Evening Primrose
When once the sun sinks in the west,
And dew-drops pearl the Evening’s breast;
Almost as pale as moonbeams are,
Or its companionable star,
The Evening Primrose opes anew
Its delicate blossoms to the dew;
And hermit-like, shunning the light,
Wastes its fair bloom upon the night;
Who, blindfold to its fond caresses,
Knows not the beauty he possesses.
Thus it blooms on while night is by;
When day looks out with open eye,
‘Bashed at the gaze it cannot shun,
It faints, and withers, and is gone.
– John Clare
રાતરાણી
જ્યારે સૂર્ય પશ્ચિમમાં આથમી જાય છે,
અને ઓસબુંદો મોતીડે સજાવે છેસંધ્યાના વક્ષસ્થળને;
લગભગ ચંદ્રકિરણ અથવા એના સહયોગી તારા
હોય છે એવા જ ઝાંખા,
રાતરાણી એના નાજુક ફૂલોને
નવેસરથી ઝાકળ તળે ઊઘાડે છે,
અને સાધુ-પેઠે, પ્રકાશથી વેગળાં રહીને
વેડફે છે એના ઉજ્જ્વલ નવયૌવનને રાત ઉપર;
જે, એના પ્રેમાળ આલિંગનોથી અંધ,
નથી જાણતી એ સૌંદર્યને જે એના કબ્જામાં છે.
આમ એ ખીલે છે જ્યારે રાત હોય છે.
જ્યારે દિવસ ઊઘાડી આંખે જુએ છે,
છટકી ન શકાય એવા ત્રાટકથી શરમાઈને
એ મૂર્ચ્છિત થાય છે અને કરમાય છે અને ચાલી જાય છે.
-જૉન ક્લેર
(અનુ. વિવેક મનહર ટેલર)
કવિતાનું સૌંદર્ય અને સૌંદર્યની કવિતા
સૂર્ય આથમતાં જ વાતાવરણમાં છવાતી ઠંડકના પરિણામે રચાતી ઝાકળબુંદો સંધ્યાના સ્તનમંડળ પર ઝળહળતા મોતીઓની જેમ ઝગારા મારે છે. રાત પૂરી ખીલી ન હોવાના કારણે ચંદ્રકિરણો અને તારાઓ હજી ઝાંખા નજરે ચડે છે. આવામાં રાતરાણી ખીલવું શરૂ કરે છે અને જેમ સાધુ પોતાની ફરતેના સંસારથી પાણીમાં કમળપત્ર પેઠે અલિપ્ત રહે એવી જ વિરક્તિથી પોતાનાં ઉજ્જવળ ધવલ ફૂલોના અબોટ સૌંદર્યને અંધારી રાત પર ન્યોછાવર કરે છે પણ રાત તો આ પ્રેમાળ આલિંગનોથી સાવ અનભિજ્ઞ છે. કસ્તૂરીમૃગ જેમ જાણતું નથી કે એની નાભિમાં જ એનો ખજાનો છૂપાયો છે એમ જ રાત પણ જાણતી નથી કે એના આંચલમાં રાતરાણી શું ઠાલવી રહી છે! રાતરાણી પણ રાતના આવા નિસ્પૃહ વર્તનની જ હેવાઈ થઈ ચૂકી છે. દિવસ પૂર્ણ પ્રકાશ લઈને આંખો ખોલે છે કે તરત જ મૂર્છાવશ એ કરમાઈ જાય છે અને દિવસની પહોંચથી દૂ…ર ચાલી જાય છે.
જૉન ક્લેર (૧૩-૦૭-૧૭૯૩થી ૨૦-૦૫-૧૮૬૪)નું પોતાનું જીવન પણ રાતરાણી જેવું જ હતું. ગરીબીના અંધારામાં જ એ ખીલ્યો. ખેતમજૂરનો દીકરો. અગિયાર વર્ષની ઊંમરે તો શિક્ષણ અભરાઈએ ચડી ગયું ને ખેતમજૂરીની ધૂંસરી ખભે ચડી ગઈ. વાસણ વેચનારો બન્યો. અમીર ખેડૂતની છોકરી સાથે પ્રેમ કર્યો પણ છોકરીના બાપે નકાર્યો. માળીકામ કર્યું. લશ્કરમાં જોડાયો. જિપ્સીઓની જોડે રખડી-રઝળી જોયું. ચૂનો પકવવાનું વૈતરું પણ અજમાવી જોયું. પણ અક્કરમીનો પડિયો કાણો તે કાણો જ. છેવટે પરગણાંની મહેરબાની સ્વીકારવી પડી. જન્મજાત કુપોષણના લીધે ઊંચાઈ પણ પાંચ ફૂટે અટકી ગઈ અને જીવનભર તંદુરસ્તીના નામે અલ્લાયો જ.
જેમ્સ થોમ્સનનો સુપ્રસિધ્ધ કાવ્યસંગ્રહ ‘સિઝન્સ” ક્લેરે ખરીદ્યો હતો અને કવિતા-સૉનેટ લખવાની શરૂઆત કરી. મા-બાપને ઘરમાંથી ખદેડી કઢાતા અટકાવવા માટે એણે પોતાની કવિતાઓ સ્થાનિક પ્રકાશકને આપી. પુસ્તક છપાયું. પ્રસિદ્ધિ પણ ખૂબ મળી. માર્થા ટર્નર સાથે પરણ્યો, સાત-સાત બાળકો થયા પણ પૈસા સાથેનો બારમો ચંદ્રમા યથાવત્ જ રહ્યો. કવિતા અને આજીવિકાની સૂડીમાં એ સતત વહોરાતો રહ્યો. પાગલપનના હુમલા આવવા શરૂ થયા. મદ્યપાન બિમારીની હદ સુધી વકર્યું. એકવાર શેક્સપિઅરના ‘ધ મર્ચંટ ઑફ વેનિસ’ના મંચનમાં શાયલોક સાથે ગાળાગાળી કરીને એણે ભંગ પણ પાડ્યો. બે વાર પાગલખાનામાં લાંબા ગાળા માટે દાખલ થવું પડ્યું અને છેલ્લા શ્વાસ પણ ત્યાં જ ભર્યા. જોકે આ પાગલપન દરમિયાન પણ એમની પ્રતિભા તો યથાવત્ જ રહી હતી.
ઇંગ્લેન્ડના ગામડાંઓનું પ્રાસંગિક ઉત્સાહપૂર્ણ પ્રતિનિધિત્વ અને એની ખાનાખરાબીના મરશિયાઓથી એ બહુખ્યાત થયો. “નોર્ધમ્પ્ટનશાયર ખેડૂત કવિ” એ એની ઓળખ. શરૂમાં ભૂલી જવાયેલો પણ વીસમી સદીના અંતભગમાં પુનઃપ્રતિષ્ઠા પામ્યો ને ઓગણીસમી સદીના અગ્રિમ હરોળના કવિઓમાં સ્થાન અંકિત કર્યું. જોનાથન બેટ કહે છે, “એ ઇંગ્લેન્ડમાં જન્મેલો સર્વકાલીન શ્રેષ્ઠ મજૂર-કવિ હતો. અન્ય કોઈએ કદી કુદરત વિશે, ગ્રામ્ય બચપણ વિશે અને વિમુખ અને અસ્થિર જાત વિશે આવું સક્ષમ અને સબળ લખ્યું નથી.” ખેતક્રાંતિ અને ઔદ્યોગિક ક્રાંતિના પરિણામે ગામ અને શહેરોની થવા માંડેલી દુર્દશા એની સંવેદનાના તારને સતત ઝંકૃત કરતી. પ્રકૃતિ સાથે એનો રક્તસંસ્કાર હતો. પાગલખાનાની કેદ પણ એની અભૂતપૂર્વ અંતર્દૃષ્ટિ અને સ્વયંસ્ફૂર્ત ઊર્મિને બાંધી શકી નહોતી. એ બંધ આંખોનો મુસાફર હતો અને એના શબ્દચિત્રો ઉત્તમોત્તમ ચિતારાના ચિત્રોથી ચાર ચાસણી ચડે એવા હતા. પ્રસ્તુત રચના પણ એના લાગણીશીલ સૌંદર્યાન્વિત કામનો ચોંકાવી દે એવો છટાદાર નમૂનો છે.
કવિતાનું પોતાનું સૌંદર્ય હોય છે અને સૌંદર્યની પણ પોતાની કવિતા હોય છે. ક્યારેક કવિતા ભાવક પાસે અપ્રતિમ સજ્જતાની આકરી ઉઘરાણી કરે છે તો ક્યારેક ગુલાબની પાંખડીઓનો આકાર, સંખ્યા, ગોઠવણી, રંગ, કાંટા – બધાયને સદંતર અવગણીને કવિતા તમને માત્ર ખુશબૂ જ માણવાનું ઈજન આપે છે. પુષ્પનો રંગ-રૂપ-આકાર એક પ્રકારની કવિતા છે તો આંખ બીડીને માત્ર સુગંધનેમહેસૂસ કરવી એય અલગ પ્રકારની કવિતા જ છે. જૉન ક્લેરની આ કવિતા પૃથક્કરણ માટે નહીં, માત્ર અહેસાસ માટે છે.
કેટલાંક ફૂલો ઘડિયાળ પહેરીને ઊગે છે. ઓફિસ ટાઇમ કહો, ગુલ દોપહરીકહો, કે નૌ બજિયા –આ ફૂલો સવારે નવ વાગ્યે ખીલે છે અને સાંજે ઓફિસ બંધ થવાના ટાંકણે બીડાઈ જાય છે. સૂરજમુખી ન માત્ર સૂર્ય સાથે ટાઇમિંગનો તાળો રાખે છે, સૂર્યની ગતિ સાથે મુખ પણ ફેરવે છે. આવા ફૂલોને સૂર્યાનુવર્તી (હીલિઓટ્રોપિક) કહે છે. હકીકત એ છે કે આ ફૂલો સૂર્ય તરફ નહીં પણ પ્રકાશની દિશામાં વૃદ્ધિ પામતાં હોય છે એટલે એ ફોટોટ્રોપિક કહેવાય છે. સૂર્યની સાથોસાથ પૂર્વથી પશ્ચિમ તરફ મોઢું ફેરવતા આ ફૂલો મહત્તમ સૂર્યપ્રકાશ મેળવવાની કોશિશમાં હોય છે જેથી પ્રકાશસંશ્લેષણ અને પ્રજનન વધુ સારી રીતે થઈ શકે. ગરદન ફેરવવાની આ કસરતથી સૂર્યમુખી પંદર ટકા જેટલી ઊર્જા મેળવે છે. (કસરત ખોટી નથી, ખરું ને?!) અને ફૂલો જ નહીં, કેટલાક છોડવાઓના પાંદડા પણ સૂર્યાનુવર્તી ગુણધર્મ ધરાવે છે. સૂર્યમુખી જેવા સૂર્યાનુવર્તી ફૂલોની અધધધ ૨૪૦૦૦થી પણ વધુ પ્રજાતિઓ જોવા મળે છે. અફીણના છોડના ફૂલો, ગલગોટો, ડેઝી, કમ્પાસ પ્લાન્ટ (રોઝિનવેડ) કેટલાક ઉદાહરણ છે.
મૂળ કવિતા ઇવનિંગ પ્રિમરોઝ વિશે છે. ઇવનિંગ પ્રિમરોઝ આછાં પીળાં રંગના ફૂલોવાળો એક છોડ છે જે રાતે ખીલે છે અને સવારે મુરઝાઈ જાય છે. આપણે આ છોડથી પરિચિત નથી પણ ઇવનિંગ પ્રિમરોઝ અને રાતરાણીના ગુણધર્મ ખીલવા-મુરઝાવાની બાબતમાં સરખા હોવાથી અહીં રાતરાણીનો સંદર્ભ રાખ્યો છે. પારિજાત પણ રાત્રે જ ખીલે છે પણ ફરક એટલો જ કે સવારે એનાં ફૂલ મુરઝાઈ નથી જતાં, ખરી જાય છે.
એલેક્ઝાન્ડર પોપે ખૂબ મશહુર કરેલ યુગ્મક (couplet) પ્રકારની આ રચના છે જેમાં અ-અ, બ-બ, ક-ક પ્રકારની પ્રાસરચના આયમ્બિક પેન્ટામીટર છંદમાં ગોઠવાયેલી હોવાથી કવિતાનો લય પ્રભાવક બને છે. કવિતાની ભાષા ખૂબ જ સરળ છે, જેનું એક કારણ એ પણ હોઈ શકે કે કવિનું ઔપચારિક શિક્ષણ ટીનએજ શરૂ થતા પહેલાં જ પૂરું થઈ ગયું હતું. રોજિંદા વ્યવહારના શબ્દોથી કવિ જે રીતે રાતરાણીનું
સૌંદર્ય ઉજાગર કરે છે પ્રસંશનીય છે.
કેટલાક સંબંધ પણ રાતરાણી જેવા હોય છે. દુનિયાની નજરે અલગ જીવતી બે વ્યક્તિ દુનિયાની નજર બહારના અંધારામાં એક થઈને ખીલી ઊઠે છે. લોકોની જાણ બહાર ખાનગી સ્થળો, સોશ્યલ મિડિયાઝ, ટેલિફોનની જમીન પર આવી મૈત્રીના યુટોપિયાનું સર્જન થતું આવ્યું છે, થતું રહેશે. જેમની જિંદગીની ટ્રેન રાતરાણી અને સૂરજમુખીના બેવડા પાટા પર દોડતી હોય છે એ લોકો બહુધા રાતરાણીની ખુશબૂનો બદલો સૂરજમુખીને વધુ સૂર્યપ્રકાશ ભેટ ધરીને ચૂકવતા જોવા મળતા હોય છે.
સૂર્ય આથમી ગયા પછીના ભળભાંખળાના સમયે આકાશનો ચાંદો અને તારાઓ પણ ઝાંખા નજરે ચડે છે. વાતાવરણમાં વ્યાપ્ત ઠંડકથી ભેજ જામતાં જે ઝાકળબુંદો જામે છે એ જાણે સંધ્યાના ગળામાં મોતીની સેરની જેમ ચમકે છે. આવા સમયે રાતરાણી ધીરે રહીને ખીલે છે. ‘નવેસરથી’ શબ્દ ધ્યાન ખેંચે છે. મતલબ આ ફૂલો ગઈકાલે પણ ખીલ્યાં હશે, આવતીકાલે પણ ખીલનાર હશે. પારિજાતની પેઠે ખીલીને ખરી જનારું નહીં પણ દેવહૂમા પક્ષીની જેમ મુરઝાઈ ગયા પછી ફરી ખીલનારું આ સૌંદર્ય છે.
પશ્ચિમનો કવિ પણ સાધુ-સંતોની સંસ્કૃતિથી કેવો પરિચિત છે! સાધુઓના અલગારીપણાને એણે આબાદ ચાક્ષુસ કર્યું છે. રાતરાણી પ્રકાશના પ્રલોભનોથી પર છે. રાતના અંધારામાં શુદ્ધ ચાંદની જેવા એના શુભ્ર શ્વેત સૌંદર્યની નોંધ કોઈ લેશે કે નહીં એની પણ એને દરકાર નથી. રાતને રાતરાણીના પ્રેમાળ આલિંગનોની જરાય તમા નથી એ જાણવા છતાંય એ પોતાની આખી જાત એના પર કુરબાન કરે છે. મકરંદ દવેનું ગીત યાદ આવ્યા વિના નહીં રહે:
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.
કોઈનું નહીં ફરિયાદી ને કોઈનું નહીં કાજી !
વાયરો ક્યાં જઈ ગંધ વખાણે,
ફૂલ તો એનું કાંઈ ન જાણે,
ભમરા પૂછે ભેદ તો લળી
મૂંગું મરતું લાજી.
ફૂલ તો એની ફોરમ ઢાળી રાજી.