્રી-પુરુષો અને બાળકો વેચાવા લાગ્યા. પ્રાણીઓ સાથે પણ ન થાય એટલો બદતર વ્યવહાર એમની સાથે થતો. ઓગણીસમી સદી સુધીમાં તો જાતિવાદના ગૂમડાંએ આખી દુનિયાને ગ્રસી લીધી. ગોરાં-કાળાં સિવાય યહૂદી-બિનયહૂદીઓ, હિંદુ-મુસ્લિમ –એમ અનેક પ્રકારની ઊંચનીચ અને એના દુષ્પરિણામો દુનિયાએ જોયાં. અબ્રાહિમ લિંકન જેવા અનેક લોકો રંગભેદ અને જાતિભેદ મિટાવવાની કોશિશ કરતાં આવ્યાં છે, સેંકડો કાયદાઓ પણ ઘડાયા છે, પણ મનુષ્યોની મથરાવટી બહુ અલ્પ માત્રામાં જ બદલાઈ. મુસ્લિમ વિસ્તારમાં વાહન હંકારતી વખતે બિનમુસ્લિમ નાગરિક વધુ સતર્ક થઈ જાય છે. જાણબહાર આવી જતી આ સતર્કતા ‘હિંદુ-મુસ્લિમ ભાઈ-ભાઈ’ના નારાઓની પોકળતાનો વણકહ્યો પુરાવો છે. જાતિભેદના વિચાર કે વલણ સાથે કોઈ પેદા થતું નથી, પણ ગળથૂથીમાંથી જ સમાજ એ પીવડાવ્યે રાખે છે અને સમજણ આવતાં સુધીમાં તો એ લોહીમાં વહેતાં થઈ ગયા હોય છે. બહુ ઓછા લોકો સાચા અર્થમાં આમાંથી મુક્ત થઈ સમાનમાનવ વિચારધારા લઈ જીવે છે અને અન્યોના હૃદયપલટા માટે જીવનભર મથતાં રહે છે.

રંગભેદનું મટી જવું અને બધા મનુષ્યોને એકસમાન હકથી જીવવા મળે એવું રામરાજ્ય તો કદાચ સ્વપ્નમાં જ મળે, કેમકે અસમાનતાનો ખયાલ તો આપણા રંગસૂત્રોમાં જ વણાઈ ગયો છે. સૌથી પહેલી અને સૌથી અગત્યની ઊંચનીચ તો સ્ત્રી-પુરુષ વચ્ચે જ છે. જાતિ-વંશ-રંગ-અમીરી વગેરે તો પછી આવે. સાથે રહેનાર અલગ લિંગની બે વ્યક્તિઓ વચ્ચે સમભાવ ન સ્થપાય ત્યાં સુધી અસંખ્ય અસમાનતાસભર અલગ વ્યક્તિઓ વચ્ચે સમભાવની વાત કરવી એ ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ (અખો) જેવી કપોળકલ્પના છે. રામરાજ્ય તો રામના નસીબમાંય નહોતું. એમણેય લોકલાજે પત્નીને અગ્નિમાં હોમવી અને જંગલમાં ત્યાગવી પડી હતી. જો કે આનો અર્થ એય નથી કે રામરાજ્યપ્રાપ્તિની કોશિશ જ ન કરવી જોઈએ. જેમ્સ બાલ્ડવિને ઉચિત જ કહ્યું હતું: ‘સામનો થાય એ બધું બદલી નહીં શકાય પણ સામનો ન કરીએ તો કશું જ બદલી નહીં શકાય.’ સાહિર લુધિયાનવીને સાંભળો:

माना कि इस ज़मीं को न गुलज़ार कर सके
कुछ ख़ार कम तो कर गए गुज़रे जिधर से हम|

એલા વ્હીલર વિલ્કોક્સ ‘પ્રોટેસ્ટ’માં લખે છે: ‘એવા સમયે મૌન રહેવાનું પાપ કરવું, જ્યારે વિરોધ કરવાનો હોય,/ માણસોને કાયર બનાવે છે. માનવ જાત/ વિરોધના બળે જ આગળ આવી છે./…/ જે મુઠ્ઠીભર લોકો હિંમત કરે છે, તેઓએ ફરી ફરીને અવાજ ઊઠાવતાં રહેવું જોઈએ/
ઘણા લોકોના ખોટાને સુધારવા માટે.’

ટ્રક ટક્કર મારીને જઈ રહી છે. જે મિરરથી ટક્કર વાગી છે, એમાંથી ચાલકનું જે સ્મિત રાહદારીને દેખાય છે, એ સ્મિત જાણે કે કહી રહ્યું છે કે તારે કશો વાંધો ઊઠાવવાની જરૂર નથી કે ક્યાંય ફરિયાદ પણ નથી કરવાની. છટાંકભરની ઘટના. ચાલક ખિખિયાતો જઈ રહ્યો છે પણ સદીઓની ગુલામ માનસિકતા બોલી રહી છે અને અશ્વેત રાહદારીને એ સંભળાઈ રહી છે, કે આ બીનાની રાવ ન ખાવી કે વિરોધ ન કરવો એમાં એનો જ લાભ છે. (કેમકે સાંભળશે કોણ? રાજ તો ગોરિયાંઓનું છે!) આ ગંદી માનસિકતાનો પડઘો વિશ્વસાહિત્યમાં સતત પડતો આવ્યો છે. અનેક પુસ્તકો, ચિત્રો, શિલ્પો અને ફિલ્મો શ્વેત-અશ્વેત લોકોમાં ઘર કરી ગયેલી આ બદી પર પ્રકાશ નાખતાં આવ્યાં છે. શેક્સપિઅરનો ‘ઑથેલો’ પણ આ રુગ્ણ માનસિકતાથી ગ્રસ્ત છે. એ ઇઆગોને કહે છે: ‘કદાચ, હું કાળો છું અને મારી પાસે એ દરબારીઓ જેવી વાતચીત કરવાની આવડત નથી, એટલે એ મને છોડી ગઈ છે.’ (અંક 3: દૃશ્ય 3)

ટક્કર થઈ એ પળે રાહદારીને ધોળે દહાડે તારા દેખાઈ ગયા. પળભર તો એને લાગ્યું કે એ જાનથી જ ગયો. એને એ ખ્યાલ પણ આવે છે કે ડ્રાઇવર પણ આ અકસ્માતથી થોડો તો ડર્યો જ હતો અને એનું મોઢું પણ લાલ થઈ ગયું હતું. પણ એ તો ક્ષણાર્ધ પૂરતું જ હશે કેમકે બીજી જ પળે તો કથકને મિરરમાં એ બત્રીસી બતાવતો દેખાયો હતો. સૉનેટની સ્થાપિત બેકી-એકી પંક્તિવ્યવસ્થાને અવગણી, એની પ્રાસવ્યવસ્થા જોઈએ તો શેક્સપિરિઅન શૈલીના ચતુષ્ક-યુગ્મક દૃષ્ટિગોચર થાય છે. ત્રણેય ચતુષ્કમાં કવિએ ડ્રાઇવરના ક્ષણભર માટે અરીસામાંથી પ્રતિબિંબિત થયેલા હાસ્યનો ઉલ્લેખ કર્યો છે. ત્રણેય જગ્યાએ જો કે એમણે શબ્દ અલગ પ્રયોજ્યા છે. મિરરમાં એક પળ નજર મોડીવહેલી પડી હોય તો ચૂકી જવાય એવા અલ્પકાલીન હાસ્ય તરફ કવિ બાર જ પંક્તિમાં ત્રણ-ત્રણવાર ધ્યાન દોરીને શ્વેત લોકોના મનમાં અશ્વેતો માટે જે દ્વેષભાવ છે એને સહેજેય ચૂકી ન જવાય એમ બરાબર અધોરેખિત કરે છે. નેલ્સન મન્ડેલાએ કહ્યું હતું કે, ‘કોઈ વ્યક્તિ અન્યને એની ચામડીના રંગ, એની પૃષ્ઠભૂ, કે ધર્મના કારણે ધિક્કારતું પેદા થતું નથી.’ આ તફાવતજન્ય ધિક્કાર આપણને બાળપણથી શીખવવામાં આવ્યો છે, પછી એ શ્વેત-અશ્વેત હોય, યહૂદી-બિનયહૂદી હોય, હિંદુ-મુસ્લિમ હોય કે અન્ય કંઈ. ઑડ્રે લૉર્ડ સાચું કહી ગયા: ‘એ તફાવતો નથી જે આપણને વિભાજીત કરે છે. એ મતભેદોને ઓળખવાની, સ્વીકારવાની અને ઉજવવાની આપણી અસમર્થતા એ કરે છે.’

ડ્રાઇવરના મતે કદાચ રાહદારી એના રસ્તામાં નડતરરૂપ હતો એટલે ભલે ભૂલથી, પણ એને ટક્કર મારવાનો એને અબાધિત અધિકાર હતો. એની બત્રીસી જોઈ રાહદારીને સમજાય છે કે દાંતિયા કાઢવાની એ ચેષ્ટા ગુસ્સો નહોતો, પણ કદાચ ચેતવણી હતી કે ટાઢો થઈ જા, બધું બરાબર જ છે. તું કંઈ મરી-બરી નથી ગયો. આ ચેતવણીમાં રાહદારીને ‘Ni’ સંભળાય છે. આપણે ત્યાં જેમ હરિજનને ઢેડ કે ભંગી કહેવું ગાળ બરાબર છે, એમ જ પાશ્ચાત્ય દેશોમાં નીગ્રો લોકોને ‘ની’ કે ‘નીગર’ કહેવું અપશબ્દ બોલવા કે અપમાન કરવા બરાબર ગણાય છે. અંગ્રેજીમાં કવિએ ચાલાકેપૂર્વક ‘ni’ લખ્યા બાદ કૌંસમાં [ght, neighbor] ઉમેર્યાં છે. ‘ની’ પરથી ‘નીગ્રો’ કે ‘નીગર’ ઉપરાંત ‘નાઇટ’ (શુભ રાત્રિ) કે ‘નેબર’ (પાડોશી) એવું અર્થઘટન પણ થાય. અમેરિકન લોકોએ અંગ્રેજીનું સરળીકરણ કરી નાંખ્યું છે. રાત્રે છૂટાં પડતી વખતે આપણે ‘ગુડ નાઇટ’ કહીએ, પણ અમેરિકનો ‘નાઇટ’થી કામ ચલાવી લે. એમ જ આપણા ‘ભાઈ’ કે ‘બકા’ અમેરિકામાં ‘નેબર’ બની રહે છે. ‘નેબર’ શબ્દમાંથી જો કે બાઇબલનું ‘લવ ધાય નેબર’ પણ ધ્વનિત થતું સંભળાશે. કવિતા આમેય એક તીરથી અનેક નિશાન સાધતી હોય છે. પણ આ ni[ght, neighbor] નો અનુવાદ શો કરવો? એટલે નીગર કે નીગ્રોનો ‘ની’ યથાવત્ રાખીને ‘ની [ચ/કળ]’ વાપર્યું છે, જેમાંથી ‘ની’, ‘નીચ’ અને ‘નીકળ’ –એમ મૂળ કવિતામાં છે એ નહીં, પણ એની જેમ ત્રણ અલગ અર્થ તારવી શકાય છે. અનુવાદની આટલી મર્યાદા તો સ્વીકારવી જ રહી.

પેલા હાસ્યમાં રાહદારીને પોતાના માટે વપરાયેલી ગાળ ઉપરાંત ઘણું બધું સંભળાયું છે. ઠંડો થા. બધું બરાબર છે. અહીંથી નીકળ. જા. ગુસ્સો કરવાથી કોઈ ફાયદો નથી. એમાં કશું દાટ્યું નથી. બધી જગ્યાએ આ જ થતું આવ્યું છે, થાય છે અને થતું રહેશે. જે થયું છે એને ભૂલી જા. કેટલું બધું! શોષિત લોકોના દિલોદિમાગમાં વસી ગયેલી પોતાના માટેની ગોરાં લોકોનાં નફરત-દ્વેષ-તિરસ્કાર-અપમાન એક-એક શબ્દમાંથી છલકી રહ્યાં છે. ડ્રાઇવર તો દાંત કાઢવા સિવાય કશું બોલ્યો જ નથી પણ જન્મથી લઈને આજપર્યંત આ દુનિયાએ અશ્વેતોના લોહીમાં જે રસાયણ રસ્યું છે, એના પડઘાં એ હાસ્યમાંથી ઊઠી રહ્યા છે. પરિણામે આ ન દેવાયેલી ચીમકી વધુ જોરથી ચીમટી ભરે છે આપણને. એબ્રાહમ જોશુઆ હેશલ લખે છે: ‘જાતિવાદ મનુષ્ય માટે સહુથી મોટો ખતરો છે- ન્યૂનતમ કારણોસર અધિકતમ ઘૃણા.’ માર્ટિન લ્યુથર કિંગ જુનિયર કહી ગયા: ‘અંધારું અંધારું દૂર નહીં કરી શકે, માત્ર પ્રકાશ જ કરી શકે. નફરત નફરત દૂર નહીં કરી શકે, માત્ર પ્રેમ જ કરી શકે.’

કાવ્યાંતે કવિ આપણી સંવેદનાની પીઠ પર મીઠામાં બોળેલી ચાબુક સટ્ટાક કરતીક વીંઝે છે: ‘એણે મને જોયો જ નહીં, અલબત્ત મેં એને જોયો.’ શ્વેત ડ્રાઇવરની દૃષ્ટિમાં આ અશ્વેત રાહદારી તુચ્છ મગતરું હતું, જેના તરફ નજર કરવાની એને કોઈ તમા જ નથી, કદાચ જરૂર સુદ્ધાં અનુભવાઈ નહીં હોય, કેમકે જે સડક પરથી એ પસાર થાય છે એ સડક પર ચાલવાનો અશ્વેતોને વળી અધિકાર જ ક્યાંનો? પણ સીદી રાહદારી સદીઓથી લાખ અપમાનિત થતો આવ્યો હોવા છતાં માનવી મટી નથી ગયો, એવું દર્શાવવા કવિ કહે છે, કે મેં તો એને જોયો, હું કશુંય નીરખવું ચૂક્યો નથી. સામાને જોવા માટેની નજર જ્યારે બધા પાસે હશે ત્યારે જ રંગભેદ-જાતિભેદ વગેરે ધરમૂળમાંથી દૂર થશે. આપણે સૌ તો પૃથ્વી પર એમ વિચરણ કરીએ છીએ, જાણે એનું ધરીબિંદુ આપણે જ ન હોઈએ. ધૂમકેતુ ‘પૉસ્ટ ઑફિસ’માં આપણને આ સનાતન સત્ય આપી ગયા: ‘મનુષ્ય પોતાની દૃષ્ટિ છોડી. બીજાની દૃષ્ટિથી જુએ તો અડધું જગત શાંત થઈ જાય.’ સૉનેટની સૌથી નોંધપાત્ર બાબત એ છે કે ટક્કર મારી સૉરી ક્હેવાના સ્થાને દાંતિયા કાઢનાર શ્વેત ડ્રાઇવરના મનમાં, અને એ રીતે આખા સમાજમાં ઘર કરી ગયેલી રંગભેદની અન્યાયી નીતિ પર કોઈપણ પ્રકારના કુઠારાઘાત કરવાના બદલે એ માત્ર હળવી ટકોર કરે છે. પ્રતિકાર છે પણ ડંખ નથી, વિરોધ છે પણ ઝેર વિનાનો. અને કદાચ એટલે જ આ સૉનેટ આપણા સમગ્ર સંવેદનાતંત્રને હચમચાવી નાંખે છે. જર્મન પાદરી માર્ટિન નીમોલાની એક રચનાથી વાત પૂરી કરીએ:

પહેલા તેઓ સમાજવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું સમાજવાદી નહોતો.
પછી તેઓ ટ્રેડ યુનિયનવાદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં –
કારણ કે હું ટ્રેડ યુનિયનવાદી નહતો.
પછી તેઓ યહૂદીઓ માટે આવ્યા, અને હું કશું બોલ્યો નહીં-
કારણ કે હું યહૂદી નહોતો.
પછી તેઓ મારા માટે આવ્યા –
અને મારા માટે બોલનાર ત્યારે કોઈ જ બચ્યું નહોતું.

ગ્લૉબલ કવિતા : ૧૬૪ : સોશ્યલ ડિસ્ટન્સિંગ

સોશ્યલ ડિસ્ટન્સિંગ કે ઝીરો ડિસ્ટન્સ? ચોવીસે કલાક ઘર વિમાસે
કોરોના છીંકે છે કે ભૂલથીય કોઈ કોરો ના રહી જાય
ઊઘાડી ભીડ જોઈ ગ્રોસરી સ્ટોર ભાગ્યો માસ્ક શોધવા
કર્ફ્યૂનો અમલ બરાબર થાય છે કે કેમ એ જોવા થોડા શ્વાસ સળવળ્યા
મોબાઇલની બેટરીની આવરદા અચાનક અડધી થઈ ગઈ
બધાં બધું જ જાણે છે પણ કોઈ કંઈ જ જાણતું નથી
કામવાળાંઓના વેકેશને ગૃહિણીઓને (કદાચ) ગૃહસ્થોનેય માંજી નાંખ્યાં
તીનપત્તી રમતો માણસ હવે ઓળખાયો બાપ નીકળ્યો
વર્ષોથી ડાઉન થઈ ગયેલાં લૉક અવાજ કરી-કરીને પણ ખૂલ્યાં ખરાં
ચાદરો હાંફતી’તી: બંધનમાં આઝાદી જડી? ’લ્યા આ ખરું
રસ્તા એટલા સૂમસામ કે ડરે છે સાક્ષાત્ યમ પણ આવતા
ગંગા સાફ હિમાલય સાફ હવા સાફ ઘરનાં ને ઘટનાં જાળાં સાફ
રૂઝ આવી રહી છે

– વિવેક મનહર ટેલર
(૦૯-૧૪/૦૪/૨૦૨૦)

[પ્રેરણાબીજ: વ્હાન ફેલિપે હરેરા (Juan Felipe Herrera)]

કોરોના – લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની કવિતા

પહેલા બે વિશ્વયુદ્ધની અકલ્પનીય ખુવારી અને ખાસ તો હિટલરના ‘હૉલોકાસ્ટ’ અને હિરોશીમા-નાગાસાકી પરના અણુતાંડવને જોયા પછી દુનિયા સતત ત્રીજા વિશ્વયુદ્ધથી ડરતી આવી છે. ત્રીજું વિશ્વયુદ્ધ થશે કે કેમ એ તો સમય જ કહેશે પણ હાલ કોરોના મહામારી ત્રીજા વિશ્વયુદ્ધને અતિક્રમી જઈ રહી હોય એમ અનુભવાય છે. કોઈપણ હથિયાર વિના આખી દુનિયા નરસંહાર, ધનસંહાર અને વિશ્વયુદ્ધના લૉક-ડાઉનની પરિસ્થિતિમાંથી પસાર થઈ રહી છે. નરી આંખે જોઈ પણ ન શકાતા સૂક્ષ્મતમ વિષાણુએ દુનિયાની મોટા ભાગની વસ્તીને ઘરની ચાર દીવાલોમાં કેદ કરી દીધી છે. વધુ આશ્ચર્ય તો ત્યારે થાય જ્યારે આવી મહામારીની કલ્પનાઓ ભૂતકાળમાં થઈ ચૂકી હોય. લગભગ ૪૦ વર્ષ પહેલાં ૧૯૮૧માં ડિન કુન્ટ્ઝે ‘ધ આય્ઝ ઑફ ડાર્કનેસ’ નવલકથામાં લેબોરેટરીમાં બનાવાયેલ વુહાન-૪૦૦ નામના વાઇરસના જૈવિક-હથિયાર તરીકેના પ્રયોગ અને વૈશ્વિક જોખમની વાત કરી દુનિયાને ડરાવી દીધી હતી. આ પૂર્વે આવો ડર આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઑર્વેલની ‘૧૯૮૪’ નવલકથાઓએ જન્માવ્યો હતો. ૨૦૦૮માં પ્રગટ થયેલ વિશ્વના અંત વિષયક ભવિષ્યવાણીઓના પુસ્તક ‘એન્ડ ઑફ ડેઝ’માં સિલ્વિયા બ્રાઉને નિશ્ચિત સાલ સાથે લખ્યું છે કે, ‘૨૦૨૦ની આસપાસમાં ફેફસાં અને શ્વસનનલિકાઓ પર હુમલો કરનારી ન્યૂમૉનિયા જેવી ગંભીર બિમારી, જે ઉપલબ્ધ તમામ સારવારનો પ્રતિકાર કરશે, આખી દુનિયામાં ફેલાઈ વળશે.’ ૨૦૧૧માં રજૂ થયેલી ‘કન્ટેજન’ (Contagion) ફિલ્મ જોતી વખતે ૨૦૨૦ની કોરોના મહામારીને જ જોતાં હોવાનું અનુભવાશે. ૨૦૧૯ના પૂર્વાર્ધમાં જ અમેરિકામાં આરોગ્ય અને માનવ સેવા વિભાગે ચીનમાં ઉદભવ પામેલ ઇન્ફ્લુએન્ઝાની મહામારી અમેરિકા પહોંચે તો શી અસર થાય એ જાણવા ‘ક્રિમ્સન કન્ટેજન’ નામનો એક સિમ્યુલેશન સ્ટડી કર્યો હતો, જેમાં એક કરોડ અમેરિકન આવી બિમારીથી સંક્રમિત થશે અને પાંચેક લાખ જીવ ગુમાવશે એવું તારણ કઢાયું હતું. એ વખતે કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ગણતરીના મહિનાઓમાં જ કાગળિયાં પર કરેલી આ કસરત વાસ્તવમાં કરવી પડશે, અને વાઇરસ પણ ચીનથી જ અમેરિકા આવશે.

કોરોના મહામારીના પ્રતાપે સર્જાયેલ વૈશ્વિક લૉક-ડાઉન અને સોશ્યલ ડિસ્ટન્સિંગની વાત કરતી પ્રસ્તુત રચના વ્હાન ફેલિપે હરેરાના ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ’ કાવ્ય પરથી પ્રેરિત છે. આ સોલર સર્કલ પોએમની ડિઝાઇન એન્થની કોડીએ તૈયાર કરી છે. મૂળ કાવ્યનું શીર્ષક, કેન્દ્ર-કડી -Healing begins- તથા સૌર વર્તુળ કાવ્યની બાર પંક્તિઓની ડિઝાઇન યથાતથ જાળવીને બાકીનું કાવ્ય ભારતીય પરિપ્રેક્ષ્યમાં મૌલિક રચના છે. વ્હાન અમેરિકા રહે છે. કવિ, લેખક, કાર્ટૂનિસ્ટ, શિક્ષક, કલાકાર, તથા આંદોલનકારી છે. ૨૭ ડિસેમ્બર, ૧૯૪૮ના રોજ કેલિફૉર્નિયા ખાતે રસ્તાની બાજુમાં ટ્રેક્ટર, ટ્રેલર કે તંબૂમાં જીવન ગુજારનાર હિજરતી ખેડૂતના ઘરે એમનો જન્મ. સાચા અર્થમાં ધૂલ કા ફૂલ કહી શકાય એવા વ્હાનની સફર રસ્તાના પથરાંથી લઈને છેક અમેરિકાના રાજકવિ (૨૦૧૫-૧૭) બનવા સુધી વિસ્તરી છે. પ્રસ્તુત રચનાનું કાવ્યબીજ અને આકાર માત્ર એમના હોવાથી કવિ વિશે વિગતે વાત કરવાના બદલે આપણે કવિતા તરફ વળીએ.

કવિતાનું શીર્ષક ‘સોશ્યલ ડિસ્ટન્સિંગ’ આજે સૌથી વધુ વપરાતો શબ્દ છે. આ એક આકાર-કાવ્ય છે. અંગ્રેજીમાં કોન્ક્રિટ પોએટ્રી, શેપ પોએટ્રી અથવા વિઝ્યુઅલ પોએટ્રી કહી શકાય. આકાર-કાવ્યમાં આકાર કાવ્યનો વિષય બને છે, પણ દૃશ્ય-કાવ્યમાં નિશ્ચિત આકારનું હોવું અનિવાર્ય નથી. બંનેમાં જો કે શબ્દો દ્વારા વ્યક્ત થતી વાત શબ્દાકૃતિ કે ગોઠવણના કારણે વધુ મર્મસ્પર્શી અને અસરદાર બને છે. શબ્દાકાર કવિતાના અર્થમાં ઉમેરો કરે છે. આ કોઈ નવીન કાવ્યપ્રકાર નથી. ગ્રીક એલેક્ઝાન્ડ્રિયામાં આજથી ત્રેવીસસો વર્ષ પહેલાં આવી કવિતાઓ લખાતી. સોળમી સદીમાં જર્મનીના ચર્ચમાં એનો નવોન્મેષ થયો. ત્યારબાદ સમયાંતરે આ કાવ્યપ્રકાર અલગ-અલગ દેશોમાં પોતપોતાની રીતે ખેડાતો રહ્યો. ધાર્મિક કાવ્યો અને બાળકાવ્યોના સંવાહક તરીકે એનો ઉપયોગ વિશેષ થયો. પ્રસ્તુત કાવ્ય સૂર્યનો અને કિરણોને રજૂ કરતું સૌર વર્તુળ કાવ્ય છે. સૂર્યનો આકાર, કેમકે સૂર્યથી વધીને કોઈ જંતુનાશક કે સેનિટાઇઝર નથી. બાર કિરણ સમયનો સંદર્ભ છતો કરે છે, કેમકે સમય વિના આ મહામારીનો ઉકેલ પણ નથી. અને ખાસ તો ૩૦ ડિગ્રીના સમાન અંતરે પથરાયેલાં આ કિરણો કવિતાના હાર્દ –સોશ્યલ ડિસ્ટન્સિંગ-ને ઉજાગર કરે છે. કોઈપણ પંક્તિને પહેલી ગણીને ક્લોકવાઇઝ વાંચતા જઈ કેન્દ્રમાં આવો અથવા કેન્દ્રથી શરૂ કરી ગમે ત્યાંથી આખું વર્તુળ પૂરું કરો, વાંધો નથી. કવિતા એનો અર્થ જાળવી રાખે છે. ગઝલના શેરની જેમ બધી પંક્તિ સ્વતંત્ર હોવા છતાં સૂક્ષ્મ તાંતણે બંધાયેલ પણ છે. આખી કવિતામાં બે પ્રશ્નાર્થચિહ્નને બાદ કરતાં એકપણ વિરામચિહ્ન વપરાયા નથી, જે કદાચ મહામારી અને કવિતાના વેરવિખેર વાક્યો વચ્ચેની સળંગસૂત્રિતા સૂચવે છે.

આ પહેલાં કદી જોવા ન મળેલી પરિસ્થિતિમાં દુનિયાભરનાં ઘર મૂકાયાં છે. ઘર બહાર આખી દુનિયામાં અત્યારે સોશ્યલ ડિસ્ટન્સિંગનું માહાત્મ્ય છે, જેના પરિણામે બહાર નીકળેલી બે વ્યક્તિઓ એકમેકની નજીક આવી શકતી નથી. બિમારી ફેલાય નહીં એ માટે બે વ્યક્તિ વચ્ચે સુરક્ષિત અંતર રાખવું આવશ્યક નહીં, અનિવાર્ય થઈ પડ્યું છે. પણ ઘરની અંદરની દુનિયા બિલકુલ વિપરીત છે. ઘરે આ પહેલાં કુટુંબીજનો તરીકે ઓળખાતા લોકોને દિવસો સુધી ચોવીસે કલાક ઘરમાંને ઘરમાં રહેતાં કદી જોયાં નથી, એટલે એ વિમાસણમાં પડ્યું છે કે આ સોશ્યલ ડિસ્ટન્સિંગ છે કે ઝીરો ડિસ્ટન્સ? ઘરના બે માણસ વચ્ચે એકધારું આટલું ઓછું અંતર તો એણે આ પૂર્વે કદી જોયું જ નથી.

દુનિયામાં કોઈ માણસ અછૂતો ન રહી જાય એની હોડમાં હોય એમ કોરોના વાઇરસ ફેલાઈ રહ્યો છે. ૨૦૧૯ના ડિસેમ્બર મહિનામાં ચીનના વુહાન શહેરમાં આ વાઇરસે દેખા દીધી. પ્રથમ ૪૧ કેસના અભ્યાસ પરથી મેડિકલ જર્નલ ‘લેન્સેટ’એ તારણ કાઢ્યું કે પહેલી ડિસેમ્બરે આ બિમારીના પહેલાં લક્ષણ દેખાયાં હતાં. ૩૧ ડિસેમ્બરે ‘હુ’ સંસ્થાને પહેલો કેસ રિપૉર્ટ કરાયો અને ૩૦ જાન્યુઆરી, ૨૦૨૦ના રોજ તો ‘હુ’એ આંતર્રાષ્ટ્રીય જાહેર આરોગ્ય કટોકટી જાહેર કરી. હાલ, દુનિયાના લગભગ તમામ દેશ આ વાઇરસના સંક્રમણના શિકાર છે. કોઈ માણસ ‘કોરો ના’ રહી જાય એ ફિરાકમાં હોય એમ કોરોના છીંકી રહ્યો છે. પણ નોવેલ કોરોના વાઇરસ અથવા કોવિડ ૧૯ તરીકે ઓળખાતી આ મહામારી કંઈ દુનિયાએ જોયેલ પહેલવહેલી મહામારી નથી. ઈસુના જન્મથી સવા ચારસો વર્ષ પૂર્વે એથેન્સમાં ફેલાયેલા પ્લેગે ચોથા ભાગના સૈન્ય તથા પ્રજાનો ખાતમો બોલાવી દીધો હતો. છેક ૨૦૦૬માં એક મૃતદેહના દાંતના પૃથક્કરણ પરથી નક્કી થયું કે એ પ્લેગ નહીં, ટાઇફોઇડ હતો. પ્લેગની મહામારી પછી તો અવારનવાર ફેલાતી રહી. ચૌદમી સદીના મધ્યભાગમાં યુરોપથી એશિયા સુધી ફેલાયેલા બ્લેક ડેથ નામે જાણીતા પ્લેગે સાતથી વીસ કરોડ લોકોનો જાન લીધો હતો. ત્યારબાદના ચારસોએક વર્ષમાં ઇંગ્લેન્ડમાં સોએકવાર પ્લેગ ફાટી નીકળ્યો. ૧૮૫૫માં ચીનથી ભારત સુધી ફેલાયેલા પ્લેગે એક કરોડ લોકોનો ભોગ લીધો હતો. એ સમયની પાંખી વસ્તીના હિસાબે આ જાનહાનિનો આંકડો કદાચ આજે લાગે છે એના કરતાં અનેકગણો મોટો ગણાય. ૧૯૧૮થી ૨૦ સુધી ફેલાયેલા સ્પેનિશ ફ્લુના ખપ્પરમાં પાંચથી દસ કરોડ માણસો હોમાઈ ગયા હતા. આ આંકડો પ્રથમ વિશ્વયુદ્ધની કુલ જાનહાનિ કરતાંય ખાસ્સો મોટો હતો. ૨૦૦૯-૧૦ના સ્વાઇન ફ્લુએ પણ પાંચેક લાખ લોકોના ડેથ સર્ટિફિકેટ પર સહી કરી હતી. આ સિવાય સ્મોલપોક્સ, કૉલેરા, સાર્સ, ઇબોલા, ઝીકા વાઇરસ, એઇડ્સ જેવી બીજી અનેક મહામારીઓ આ દુનિયાને અવારનવાર પોતાની ચપેટમાં લેતી આવી છે. એ જમાનામાં મુસાફરીના સાધનો મર્યાદિત હતાં અને સમયગાળો લાંબો હતો, જ્યારે આજે અત્યાધુનિક વાહનવ્યવહારના કારણે કોઈ બિમારી સ્થાનિક રહેતી નથી. પૃથ્વી એક મોટું ગામડું બની ગઈ છે અને એક ખૂણેથી બીજા ખૂણે, ખબર હોય કે બિમારી, ફેલાતાં વાર લાગતી નથી. લાખો લોકો અત્યાર સુધીમાં કોરોનાથી સંક્રમિત થઈ ચૂક્યા છે અને મૃત્યુઆંક પણ લાખની ઉપર પહોંચી ગયો છે. આ આંક ક્યાં જઈ અટકશે એ તો સમય જ કહેશે.

ભારત દેશ દુનિયાનો પહેલો દેશ હતો જેણે દેશભરમાં લૉક-ડાઉન જાહેર કર્યું પણ ૧૩૦ કરોડની વસ્તીને તાળું મારવું કંઈ આસાન છે? લૉક-ડાઉનના કારણે કદાચ ભારતમાં પરિસ્થિતિ એટલી વણસી નથી, જેટલી નાનું ક્ષેત્રફળ ધરાવતા સ્પેન, ઇટલી જેવા દેશોમાં વકરી છે. ચોવીસ કલાકમાં દેશ આખો ગણપતિને દૂધ પીવડાવવા માંડે એવી પ્રજાને રાતોરાત શિક્ષિત કરવી શક્ય નથી. લૉક-ડાઉનનો સાચો મતલબ સમજવામાં નિષ્ફળ ગયેલી પ્રજા ગ્રોસરી સ્ટોર, શાક માર્કેટ, દૂધવાળાંઓને ત્યાં ટોળાબંધ ઉમટી પડે છે. મોટાભાગના લોકો મોઢે માસ્ક પણ પહેરતાં નથી. અડોઅડ દબાઈને ઊભા રહેવાનું થાય ત્યાં સોશ્યલ ડિસ્ટન્સ વળી કેવું? ખડેપગે ફરજ બજાવતાં પોલિસકર્મીઓ પણ કેટલાંને કાબૂમાં રાખે? આખરે તો આપણે સહુએ જાતે જ સમજવાનું છે કે લૉક-ડાઉન બિમારીનું સંક્રમણ ખાળવા માટે છે, કોઈને ભૂખ્યા મારવા માટે નથી. મહામારી છે, દુષ્કાળ નથી કે ચીજવસ્તુઓ લેવા પડાપડી કરવી પડે.

પણ આ દેશ તો વિચિત્રતાઓનો શંભુમેળો છે. કામ વિના બહાર નીકળવું, ટોળે વળવું વગેરેને ગુના ગણીને સરકાર કર્ફ્યૂ જેવો અમલ કરાવવા માંગે છે પણ લોકોને સૂમસાન રસ્તાઓ કેવા લાગે છે એ તમાશો જોવામાં રસ છે. પોતે બિમાર થઈ શકે અથવા બિમારી ફેલાવવામાં નિમિત્ત બની શકે એવી સમજણ અને નાગરિક ભાવનાના અભાવથી ગ્રસિત આ દેશ છે. પોલિસ દંડા મારે છે, ઊઠ-બેસ કરાવે છે, દંડ કરે છે, વાહન જપ્ત કરી લે છે એવા સમાચાર રોજ અખબારમાં વાંચવા છતાં, આ બાબતના કાર્ટૂન્સ- જોક્સથી સોશ્યલ મીડિયા સળગતું હોવા છતાં માત્ર ‘હું તો બહાર જઈ આવ્યો’ના મદમાં રાચતા બહાદુરોનો આ દેશ છે.

આખી દુનિયા મોબાઇલ પર બેસી ગઈ છે જાણે. આ સમય આવ્યો એ પહેલાં આપણે એવા લોકોને જોયાં છે જેઓ સતત કહેતાં ફરતાં હોય કે સમય જ નથી મળતો, બાકી આ પુસ્તક વાંચવું છે, પેલું વાંચવું છે; આ કામ કરવું છે, પેલું કરવું છે પણ ફુરસદ જ ક્યાં છે? અચાનક સહુના હાથમાં ચોવીસ કલાકની કોરીકટ નોટબુક આવી ગઈ છે. જરા પૂછો તો એ મહાશયોને કે આ લૉક-ડાઉનમાં પેલા પુસ્તકો વાંચી નાંખ્યાં કે નહીં? પેલાં કામો પતાવ્યાં કે નહીં? ના… એ બધું મોટાભાગનાઓ માટે માત્ર ફેશનમાં રહેવાની કળા માત્ર હતી. મોટાભાગના લોકોનો સ્માર્ટફોનનો વપરાશ ત્રણ-ચારગણો થઈ ગયો છે. દિવસમાં એકવાર ચાર્જ કરવો પડતો મોબાઇલ હવે બે-ત્રણવાર ચાર્જ કરવો પડે છે. સ્માર્ટફોને માણસની સ્માર્ટનેસનો શિકાર કર્યો છે. આપણે ‘ઢ’ બની બેઠાં છીએ. સાધારણ ગણતરીથી લઈને કંઈપણ હોય–બધું જ કામ ફોન જ કરે. સોશ્યલ મીડિયા દરેક ફાલતુ વસ્તુને વાઇરલ કરવા ટાંપીને બેઠું છે. વાતનું વતેસર થતાં વાર લાગતી નથી. કોરોના મહામારીની શરૂઆત થઈ ત્યારથી આજ સુધી મીડિયા પર એના વિશેની ‘એ ટુ ઝેડ’ માહિતીઓ સતત ઠલવાઈ રહી છે. સોશ્યલ મીડિયાના અકલ્પનીય બહોળા વ્યાપના પ્રતાપે આજે દુનિયામાં ભાગ્યે જ કોઈ વ્યક્તિ એવી હશે જે કોરોના વાઇરસ વિશે અનભિજ્ઞ હોય. દરેક માણસ આ મહામારી વિશે બધું જ જાણે છે. કોરોના કઈ રીતે ફેલાય છે, કોને થઈ શકે, લક્ષણો શું છે અને બચવા માટે કઈ કઈ તકેદારી રાખવી જોઈએ એનું અણીથી પણી સુધીનું જ્ઞાન દરેકે દરેક જણ ધરાવે છે. પણ આ જ જ્ઞાનીઓ માસ્ક પહેર્યા વિના દુકાને, ચોરાહે ટોળામાં, ચીપકીને ઊભેલાં અને ગપ્પાં મારતાં નજરે ચડે છે. અતિજ્ઞાનની બિમારીથી માનવજાત એ રીતે પીડાઈ રહી છે કે જ્ઞાન માત્ર ફોરવર્ડ કરવાની ‘વસ્તુ’ બની ગઈ છે. वॉट्सएपेषु हि या विद्या, फेसबुकेषु यत् ज्ञानम् જેવી આ વાત છે. બધાં જ સર્વજ્ઞ છે અને બધાં જ અજ્ઞ પણ. उत्पन्नेषु च कार्येषु न सा विद्या, न तत् ज्ञानम्।

સંક્રમણના ડરથી મોટાભાગના ઘરોમાં કામવાળાંઓને રજા આપી દેવાતાં ઘરકામ એક અભિયાન બની ગયું. અને ઘણાખરા ઘરોમાં, ખાસ કરીને વિભક્ત કુટુંબોમાં પુરુષો ઘરકામમાં હાથ આપતા થઈ ગયા છે. કોરોનાએ બધાંને ધંધે લગાડી દીધાં. સંતાન ઊઠે એ પહેલાં કામે ચાલ્યો જતો અને સૂએ એ પછી ઘરે આવતો બાપ સંતાનો માટે જાણે કોઈ બહારની વ્યક્તિ હતી. અતિશયોક્તિ પડતી મૂકીએ તોય ઘણાં ઘરોમાં મા-બાપ પાસે સંતાનો માટે સમય જ નથી હોતો. બાળકોને ભણાવવાની પ્રવૃત્તિમાંથી તો મા-બાપ આમેય નિવૃત્ત થવા માંડ્યા છે. ઉચ્ચતર શિક્ષણ માટે ટ્યુશન ક્લાસની વાત આઉટ-ડેટેડ થઈ ગઈ, હવે તો બાળકો માટે પ્લેગ્રુપ અને નર્સરીના ટ્યુશન પણ શરૂ થઈ ગયાં છે. કોરોનાનું લૉક-ડાઉન લૉક-અપ બન્યું અને એક જ છત નીચે અજાણ્યાં લોકો ફરી એકત્ર થયાં. કબાટમાં ધરબાઈ ગયેલી રમતો બહાર આવી અને પરિવાર નવરાશની પળો ફરી સાથે માણતો થયો. સંબંધોની ખરી ઓળખાણ થઈ. કટાઈ ગયેલા તાળા જેવા સંબંધો પણ સહવાસની ચાવી ફરતા અવાજ કરતા-કરતા, લડતા-ઝઘડતા પણ ખૂલ્યા ખરા. ચોવીસ કલાક સાથેને સાથે રહેવાનું થાય એટલે પારિવારિક તકરાર પણ વધે તો ખરી જ. ઢબૂરાઈ રહેલા અહમના અંગારા પણ ભભૂકે. પણ આ બધું થવા છતાં મોટાભાગના કુટુંબોમાં સરવાળે સહવાસની ઉષ્માનો હાથ જ ઉપર રહેવાનો. અને કદાચ એટલે જ ઘરોમાં બેડરૂમ પહેલાં કદી નહોતા એટલા વ્યસ્ત થઈ ગયા છે. લૉક-ડાઉન એ સમાજ પર મરાયેલું મસમોટું તાળું છે પણ આ બંધનમાં યુગલો ખરી આઝાદીનો અનુભવી રહ્યાં છે. હા, પરિવારજનોની સતત ઉપસ્થિતિના કારણે બધાં ઘરોમાં આત્મીય સહવાસની ફ્રિક્વન્સી કદાચ નહીં વધે, પણ જ્યાં જ્યાં મોકળાશ છે ત્યાં ‘રતિઘેલાં ભેળાં રમે ને ગૂંજી રે’ સંસાર’ની પરિસ્થિતિ નિર્માણ થઈ જ છે. વિશ્વભરમાં કૉન્ડમ્સની માંગ અચાનક આકાશને આંબી ગઈ એને કોરોનાની આડઅસર કહીશું કે છૂપું વરદાન?

શહેરોની સડકો લગભગ ખાલી થઈ ગઈ છે. મોટાભાગના રસ્તાઓ પર અવરોધો ગોઠવાયા છે. ચારેતરફ પોલિસ અને અર્ધલશ્કરી દળોનું પેટ્રોલિંગ અમલી છે. પેટ્રોલનો વપરાશ ૧૦-૧૫ નહીં, નેવું ટકા જેટલો ઘટી ગયો છે. વાહનો પાર્કિંગમાં પડ્યાં-પડ્યાં આળસ ખાઈ રહ્યાં છે. રીક્ષા-બસ-ટ્રેન-પ્લેન બધું જ લૉક-ડાઉનમાં છે. પરિણામે પ્રતિદિન ૪૦૦ના સ્થાને ભારતમાં વાહન અકસ્માતથી થતાં મૃત્યુની સંખ્યા નહિવત થઈ ગઈ છે. ૧૫ માર્ચથી ૧૪ એપ્રિલ સુધીમાં કોરોનાના કારણે ભારતમાં ૩૬૦ મૃત્યુ થયાં. કોરોના ન આવ્યો હોત તો રોડ-અકસ્માતમાં આટલા સમયમાં બાર હજારથી વધુ લોકો મરણને શરણ થયાં હોત. ૨૦૨૦ના પ્રથમ ત્રણ મહિનાના આંકડા જોઈએ તો પણ પ્રતિદિન વિશ્વભરમાં વાહન-અકસ્માતના કારણે થતાં મૃત્યુના દર સામે કોરોનાનો મૃત્યુદર લગભગ ચોથા ભાગનો છે. આ સિવાય, હોટલ-રેસ્ટોરન્ટ, પાર્ટી-લગ્ન-જાહેર સમારંભ બધું જ બંધ થઈ જવાના કારણે, પ્રદૂષણ ઘટવાના કારણે અને લોકો ઘર-કેદ રહેવાનાં કારણે ચેપી રોગો અને એના કારણે થતાં મૃત્યુનું પ્રમાણ પણ નગણ્ય કહી શકાય એટલું ઘટી ગયું છે. બીજું, અઠવાડિયામાં સાત અને મહિનામાં ત્રીસ રવિવાર થઈ જવાથી જીવનમાંથી તણાવ ઓછો થઈ ગયો છે. સવારે ઊઠવાનું, કામ પર જવાનું, ટ્રેન પકડવાનું, ટાર્ગેટ હાંસિલ કરવાનું, બૉસને રિપૉર્ટ આપવાનું, જુનિયર્સ પાસેથી ધાર્યું કામ લેવાનું- આ બધું જ અત્યારે લૉક-ડાઉન છે. પરિણામે હૃદયરોગ અને લકવાથી થતા મૃત્યુદરમાં પણ નોંધપાત્ર ઘટાડો આવ્યો છે. મોટાભાગની હૉસ્પિટલ ખાલી છે અને તોય જીવન ચાલે છે. સાક્ષાત્ યમરાજ પણ કોરોનાથી ડરતા હોય એવો આ ઘાટ છે. કોરોના બ્રહ્માસ્ત્ર છે કે સંજીવની? (જો કે ઘટેલા મૃત્યુદરની સામે દેશ અને દુનિયાનું અર્થતંત્ર પણ ખાડે ગયું છે એ ધ્યાનમાં રાખવું જરૂરી છે.)

દુનિયાભરમાં વાહનસંચાર અને ઉદ્યોગો બંધ થઈ ગયા હોવાથી પ્રદૂષણની માત્રા નોંધપાત્ર ઘટી ગઈ છે. ઓઝોનનું ગાબડું પૂરાઈ રહ્યું હોવાના અહેવાલ છે. ગંગા નદીનું પ્રદૂષણ અડધું થઈ ગયું છે અને જલંધર જેવાં શહેરોને દાયકાઓ બાદ હિમાલય પુનઃ દેખાતો થયો. આકાશમાં રાત્રે અચાનક તારાઓ વધી ગયેલા અને સાફ દેખાય છે. શહેરોની આબોહવા હિલસ્ટેશન જેવી થઈ ગઈ છે. સતત સાથે રહેવાથી, પરસ્પર વાતચીતનો સેતુ પુનઃસ્થપિત થવાથી સંબંધોમાં વર્ષોથી જામેલી લીલ પણ સાફ થઈ ગઈ છે. પરિવારના માણસો એકમેકને સાચા અર્થમાં ઓળખી-મળી રહ્યાં છે. કોરોનાએ દુનિયામાં ભલેને હાહાકાર કેમ ન મચાવી દીધો હોય, વયષ્ટિ અને સમષ્ટિ –ઉભય રિબૂટ થઈ રહ્યાં છે. જન અને જગત- બંનેનું નવીનીકરણ થઈ રહ્યું છે. દુનિયા સરીખા ઘાવમાં સાચે જ રૂઝ આવી રહી છે. આ વાઇરસ જલ્દીથી વિદાય લે એ તો ઇચ્છીએ જ, પણ જે રૂઝ આવવી શરૂ થઈ છે, એ પાછળ મૂકીને જાય એ જ પ્રાર્થના.

ગ્લૉબલ કવિતા : ૧૫૪ : અજાણ્યો નાગરિક – ડબ્લ્યુ. એચ. ઑડન

The Unknown Citizen

(To JS/07 M 378
This Marble Monument
Is Erected by the State)

He was found by the Bureau of Statistics to be
One against whom there was no official complaint,
And all the reports on his conduct agree
That, in the modern sense of an old-fashioned word, he was a saint,
For in everything he did he served the Greater Community.
Except for the War till the day he retired
He worked in a factory and never got fired,
But satisfied his employers, Fudge Motors Inc.
Yet he wasn’t a scab or odd in his views,
For his Union reports that he paid his dues,
(Our report on his Union shows it was sound)
And our Social Psychology workers found
That he was popular with his mates and liked a drink.
The Press are convinced that he bought a paper every day
And that his reactions to advertisements were normal in every way.
Policies taken out in his name prove that he was fully insured,
And his Health-card shows he was once in hospital but left it cured.
Both Producers Research and High-Grade Living declare
He was fully sensible to the advantages of the Instalment Plan
And had everything necessary to the Modern Man,
A phonograph, a radio, a car and a frigidaire.
Our researchers into Public Opinion are content
That he held the proper opinions for the time of year;
When there was peace, he was for peace: when there was war, he went.
He was married and added five children to the population,
Which our Eugenist says was the right number for a parent of his generation.
And our teachers report that he never interfered with their education.
Was he free? Was he happy? The question is absurd:
Had anything been wrong, we should certainly have heard.

– W. H. Auden
અજાણ્યો નાગરિક

(પ્રતિ જે.એસ./07M378
આ આરસનું સ્થાપત્ય
રાજ્યસરકાર વડે ઊભું કરાયું છે)

એના વિશે આંકડાશાસ્ત્રના ખાતા દ્વારા તપાસ કરતાં જણાયું છે કે
એની સામે કોઈ અધિકૃત ફરિયાદ નહોતી,
અને એના વર્તન વિશેના બધા જ અહેવાલો એ વાતે સહમત છે
કે, એક જુનવાણી શબ્દના આધુનિક સંદર્ભમાં, એ એક સંત હતો,
કેમકે એણે જે પણ કંઈ કર્યું, બૃહદ સમાજની સેવા જ કરી.
એ નિવૃત્ત થયો ત્યાં સુધીમાં, એક યુદ્ધને બાદ કરતાં,
એણે એક જ ફેક્ટરીમાં કામ કર્યું અને એને કદી પાણીચું અપાયું નહોતું;
ઊલટું, એણે સંતોષ્યા હતા, ફજ મોટર્સ ઇન્ક.ના માલિકોને.
એ છતાંય ન તો એ હડતાળ-વિરોધી ગદ્દાર હતો કે ન તો એના વિચારો વિચિત્ર હતા,
કેમ કે એના યુનિયને રિપોર્ટ કર્યો છે કે એણે બધું કરજ ચૂકવી દીધું હતું,
(એના યુનિયન વિશેનો અમારો રિપોર્ટ કહે છે કે એ બરાબર જ હતું)
અને અમારા સમાજ-માનસશાસ્ત્રીઓએ શોધી કાઢ્યું છે કે
એ એના સાથીઓમાં પ્રિય હતો અને એને પીવું પસંદ હતું.
અખબારોને ખાતરી છે કે એ રોજ અખબાર ખરીદતો હતો
અને જાહેરખબરો વિષયક એની પ્રતિક્રિયાઓ દરેક રીતે સામાન્ય હતી.
એના નામ પર લેવાયેલી પોલિસીઓ સાબિત કરે છે કે એણે પૂરેપૂરો વીમો ઉતરાવ્યો હતો,
અને એના આરોગ્ય-પત્રક મુજબ એ એકવાર હૉસ્પિટલમાં દાખલ થયો હતો પણ સારો થઈને ગયો હતો.
બંને પ્રોડ્યુસર્સ રિસર્ચ તથા હાઇ-ગ્રેડ લિવિંગ સંસ્થાનોએ જાહેર કર્યું છે કે
એ હપ્તા પદ્ધતિના ફાયદાઓ બાબત સંપૂર્ણપણે સમજદાર હતો
અને આધુનિક માનવીને જરૂરી તમામ ઉપકરણો એની પાસે હતાં,
મોબાઇલ, સ્માર્ટ ટીવી, કાર અને રેફ્રિજરેટર.
અમારા જનમત સંશોધકો એ વાતે સંતુષ્ટ છે
કે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો;
શાંતિ હતી ત્યારે એ શાંતિના પક્ષમાં હતો; યુદ્ધ થયું ત્યારે એ માટે ગયેલો.
એ વિવાહિત હતો અને વસ્તીમાં એણે પાંચ બાળકોનો ઉમેરો કર્યો હતો,
જે વિશે અમારા સુપ્રજાજનનશાસ્ત્રી કહે છે કે એની પેઢીના મા-બાપ માટે યોગ્ય આંકડો હતો.
અને અમારા શિક્ષકો કહે છે કે એ કદી એમના શિક્ષણ બાબતમાં દખલ કરતો નહોતો.
શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? આ પ્રશ્ન જ અસંગત છે:
જો કંઈ પણ ખોટું થયું હોત, તો અમને તો ખબર જ હોત.

-ડબ્લ્યુ. એચ. ઑડન
(અનુ.: વિવેક મનહર ટેલર)
નેગેટિવ યુટોપિયા પર પ્રકાશ નાંખતી દીવાદાંડી

આધાર કાર્ડ વિના નિરાધાર હોવાની લાગણી જન્માવે એ રીતે અમેરિકાના સોશ્યલ સિક્યુરિટી નંબરની જેમ આપણા દેશમાં આધાર કાર્ડનું વાવાઝોડું ફરી વળ્યું છે. બૅન્ક એકાઉન્ટ હોય કે ઇન્કમટેક્સ રિટર્ન હોય, મોબાઇલ નંબર હોય કે ઓનલાઇન ખરીદી, લોન લેવી હોય કે સરકારી ખાતામાં નોકરી- આપણે ત્યાં પણ આધાર કાર્ડ નાગરિકજીવનના બધા જ પાસાંઓ સાથે સાંકળવાની કવાયત શરૂ થઈ ગઈ છે. આપણા દેશનો સરેરાશ નાગરિક હજી અભણ હોવાથી હજી આપણા વ્યવહારમાં થોડીઘણી વ્યક્તિગતતા બચી ગઈ છે પણ સરકાર જે રીતે નાગરિકોને નંબરના સ્ટિકર્સ મારીને ઓળખવાની પ્રણાલિના અમલીકરણમાં રત છે એ જોતાં એ દિવસો દૂર નથી જ્યારે માણસ એના નામથી નહીં પણ સરકારી નંબરથી ઓળખવાનું શરૂ થઈ જાય. ઑડનની અજાણ્યો નાગરિક કવિતા આજના યુગના આઇડેન્ટિટી લૉસની ચોંકાવનારી વાસ્તવિક્તાથી આપણને અવગત કરે છે.

ડબ્લ્યુ. એચ. ઑડન. વિસ્ટન હ્યુ ઑડન. ૨૧-૦૨-૧૯૦૭ના રોજ ઇન્ગ્લેન્ડના યૉર્ક ખાતે મધ્યમવર્ગીય કુટુંબમાં ફિઝિશ્યનને ત્યાં જન્મ. દાદા-પરદાદાઓ ચર્ચમાં પાદરી રહ્યા હોવાના નાતે બાળપણમાં ચર્ચ એમની નજીક રહ્યું અને કૂમળી વયે એમના સંગીત તથા ભાષાપ્રેમને આકાર આપવામાં નિમિત્ત પણ બન્યું. એ જ રીતે પિતાજીનો તબીબી વ્યવસાય એમની આજીવન મનોવિશ્લેષણાત્મક રુચિનંા ઉદગમસ્થાન બન્યો. નાની વયે જ કવિ તરીકે પ્રસિદ્ધિ મળી. ૧૩ વર્ષની વયે એમને ખ્યાલ આવી ગયો હતો કે પોતે સાહિત્યકાર બનવા સર્જાયા છે. ૧૯૩૦માં પ્રકાશિત ‘પોએમ્સ’થી નવી પેઢીના અગ્રણી અવાજ તરીકે નામના મળી. ઓક્સફર્ડ ખાતે અંગ્રેજી ભાષા-સાહિત્યમાં અનુસ્નાતકની પદવી મેળવી. લૉર્ડ ઑફ રિંગ્સના સર્જક ટોલ્કિન ત્યાં એમના શિક્ષક હતા. પહેલાં બ્રિટનમાં અને પછી અમેરિકામાં લેક્ચરર-પ્રોફેસર તરીકે સેવા પણ બજાવી. ૧૯૨૭થી ૩૯ સુધી ક્રિસ્ટોફર ઇશરવુડ તથા અન્ય કેટલાક સાથે સજાતીય શારીરિક સંબંધો રહ્યા. ૧૯૩૫માં એરિકા માન નામની જર્મન લેખિકા-અભિનેત્રીને નાઝીઓથી બચવા બ્રિટિશ પાસપૉર્ટ અપાવવાના એકમાત્ર હેતુસર કહેવાતા લગ્ન કર્યા. ૧૯૩૯માં અમેરિકા સ્થળાંતર કર્યું. અને ૧૯૪૬માં ત્યાંનું નાગરિકત્વ મેળવ્યું. લાંબાટૂંકા ગાળાના જાતિય સંબંધો અનેક વ્યક્તિઓ સાથે રાખ્યા. ૧૯૩૯માં ચેસ્ટર કોલમેનના પ્રેમમાં પડ્યા. ઑડનના મતે એ એમની પત્ની હતી પણ ચેસ્ટરને એ દરજ્જો મંજૂર નહોતો એટલે બે વર્ષમાં લગ્નજીવનનો દાવો પડી ભાંગ્યો. દોસ્તી ટકી રહી અને ૧૯૪૭થી કવિના મૃત્યુ સુધી બંને જણ એક જ ઘરમાં શારીરિક સંબંધ રાખ્યા સિવાય સાથે રહ્યા. જીવનના અંતિમ બે દાયકા અકાદમી ઓફ અમેરિકન પોએટ્સના ચાન્સેલર તરીકે પસાર કર્યા, અને જીવનનો ઉત્તરાર્ધ બહુધા ન્યૂયૉર્ક અને ઓસ્ટ્રિયાની વચ્ચે વહેંચી નાંખ્યો. પુલિત્ઝર પારિતોષિકથી સન્માનિત થયા. ૨૯-૦૯-૧૯૭૩ના રોજ વિએના ખાતે નિધન.

અપ્રતિમ કળાભિજ્ઞતા ધરાવતા વિસ્ટન હ્યુ ઑડન સાચા અર્થમાં ટેકનિકના અને છંદોલયના બેતાજ બાદશાહ હતા. બીજા શબ્દોમાં કઈએ તો મિ. પરફેક્શનિસ્ટ. એમના જીવનનો અજંપો એમના કાવ્યોના સ્વરૂપ, કદ તથા વિષયોના અસીમ વૈવિધ્યમાં પ્રતિબિંબાય છે. પ્રાચીનતમથી લઈને આધુનિકતમ તમામ કાવ્યપ્રકારોમાં એમણે ખેડાણ કર્યું છે. ઑપેરા માટેના લેબ્રેટો (libretto) (દીર્ઘ સંગીતનાટિકા) પણ એમણે લખ્યાં છે. પદ્યની જેમ જ ગદ્યમાં પણ નાનાવિધ પ્રકારોમાં એમનું ખેડાણ ખાસ્સું બહોળું અને નોંધપાત્ર છે. એમની કલમમાંથી એમનું જીવન છલકાય છે. સમસામયિક પ્રવાહો, અમેરિકા અને ઇન્ગ્લેન્ડના તત્કાલીન સમાજ અને સંસ્કૃતિનો પ્રવર્તમાન ચહેરો અને સ્થાનિક ભાષાઓનું સંમિશ્રણ ઑડનની આગવી ઓળખ છે. નાનાવિધ સાહિત્ય પ્રકારો, કળાઓ, રાજકીય-ધાર્મિક અને સામાજીક મત તથા તકનિકી અને વૈજ્ઞાનિક માહિતીઓમાંથી અર્ક તારવી લઈને અસામાન્ય સર્જન કરવાની કોઠાસૂઝ જે ઑડનમાં જોવા મળે છે એના કારણે જ એ વીસમી સદીના સર્વશ્રેષ્ઠ અંગ્રેજી કવિ ગણાય છે. ઑડનની કવિતાઓ બુદ્ધિવાદી કવિતા છે, એમાં ડહાપણ પણ ઠાંસીને ભરેલું છે. એમની કવિતાઓ એક મુસાફરી-એક તરસને શબ્દબદ્ધ કરતી નજરે ચડે છે. વલેરીની કહેતી કે, ‘કવિતા ક્યારેય પૂરી થતી નથી, એને માત્ર ત્યજી દેવામાં આવે છે’ સાથે સહમત હોય એમ તેઓ પોતાની રચનાઓમાં સતત સુધારા કર્યે રાખતા. એ કુદરતી સૌંદર્યના કવિ હતા. કવિતામાં આધુનિકવાદની અસર એમની કલમમાં સતત વર્તાય છે. સિગ્મંડ ફ્રોઇડનું માનસશાસ્ત્ર અને સેક્સોલોજીનો ખાસ્સો પ્રભાવ પણ દેખાય છે. બીજા વિશ્વયુદ્ધ અને રાજકારણનો પણ એમના પર ખાસ્સો પ્રભાવ રહ્યો. આપણે ત્યાં કૃષ્ણલાલ શ્રીધરાણીની કવિતામાં અમેરિકાગમન પૂર્વે અને સ્વદેશાગન પછી –એમ બે તબક્કા સાફ નજરે ચડે છે એમ ઑડનની કવિતાઓમાં પણ અમેરિકાગમન પહેલાં અને પછી એમ બે અલગ ભાગ જોઈ શકાય છે. પહેલાં એ વામપંથી હતા અને રોમાન્ટિસિઝમના વિરોધી હતા. અમેરિકામાં ખ્રિસ્તી ધર્મ અપનાવ્યા બાદ એમની કવિતાઓ માનવસમસ્યાઓના ઉકેલ માટે રહસ્યવાદ-અધ્યાત્મ તરફ નજર નાંખતી દેખાય છે.

‘અજાણ્યો નાગરિક’ કવિની જાણીતી રચના છે. ૧૯૩૯માં ઇન્ગ્લેન્ડથી ન્યૂયૉર્ક સ્થળાંતરિત થયા બાદ એ જ વર્ષે લખાયેલી આ કવિતા અમેરિકન શૈલીની વિશૃંખલતા તથા ઉપભોક્તાવાદથી ઑડન કેટલી હદે દિગ્મૂઢ થઈ ગયા હશે એની પ્રતીતિ કરાવે છે. કોઈ મજેદાર ટૂચકો વાંચતા હોઈએ એવી જણાતી આ કવિતા અંતે આપણા બીબાંઢાળ અહેસાસને ચીરીફાડી નાંખે છે. ઉમદા કવિતા ઉત્તમ કથાવસ્તુઓથી બનતી નથી આ એનો પણ પુરાવો છે. સામાન્યરીતે ઑડનની કવિતાઓ રોજિંદી બોલચાલના કાકુઓથી એટલી રસીબસી હોય છે કે અનુવાદ કરવું દોહ્યલું થઈ પડે. જો કે પ્રસ્તુત રચના એમાં અપવાદ છે. શીર્ષક અને કવિતા વચ્ચેના સમાધિલેખને બાદ કરતાં આખી રચના એક જ ફકરામાં લખાયેલ ૨૯ પંક્તિઓનું સળંગ કાવ્ય છે. પહેલી નજરે અછાંદસ લાગતું આ કાવ્ય હકીકતમાં મુક્તપદ્ય (Free verse) અને રિક્તપદ્ય (blank verse)ની વચ્ચે ક્યાંક ગતિ કરે છે, જેમાં રિક્તપદ્યની જેમ પ્રાસ અને છંદ તો છે પણ અનિયત અને અનિશ્ચિત છે. પ્રચલિત આયમ્બના સ્થાને મોટાભાગે (બધે જ નહીં!) એનાપેસ્ટ (લઘુ-લઘુ-ગુરુ શબ્દાંશ) મીટર પ્રયોજાયું છે, અને શબ્દાંશ સંખ્યા પંક્તિએ પંક્તિએ મુક્તપદ્યની જેમ બદલાતી રહે છે. ચુસ્ત પ્રાસ છે પણ પ્રાસરચના અંધાધૂંધીભરી છે. કવિતાની શરૂઆત અબઅબ પ્રાસયોજનાથી થાય છે અને અચાનક અઅ-બબ પ્રકારના યુગ્મકપ્રાસથી લઈને કોઈ એક પંક્તિનો પ્રાસ છેક દૂરની કોઈ પંક્તિ સાથે (૮-૧૩, ૧૮-૨૧-૨૩) મળતો હોય એ પ્રકારના આંચકાવાળી ઉબડખાબડ છે. સરવાળે, કવિતાનાં કદ, આકાર, છંદ અને પ્રાસની અરાજકતામાં આજના સરકારી વહીવટમાં પ્રવર્તમાન વિશૃંખલતા દૃષ્ટિગોચર થાય છે.

કોઈ એક ગુમનામ નાગરિક મૃત્યુ પામ્યો છે એની આ વાત છે. ઊંચી પૉસ્ટ પર બેઠેલો કોઈ સરકારી અધિકારી એના ટેબલ પર પડેલી કોઈ ફાઇલ વિશે વાત કરતો હોય, બિલકુલ એ જ નિઃસ્પૃહતાપૂર્વક કોઈપણ જાતની લાગણી અનુભવ્યા કે વ્યક્ત થવા દીધા વિના મરી ગયેલા બેનામ નાગરિક વિશે આપણને કહી રહ્યો છે. એના અવાજમાં કોઈ જ કંપ નથી એ હકીકત આપણા શરીરમાં કંપકપી લાવી દે છે. કાવ્યારંભે આવતા ઉત્કીર્ણલેખ (epigraph) પરથી આપણને સમજાય છે કે મરનાર ગુમનામ હતો એટલે રાજ્યસરકારે એને દફન કરીને એની કબર ઉપર આરસનું સ્થાપત્ય બનાવી તકતી લગાવી છે. તકતી પર સરકાર દ્વારા અંકાયેલ આલ્ફાબેટ અને નંબર આ અજાણ્યા નાગરિકની એકમાત્ર ઓળખ બનીને રહી ગયાં છે. અજાણ્યો નાગરિક શીર્ષક યુદ્ધમાં શહીદ થયા બાદ ઓળખી ન શકાયેલા સૈનિકોની વિશ્વભરમાં ઠેકઠેકાણે ઊભી કરાયેલ અજાણ્યા સૈનિકોની કબરોની ઠેકડી ઊડાવે છે. એક-એક લીટી જાણે મીઠાના પાણીમાં બોળેલા ચાબખાની જેમ આપણી નફ્ફટ પણ નગ્ન ચામડી પર વીંઝાતી કેમ ન હોય એમ કવિતા આપણને અંગે-અંગે જખ્મી કરી દે છે. એક કે બે ચાબખા વીંઝવાથી કવિને સંતોષ ન થતો હોય એમ કવિતા લંબાયે જ રાખે છે અને આપણા અહેસાસના અ-ક્ષત પથ્થરને કોરી-કોરીને વેદનાનું જીવંત શિલ્પ કંડારી દે છે.

આલ્ડસ હક્સલીની ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’ અને જ્યૉર્જ ઓર્વેલની ‘1984’ યાદ આવ્યા વિના નહીં રહે. બે વિશ્વયુદ્ધની વચ્ચે ૧૯૩૧માં લખાયેલ ‘બ્રેવ ન્યૂ વર્લ્ડ’માં ભૌતિકવાદની સર્વોપરિતા અને વૈજ્ઞાનિકો તથા ‘આયોજકો’ વડે મનુષ્યજાતિ સાથે કરાતી પદ્ધતિસરની છેડછાડ ડરામણા ભવિષ્યની ધ્રુજાવી નાંખે એવી તસ્વીર ઉપસાવે છે. ટેકનોલોજીના અતિક્રમણના પરિણામે અંગત ઓળખ ગુમાવી બેસતી માનવજાતનું ચિત્રણ આબેહૂબ થયું છે. નવ દાયકા પહેલાં લેખકે જે કલ્પના કરી હતી એમાંની ઘણી, જેમ કે લેબોરેટરીમાં અંડકોષનું ફલીકરણ વિ., આજે સાચી પડી હોવાથી ‘રિવર્સ-યુટોપિયા’નો દૃષ્ટિકોણ ધરાવતી આ નવલકથાએ એ જમાનામાં ભયનું લખલખું ફેલાવી દીધું હતું. બીજી બાજુ, ઑર્વેલની ‘1984’ તો આપણા ભવિષ્યનો વધુ ડરામણો ચહેરો ઉઘાડો કરે છે. સમસ્ત મનુષ્યજાતિ પર ચાંપતી નજર રાખતો બીગબ્રધર એની ‘થોટપોલિસ’ ‘ન્યૂસ્પિક’ ભાષા અને ‘ડબલથિંક’ શિક્ષણપદ્ધતિ વડે આખી પ્રજાનું બ્રેઇનવૉશ કરી કાબૂમાં રાખે છે. એકહથ્થુ સરમુખત્યારશાહીના જોખમો સામે લાલબત્તી ચીંધતી આ નવલ પણ નેગેટિવ-યુટોપિયાનો ડર જન્માવે, ધ્રુજાવી નાખે એવો જ દૃષ્ટિકોણ ધરાવે છે. સરવાળે આપણે એ સમજવાની જરૂર છે કે વિકાસ અને સંસ્કૃતિ અંગેના આધુનિક ખ્યાલો ધરમૂળથી સાવ ખોટાય હોઈ શકે છે.

કળાકાર એ સમાજની દીવાદાંડી છે. કળાના પ્રકાશથી એ પ્રજાને દેખતી અને જાગતી રાખે છે. આવી કોઈ એક નવલક્થા કે ઑડનની આ કવિતા જેવી કોઈ એક કવિતા ઘણીવાર હજાર પ્રવચનોનું કામ એકલા હાથે કરી શકે છે.રાજા જેમ્સના બાઇબલ અને પયગંબરના કુરાન ની માનવજાત પર જે અસર થઈ છે એ તો न भूतो, न भविष्यति છે. અબ્રાહમ લિંકન જ્યારે ‘અંકલ ટોમ્સ કેબિન’ની લેખિકા હેરિઅટ સ્ટોવેને મળ્યા ત્યારે કહ્યું હતું કે, ‘તો તમે જ એ ઠીંગણી સ્ત્રી છો જેણે (હબસીઓની ગુલામીમુક્તિનું) મહાન યુદ્ધ શરૂ કર્યું છે.’ કન્ફ્યુસિયસ, પ્લેટો, ઈસપ, હૉમર, કાર્લ માર્ક્સ, ડાર્વિન, ફ્રોઇડ, શેક્સપિઅર વગેરે લેખકોની મનુષ્યજાતિ પરની અસર અમાપ-અસીમ છે. ‘અન ટુ ધ લાસ્ટ’ પુસ્તકે મહાત્મા ગાંધીનું જીવન બદલી નાંખ્યું હતું. ઉમાશંકર જોશીની ‘ભૂખ્યાં જનોનો જઠરાગ્નિ જાગશે’ પણ સમયના વહેણમાં ગુમરાહ થાઉં-થાઉં કરતા સમાજને સાચી દિશા દેખાડે છે. ઑડનની આ કવિતા પણ આવી જ એક દીવાદાંડી છે અને એંસી વરસ વીતવા છતાંય એની રોશની મંદ પડી નથી.

આ અજાણ્યો નાગરિક આપણામાંથી કોઈપણ હોઈ શકે છે. સાચા અર્થમાં આ આમ આદમીની વાત છે. કોઈપણ સરકાર માટે એના નાગરિકની શી કિંમત? એક મત? કે એમની ઐયાશીઓ પૂરી પાડવા માટે ભરાતા ટેક્સની કે લાંચની રકમનો એક આંકડો? શરૂઆત જ આંકડાશાસ્ત્રથી થાય છે, એ પણ એ જ સૂચવે છે કે ઓળખપત્ર પર લખાયેલા એક આંકડાથી વધીને આપણી કોઈ હસ્તી જ નથી. અલગ-અલગ સરકારી બિનસરકારી ખાતાંઓ તરફથી પ્રાપ્ત કરાયેલ માહિતીના આધારે મરનારનું જીવન સરકાર નક્કી કરે છે. અંકખાતું કહે છે કે એની વિરુદ્ધ કોઈ અધિકૃત ફરિયાદ નહોતી. પ્રાપ્ત તમામ અહેવાલો પરથી એવું જણાય છે કે મૃતકની જિંદગી જૂના જમાનામાં જેને આપણે સંત કહેતા હતા એ કિસ્મના મનુષ્યના ગુણધર્મોને મળતી આવતી હતી. સંત તો હવે દીવો લઈને શોધવા નીકળીએ તોય મળે એમ નથી. ડિક્શનરીના કોઈ પાનાં પર છપાયેલ શબ્દથી વધીને એનું કોઈ અસ્તિત્વ નથી. પણ મરનારના લક્ષણો એના જેવા જ હતા. કેમકે એણે નિવૃત્ત થયો ત્યાં સુધીમાં એક યુદ્ધને બાદ કરતાં માત્ર સમાજનું કલ્યાણ થાય એવાં જ કામ કર્યાં હતાં.

આજના માણસની કિંમત એના વ્યક્તિત્વ, સ્વભાવ કે મૂળ ગુણધર્મોથી નથી થતી, એણે નોકરી કેટલી ઈમાનદારીથી કરી, માલિકોને કેટલો સંતોષ આપ્યો, અલગ-અલગ યુનિયનોના રિપૉર્ટ શું કહે છે એના પરથી થાય છે. અલગ-અલગ એજન્સીઓએ પાડી રાખેલા ખાનાંઓમાંથી તમે કેટલામાં ચૂં કે ચાં કર્યા વિના ચપોચપ બેસી જાવ છો, કેટલાંમાંથી પગ બહાર લંબાવવા કોશિશ કરો છો એના પરથી તમારું કેરેક્ટર સર્ટિફિકેટ તમારી જ ચૂંટી કાઢેલી, તમારા જ પૈસે ચાલતી સરકાર નક્કી કરે છે અને તમારે એ સરકારે આપેલું લેબલ જ ગળામાં લટકાવીને કબરમાં દટાઈ જવાનું છે. આજીવન એક જ જગ્યાએ નોકરી કરવી, માલિકો દ્વારા કદી હકાલપટ્ટી ન કરાવી એ જ કામદારનો ધર્મ. વળી યુનિયન હડતાળ પાડે ત્યારે હડતાળભંગ કરી કામે ચડવું એ પણ સમાજવિરોધી કૃત્ય જ ગણાય છે. સંજોગ કોઈ પણ હોય, પ્રવર્તમાન ટોળાશાહીથી અલગ ચીલો ન ચાતરવો એ જ આદર્શ નાગરિકનો ધર્મ છે. અધિકારી વળી એ યુનિયન પણ સરકારી નિયમો મુજબ યોગ્ય જ હતું એમ જણાવે છે ત્યારે આપણે સતત ‘બીગબ્રધર’ના કેમેરાની નજરમાં જ હોવાનું અનુભવાય છે. આ વાત અહીં એટલા માટે વધુ મહત્ત્વ ધરાવે છે કે બે વિશ્વયુદ્ધ વચ્ચેના એ ગાળામાં મોટાભાગના યુનિયનો સમાજવાદી કે કમ્યુનિસ્ટ પાર્ટીઓ સાથે ગુપ્તરીતે સંકળાયેલા હતા અને એ રીતે સરકારવિરોધી પ્રવૃત્તિઓમાં અગ્રેસર રહેતાં. આવા સમયે સરકાર મૃતકના યુનિયનને પણ ‘ક્લિન ચીટ’ આપે એ સરમુખત્યારશાહી પાછળનો કટાક્ષ લોહી થીજવી દે એવો તીવ્ર છે.

સમાજમાનસશાસ્ત્રીઓના મંતવ્યાનુસાર એ મળતાવડો હતો, સાથીઓમાં અપ્રિય નહોતો અને ડ્રિન્ક પણ લેતો હતો. પાશ્ચાત્ય સમાજમાં ડ્રિન્ક એ શિષ્ટાચારનો પર્યાય છે. અખબારનવેશોને ખાતરી છે કે આ માણસ રોજ એક અખબાર ખરીદતો હતો અને જે ઢંગઢડા વિનાની જાહેરાતોના દમ પર અખબારો ચાલે છે, એ જાહેરખબરો વિશેની એની પ્રતિક્રિયાઓ સમાજમાં દરેક માનવીની જે રીતની હોવી ઘટે, એવી જ હતી. એના નામ પર લેવાયેલી વીમાપૉલિસીઓ પરથી એવું સિદ્ધ થયું છે કે એ પૂર્ણપણે વીમિત હતો. બહુ બિમાર પડીને એ સરકાર પર વધારાનો બોજ બન્યો નહોતો. એક જ વાત એ હૉસ્પિટલમાં દાખલ થયો હતો ને ત્યાંથીય સાજા થઈ રજા લઈ એણે સરકાર પર ઉપકાર કર્યો હતો. માણસની ઉચ્ચ જીવનશૈલીના ‘ગોડફાધર્સ’ના મતે મધ્યમવર્ગના માનવીની જેમ એ હપ્તા પદ્ધતિના લાભાલાભથી વાકેફ હતો અને એની પાસે તમામ અત્યાધુનિક ઉપકરણો હતા, યાને કે એ નિયમિત હપ્તા ભરતો હતો. અર્થાત્, દેવુ કરીને પણ ઘી પીવાની ચાર્વાકપદ્ધતિથી એ અસહમત નહોતો. જરૂર ન હોય એવી વસ્તુઓ પણ હપ્તેથી ખરીદવાની મનોવૃત્તિ જન્માવતા આધુનિક ઉપભોક્તાવાદનો એક હિસ્સો હોવું મતલબ સમાજની અર્થવ્યવસ્થા બરાબર ચાલતી રહે, વૃકોદર ધનિકોની ધનભૂખ સંતોષાતી રહે એ બાબતને અનુમોદન આપવું. મૃતક કોઈપણ વિરોધ વિના આ વ્યવસ્થાનો એક નિરુપદ્રવી પુરજો બન્યો હતો એટલે સરકાર માટે એ સર્વથા આદર્શ નાગરિક હતો.

જનમત સંગ્રાહકોના મતે એ સમસામયિક ઘટનાઓ અંગે યોગ્ય અભિપ્રાયો ધરાવતો હતો. મતલબ, એના અવાજમાંથી કદી કોઈ પણ વિરોધનો સૂર ઊઠતો સંભળાયો નહોતો. યુદ્ધ થાય ત્યારે એ ચૂપચાપ એમાં પણ જોતરાતો. લગ્ન કરીને એણે સમાજની વસ્તીમાં પાંચ બાળકોનું અમૂલ્ય પદાર્પણ કર્યું હતું. સુપ્રજાજનનશાસ્ત્રી (Eugenist)ના મતે આજે બહુ વધારે લાગતો આંકડો એ સમય માટે યોગ્ય જ હતો. સુપ્રજાજનનશાસ્ત્ર (Eugenics)નો અર્થ છે ‘સારું સર્જન.’ પ્લેટોએ પહેલવહેલીવાર આ વિચાર રજૂ કર્યો હતો. ચુનંદા ગુણધર્મો ધરાવતી વ્યક્તિઓ વચ્ચે શારીરિક સંબંધ બંધાવીને ઉમદા નસલની માનવજાતિ ઉત્પન્ન કરવી એટલે યુજેનિક્સ. ઓગણીસમી સદીના અંતભાગે ગાલ્ટન અને એના પિતરાઈ ચાર્લ્સ ડાર્વિને એનો ઝંડો ઉપાડ્યો. વિશ્વભરમાં સંસ્થાઓ સ્થપાઈ અને હજારો શારીરિક-માનસિક ખોડખાંપણ કે બિમારીઓ ધરાવતા લોકોનું વંધ્યકરણ કરી નાંખવામાં આવ્યું. હિટલરને જ્યારે આ શસ્ત્ર હાથમાં લઈ ઉત્તમ આર્યપ્રજાતિ સર્જવાનું ગાંડપણ ચડ્યું અને યુજેનિક્સના નામે લાખો લોકોનો બલિ લેવામાં આવ્યો ત્યારે દુનિયા સ્તબ્ધ થઈ ગઈ. જિનેટિક એન્જિનિઅરિંગના નામે આ કામ આજે પણ ચાલી રહ્યું છે.

અજાણ્યા નાગરિકના સંતાનોના શિક્ષકો પણ એનાથી એ વાતે સંતુષ્ટ હતા કે એમની શિક્ષણ પદ્ધતિની આડે એ ક્યારેય આવ્યો નહોતો. સરકારી અધિકારી આખી રચનામાં તમામ ખાતાધિકારીઓને ‘અમારા’ કહીને સંબોધે છે, પણ જ્યારે એ શિક્ષકોને પણ ‘અમારા’ કહે છે, ત્યારે ખતરાની ઘંટીઓ સંભળાય છે. શિક્ષણ વ્યવસ્થા સરકારના કાબૂમાં હોવી મતલબ નાગરિક અભિવ્યક્તિ પર સમગ્રતયા કાબૂ હોવો. તમામ સરકારમાન્ય સંસ્થાઓ-અધિકારીઓ તમારા વિશે ‘ઓકે’ રિપૉર્ટ આપે તો જ તમે ‘ઓકે’ કહેવાવ. તમારા દ્વારા અપાતા તમામ અભિપ્રાય સરકારને સુસંગત જ હોવા જોઈએ. નોકરી, બાળક, શિક્ષણ કે શ્વાસ- તમારે નિયત ઘરેડની બહાર પગ મૂકવાનો નથી. ઘોડાની આંખની આજુબાજુ ડાબલાં બાંધેલાં આપણે જોયાં છે. ઘોડાવાળો આ ડાબલાં એટલા માટે બાંધે છે કે ઘોડાએ સામેના રસ્તા સિવાય આજુબાજુનું કશું જોવાનું નથી એવું એણે નક્કી કર્યું છે. મંઝિલ ઘોડાવાળાએ નક્કી કરી છે, મંઝિલ પર જવાનો નિર્ણય પણ એણે જ કર્યો છે પણ એ પીઠ પર સવાર થઈ ગયો છે એટલે ભલે ઘોડો જ એને મંઝિલ સુધી કેમ ન લઈ જતો હોય, ડાબલાંની સજા તો ઘોડાએ જ ભોગવવાની છે. સરકાર પણ આપણી પીઠ પર સવાર થઈ ગઈ છે. એનો બોજો પીઠ પર વેંઢારીને આપણે જ એને એની મંઝિલ સુધી લઈ જવાનાં છીએ પણ એ પીઠ પર ચડી ગઈ છે એટલે નિયમોના ડાબલાં આપણી જ આંખ પર લાગે છે.

છેલ્લી બે પંક્તિ તો ચપ્પુની અણીથી કોતરી હોય એવી છે. શું એ આઝાદ હતો? શું એ ખુશ હતો? બે પ્રશ્નો કહ્યા બાદ પણ સરકારી અધિકારી પ્રશ્ન માટે એકવચન વાપરે છે, જાણે કે આવા પ્રશ્નો એક હોય, બે હોય કે હજાર- એને મન બધા એક જ, અને એકેયથી એને રતીભારેય ફરક પડતો નથી. એના માટે તો આ પ્રશ્ન જ બેતૂકો છે, કેમકે એને અને સરકારને દૃઢપણે ખાતરી છે કે કંઈપણ થયું હોત તો એમને તો ખબર હોત જ, કેમકે એમની જાણકારી (અને મરજી) બહાર તો પાંદડુંય ફરકી શકનાર નથી. જય હો બીગ બ્રધર! આઝાદી, ખુશી, પ્રેમ જેવી વ્યક્તિગત અને અભિવ્યક્તિગત સંવેદનાઓનું સરકારને મન કોઈ મૂલ્ય નથી. બળદ પોતાના ગળે ધૂંસરી બાંધીને ઘાણીમાં ગોળ-ગોળ ફરીને રસ કાઢી આપતો હોય ત્યાં સુધી આ તમામ પ્રશ્નો અપ્રસ્તુત છે. દરેકેદરેક માણસ વિશેની અથથી ઈતિ જાણકારી હોવા છતાં દરેકેદરેક માણસ અ-જાણ્યો જ છે એ વિરોધાભાસ, એ કારમો કટાક્ષ ચાબુકની જેમ આપણી રહીસહી સમ-વેદના પર વિંઝાય છે અને એ જ આ કવિતાનો પ્રાણ છે.

ગ્લૉબલ કવિતા : ૧૫૩ : આપણે બધા – એરિકા એલ. સાંચેઝ

All of Us

Every day I am born like this—
No chingues. Nothing happens
for the first time. Not the neon
sign that says vacant, not the men
nor the jackals who resemble them.
I take my bones inscribed by those
who came before, and learn
to court myself under a violence
of stars. I prefer to become demon,
what their eyes cannot. Half of me
is beautiful, half of me is a promise
filled with the quietest places.
Every day I pray like a dog
in the mirror and relish the crux
of my hurt. We know Lilith ate
the bones of her enemies. We know
a bitch learns to love her own ghost.

– Erika L. Sánchez

આપણે બધા

દરરોજ હું આ જ રીતે જન્મું છું-
પત્તર ના ઠોકશો. કંઈ પણ થતું નથી
પહેલી વાર. ‘ખાલી છે’ કહેતી
નિયૉન સાઇન નહીં, માણસો નહીં
કે શિયાળ પણ નહીં જે એમના જેવા જ લાગે છે.
હું ઊઠાવું છું પહેલાં આવી જનારાઓ દ્વારા
અક્ષરાંક્તિ થયેલા મારા હાડકાંઓ, અને શીખી લઉં છું
મારી જાતને સોંપી દેતા સિતારાઓની
હિંસા તળે. હું રાક્ષસ બનવાનું પસંદ કરું છું,
જે એમની આંખો નથી બની શકતી. મારામાંની અડધી સ્ત્રી
સુંદર છે, અડધી એક વચન છે
જે ભર્યું પડ્યું છે શાંતતમ જગ્યાઓથી.
દરરોજ હું પ્રાર્થું છું એક કૂતરાની જેમ
અરીસામાં અને ઉપભોગું છું મારી પીડાઓના
અર્કને. આપણે જાણીએ છીએ કે લિલિથ ખાઈ ગઈ હતી
એના શત્રુઓનાં હાડકાં. આપણે જાણીએ છીએ
કૂતરી શીખી લે છે ચાહવાનું પોતાના જ ભૂતને.

– એરિકા એલ. સાંચેઝ

આ સદીની સૌથી મોટી ઘટના : હેશ ટેગ મી ટુ (#MeToo)

શું તમે એક સ્ત્રી છો? તો આ વાતનો જવાબ આપો: બાળપણના સાવ કાચા-કૂમળા વરસોથી લઈને આજ સુધીમાં તમારા ખભા પર વડીલનું વહાલ, સગાંવહાલાંની આત્મીયતા, મિત્રતાનું સર્ટિફીકેટ, શિક્ષકની શાબાશી કે બૉસની કદરદાની બતાવવા માટે મૂકાયેલો હાથ તમારી બ્રાની પટ્ટી પર માત્ર થોડી જ ક્ષણો માટે પણ ખાસ ઈરાદાપૂર્વક ફરતો તમે કદી અનુભવ્યો છે? એક સ્ત્રી તરીકે આનો જવાબ જો ‘હા’માં આપવો પડે તો સમજી લેજો કે યૌનશોષણનો વિશ્વવ્યાપી વાઇરસ તમને પણ ચેપ લગાડી ચૂક્યો છે.

શું તમે એક પુરુષ છો? તો આ વાતનો જવાબ આપો: શરીરમાં હૉર્મોન્સનો પહેલવહેલો હણહણાટ થયો ત્યાંથી માંડીને આજદિનપર્યંત શું તમે કોઈપણ સ્ત્રીના શરીરને માત્ર થોડી તો થોડી જ ક્ષણો, પણ એ રીતે સ્પર્શ કર્યો છે જે સ્પર્શમાં હાથ લગાડવા પાછળના મૂળ ઈરાદાની જગ્યાએ એક પુરુષ શ્વસતો હોય? માત્ર સ્પર્શ શા માટે, નજરથી તમે કોઈ સ્ત્રીને એને ખબર પડે એ રીતે ગંદો સ્પર્શ કર્યો છે? સ્ત્રી સાંભળી તો શકે પણ તમને દોષી સાબિત ન કરી શકે એવી સિફતાઈથી તમારા બે પગ વચ્ચે ગલગલિયા થાય એવી કૉમેન્ટ તમે કદી કરી છે? જો આનો પ્રામાણિક જવાબ ‘હા’ હોય તો એ વાઇરસ તમે જ છો.

અમેરિકન કવયિત્રી એરિકા એની કવિતામાં વિશ્વ સનાતન કાળથી વ્યાપ્ત આ જ રોગચાળાની વાત કરે છે. એરિકા. એલ. સાંચેઝ. હાલ શિકાગોમાં રહે છે પણ જ્યાં એ જન્મ્યા હતા એ ઇલિનોઇસના સિસરો ખાતેનું ઘર શિકાગોની સરહદને એ રીતે અડીને હતું કે જૂતું ફેંકે તો શિકાગોમાં જઈ પડે. મા-બાપ મેક્સિકોથી અમેરિકા આવેલા ગેરકાયદેસર નિર્વસિતોમાંના એક હતા એટલે એમના સર્જનમાં અને જીવનમાં સતત સરહદો ભૂંસવા માટેની સજાગ મથામણ નજરે ચડે છે. બાર વર્ષની વયે મોટા ડાબલા જેવા ચશ્માં સાથે કિતાબી કીડો જ લાગનારી એરિકાને એ વયે પણ વિશ્વાસ હતો કે એ મોટી લેખિકા બનશે. તેઓ કવિતામાં અનુસ્નાતક થયાં છે. ત્રણેકવર્ષ અખબારમાં સેક્સ અને લવગુરુ તરીકે કોલમ પણ લખી.

એરિકાની રચનાઓમાં સરહદની બંને બાજુએ રહેવાના અનુભવો તાદૃશ વર્ણવાયા છે: આ સરહદ બે દેશ વચ્ચેની છે, બે ભાષા વચ્ચેની છે, જીવન-મૃત્યુ વચ્ચેની છે, તથા તકલીફો અને શક્યતાઓની વચ્ચેની પણ છે. આ કવિતાઓમાં સેક્સ, જાતીય શોષણ, શરમ, ભૂખમરો, હિંસા, અપમાન, રંગભેદ, ડ્રગ્સ, બેનામી નાગરિકત્વ ખૂલીને સામે આવે છે. એરિકાની કવિતા આજના કચડાયેલા અમેરિકાનો બુલંદ અવાજ છે. સરવાળે, આ કવિતાઓ વિષમતાઓની વચ્ચે પણ જીવી જવાની –સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સની કવિતાઓ છે.

એરિકાની આ રચનાનું શીર્ષક ‘આપણે બધા’ છે. અર્થાત્ કવયિત્રી અહીં જે વાત કરનાર છે એ આપણા બધાની છે. એરિકા આજની હવાના કવયિત્રી છે. વરસ પહેલાં ૨૦૧૭માં જ એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘લેસન્સ ઑફ એક્સપલ્ઝન’ અને પહેલી વયસ્ક નવલકથા ‘આઇ એમ નૉટ યૉર પરફેક્ટ મેક્સિકન ડૉટર’ પ્રગટ થયાં. એટલે એમની કવિતા પણ આજની કવિતા છે. આજની આઝાદ પેઢીની જેમ એ પણ છંદ અને પ્રાસના બંધનો ફગાવીને ચાલે છે. ‘આપણે બધા’માં પ્રવેશતાં જ સમજાઈ જાય છે કે આ સ્ત્રીઓના શોષણ સામેનું આક્રંદ છે, આક્રોશ છે. શીર્ષકમાં ‘સર્વ’ તરફ ફૉકસ કરાયેલ કેમેરા કવિતાની પ્રથમ પંક્તિમાં જ એરિકા ‘સ્વ’ તરફ ફેરવે છે. શરૂઆત ‘દરરોજ’થી થાય છે. મતલબ આ કોઈ એક-બે દિવસની કે આજ-કાલની વાત નથી, આ સનાતનકાળની હકીકત છે. એ કહે છે કે એ દરરોજ આ જ રીતે જન્મે છે. વાક્યાંતે પૂર્ણવિરામના સ્થાને એ ડૅશ મૂકે છે જે આપણી આરપાર કશુંક ચીરી નાંખતો હોવાનું અનુભવાય છે. માણસ આમ તો એક જ વાર જન્મે છે પણ અહીં દરરોજ જન્મવાની અને દરરોજ આ એક જ રીતે જન્મતા હોવાની વાત છે. આ કયા પ્રકારના ‘पुनरपि जननं’ની વાત છે એ સાંભળવાને ભાવકના કાન તરત સરવા થઈ જાય છે. અધૂરું રહી ગયેલું વાક્ય એરિકા ‘પત્તર ના ઠોકશો’ કહીને પૂરું કરે છે એટલે તરત જ ખ્યાલ આવે છે કે આગળ કવિતામાં જે કંઈપણ ‘આપણે બધા’ને સ્પર્શતી વાત આવનાર છે એ ખુશનુમા મિજાજની તો નથી જ હોવાની. મૂળ રચનામાં કવયિત્રી સ્પેનિશ ભાષાનો ‘No chingues’ મહાવરો પ્રયોગ કરે છે, જેનો સીધો અર્થ અભદ્ર અંગ્રેજી ભાષામાં don’t fuck થાય છે. પત્તર ઠોકવી ક્રિયાપદ અર્થ અને ક્રિયા-એમ બંને રીતે આની સૌથી નજીક પહોંચે છે. આવી ભાષા વાપરવા પાછળનું કારણ આગળની પંક્તિઓમાં ક્રમશઃ સ્પષ્ટ થાય છે.

એ કહે છે અહીં કશું પણ પહેલીવાર થતું જ નથી. જે કંઈ આજે બને છે એ અગાઉ પણ બની જ ચૂક્યું છે. વસ્તુતઃ એ દરરોજ જ બનતું આવ્યું છે. ‘વેકેન્ટ-ખાલી’ લખેલી નિયૉન સાઇનનો સંદર્ભ આગળ જતાં સમજી શકાય છે પણ કવિતા હવે ઊઘડવા માંડે છે. પુરુષો કે પુરુષના વેશમાં આવેલા શિયાળ પણ કંઈ પહેલીવારની વારતા નથી. શિયાળનો સંદર્ભ એક જ શબ્દમાં પુરુષનું પોત પ્રકાશી આપે છે. શિયાળ અને પુરુષની પ્રકૃતિ એક જ – બંને કાયમના ભૂખ્યાડાંસ, બંને હલકટ, બંને મફતનો શિકાર છોડે નહીં. હવે દરરોજ અને આપણે બધાનો અર્થ નિયૉન સાઇનની જેમ એકદમ સાફ થાય છે. પુરુષો તક મળતાં જ શિયાળની જેમ સ્ત્રીઓને ચૂંથી નાંખે છે અને સ્ત્રીઓના અસ્તિત્વ ઉપર પોતાના પૌરુષી પરાક્રમો અક્ષરાંકિત કરે છે. અંકિત થયેલાં હાડકાં એ સ્ત્રીની ઠે..ઠ ભીતર સુધી આજીવન ભૂંસી જ ન શકાય એ હદે કોતરાઈ ગયેલી વેદના ઈંગિત કરે છે. સ્ત્રી પોતાની આ વેદનાસિક્ત જાતને ઊપાડીને પુરુષોને પોતાનો ભોગ ધરાવતા ક્રમશઃ શીખી ગઈ છે. સિતારાઓની હિંસા શબ્દ કાસ્ટિંગ કાઉચ તરફ ઈશારો કરે છે.

૨૦૧૭ની સાલમાં દુનિયાએ એક એવી વસ્તુ જોઈ જેનો આ પહેલાં કદી સામનો કરવાનો થયો જ નહોતો. એ વસ્તુ કોઈ નવી વસ્તુ તો હતી જ નહીં. જે દિવસે સ્ત્રી અને પુરુષનું સર્જન થયું એ દિવસથી જ કદાચ આની શરૂઆત થઈ હતી પણ હજારો વર્ષોથી માનવજાત આ હકીકતની સામે એમ આંખમીંચામણાં કરીને જીવતી આવી છે, જાણે આ વસ્તુનું પૃથ્વીના પટ પર અસ્તિત્વ જ નથી. આમ તો ૨૦૦૬માં તરાના બર્ક પાસે આવીને એક તેર વર્ષની છોકરીએ પોતાની સાથે કરવામાં આવેલી જાતીય સતામણીની કબૂલાત કરી હતી ત્યારે તરાનાએ માયસ્પેસ નામના સોશ્યલ નેટવર્ક પર આ શબ્દપ્રયોગ કર્યો હતો પણ જ્યારે ૧૫ ઓક્ટૉબર, ૨૦૧૭ના રોજ એલિસા મિલાનોએ ‘હેશ ટેગ મી ટુ’ (#MeToo) કહીને દુનિયાભરની સ્ત્રીઓને પોતાની સાથે થયેલી જાતીય સતામણીનો એકરાર કરીને આ બિમારી કેટલી હદે સાર્વત્રિક છે અને સમાજના દરેકે-દરેક સ્તર પણ કેવા ઊંડા મૂળિયાં ઘાલી ચૂકી છે એનો દુનિયાનો અહેસાસ કરાવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે જાણે ચમત્કાર થયો. હોલીવૂડ ફિલ્મજગતમાં નવોદિત અને જાણીતી અભિનેત્રીઓના થતા શારીરિક શોષણ -‘કાસ્ટિંગ કાઉચ’-ના જાહેર એકરારનામાએ રાતોરાત આખી દુનિયાની સ્ત્રીઓને એકજૂથ કરી દીધી અને હજારો વર્ષોથી આંખે પાટા બાંધીને જીવતી દુનિયા પાટા ઊતરી જતાં સામે આવી પડેલા પ્રકાશના ઝળાંહળાં ધોધથી હક્કીબક્કી થઈ ગઈ. શાબ્દિક છેડતીથી માંડીને સંપૂર્ણપણે કરાતું છડેચોક જાતીય શોષણ ઘરેઘરે છે એ વાત સિદ્ધ થઈ ગઈ. દુનિયાની અડધાથી વધુ સ્ત્રીઓ જીવનના કોઈના કોઈ તબક્કે ઘર કે બહાર આ પ્રકારની સતામણીનો શિકાર બનતી જ આવી છે અને સોમાંથી પંચાણુ કેસોમાં પુરુષો તરફ કોઈ આંગળી પણ ચીંધતું નથી. છેલ્લા વીસ વર્ષોમાં પોણા બે કરોડ જેટલી સ્ત્રીઓએ જાતીય હુમલાની ફરિયાદ નોંધાવી છે. પણ ‘હેશ ટેગ મી ટુ’એ દુનિયાની સરકારોને સ્ત્રીશોષણ વિરુદ્ધના કાયદાઓ બદલવાની અને ઘડવાની ફરજ પાડી છે. મિલાનોની પહેલવહેલી ‘હેશ ટેગ મી ટુ’ની ટ્વિટ ૨૪ જ કલાકમાં બે લાખ લોકોએ અને ૪૮ કલાકમાં પાંચ લાખ લોકોએ રિટ્વિટ કરી હતી, જે પોતે એક વિક્રમ છે. ફેસબુક પર તો એક જ દિવસમાં સુડતાળીસ લાખ લોકોએ સવા કરોડ પૉસ્ટ્સમાં ‘હેશ ટેગ મી ટુ’નો ઉપયોગ કર્યો હતો.

સિતારા (S-t-a-r) પરથી અલાસ્કામાં ચારેક દાયકાથી કાર્યરત્ ‘સ્ટેન્ડિંગ ટુગેધર અગેઇન્સ્ટ રૅપ’ સંસ્થા પણ યાદ આવે. જો કે અહીં સિતારાઓનો સીધો અર્થ ફિલ્મજગતના સિતારાઓની જેમ પોતપોતાના ક્ષેત્રમાં પ્રભાવશાળી બનેલા પુરુષો સાથે સંકળાયેલો છે, જેઓ પોતાના હાથ નીચે એક યા બીજા કારણોસર આવનારી સ્ત્રીનો આંશિક કે પૂર્ણતયા શારીરિક કે માનસિક ગેરલાભ ઊઠાવવાનું છોડતા નથી. સ્ત્રીને પુરુષોની કામલોલુપ આંખ પણ જે દાનવ નથી બની શકતી એવા શક્તિશાળી દાનવ બનવાની ઇચ્છા છે જેથી એ કમસેકમ પોતાને સંરક્ષી તો શકે. ‘મારામાંની અડધી સ્ત્રી સુંદર છે’ એ વાક્યપ્રયોગ ઇટાલિઅન કવિ પ્રાઇમો લેવીની કવિતા ‘લિલિથ’ના કવયિત્રી રુથ ફેલ્ડમેને કરેલા અંગ્રેજી અનુવાદ ‘Half of me is beautiful/but you were never sure which half’માંથી એરિકા અહીં સીધું જ આણે છે, કેમકે કવિતા આગળ જતાં લિલિથ સાથે સંધાન પણ સાધે છે.

જીવનમાં આગળ આવવાની ઇચ્છા કોને નથી હોતી? પણ આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી હંમેશા સેકન્ડ સેક્સ બનીને જ રહી ગઈ છે. સ્ત્રીસમાનતાની ચળવળ પોતે જ એ વાતની દ્યોતક છે કે હજારો વર્ષ વીતી ગયાં પણ સ્ત્રીઓને કદી પણ પુરુષસમોવડી ગણવામાં આવી જ નથી કેમકે લડાઈ હંમેશા જે નથી પ્રાપ્ત થયું એ મેળવવા માટેની જ હોઈ શકે. સમાન જ હોઈએ તો તો સમાનતાની ચળવળ જ ન હોય પણ ચળવળો છે મતલબ સમાનતા નથી જ. વિશ્વના દરેક ધર્મના શાસ્ત્રો પુરુષોએ લખ્યા, બધા નિયમો પુરુષોએ જ લખ્યા, બધા ઇતિહાસ પણ એમણે જ લખ્યા અને એટલે જ ‘વુમન ઑન ટૉપ’ એ માત્ર સેક્સ દરમિયાન એકવિધતા ટાળવા માટેનું કામાસન બનીને જ રહી ગયું છે. અપવાદોને બાદ કરતાં સ્ત્રીઓનું સ્થાન સમાજમાં હંમેશા સંઘર્ષપૂર્ણ જ રહ્યું છે. પુરુષોએ કાયમ એમનો હાથ ઉપર જ રાખ્યો છે ને પરિણામે દુનિયાના કોઈપણ દેશમાં કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ સ્ત્રી આગળ આવવા ઇચ્છતી હોય તો એણે એની ઉપરનું સ્થાન પચાવી પાડનાર પુરુષની જોહુકમીનો વધતાઓછા અંશે ભોગ બન્યા સિવાય આરો જ નથી. ક્યાંક ગાજર લટકાવીને તો ક્યાંક માત્ર દાદાગીરીના જોર પર પુરુષો સ્ત્રીઓનો શિકાર કરતા આવ્યા છે, કરતા રહેશે. એટલે જ એરિકા કહે છે કે એનામાં અડધી સ્ત્રી સુંદર છે અને બાકીની અડધી ભરી પડી છે શાંતતમ જગ્યાઓના વચનોથી, એવા વચન જે કદી પૂરાં થનાર જ નથી, કેમકે શિયળ ચૂંથનાર શિયાળ એના શિકારને કદી શાંતિ બક્ષનાર જ નથી.

ફરી એકવાર એરિકા યાદ કરાવે છે કે આ શોષણની વાર્તા ‘દરરોજ’ની છે, સનાતન છે. ઘાયલ કૂતરો જેમ પોતાના જ હાડકાંઓને ચાટીને પીડાયુક્ત આનંદ મેળવે છે એમ જ એ દરરોજ અરીસા સામે કૂતરાની જેમ આ યાતનાઓમાંથી બચવા માટે પ્રાર્થના કરે છે અને પોતાની જ પીડાઓના અર્કને ઉપભોગે પણ છે. કૂતરો અરીસામાં જુએ ત્યારે શું પોતાની જાતને ઓળખી શકે છે? વૈજ્ઞાનિક સંશોધનો પરથી એવું સિદ્ધ થયું છે કે હાથી, ડોલ્ફિન અને ચિમ્પાન્જી જેવા કેટલાક પ્રાણીઓ જાત વિશે સભાન હોય છે અને તેઓ અરીસાની કસોટીમાં પાર ઉતરે છે પણ કૂતરો અરીસામાં પોતાની જાતને ઓળખવાની કસોટીમાં કદી ઉત્તીર્ણ થતો નથી. અર્થાત્ કૂતરો ભલે અરીસામાં દેખાતા પ્રાણી સાથે ઝઘડે કે રમે પણ પોતાની જાતને ઓળખી શક્તો નથી. મતલબ નાયિકા અરીસામાં પોતાને કદાચ ઓળખી પણ નથી શકતી. એ કોને પ્રાર્થી રહી છે એ કદાચ એ પોતે પણ જાણતી નથી.

આખરી ત્રણ પંક્તિઓમાં કવયિત્રી પોતાની વાત પડતી મૂકીને ‘આપણે’ને લઈ આવે છે અને એ રીતે શીર્ષક સાથે અનુસંધાન કરે છે. પોતાના શત્રુઓના હાડકાં ખાઈ જનાર લિલિથની વાત સાથે ‘આપણે જાણીએ છીએ’નો જે ઉલ્લેખ થયો છે એ યાદ રાખવા જેવો છે. એ કહેવા માંગે છે કે આપણે જાણીએ જ છીએ કે લિલિથ ઉર્ફે સ્ત્રીઓની ખરી તાકાત શું છે. લિલિથ ચારેક હજાર વર્ષ જૂનું યહૂદી પુરાણકથાઓનું પાત્ર છે. લિલિથ એટલે એક રાતની ખતરનાક રાક્ષસી, કામાતુર સ્ત્રી, જે અંધારામાં અન્યોના બાળકો ચોરી લે છે. લિલિથનો અર્થ રાત્રિ થાય છે અને એ રીતે તે ડર, ઉપભોગ અને નિરંકુશ સ્વાતંત્ર્ય જેવી અંધારી પરિભાષાઓ પણ નિર્દેશે છે. સિરિયામાં મળી આવેલ ઈ.પૂ. ૭૦૦ના એક પથ્થર પરનું કોતરકામ કહે છે: ‘હે અંધારા કક્ષમાં ઊડનાર, તાબડતોબ રવાના થા, ઓ લિલી.’ કહેવાય છે કે લિલિથ આદમની પહેલી પત્ની હતી, ઈવ નહીં, જે આદમના પૌરુષી ‘મેન ઓન ટોપ’ આદેશને તાબે થવાના બદલે ‘તું મારી નીચે સૂઈ જા, આપણે બંને સરખાં જ છીએ કેમકે આપણે બંને એક જ પૃથ્વીમાંથી જન્મ્યાં છીએ’ કહીને ભાગી નીકળી હતી. આજના સમયમાં લિલિથ ‘સારી છોકરી’ નહીં બની રહેવા માંગતી નારીવાદી સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. માઇકલ એન્જેલો તથા દાન્તેના ચિત્ર, દાન્તેની કવિતા અને જેમ્સ જોઇસની નવલકથાઓમાં એ અમર થઈ ગઈ એ પછી તો ઢગલાબંધ સર્જકોએ સ્ત્રીસ્વાતંત્ર્ય આલેખવા લિલિથના રૂપકનો આશરો લીધો છે.

એરિકા ‘બીચ’ વિશેષણ વાપરે છે જેનો એક સીધો અર્થ તો કૂતરી થાય છે પણ ગર્ભિત અર્થ કૂતરી જેવી સ્ત્રી અર્થાત્ સ્ત્રીઓને આપવામાં આવતી ગાળ થાય છે. કૂતરી પોતાના ભૂતને પણ આખરે ચાહતા શીખી લે છે એ આપણે જાણીએ જ છીએ ને એ કારણોસર જ આપણે સ્ત્રીઓને કૂતરી જેવી બનાવીને રાખી છે. બળાત્કારીને પણ એ માફ કરી શકે છે અને એટલે જ એના પર થતા બળાત્કારોનો અંત આવતો નથી. એરિકા સમસ્યા તરફ અંગૂલિનિર્દેશ માત્ર કરે છે, કોઈ ઈલાજ સૂચવતી નથી. કવિતાનું એ કામ પણ નથી. કવિતા માત્ર આપણી મૂર્છિત થઈ ગયેલી સંવેદનાઓને સંજીવની સૂંઘાડીને હોંશમાં લાવવાનું કામ કરે છે અને એ કામ આ કવિતા બખૂબી કરી શકી છે. આ કવિતા વિશે એરિકા પોતે કહે છે કે આ કવિતા ગુસ્સામાંથી જન્મી છે અને જેમ જેમ મેં ફરી-ફરીને સુધારવાનું ચાલુ રાખ્યું તેમ-તેમ મને ખ્યાલ આવતો ગયો કે હું પણ હેશ-ટેગ મી ટુ ચળવળ વિશે લખી રહી છું અને આ સભ્યતામાં સ્ત્રી હોવાનો મતલબ શો છે. વારસામાં મળતી હિંસાનો આપણે કેવી રીતે સામનો કરીએ છીએ?

ગ્લૉબલ કવિતા : ૧૫૨ : તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે – વિલિયમ વર્ડ્સવર્થ

She dwelt among the untrodden ways

She dwelt among the untrodden ways
Beside the springs of Dove,
A Maid whom there were none to praise
And very few to love.

A violet by a mosy stone
Half hidden from the eye!
– Fair as a star, when only one
Is shining in the sky.

She lived unknown, and few could know
When Lucy ceased to be;
But she is in her grave, and, oh,
The difference to me!

– William Wordsworth

તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે

તે રહેતી’તી વણકચડાયેલ માર્ગો વચ્ચે
ગંગાના ઝરણાંઓ પાસે,
મુગ્ધા જેને વખાણનારું કોઈ નથી ને
ભાગ્યે જ કોઈ એને ચાહે.

જાંબુડી ફૂલ શેવાળિયા પથ્થરની પાસે
આંખોથી અડધું જે ઓઝલ!
– તારા જેવી શુભ્ર પ્રકાશિત, નભમાં જ્યારે
હો સાવ જ એ એકલદોકલ.

રહી અણજાણી જીવી, ને ભાગ્યે જ કો’ જાણે
કે લ્યુસી ક્યારે થઈ ગઈ ઢેર;
પણ એ તો સૂતી છે એની કબર મહીં, ને,
રે રે ! પડ્યો જે મુજને ફેર!

-વિલિયમ વર્ડ્સવર્થ
(અનુ. વિવેક મનહર ટેલર)

જ્યાં ના પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ…

વસ્તુ હોય કે વ્યક્તિ- આપણે ઘણીવાર એને હાંસિયામાં ધકેલી દઈને જીવી જતાં હોઈએ છીએ. મહત્ત્વનું ન લાગે એને આપણે જોયું-ન જોયું કરીને આગળ નીકળી જઈએ છીએ. ખેર, એ આપણો સ્વભાવ છે. બિનજરૂરી વ્યક્તિ કે વસ્તુની અવગણના આપણા રંગસૂત્રોમાં વણાઈ ગયેલ છે. પણ કળાકાર નામનું પ્રાણી જરા હટ કે છે. જમાના આખાએ જેનું મૂલ્ય શૂન્ય આંકી દીધું હોય એમાંથી પણ મૂલ્યવાન જન્માવવું એની ફિતરત છે. રંગોના લસરકાઓમાં કે શબ્દોના શિલ્પથી કળાકાર અલ્પગણ્યને અગ્રગણ્ય અને મૂલ્યહીનને અમૂલ્ય બનાવી દે છે. મોનાલિસા નામની સ્ત્રી કોણ હતી એ આજેય કોઈ જાણતું નથી, પણ લિઓનાર્ડોએ પીંછીના ચંદ લસરકાઓથી એને અજરામર બનાવી દીધી. જેનું સૌંદર્ય કોઈ જોઈ શકતું નથી, કળાકાર જોઈ લે છે. જેની કોઈને તમા નથી, કળાકાર એની તમા રાખે છે. માટે જ કહ્યું છે ને કે જ્યાં ન પહોંચે રવિ, ત્યાં પહોંચે કવિ. જ્યાં કદાચ સૂર્ય પણ નહોતો પહોંચી શકતો,એવા કોઈક જંગલમાં અજાણી જિંદગી જીવી ગયેલી લ્યુસીને વર્ડ્સવર્થે એની કવિતામાં અમરત્વ આપ્યું છે.

વિલિયમ વર્ડ્સવર્થ. ઇંગ્લેન્ડના લેક ડિસ્ટ્રિક્ટના કમ્બરલેન્ડ પરગણાના કોકરમાઉથ ખાતે ૦૭-૦૪-૧૭૭૦ના રોજ વકીલ પિતા જૉન તથા એનના ઘરે જન્મ. જે રીતે ઇન્ગ્લેન્ડના વાયવ્ય ખૂણામાં આવેલા આ લેક ડિસ્ટ્રિક્ટની મુલાકાત ‘લેક પોએટ્સ’ની જાણકારી વિના અધૂરી છે એ જ રીતે વર્ડ્સવર્થ, કોલરિજ, તથા સાઉધી જેવા લેક પોએટ્સની કવિતાનું સાચું સૌંદર્ય લેક ડિસ્ટ્રિક્ટની જાણકારી વિના પૂરું માણી નહીં શકાય. એક તરફ આ પ્રદેશે આ અને અન્ય કવિઓની રચનાઓને અનવરત પ્રેરણા પૂરી પાડી તો બીજીતરફ આ કવિઓની રચનાઓમાં પ્રાદેશિક સૌંદર્ય કાબેલ ફોટોગ્રાફરે ખેંચેલા ઉત્તમ ફોટોગ્રાફ્સની જેમ ડગલે ને પગલે ઉજાગર થયું છે. ૮ વર્ષની વયે માતા અને ૧૩ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. પણ ત્યાં સુધીમાં પિતાના આગ્રહના કારણે વર્ડ્સવર્થ સાહિત્યસાગરના મરજીવા બની ચૂક્યા હતા. બાળપણમાં અનાથાવસ્થાના કારણે ગરીબીનો શિકાર વર્ડ્સવર્થ કાકાઓની મદદથી ભણ્યા. કેમ્બ્રિજ સુધી ગયા. ૧૭ વર્ષની વયે એમનું પ્રથમ સૉનેટ ધ યુરોપિયન મેગેઝીનમાં છપાયું અને સાહિત્યકારની કારકિર્દીનો પ્રારંભ થયો. ફ્રાન્સ ગયા ત્યાં ફ્રેન્ચ રિવૉલ્યુશનની સાથે એનેટ વેલોનમાં રસ પડ્યો અને એની સાથેના સંબંધથી ૧૭૯૨માં કેરોલિન નામની છોકરી જન્મી. છોકરીને ભરણપોષણ માટે વર્ષોવર્ષ નિયત રકમ ચૂકવી એનું ધ્યાન રાખ્યું પણ કવિએ ઇંગ્લેન્ડ પરત આવીને લગ્ન બાળપણની સખી મેરી હચિસન સાથે કર્યા. લેક ડિસ્ટ્રિક્ટ ખાતે સ્થાયી થયા. પાંચ સંતાન થયાં, જેમાંથી ત્રણનું મૃત્યુ કવિના જીવનકાળ દરમિયાન જ થઈ ગયું. બહેન ડોરોથી આજીવન પડછાયાની પેઠે એમની સાથે જ રહી. કવિએ ‘એણે મને આંખો આપી છે, એણે મને કાનો આપ્યા છે’ કહીને બહેનનું ઋણ સ્વીકાર્યું છે. બહેન અને પત્નીનો વર્ડ્સવર્થના જીવનમાં બહુ મોટો ફાળો રહ્યો. કવિને ફર-વા હતો એટલે જિંદગીભર મુસાફરી કરતા રહ્યા. કોલરિજની સાથે દોસ્તી રોજ સાથે ચાલવા જવાનું નિમિત્ત બની અને આ ‘વૉક’ની જ ફળશ્રુતિ એટલે બંનેનો સહિયારો અમર સંગ્રહ –‘લિરિકલ બેલડ્સ’. શરૂમાં ધ્યાન ન ખેંચી શકેલી એમની કવિતા ઝડપભેર ખ્યાતિના આકાશને ચુંબી ગઈ. ૧૮૪૨ની સાલમાં એમને રાજ્ય તરફથી ૩૦૦ પ્રાઉન્ડનું વર્ષાસન મળ્યું અને જિંદગીના આખરી દસકામાં, ૧૮૪૩માં એમને રાજકવિનું સન્માન પણ મળ્યું. પોતાના ભારીખમ્મ ઇગો સાથે જીવનાર સર્જક તો તો ઘણા જોવા મળશે પણ પોતાના વજનદાર ઇગોને જીરવનાર જમાનો પણ જીવતેજીવત પામે એવા સર્જક તો જૂજ જ. જનાબ આવા ‘રેરેસ્ટ’માં સ્થાન પામે છે. ૨૩-૦૪-૧૮૫૦ના રોજ પ્લુરિસીના કારણે રિડલ માઉન્ટના એમના ઘરમાં જ મૃત્યુ.

વર્ડ્સવર્થને ઇન્ગ્લેન્ડના શ્રેષ્ઠ કવિ તરીકે ઓળખનાર લોકોનો તોટો નહીં જડે. કોલરિજની સાથે ભાગીદારીમાં પ્રગટ કરેલ ‘લિરિકલ બેલડ્સ’થી અંગ્રેજી સાહિત્યમાં સુપ્રસિદ્ધ ‘રૉમેન્ટિક’ ક્રાંતિ અને યુગના શ્રીગણેશ થયા. કવિતા વિશેની એમની બહુખ્યાત વ્યાખ્યા, ‘કવિતા બળવત્તર સંવેદનાઓનો સ્વયંસ્ફૂર્ત ઉભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર થયેલ લાગણીમાંથી જન્મે છે’ આજે પણ એટલી જ પ્રસ્તુત છે. કવિતા વિશેની એમની ‘તીવ્ર’ માન્યતા હતી કે કવિતાનો વિષય સામાન્ય જનજીવનમાંથી, બહુધા ગ્રામ્યજીવનમાંથી જ પસંદ કરેલો હોવો જોઈએ કેમકે હૃદયના આવશ્યક આવેગ એ જ જમીનમાં પુખ્તતા પામી શકે છે. તદુપરાંત કવિતાની ભાષા પણ રોજિંદા જીવનની જ હોવી જોઈએ અને ગદ્ય અને છાંદસ ભાષા વચ્ચે કોઈ જ તફાવત હોવો ન જોઈએ. કવિ ઘણે અંશે આ માન્યતાને જડની જેમ વળગી પણ રહ્યા હતા પણ એમના જ અંગતતમ મિત્ર કોલરિજે આ બાબતમાં જાહેરમાં એમના છોતરાં ફાડ્યાં હતાં. સાહિત્યજગતની ઉત્તમોત્તમ મૈત્રીમાંની એક આ કારણ સિવાય, બંનેના વ્યક્તિત્વના ભેદભાવ, કોલરિજનું અફીણનું વ્યસન અને ગાંડપણ, તથા વર્ડ્સવર્થની સાળી સાથે કોલરિજના લગ્નથી જન્મેલ કજોડું –જેવા કારણોસર પડી ભાંગી. તોય કોલરિજના મૃત્યુ બાદ વર્ડ્સવર્થે એના પુત્રની સાળસંભાળ રાખી હતી. કવિતાની સાદગી અને સૌંદર્યની બાબતમાં વર્ડ્સવર્થને ભાગ્યે જ કોઈ અતિક્રમી શકે. એ રીતે જોતાં એમનું નામ વર્ડ્સવર્થ -શબ્દો જેમને લાયક છે- યથાર્થ છે.

પ્રથમ પંક્તિ કવિતાનું શીર્ષક પણ છે. ૧૭૯૮માં લખાયેલી આ કવિતા પ્રકારની દૃષ્ટિએ લિરિક છે. બર્ન્સ કે શેલીની જેમ લિરિકલ પોએટ્રીના માસ્ટર ન હોવા છતાં એ એમને ઠીકઠાક માફક આવી છે. એમના સૉનેટ જોકે અંગ્રેજી ભાષામાં શ્રેષ્ઠતમ ગણાય છે. લિરિકલ-પોએટ્રી યાને કે ઊર્મિકાવ્ય કે ભાવગીત નામ પ્રમાણે જ ઊર્મિપ્રધાન-ભાવપ્રધાન હોય છે, વિચારપ્રધાન નહીં. આ કવિતાઓ જ્યારે તમારી અંદરથી પસાર થાય છે ત્યારે દિલને પહેલાં સ્પર્શે છે, મગજને પછીથી. અહીં પ્રસ્તુત રચના પણ સીધી દિલને જ સ્પર્શી જાય છે. આ ઊર્મિગીત શોકગીત (Elegy) અને લોકગીત (Ballad)– બંનેની લાક્ષણિકતાઓ ધરાવે છે. શોકગીત કેમ છે એ તો દેખીતું જ છે. સાથોસાથ લોકગીતના લક્ષણો પણ અહીં છે જેમ કે, છંદ તથા પ્રાસ. ત્રણ ચતુષ્કમાં વારાફરતી આયમ્બિક ટેટ્રામીટર અને ટ્રાઇમીટર તથા ABAB પ્રકારની પ્રાસવ્યવસ્થા અહીં પ્રયોજાઈ છે. લોકગીતની અન્ય લાક્ષણિકતા મુજબ કવિતા ટૂંકી છે, સરળ અને સીધી ભાષામાં લખાઈ છે અને એમાં કથા પણ વણી લેવામાં આવી છે. કવિતા રૉમેન્ટિક પોએટ્રીનું પણ શ્રેષ્ઠ ઉદાહરણ છે. ત્યારના ઇંગ્લેન્ડમાં રોમાન્સ, રોમેન્ટિક, રોમાન્ટિસિઝમનો અર્થ આજે આપણે જે પ્રેમ સંબંધી અર્થ તારવીએ છીએ એ નહોતો. રોમાન્સ શબ્દ ‘રોમન’ પરથી ઊતરી આવ્યો હતો. એ સમયે રોમાન્સ એટલે વ્યક્તિગત હીરોગીરી આધારિત મધ્યયુગીન રાજવી પરાક્રમોની વાર્તા કે ગીતગાથા. એના પરથી પ્રવર્તમાન ‘ક્લાસિકલ’ પ્રવાહની વિરુદ્ધ વ્યક્તિગત લાગણીઓનો ઊભરો અને પ્રકૃતિના નાનાવિધ સ્વરૂપોની આરાધના કરતો જે કળાપ્રવાહ ઊભરી આવ્યો એ રોમાન્ટિસિઝમ કહેવાયો અને વર્ડ્સવર્થ એના મુખ્ય પ્રણેતા ગણાય છે. વર્ડ્સવર્થની આ કવિતા રોમેન્ટિક યુગનો આયનો છે. વિષય અને કાવ્યપદ્ધતિ –બંને રીતે આ રચના રોમાન્ટિસિઝમના લક્ષણ ધરાવે છે. સીધી-સરળ ભાષા, સહજ અભિવ્યક્તિ, અંગત લાગણી, ગ્રામ્યજીવન અને કુદરતનું મહત્ત્વ, પારંપારિક પૌરાણિક પાત્રોની ગેરહાજરી અને લાઘવ- રોમાન્ટિસિઝમની આ તમામ કસોટી પર આ કાવ્ય ખરું ઉતરે છે. ચુસ્ત પ્રાસ જાળવવા જતાં કદાચ કવિતા બહારના શબ્દો કવિતામાં લાવવાની ફરજ પડે એ બીકે અનુવાદ કરતી વખતે ચુસ્ત પ્રાસનો મોહ જતો કરવો પડ્યો છે.

આ કવિતા ‘લ્યુસી’ નામના કાલ્પનિક પાત્ર માટે લખાયેલી છે. વિશ્વ સાહિત્યમાં કાલ્પનિક કે મનગમતી પણ હાથવગી ન થઈ શકે એવી સ્ત્રીને સંબોધીને કવિતાઓ લખવાનો ચીલો નવો નથી. છેક ચૌદમી સદીમાં ઇટાલીના પેટ્રાર્કે (જેને દુનિયા આજે સૉનેટ કાવ્યસ્વરૂપના પિતા ગણે છે) લૉરા ડિ નોવ્સ નામની સ્ત્રી માટે સૉનેટ્સ લખ્યા. જેના પરિપાકરૂપે આવનારી સદીઓ સુધી આવા કૃત્રિમ પ્રણયકાવ્યો લખવાની પ્રણાલિકા સ્થાપિત થઈ જે ‘પેટ્રાર્કન કન્વેન્શન’ તરીકે ઓળખાયું. દાન્તે જેવા દિગ્ગજ કવિએ પણ બિટ્રિસ પોર્ટિનારી માટે આવા પ્રણયકાવ્યો લખ્યાં. શેક્સપિઅરના સૉનેટ્સમાં કોઈક પુરુષપાત્ર માટેનું સમલૈંગિક આકર્ષણ સદાકાળ ચર્ચાનો વિષય છે. આપણે ત્યાં ગુજરાતી સાહિત્યમાં જેમ રમેશ પારેખની ‘સોનલ’, આસિમ રાંદેરીની ‘લીલા’, ચન્દ્રવદન મહેતાની ‘ઈલા’, ખલીલ ધનતેજવીની ‘અનિતા’ એમ અંગ્રેજી સાહિત્યમાં વર્ડ્સવર્થની ‘લ્યુસી’…! લ્યુસી કોઈ જીવિત વ્યક્તિ હતી કે કાલ્પનિક, એ આજે પણ કલ્પનાનો વિષય છે. કવિએ પોતે કદી આ પાત્રની હકીકત ઉપર પ્રકાશ ફેંક્યો નથી. પણ ‘લિરિકલ બેલડ્સ’ના કાવ્યો બહુધા વાસ્તવિક જીવનમાંથી આવ્યા હોવાથી લ્યુસીને સાવ જ કપોળકલ્પિત ગણી લેવી પણ સર્વથા યોગ્ય નથી. વર્ડ્સવર્થે લ્યુસી ઉપર કુલ પાંચ જ કાવ્યો લખ્યાં છે પણ આ કાવ્યોએ વિશદ ચર્ચા જગાવી છે. એમની એક કવિતા ‘લ્યુસી ગ્રે’નો ઉત્તમ ભાવાનુવાદ ‘મીઠી માથે ભાત’ કવિતામાં શ્રી વિઠ્ઠલરાય આવસત્થીએ કર્યો છે. પ્રસ્તુત કાવ્યમાં શરૂમાં બે બીજા પણ ચતુષ્ક હતાં, જેને કવિએ પાછળથી કાઢી નાંખ્યાં હતાં. મૂળ કાવ્યની શરૂઆત આ હતી:

આશ હતી જે મારી, એ શહેરોથી આઘે,
ઊછરી એકાકી વગડામાં;
હોઠ રતુંબલ એના લાલ ગુલાબ જ જાણે,
વાળ ફૂલોની જાણે માળા.

(My hope was one, from cities far,/Nursed on a lonesome heath;/Her lips were red as roses are,/Her hair a woodbine wreath.)

કવિતાની શરૂઆત નાયિકા વણકચડાયેલ માર્ગો વચ્ચે, ઝરણાંઓ પાસે રહેતી હતી ત્યાંથી થાય છે. કવિતા અંતભાગે પહોંચે છે ત્યાં સુધી નાયિકાનું નામ, અને એ મરી ચૂકી છે એ માહિતી ગુપ્ત રહે છે. પણ ‘રહેતી’તી’ કહીને કવિ આ ઘટના ભૂતકાળની હોવાનો ઈશારો તો કાવ્ય ઊઘડતાવેંત જ કરી દે છે. વણકચડાયેલા રસ્તાઓ માત્ર જંગલના નથી, લ્યુસીના વ્યક્તિત્વના પણ છે, મનોજગતના પણ છે અને અબોટ સેક્સ્યુઆલિટિના પણ છે. લ્યુસીના દિલ સુધી, મન સુધી, શરીર સુધી કદાચ કોઈ પહોંચી શક્યું નહોતું. એ રસ્તાઓ કોઈએ હજી સુધી કચડ્યા નથી. એ ઝરણાંઓ પાસે રહે છે. ઝરણાં શબ્દ સાથે જ આપણાં માનસપટ પર સ્વચ્છ, તાજું, શીતળતાદેય, વહેતું પાણી તરવરી આવે. એક કુંવારિકાની તાજપ, અક્ષુણ્ણતા અને ચંચળતા- આ બધું કવિ એક જ વિશેષણમાં રજૂ કરી દે છે. આ શબ્દની તાકાત છે અને વર્ડ્સવર્થ જેવાને એ હસ્તગત છે. બધું હોવા છતાં આ મુગ્ધા, આ સુંદરી દુનિયાની નજરોથી એ રીતે દૂર છે, કે એને વખાણનાર કે ચાહનાર કોઈ નથી. થોમસ ગ્રેની ૧૨૮ પંક્તિની ‘એલિજી રિટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’ કવિતા યાદ આવે: ‘ઘણાં ફૂલ વણદેખ્યાં રહી જવા અને એમની મીઠાશ રેગિસ્તાનની હવાઓમાં વેડફી દેવાને માટે જ જન્મ્યાં હોય છે.’

લ્યુસી ક્યાં રહે છે એ કહ્યા બાદ એ કેવી છે એ તરફ કવિનો કેમેરા ફરે છે. પથ્થર લાંબો સમય ઝરણાં પાસે પડી રહે એટલે સમય એના પર શેવાળ બનીને ફરી વળે. કવિ લ્યુસીને પથ્થર પાછળથી ઊગી આવતું પણ પથ્થરના કારણે અડધું જ નજરે ચડતું અર્ધનિમીલિત આંખ જેવું જાંબુડી ફૂલ કહે છે. તકલીફો પછીતેથીય ઉપસી આવતું પણ વણપ્રીછ્યું જ રહી ગયેલું લ્યુસીનું વ્યક્તિત્વ અને એની સુંદરતા- બંને અહીં છતા થયાં છે. લ્યુસીનું સૌંદર્ય એકલપંડા તારા જેવું છે. વીનસ યાને શુક્રનો તારો મોર્નિંગ સ્ટાર અને ઇવનિંગ સ્ટાર તરીકે ઓળખાય છે. રાત પડે ત્યારે અને સવાર પડવાની હોય એ વખતે, બીજા એકેય તારાઓ દૃષ્ટિગોચર થતા ન હોય એ સમયે શુક્રગ્રહ એકલવાયો પ્રકાશતો જોવા મળે છે. જો કે શુક્રના અતિપ્રકાશિત અને સર્વવિદિત ગ્રહ સાથે કવિ અણજાણ જિંદગી જીવી ગયેલી લ્યુસીને સરખાવે છે જરા અજુગતું પણ લાગે છે. જો કે લ્યુસી શબ્દ લેટિન શબ્દ લક્સ યાને પ્રકાશ પડતી ઊતરી આવ્યો છે, એ જોતાં જંગલમાં એકલી હોવા છતાં દેદિપ્યમાન સૌંદર્યની સામ્રાજ્ઞી લ્યુસીની એકલવાયા તારાના પ્રકાશ સાથેની સરખામણી યથાર્થ પણ જણાય છે. વળી, શુક્ર એટલે કે વિનસ ગ્રીક પુરાકથાઓમાં સૌંદર્ય, પ્રેમ અને કામની દેવી છે, એ વાત પણ આ સરખામણીને ટેકો આપે છે. આકાશમાં એક જ શુભ્ર પ્રકાશિત તારો દૃષ્ટિગોચર થતો હોય એમ અવાવરુ જંગલમાં ઝરણાકાંઠે લીલબાઝ્યા પથ્થર પાછળ ખીલેલા એકાકી રંગીન પુષ્પ જેવી એ શોભાયમાન છે…

આખરી બંધમાં યુવતીનું નામ અને એના અકાળ મૃત્યુના સમાચાર આપણને મળે છે. સરનામાં વિનાની ટપાલ જેવી ઓળખાણરહિત જિંદગી એ જીવી ગઈ અને કદાચ એ હવે નથી રહી એની પણ બહુ લોકોને ખબર નહીં હોય. અન્ય એક લ્યુસી કાવ્યમાં કવિ લખે છે: ‘તે મરી ગઈ, અને મારા માટે આ ઉજ્જડ વગડો, આ શાંતિ અને આ નિઃસ્તબ્ધ દૃશ્ય છોડી ગઈ.’ અન્ય લ્યુસી કાવ્યમાં એના મૃત્યુનો ઉલ્લેખ આ રીતે છે: ‘તેની પાસે હવે નથી કોઈ ગતિ, નહીં બળ; એ નથી સાંભળી શકતી, નથી જોઈ.’ જેને કોઈ જાણતું નહોતું એવી સૌંદર્યવતી લ્યુસી હવે કબરમાં જઈ સૂતી છે એમ કહ્યા પછી કવિ ‘રે રે’ના વિસ્મયોદ્ગાર સાથે આ ઘટનાથી પોતાને પડેલા ફરકનો સ્વગતોચ્ચાર કરીને કાવ્ય પૂર્ણ કરે છે.

જિંદગી જેમને ધ્યાનમાં નથી લેતી કે કદર નથી કરતી એ તમામ લોકો માટે કદાચ કવિનું આ કલ્પાંત છે. એવા તારાઓ જે એકલા જ પ્રકાશે છે, મુસાફરી કરે છે અને બળીને અંતે ખતમ થઈ જાય છે. શેવાળછાયા પથ્થરો તળે જેમ નાનકડું રંગીન ફૂલ ઢંકાઈ જાય એમ દુનિયાની ઉપાધિઓ પાછળ આ છોકરીનું અસ્તિત્વ લગભગ વણપ્રીછ્યું જ રહ્યું. એના ન હોવાથી કવિને જે ફરક પડ્યો એ જ કદાચ એના આખાય જીવતરનું સાર્થક્ય! બીજી રીતે જોઈએ તો આ કવિતા કદાચ લ્યુસીની ઓછી છે અને કવિની વધારે છે. કદાચ લ્યુસીની જિંદગી અને મોત કરતાં પણ કવિની સંવેદનશીલતાનું અહીં વધુ મહત્ત્વ હોય એમ પણ અનુભવાય. એક લગભગ ગુમનામ કુમારિકા જે અકાળે અવસાન પામી એના ન હોવાથી દુનિયાને શો ફરક પડે? પણ કવિ પોતાને પડેલા ફરકની વાત કરીને અટકે છે, ભાવકને અટકવા મજબૂર કરે છે. આગળ કહ્યું એમ વર્ડ્સવર્થ જીવનભર પોતાના અહમનો ભાર ઊંચકીને ચાલ્યા. અહીં દેખીતી રીતે તો કવિ લ્યુસી જેવા એકલવાયા ગુમનામ જીવ પરત્વેની પોતાની દરકાર-પોતાનો ફરક અધોરેખિત કરે છે, પણ આ વાત શેવાળ-છાયો પથ્થર ફૂલને ગમે એટલું ઢાંકે તોય એ અડધુંપડધું દેખાઈ આવે એના જેવી છે. તુચ્છ મનુષ્ય માટે પણ ઉદાત્ત મમતા દાખવીને કવિ ભાવક સામે માત્ર પોતાની તીવ્ર ઊર્મિશીલતા અને સ્નેહભાવ જ ઉજાગર કરવાની કોશિશની આડમાં પોતાનો અહમ છૂપાવવા ઇચ્છે છે પણ કવિની આત્મશ્લાઘાપૂર્ણ પ્રયુક્તિ ન ઇચ્છવા છતાંય છતી થઈ જાય છે. ટૂંકમાં, આ ગીત ક્દાચ એકલી લ્યુસીની જ નહીં, કવિની પોતાની એકલતા અને ખોટનું કરુણપ્રશસ્તિ કાવ્ય છે.

કવિતા એવી ટૂંકી ટચરક છે, કે શરૂ થવાની સાથે જ અંત પામે છે. લ્યુસીના ટૂંકી જીવનરેખા સાથે એ એકદમ સુસંગત છે. સરળ ભાષામાં કવિએ આખી રચનામાં મોટાભાગે એક-એક શબ્દાંશ (single syllables)વાળા શબ્દો જ વાપર્યા હોવાથી કવિતાનો ભાવ દિલને વધુ નજીકથી સ્પર્શવામાં સફળ રહે છે. શબ્દો અને વર્ણનની કરકસર વાતને વધુ અસરદાર બનાવે છે. લ્યુસીની સાદગી સાદી ભાષાના કારણે તાદૃશ થાય છે. પોતાને પડેલા ફરકનો ઉલ્લેખ માત્ર કરીને કવિ પોતાને પડેલા ફરકને અલ્પોક્તિ વડે જે સિફતથી હાઇલાઇટ કરે છે, એ બહુ ઓછા કવિઓ કરી શકે છે. પરિણામે સવા બસો જેટલાં વર્ષોના વહાણાં વાઈ ચૂક્યાં હોવા છતાં આ કવિતા આજે પણ વિશ્વભરના ભાવકોને પ્રભાવિત કરે છે.

ગ્લોબલ કવિતા : ૧૫૧ : સાક્ષી – માર્કસ આર્જેન્ટેરિયસ

Witness

Leaning chest to chest,
breast to breast,
pressing lips on sweet lips,
and taking Antigone’s skin to my skin,
I keep silent
about the other things,
to which the lamp is registered as witness.

– Marcus Argentarius

સાક્ષી

છાતી છાતી સાથે આલિંગનબદ્ધ,
સ્તન સાથે સ્તન,
અધર દબાયા છે મીઠા અધર સાથે,
અને એન્ટિગનીની ત્વચાને મારી ત્વચા બનાવીને
હું રહું છું મૌન
બીજી બધી ક્રિયાઓ પરત્વે
જે સૌનો સાક્ષી બન્યો છે આ દીવો.

– માર્કસ આર્જેન્ટેરિયસ
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं |

પ્રેમના નામે આપણે ગમે એટલાં બણગાં કેમ ન ફૂંકતા હોઈએ, પ્રેમમાં એક થવાની તડપ અને તરસ તો હોય જ. જેમાં બે પાત્ર એકાકાર થવાની આરત ન ધરાવતા હોય એવો આત્મીય પ્રેમ મોટા ભાગે પુસ્તકોમાં જ જીવતો જોવા મળે છે. બે તલસાટસભર દેહનું મિલન ‘નિર્દંભ’ પ્રેમની ચરમસીમાએ થયા વિના ભાગ્યે જ રહે છે. વળી, પોતે જે કર્યું છે એનું રસિક વર્ણન કરવાની પણ એક ઓર જ મજા છે. કવિઓ, ચિત્રકારો, શિલ્પકારો કામકેલિના અમૂર્ત અનુભવોને મૂર્ત કરવામાં જીવનનું સાફલ્ય ગણતાં હોય છે. જો કે, પ્રેમનું વર્ણન કરતી વખતે મુઠ્ઠી જેટલી ઊઘાડી હોય એના કરતાં થોડી બંધ રાખવામાં આવે તો વાત ઓર ચટાકેદાર બનતી હોય છે. કહેવા કરતાં અધૂરું કહેવાની મજા વધારે જ હોવાની. પ્રેમની પરાકાષ્ઠાની વાતો કરતું એક ગીત આપણે સૌએ કદાચ સાંભળ્યું જ હશે: ‘तेरे लबों से प्यार की कलियाँ तोड लूं, तेरी धडकनों को छू लूं, तेरा जिस्म ओढ लूं’ –આ ગીત આપણા દરેકની ભીતર રહેતા પ્રેમીને ઠે…ઠ ઊંડે જઈને પ્રસવારતું હોય એવી મીઠી અનુભૂતિ કરાવે છે, આપણને મજા પડે છે પણ આ ગીત કંઈ આજના જમાનાની ફળશ્રુતિ નથી એવી ખબર પડે તો? આવું જ ગીત આજથી બે હજાર વર્ષ પહેલાં કોઈ લખી ગયું છે એમ ખબર પડે તો કેવું સાનંદાશ્ચર્ય થાય?! આર્જેન્ટેરિયસનું પ્રસ્તુત લઘુકાવ્ય આ વાત લઈને આપણી સમક્ષ હાજર છે.

માર્કસ આર્જેન્ટેરિયસ. લગભગ બે હજાર વર્ષ પહેલાં થઈ ગયેલો કવિ. એના નામે ગ્રીક એન્થોલોજીમાં ત્રીસેક જેટલા ચાટુક્તિસભર લઘુકાવ્યો (Epigrams) બોલે છે જેમાંના મોટાભાગના સંભોગશૃંગારને લગતા તો કેટલાક શબ્દાર્થની રમત અને વ્યંગસભર છે. શ્લેષાલંકાર (Paronomasia/Lusus verborum) તો એમની કૃતિઓમાં એમની ઓળખ બની રહે એ રીતે રચ્યોપચ્યો જોવા મળે છે. એમના સમયના અન્ય ગ્રીક કવિઓની રચનાઓમાંથી એમના જીવન કે તત્કાલિન સમાજ વિશેની માહિતી મળી આવે છે, જે જે-તે કવિ તથા એના જીવનકાળ પર પ્રકાશ નાંખવામાં મદદરૂપ થાય છે, પણ માર્કસની રચનાઓમાંથી એમના જીવન કે સમાજ પર પ્રકાશ નાંખે એવી કોઈ માહિતી ભાગ્યે જ હાથ આવી છે. એટલે એમના જીવન વિશે નહિવત્ જાણકારી જ ઉપલબ્ધ છે. જાણકારોના અનુમાન મુજબ ઈસુના જન્મ પૂર્વેના શતકમાં એમનો જન્મ થયો હોવાની શક્યતા વધુ છે. એ જમાનામાં વ્યવસાયના આધરે નામકરણ થતું એ જોવા જઈએ તો આર્જેન્ટેરિયસનો અર્થ બેન્કર અથવા ચાંદીનો કારીગર થાય છે. ગ્રીક રુઢિપ્રયોગો તથા પિંગળ પરના કવિનું પ્રભુત્વ હોવાથી લેટિન નામ હોવા છતાં એમની મૂળ ભાષા ગ્રીક હશે અને તેઓ તે સમયની સંસ્કારનગરી રોમના નિવાસી હશે એવું માની શકાય. હૉમરનો પ્રભાવ એમની કલમ પર વર્તાઈ આવે છે. આર્જેન્ટેરિયસની રચનાઓ બહુધા એલેક્ઝાન્ડ્રીઅન હેક્ઝામીટરમાં લખાયેલી જોવા મળે છે, જેના ડેક્ટાઇલ (ગુરુ-લઘુ-લઘુ) અને સ્પોન્ડી (ગુરુ-ગુરુ) પદ્યભારના વપરાશના આધારે પ્રમુખ ચાર પ્રકાર પડે છે: dsddd , ddddd , ssddd, sdddd; જે અનુક્રમે છવ્વીસ, એકવીસ તથા તેર-તેર વાર પ્રયોજાયેલ છે. (સ્ટુઅર્ટ જી. એફ. સ્મૉલના સંશોધનલેખના આધારે)

ઉપલબ્ધ વિશ્વકવિતાના ઇતિહાસનો ઊંડો અભ્યાસ કરતાં સમજાય છે કે પ્રાચીન વિશ્વમાં કોઈપણ સંસ્કૃતિ-કળામાં સેક્સ અને સ્ત્રી-પુરુષના અંગોપાંગના ખુલ્લા વર્ણનોનો કોઈ છોછ નહોતો. ઊઘાડું લખનાર, ઊઘાડું દોરનાર અને ઊઘાડાં શિલ્પ બનાવનાર એ સમાજ વધુ સુસંસ્કૃત હતો, વધુ પુખ્ત હતો અને એ સમાજમાં સ્ત્રીઓ કદાચ વધારે સુરક્ષિત હતી. સમય સાથે જેમ-જેમ આપણે આપણી જાતને વસ્ત્રોથી વધુ ઢાંકતા ગયા, એમ-એમ સભ્યતા અને સંસ્કાર ના નામે આપણે વધુ અસભ્ય અને અસંસ્કારી બનતા ગયા. જાહેર નગ્નતા તરફ છોછ રાખવાનો શરૂ થયો એની સમાંતરે સ્ત્રીઓ પર થતા જાતીય હુમલાઓ વધતા ગયા. સંભોગની ચરમસીમાએ યોનિપ્રવિષ્ટ પૂર્ણઉત્તેજિત શિશ્નપૂજન એ આપણી સંસ્કૃતિનું સાચું ઔદાર્ય સૂચવે છે. આસામમાં કામાખ્યાદેવીના મંદિરમાં યોનિપૂજા કરવા વિશ્વભરમાંથી ભારતીયો આવે છે. સમાજમાં શિવલિંગપૂજા અને યોનિપૂજા તો રહી ગયા આપણે એનો સંદર્ભ ગુમાવી બેઠાં છીએ. વાત્સ્યાયન-ખજૂરાહોની પરંપરાથી સમૃદ્ધ છતાં આપણી સંકીર્ણ રોગિષ્ઠ માનસિકતાએ આજે કામસૂત્રને પણ બદનામસૂત્ર બનાવી દીધું છે. વાત્સ્યાયન અને ખજૂરાહોને આપણે વર્તમાન અને પ્રવર્તમાન રાખવાના સ્થાને ઇતિહાસ બનાવી દીધાં એને આપણી સંસ્કૃતિએ પગ પર કુહાડો માર્યાની ઘટના જ લેખી શકાય. ખેર, આપણે આપણી કવિતા તરફ વળીએ.

વ્યક્તિવાચક સંજ્ઞાથી શ્લેષ જન્માવવા માટે માર્કસ જાણીતા છે. જો કે ક્યારેક નામ માત્ર છંદ સાચવવા (metri gratia) માટે પણ વપરાયા છે. આ કવિતામાં આવતા એન્ટિગ નામ સાથે કોઈ શ્લેષાલંકાર જોડાયેલ હોય તો એ આપણે આજે જાણતા નથી. એન્ટિગની ગ્રીક પુરાકથાઓનું મહત્ત્વનું પાત્ર છે. લગભગ અઢી હજાર વર્ષ પૂર્વે થીબ્સના રાજા ઇડિપસના એની પોતાની સગી માતા જોકાસ્ટા સાથે અજાણતા થયેલ લગ્નથી જન્મેલ અનૌરસ સંતાન એ એન્ટિગની. એટલે સંબંધમાં એ ઇડિપસની બહેન પણ ખરી અને પુત્રી પણ ખરી. થીબ્સના યુદ્ધમાં એન્ટિગનીના બન્ને ભાઈઓ પરસ્પર વિરોધી છાવણીમાંથી લડીને વીરગતિ પામે છે. વિજેતા રાજા ક્રિઓન પોતાના પક્ષે લડેલા ઇટિઓક્લિસને તો માનભેર દફનાવવાની તજવીજ કરે છે પણ પોલિનિસસ સામા પક્ષે લડ્યો હોવાથી એનું શબ નગરમાં દાટવાના બદલે યુદ્ધમેદાનમાં ખુલ્લું જ સડવા દેવાનો આદેશ આપે છે જે એ જમાનામાં સૌથી મોટું અવમાન ગણાતું. શબની આ અવહેલના ત્યારે અત્યંત કડક અને શરમજનક સજા ગણાતી. પણ પોલિનિસસને થીબ્સમાં જ દફન કરવાની જિદ્દ પર અણનમ એન્ટિગની આ આદેશનો અનાદર કરવાની કોશિશમાં પકડાઈ જાય છે. પોતે જે કર્યું છે એના પર એન્ટિગનીને પસ્તાવો નથી. એ માને છે કે એણે ઈશ્વરના કાયદાનું પાલન કરવાની, પારિવારિક વફાદારી તથા સામાજિક ઔચિત્ય જાળવવાની કોશિશ જ કરી છે. એ ક્રિઓનની સામે હિંમતભેર ઊભી રહે છે, દલીલો કરે છે, દયાની ભીખ માંગતી નથી અને મૃત્યુદંડની સજા પામે છે. નાટ્યાત્મક વળાંકો પછી ક્રિઓન સજા બદલવાનું વિચારે છે પણ ત્યાં સુધીમાં એન્ટિગની મૃત્યુને વહાલું કરી ચૂકી હોય છે. સર્વકાલીન ઉત્તમ સર્જક સોફોક્લિસની બહુખ્યાત ‘ઇડિપસ ત્રિલજી’માં એન્ટિગની કહે છે, ‘કોઈએ મારા માટે લગ્નગીત ગાયાં નથી, મારી લગ્નશૈયા કોઈએ ફૂલોથી વણી નથી, હું મૃત્યુને પરણી છું’ (No youths have sung the marriage song for me,/My bridal bed/No maids have strewn with flowers from the lea,/’Tis Death I wed.)

એન્ટિગનીનો શાબ્દિક અર્થ ‘પુરુષ વિરોધી’ કે ‘વીર્યવિરોધી’ પણ થાય છે. બીજો અર્થ ‘મા-બાપને લાયક’ પણ થાય છે. બે હજાર વર્ષ પહેલાંના પુરુષપ્રધાન ગ્રીસમાં એન્ટિગનીની હિંમત, જિદ અને પરિવાર તરફની ફરજ નિભાવવાની સમજ એને એ જમાનાના પુરુષોથી મુઠી ઊંચેરી સિદ્ધ કરે છે, એની તાકાતનો અહેસાસ કરાવે છે. એના નામના અર્થને એ સાર્થક કરે છે. પ્રસ્તુત રચનામાં એન્ટિગનીનો ઉલ્લેખ એના વિશે આટલું જાણવા છતાંય સમજણના પ્રદેશની જરા બહાર રહી જતો અનુભવાય છે. માર્કસની અન્ય લઘુરચનાઓ જોઈએ:

‘પહેલાં તું, એન્ટિગની, સિસિલિઅન (રસાળ વૈવિધ્યસભર વાનગીઓનો પ્રદેશ) હતી, પણ જ્યારથી તું ઇટોલિઅન (વિવિધ માંગણીઓ કરનાર, ભિખારી) બની ગઈ છે, હું મિડ (કંજૂસ) બની ગયો છું.’ (To me you were formerly a Sicilian, Antigone; but since you/have become an Aetolian, look, I have become a Mede. )

‘ત્રણ વખત તું છીંક્યું, વહાલા ફાનસ! શું, કદાચ, મને એ કહેવા માટે કે આહ્લાદક એન્ટિગની મારા કક્ષમાં આવી રહી છે? કેમ કે આ વાત, મારા સ્વામી, જો સાચી હશે તો, તારે ત્રિપાઈની બાજુમાં, એપોલોની જેમ, ઊભા રહેવું પડશે.’ (Thrice have you sneezed, dear lamp ! Is it, perhaps, to tell me that delightful Antigone is coming to my chamber? For if, my lord, this be true, you shall stand by the tripod, like Apollo, and prophesy to men.)

અન્ય રચનાઓમાંના એન્ટિગનીના આવા ઉલ્લેખ જોતાં એમ માની શકાય કે આ નામ કોઈ સૂચિતાર્થ વિના વપરાયું હોઈ શકે. કવિતામાં તત્કાલીન પાત્રોનો નામોલ્લેખ કદાચ એ જમાનાની કાવ્યપ્રણાલિનો અંશ પણ હોઈ શકે. હશે, કદાચ એમ પણ હોય. પણ કેટલીકવાર કવિતામાં કોઈનો નામોલ્લેખ નામ સાથે જોડાયેલી અર્થચ્છાયા ઊભી કરવા પૂરતો પણ હોઈ શકે. રાણી લક્ષ્મીબાઈનું નામ લેતાંની સાથે જ આપણું ભાવવિશ્વ વીરાંગના સાથે, સ્વાભિમાન અને આઝાદીની ઉત્કટ ઝંખના સાથે સંકળાઈ જાય છે. એ જ રીતે કદાચ આ રચનામાં એન્ટિગનીની હાજરી કદાચ રતિક્રીડામાં સ્ત્રી-પુરુષ વચ્ચે સર્જાતા મૂક સાયુજ્ય દરમિયાન નારીશક્તિનો અહેસાસ કરાવવા ખાતર પણ હોય.

પ્રસ્તુત રચના માર્કસની ઉપલબ્ધ ચાટુક્તિઓ (એપિગ્રાફ્સ)માંની એક છે. મૂળ ગ્રીક ભાષાની આ રચનાના એકાધિક અંગ્રેજી અનુવાદ ઉપલબ્ધ છે. મોટાભાગના અનુવાદો જે રીતે એકબીજાથી નાની-નાની જગ્યાએ અલગ તરી આવે છે, એ જોતાં જ રૉબર્ટ ફ્રોસ્ટ યાદ આવી જાય: ‘કવિતા જ છે, જે અનુવાદમાં ખોવાઈ જાય છે.’ ઉપલબ્ધ અનુવાદોમાંથી જે વધુ સ્પર્શી ગયો એના આધારે આપણે આગળ વધીએ. સમજી શકાય છે કે આ કામક્રીડા સફળતાથી પૂર્ણ થયા બાદની સ્વગતોક્તિ છે.સમ-ભોગ પછીના સંપૂર્ણ સુખમાં બે દેહ અદ્વૈત અનુભવે છે. બે જણ પ્રગાઢ આલિંગનમાં બદ્ધ છે. સ્ત્રીના સ્તન પુરુષની છાતીમાં ભીંસાઈ ગયાં છે. ચાર હોઠ એક થઈ પ્રેમરસનું પાન કરી રહ્યા છે. પ્રેયસીની ત્વચા જાણે પોતાની જ ત્વચા ન હોય એમ પ્રેયસીને ઓઢીને એકાકાર થયેલ પ્રેમી આગળની ઘટનાઓનું વર્ણન કરવાના બદલે અચાનક મૌન રહેવાનું નક્કી કરી, આપણા રસભાવની કસોટી કરતા હોય એમ આગળની વાર્તા આખી ઘટનાના ‘સાક્ષી’ દીવાના ઝાંખા પ્રકાશના હાથમાં છોડી દે છે… આ પ્રિટરિશિયો (Praeteritio)નું સ-રસ દૃષ્ટાંત છે. આ શબ્દાલંકારનું ગુજરાતી ભાષાંતર દોહ્યલું છે. મૂળ લેટિનમાં આ શબ્દનો અર્થ ‘છોડી દેવું’ થાય છે. ના-ના કરતે પ્યાર તુમ્હીં સે કર બૈઠે જેવી આ વાત છે. નથી કહેવું કહીને કહેવાનું. અવગણીને ધ્યાન ખેંચવાનું. એને ઓક્યુલેશિયો, એપોફેસિસ કે પેરાલેપ્સિસ પણ કહે છે. (આ સંજ્ઞાઓનું ગુજરાતી પણ કપરું જ છે!) પણ મુખ્ય વાત ન કહીને કહેવાની છે ને એની આ કવિતામાં ખરી મજા છે. છાતી, સ્તન, હોઠ, ત્વચા –કામકેલિ જે રીતે આગળ વધે છે એ જોતાં આગળ જનનાંગોના નામ કઈ રીતે કવિએ પ્રયોજ્યા હશે કે કામક્રીડાનું રસાળ વર્ણન કવિએ કેવું કર્યું હશે એ જોવા-જાણવાની ઉત્કંઠા કાવ્યારંભે જ તીવ્રતમ થાય પણ કવિતામાં આગળ વધતાં જ કવિ રતિક્રીડાના સાક્ષી દીવાને આગળ ધરી દઈને અચાનક મૌન સેવે છે. આ છે પ્રિટરિશિયો.

એક બીજી આડવાત. શબ્દાલંકારની જ વાત નીકળી છે તો કવિતામાં અધૂરી છોડી દેવાયેલ ભાષાશૈલી – પોલિપ્ટોટન (polyptoton)ને પણ સમજી લઈએ. (આ પોલિપ્ટોટનનું ગુજરાતીકરણ પણ કેમ કરવું?) એક જ મૂળમાંથી જન્મેલા શબ્દોને જોડાજોડ પ્રયોજવાના કવિકર્મને પોલિપ્ટોટન કહે છે. દા.ત.રિચર્ડ બીજો નાટકમાં શેક્સપિઅર કહે છે, With eager feeding, food doth choke the feeder. (આગ્રહપૂર્વક ખવડાવવામાં આવતાં, ખોરાક ખાનારને ગૂંગળાવી શકે છે.) પ્રસ્તુત રચનામાં કવિ છાતી, સ્તન, હોઠ અને ચામડી – એમ વારાફરતી સ્ત્રી અને પુરુષના અંગોની વાત કરે છે. પોલિપ્ટોટન આગળ વધે તો હવે સ્ત્રી અને પુરુષના જનનાંગોના નામ કવિતામાં આવે પણ ત્યાં કવિ વાત અધૂરી મૂકી દે છે… અને કવિતા વધુ રસપ્રદ બને છે.

સાવ એક લીટી જેવડી નાનકડી કવિતા, પરંતુ જેમ કામકેલિની ચરમસીમા પણ ક્ષણિક છતાં પ્રબળ હોય છે એમ જ ટચૂકડી છતાં તાકતવર. છાતી છાતીની સાથે જકડાયેલી છે એમ કહી દીધા પછી સ્તનની વાત કરે છે… બંને અલગ ? કે પછી વર્તુળના પરિઘ પરથી કેન્દ્ર તરફની ગતિ અહીં ઈંગિત થાય છે? પ્રગાઢ ચુંબન પછી નાયક એન્ટિગનીને વચ્ચે કશું જ ન રહે એમ જાતસરસી જકડી લે છે. એની ત્વચા નાયકની ત્વચા બની રહે છે. अब हवा भी नहीं, तेरे मेरे दरमियां।

ચસોચસતા હો એવી કે હવાની આવજા દુષ્કર બને,
સતત એવા અને એથી પ્રબલ આલિંગનોને શોધું છું.

– અને આ તીવ્રાનુભૂતિ પર આવીને નાયક અચાનક જ મૌન રહેવાનું જાહેર કરે છે… ‘બીજી તમામ ક્રિયાઓ’ બોલીને એ બીજી તમામ ક્રિયાઓની હાજરી હોવાનું તો સમર્થન કરે છે પણ એ ક્રિયાઓ વિશે એક પણ શબ્દ બોલવા તૈયાર નથી. પ્રેમ તો આગળ વધે છે પણ કથા અટકી જાય છે. અહીં સુધીની અને હવે પછીની તમામ ઘટનાઓનો દીવો મૂંગો સાક્ષી બની રહે છે. આમ તો દીવાનું તો કામ પ્રકાશ નાખવાનું છે. અંધારું દૂર કરવાનું છે. અહીં એ બંને પ્રણયરત નિર્વસ્ત્ર પ્રેમીઓના શરીરને પણ પ્રકાશિત તો કરે જ છે પણ જે ઘટના બંને વચ્ચે ઘટી ચૂકી છે કે ઘટી રહી છે એના પર પ્રકાશ ફેંકતો નથી. આખી ઘટનાનો એકમાત્ર સાક્ષી હોવા છતાંય દીવો પ્રકાશ પાડવાના બદલે સમગ્ર ઘટનાને અંધારામાં રાખે છે. આ પેરાડોક્સ-વિરોધાભાસ માત્ર એક જ લીટીની સાવ સામાન્ય લાગતી સંભોગોક્તિને કાવ્યની કક્ષાએ લઈ જાય છે.

બીજું, અહીં જે પ્રણયની તીવ્રતમ અનુભૂતિ છે એ આ કાવ્યનો આત્મા છે. વાત તો શારીરિક પ્રેમની જ છે પણ એકબીજામાં ઓગળી જવાની પરાકાષ્ઠા, પ્રિયજનની ત્વચાને પોતાની બનાવી લેવાની ઉત્કંઠા દૈહિક આવેશમાં કાવ્યપ્રાણ પૂરે છે. પ્રગાઢ આલિંગન, ચુંબન અને સંભોગથી કવિતા ખુલે છે અને મૌનમાં સમેટાય છે એ જ કેટલું સૂચક છે! પ્રણયની પરાકાષ્ઠાએ શરીર અને શબ્દો – બંને ઓગળી જાય છે. દિવેટ બળે અને મીણ ઓગળે ત્યારે જ અંધકારને મારી હટાવતો પ્રકાશ રેલાય છે. આપણી જાત, આપણી એષણાઓ બળી જાય અને બે જણ એકમેકમાં ઓગળી જાય ત્યારે જ પ્રેમનો શાશ્વત પ્રકાશ રેલાય છે. શબ્દો સળગી ઊઠે અને શબ્દાર્થ પણ મૌનમાં ઓગળવા માંડે એ ઘડી દ્વૈતમાંથી અદ્વૈત તરફની ગતિની, ચિર સાયુજ્યની પરમ ઘડી છે. ઓશો પણ સંભોગથી સમાધિની વાત કરે છે, કેમકે સેક્સની પરાકાષ્ઠાએ જ મનુષ્ય ઈશ્વરની સહુથી વધારે નજીક હોય છે. કામક્રીડાની ચરમસીમા પર હોઈએ એ એક ઘડીએ જ આપણે સંપૂર્ણ શરીરવિહીનતા-સ્વશૂન્યતાની ધન્યાવસ્થાએ પહોંચી શકીએ છીએ, જે અન્યથા વર્ષોના ધ્યાનથી પણ સંભવ બનતું નથી.

આ ગ્રીક કવિતાના અલગ-અલગ અંગ્રેજી અનુવાદ થયા છે જેમાંના એકનું ભાષાંતર કવિશ્રી રાજેશ વ્યાસ ‘મિસ્કીને’ પણ કર્યું છે, એ પણ જોઈએ:

એના નિર્વસ્ત્ર ભરાવદાર સ્તન
પડ્યાં છે મારી છાતી પર
ને એના અધરો પુરાયા છે મારા અધરો વચ્ચે.

મારી સૌંદર્યવતી એન્ટિગની સાથે
સૂતો છું હું સંપૂર્ણ સુખમાં
નથી કોઈ આવરણ અમારી વચ્ચે.

આગળ કશું નહીં કહું,
એનું સાક્ષી તો છે માત્ર ઝાંખું ફાનસ.

ગ્લૉબલ કવિતા : ૧૫૦ : જૂનું ઘર ખાલી કરતાં – બાલમુકુન્દ દવે

ફંફોસ્યું સૌ ફરીફરી અને હાથ લાગ્યુંય ખાસ્સું :
જૂનું ઝાડુ, ટૂથ-બ્રશ, વળી લક્સ સાબુની ગોટી,
બોખી શીશી, ટિનનું ડબલું, બાલદી કૂખકાણી,
તૂટ્યાં ચશ્માં, ક્લિપ, બટન ને ટાંકણી સોય-દોરો !
લીધું દ્વારે નિત લટકતું નામનું પાટિયું,જે
મૂકી ઊંધુ, સુપરત કરી, લારી કીધી વિદાય.

ઊભાં છેલ્લી નજર ભરીને જોઈ લેવા જ ભૂમિ,
જ્યાં વિતાવ્યો પ્રથમ દસકો મુગ્ધ દામ્પત્ય કેરો;
જ્યાં દેવોના પરમ વર-શો પુત્ર પામ્યાં પનોતો
ને જ્યાંથી રે કઠણ હૃદયે અગ્નિને અંક સોંપ્યો !
કોલેથી જે નીકળી સહસા ઊઠતો બોલી જાણે:
‘બા-બાપુ ! ના કશુંય ભૂલિયાં, એક ભૂલ્યાં મને કે ?’

ખૂંચી તીણી સજલ દૃગમાં કાચ કેરી કણિકા !
ઉપડેલાં ડગ ઉપર શા લોહ કેરા મણીકા !

– બાલમુકુન્દ દવે

ગુજરાતી ભાષાનું અમર કરુણપ્રશસ્તિ કાવ્ય

माया મનુષ્યમાત્રની લાક્ષણિકતા છે, કદાચ સજીવમાત્રની! સમયની સાથે આપણને આપણી આસપાસના માત્ર સજીવો જ નહીં, નિર્જીવો સાથે પણ માયા બંધાઈ જાય છે. આપણા ઘર-ઑફિસ-વાહન-સામાન આપણા જીવનના અવિભાજ્ય અંગો બની જાય છે. મોબાઇલ બગડી જાય ત્યારે જે દુઃખ થાય છે, એ માત્ર નવા કરવા પડનાર ખર્ચ બાબતનું નથી હોતું કેમકે બગડતાં પહેલાં એ આપણી હથેળીના પરિવારનો એક સદસ્ય બની ચૂક્યો હોય છે. પાંડવો સ્વાર્ગારોહણ માટે હિમાલય પર ગયા, ત્યારે અનાયાસ એમની સાથે જોડાઈ ગયેલું કૂતરું એમના પરિવારનો જ હિસ્સો બની ગયું હતું, અને એને લીધા વિના યુધિષ્ઠિર સ્વર્ગમાં પ્રવેશવા તૈયાર નહોતા થયા. મૂંગા પ્રાણીઓ માટે આવી મમતા થઈ આવતી હોય તો માનવી-માનવીની તો વાત જ શી કરવી? અને એમાંય મૃતક જો નિકટનું સ્વજન હોય તો તો આ બંધન પરાકાષ્ઠાએ જ હોવાનું ને?! ઘરની દીવાલોની વચ્ચે સમય કાઢતા માનવી સમય જતાં અનાયાસે જ એ દીવાલોને શ્વસવાનું શરૂ કરી દેતો હોય છે. પરિવારજનો માટેના સ્નેહ અને નિર્જીવ ઘરવખરી માટેના ખેંચાણ વચ્ચે ક્યારેક ભેળસેળ પણ થઈ જાય છે. આવી જ માયા અને ભેળસેળવાળી પરિસ્થિતિ કેન્દ્રમાં રાખીને બાલમુકુન્દ દવેએ આપણને ગુજરાતી ભાષાનું અમર સૉનેટ આપ્યું છે.

બાલમુકુન્દ દવે. જન્મ ૦૭-૦૩-૧૯૧૬ના રોજ વડોદરા પાસેના મસ્તુપુરા ગામમાં. પિતા મણિશંકર ગિરજાશંકર દવે. માતા નર્મદાબેન. પિતા ગામોટ ગોર હતા. પ્રાથમિક શિક્ષણ પ્રકૃતિના ખોળે મસ્તુપુરા-કુંવરવાડાની ગુજરાતી સરકારી શાળામાં. વડોદરાની શ્રીસયાજી હાઈસ્કૂલમાંથી મેટ્રિક. ૧૯૩૭માં જાસુદબહેન સાથે પ્રથમ લગ્ન. એમનું નિધન થતાં ૧૯૪૧માં ચંદનબહેન સાથે બીજાં લગ્ન. ૧૯૪૦માં નોકરીની શોધમાં અમદાવા આવી સ્થાયી થયા. શરૂઆતમાં ‘સસ્તું સાહિત્ય’ કાર્યાલયમાં. થોડો વખત પત્રકારિત્વ. ૧૯૬૮થી ૧૯૯૧ સુધી ‘નવજીવન’ પ્રકાશિત ‘લોકજીવન’ના તંત્રી. ૧૩-૧૪ વર્ષની વયે કાવ્યસર્જનનો પ્રારંભ. ૨૮-૦૨-૧૯૯૩ના રોજ ૭૭ વર્ષની વયે નિધન.

અનુગાંધીયુગીન કવિઓમાંના નોંધપાત્ર. ઘર-ગામ-તળાવ-ખેતર અને શાળાના રસ્તે અનવરત થયે રાખેલ પ્રકૃતિપાન ઉપરાંત પ્રાસંગિક ગીતો-પ્રભાતિયાં, વિશદ વાંચન, કુમારની બુધસભા અને વેણીભાઈ પુરોહિત જેવાઓની મૈત્રીનો કવિ બાલમુકુંદના ઘડતરમાં પ્રમુખ ફાળો. એમના મતે એમના પર ‘પ્રકૃતિસૌન્દર્ય, પ્રણય અને પ્રભુભક્તિ –એ ત્રણ ‘અંગ’માંથી પ્રકૃતિસૌન્દર્યની અસર વિશેષ વર્તાય છે.’ સુ.દ. લખે છે: ‘બાલમુકુંદ પડઘાઓના નહીં, પણ પોતીકા અવાજના કવિ છે…. …મૃત્યુનો અનુભવ બાલમુકુંદના વિષાદનું કેન્દ્ર છે. માતા, મિત્ર, પત્ની અને પુત્ર એ ચારેયનાં મૃત્યુની છાયા કવિના શબ્દ પર પડી છે.’ કવિએ બહુ લખ્યું નથી પણ જેટલું લખ્યું છે એ નખશિખ આસ્વાદ્ય છે. એમના સ્વચ્છ અને સુરેખ અભિવ્યક્તિવાળાં છંદોબદ્ધ કાવ્યો તથા લયહિલ્લોલથી આકર્ષતાં, પ્રાચીન લોકગીતો અને ભજનોના ઢાળોવાળાં ગીતો આપણી ભાષાનો આગવો ટહુકો બની રહ્યાં છે. એમની કવિતા જાત-અનુભૂતિની ભોંય ફાડીને અંકુરિત થયેલી છે. સરળ અને મધુર ભાષામાં લયાન્વિત એમની બાની હૃદયને તુર્ત જ સ્પર્શી લે છે. એક તરફ પરંપરા તો બીજી તરફ ગાંધીયુગીન સંસ્કારો સાથે તાદાત્મ્ય સાધીને પણ તેઓ સફળતાપૂર્વક નિજી છબી ઉપસાવી શક્યા છે. બાળકાવ્યોથી માંડીને પ્રૌઢશિક્ષણ અને મુક્તક, ભજન, ગીતોથી લઈને સૉનેટ-ખંડકાવ્યો સુધીની બૃહદરેખ પર એમનું સર્જનફલક વિસ્તાર પામ્યું છે. કવિતા વિશે બાલમુકુન્દ દવેના શબ્દો નોંધવા જેવા છે: ‘મૌનનું પડ ફોડીને કવિતાનો શબ્દાંકુર બહાર પ્રગટે છે, તે પૂર્વે ભોમ-ભીતરમાં ચાલતી કવિતાબીજ ફણગાવવાની નિગૂઢ પ્રક્રિયા તપાસવી, એ જેટલું રસપ્રદ એટલું જ અટપટું છે…. બારીક મોજણી કરવા છતાંય, કશુંક એવું બાકી રહી જય છે જે પૂરેપૂરું પામી શકાતું નથી અને જે કવિતાને ‘કવિતા’ બનાવે છે. આ જે તત્ત્વ શેષ રહી જાય છે એ જ કવિતાનું ‘વિશેષ’ છે!’

‘જૂનું ઘર ખાલી કરતાં’ આપણી ભાષાના સર્વકાલીન શ્રેષ્ઠ સૉનેટોમાંનું એક છે. કવિએ અહીં કરુણ રસનિર્વાહ માટે વધુ અનુકૂળ મંદાક્રાંતા છંદ બે-ચાર નાની છૂટ લઈને પ્રયોજ્યો છે. અષ્ટક-ષટક મુજબની પ્રચલિત પંક્તિ સંખ્યાના સ્થાને એમણે ષટક-અષ્ટક પ્રયોજ્યાં છે અને ષટક પછી ભાવપલટો આણીને છેલ્લી બે પંક્તિમાં અભિપ્રેત ચોટ નિપજાવી છે. સૉનેટની પહેલી બારેય પંક્તિઓને કવિએ પ્રાસની પળોજણમાં નાંખી ન હોવાથી ભાવક મુક્તવિહારની અવસ્થા લઈને કાવ્યાંતે પહોંચે છે ત્યારે અચાનક જ ‘આઉટ ઑફ બ્લૂ’ છેલ્લી બે પંક્તિમાં એનો સામનો પ્રાસ સાથે, ના, ચુસ્ત પ્રાસ સાથે થાય છે ત્યારે આખરી બે પંક્તિઓની ચોટ વધારે ધારદાર બની રહે છે અને ભાવકના અસ્તિત્ત્વને ચીરી નાંખવામાં સફળ રહે છે. કવિએ અનાયાસે જ પ્રાસ મેળવી દીધો હોય તોય એટલું સહજ સ્વીકારવું પડે કે આ પ્રાસ સૉનેટને અત્યંત ઉપકારક નીવડ્યો છે. અને આમ તો કવિ नवरसरुचिरा ગણાય છે, પણ ભવભૂતિએ તો एको रसः करुण एव કહીને કરુણ રસને એકમાત્ર મુખ્ય રસ ગણાવ્યો છે. દુઃખ કરુણરસની નિષ્પત્તિનો વિભાવ છે અને દુઃખની ઉત્પત્તિના અનેક કારણોમાંનું એક તે મૃત્યુ. આમ તો આપણે જાણીએ જ છીએ કે जातस्य हि ध्रुवो मृत्युः પણ નિશ્ચિત હોવા છતાં સમયરેખા પર અનિશ્ચિત રહેતું મૃત્યુ હંમેશા અણધાર્યું દુઃખ જન્માવે છે અને આ મૃત્યુ જો નિકટતમ સ્વજનનું હોય તો તો વિષાદનો રંગ ઓર ઘેરો બની રહે છે. વેદનાથી ફાટફાટ કવિહૃદયમાંથી આવા સમયે ફૂટી નીકળતા ઝરણાંને આપણે કરુણપ્રશસ્તિ (Elegy) કાવ્યો તરીકે ઓળખીએ છીએ. રામાયણ-મહાભારતમાં જોવા મળતાં ‘મંદોદરીવિલાપ’ તથા ‘ઉત્તરાવિલાપ’; કાલિદાસના ‘કુમારસંભવમ્’માં ‘રતિવિલાપ’ અને ‘રઘુવંશમ્’માં ‘અજવિલાપ’માં કરુણપ્રશસ્તિ કાવ્યોનો સહજ ઈશારો જોવા મળે છે. ગુજરાતી ભાષામાં ૧૮૬૫માં દલપતરામે લખેલ ‘ફાર્બસવિરહ’ને આપણે ગુજરાતી કરુણપ્રશસ્તિકાવ્યોનું પ્રારંભબિંદુ ગણી શકીએ. એમના પુત્ર ન્હાનાલાલનું ‘પિતૃતર્પણ’ પણ કરુણપ્રશસ્તિ કાવ્ય. નરસિંહરાવનું ‘સ્મરણસંહિતા’, પાઠકનું ‘છેલ્લું દર્શન’, ઉમાશંકરનું ‘સદગત્ મોટાભાઈ’ વગેરે આપણા ઉત્તમ કરુણપ્રશસ્તિ કાવ્યો છે. બાલમુકુન્દ દવેનું પ્રસ્તુત કાવ્ય આ કાવ્યોની પંગતમાં હારોહાર બેસે છે.

પ્રસ્તુત રચના કવિના પ્રથમ પુત્રના અવસાન નિમિત્તે લખાઈ છે. કવિતામાં ભલે ખાલી કરાતા ઘરમાં પુત્રપ્રાપ્તિની વાત કરાઈ હોય, હકીકતે પુત્રનો જન્મ તો રિવાજાનુસાર કવિપત્નીના પિયરના ગામ શેરખી ખાતે થયેલો અને પછી મા-દીકરા અમદાવાદના આ ઘરે આવ્યાં. પુત્ર ગંભીર બિમારીમાં સપડાયો એ જ સમયે ગામમાં કવિના પિતાની તબિયત પણ ગંભીર થઈ. એમની ખબર કાઢવા સૌ ગામ ગયા ત્યાં પુત્રનું અવસાન થયું અને બીજા દિવસે કવિના પિતાનું પણ. કવિ લખે છે: ‘મારી તો બંને પાંખ કપાઈ ગઈ! ખાલી હાથે અમદાવાદ આવ્યાં! ઘર તો ખાવા ધાય! (-જે ઘર પછી અમે ખાલી કર્યું.) આવા ઘેરા વિષાદ વચ્ચે ‘જૂનું ઘર ખાલી કરતાં’ સૉનેટ રચાયું –એમાં પિતાપુત્ર બંનેના મૃત્યુના વિષાદનો બેવડો ભાર છે. પુત્ર જન્મ્યો શેરખીમાં, અવસાન પામ્યો મસ્તુપુરામાં અને સૉનેટ રચાયું અમદાવાદમાં! કવિતાની ગતિવિધિ આવી મનસ્વિની છે! એ સ્થળકાળ વટાવીને પોતાની રીતે જ પ્રગટ થાય છે.’

પ્રસ્તુત સૉનેટ ગઈકાલની અને આજની ગુજરાતી ભાષા વચ્ચેના સંધિકાળ પર ઊભું છે, જે એની ખાસ વિશેષતા ગણી શકાય. ટૂથબ્રશ, લક્સ સાબુ, ચશ્માં, ક્લિપ, બટન જેવા અંગ્રેજી શબ્દોની અડોઅડ કૂખકાણી, અંક, દૃગ, કણિકા, મણીકા જેવા આજે અપ્રચલિત બની ગયેલા શબ્દો અહીં એકદમ સહજતાપૂર્વક વપરાયા છે. કદાચ એટલે જ આ સૉનેટ દરેક પેઢીને પોતીકું લાગતું આવ્યું છે, લાગતું રહેશે. શીર્ષકના કારણે કવિતા વાંચવી શરૂ કરતાં પહેલાં જ ભાવકને જાણ છે કે જૂનું ઘર ખાલી કરવામાં આવી રહ્યું છે, એટલે પ્રથમ પંક્તિ વાંચતાની સાથે આપણો મેળાપ મધ્યમવર્ગની માનસિકતા સાથે થાય છે. મમતાની દોર તોડવી કપરી છે એ કારણ તો ખરું જ પણ, મૂળે તો ઘર ખાલી કરી દીધા બાદ પણ મધ્યમવર્ગીય માનવી ‘કદાચ કંઈક બાકી રહી ગયું હોય તો?’ની માનસિકતાથી આઝાદ થઈ શકતો નથી, એટલે એ ખાલી કરાયેલું ઘર માત્ર ફંફોસતો નથી, ફરી-ફરીને ફંફોસે છે. (એકીસાથે આવતા ત્રણ ‘ફ’ની વર્ણસગાઈ કવિતાના ઊઠાવને વધુ ગતિશીલ બનાવી દે છે.) અને એને નિરાશા પણ નથી મળતી. એને હાથ છૂટકમૂટક એકાદ-બે વસ્તુઓ નહીં, ‘ખાસ્સું’ લાગે છે. આ ‘ખાસ્સું’ની જે યાદી છે, એ ‘મિડલક્લાસ મેન્ટાલિટી’ની મહોર ઓર ગાઢી બનાવે છે.

નવા ઘરમાં સહેજે કામ ન આવે એવી જ બધી વસ્તુઓ કવિને હાથ આવે છે, કેમકે કામ આવે એ તમામ ઘરવખરી તો ક્યારની લારીમાં લદાઈ ચૂકી છે. ઘર બદલવાના સાવ સાદા ભાસતા પ્રસંગની અહીં વાત છે. જૂનું ઝાડું, ટૂથબ્રશ, વપરાયેલા સાબુની બચેલી ગોટી, ઢાંકણ વગરની શીશી, ડબલું, કૂખેથી કાણી (અર્થાત્ કોઈ કાળે કામ ન આવે એવી) ડોલ, તૂટેલાં ચશ્માં અને છેલ્લે શોધવું પણ અઘરું થઈ પડે એવી સાઇઝની વસ્તુઓ – બટન, ટાંકણી, સોય અને દોરો! આમાં કઈ વસ્તુ નવા ઘરમાં કામ લાગી શકે એવી છે, કહો તો?! કવિએ આ યાદીમાં ભૂલથી પણ એકય કિંમતી કે કામની વસ્તુ આવી ન જાય એની ચીવટ લીધી છે. છેલ્લે દરવાજા બહાર લટકતું નામનું પાટિયું પણ કવિ પાછળ છોડી શકતા નથી. આ મધ્યમવર્ગીય માનવીની સંઘરાખોરીની વૃત્તિ છે. તો બીજી તરફ, એને એ પણ ખબર છે કે આ રાચરચીલું કાંઈ ગર્વ લેવા જેવું પણ નથી. ભલે ત્યાગી નથી શકાતું, પણ એ પોતાની માલિકીનું હોવાનો ઢંઢેરો પીટતાં એને શરમ પણ એટલી જ આવે છે. એટલે એ પોતાના નામનું પાટિયું છોડી ભલે નથી, શકતો, લારીમાં એને ઊંધું મૂકે છે, જેથી કોઈ જોઈ-જાણી ન શકે કે આ ‘બહુમૂલ્ય’ અસબાબ કોનો છે! મધ્યમવર્ગની માનસિકતાનું આથી વધુ અસરદાર ચિત્રણ બીજે જડવું દોહ્યલું છે.

કવિએ એ અહીં એક કાંકરે એકાધિક પક્ષીઓ માર્યાં છે. પ્રથમ ષટકમાં સામાનની મૂલ્યહીનતાની સાથોસાથ કવિતામાં રમૂજી હળવાશ અનુભવાય છે, જે ઉત્તરાર્ધ સાથે તીવ્ર વિરોધાભાસ સર્જવામાં સફળ નીવડે છે. હળવી શૈલીમાં વર્ણવાયેલ આ સામાન છેતરામણો છે એની ત્વરિત પ્રતીતિ થાય છે પતિ-પત્ની સાથે મળીને ઘર તરફ છેલ્લી નજર નાંખે છે ત્યારે. ફરીફરીને ફંફોસી-ફંફોસીને ઝીણામાં ઝીણી વસ્તુઓ વીણી અંકે કરી લઈ, લારીને વિદાય કર્યા બાદ પણ દંપતી આગળ વધી શકતું નથી. પહેલાં તો હાથે ચડ્યો એ સૌ સામાન વીણીને લારીમાં ભરી લીધો, હવે હાથે ન ચડી શકે એવા ઘરને નજરમાં ભરી લેવાનું છે. ઘર તરફ નજર કરતાં જ એવું ઘણું યાદ આવે છે, જે એકેએક વસ્તુઓ ઉસેટી લેવાની લ્હાયમાં યાદ જ નહોતું આવ્યું. પ્રમાણમાં ઓછા જાણીતા કવયિત્રી ચંદ્રિકાબહેન પાઠકજીનું એક લઘુ કાવ્ય અહીં યાદ આવે છે:

જવું હતું ગામ પરોઢિયામાં,
ખાલી હતી કૈં કરવાની ઓરડી.
લીધી હતી સર્વ ચીજો સમેટી,
છતાંય શું કૈંક ભૂલી જતી હતી?

મેં બારીએ, દાદર ને દીવાલે,
એ શૂન્યતામાં કંઈ દૃષ્ટિ ફેરવી,
અનેક ચિત્રો હજુ ત્યાં રહ્યાં હતાં,
એને ન ત્યાંથી શક્તી ખસેડી.

બાલમુકુન્દ દવે કરતાં ખાસ્સા ઓછા વાક્યો અને ઓછા શબ્દોમાં લાગણીને સહેજ પણ મુખર થવા દીધા વિના કવયિત્રીએ સંતાન/નોએ બારી-દીવાલ-દાદરે કરેલાં, ખસેડી-સમેટી ન શકાતાં ચિતરડાંઓની વાત કરીને સંતાનશોક વધુ સંયત રીતે રજૂ કર્યો છે. પ્રસ્તુત સૉનેટમાં પણ ખાલી ઘર પર આખરી મીટ માંડતા કવિદંપતીની આંખ સામે વીતી ગયેલાં દસ વરસ ક્ષણાર્ધમાં આવી ચડે છે. લગ્ન કરીને બંને જણ આ ઘરમાં આવ્યાં હતાં. આ ઘરમાં જ સહજીવનની શરૂઆતનો મુગ્ધતાસભર આખો દાયકો વીતાવ્યો હતો. દસ વર્ષના લગ્નજીવનના ખટમીઠા સંભારણાંની સાથોસાથ જ બંનેને પહેલો દીકરો યાદ આવે છે. અરે! આ ઘરમાં તો ઈશ્વરકૃપા સમો પ્યારો પુત્ર મળ્યો! પ્રથમ સંતાન કયા મા-બાપને ઈશ્વરના વરદાનથી સહેજ પણ ઓછું લાગતું હશે? પણ સંતાનપ્રાપ્તિની આ મધમીઠી યાદનું આયુષ્ય કવિતામાં એક જ પંક્તિનું છે. સંતાનસુખ-પુત્રસુખ જો કે કવિના નસીબમાં હતું જ નહીં. આ ઘરમાં લગ્ન થયા, આ ઘરમાં પત્નીએ પગ મૂક્યો, આ ઘરમાં દીકરો મળ્યો અને આ ઘરમાં જ દીકરાને ગુમાવવાનું બદનસીબ પણ સાંપડ્યું. આ જ ઘરમાંથી એ પુત્રને ચિતા સુધી લઈ જવો પડ્યો હતો…. પોતાને જીવતેજીવ સંતાન, પ્રથમ સંતાન મૃત્યુ પામે એ ઘા કોઈપણ મા-બાપ માટે દુનિયામાં સૌથી વસમો અને અસહ્ય હોય છે. આ ઘર એ સંતાનની યાદોથી ભર્યુંભાદર્યું છે. ઘરના કોઈ એક ખૂણામાંથી અચાનક મરી ગયેલો દીકરો જાણે પુનર્જીવીત થઈ ઊઠે છે અને સામો આવીને મા-બાપને હૈયાસોંસરવો પ્રશ્ન પૂછે છે: ‘બા-બાપુ! તમે એકેય વસ્તુ આ ઘરમાંથી નવા ઘરમાં લઈ જવાની ભૂલ્યાં નહીં. સાવ તૂટલી-ફૂટલી, ઘસાયેલી વસ્તુઓય લેવાનું તમે બાકી ન રાખ્યું. એક મને જ ભૂલી ગયાં કે?’ અહીં વાક્યાંતે આવતો ‘કે’ છંદ જાળવવા માટે પ્રયોજાયેલો ભરતીનો અક્ષર નથી, એ આપણા તમામ છંદોલયને વેરવિખેર કરી નાંખતો વજ્રાઘાત છે.

કાવ્યના પ્રારંભમાં સાવ તુચ્છમાં તુચ્છ ભાસતી તમામ તૂટેલી-ફૂટેલી વસ્તુને કમ-સે-કમ ગમે ત્યારે, ગમે ત્યાં ‘સાથે’ તો લઈ જવાતી હતી ને! પણ મહામૂલા પુત્રરત્નની પ્રાપ્તિ અને ખોવા વચ્ચેના સંસ્મરણો શું ફરીફરીને ફંફોસી ફંફોસીને પણ સાથે લઈ જવાશે ખરું? સાવ નકામી કહી શકાય એવી વસ્તુઓને સાથે લઈ જઈ શકાવાની ક્ષમતા અને પ્રિયમાં પ્રિય પુત્રના સ્મરણોને લઈ ન જઈ શકાવાની અક્ષમતા વચ્ચે કવિએ જે ધારદાર વિરોધાભાસ ઊભો કર્યો છે, એ વેદનાનું એવરેસ્ટ છે. મૃત પુત્રનું બાળપણ જે આ ઘરના ખૂણે-ખૂણે કેદ છે એની યાદ લાગણીને સઘન બનાવી કાવ્યને વેધક ચોટ આપે છે. ક્ષુલ્લક ભાસતા વાસ્તવચિત્રણ દ્વારા ઉત્કટ કરુણ તરફની ગતિ કાવ્યમાં ચમત્કારિક રીતે સિદ્ધ થઈ છે.

દંપતીની આંખો આંસુઓથી ભરાઈ આવે છે. પણ સાફ જોવા માટે તો આંખ કોરી જોઈએ. સજલ આંખો ઘર તરફ માંડેલી આખરી મીટને ધૂંધળી બનાવે છે, એ અનુભૂતિને આંખમાં કાચની કણી ભોંકાતી હોય એની સાથે સરખાવીને કવિએ દેખાવે કાચ જેવા પ્રવાહી આંસુનું ઘનીકરણ કરીને તકલીફને અસહ્ય બનાવી છે. નાનું ધૂળનું કણુંય આંખમાં પડ્યું હોય તો સહી શકાતું નથી, અહીં તો જાણે કાચની કણી ભોંકાઈ રહી છે. કેવી પીડા! વળી, જેમ કાવ્યારંભે ‘ફ’કારની વર્ણસગાઈ સૉનેટના ઊઠાવને મદદરૂપ નીવડે છે, એ જ રીતે કાવ્યાંતે ‘કાચ કેરી કણિકા’માં એકસાથે આવતા ચાર ‘ક’ની કઠોર વર્ણસગાઈ કણીની કર્કશતામાં વધારો કરીને શોકની પીડા વધુ તીવ્રતર બનાવે છે. વળી, આંખ માટે દૃગ શબ્દ પ્રયોજીને બીજી પંક્તિમાં કવિ પગલાં માટે ડગ શબ્દ વાપરીને આંતર્પ્રાસ વાપર્યો હોવાથી વાક્યાંતે આવતો કણિકા-મણીકાનો ચુસ્ત પ્રાસ વધુ બળવત્તર બને છે. સુરેશ જોષી લખે છે: ‘એ બંધ બેસી જતા પ્રાસની વચ્ચે જાણે શિશુવિયોગી માતાપિતાનાં હૃદય દબાઈ ગયાં છે! પ્રાસના રેણથી સંધાઈ ગયાં છે!’

લારી ચાલી નીકળી છે. જૂનાં ઘર તરફ છેલ્લીવાર નજર નાંખવાનો લોભ દંપતિને ભારે પડ્યો છે. પુત્રસ્મૃતિને લઈને આંખમાં આંસુઓ ખૂંચી રહ્યાં છે અને આંસુસભર આંખે આગળ ચાલવાની કોશિશ કરવા જતાં સમજાય છે કે પગ પર કોઈને લોઢાના મણકાઓ બાંધી ન દીધા હોય એમ પગ પણ ઊપડી-ઊપાડી ન શકાય એવા ભારી થઈ ગયા છે. નગીનદાસ પારેખ લખે છે: ‘આખા કાવ્યની ભાષા સાદી, સ્વાભાવિક, સીધી અંતરમાંથી આવતી, અને લાગણીની સચ્ચાઈના રણકાવાળી છે- લગભગ નિરલંકાર છે, એ પણ કાવ્યની અસરકારકતામાં વધારો કરે છે.’ ચન્દ્રશંકર ભટ્ટ પણ આવું જ કહે છે: ‘ભાવની સ્પર્શક્ષમ અભિવ્યક્તિ માટે ભારેખમ પદાવલિ અનિવાર્ય નથી, તેનું સમર્થ ઉદાહરણ આ કાવ્ય.’ ગુજરાતી ભાષાના આ ઉત્તમ કરુણપ્રશસ્તિ સૉનેટનો સુગુના રામનાથન તથા રીટા કોઠારીએ ‘મૂવિંગ હાઉસ’ નામે અફલાતૂન અંગ્રેજી તરજૂમો પણ કર્યો છે. રસિક મિત્રોને એમાં પણ રસ પડે એમ છે.

જીવનની એક જ દારુણતમ ઘટનાની અભિવ્યક્તિ કાજે એક જ કવિ બે અલગ કાવ્યસ્વરૂપ પસંદ કરે ત્યારે કવિતામાં અકલ્પ્ય અંતર નજરે ચડે છે. પ્રાણપ્યારા પુત્રના મૃત્યુનો શોક સૉનેટમાં ઊતાર્યા બાદ કવિએ આ જ વિષય પર એક ગીત પણ લખ્યું. માત્ર કાવ્યસ્વરૂપભેદના કારણે કવિતામાં કેવું મોટું અંતર સર્જાય છે એ રસનો વિષય બને છે. ગીત જોઈએ:

સોનચંપો

રંકની વાડીએ મ્હોર્યો સોન રે ચંપાનો છોડ:
અમને ના આવડ્યા જતન જી !

ઊષર અમ ભોમકામાં શેનાં રે ગોઠે, જેનાં
નંદનવન હોય રે વતન જી ?

વજ્જરની છાતી કરીએ, તો ય રે દુલારા મારા !
ધીરે જીવન કોરે ઘાનાં ઘારાં જી !

કુવાને ઠાળે જેવા કાથી કેરા દોરડાના —
થોડે થોડે લાગે રે ઘસારા જી !

દેશ રે ચડે ને જેવો ભમતો અંધારે પન્થી
ગામની ભાગોળે સારી રાત જી !

ઘરની ઓસરીએ તેવી, ઠેબાં રે ખાતી તું વિણ
બાવરી બનેલી તારી માત જી !

બાવળની કાંટ્ય જેવી ભવની ભુલામણીમાં
આ રે કાંઠે ઝૂરે મા ને તાત જી !

સામે રે કાંઠે તારા દૈવી બગીચા, બેટા !
વચ્ચે આડા આંસુના અખાત જી !

ગ્લૉબલ કવિતા : ૧૪૯ : ગુલાબ લાલ, લાલ – રોબર્ટ બર્ન્સ

A red, red rose

O my Luve’s like a red, red rose
That’s newly sprung in June;
O my Luve’s like the melodie
That’s sweetly play’d in tune.

As fair art thou, my bonnie lass,
So deep in luve am I:
And I will luve thee still, my dear,
Till a’ the seas gang dry:

Till a’ the seas gang dry, my dear,
And the rocks melt wi’ the sun:
I will luve thee still, my dear,
While the sands o’ life shall run.

And fare thee well, my only Luve
And fare thee well, a while!
And I will come again, my Luve,
Tho’ it were ten thousand mile.

– Robert Burns

ગુલાબ લાલ, લાલ

રે! મારો પ્રેમ છે ગુલાબ લાલ, લાલ સમ,
તાજું જે ખીલ્યું જૂનમાં,
રે! મારો પ્રેમ જાણે સંગીતની સરગમ,
બજે જે મીઠી સૂરમાં.

છોરી! તું જેટલી છે સુંદર ને ગોરી,
હું એટલો પ્રેમમાં ગરક:
ને તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો સાગર થાય સૂકાભટ:

છો સાગર થાય સૂકાભટ ને, મારી વહાલી,
સૂર્ય સંગ પહાડ પીગળી જાય:
તોય ચાહતો રહીશ તુજને હું, વહાલી,
છો જીવનરેત સરકી જાય.

ને અલવિદા, ઓ મારી એકમાત્ર પ્રિયા !
ને અલવિદા, બસ, થોડી વાર!
ને હું પાછો ફરી આવીશ, મારી પ્રિયા,
ભલે જોજન હો દસ હજાર.

– રોબર્ટ બર્ન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

સ્કૉટલેન્ડના રાષ્ટ્રીય કવિનું લાલચટ્ટાક પ્રેમગીત

પ્રેમ અને પ્રેમની અભિવ્યક્તિ તથા અભિવ્યક્તિમાં અતિશયોક્તિ એ આદિકાળથી મનુષ્યમાત્રની અનિવાર્યતા રહી છે. આજપર્યંતના પ્રેમીઓએ પ્રેમિકાઓને આપેલા વચન મુજબ જો આકાશમાંથી ચાંદ-તારા તોડી શકાયા હોત તો આજે આકાશ ચાંદ-તારા વગરનું હોત. પણ ઉભય પક્ષે અપાતા વચનો અશક્ય હોવાની સમજૂતિ હોવા છતાં પ્રેમને આ વચનોની આપલે વિના ચાલતું નથી એ પણ હકીકત છે. પ્રેમની ઘણીકે બાબત અસંભવ હોવા છતાં આપણને આકર્ષે છે, કેમકે પ્રેમ આંખોને સ્વપ્નો જોતાં શીખવે છે. પ્રેમ અસંભવના ફેફસાંમાં સંભવિતતાના વિશ્વાસનો પ્રાણવાયુ પૂરો પાડે છે. પ્રેમમાં અકલ્પનીય પણ હાથવગું લાગે છે અને ઝાંઝવાથી પણ યુગયુગોની તૃષા છીપે છે. પ્રસ્તુત રચનામાં બર્ન્સ પ્રેમની આ વિભાવનાઓને ચરિતાર્થ કરી બતાવે છે.

રૉબર્ટ બર્ન્સ. ૨૫-૦૧-૧૭૫૯ના રોજ સ્કૉટલેન્ડના કાઇલ જિલ્લ્લાના ઍરશાયર નજીકના એલોવે ગામમાં ખેડૂત પિતાએ હાથે બનાવેલા માટીના ઝૂંપડામાં જન્મ. ગરીબ પણ ખંતીલા ખેડૂતના સાત સંતાનોમાં સૌથી મોટા રૉબર્ટ ‘જ્યાં જાય ઉકો, ત્યાં પડે સૂકો’ જેવું નસીબ લઈ જન્મ્યા હતા. ઔપચારિક શિક્ષણ અને સમૃદ્ધિના અભાવમાં બાળપણથી જ ખેતમજૂરીમાં જોતરાયા. આકરી મજૂરીના કારણે શરીરનો બાંધો નબળો રહ્યો અને ખૂંધ નીકળી આવી. કવિતાએ નાનપણથી જ હાથ પકડ્યો હતો અને પોતાની કવિતા લોકોને ગમે છે એ સમજાઈ જતાં જ એ સોળે કળાએ ખીલ્યા પણ સફળતા પચાવી ન શક્યા. પ્રવર્તમાન યુગના ચલણ મુજબ દારૂ, ઉડાઉપણું અને ઐયાશીથી બચી શક્યા નહીં. ઊલટું કવિ હોવાના અહેસાસે આ બદીઓ વધુ વકરાવી. ખેતીમાં નિષ્ફળ રહ્યા. એક્સાઇઝ સહિતની અનેક નોકરીઓ કરી. પણ એમની ખર્ચાળ જીવનશૈલી માટે નોકરી અને કવિતા અપૂરતાં હતાં. જિન આર્મર સાથે લગ્ન પૂર્વે અને પશ્ચાત એકાધિક પ્રેમસંબંધે પણ જોડાયા. લફરાંઓ ઉપરાંત રુઢિચુસ્ત ધર્મ અને નૈતિકતા સામેની વિદ્રોહી વૃત્તિના કારણે પણ તેઓ જાણીતા હતા. પરિસ્થિતિ અને સંગત અનુસાર પોતાનું વ્યક્તિત્વ બદલી શકનાર બર્ન્સને લોકોએ કાચિંડા પણ કહ્યા છે. સતત અજંપો, અસંતોષી સ્વભાવ, ઉદાસીના હુમલા, ઘેરા તણાવ અને બેબાક જીવનશૈલીના કારણે હૃદયના વાલ્વની (રુમેટિક) બિમારી અકાળે વકરી અને ૨૧-૦૭-૧૭૯૬ના રોજ ડમ્ફ્રીસ ખાતે એમનું નિધન થયું.

ખૂબ નાની વયે દુનિયા છોડી જવા છતાં અમર થઈ ગયા હોય એવા સાહિત્યકારોની લાંબી યાદીમાં માત્ર સાડત્રીસ વર્ષનું આયુષ્ય ભોગવનાર રૉબર્ટ બર્ન્સ માનભેર મોખરે બિરાજે છે. ઇંગ્લેન્ડના પરિવર્તન યુગમાં થઈ ગયેલ બર્ન્સ આવનાર રોમેન્ટિસિઝમ યુગના પ્રણેતા ગણાય છે. કવિતાના જૂના સ્વરૂપો, નિયમો અને પાંડિત્યપૂર્ણ ભાષાનો અંચળો ફગાવીને સીધી-સ્ટીક લોકબોલીમાં લખાયેલ એમના ગીતો સ્વયંસ્ફૂર્તતા અને નૈસર્ગિકતાના કારણે લોકદિલને સ્પર્શી ગયાં. પ્રચીન લોકગીતોના લયને એમણે પુનર્જીવન બક્ષ્યું. પ્રાદેશિક આબોહવા, સ્થળવિશેષ, રીતિરિવાજો અને લોકબોલીને પકડી લઈને સરળ પણ અદભુત શબ્દો સાથે પરણાવી દેવાની એમની અદ્વિતીય જન્મજાત અવડતના કારણે તેઓ સ્કોટલેન્ડના રાષ્ટ્રીય કવિ ગણાયા. સ્કોટિશ અને અંગ્રેજી –બંને ભાષામાં લખાયેલી અને અંગ્રેજીમાં પણ સ્કૉટિશ છાંટની ભરમારવાળી બર્ન્સની કવિતા લાગણી અને અનુભવોના પ્રચંડ કાર્યક્ષેત્ર વડે અને હાસ્ય અને કરુણાને સમાન તુલામાં બેસાડ્યા હોવાથી સમસ્ત મનુષ્યજાતિને એક પરિવાર બનાવવામાં સફળ રહી છે. એમની કાવ્યપ્રતિભા એમના કટાક્ષોમાં ચરમસીમાએ પહોંચે છે. પ્રેમ અને માનવસ્વભાવની લાક્ષણિકતાઓની ઝીણામાં ઝીણી ઝાંય કવિતાઓમાં પકડવામાં એ સફળ રહ્યા છે.

પ્રથમ કાવ્યપંક્તિથી જાણીતી આ સુપ્રસિદ્ધ રચના ઉત્તમોત્તમ ગીતરચના (Lyrical poetry)નું ઉત્કૃષ્ટ ઉદાહરણ છે. પ્રાચીન લોકગીતોમાં વપરાતું બૅલડ મીટર પ્રયોજીને કવિએ ચાર ચતુષ્ક વડે સોળ પંક્તિનું આ નાનકડું પણ ચુસ્ત ગીત રચ્યું છે. એકી પંક્તિઓમાં આયમ્બિક ટેટ્રામીટર (અષ્ટકલ) તથા બેકી પંક્તિઓમાં આયમ્બિક ટ્રાઇમીટર (ષટકલ) વપરાયા છે, પણ કવિતાની ૧, ૩, ૧૦, ૧૨, તથા ૧૬મી પંક્તિમાં નિયત માત્રાસંખ્યા કરતાં એક માત્રા વધારાની છે. દરેક ચતુષ્કની બીજી તથા ચોથી પંક્તિમાં ચુસ્ત પ્રાસ મેળવાયો છે, જે બૅલડ મીટરનું મુખ્ય પાસું ગણાય. આ સિવાય છેલ્લા બે અંતરામાં એકી પંક્તિઓમાં શબ્દોની પુનરુક્તિના કારણે આભાસી પ્રાસ પણ મળે છે, જેના કારણે કેટલાક એને ‘કોમન મીટર’ ગણી બેસે છે. ગુજરાતી અનુવાદમાં અષ્ટક-ષટક મુજબ યંત્રવત્ માત્રામેળ કરવાના બદલે લોકગીતનો લય જાળવવું અને અબઅબ પ્રકારે પ્રાસ મેળવવું વધુ પર્યાપ્ત જણાયું છે. આજે જેમ આપણી ગુજરાતી ભાષામાં અંગ્રેજી શબ્દોની ભરમાર નજરે ચડે છે એમ એ સમયે કવિના અંગ્રેજીમાં સ્કૉટિશ બોલીની અસર અલગ કરી શકાતી નથી: Love (Luve), Melody (Melodie), Pretty (bonnie), Lady (Lass), Gone (Gang) વગેરે.

ઈ.સ. ૧૭૯૪માં લખાયેલા આ ગીતની અચંબાજનક હકીકત એ છે કે એ બર્ન્સનું મૌલિક સર્જન નથી. બર્ન્સે પોતે કબૂલ્યું છે કે આ ગીત એણે મેળવ્યું છે, લખ્યું નથી. સ્કૉટલેન્ડના ખેતરોમાં ગવાતાં અનેક ગીતો કવિના જાદુઈ સ્પર્શથી નવોન્મેષ પામ્યાં છે. બર્ન્સે આ ગીત કાગળ પર ઊતાર્યું એના સોએક વર્ષ પૂર્વેથી આ ગીત અસ્તિત્વમાં હતું અને કંઠોપકંઠ પેઢી દર પેઢી ઝીલાયા કરતું હતું. ‘ધ વૉન્ટન વાઇફ ઑફ કૅસલ ગેટ’ નામે જાણીતા લાંબાલચ્ચ લોકગીતમાં વચ્ચે આવતી આ પંક્તિઓ જુઓ:

Her Cheeks are like the Roses,
that blossoms fresh in June;
O shes like some new-strung Instru-ment
thats newly put in tune.

આ જ રીતે ‘ધ ટ્રુ લવર્સ ફેરવેલ’ નામથી જાણીતા લોકગીતની કેટલીક પંક્તિઓ પણ જોવા જેવી છે:

O fare you well, my own true love,
O fare you well for a while;
And I will surely return back again,
If I go ten thousand a-mile,

Shall the stars fall from the skies, my dear,
Or the rocks melt with the sun?
I will never be false to the girl of my heart,
Till all these things be done

કેટલું સામ્ય! આને ઊઠાંતરી કહીશું? ખેતરોમાં કે સામાજિક પ્રસંગોએ ગવાતાં લોકગીતો આપણે સહુ સાંભળતાં આવ્યાં છીએ પણ આ ઘાસની ગંજીમાંથી કવિતાની સોય શોધી કાઢીને સામે લઈ આવવી અને એની અપૂર્ણતાઓ અને ખામીઓને દૂર કરીને, ક્યાંકથી કોઈક શબ્દ, ક્યાંકથી કોઈક વિશેષણ, તો ક્યાંકથી વાક્ય અને ક્યાંકથી આખો અંતરો ભેગાં કરીને એક નવું જ ગીત આપવું એમાં પણ કવિની કાબેલિયત જ નજરે ચડે છે. કવિએ પોતે પ્રામાણિકતાપૂર્વક કદી આ અને આવાં કેટલાંક અન્ય ગીતો પર માલિકીદાવો કર્યો પણ નથી. આજે સવા બસો વર્ષ બાદ પણ આ ગીતે એની લોકપ્રિયતા લેશમાત્ર પણ ગુમાવી નથી, એ જ એના સર્જકની ખરી સિદ્ધિ ન ગણાય?

ખેર, આપણે ગીતના લયમાં આગળ હિલ્લોળીએ… નાયક કહે છે કે એનો પ્રેમ જૂન મહિનામાં તાજા જ ખીલેલા લાલ, લાલ ગુલાબ જેવો છે. ગુલાબની જગ્યાએ જાસૂદ કે કરણે-ચંપો હોત તો?

“0 What’s in a name? That which we call a rose,
By any other name would smell as sweet. ૧”

નામમાં શું બળ્યું છે? ગુલાબને બીજું નામ દેવાથી કંઈ સુગંધ બદલાઈ જવાની નથી. પણ બોલવું એક વાત છે અને આચરવું બીજી. નામનો મહિમા આપણે સહુ જાણીએ જ છીએ અને જિંદગી આખી આપણે નામ કમાવા પાછળ જ ખર્ચી પણ નાંખીએ છીએ. પ્યારની વાત આવે ત્યારે ગુલાબનો, ખાસ કરીને લાલ ગુલાબનો અલગ જ રુત્બો છે. વળી, કવિ લાલ શબ્દની પુનરુક્તિ કરીને ગુલાબની લાલિમાને અને પ્રેમની તીવ્રતાને દ્વિગુણે છે. પ્રેમનો લાલ રંગ સાથેનો ધ્વન્યાર્થ તમામ કાળ-સ્થળે પ્રબળતમ છે. સાદો લાલ નહીં, પણ લાલ, લાલ અર્થાત્ લાલચટ્ટાક ગુલાબ જેવો કવિનો પ્રેમ વિશ્વના તમામ પ્રેમથી વધુ બળવત્તર છે અને એય જૂન મહિનામાં તાજા ખીલેલા ગુલાબ જેવો તરોતાજા. આપણે ત્યાં જૂનમાં ચોમાસુ શરૂ થાય, પણ સ્કૉટલેન્ડમાં ઉનાળો. ઇંગ્લેન્ડ-સ્કૉટલેન્ડમાં ઉનાળાનો મહિમા જ અલગ. “Shall I compare thee to a summer’s day? Thou are more lovely and more temperate૨” (તને હું ઉનાળાના દિવસ સાથે સરખાવું? તું તો વધુ પ્યારી અને ખુશનુમા છે.) લાંબી રાતો-સૂર્યહીન દિવસોને ગુડબાય અને લાંબા હૂંફાળા પ્રકાશિત દિવસોનું વેલકમ એટલે સ્કૉટલેન્ડનો જૂન. મોસમ ખુશનુમા હોય તો માનવીનો મિજાજ પણ વધુ ઊઘડે. આવી ઊઘડતી મોસમમાં નવા ખીલેલા લાલમલાલ ગુલાબ જેવો પ્રેમચટ્ટાક પ્રેમી એની પ્રેયસીને કહે છે કે ન માત્ર તાજા ગુલાબ જેવો રાતોચોળ, મારો પ્રેમ તો સૂરમાં વાગતી ગળચટ્ટી કર્ણપ્રિય સંગીતની ધૂન જેવો છે.

પ્રેમમાં પ્રેમનું પ્રદર્શન પણ અનિવાર્ય છે (They do not love that do not show their love. ૩) પ્રેમી પોતાના પ્રેમ પર મુસ્તાક છે એ બીજા બંધમાં સમજી શકાય છે. પ્રેમી ચતુર પણ એટલો જ છે. એ એક કાંકરે બે પક્ષી વીંધે છે. પ્રેયસીના વખાણ તો કરે જ છે, પણ વખાણના ભારોભાર જાતને પણ વખાણી લે છે. કહે છે, તું જેટલી સુંદર દેખાય છે એટલો જ હું તારા પ્રેમમાં ગળાડૂબ છું. મતલબ, પ્રેમિકાને પ્રેમીના પ્રેમને લેશમાત્ર પણ ઓછો આંકવાની તક એ આપતો નથી. જો પ્રેમિકા પોતાને સંસારની સૌથી ખૂબસુરત સ્ત્રી ગણતી હોય તો એણે ફરજિયાત પ્રેમીને સર્વોત્તમ પ્રેમી પણ ગણવો જ રહ્યો. કેવું ચાતુર્ય! આ ચાતુર્ય જ બર્ન્સની કવિતાને પ્રેરિત હોવા છતાં ઉત્તમ કરાર આપે છે. અતિશયોક્તિ એ પ્રેમની પરિભાષા છે. “My bounty is as boundless as the sea, my love as deep; for both are infinite. ૪” (મારું ઔદાર્ય સમુદ્ર જેવું નિઃસીમ અને પ્રેમ એટલો જ ઊંડો છે, કેમકે બંને અનંત છે). વિશ્વના બધા જ સમુદ્રો સૂકાઈ જાય, સૂર્યની ગરમીથી બધા જ પથ્થરો-પર્વતો પીગળી જાય, જીવનની કાચની શીશીમાંથી આયુષ્યની બધી જ રેતી સરકી જાય ત્યાં સુધી અને તે છતાંય હું તને, અને માત્ર તને જ ચાહતો રહીશ. એંડ્રુ માર્વેલની ‘ટુ હિસ કૉય મિસ્ટ્રેસ’ની હજારો વર્ષની સમયરેખા પર લંબાતી અતિશયોક્તિ પણ તરત જ યાદ આવે. પણ પ્રેમ આંખથી નહીં પણ મનથી જુએ છે અને વળી આંધળો પણ છે, (“Love looks not with the eyes, but with the mind૫”; “But love is blind૬”) એટલે અતિશયોક્તિ પણ સત્ય અનુભવાય છે. અને જ્યારે પ્રેમ બોલે છે ત્યારે તમામ દેવતાઓના સ્વરથી સ્વર્ગ પણ એકરાગિતામાં લીન થઈ જાય છે. (“And when love speaks, the voice of all the Gods makes heaven drowsy with the harmony. ૭”) પ્રેમ શાશ્વતીનું મહાકાવ્ય છે. જ્યાં સુધી મનુષ્ય શ્વાસ લેતો રહેશે અને આંખ જોવાનું છોડશે નહીં ત્યાં સુધી પ્રેમ જીવતો રહે છે અને પ્રેમીઓને જીવન પૂરું પાડતો રહે છે. (“So long as men can breathe or eyes can see, so long lives this and this gives life to thee.૮”) બીજા બંધની ચારમાંથી બે પંક્તિ ત્રીજા બંધમાં કવિ પુનઃ પ્રયોજે છે. આ પુનરોક્તિ પ્રેમના અહેસાસને વધુ ધારદાર બનાવે છે. એના કારણે નાયકની અતિશયોક્તિ સાચી માની લેવાનું આપણને પણ મન થાય છે. ત્રીજા બંધમાં આગલા બંધની બે પંક્તિ સિવાય ‘મારી વહાલી’ સંબોધન પણ દોહરાવાયું છે, જે નાયિકાને પોતાના પરના નાયકના મમત્વની સાથોસાથ પોતાના પરના વહાલની તીવ્રતા અનુભવવામાં મદદરૂપ બને છે.

પુનરોક્તિની આ રીતિ કાવ્યાંતે પણ ચાલુ રહે છે. અંતિમ બંધમાં પણ ‘અલવિદા’ની વાતની સાથોસાથ ‘મારી પ્રિયા’ સંબોધન પુનર્કથન પામે છે. પોતાને જે કહેવું છે એ વાતને અંડરલાઇન કરીને હાઇલાઇટ કરવાની કવિની આ શૈલીના કારણે જ કદાચ આ કવિતા સવા બે સદીઓ બાદ પણ પ્રેમીઓના દિલમાંથી ભૂંસી શકાઈ નથી. ગીતના અંતભાગમાં જીવનરેત ખતમ થવાના ઈશારા પછી તરત જ જુદાઈની વાત આવે છે. નાયકને કોઈક કારણોસર જુદા થવાનું થયું છે. એ જાણે છે કે જુદાઈ દુઃખ આણે છે અને સુખ તાણી જાય છે (When you depart from me sorrow abides, and happiness takes his leave૯) એટલે છૂટા પડતાં પહેલાં પ્રેયસીને પોતાના પ્રેમની ઊંડાઈ અને સત્યતાની પ્રતીતિ કરાવવા મથે છે અને ખાતરી આપે છે કે પોતે એને અને એકમાત્ર એને જ પ્રેમ કર્યો છે. દિલની ગહરાઈઓમાંથી પ્રેમ કર્યો છે. દુનિયામાં કોઈએ કોઈને કર્યો ન હોય એટલો પ્રેમ કર્યો છે અને આ પ્રેમ ન માત્ર સ્થળાતીત છે, એ કાળાતીત પણ છે. આ અલવિદા માત્ર થોડીવાર માટેની જ છે. ભલેને બે જણ વચ્ચે દસ હજાર માઈલ કેમ ન પથરાઈ પડ્યા હોય, આ જુદાઈ કે આ અંતર –જરાય લાંબાં નથી. મુસાફરી પ્રેમીઓના મિલનમાં જ પરિણમશે. (Journeys end in lovers meeting૧૦) નાયક પાછો ફરશે જ. માટે જ, પ્રતીક્ષા કે ભરોસો છોડવાના નથી. જોન ડૉનનું ‘એ વેલિડિક્શન ઑફ વિપિંગ’ યાદ આવ્યા વિના નહીં રહે જેમાં વિદાયવેળાએ કાવ્યનાયક નાયિકાને રડતી અટકાવવા માટે કટિબદ્ધ જોવા મળે છે. પ્રેમનું મૃદુ ઝરણ હંમેશા તાજું રહે છે… (Love’s gentle spring doth always fresh remain. ૧૧) સાચો પ્રેમ હંમેશા તરોતાજા રહે છે. સમયનો માર આ ગુલાબને કરમાવી શકતો નથી. દુનિયાની દીવાલ બે જણને લાંબો સમય અલગ પણ કરી શકતી નથી. સમયના બેવડાં પરિમાણનો પણ પ્રેમમાં પરિચય થાય છે. એક તરફ નાયકનો પ્રેમ સમય અને દુનિયા અંત પામે તોય ટકી રહે એવો અંતહીન છે તો બીજી તરફ દસ હજાર માઇલની દૂરી પણ ‘થોડી જ વાર’માં કપાઈ જવાનો અડગ આત્મવિશ્વાસ છે. સમયના આ બે અંતિમોનો કવિ એકસાથે સાક્ષાત્કાર કરાવે છે. આ પ્રેમનો ચમત્કાર છે. જે રીતે ગુલાબનું આયુષ્ય ટૂંકું છે, પણ ખુશબૂ દીર્ઘજીવી છે; એ જ રીતે આપણું જીવન નાશવંત છે પણ આપણી પ્રણયસંવેદના અમર છે એ સમજ જ આ કવિતાનો સાર છે.

[લેખમાં ટાંકેલા અંગ્રેજી અવતરણો શેક્સપિઅરના છે: (૧) રોમિઓ એન્ડ જુલિએટ, (૨) સૉનેટ નં. ૧૮, (૩) ધ ટુ જેન્ટલમેન ઑફ વેરોના, (૪) રોમિઓ એન્ડ જુલિએટ, (૫) અ મિડ સમર નાઇટ્સ ડ્રીમ, (૬) ધ મર્ચન્ટ ઑફ વેનિસ, (૭) લવ્સ લેબર્સ લોસ્ટ, (૮) સૉનેટ નં. ૧૮, (૯) મચ અડુ અબાઉટ નથિંગ, (૧૦) ટ્વેલ્ફ્થ નાઇટ, (૧૧) વિનસ એન્ડ એડોનિસ]

ગ્લૉબલ કવિતા : ૧૪૮ : તારા પગ – પાબ્લો નેરુદા

Your Feet

When I cannot look at your face
I look at your feet.

Your feet of arched bone,
your hard little feet.
I know that they support you,
and that your sweet weight
rises upon them.

Your waist and your breasts,
the doubled purple
of your nipples,
the sockets of your eyes
that have just flown away,
your wide fruit mouth,
your red tresses,
my little tower.

But I love your feet
only because they walked
upon the earth and upon
the wind and upon the waters,
until they found me.

– Pablo Neruda
(English Trans.: Donald Walsh)

તારા પગ

જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો
તારા પગ તરફ જોઉં છું.

મરોડદાર હાડકાવાળા તારા પગ,
નાના અને સખત તારા પગ.

હું જાણું છું કે તેઓ તને સહારો આપે છે,
અને એ પણ કે તારું મીઠડું વજન પણ
તેઓ જ ઉપાડે છે.

તારી કમર અને તારા સ્તન,
તારી ડિંટડીઓનો બેતરફો જાબુંડી,
હમણાં જ દૂર ઊડી ગયેલ
તારી આંખોના ગોખલાઓ,
ફળની ફાડ સમું તારું પહોળું મોં,
તારા રાતા કેશ,
મારો નાનકડો મિનાર.

પણ હું તો તારા પગને પ્રેમ કરું છું
ફક્ત એ કારણે કે તેઓ ચાલે છે
ધરતી પર અને
પવન પર અને પાણી પર,
ત્યાં સુધી જ્યાં સુધી તેઓ મને શોધી નથી લેતા.

-પાબ્લો નેરુદા
(અંગ્રેજીમાંથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

તારા પગ જ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે….

પ્રેમમાં પ્રાપ્તિનું મહત્ત્વ છે. પ્રાપ્તિ માટે મુસાફરી જરૂરી છે. મુસાફરી પ્રેમ વિના અસંભવ છે. કોઈને દિલથી ચાહતા હોઈએ તો એના માટે આપણે ન માત્ર ઘર-ગલી, સંબંધો, આખી દુનિયા ત્યજીને એને પ્રાપ્ત કરવા માટેની સફર પર નીકળી પડતાં હોઈએ છીએ. બે જણ એકમેકમાં ઓગળી જઈએ એ સિવાયની કોઈ લાગણી મનમાં બચતી નથી. સમર્પણ કરીને પ્રાપ્ત કરવા નીકળે એનું જ નામ પ્રેમ. પણ સંપૂર્ણ સમર્પણ અને સફરના અંતે સર્વાધિક સ્નેહીજન સાંપડે એ તબક્કે સ્નેહીજન જો આ આખી સફરનું યથાર્થ મૂલ્યાંકન કરવાનું અને પ્રેમીજનના સ્વાર્પણની સાચી કિંમત આંકવાનું ચૂકી જાય તો? જો કે પ્રેમ સાચો હોય ત્યારે આવું જવલ્લે જ બનતું હોય છે. નેરુદાની પ્રસ્તુત રચનામાં પ્રેમીજન સદનસીબે પ્રિયતમાના સમર્પણ અને સફરનું સાચું મૂલ્યાંકન કરવાનું ચૂકતો નથી.

પાબ્લો નેરુદા. મૂળ નામ રિકાર્ડો એલિએસર નેફ્ટાલી રેયેસ બાસોઆલ્ટો. થોડા વરસ પહેલાં એક મિત્રે અમેરિકાથી એક ફિલ્મ-El Postino (The Postman)-ની ડીવીડી મોકલી હતી. ફિલ્મ જોતાં પહેલાં કવિનું માત્ર નામ જ સાંભળ્યું હતું. ફિલ્મ જોયા પછી કવિનો વધુ પરિચય થયો. જોતજોતામાં આ પરિચય ગાઢ પ્રેમમાં પરિણમ્યો. ‘મારા લોહીમાં કદી એક આંગળી પણ ન ડૂબાડનારાઓ શું કહેશે મારી કવિતાઓ વિશે?’ લખનાર નેરુદા વીસમી સદીના સૌથી પ્રતિભાશાળી અને પ્રભાવશાળી કવિઓમાંના એક. જન્મ દક્ષિણ અમેરિકામાં ચિલીના પારાલ ગામમાં ૧૨-૦૭-૧૯૦૪ના રોજ. પિતા રેલ્વે કર્મચારી હતા અને માતા શિક્ષિકા. જન્મના બે જ મહિનામાં માતાનું મૃત્યુ થયું. સાવકી માતા અને સાવકા ભાઈ-બહેન સાથે એ મોટા થયા. દસ વર્ષની વયે પ્રથમ કવિતા લખી અને પિતાની નામરજી હોવા છતાં ૧૩ વર્ષની વયે તો કવિ તરીકે જાણીતા થઈ ગયા. પિતાની નારાજગીથી બચવા કદાચ ૧૯૨૦માં એમણે ઉપનામ અપનાવ્યું, જે પાછળથી એમનું કાનૂની નામ બની ગયું. માત્ર ૧૯ વર્ષની વયે પ્રથમ સંગ્રહ પ્રગટ થયો. બીજા વર્ષે એમનો પ્રસિદ્ધ સંગ્રહ ‘ટ્વેન્ટી લવ પોએમ્સ એન્ડ અ ડેસ્પરેટ સૉન્ગ’ બહાર પડ્યો જે આજે લગભગ સો વર્ષ બાદ પણ બેસ્ટ-સેલર ગણાય છે. આ સંગ્રહમાંનો શૃંગારરસ ખાસ્સો ચર્ચાના ચકડોળે ચડ્યો હતો. ધર્મે નાસ્તિક. છૂટાછેડા લીધા એ પહેલેથી જ પત્નીથી અલગ થઈ પોતાનાથી વીસ વર્ષ મોટી ડેલિયા ડેલ કેરિલ સાથે રહેતા. પાછળથી એની સાથે બીજાં લગ્ન. રાજકારણમાં શરૂથી અંત સુધી ભારત અને બર્મા સહિત ઘણા દેશોમાં ઊંચા વગદાર હોદ્દાઓ પર સતત સક્રિય રહ્યા. ચિલિઅન કમ્યુનિસ્ટ પાર્ટીના સેનેટર પણ રહ્યા. તત્કાલિન પ્રમુખે ૦૫-૦૨-૧૯૪૮ના રોજ એમના નામનું વૉરંટ જારી કરતાં મિત્રોએ તેરેક મહિનાઓ સુધી એમને ભૂગર્ભમાં સંતાડી રાખ્યા. ત્યાંથી ભાગીને આર્જેન્ટિના ગયા. પોતાના જેવા દેખાતા ગ્વાટેમાલાના અસ્ટુરિયસના પાસપૉર્ટ પર તેઓ યુરોપ ફર્યા. આ ત્રણ વર્ષમાં તેઓ ભારત સહિત અનેક દેશોમાં ફર્યા. આ દરમિયાન એમની કાળજી રાખવા માટે નિમાયેલ સ્ત્રી સાથે એમણે ત્રીજા લગ્ન કર્યા. ઈ.સ. ૧૯૫૦માં એમને આંતરરાષ્ટ્રીય શાંતિ પુરસ્કાર મળ્યો. ૧૯૫૩માં વતન પરત ફર્યા. એ પછી પણ સમસ્ત વિશ્વમાં ફરતા રહ્યા. ૧૯૭૧માં એમને કવિતા માટે નોબલ પુરસ્કાર મળ્યો. પ્રોસ્ટેટના કેન્સરના કારણે તેઓ હૉસ્પિટલમાં દાખલ થયા ત્યારે અગસ્ટો પિનોચેટના હુકમાનુસાર ડોક્ટરે એમની હત્યા કરવા અજાણ્યો પદાર્થ ઇન્જેક્શનમાં આપ્યો હોવાની એમને શંકા હતી. હૉસ્પિટલ છોડ્યાના થોડા જ કલાકોમાં ૨૩-૦૯-૧૯૭૩ના રોજ ઇસ્લા નેગ્રા ખાતેના એમના ઘરમાં જ એમનું નિધન થયું. મૃત્યુનું પ્રાથમિક કારણ હાર્ટ ફેઇલ્યોર અપાયું હોવા છતાં ૨૦૧૫માં ચિલી સરકારના એક વિભાગે એમની હત્યા કરાઈ હોવાની શક્યતા ખૂબ જ વધારે હોવા અંગે જાહેરનામું બહાર પાડ્યું હતું. પિનોચેટે કર્ફ્યુ લાદી દીધો હોવા છતાં કવિની અંતિમયાત્રામાં લોકો હજારોની સંખ્યામાં ઊમટી પડ્યા હતા.

વિપુલ માત્રામાં વૈવિધ્યસભર સર્જન. નેરુદાની કવિતાઓ અત્યંત મસૃણ પ્રણયોર્મિની દ્યોતક છે. દક્ષિણ અમેરિકાના જંગલાચ્છાદિત ગ્રામ્ય વિસ્તારમાં વીતેલ એમનું બાળપણ એમની કવિતાઓમાં સતત ડોકાતું રહે છે. પ્રકૃતિ, પ્રણય અને જીવન-દર્શન એમની કવિતાના પ્રધાન કાકુ. મનુષ્યજીવનની વિષમતાઓની ગૂંચ ઉકેલવાની મથામણ એમની કવિતાઓમાં સતત ડોકાતી રહે છે. વીસમી સદીના આ કવિની કવિતાની ગેલેક્સીમાં મોટા-નાના ગ્રહ-ઉપગ્રહો, સ્વયંપ્રકાશિત તારાઓ, લિસોટા છોડી જતા ધૂમકેતુઓ, સપ્તરંગી વલયો, રહસ્યગર્ભિત બ્લેકહૉલ્સ, વિસ્મિત કરતી આકાશગંગાઓ ઉપરાંત ઘણું બધું એવું છે જે લૌકિકને અલૌકિકતા બક્ષે છે… નેરુદા માનતા કે કવિતા રોજબરોજની નાનામાં નાની અને ગંદામાં ગંદી વસ્તુઓમાં પણ રહેલી છે અને જે લોકો આ કવિતા જોઈ નથી શકતા, એ લોકો પાચાં જ પડવાનાં છે. અશુદ્ધ કવિતાની હિમાયત કરતાં નેરુદાએ લખ્યું છે કે, ‘પૈડાં જેમણે ખનીજ અને શાકભાજીના બોજા સાથે લાંબું, ધૂળિયું અંતર કાપ્યું છે, થેલાઓ કોલસાના ડબ્બાઓમાંના, પીપડાઓ, અને ટોપલીઓ, હાથઓ અને દાંડાઓ સુથારના ઓજારપેટી માટે. એમાંથી વહે છે સંપર્કો મનુષ્યના ધરતી સાથેના, જાણે કે મૂંઝાયેલા ગીતકારો માટેનું લખાણ.. કો’ક એમાં જોઈ શકે છે મનુષ્યની સ્થિતિની મૂંઝાયેલ અશુદ્ધિ… કવિતા, આપણે પહેરેલાં કપડાં, અથવા આપણા શરીર જેટલી જ મલિન… પ્રેમના વહનમાં વસ્તુઓની ઊંડી ઘુસપેઠ, કબૂતરના પંજા, બરફ અને દાંતના નિશાનવાળી, પરસેવાના ટીપાં અને વપરાશ વડે નજાકતથી કરડાયેલી એક વપરાઈ ગયેલી કવિતા… સાચે જ એ જ કવિની નિસબત છે, જરૂરી અને સંપૂર્ણ. જે લોકો વસ્તુઓના ‘ખરાબ સ્વાદ’થી ઉફરા રહે છે, એ બરફમાં ચત્તા મોંએ પછડાશે.’

મૂળ સ્પેનિશ ભાષામાં ‘tus pies’ શીર્ષકથી લખાયેલી આ રચનાનો અંગ્રેજી અનુવાદ ડૉનાલ્ડ વૉલ્શે કર્યો છે. મૂળ રચનાને વાંચતા કે ઓનલાઇન સાંભળતા એમાં પ્રાસ કે એકસમાન લય જણાતા નથી એટલે એમ અનુમાન કરી શકાય કે આ મુક્તકાવ્ય-અછાંદસ છે. કવિએ ૨-૨-૩-૮-૫ પંક્તિસંખ્યાવાળા પાંચ અસમાન અંતરાઓ પ્રયોજ્યા છે, જે બબ્બે પંક્તિના બે પગ પર ઊભેલી ઉલટી માનવાકૃતિનો ભાસ પણ સર્જે છે. અંગ્રેજી અનુવાદમાં બીજા-ત્રીજા અંતરાનું કદાચ અર્થને અનુલક્ષીને એકીકરણ કરી દેવાયું છે. અનુવાદના અનુવાદમાં આમેય ઘણું બધું ચળાઈને-બદલાઈને રજૂ થતું હોય છે, એટલે કાવ્યસ્વરૂપની ચર્ચા અસ્થાને મૂકીને કાવ્ય તરફ જ પગ ઊપાડીએ.

‘તારા પગ’ શીર્ષક જેટલું સ્વયંસ્પષ્ટ છે, એટલું જ અચંબાજનક પણ છે. આંખ, હોઠ, ઝૂલ્ફ, ચહેરો, દેહયષ્ટિ વિ.ની કવિતાઓ તો વિશ્વસાહિત્યમાં ચારેતરફ મળી આવશે પણ ખાસડાં અને ધૂળ-કાદવ જ જેના નસીબમાં છે એવા પગ વિશે બહુ ઓછા કવિઓએ કવિતા કરી હશે. પ્રભુના કે ગુરુના પગ ધોઈને ‘ચરણામૃત’નું આચમન લેવાનો રિવાજ હજી આપણે ત્યાં પ્રવર્તે છે. આપણા સંસ્કારનો બ્રાન્ડ ઍમ્બૅસેડર ‘ચરણસ્પર્શ’ હજી સાવ ભૂંસાઈ નથી ગયો. રામની પાદુકા સિંહાસન પર મૂકીને ભરતે ચૌદ વર્ષ રાજ્ય કર્યું હતું. લક્ષ્મણને સીતાનો ચહેરો યદ નહોતો, કેમકે એમણે એમના પગથી ઉપર દૃષ્ટિ જ ઊઠાવી નહોતી. પગની પાનીમાં તીર વાગતાં શ્રીકૃષ્ણે દેહોત્સર્ગ કર્યો હતો. વામન સ્વરૂપે વિષ્ણુએ ત્રણ પગલાંમાં બલિનું સર્વસ્વ લઈ લીધું હતું. તો એ જ વિષ્ણુના પગમાંથી ગંગા પ્રગટ થઈ હતી. દક્ષની પુત્રીએ પિતાગૃહે શંકરની અવહેલના જોઈ પગના અંગૂઠામાંથી અગ્નિ પ્રગટાવી અગ્નિસ્નાન કર્યું હતું. શ્રીમદ્ ભાગવત (સ્કન્ધ ૧૦, અધ્યાય ૩૧)માં બે શ્લોક (૭ તથા ૧૩) પણ પગ વિશે મળી આવે છે. એમાંથી એક જોઈએ:

प्रणतदेहिनां पापकर्शनम्
तृणचरानुगं श्रीनिकेतनम्।
फणिफणार्पितं ते पदाम्बुजं
कृण कुचेषु नः कृन्धि हृच्छयम्॥७॥

(આપનાં ચરણકમળ જે શરણાગત પ્રાણીઓના પાપોનો નાશ કરનાર છે, વાછરડાંઓની પાછળ જાય છે, લક્ષ્મી જેની સેવા કરે છે, સાપની ફેણ પર સવાર થાય છે, તેને અમારા સ્તનમંડળ પર મૂકીને અમારા કામાગ્નિને શાંત કરો.) આ છતાં પણ એ વાત અલગ છે કે ચરણકમળ કદી કવિતામાં કમળ બની ખીલી શક્યાં નહીં. આપણે ત્યાં રમેશ પારેખનું ‘હસ્તાયણ’ જડી આવશે પણ ‘ચરણાયન’ જવલ્લે જ નજરે ચડશે. પણ નેરુદા પગની કવિતા લઈને આવ્યા છે. કેમકે નેરુદાની કવિતા જિંદગીમાંથી જન્મી છે. નેરુદાની કવિતાનું પોતીકું વહેણ છે જે પરંપરાની ધારાને સાવ અડોઅડ છતાં તદ્દન ઉફરું વહે છે. ફ્રેન્ક સ્ટેનફર્ડ નામના સર્જકે ‘બ્લૂ યૉડેલ ઓફ હર ફીટ’ નામે કાવ્ય આ કવિતાને પાયાના પદાર્થ તરીકે વાપરીને રચ્યું છે, જે પણ આસ્વાદ્ય છે.

પાકીઝા ફિલ્મમાં ટ્રેનમાં ઓઢીને સૂતેલી મીનાકુમારીના એકમાત્ર ઉઘાડા અંગ-પગમાં રાજકુમાર ચિઠ્ઠી મૂકીને ચાલ્યો જાય છે, એમ લખીને કે, “आपके पांव देखे, बहुत हसीन हैं । इन्हें जमीन पर मत उतारियेगा, मैले हो जाएँगे ।“ એક વિખ્યાત લોકગીત પણ છે: “હાલાજી તારા હાથ વખાણું કે પટ્ટી તારા પગલાં વખાણું?” નેરુદા પણ પ્રિયતમાના પગની કવિતા કરે છે. પણ પગની કવિતા કરવા પાછળનું એમનું કારણ સહજ-સામાન્ય કારણોથી અલાયદું છે. એ કહે છે, જ્યારે હું તારા ચહેરાને નથી જોઈ શક્તો, તારા પગ જોઉં છું. ચહેરો કેમ નથી જોઈ શકાતો ભલા? સંકોચ નડે છે? કે ચહેરાનું ઓજસ અસહ્ય છે? હશે. કારણ જે પણ હોય, કવિનો આત્મવિશ્વાસ લગરિક પણ મંદ નથી. આખી કવિતા શરૂથી અંત સુધી એક તણાવનું વહન કરે છે. પ્રિયપાત્રને મળવાનું થાય ત્યારે માત્ર સ્ત્રીઓ જ નહીં, પુરુષો પણ ઘણીવાર ભારોભાર સંકોચ અનુભવતા હોય છે. આવામાં તારામૈત્રક સર્જવું ઘણીવાર ઉભય પક્ષે સંભવ બનતું નથી. પ્રથમ મિલનના આવેશ અને સંકોચની વચ્ચે પ્રવર્તતો તણાવ કવિતાના શબ્દે-શબ્દે ઝમે છે. ન જોઈને જોવાનો રોમાંચ પણ અવર્ણનીય હોય છે.

કવિની ગતિ એક અંતિમથી બીજા અંતિમ તરફની છે. વચમાં કમરની લચક, સ્તનોનો ઉભાર, આંખ, સ્મિત – ઘણું બધું છે પણ કવિનું ધ્યાન પ્રિયાના પગ તરફ જ છે. પગ માટેનો સવિશેષ પ્રેમ કે જાતીય આવેગ પોડોફિલિઆ (Podophilia) કે ફૂટ ફેટિશિઝમ (Foot Fetishism) તરીકે ઓળખાય છે જેમાં પગ, પગના આંગળાં, પગમાં પહેરેલ આભૂષણો, પગરખાં વિ. જાતીય સંતોષ મેળવવા માટેના સાધન બની રહે છે. કહે છે કે થોમસ હાર્ડી (લેખક), ફ્યોડોર દોસ્તોએવસ્કી (લેખક), એલ્વિસ પ્રિસ્લી (ગાયક), બ્રિટની સ્પીઅર્સ (એક્ટ્રેસ), બ્રુક બર્ક (મોડેલ), એન્રિક ઇગ્લેસિઆસ (ગાયક), એન્ડી વૉરહૉલ (પોપસ્ટાર) જેવી જગવિખ્યાત હસ્તીઓ ફૂટ ફેટિશ હતી/છે. ઘણા નેરુદા માટે પણ આવું વિચારે છે પણ આ એક કવિતાને આધારે એમને આવું વળગણ હતું એમ કહેવું વધુ પડતું છે, કેમકે કવિએ કયા વિષય પર કવિતા નથી કરી એ સંશોધનનો વિષય છે.

મરોડદાર હાડકાંથી બનેલા પ્રિયાના પગ નાના અને સખત છે. આ મુલાયમ પગ સખત કેમ થઈ ગયા છે એનું રહસ્ય જો કે કવિતાની અંતિમ પંક્તિઓમાં ખુલે છે. આ પગ પ્રિયાને આધાર આપે છે અને એનું ફૂલ જેવું નાજુક-મીઠડું વજન પણ ઉપાડે છે. પગ પ્રિયતમાનું જ પ્રતિક પણ હોઈ શકે ને? પ્રિયતમા પણ ફૂલ-સુકોમળ મરોડદાર કાયાવાળી અને કદાચ સખ્તજાન (પણ) છે.

ચહેરો જોવાની અશક્તિ નોંધાવ્યા બાદ પણ કવિ પ્રિયતમા તરફથી ફેરનજર કરતા નથી. નાજુક કમર અને એની નજાકત વધુ ઊભારી આપતાં ભરાવદાર સ્તન, ઉન્નત ડીંટડીઓનો લલચાવતો જાંબુડી રંગ કવિની નજરથી અછતા નથી. પ્રિયા પણ કદાચ નાયકના જેવો જ તણાવ મહેસૂસ કરે છે. એની આંખો પણ ક્યાંક દૂર તાકી રહી છે એટલે કવિને એની આંખો દૂર ઊડી ગઈ હોવાથી એના સ્થાને ખાલી ગોખલા બની ગયા હોવાનું દેખાય છે. કેવું અનૂઠું પણ સચોટ કલ્પન! નાયકના તણાવથી અવગત નયિકાનું સાશ્ચર્ય પહોળું થયેલું મોં કવિને ફળની ફાડ જેવું દેખાય છે. કેશનો રાતો રંગ પ્રેમ-આવેશ-લોહીનો રંગ ઈંગિત કરે છે. પ્રિયતમાના સૌંદર્યના રંગો ભર્યા બાદ પોતાની પરિસ્થિતિ કવિ એક જ પણ અસરકારક લીટીમાં વર્ણવે છે – મારો નાનકડો મિનાર. પ્રિયાના અપ્રતીમ સૌંદર્યથી થતી ઉત્તેજના કવિ છૂપાવતા નથી. છૂપાવવાનું હોય પણ નહીં… પ્રેયસી નિર્વસ્ત્ર ઊભી હોય અને પ્રેમી કામોત્તેજના ન અનુભવે એ ઘડી સેક્સોલોજીસ્ટ પાસે જવાની ઘડી છે. જો કે ફળની ફાડ જેવું પહોળું મોં, રાતા કેશ અને નાનકડો મિનાર- આ ત્રણેય કલ્પન સાથે મળીને સંભોગશૃંગાર રચતા હોવાની શક્યતા પણ નકારી શકાય એમ નથી.

ચહેરો જોઈ શકવાની અસમર્થતાને કારણે પગ તરફ મીટ માંડતો નાયક નાયિકાની સમગ્ર દેહયષ્ટિનું રસપાન કર્યા બાદ ફરીથી પગ તરફ વળે છે અને પોતાનું ધ્યાન પગ તરફ કેમ છે એનું કારણ લગભગ અંજલિસ્વરૂપે આપે છે. બેઉ માટે ‘આજની ઘડી રળિયામણી’ છે. આ પ્રેમની ઘડી છે. પ્રેમના મૂલ્યાંકનની ઘડી છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘હું ફરીથી પ્રેમમાં પડ્યો, અને પ્રેમે મારી જિંદગીમાં એક નવું મોજું ઊછાળ્યું અને મને પ્રેમથી, ફક્ત પ્રેમથી તર કરી દીધો, કોઈના પણ માટે ખરાબ વિચારી ન શકું એ રીતે.’ આ પ્રેમની તાકાત છે. એ તમને સંપૂર્ણ બનાવે છે. તમે જેને ચાહો છો એને પણ સંપૂર્ણ બનાવી દે છે. કવિ પ્રિયાને સાંગોપાંગ ચાહે છે. એક કવિતામાં નેરુદા કહે છે, ‘મને રોટલી, હવા, પ્રકાશ, વસંત, બધાની ના કહી દે, પણ તારા સ્મિતની નહીં, કેમકે હું મરી જઈશ.’

વીસ પંક્તિની આ કવિતામાં તેર વાર ‘તું’ અને છ વાર ‘હું’ના ઉલ્લેખ છે, જે કવિની પ્રેયસી તરફના ઉત્કટ ઉન્માદ તરફ પણ ઈશારો કરે છે. છેલ્લા અંતરામાં સ્પેનિશ કવિતાની મૂળ કાવ્યપંક્તિ Pero no amo tus piesનો અનુવાદ ‘પણ હું તારા પગને પ્રેમ કરતો નથી’ થાય છે. સમજાય છે કે ‘નથી’ની પૂર્વધારણા મૂકીને નેરુદાએ પ્રેમની તીવ્રતાનો પ્રમેય સાબિત કર્યો છે. અંગ્રેજી અનુવાદમાં આ નકાર ત્યજી દેવાતાં પ્રેમાવેશ થોડો હળવો થઈ જાય છે. આ અનુવાદની મર્યાદા છે. ચહેરો, લલચામણા સ્તન, માદક સ્તાનાગ્ર, લચીલી કમર, આંખ, સ્મિત –બધાને અવગણીને પગનું મૂલ્યાંકન કરે છે, પગને પ્રેમ કરે છે કેમ કે એ પગ જ છે, જે પ્રેયસીને એના સુધી લઈ આવ્યા છે.

મને સદભાગ્ય કે શબ્દો મળ્યા તારે નગર જાવા,
ચરણ લઈ દોડવા બેસું તો વરસોના વરસ લાગે. (મનોજ ખંડેરિયા)

પગથી પ્રેમી સુધીની યાત્રા કદાચ વરસોના વરસ લાંબી પણ હોય. ચરણ લઈને જવામાં જ્યાં વરસો લાગવાની વકી હોય ત્યાં શબ્દોની મદદથી પલક ઝપકતામાં પહોંચી જતો કવિ વળી શબ્દો વડે એ જ પગની સ્તુતિ પણ કરે છે. કેમ? તો કે, પૃથ્વી, પવન અને પાણી પર ચાલીને નાયિકા નાયક સુધી પહોંચી છે. એના નાના નાજુક પગ કદાચ આટઆટલું ચાલવાના કારણે સખત બની ગયા છે. અનંતતા, અશક્યતા અને આધારહીનતામાં ચાલવાની આ વાત છે. પણ સાચી પ્રતીક્ષા, સાચો પ્રેમ અનંતનો છેડો, અશક્યને શક્ય અને નિરાધારને આધાર બનાવે છે. એક કવિતામાં નેરુદા કહે છે: ‘તારા નિતંબથી લઈને પગ સુધી, હું એક લાંબી મુસાફરી ખેડવા ચહું છું.’ એ એમ પણ કહે છે: ‘આપણે સમયના જળ પર થઈને સાથે જઈશું કેમકે પડછાયાઓમાં થઈને મારી સાથે બીજું કોઈ મુસાફરી નહીં કરે.’ નાયકને મળવા માટે નાયિકા સમય અને સ્થળના તમામ વ્યવધાનો પાર કરીને, લાંબી મુસાફરી તય કરીને આવી છે. માટે જ નાયક કહે છે કે, આ પગ તને મારા સુધી લઈ આવે છે અને લઈ આવે ત્યાં સુધી એ જંપતા કે થાકતા કે અટકતા પણ નથી, માટે જ હું તારા પગને ચાહું છું. આ પગ ન હોત તો આપણું મિલન શક્ય ન હોત. આ પગ ન હોત તો આપણે એક થઈ શક્યાં ન હોત. આ પગ, પગ નથી; આપણા પ્રેમનો પ્રશસ્ત થયેલો માર્ગ છે. આ પગ આપણા સાયુજ્યના સ્વપ્નને વાસ્તવદેહ આપવામાં નિમિત્ત બન્યા છે. આ પગ મારા પ્રેમને સંપૂર્ણતા બક્ષે છે, માટે જ હું તારા ચહેરાને નથી જોઈ શકતો, ત્યારે આ પગને જોઉં છું, આ પગને ચાહું છું…