Category Archives: Global કવિતા

ગ્લૉબલ કવિતા : ૮૫ : ઘરકામનું ઝેન – અલ ઝોલિનાસ

The Zen of Housework

I look over my shoulder
down my arms
to where they disappear under water
into hands inside pink rubber gloves
moiling among dinner dishes.
My hands lift a wine glass,
holding it by the stem and under the bowl.
It breaks the surface
like a chalice
rising from a medieval lake.

Full of the grey wine
of domesticity, the glass floats
to the level of my eyes.
Behind it, through the window
above the sink, the sun, among
a ceremony of sparrows and bare branches,
is setting in Western America.

I can see thousands of droplets
of steam- each a tiny spectrum- rising
from my goblet of grey wine.
They sway, changing directions
constantly- like a school of playful fish,
or like the sheer curtain
on the window to another world.

Ah, grey sacrament of the mundane!

– Al Zolynas


ઘરકામનું ઝેન

હું જોઉં છું મારા ખભા પરથી
નીચે મારા બાવડાં
જ્યાં તેઓ પાણી હેઠળ ગાયબ થઈ જાય છે
હાથોમાં ગુલાબી હાથમોજાંની અંદર
વાળુની થાળીઓની વચ્ચે મજૂરી કરતાં.
મારા હાથ એક શરાબનો પ્યાલો ઊઠાવે છે,
એને વાટકાની નીચેથી અને દાંડીથી પકડીને.
એ સપાટી તોડે છે
મધ્યયુગીન તળાવમાંથી ઊઠતા
ધાર્મિક મદિરાપાત્રની જેમ.

ગૃહજીવનની ભૂખરી શરાબથી
છલોછલ, પ્યાલો તરી રહ્યો છે
મારી આંખો સમક્ષ.
એની પછીતે, બારીમાંથી
સિંક ઉપર, સૂર્ય, ચકલીઓ
અને નગ્ન ડાળીઓના સમારોહ વચ્ચે,
આથમી રહ્યો છે પશ્ચિમ અમેરિકામાં.

હું જોઈ શકું છું હજારો શીકર
વરાળની- દરેક એક સૂક્ષ્મ વર્ણપટ- ઊઠતી
મારી ભૂખરી શરાબના જામમાંથી.
તેઓ ઝોલાં ખાય છે, સતત
દિશાઓ બદલતાં રહીને- રમતિયાળ માછલીઓની શાળાની જેમ,
અથવા નકરા પડદાની જેમ
એક બીજી દુનિયા તરફની બારી પરના.

આહ, તુચ્છ લૌકિકતાના ભૂખરા ધર્મસંસ્કાર!

– અલ ઝોલિનાસ
(અનુ. વિવેક મનહર ટેલર)
કવિતામાં ઘરકામ – ઘરકામમાં કવિતા

કવિતા શું છે? કવિતા ક્યાંથી આવે છે? કવિતા કોણ લખી શકે? સામાન્ય માણસને આવા પ્રશ્ન પૂછીએ તો જવાબ એમ જ મળે કે ભાઈ, કવિતા કંઈ બધાના વશની વાત નથી. It’s not everyone’s cup of tea. કવિતા બહુ અઘરી વસ્તુ છે, બહુ ઓછા માણસો લખી શકે છે અને કવિતા લખવા માટે તમારી જિંદગીમાં કંઈક અદભુત થયેલું હોવું જરૂરી છે. સાધારણ સામાન્ય માણસો નહીં, પણ મોટા માણસો, જેમનું જીવન અહો! અહો! થઈ જવાય એવા પ્રસંગોથી ભર્યુંભાદર્યું હોય એ લોકો જ કવિતા કરી શકે. કવિતાના વિષયો પણ ભવ્યાતિભવ્ય જ હોવાના… પણ સમાજમાં સહજ પ્રવર્તતી આ ભ્રમણા શું સત્ય છે? કે પછી કવિતા સાવ સાધારણ માણસ પણ લખી શકે અને સાવ સામાન્ય માનવીના જીવનની રોજબરોજની તુચ્છતમ ઘટનાઓ પણ કવિતાના ‘હીરો’ બની શકે? અલ ઝોલિનાસની પ્રસ્તુત રચના આ વાતનો જવાબ આપે છે.

અલ ઝોલિનાસનો જન્મ ઑસ્ટ્રિયા ખાતે મૂળે લિથુએનિયા (યુરોપમાં આવેલ એક દેશ)ના મા-બાપને ત્યાં ૧૯૪૫માં થયો હતો. ૧૫ વર્ષની વયે અમેરિકા આવ્યા. એમના પગે ભમરો ન હોય એમ આજ સુધીમાં એક-બે નહીં, ભારત દેશ સહિત તેઓ અઠ્ઠાવીસ ઠેકાણાં બદલી ચૂક્યા છે. માત્ર રહેઠાણની બાબતમાં જ નહીં, વ્યવસાયની બાબતમાં પણ એવું જ વૈવિધ્ય એમના જીવનમાં જોઈ શકાય છે. રસોઈ-સહાયક, લાઇફગાર્ડ, કારખાનામાં કામદાર, કાર ડ્રાઇવર, રસ્તો બનાવનાર કામદાર તરીકે પણ એમણે કામ કર્યું હતું. પાછળથી કવિતાના સંપાદક અને અનુવાદક બન્યા. હાલમાં કવિતા-ભાષાના તથા ઝેન શિક્ષક તરીકે કાર્યરત છે. અનુસ્નાતક થયા બાદ સર્જનાત્મક લેખન અને અંગ્રેજીમાં એમણે ડૉક્ટરેટની પદવી મેળવી છે. હાલ પત્ની સાથે કેલિફૉર્નિયા ખાતે રહે છે.

ઝોલિનાસ ઝેનના ઊંડા અભ્યાસી છે. તેઓ કહે છે: ‘ઝેનના લાંબા ગાળાના અભ્યાસુ હોવાના નાતે, હું શીખ્યો છું કે ખૂબ જ લાંબા સમયગાળા બાદ આપણે એ રહસ્યની સરાહના કરવાની નજીક આવીએ છીએ જેમાં આપણે રહીએ છીએ અને આપણે છીએ. કવિ હોવાના નાતે, એમાંની કેટલીક સરાહનાને હું એ ભાષામાં ‘રેકર્ડ’ કરવા ઇચ્છું છું જે જીવંત છે, રોચક છે અને સુલભ છે. શું શ્રેષ્ઠતમ કવિતા આપણને એ રહસ્યનો દિશાનિર્દેશ નથી કરતી? અને શું ઉત્તમ કવિતા આપણને હકીકતે એનો અનુભવ કરવામાં સહાય નથી કરતી?’ એમની કવિતાઓ બહુધા રોજબરોજની જિંદગીની સપાટી પરથી ઉપર ઊઠતી કવિતાઓ છે. સરળ ભાષા અને વેધક વાત લઈને આવતી એમની રચનાઓ નોખી કહી શકાય એવી મૌલિકતાના કારણે અલગ તરી આવે છે. એમની કવિતાઓ ઘણી ભાષાઓમાં અનુવાદ પામી છે અને કવિતાના પુસ્તકોને અનેક ઈનામ-અકરામોથી નવાજવામાં પણ આવ્યાં છે.

કવિતાનું શીર્ષક ‘ઘરકામનું ઝેન’ તરત જ ધ્યાન આકર્ષે છે. કહે છે કે શીર્ષક એવું હોવું જોઈએ કે વાંચતાવેંત વાચકના મનની દીવાલમાં એક હૂક લગાડી દે જેથી વાચક છટકી જ ન શકે. અહીં આ શીર્ષક એ રીતે યથાર્થ છે. શીર્ષક વાંચવાની સાથે જ કવિતા વાંચવી ફરજિયાત બની રહે છે. ઝેન સંપ્રદાયની એક અગત્યની ખાસિયત એ છે કે અહીં કોઈ ‘રુલ ઑફ થમ્બ’ જેવા નિશ્ચિત નિયમો છે જ નહીં. કાવ્યસ્વરૂપ કદાચ એને જ અનુસરે છે. એકથી માંડીને દસ સુધીની અનિયમિત પંક્તિસંખ્યાવાળા ચાર અંતરાઓથી બનેલ આ કવિતા છંદ અને પ્રાસના નિયમો કોરાણે મૂકીને સહજભાવે લખાયેલી કવિતા છે. ૧૯૭૯માં આ કવિતા પહેલીવાર પ્રસિદ્ધ થઈ હતી એ પછી આજ સુધીમાં અનેક કાવ્યસંપાદનોમાં એ પ્રગટ થઈ ચૂકી છે.

ઝેન શબ્દ વાંચતાવેંત બૌદ્ધ ધર્મ અને જાપાનનો ખ્યાલ આવે. ઝેન શબ્દ અને ઝેન –બંનેનું મૂળ ભારતમાં છે. આપણી સંસ્કૃત ભાષાનો ‘ધ્યાન’ શબ્દ ચીનમાં જઈને ‘ચાન’ બન્યો અને જાપાનમાં જઈને ‘ઝેન.’ ઝેનને વ્યાખ્યાયિત કરવું અશક્ય છે. ઝેનને વ્યાખ્યાઓ, પ્રવચનો કે પુસ્તકાકારે બાંધવાનો પ્રયત્ન માત્ર એને સમય અને સ્થળમાં જકડી લે છે અને એનો અર્થ નબળો પડી જાય છે. જિંદગીભર મધ જેણે જોયું કે ચાખ્યું જ ન હોય એને મધનું પોત, સ્નિગ્ધતા, રંગ, સ્વાદ સમજાવવાની કોશિશ જે રીતે નિરર્થક સાબિત થાય એ જ રીતે ઝેનનો સાક્ષાત્કાર ન કરનારને ઝેન વિશે કંઈ પણ કહેવું-સમજાવવું અસંભવ છે. ડોગેન ઝેન્જીનું એક નાનકડું વાક્ય ઝેન શું હોઈ શકે એ ઈંગિત કરે છે: ‘બૌદ્ધ ધર્મનો અભ્યાસ કરવો એટલે જાતનો અભ્યાસ કરવો; જાતનો અભ્યાસ કરવો એટલે જાતને ભૂલી જવી.’ આ ઝેન છે. ઝેન વિચારધારા એટલે પોતાની જાતથી અલગ થવાની કળા. બધા જ ધર્મમાં આ કરો અને આ ન કરોનો બોધ પ્રવર્તે છે જ્યારે ઝેન વિચારધારા એટલે કશું પણ ન કરવાની વિશુદ્ધ નિર્લેપતા. જ્યારે તમે બધું છોડી દો છો ત્યારે જ પ્રકાશ પ્રાપ્ત થાય છે. આ detachment from self એ જ ઝેન વિચારધારા છે… ઝેન શીખવે છે કે દરેક ક્ષણ એક ચમત્કાર છે અને દરેક કામ ઈશ્વરનો સાક્ષાત્કાર છે. ઝોલિનાસ સાવ ક્ષુલ્લક લાગતા ઘરકામની વાતને કવિતામાં વણી લે છે એટલે જ એ આ કામકાજને ‘ઝેન-ધ્યાન’ કહીને સંબોધે છે.

‘હું જોઉં છું’થી કવિતા શરૂ થાય છે. આ જોવું જ ઝેનમાં કેન્દ્રસ્થાને છે. તમારી આંખ બધું જ જોઈ શકે છે પણ ખુદ પોતાને એ જોઈ શકતી નથી. મનનું પણ એવું જ અને એવું જ તમારી જાતનું. તમે તમારાથી અલગ થાવ તો જ તમે તમારી સાચી જાતને જોઈ-ઓળખી શક્શો. કવિ રસોડામાં ઊભા છે અને રસોડાના પાણી ભરેલા સિન્કમાં ડૂબેલા વાસણો ધોઈ રહ્યા છે. પાશ્ચાત્ય દેશોમાં પુરુષ ઘરકામ કરે એ કોઈ નવી વાત નથી, આપણે ત્યાં પુરુષો સદીઓથી કામકાજના ‘જાતીય’ ભાગલા પાડીને कार्येषु मन्त्री करणेषु दासी કહી-કહીને સાહ્યબી ભોગવતા આવ્યા છે અને धर्मानुकूला क्षमया धरित्री સ્ત્રીઓ આ શોષણને પોતાનો ધર્મ ગણીને ‘સેવા’ કરતી રહે છે. વિદેશી સભ્યતામાં રાત્રિભોજનની સાથે શરાબ પીવાનો રિવાજ પણ છે. એટલે રસોડાના સિન્કમાં જે તળાવ ભરાયું છે એના તળમાં ડિશોની સાથે શરાબના પ્યાલાઓ પણ ડૂબ્યા હોવાનું સમજી શકાય છે. રબરના હાથમોજાં પહેરીને વાસણ ધોતા કવિ અથવા કાવ્યનાયક પોતાના ખભા ઉપર થઈને નીચે તરફ નજર માંડે છે એ વાતને કવિ દૃષ્ટિ જાણે મુસાફરી ન કરતી હોય એમ ચિત્રાંકિત કરે છે. ખભા પરથી સરકીને નજર બાવડાં પર થઈને હાથ સુધી અને હાથમોજાંની તથા પાણીની અંદર ગરકાવ હથેળીઓ સુધી પહોંચે છે. ડિશ સાફ કરતાં હાથ જાણે વૈતરું કરી રહ્યા છે.

બે હાથે કવિ એક ગ્લાસ ઊઠાવે છે. ગ્લાસને એક હાથે ઊંચકવો અને બંને હાથે ઊંચકવા વચ્ચેનો તફાવત સમજી શકાય એવો છે. કાચના ગ્લાસને તમે બે હાથે પકડીને ઊંચે ઊઠાવો છો ત્યારે તમે આ ક્રિયાને કેટલું માન આપો છો અને કેટલી પવિત્રતા કે ધાર્મિકતા સાથે એનું સંધાન કરો છો એ સમજાય છે. ઉપરથી પહોળા અને નીચે લાંબી દાંડીવાળા ગ્લાસને કવિ બે હાથે દાંડી ઝાલીને પાણીની સપાટી તોડી ઉપર આણે છે એ દૃશ્યને કવિ મધ્યયુગીન તળાવમાંથી કોઈ ધર્મપુરુષ ધર્મના કામમાં વપરાતા પવિત્ર મદિરાપાત્રને બહાર કાઢતા હોય એની સાથે સરખાવે છે. એક સમય હતો જ્યારે મદિરા દરેક ધાર્મિક પ્રસંગો સાથે વણાયેલી હતી. ચેલિસ-મદિરાપાત્ર જીવન, ડહાપણ, સર્વોપરિતા જેવી શક્તિઓ માટેની સંવાહિની ગણાતું. મદિરાપાત્રને ઊંચું કરવાનો સંકેત ઈશ્વરની રૂબરૂ થવા સાથે કે જાતને ઊંચી કરવા સાથે કે અલૌકિક સંપદાઓ લૌકિક પાત્રમાં ભરાવાની ઈશ્વરીય કૃપા બદલ એનો આભાર માનવાની સાથે સંકળાયેલો છે. મધ્યયુગીન કાળ પૂર્ણતાની નજીક હતો ત્યારે તેરમી સદીની આસપાસ મદિરાને દૂષણ ગણીને મદિરાપાત્ર અને મદિરાને ધાર્મિક વિધિઓમાંથી દૂર કરવામાં આવ્યા. આ કારણોસર એ સમયગાળા પછીની ધાર્મિક વિધિઓમાં મદિરાપાત્રની ગેરહાજરી જોવા મળે છે. આમ, કવિતામાં પાણીની સપાટી તળેથી મદિરાપાત્ર ઊંચે ઊઠાવવાની પ્રક્રિયા સાથે મધ્યયુગીન તળાવનું રૂપક પ્રયોજવાનો સંદર્ભ સમજી શકાય છે. એક સાવ સામાન્ય લાગતી ઘટનાને સમર્થ કવિ અને ઉત્તમ કવિતા કઈ રીતે ઉચ્ચ સ્તરે લઈ જઈ શકે છે એ શરૂની થોડી પંક્તિઓ પરથી જ સમજી શકાય છે. અહીં સપાટીનું ‘તૂટવું’ પણ અગત્યનું છે. જ્યાં સુધી તમે સપાટી તોડી શકતા નથી, ત્યાં સુધી બંધિયાર વિચારો, આદર્શો અને વર્તનમાંથી ઊપર ઊઠી શકતા નથી.

આમ તો ગ્લાસ પાણીથી ભરેલો છે પણ કવિને એ ગૃહજીવનની ભૂખરી શરાબથી છલોછલ નજરે ચડે છે. સાવ સહજ લાગતી વાતનું કઈ રીતે કાવ્યાંતર થાય છે એ બતાવવા માટે આ એક જ વાક્ય પૂરતું થઈ પડે એમ છે. ભૂખરી શરાબનો સંદર્ભ પણ સમજવા જેવો છે. ગ્રે વાઇનને ફ્રેન્ચમાં Vin gris કહે છે. લાલ દ્રાક્ષનો લાલ રંગ વાઇનમાં આવી ન જાય એ માટે દ્રાક્ષનો છૂંદો કર્યા પછી તરત જ એની છાલમાંથી રસ અલગ કરી દઈને આથો ચડાવવામાં આવતાં ભૂખરો વાઇન બને છે. વાઇન ભૂખરા સિવાય લાલ, ગુલાબી, નારંગી, રંગહીન અને પીળો પણ હોય છે. પ્રયોગશાળામાં સ્પેક્ટ્રોફોટોમીટર વડે વાઇનનો રંગ નક્કી કરવામાં આવે છે. જ્યાં સુધી વાઇનની વાત છે ત્યાં સુધી રંગ અલગ હોવાથી કોઈ ખાસ અર્થ સરતો નથી પણ જે ઘડીએ આ શરાબ ગૃહસ્થજીવનની શરાબ બની જાય છે એ ઘડીએ ભૂખરા રંગનો ઉલ્લેખ નાનાવિધ અર્થોના આખા મેઘધનુષ્યને ઊઘાડી આપે છે. ભૂખરો રંગ ભાવહીન (unemotional) રંગ ગણાય છે. તે અલગ, તટસ્થ, નિષ્પક્ષ અને અનિર્ણાયક પણ છે. મનોવૈજ્ઞાનિક દૃષ્ટિએ એ સમાધાનનો રંગ છે. ભૂખરો રંગ કંટાળાનું પણ પ્રતીક છે. ટૂંકમાં, ભૂખરો રંગ ઉદાસીનતાની વધુ નજીકનો રંગ છે.

ગૃહસ્થીના રંગોથી ભરેલા પાત્રને કવિ ઊંચકીને આંખો સુધી લઈ આવે છે અને એ ગ્લાસની પાછળ બારીમાંથી આખી દુનિયાની ગતિવિધિઓ નિહાળે છે. ફરી એકવાર ઝેનનું ધ્યાન કરીએ. જીવનની ક્ષુલ્લકમાં ક્ષુલ્લક લાગતી બાબતો પણ ઝેનમાં ઊંડો અર્થ ધરાવે છે. મૌન, અનુભૂતિ અને અનુભવ એ જ ઝેનના પ્રધાન કાકુ છે. પાંગ ચુ શીહ નામના એક કવિ કહે છે કે ‘મારી ચમત્કારિક શક્તિઓ અને આધ્યાત્મિક અભ્યાસ રહેલા છે પાણી ભરી લાવવામાં અને બળતણ એકઠું કરવામાં.’ આમ, રોજિંદું કામકાજ પણ ઝેન હોઈ શકે, જરૂર છે સંપૂર્ણ સમર્પણની. કોઈપણ બાબતમાં તમે જ્યારે તમારા સો ટકા આપો છો ત્યારે તમે ઝેનના સાચા અભ્યાસુ બન્યા ગણાવ.

જામમાંથી વરાળ ઊઠતી નજરે ચડે છે. મતલબ, વાસણો વરાળ નીકળે એવા ગરમ પાણીમાં ધોવાઈ રહ્યાં છે. આ અનુભવ કરવા જેવો છે. ઊકળતા પાણીને કાચના પાત્રમાં ભરીને પ્રકાશના સ્ત્રોત સામે નજર સમક્ષ રાખીએ ત્યારે પાત્રમાંથી ઊઠતી વરાળ અને હવાના કારણે સૂક્ષ્માતિસૂક્ષ્મ જળબુંદોનું જે નર્તન પાત્રની ઉપર હવામાં થતું જોવા મળે છે એ અદભુત હોય છે. આ જળબુંદો પરથી પરાવર્તિત થતો પ્રકાશ એમને વર્ણપટમાં ફેરવી દે છે અને જિંદગીના કેલિડોસ્કૉપ સાથે આપણે રૂબરૂ થઈ શકીએ છીએ. એક તરફ દિશા બદલતા રહેતી જળશીકરોના આ નર્તનને કવિ રમતિયાળ માછલીઓની શાળા સાથે સરખાવે છે તો બીજી તરફ બીજી દુનિયા તરફ ઊઘડતા પડદાની સાથે. સાવ સામાન્ય ભાસતી રોજિંદી ઘટના ધ્યાન દેવામાં આવે તો એક લોકમાંથી બીજા લોકમાં લઈ જવાના ચમત્કાર સાથે સાક્ષાત્કાર કરાવી આપે છે. કાવ્યાંતે ‘આહ, તુચ્છ લૌકિકતાના ભૂખરા ધર્મસંસ્કાર!’ કહીને કવિ વાતને વધુ ઊંચાઈએ લઈ જઈને છોડી દે છે.

આજુબાજુ સતત બનતી રહેતી નાની-નાની ઘટનાઓ પર આપણે ભાગ્યે જ ધ્યાન દેતાં હોઈએ છીએ. જે રીતે અનાયાસે લેવાયા કરતા શ્વાસ તરફ આપણે કદી ધ્યાન આપતાં નથી એમ જ રોજમરોજની આ બીનાઓ તરફ પણ આપણે દુર્લક્ષ સેવતાં રહીએ છીએ. આપણું ધ્યાન સૂર્યોદય અને સૂર્યાસ્ત જેવી રંગીન અને રોચક ઘટનાઓ પરફ જ હોય છે, પણ બારીમાંથી ચોરીછૂપી ઘરમાં સરી આવતા તડકા અને એમાં નૃત્ય કરતી બારીક હજારો-લાખો રજકણોના સૌંદર્યને ઘડીભર ધ્યાન દઈને માણવાનો વિચાર આપણને ભાગ્યે જ આવે છે. પણ જે ક્ષણે આપણે આ સૂક્ષ્મ અને તુચ્છ પર ધ્યાન આપતાં શીખી જઈશું એ ક્ષણે બેજી દુનિયા અને આપણી વચ્ચે જે અજ્ઞાનનો પડદો ઢંકાઈ રહ્યો છે એ ખુલી જશે અને જિંદગીનો ખરો અને બિલકુલ નવો જ અર્થ આપણી સામે આવી ચડશે. ટાઇઆ નામના એક કવિ ‘અનસીન’ શીર્ષકના હાઈકુમાં લખે છે: ‘ચેષ્ટાઓ ધ્યાનબહારની/ઓહ! કેવો તુચ્છ ગુનો/તોય એ સૌથી વધુ દુઃખદાયક છે.’

કવિતા લખવી, ડીશ ધોવી અને ધ્યાન કરવું અલગ નથી, એક જ છે. વાસણ ઉટકવા જેવું બેકાર લાગતું કામ પણ કળાનો એક ઉત્તમ નમૂનો બની શકે છે, જો એમાં આપણે આપણી જાતને ઓગાળી દઈ શકીએ તો. આઇરિશ કવિ થોમસ મૂરે કહ્યું હતું: ‘સામાન્ય કાર્યો જેનો આપણે ઘરે દરરોજ અભ્યાસ કરીએ છીએ, આપણા આત્મા માટે એમનું મહત્ત્વ એમની સૂચવે છે એના કરતાં ઘણું વધારે હોય છે.’ કવિ અલ ઝોલિનાસની જિંદગી પોતે આ વાતનું પ્રત્યક્ષ ઉદાહરણ છે. નાનામાં નાનાં કહી શકાય એવા તમામ વ્યવસાય એ કરી ચૂક્યા છે. રસ્તો બનાવનાર મજૂર કે કારખાનામાં મજૂરી કરવામાં એમને નાનમ નથી નડી એટલે જ એ કવિતા સ્ને ઝેન સુધી જઈ શક્યા છે. શ્રી શ્રી શુદ્ધાનંદ બાબા કહે છે, ‘’જ્યારે તમે વાસણ ઉટકો છો, ત્યારે તમે એકલા એ કમ કરી નથી રહ્યા એ હકીકત ઓળખો… મા પૃથ્વી, હવા, સૂર્ય, બધા જ આ ઉજવણીમાં તમારી સાથે જોડાયાં છે. વાસણ સાફ કરવું તમને ત્યારે જ વૈતરું લાગશે જ્યારે તમે સભાનપણે તમારા કામમાં જોતરાયેલી ‘કૉસ્મિક’ પ્રક્રિયા સાથે જોડાઈ નથી શકતા.’ ઝેન વિચારધારા કહે છે કે જિંદગીની દરેક ક્ષણ પોતે જ એક ચમત્કાર છે. હું અત્યારે વાસણ ધોઈ રહ્યો છું એ ચમત્કાર છે. વાસણ ધોવા માટેના પાણીનો હાથ સાથેનો સ્પર્શ પણ એક ચમત્કાર છે. હું પાણી સાથે એકાકાર થઈ જાઉં છું. હું ડીશ સાથે એકાકાર થઈ જાઉં છું. હું બારી સાથે એકાકાર થઈ જાઉં છું. હું બારીમાંથી દેખાતી ચકલીઓ, નગ્ન ડાળીઓ, સૂર્ય સાથે એકાકાર થઈ જાઉં છું. હું સમગ્ર સૃષ્ટિ સાથે એકાકાર થઈ જાઉં છું. હું સૃષ્ટિ બની જાઉં છું. હું બુદ્ધ છું. अहम् ब्रह्मास्मि।

ગ્લૉબલ કવિતા : ૮૪ : પુરાતત્ત્વવિદ્યા – કથા પોલિટ

Archeology

‘‘Our real poems are already in us
And all we can do is dig.’’
– Jonathan Galassi

You knew the odds on failure from the start,
That morning you first saw, or thought you saw,
Beneath the heatstruck plains of a second-rate country
The outline of buried cities. A thousand to one
you’d turn up nothing more than rubbish heap
of a poor Near Eastern backwater:
a few chipped beads,
splinters of glass and pottery, broken tablets
whose secret lore, laboriously deciphered,
would prove to be only a collection of ancient grocery lists.
Still, the train moved away from the station without you.

How many lives ago
Was that? How many choices?
Now that you’ve got your bushelful of shards
do you say, give me back my years
or wrap yourself in the distant
glitter of desert stars,
telling yourself it was foolish after all
to have dreamed of uncovering
some fluent vessel, the bronze head of a god?
Pack up your fragments. Let the simoom
Flatten the digging site. Now come
The passionate midnights in the museum basement
When out of the random rubble you’ll invent
The dusty market smelling of sheep and spices,
Streets, palmy gardens, courtyards set with wells
To which, in the blue of evening, one by one
Come strong veiled women, bearing their perfect jars.

– Katha Pollitt


પુરાતત્ત્વવિદ્યા

‘‘આપણી સાચી કવિતાઓ પહેલેથી આપણી અંદર જ છે
ને આપણે કંઈ કરી શકીએ છીએ તો માત્ર ઉત્ખનન.’’
– જોનાથન ગલાસી

તમે શરૂથી જ જાણતા હતા નિષ્ફળતાની સંભાવનાઓ,
એ સવારે જ્યારે તમે પહેલીવાર જોઈ, અથવા વિચાર્યું કે જોઈ છે,
ઊતરતી કક્ષાના પ્રદેશના ગરમીથી બેહાલ મેદાનોની નીચે
દટાયેલા શહેરોની રૂપરેખા. હજારે એકનો દાવ તો એ જ કે
તમે ખોદી કાઢવાના નથી કંગાળ નિકટપૂર્વી પશ્ચાદ્જળના
કચરાના ઢગલાથી વિશેષ કશું પણ:
થોડા મણકાઓના ટુકડાઓ,
કાચ અને માટીના વાસણોની કરચો, તૂટેલી તકતીઓ
જેની ગુપ્ત માહિતી, મહેનતપૂર્વક ઉકેલવામાં આવે,
તો પ્રાચીન કરિયાણાની યાદીઓના સંગ્રહથી વિશેષ પુરવાર નહીં થાય.
તોય, ટ્રેન તો સ્ટેશનથી દૂર નીકળી ગઈ તમારા વિના જ.

કેટલા જન્મો પહેલાંની
આ વાત છે? કેટલા વિકલ્પ?
હવે જ્યારે તમને પીપભરીને ઠીકરાં મળી ગયાં છે
શું તમે એમ કહેશો, મને મારા વરસો પાછાં આપી દો
અથવા ખુદને વીંટાળીને રણના
તારાઓના દૂરના ઝગમગાટમાં,
તમારી જાતને કહેશો કે આખરે તો એ મૂર્ખામી હતી
કો’ક અસ્ખલિત પાત્રને, દેવના કાંસાના માથાને
ઉઘાડા કરવાનું સ્વપ્ન જોયું એ?
સંકેલી લો તમારા ટુકડાઓ. રણની આંધીઓને
સપાટ કરી દેવા દો ખોદેલી જગ્યા. હવે આવશે
સંગ્રહાલયના ભોંયરામાં આવેશપૂર્ણ મધ્યરાત્રિઓ
જ્યારે ગમે તેવા રોડાંમાંથી તમે આવિષ્કાર કરશો
ઘેટાં અને મસાલાંઓથી ગંધાતી ધૂળિયા બજાર,
શેરીઓ, ખજૂરી બગીચાઓ, કૂવાઓ સહિતના આંગણાંઓ
જ્યાં, સાંજની નીલિમામાં, એક પછી એક
ગાઢાં બુરખાવાળી સ્ત્રીઓ આવશે, તેમનાં પરિપૂર્ણ ઘડાંઓ લઈને.

– કથા પોલિટ
(અનુ. વિવેક મનહર ટેલર)


ભીતરે કેટલું દટાયું છે?
એક લોથલ વસે છે મારામાં…

સ્મૃતિ નામનો પટારો જો માણસના જીવનમાં ન હોત તો, વિચારો તો શું થયું હોત? વધતી ઓછી સ્મૃતિ અન્ય પ્રાણીઓ જ નહીં, વનસ્પતિઓમાં પણ હોવાનું સાબિત થયું છે પણ માનવજીવનનો તો એ મુખ્યાતિમુખ્ય હિસ્સો છે. મોટા ભાગના માણસો આજ કરતાં વધારે વીતેલી કાલમાં જ જીવતા હોય છે. સ્મરણની ટ્રેનમાં બેસીને માણસ દિવસમાં હજારો વાર છૂટી ગયેલાં સ્ટેશનો પર ફરી-ફરીને જયા કરે છે. નવરાશની પળોનો તો એ કદાચ એકમાત્ર ઉદ્યમ છે. નજીકની-દૂરની સ્મૃતિઓનો ખજાનો ખોદી-ખોદીને માણસ એમાંથી ગમતાં- ન ગમતાં શબો કાઢીને એની સાથે રમતો રહે છે. મન પાસે કોઈ કોદાળી નથી પણ એના જેવી ચપળતાથી સ્મરણ બીજું કોઈ ખોદી પણ શકતું નથી. જમીન ધરતીની હોય કે મનની હોય, ખોદી કાઢવામાં આવે તો જે અશ્મિ અને અવશેષ હાથ લાગે છે એના પરથી વીતેલી કાલનું ચિત્ર યથાર્થ દોરી શકાય છે. અનિલ ચાવડા લખે છે:

ગઈકાલ જે વીતી ગઈ એ ઓરડો નથી કૈં,
કે મન પડે તરત એમાં જઈ શકાય પાછું.

– કેવી સાચી વાત! જે ચાલ્યું ગયું એમાં સદેહે પુનઃપ્રવેશ શક્ય નથી પણ મન તો મન પડે કે તરત જ ત્યાં ઘુસ મારી બેસે છે. અનિલ સદેહયાત્રાની અસંભવિતતાની વાત કરે છે તો ગની દહીંવાલા અદેહયાત્રાની શાશ્વત સંભાવનાની વાત કરે છે:

વીતેલા દિવસોના ખોળિયામાં દિલ ગયું પાછું,
જીવાતી જિંદગી! રોકાઈ જા, આ શું થયું પાછું?

કથા પોલિટની ‘પુરાતત્ત્વવિદ્યા’ કવિતા ગઈકાલમાંના આ જ ખોદકામની વાતના સંદર્ભે કવિતાની વાત લઈને આવી છે.

કથા પોલિટ. જન્મ ૧૪-૧૦-૧૯૪૯ના રોજ ન્યૂયૉર્કમાં બ્રૂકલિન ખાતે. કવિ. લેખક. પત્રકાર. નારીવાદી. એ પોતાના બ્લૉગ પર પોતાની ઓળખમાં પહેલો શબ્દ જ ‘પોલેમિસિસ્ટ’ વાપરે છે, જે પરથી સમજી શકાય છે કે વિવાદાસ્પદ ચર્ચાઓમાં અગ્રેસર ભાગ ભજવવો એમને ગમે છે. સામાજીક અને રાજકીય સમસ્યાઓ તરફનો ડાબેરી અભિગમ એમના લખાણોમાં મુખ્યત્વે જોવા મળે છે. ગર્ભપાત, રંગભેદ, ગરીબી જેવા માનવાધિકારો માટે તેઓ કલમથી ઝુંબેશ ઊપાડે છે. તેઓ ભદ્દી અને ઉત્કૃષ્ટ એમ બંને પ્રકારની વિનોદવૃત્તિ માટે ખ્યાત છે. ‘ધ નેશન’ સામયિકમાં ૧૯૮૦થી આવતી એમની દ્વિમાસિક કૉલમ ‘સબ્જેક્ટ ટુ ડિબેટ’ પ્રસિદ્ધિની ચરમસીમાએ પહોંચી છે. બાળપણમાં જ કથાનો કવિતામાં રસ જોઈને મા-બાપે એમને પ્રોત્સાહન આપ્યું. સાહિત્યમાં અનુસ્નાતક થયાં. ‘સ્મર્ફ્સ’ નામની પ્રખ્યાત કાર્ટૂન સ્ટ્રીપમાં સ્મર્ફેટ એકમાત્ર સ્ત્રી પાત્ર છે. કથા પોલિટે સ્મર્ફેટનું બૅપ્ટિઝમ (નામસંસ્કારવિધિ) કરી કૉઇન કરેલ ‘સ્મર્ફેટ પ્રિન્સિપલ’ શબ્દપ્રયોગ જગવિખ્યાત થયો છે. યુનિવર્સિટીમાં કવિતા શીખવતા હતા. ૧૯૮૭માં પહેલા લગ્ન અને ૨૦૦૬માં બીજા લગ્ન. હાલ મેનહટ્ટનમાં રહે છે.

‘પુરાતત્ત્વવિદ્યા’ શીર્ષક પરથી સમજી શકાય છે કે હજારો વર્ષ પહેલાં ધબકતી પણ કાળક્રમે ધરતીના ગર્ભમાં ધરબાઈ ગયેલી પ્રાચીનતમ સંસ્કૃતિના અવશેષો અને અશ્મિઓ ખોદી કાઢવાની અહીં વાત છે. એક તો આ ખોદકામ સીધી લીટીમાં શક્ય નથી અને બીજું, કથા આજની તારીખ અને તવારિખના કવિ છે એટલે કવિતામાં છંદની નિયમિતતા કે પ્રાસના બંધનો જોવા નહીં મળે એ સ્વાભાવિક છે. કવિતા ત્રણ ભાગમાં વહેંચાયેલી છે. શરૂમાં એક એપિગ્રાફ છે, અને એ પછી મુખ્ય કવિતા ૧૧ અને ૧૭ પંક્તિઓના બે અનિયમિત અંતરાઓમાં વહેંચાયેલી છે. કથાની ભાષા સરળ છે પણ બુશેલફુલ કે પામ(palm)ના સ્થાને પામી (palmy) જેવો શબ્દપ્રયોગ કરવામાં એ ખંચકાટ અનુભવતા નથી. પ્રાગૈતિહાસિક અવશેષોનું ઉત્ખનન કરાવનાર ભલે કોઈ પુરાતત્ત્વવિદ કેમ ન હોય, ખોદકામ તો મજૂર જ કરે છે અને એ માટેના સાધનો પણ પાવડા-કોદાળી જેવા સાદા જ હોવાના. એ રીતે જ પુરાતત્ત્વવિદ્યા વિષયક આ કવિતા પણ
પાંડિત્યપ્રચુર શબ્દપ્રયોગો કરવાના બદલે સીધી અને મર્મવેધી વાત કરે છે.

કવિતાની શરૂઆત જોનાથન ગલાસીની બે પંક્તિના એપિગ્રાફથી થાય છે. એપિગ્રાફનો એક અર્થ શિલાલેખ કે ઉત્કીર્ણ લખાણ થાય છે પણ સાહિત્યમાં અન્ય સાહિત્યકારના લખાણ કે કવિતાનો એક ભાગ શીર્ષક પછી કવિતાના મથાળે મૂકવામાં આવે એને આપણે ઉપોદ્ઘાત કે મુખબંધ કે આરંભક કહી શકીએ. મુખબંધને તમે જે તે કવિતાના મકાનમાં પ્રવેશવા માટેનો ઉંબરો કહી શકો. મુખબંધ કવિતાની સાથે સંલગ્ન પણ હોઈ શકે અને એનાથી સાવ વેગળું પણ. કવિતાના મુખ્ય વિચારને એ રજૂ કરતું હોય એમ પણ બને અને કવિતા મુખબંધની સદંતર વિરુદ્ધ દિશામાં જતી હોય એય શક્ય છે. મુખબંધ એક માહોલ ઊભો કરી આપે છે. હિથર બૉલેન કહે છે: ‘એપિગ્રાફ કવિતાનું વલણ સ્થાપવાથી વિશેષ કામ કરે છે- એ કવિતા શરૂ પણ થઈ ન હોય એ પહેલાં જ હોડ વધારી દે છે.’ અર્થાત્, કવિની જવાબદારી પછી વધી જાય છે. આમ જોવા જઈએ તો દરેક સર્જન માટે કોઈને કોઈ વિચાર જવાબદાર હોવાનો જ. આ વિચાર પ્રામાણિકતાથી આલેખવામાં આવે તો લગભગ બધી જ કવિતાના મથાળે મુખબંધ મૂકવાનાં થાય. મેરી શેલી એમના પુસ્તક ‘ફ્રેન્કન્સ્ટાઇન’ પુસ્તકમાં મિલ્ટનના પ્રખ્યાત મહાકાવ્ય ‘પેરેડાઇઝ લૉસ્ટ’માંથી માત્ર એક જ પંક્તિ મુખબંધ તરીકે મૂકીને આખા પુસ્તકનો ધ્રુવવિચાર સફળતાપૂર્વક સમજાવે છે. ઇલિયટની કવિતાઓમાં આના ઘણા ઉદાહરણો મળી આવે છે. જે. કે.રૉલિન્ગ્સે હેરી પૉટર એન્ડ ડેથલી હેલૉસમાં કરુણાંતિકાઓના પિતા ગણાતા ગ્રીક ટ્રેજેડિયન એસ્કેલસની પંક્તિ ટાંકી છે. ઢગલાબંધ પુસ્તકો અને કવિતાઓ એપિગ્રાફથી શણગારાઈ ચૂક્યાં છે, શણગારાતાં રહેશે. આપણે ત્યાં પ્રેમાનંદના તથા અન્ય આખ્યાનોમાં કડવાંની શરૂઆતમાં બે પંક્તિનું મુખબંધ મૂકવાનું વલણ હતું, જો કે આ મુખબંધ જે-તે આખ્યાનકારનું પોતાનું જ સર્જન રહેતું, નહીં કે પાશ્ચાત્ય સાહિત્ય પેઠે ઊછીનું.

જોનાથન ગલાસીનું મુખબંધ કવિતા સ્પષ્ટ કરી આપે છે. આપણી સાચી કવિતાઓ તો પહેલેથી જ આપણી અંદર જ સમાયેલી છે. આપણી નાભિમાં દટાયેલા અમૃતને આપણે ઓળખતાં શીખવાનું છે, નહીં કે કસ્તૂરીમૃગની જેમ જિંદગીભર ફાંફા માર્યા કરવાનું. આપણે વધુમાં વધુ ખોદકામ કરીને આ કવિતાઓને બહાર આણી શકીએ છીએ. આપણે કોઈ નવું કાવ્યસર્જન કરી શકીએ છીએ એમ જો આપણે માનતાં હોઈએ તો એ આપણા મિથ્યાભ્રમથી વિશેષ બીજું કશું નથી. મહાભારતમાં સુભદ્રાના ગર્ભમાં રહેલો અભિમન્યુ પિતા અર્જુનના મોઢે ચક્રવ્યૂહ ભેદવાનું રહસ્ય શીખે છે પણ સુભદ્રાને અધવચ્ચે ઊંઘ આવી જતાં કોઠા ભેદી લીધા પછી બહાર આવવાની કળા શીખી શકતો નથી એમ કહેવાયું છે. બાળક માના ગર્ભમાં હોય ત્યારે બહારની દુનિયામાંથી કશુંક શીખે છે કે નહીં એ તો વિજ્ઞાન જ છાતી ઠોકીને કહી શકે પણ બાળકનો જન્મ થાય એ ઘડીથી એ પંચેન્દ્રિયોની મદદથી પળે-પળે નવું શીખતો રહે છે. જિંદગીના પહેલા શ્વાસથી લઈને આખરી શ્વાસ સુધી મનાંકનો ઘડાતા રહે છે અને જેવા મનાંકનો, એવા વ્યક્તિત્વનું ઘડતર થાય છે. આખી જિંદગી આપણે જે જોયું છે, જાણ્યું છે, વાંચ્યું-સાંભળ્યું છે એ જ આપણી અંદરનો ખજાનો છે, જેને આપણે પોતીકો માનીને વાપરીએ છીએ જગત પાસેથી પળે-પળ ઊછીનો લીધા કરેલ આ ખજાનામાંથી થોડાઘણાં હીરા-મોતી-સોના-ચાંદી બહાર કાઢીને આપણે આપણી રીતે એને વાપરીએ છીએ અને પછી કહીએ છીએ કે જુઓ, આ મારી કવિતા છે! વાસ્તવિકતા એ છે કે આપણી પાસે કશું જ મૌલિક નથી. સાહિર લુધિયાનવી બહુ સાચું કહી ગયા:

दुनिया ने तजरबात ओ हवादिस की शक्ल में
जो कुछ मुझे दिया है वो लौटा रहा हूँ मैं

આપણી પાસે જે છે એ મેળવેલું જ છે. આપણે માત્ર અગાઉ કોઈએ એ વસ્તુ જે સ્વરૂપે રજૂ ન કરી હોય એ સ્વરૂપે રજૂ કરી શકવા જેટલી જ મૌલિકતા છે. વાણી-વિચાર-અભિવ્યક્તિ આ બધું જ આપણને હજારો વર્ષોની સંસ્કૃતિ, સમાજ અને અનુભવો પાસેથી જ મળ્યું છે. આપણે કેટલું ઊંડુ ઉત્ખનન કરી શકીએ છીએ અને શું બહાર કાઢી આણીએ છીએ એના પર જ આપણા સર્જનનો આધાર છે. બધું ભીતર જ છે. બહાર કંઈ જ નથી આટલું કહીને કથા પોતાની પુરાતત્ત્વવિદ્યાની કથા આદરે છે.

પહેલા અંતરામાં કથા આપણને અસહ્ય ગરમીથી બેહાલ થયેલી વિશાળ પણ પડતર જગ્યાએ લઈ જાય છે, જ્યાં પુરાતત્ત્વવિદને પહેલવહેલીવાર ધરતીના ગર્ભમાં કોઈ પુરાતન સભ્યતા દટાયેલ હોવાની રૂપરેખા જોવા મળે છે અથવા એવું લાગે છે કે જોવા મળે છે. આપણે જાણીએ છીએ કે પુરાતત્ત્વવિદ્યાની આ કવિતા હકીકતમાં કવિતાની કવિતા છે, પુરાતત્ત્વવિદ્યાની નહીં એટલે જોયું અને લાગ્યું કે જોયું એ બંનેનું મહત્ત્વ તરત જ સમજી શકાય છે. ક્યારેક આપણને આપણી અંદર શું છે એ સાફ નજરે ચડે છે, ઘણીવાર માત્ર એમ લાગે છે કે આપણે સાફ જોઈ શકીએ છીએ. આ ‘ટુ બી ઓર નોટ ટુ બી’ જ કવિતાનો સાચો આત્મા ઘડે છે. મેદાન ઊંડે-ઊંડે સુધી ખોદી કાઢવાની શરૂઆત કરવામાં આવે ત્યારે નિષ્ણાતને જાણ હોય જ છે કે આ આખું અભિયાન નિષ્ફળ જવાની સંભાવનાઓ પૂરેપૂરી છે. કાચા-પાકા અનુમાન અથવા આસપાસમાંથી જડી આવેલી નિશાનીઓના આધારે જે ઉત્ખનન આદરવામાં આવ્યું છે એમાં સરવાળે ધૂળ જ સાંપડવાની શક્યતા પૂરેપૂરી છે. હજારે એકનો જુગાર તો એ જ છે કે તમારા હાથમાં ભંગાર સિવાય કંઈ જ નહીં આવે. નિકટપૂર્વી પશ્ચાદ્જળના કારણે જે કંઈ કચરો જમા થયો હશે એ જ વધુમાં વધુ હાથ લાગે એ સંભવ છે. નિકટપૂર્વીનો સંદર્ભ દક્ષિણપશ્ચિમી એશિયા સાથે સંકળાયેલો છે, જેમાં આજના ઇઝરાઈલ, સિરીઆ, તુર્કી, ઈરાક જેવા દેશો અને કદાચિત ઇજિપ્ત, મેસોપોટેમિઆનો સમાવેશ થાય છે.

હજારો વર્ષ જૂની તૂટેલી-ફૂટેલી વસ્તુઓ હાથ લાગે ત્યારે એનો અભ્યાસ શરૂ થાય છે. કેટલાં જન્મો પહેલાંની આ સંસ્કૃતિ હશે? એ લોકો પાસે કેટલા વિકલ્પ હશે? શું આ ઉત્ખનન પછી જીવનના કિંમતી વરસો નાહક વેડફાઈ ગયાનો પસ્તાવો થશે કે પછી પુરાતન સંપદાઓ ખોદી કાઢવાનું સપનું જોવું એ મૂર્ખામી હોવાનો અહેસાસ થશે? હવે સમય આવી ગયો છે કે તમે તમારા ટુકડાઓ સમેટી લો અને રણની આંધીઓને આ જગ્યા પર ફરી વળીને એને પૂર્વવત્ સપાટ કરી લેવા દેવાનો. આ સાધન-સામગ્રીઓની મદદથી સંગ્રહાલયના ભોંયરામાં રાત-બેરાત ઉત્તેજનાના અજવાળે બેસીને એક આખેઆખી પુરાતન સંસ્કૃતિ ઊભી કરવામાં તમારે હવે લાગી જવાનું છે. બજાર, શેરીઓ, ઘરઆંગણાં અને ઘડામાં પાણી ભરવા આવતી સ્ત્રીઓનું તમારે પુનર્સર્જન હવે કરવાનું છે.

કલમ હાથમાં લેતી વખતે પણ આ જ અનિશ્ચિતતા સાથે કવિ જુગાર રમતો હોય છે. સમય અને અનુભૂતિના તાપથી તપ્ત સંવેદનાને જોઈને ઘણીવાર એ સંવેદનાની નીચે દટાયેલી કવિતાની રૂપરેખા નજરે ચડતી હોય છે અથવા ચડી છે એવું માનવાનું મન થાય છે. એ સંવેદનને ખોદી કાઢીએ ત્યારે કવિતા હાથ ચડે જ એ કંઈ જરૂરી નથી પણ એ છતાં આપણે ઉત્ખનન અટકાવતા નથી. તમે ત્યાં જ અટકી જાવ છો અને સમયની અને જમાનાની ગાડી એના સમયપત્રક મુજબ તમને પડતાં મૂકીને આગળ ચાલી નીકળે છે. ઉત્કીર્ણ સંવેદનના ટુકડાઓ હાથ લાગે ત્યારે વિચાર આવશે કે કેટલા જન્મોથી આ કામ ચાલ્યું આવ્યું છે? દરેક કવિ શું જન્મોજન્મ આ જ પ્રક્રિયામાંથી પસાર નથી થતો? કવિની પાસે શું કોઈ વિકલ્પ હોય છે ખરા? કે હજારે એકનો આ જુગાર રમવો એના માટે ફરજિયાત જ હોય છે? કાચી-પાકી કવિતા લખ્યા પછી શું સમય વેડફવા બદલ પસ્તાવો થતો હશે? કવિતા લખે છે, લાગણીઓને ઊંડે-ઊંડે સુધી ખોદે છે ત્યારે કવિ ટુકડા-ટુકડામાં વહેંચાઈ જાય છે. કવિતા લખાઈ ગયા પછી આ ટુકડાઓને સંકેલી લેવાના છે. દુનિયાદારીની ટ્રેન તમને મૂકીને આગળ ચાલી ચૂકી હોય છે. સર્જન પછી મન ફરી શાંત થઈ જાય છે, જાણે આંધી ફરી વળી ન હોય એમ બધું સપાટ થઈ જાય છે. અને પછી આ હાથ લાગેલ ટુકડાઓમાંથી એક ઉત્તમ કાવ્ય બની ન જાય ત્યાં સુધી પુરુષાર્થ કરવાનો સમય આવે છે. કળાની સરહદ કસબમાં ભળી જાય છે.

આમ, પુરાતત્ત્વવિદ્યાનું રૂપક અજમાવીને કથા કવિતા સમજાવે છે. બંને પ્રક્રિયા કંઈક ઊંડુ ખોદીને કંઈક જૂનું બહાર કાઢીને એનો ઊંડો અભ્યાસ કરીને કંઈક નવું પુનર્સર્જન કરવા માટેની જ છે. પુરાતત્ત્વવિદ એ પૌરાણિક સભ્યતાનો શિલ્પી છે. કવિ પણ સર્જનકાળે બ્રહ્મા છે. જે જ્ઞાની છે એ કવિ નથી બની શકતો કેમકે કવિતાનું મુખ્ય હથિયાર અનુભૂતિ છે, જ્યારે જ્ઞાનનું મુખ્ય હથિયાર જાણકારી છે. ‘આર્કિઓલોજી’ કવિતામાં ડબ્લ્યુ, એચ. ઑડેન કહે છે: ‘જ્ઞાનના પોતાના હેતુઓ હશે પણ અનુમાન કરવું એ હંમેશા જ્ઞાન કરતાં વધુ આનંદપ્રદ હોવાનું.’ કવિને જાણકારી નથી કે એની અંદર શું દટાયેલું છે અને એ ખોદકામ કરશે તો બહાર શું કાઢી લાવશે. એ તો માત્ર વર્ડ્સવર્થે કહ્યું હતું એમ emotions recollected in tranquilityને આવેશની તીવ્રતાની ક્ષણે કાગળ પર લઈ આવે છે. કવિ જ્ઞાન નહીં, અનુમાનથી કામ કરે છે ને એટલે જ કવિતા નિર્ભેળ આનંદની વસ્તુ બની રહે છે, વિજ્ઞાનનું પાઠ્યપુસ્તક નહીં.

ભીતરે કેટલું દટાયું છે?
એક લોથલ વસે છે મારામાં…

આપણા બધાની અંદર જે આખાને આખા નગરો દટાઈ પડ્યા છે, એ કવિ નામનો પુરાતત્ત્વવિદ ખોદી કાઢી આપે છે. પુરાત્તવવિદ અને કવિ બંને અંદર સુધી ખોદકામ કરીને ભૂતકાળને વર્તમાનની મુખામુખ કરી આપે છે. ગઈકાલનું ઊંડું ધ્યાન ધરીને બંને આજ સાથે અનુસંધાન કરી આપે છે. બંને જણ સમય અને સ્થળના બે આંત્યંતિક છેડા ભેગાં કરી દઈને માનવતાને સમજવાની ઊંડી તક પૂરી પાડે છે. ગઈકાલને આજમાં ધબકતી કરવાની હોડ ઉપાડીને બંને જણ ભવિષ્ય માટે નવી દિશાનું સર્જન કરે છે. રૉબર્ટ બિવીસ કહે છે: ‘પુરાતત્ત્વવિદ્યા ભૂતને વર્તમાન બનાવે છે અને એ જ રીતે કવિતા કોઈક બીજાએ અનુભવી લીધેલા વર્તમાનને વાચક માટે એનો વર્તમાન બનાવે છે.’ કવિતા એ ભીતર ભંડારાયેલી ઊર્મિઓના અશ્મિ અને અવશેષો છે તો ધરતીના ગર્ભમાંથી જડી આવતાં અશ્મિ ને અવશેષો સમયના હાથે લખાયેલી કવિતા છે. ઊકલતા આવડે તો એમાંથી જિંદગીના અર્થ જડી આવશે…

માઇક એસિગ નામના એક કવિની ‘આર્કિઓલોજી ઑફ કોન્શિયસનેસ’ કવિતા આ સાથે જોવા જેવી છે:

કવિતા નખશિખ
પુરાતત્ત્વવિદ્યા છે
સભાનાવસ્થાની,
મનના ઘડાની ઠીકરીઓ છે
જેન સાચા અનુભવનું
માત્ર અનુમાન કરી શકાય છે.
તમે એ વાંચો છો ત્યારે
માત્ર ટુકડાઓ જ શોધી શકો છો,
નહીં કે મૂળ.
તમે કોશિશ કરો છો
એ બધાને ફરી ભેગાં કરવાની,
પણ એ શક્ય નથી.
તમે જ્યારે એ લખો છો,
તમે સંકેતો મૂકતાં જાવ છો
એ વૈજ્ઞાનિકો માટે
જે હજી આવનાર છે
જે કદી પૂરેપૂરું સમજી જ નહીં શકે
કે તમે કોણ હતા,
પણ એ ઠીક છે
કારણ કે
તમે પણ નહોતા કરી શક્યા.

ગ્લૉબલ કવિતા : ૮૩ : મિચિકો મૃત – જેક ગિલ્બર્ટ

Michiko Dead

He manages like somebody carrying a box
that is too heavy, first with his arms
underneath. When their strength gives out,
he moves the hands forward, hooking them
on the corners, pulling the weight against
his chest. He moves his thumbs slightly
when the fingers begin to tire, and it makes
different muscles take over. Afterward,
he carries it on his shoulder, until the blood
drains out of the arm that is stretched up
to steady the box and the arm goes numb. But now
the man can hold underneath again, so that
he can go on without ever putting the box down.

– Jack Gilbert

મૃત મિચિકો

એ સાચવી લે છે જેમ કોઈ ઊંચકે છે એક ખોખાને
જે વધુ પડતું ભારી હોય, પહેલાં એના હાથ
નીચે રાખીને. જ્યારે એમની તાકાત જવાબ દઈ દે છે,
એ હાથ આગળ તરફ લાવે છે, ખૂણાઓ પર
અંકોડા ભરાવીને, વજનને છાતીસરસું
ખેંચીને. એ એના અંગૂઠાઓને જરા હલાવે છે
જ્યારે આંગળીઓ થાકવા માંડે છે, જેથી કરીને
બીજા સ્નાયુઓ કામે લાગે. પછી,
એ એને ખભા પર ઊઠાવે છે, જ્યાં સુધી લોહી
ઊતરી ન જાય હાથમાંથી જે ઉપર ખેંચી તણાયેલો છે
ખોખાને સ્થિર રાખવા માટે અને હાથ જૂઠ્ઠો પડી જાય છે. પણ હવે
માણસ ફરીથી એને નીચેથી પકડી શકે છે, જેથી કરીને
એ આગળ વધી શકે ખોખાને કદીપણ નીચે મૂક્યા વિના.

– જેક ગિલ્બર્ટ
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુનો બોજો – ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે

‘દુનિયામાં સૌથી વધુ વજનદાર ચીજ કઈ?’ -મહાભારતમાં યક્ષે યુધિષ્ઠિરને આ પ્રશ્ન પૂછ્યો નહોતો એ અલગ વાત છે પણ જો પૂછ્યો હોત તો યુધિષ્ઠિરે એમ જ કહ્યું હોત કે અચાનક મરણ પામેલા સ્વજન-મિત્રના શોકનો બોજ. તમારા શ્વાસની ગતિ સાથે તાલમેલ મેળવીને, તમારા હાસ્ય-રુદન-ક્રોધ-નિરાશા એમ જીવનની તમામ પળો કોઈ તમારી સોબતમાં વિતાવતું હોય અને સામા પક્ષે તમે પણ જેના ખભે જિંદગી ટેકવીને બેસવા ટેવાઈ ગયા હો એવું કોઈ અચાનક અથવા ટૂંકી નોટિસ આપીને અધવચ્ચેથી હાથ અને સાથ છોડીને ચાલ્યું જાય ત્યારે જે કાળો શૂન્યાવકાશ છવાઈ જાય છે એનો બોજ વેંઢારવો સહલ નથી. પણ સાથોસાથ અમૃત ઘાયલની આ પંક્તિઓ પણ જિંદગીનું ધ્રુવસત્ય છે:

સમય જાતાં બધું સહેવા હૃદય ટેવાઈ જાયે છે,
ગમે તેવું દુઃખી હો, પણ જીવન જીવાઈ જાયે છે.

પ્રસ્તુત રચનામાં જન્મે અમેરિકન પણ અડધી જિંદગી વિદેશોમાં વિતાવનાર કવિ જેક ગિલ્બર્ટ આવા જ કોઈ ‘ઉપાડો તો સહજ લાગે, ઉતારો તો વજન લાગે’ જેવા બોજની વાત કરે છે.

જેક ગિલ્બર્ટ. અમેરિકાના પેન્સિલ્વેનિયા રાજ્યમાં પિટ્સબર્ગ ખાતે ૧૮-૦૨-૧૯૨૫ના રોજ જન્મ. ૧૦ વર્ષની વયે પિતાને ગુમાવ્યા. શાળા છોડવી પડી. ઘેર-ઘેર સેલ્સમેન તરીકે, પેસ્ટ કંટ્રોલર તરીકે અને લોખંડના કારખાનામાં પણ કામ કર્યું. એક કારકુની ભૂલના પરિણામે યુનિવર્સિટી ઑફ પિટ્સબર્ગમાં પ્રવેશ મળ્યો. ત્યાં ગેરાલ્ડ સ્ટર્ન કવિસાથે મુલાકાત થઈ અને સ્ટર્ન કવિતા લખતા હતા, માત્ર એ જ કારણોસર જેકે પણ કવિતા હાથમાં લીધી. પહેલો પ્રેમ જિઆના જેલ્મેટીના ઘરવાળાને જેક ગરીબ અને અક્ષમ લાગતાં જતો કરવો પડ્યો. ૧૯૬૨માં પહેલું પુસ્તક ‘વ્યુઝ ઑફ જિઓપાર્ડી’ પુરસ્કૃત થયું અને પુલિત્ઝર પ્રાઇઝ માટે નામાંકન પણ પામ્યું. પહેલા સંગ્રહને જ અપ્રતિમ સફળતા મળવા છતાં એ ફેલોશીપ મેળવીને લોકોની નજરથી દૂર ઇંગ્લેન્ડ, ડેન્માર્ક, ગ્રીસ, ઇટલી વગેરે દેશોમાં એક સમયની પોતાની વિદ્યાર્થિની લિન્ડા ગ્રેગ સાથે લગભગ એકલવાયા રહ્યા. વિદેશમાં પાંચેક વરસ ગાળી અમેરિકા પરત આવી બંને અલગ થયા. લિન્ડા કહેતી કે ગરીબ હોવાની કે બાગમાં બાંકડા પર સૂવાની જેકને તમા જ નહોતી. ત્યારબાદ મિચિકો સાથે લગ્ન કર્યા. ૮૦ વર્ષની વયે ધ પેરિસ રિવ્યૂમાં સારાહ ફેને એમણે કહ્યું હતું કે આ શરીરે મારા પર ખૂબ દયાદૃષ્ટિ રાખી છે. આજસુધી હું ક્યારેય હૉસ્પિટલ ગયો નથી, સિવાય કે એકવાર ૯૦ ફૂટની ઊંચાઈએથી પડ્યો હતો. પણ હું મરી નહોતો ગયો અને નાતાલ હતી એટલે એ લોકોએ મને ઘરે જવા દેવો પડ્યો હતો. (લિન્ડાના પપ્પા પર પ્રભાવ પાડવા માટે એ જંગલમાં ઝાડની ટોચ કાપવા માટે ઉપર ચડ્યા હતા!) છેવટે ૧૩-૧૧-૨૦૧૨ના રોજ અલ્ઝાઇમર્સની બિમારી સામે ઝઝૂમ્યા બાદ ન્યુમોનિયાના કારણે ૮૭ વર્ષની જૈફ વયે એમનું નિધન થયું.

એમની કવિતા સરળતા અને સહજતા માટે જાણીતી છે. આવેશ, નજીકની વ્યક્તિની ખોટ અને એકલવાયાપણાંના સૂર એમની રચનાઓમાં સતત સંભળાય છે. પુલિત્ઝર પારિતોષિકની જ્યુરીએ એમની કવિતા વિશે કહ્યું હતું કે અડધી સદીની કવિતાઓ એક સર્જનાત્મક લેખકની પૂરેપૂરું અને પ્રામાણિકતાથી જીવી લેવાની તથા ચોંકાવનારી સફાઈ સાથે રોજબરોજના અનુભવોને અજવાળે એવું સ્પષ્ટ કામ કરવાની પ્રતિબદ્ધતા પ્રતિબિંબિત કરે છે. ગ્લેમર અને વૉગ જેવા સામયિકોએ અમેરિકાના નવા અવાજ તરીકે એમના ફોટોગ્રાફ્સ પ્રગટ કર્યા. પ્રસિદ્ધિથી સદા દૂર ભાગતો આ એકલતાપ્રેમી આત્મા ક્યારેક જાહેર કાવ્યપઠન કરતો ત્યારે પ્રેક્ષાગારમાંથી તમારી કવિતાએ અમારી જિંદગી બચાવી છે એમ કહેનાર સ્ત્રી-પુરુષો અચૂક મળી રહેતાં.

વીસમી સદીના ઉત્તરાર્ધમાં છંદ-પ્રાસના બંધનો ફગાવીને ઘણા કવિઓએ મુક્ત કાવ્યરીતિ અપનાવી હતી. ગિલ્બર્ટની આ રચના પણ કોઈ નિર્ધારિત કાવ્યસ્વરૂપને અનુસરતી નથી. પત્નીના મૃત્યુ બાદ શોકનો બોજ અનુભવતા પતિનું આ કાવ્ય છે એટલે સહજે છંદ તૂટી ગયો છે, પ્રાસ છૂટી ગયા છે એ વાત સમજી શકાય છે. ગિલ્બર્ટની બધી જ કવિતાઓ, કવિ ડેન અલ્બેર્ગોટીના કહેવા મુજબ, એક મોટી કવિતાના ભાગ છે, કવિતા જે કવિની પોતાની જિંદગી છે. એમની રચનાઓમાં એમનું જીવન અને જીવનમાં આવેલા પાત્રો, ખાસ કરીને સ્ત્રી પાત્રો સતત ડોકાતાં રહે છે. અહીં પણ કવિ શીર્ષકમાં જ પત્નીનું નામ મૂકીને જાહેર કરે છે કે જે તમે વાંચવા જઈ રહ્યા છો એ કવિતા એમની જિંદગીની કવિતાનો જ એક અંતરો છે. કવિતાના શીર્ષકમાં જ કવિ ભાવકે શેમાંથી પસાર થવાનું છે એ કહી દે છે. ‘મિચિકો મૃત’ કહીને બે જ શબ્દમાં કવિ આપણા કોરા કાગળ પર ઘેરા કાળા રંગનો પીંછડો ફેરવી દે છે.

પહેલાના જમાનામાં લોકો મૃતકના શબ સાથે પોતાની સંસ્કૃતિના નમૂનાઓ પણ દફનાવતા હતા. એ જ રીતે કવિઓ મૃત્યુની કવિતામાં પોતાની સમજને પણ ઊંડે-ઊંડે સંતાડે છે. પુરાતત્વવિદ જે રીતે જૂની કબરોમાંથી મળી આવતા અવશેષો પરથી નેસ્તનાબૂદ થઈ ગયેલી સંસ્કૃતિ અને સમાજનો ક્યાસ કાઢે છે, એ જ રીતે મૃત્યુ વિષયક કવિતાઓમાંથી વિવેચકોને જે-તે કવિનો જીવનવિષયક અભિગમ જડી આવે છે. સોક્રેટિસે કહ્યું હતું: ‘ફિલસૂફીનો સાચો શિષ્ય… …સતત પીછો કરતું મૃત્યુ અને નિધન છે.’ મૃત્યુની આપણા માથા પર સતત લટકતી તલવાર જ કદાચ આપણી સંવેદનાને સતત જીવતી રાખે છે. માથા પરથી આ તલવાર નીકળી જાય તો મનુષ્યહૃદય પથરો બની જાય. કાલની ખબર નથી એટલે જ આજનો મહિમા છે. કશુંક અજ્ઞાત છે એટલે જ જ્ઞાતમાં રસ છે. વિયોગની તીખાશ જ મિલનને મીઠું બનાવે છે. બે વારના પ્રેમવિચ્છેદ બાદ ગિલ્બર્ટ પોતાનાથી એકવીસ વર્ષ નાની શિલ્પકાર મિચિકો નોગામી સાથે લગ્નગ્રંથિથી જોડાયા હતા. જાપાની પત્ની સાથે એ જીવી ત્યાં સુધી જાપાનમાં રહ્યા. ત્યાંની યુનિવર્સિટીમાં શિક્ષક તરીકે જોડાયા. ૧૯૭૫માં અમેરિકાની સરકાર તરફથી અમેરિકન સાહિત્યના વ્યાખ્યાતા તરીકે પંદરેક દેશોમાં પ્રવચનાર્થે સપત્નીક પ્રવાસ કર્યો. પહેલા પુસ્તકના બે દાયકા બાદ ૧૯૮૨માં બીજું પુસ્તક ‘મોનોલિથ્સ’ પ્રગટ કર્યું પણ એ જ વર્ષે મિચિકો કેન્સરની બિમારીથી મૃત્યુ પામી. (મિચિકો એમની કાયદેસરની પત્ની હતી કે નહીં એ જો કે નક્કી નથી)

શેક્સપિઅર ટેમ્પેસ્ટ (અંક ૨, દૃશ્ય ૧)માં કહે છે; ‘જે ચાલ્યું ગયું છે પ્રસ્તાવના છે.’ જિંદગીની વાર્તા ત્યાંથી જ શરૂ થાય છે જ્યાં કોઈ સ્વજન અંત પામે છે. નેન્સી હૉલોવાટી નામના સર્જક કહે છે: ‘તમે તમારી જિંદગીનું નવું પ્રકરણ ત્યાં સુધી શરૂ કરી શકતા નથી જ્યાં સુધી તમે છેલ્લા પ્રકરણને જ વાંચ-વાંચ કર્યા કરો છો.’ મેક્બેથ (અંક ૪, દૃશ્ય ૩)માં શેક્સપિઅર કહે છે: ‘દુઃખને વાચા આપો; જે દર્દ બોલતું નથી એ છલકાતા હૃદય સાથે કાનાફૂસી કરે છે અને એને તોડી નાંખે છે.’ મિચિકોના નિધન બાદ ગિલ્બર્ટે પોતાના દર્દને વાચા આપતી એક નાનકડી કાવ્યપોથી ખાસ એના સ્મરણાર્થે પ્રગટ કરી હતી. એક કવિતામાં એ પસ્તાવો કરતાં કહે છે: ‘અગિયાર વરસ મેં એનો વસવસો કર્યો છે, વસવસો એ વાતનો કે ચાર કલાક એને મરતી જોતો બેસી રહ્યો ત્યારે જે હું કરવા માંગતો હતો એ મેં કર્યું નહીં.’ અન્ય એક કવિતામાં એ એક લોકમાંથી બીજા લોક તરફની પત્નીની યાત્રાને કદાચ ગ્રીક પુરાણકથાઓ મનમાં રાખીને ધીમે રહીને આગલા ટાપુ સુધી લઈ જતી નૌકા’ના રૂપક સાથે સરખાવે છે. (આપણી વૈતરણી પણ યાદ આવે.) આ જ કવિતામાં એ મૃત્યુની નિકટ જવાની અનુભૂતિને ‘કેવું વિચિત્ર અને સરસ છે એની આટલું નજીક જવું’ કહીને વર્ણવે છે. પ્રસ્તુત રચનામાં મિચિકોના મૃત્યુથી જે અનુભૂતિ જીરવવાની આવી એને ગિલ્બર્ટ ખૂબ જ વજનદાર ખોખા સાથે સરખાવે છે. અંગ્રેજીમાં દુઃખનો સમાનાર્થી છે Grief. આ શબ્દ મૂળે લેટિન gravis પરથી ઊતરી આવ્યો છે, જેનો અર્થ વજનદાર થાય છે.આ ગ્રેવિસ શબ્દ બહુધા સંસ્કૃત गुरुः પરથી ઉતરી આવ્યો હોઈ શકે જેનો અર્થ પણ ભારે, મોટું, વજનદાર થાય છે. ટૂંકમાં, દુઃખ શબ્દ સાથે ભારીપણું સંકળાયેલું જ છે.

માંડ-માંડ ઊપાડી શકાય, ફરજિયાત ઊપાડવું જ પડે અને અધવચ્ચે નીચે મૂકી દેવું પણ શક્ય ન હોય એવા કોઈ અત્યંત ભારી ખોખાને આપણે કેવી રીતે ઊપાડતાં હોઈએ છીએ એ નજર સામે રાખીએ એટલી જ વાત આ કવિતા કરે છે. કવિતા એટલી સરળ છે કે એને આપણે res ipsa loquitur પ્રકારની યાને કે સ્વયંસ્પષ્ટ-સ્વયંસિદ્ધ કવિતા પણ કહી શકીએ. શરૂઆત ‘એ સાચવી લે છે’થી થાય છે. આખી કવિતામાં આ સાચવી લેવાની વાત સૌથી અગત્યની છે કેમકે આ બોજો હકીકતમાં બોજો નથી. આ બોજો ઊપાડવાની કોઈએ ફરજ પાડી નથી. આ બોજ વેંઢારવું એ કોઈ નોકરીનો ભાગ નથી અને આ બોજ સફળતાપૂર્વક વહી લીધા પછી કોઈ પ્રોત્સાહક પુરસ્કાર આપણી પ્રતીક્ષામાં પણ નથી. કો’કે કહ્યું છે કે ‘દુઃખ એક ગલી છે, રહેવાની જગ્યા નથી. દુઃખ એ પ્રેમની કિંમત છે, કમજોરી નથી.’ દુઃખની ગલીમાંથી આપણે સ્મરણોનો બોજ ઊંચકીને પસાર થવાનું છે. એબ્સર્ડ નાટકના પિતા સેમ્યુઅલ બેકેટે કહ્યું હતું: ‘હું જઈ શકું એમ નથી. હું જઈશ’ સાયન્ટીસ્ટ નામના એક ગીતમાં કોલ્ડ્પ્લે નામથી ઓળખાતો કલાકાર ગાય છે: ‘કોઈએ કહ્યું નહોતું કે આ સરળ હશે. કોઈએ કદી એવુંય કહ્યું નહોતું કે આટલું કપરું હશે.’

પડુંપડું કરતા વજનદાર ખોખાને આપણે પહેલાં તો બંને હાથ ખોખાની નીચે રાખીને ઊંચકીને ચાલીએ છીએ. થોડી વાર પછી જ્યારે હાથ જવાબ દઈ દે છે, આપણે હાથને ઉપર આગળની તરફ લાવીએ છીએ, ખોખાના ખૂણાઓને પકડી રાખીને ખોખાને છાતીસરસું દબાવીને વજન હાથ પરથી ઓછું કરીને છાતી ઉપર લાવવાની કોશિશ કરીએ છીએ. વજન એટલું વધારે છે કે આ પ્રયાસમાં પણ થાકી જવાય છે એટલે અંગૂઠા ઉપર-નીચે હલાવીને હાથના બાકીના સ્નાયુઓને કામે લગાડી આપણે આંગળીઓને કિંચિત પોરો ખાવાની તક આપવા મથીએ છીએ. છેવટે મોટા વજનદાર ખોખાને આપણે ખભા પર ઊંચકી લઈએ છીએ અને એ પડી ન જાય એ માટે હાથ માથા ઉપર સીધો ઊંચો રાખીને એને પકડી રાખીએ છીએ. ગુરુત્વાકર્ષણને આપણી જરાય દયા આવતી નથી. એ હાથમાંથી બધું જ લોહી નીચેની તરફ ખેંચી લઈ જાય છે, પરિણામે હાથમાં ખાલી ભરાઈ આવે છે, હાથ જૂઠ્ઠો પડી જાય છે. પણ આ ફેરબદલની લગાતાર કસરતના પરિણામે ખોખાને નીચેથી ઊંચકતી વખતે જે સ્નાયુઓ થાકી ગયા હતા એમને લગરિક શ્વાસ ખાવા મળી ગયો છે એટલે એ ફરી એકવાર ખોખાને એ રીતે ઊંચકી શકવાને સક્ષમ બન્યા છે. સરવાળે બોજો ગમે એટલો ભારી કેમ ન હોય, આપણે એને વેંઢારીને સફળતાપૂર્વક આગળ વધી શકીએ છીએ.

આપણે સાવિત્રીની જેમ યમરાજ પાસેથી સત્યવાનને પરત લાવી શકતા નથી. જિંદગીની નદીમાં જે પાણી વહી જાય છે એને પાછું વાળવું શક્ય નથી. થોમસ લિન્ચ લખે છે: ‘તમારા મરી ગયા પછી, એવું કશું જ નથી જે તમારી પાસે અથવા તમારા માટે અથવા તમારી સાથે અથવા તમારા વિશે કરી શકાય છે જે તમારા માટે સારું કે ખરાબ હોય. મૃતકના જવાથી જે કોઈ લાભાલાભ જીવનારને થાય છે, જીવનારે જ એની સાથે જીવવું પડે છે, તમારે નહીં. તમારું મૃત્યુ જે દુઃખ કે હર્ષ આણે છે એ એમના જ છે. ખોટ અથવા ફાયદો પણ એમનો જ છે. સ્મરણનું દર્દ અને આનંદ પણ એમના જ છે.’ આપણે તો જે ચાલ્યું ગયું છે એનો બોજ ઊંચકીને આગળ વધ્યે જ છૂટકો. ‘ધ ગ્રીફ ટુલબોક્સ’માં તાન્યા લૉર્ડ લખે છે: ‘દુઃખ બિમારી નથી. હું એમાંથી મુક્ત થનાર નથી. હું દર્દ સાથે જીવતાં શીખી લઈશ.’ આપણે આ બોજ છાતી સરસો ચાંપીને આજીવન ઊંચકતા શીખી લેવાનું છે. ‘આપણે જ્યાં સુધી ભૂલી નથી જતાં, મરનારાં કદી મર્યાં જ નથી’ (જ્યૉર્જ એલિયટ)

જે કવિતા ‘સાચવી લેવા’થી શરૂ થઈ હતી એ ‘કદીપણ નીચે મૂક્યા વિના’ પર જઈને પૂરી થાય છે એ સૂચક છે. મરનારને કદીપણ ન ભૂલવાની વાત આનાથી વધુ સરળ અને વધુ વેધક રીતે કહેવી કદાચ શક્ય નથી. ખલિલ જિબ્રાન ભલે જિંદગી અને મૃત્યુ એક જ છે, જેમ નદી અને દરિયો એક જ છે એમ કહી જાય પણ જિંદગીના ખભા પર મરણના હોવાથી મોટો બીજો કોઈ બોજ જ નથી. ગેરહાજરીની હાજરી જ આપણને તોડી નાંખતી હોય છે અને તૂટવા છતાંય તૂટી ન શકવાની વિવશતા આપણી જિંદગીની સૌથી મોટી અગ્નિપરીક્ષા છે. વાત પાનખરે ખર્યા પાનની નથી, વાત છે ભરવસંતે ખરી જનાર પાનની. અને કદાચ વાત પાનખર કે વસંતે ખરનાર પીળા-લીલા પાનની પણ નથી, આપણા લગાવની તીવ્રતાની છે. લગાવ જેટલો તીવ્ર, બોજ એટલો વધારે. ખેંચાણ જેટલું વિશેષ, તકલીફ એટલી જ વિશેષતર.

બીજા અધ્યાયમાં સાંખ્ય યોગમાં ભગ્વદ્ગીતામાં શ્રીકૃષ્ણ મૃત્યુ વિશે ઘણી વાતો કહે છે:

य एनं वेत्ति हन्तारं यश्चैनं मन्यते हतम् ।
उभौ तौ न विजानीतो नायं हन्ति न हन्यते ॥१९॥

જે આ (આત્મા)ને મારનાર જાણે છે અને જે આને મરાયેલો માને છે, તેઓ બંને નથી સમજતા; કેમકે આ (આત્મા) નથી મારતો કે નથી મરાતો.

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवं जन्म मृतस्य च ।
तस्मादपरिहार्येडर्थे न त्वं शोचितुर्महसि ॥२७॥

કેમકે જન્મેલાનું મૃત્યુ નક્કી છે અને મરેલાનો જન્મ નક્કી છે; માટે ટાળવાને શક્ય એવા આ વિષયમાં તું શોક કરવાને યોગ્ય નથી.

ખલિલ જિબ્રાન ‘પ્રોફેટ’માં પૂછે છે: ‘For what is it to die but to stand naked in the wind and to melt into the Sun ?’ (મરી જવું આખરે શું છે સિવાય કે પવનમાં નિર્વસન ઊભા રહેવું અને સૂર્યમાં પીગળી જવું?) પણ હકીકત એ છે કે પુસ્તકોમાં રહેલું તત્ત્વજ્ઞાન આકસ્મિક શોકપ્રસંગ આવી ચડે ત્યારે पुस्तकेषु हि या विद्या બનીને જ રહી જાય છે. વાસ્તવિક જીવનમાં આ જ્ઞાન ગોવાળિયાની લાકડીઓના ટેકા જેટલી જ મદદ કરી શકે છે, દુઃખનો ગોવર્ધન ઊપાડવા માટે. દુઃખના બોજમાંથી મનુષ્યની મુક્તિ આસાન નથી. મરણની અફરતાથી પૂર્ણતયા વિદિત હોવા છતાં મરણ આવી ચડે છે ત્યારે ભાગ્યે જ વાત આસાન બની રહે છે. મરનાર તો મરી ગયો. आप मूआ, पीछे डूब गई दुनिया। પણ જે જીવે છે એ એના હૈયામાં એને જીવતો રાખે છે. મરનાર ફરીને કહેવા નથી આવતો કે જા ભાઈ, તું આઝાદ છે. તારે મારો બોજ વેંઢારવાની જરૂર નથી. પણ પાછળ રહી જનાર માટે આ ગમતીલો બોજ છે. દર્દ છે, તીવ્ર છે પણ મીઠું છે. વજન છે, વધારે જ છે પણ ઊપાડવું જ પડે એમ છે અને સાચવીને જ ઊપાડવું પડે એમ છે. આ બોજો નનામીનો કે કોફિનનો કે અસ્થિકુંભનો નથી જે માત્ર થોડી ક્ષણો જ ઊપાડવાનો છે, આ બોજ યાદોનો બોજ છે, જે દરેકે સ્વેચ્છાએ ઊપાડવાનો રહે છે અને આજીવન ઊપાડવાનો રહે છે. સમયની સાથે આપણે ટેવાતા જઈએ એ વાત અલગ છે પણ ખોખું મૂકી દેતા નથી, જ્યાં સુધી આપણે પોતે અન્ય કોઈ માટે વજનદાર ખોખું બની ન જઈએ…

ગ્લૉબલ કવિતા : ૮૨ : શબ્દ – એલા વ્હીલર વિલ્કોક્સ

THE WORD

Oh, a word is a gem, or a stone, or a song,
Or a flame, or a two-edged sword;
Or a rose in bloom, or a sweet perfume,
Or a drop of gall, is a word.

You may choose your word like a connoisseur,
And polish it up with art,
But the word that sways, and stirs, and stays,
Is the word that comes from the heart.

You may work on your word a thousand weeks,
But it will not glow like one
That all unsought, leaps forth white hot,
When the fountains of feeling run.

You may hammer away on the anvil of thought,
And fashion your word with care,
But unless you are stirred to the depths, that word
Shall die on the empty air.

For the word that comes from the brain alone,
Alone to the brain will speed;
But the word that sways, and stirs, and stays,
Oh! that is the word men heed.

– Ella Wheeler Wilcox

શબ્દ

ઓહ! શબ્દ તો હીરો છે, કે પથ્થર છે કે ગીત,
કે જ્વાળા, યા બેધારી તલવાર છે એ ખચીત;
ગુલાબ છે ખીલેલું, કે છે અત્તર મધુર-મદીલું,
અથવા તો આ શબ્દ છે બસ, પિત્તનું એક ટીપું.

ચયન ભલે ને કરો શબ્દનું મર્મજ્ઞની પેઠે,
ને છો ઘસી-ઘસીને ચમકાવો કળાથી એને,
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
એ શબ્દ તો એ જ છે જે દિલથી સીધો વહે છે.

ભલે મચી રહો તમે એના પર અઠવાડિયા હજારો
પણ શબ્દ તમારો નહીં પામે એ શબ્દ સમો ઝગારો
જે વણશોધ્યો, ઊછળી આવે છે શુભ્ર થઈ તાવીને,
ઊડી રહ્યા હો ફુવારા સૌ ઊર્મિના જે ઘડીએ.

ભલે વિચારોની એરણ પર હથોડી લઈને ટીપો,
અને શબ્દને ખૂબ કાળજી લઈ લઈને ચીપો,
પણ વલોવાયા ના હો જો છેક તળ લગ આપ,
તો શબ્દને છે ઠાલી હવામાં મરી જવાનો શાપ.

કારણ કે જે શબ્દ છે નકરી દિમાગની જ બનાવટ,
એ ખટખટાવી શકે છે માત્ર દિમાગના કમાડ જ;
પણ હચમચાવે છે જે, કંપાવે છે અને ટકે છે,
ઓહ! એ જ શબ્દ છે જેની લોક પરવાહ કરે છે.

– એલા વ્હીલર વિલ્કોક્સ
(અનુ. વિવેક મનહર ટેલર)

शब्द ब्रह्म् કહીને શબ્દાદ્વૈતવાદે શબ્દને નખશિખ પરિપૂર્ણ સર્જનહારની સમકક્ષ મૂકી દીધો. શબ્દ એ મનની પીંછી છે. મન જે કંઈ અનુભવે છે એને શબ્દ મૌખિક યા લેખિત સ્વરૂપે તાદૃશ કરવાની કોશિશ કરે છે. મનના ભાવોને શબ્દની પીંછી વ્યવહારના કાગળ પર નાનાવિધ આકારો અને અસીમિત રંગોમાં ઢાળે છે. શબ્દ બે મનુષ્યો વચ્ચે પ્રત્યાયનનું સૌથી વધુ શક્તિશાળી સાધન છે. શબ્દથી જ એક માનવ અભિવ્યક્ત થઈ શકે છે અને શબ્દથી જ બીજો માનવ એને સમજી શકે છે. ટૂંક્માં, શબ્દ મનુષ્યજાતિને એકમેક સાથે સાંકળી રાખતો એકમેવ સેતુ છે. શબ્દની શોધ ન થઈ હોત તો સભ્યતા અને સમાજની રચના જ શક્ય નહોતી. આદિમાનવની જંગલિયતનો શિકાર શબ્દે જ કર્યો. ને એથી જ પરાપૂર્વથી કવિઓ-લેખકો શબ્દની મહત્તાના ગુણગાન કરતા આવ્યા છે. પ્રસ્તુત રચનામાં પણ શબ્દની જ વાત છે પણ અહીં કવિ સાચા શબ્દની મહત્તા કરી રહ્યાં છે.

એલા વ્હીલર વિલ્કોક્સ. અમેરિકાના વિસ્કોન્સીન ખાતે ૦૫-૧૧-૧૮૫૦ના રોજ જન્મ. ચાર ભાઈ-ભાંડુઓમાં સૌથી નાનાં. ખૂબ નાની વયે કવિતા એમને વરી અને એ ગ્રેજ્યુએટ થયાં ત્યાં સુધીમાં તો એમના રાજ્યમાં કવિ તરીકે ખ્યાતિ પણ મેળવી લીધી. ૨૨ વર્ષની ઉમરે એમનો પ્રથમ કાવ્યસંગ્રહ પ્રગટ થયો. ૨૩ની વયે બીજો અને ૨૬મા વર્ષે ત્રીજો. એમના ચોથા પુસ્તકને પ્રકાશકે એમ કહીને નકારી દીધું કે એમાં વધુ પડતી કામુકતા છે અને જે કારણોસર એ નકારાયું એ જ કારણોસર ૩૩ વર્ષની વયે પ્રગટ થયેલ કાવ્યસંગ્રહ ‘પોએમ્સ ઑફ પેશન’ની સવાસોથીય વધુ વર્ષ પહેલાં ૧૮૮૩માં એમેઝોન જેવા ઓનલાઇન શોપિંગ એપ્સની ગેરહાજરીમાં માત્ર બે જ વર્ષમાં ૬૦૦૦૦ નકલો વેચાઈ ગઈ. પછીના વર્ષે તેઓ રૉબર્ટ વિલ્કોક્સ સાથે પરણ્યાં. એક પુત્ર જન્મ્યો પણ થોડા જ સમયમાં મરણ પામ્યો. પતિ-પત્નીએ એકમેકને વચન આપ્યું હતું કે જે પહેલાં મરણ પામશે એ બચી જનારનો સંપર્ક કરશે પણ મૃત પતિ તરફથી કોઈ સંદેશો ન મળતાં એલા વધુ દુઃખી થઈ ગયાં. મેક્સ હેઇન્ડલ નામના જ્યોતિષીએ એમને આ સમયે માર્ગદર્શન આપ્યું અને એલાના કહેવા મુજબ એ મૃત પતિના આત્મા સાથે સંપર્ક સ્થાપી શક્યાં હતાં. એમણે કહ્યું: ‘હું જીવંત સાક્ષી છું: મૃતકો જીવે છે: અને તેઓ આપણી મારફતે અને આપણી સાથે વાત કરે છે.’ એમણે ઘણાં કાવ્યસંગ્રહ આપ્યાં. કવિતા અને પત્રકારિત્વ ઉપરાંત વાર્તાઓ, બે આત્મકથાઓ, અને વિવેચનાત્મક લેખો પણ એમણે લખ્યા. ૩૦-૧૦-૧૯૧૯ના રોજ કનેક્ટિકટ ખાતે ૬૮ વર્ષની વયે કેન્સરની બિમારીના કારણે નિધન.

એમના સમયગાળાના કદાચ એ સૌથી લોકપ્રિય કવિ હતાં. વિવેચકો કરતાં એ લોકોના વધુ વહાલાં હતાં. એમની રચનાઓ ‘ખરાબ’ કવિતાઓના સંપાદનોમાં પણ સ્થાન પામી છે. પણ એમના માટે તો એમનું લખવાનું કારણ એ જ હતું જે કારણે એક પક્ષી ગાય છે. ગીતોમાં એમના સમયમાં બિનપરંપરાગત ગણાતી સાધારણ તિર્યક શૃંગરિકતાની છાંટના કારણે તેઓ વધુ જાણીતાં છે. પાછલી જિંદગીમાં આધ્યાત્મિકતા તરફના એમના વળાંક અને લખાણોના કારણે નૂતન વિચાર (New Thought) નામની તત્ત્વચિંતન ચળવળ પણ શરૂ થઈ હતી. એમની રચનાઓમાં જીવનવિષયક ધનમૂલકતા અને આશાનો સૂર ઊઠતાં નજરે પડે છે. ભારતીય મૂળની વિચારધારાથી તેઓ ખાસ્સા પ્રભાવિત હતાં. ‘દયાળુ બનવાની કળા’ એ એમનો ધર્મ હતો, જેનું એમણે આજીવન રોજેરોજ પાલન કર્યું હતું. એમની કવિતાઓ તથા લખાણોમાંની ઘણી સૂક્તિઓ કહેવતકક્ષાએ પહોંચવાનું બહુમાન પામી છે: ‘હસો, અને દુનિયા તમારી સાથે હસશે; રડો, અને રડો એકલા.’ ‘નફરત બુઝાવે છે એના કરતાં પ્રેમ વધુ આગ સળગાવે છે.’ ‘જ્યારે વિરોધ કરવો જોઈએ ત્યારે મૌન રહેવાનું પાપ માણસોને કાયર બનાવે છે.’ ‘નબળી મૌલિકતા સારી નકલ કરતાં વધુ સારી છે.’

એલાની આ કવિતા ‘ધ વર્ડ’ આયમ્બિક પેન્ટામીટરમાં પાંચ ચતુષ્કમાં અ-બ-ક-બ પ્રાસવ્યવસ્થામાં લખાયેલ ગીતરચના છે, જેનો લય વાંચતી વખતે સતત મનમાં રણકતો રહે છે. સરળ શબ્દોની પસંદગી અને ચપોચપ પ્રાસની સાથોસાથ સહજ પણ ઊંડા ભાવ લઈને આવતું હોવાથી આ ગીત સીધું હૈયાને સ્પર્શી જાય છે. એકદમ સાદી ભાષામાં એલા દિલની ઊંડાઈથી લાગણીની સચ્ચાઈ પકડીને આવતા શબ્દોનું માહાત્મ્ય કરે છે. વર્ડ્સવર્થે કવિતાની આપેલી ખૂબ જાણીતી વ્યાખ્યામાં કહે છે કે કવિતા શક્તિશાળી સંવેદનાઓનો આકસ્મિક ઊભરો છે, જે પરમ શાંતિમાં એકત્ર થયેલ લાગણીમાંથી જન્મ લે છે. કવિતા આવા જ શબ્દોનો સમૂહ છે. શબ્દ વિચારમાંથી-ચિંતનમાંથી જન્મે છે ત્યારે એ સૂક્ષ્મ અને અશ્રાવ્ય સ્વરૂપે હોય છે, અને પછી એ જ્યારે પ્રકટ થાય છે ત્યારે સ્થૂળ અને શ્રાવ્ય બને છે. કોઈકે કહ્યું છે કે તમે તમારા શબ્દોની પસંદગીથી તમારા જીવનની રાહ બદલી શકો છો. રેવ જે માર્ટિન લખે છે કે શબ્દો એ દરવાજાઓ ખોલે છે, જે હાથ નથી ખોલી શકતા. એમના ‘ધ પાવર ઑફ વર્ડ્સ’ પુસ્તકના મુખપૃષ્ઠ પર એ લખે છે: ‘શબ્દો તો મફત છે. તમે એનો ઉપયોગ કઈ રીતે કરો છો, એની તમારે કિંમત ચૂકવવી પડે છે.’ ચાણક્યે પણ શબ્દોને સૌથી શક્તિશાળી હથિયાર લેખાવ્યા હતા. પિઅરી ડુ પ્લેસિસ નામના એક સર્જકે માત્ર એક અંગ્રેજી ‘એલ’ અક્ષર ઉમેરીને બહુ સાચી વાત કરી હતી: ‘Words create worlds.’ (શબ્દો વિશ્વો સર્જે છે.) હર્મન બાર નામના એક લેખક પણ આવી જ વાત કરે છે: ‘શબ્દો માણસોના કાબૂમાં નથી, માણસો શબ્દોના કાબૂમાં છે.’ શબ્દો વિશે સર્જકો એટલું બધું લખી ગયા છે કે બધું ભેગું કરવા બેસીએ તો દળદાર મહાગ્રંથ સર્જાય.

કવિતાના પાંચ અંતરામાં એલાની સ્થિર પણ નિર્ધારિત ગતિ નજરે ચડે છે. પહેલા અંતરામાં એ શબ્દને વ્યાખ્યાયિત કરવા કોશિશ કરે છે અને ‘જે પોષતું તે મારતું’ જેવી સિક્કાની બંને બાજુ રજૂ કરે છે. શબ્દ કિંમતી હીરો છે અથવા મૂલ્યહીન પથરો છે; ગીત છે કે અગનજ્વાળા છે કે આવતાંય વેતરે ને જતાંય વેતરે એવી બેધારી તલવાર છે. શબ્દ ખીલેલાં ગુલાબ જેવો નૈસર્ગિક પણ હોઈ શકે અને મધુર અત્તર જેવો કૃત્રિમ પણ હોઈ શકે; શબ્દ પિત્તનું ટીપુંય હોઈ શકે. એરિસ્ટોટલ, હિપોક્રેટ્સ જેવા ગ્રીક વિચારકોના સમયથી મનુષ્યના સ્વભાવને પૃથ્વી, જળ, હવા અને આગ એમ ચાર મૂળભૂત તત્ત્વોના આધારે શરીરમાંના ચાર પ્રવાહી મેલન્કોલિક (કાળી પિત્ત) (ઉદાસ પ્રકૃતિ) , ફ્લેગ્મેટિક (ગળફો) (આળસુ પ્રકૃતિ), કૉલરિક (પીળી પિત્ત) (તામસી પ્રકૃતિ) અને સૅન્ગ્વિન (લોહી) (ઉત્સાહી પ્રકૃતિ)ના આધારે વર્ગીકૃત કરવામાં આવ્યો હતો. આપણે ત્યાં પણ પંચમહાભૂત – આકાશ, પૃથ્વી, જળ, તેજ અને વાયુ-નું મહત્ત્વ છે. આ પંચમહાભૂત પરથી જ આયુર્વેદ મનુષ્યની કફ, વાયુ અને પિત્ત એમ ત્રિદોષ પ્રકૃતિનું નિદાન કરે છે. વાયુનો ગુણ વહન કરવું, લઈ જવું, હલનચલન વગેરે ક્રિયાશક્તિ છે. પિત્તનો ગુણ ઉષ્મા, પ્રકાશ અને જ્ઞાન છે. કફનો ગુણ વાત અને પિત્તનાં કાર્યોને આધાર આપવાનો તેમની ભૂમિકારૂપ બનવાનો છે. આમ, પાશ્ચાત્ય તેમજ આપણી સંસ્કૃતિમાં પણ પિત્તને તામસી સ્વભાવ સાથે સાંકળવામાં આવ્યા છે. એ સંદર્ભે શબ્દને અત્તર અથવા પિત્તનું ટીપું કવિ કેમ કહે છે એ સમજી શકાય છે.

બીજા ચતુષ્કમાં એલા જે વાત કહેવા માંગે છે એ સીધી જ કહે છે. અહીં સીધી વાતનું મહત્ત્વ છે કેમકે જે શબ્દ સીધો દિલમાંથી આવ્યો છે એ શબ્દ જ આપણને હચમચાવી શકે છે, આપણી સંવેદનાને ઝંકૃત કરી શકે છે અને કાળાતીત થઈ શકે છે. મોટા મર્મજ્ઞની જેમ ભલે તમે ખૂબ જ કાળજીપૂર્વક શબ્દોનું ચયન કરો અને તમારી પાસે હોય એ બધી જ કળાથી એને ઓપ પણ કેમ ન આપો પણ જે શબ્દ દિલમાંથી જન્મ્યો નથી એ કદી શાશ્વતીને પામતો નથી. કુદરતી એ કુદરતી છે અને કૃત્રિમ એ કૃત્રિમ છે.

એઝરા પાઉન્ડની અમર કવિતા ‘ઇન એ સ્ટેશન ઑફ મેટ્રો’ જ્યારે એમણે લખી ત્યારે છત્રીસ પંક્તિની હતી પણ આ છત્રીસ પંક્તિઓ જે સંવેદના પેરિસના મેટ્રોસ્ટેશન પર બેઠાં-બેઠાં ટ્રેનમાંથી ઊતરતાં-ચડતાં અને પ્લેટફૉર્મ પર ચાલતાં સાવ અજાણ્યાં માણસોનાં ટોળાંને જોઈને થઈ હતી એ યથેચ્છ ઝીલી નથી શકી એમ એમને લાગ્યું એટલે થોડા સમય પછી કવિતા અઢાર પંક્તિની અને લગભગ એક વર્ષની લગાતાર તપશ્ચર્યાના અંતે માત્ર દોઢ પંક્તિ, ચૌદ શબ્દો અને સત્તર જ સિલેબલ્સમાં જ સીમિત કરી દીધી. આજે આ કવિતા માસ્ટર-પીસ ગણાય છે. કવિએ પોતાની અંદર જે લાગણી અનુભવી હતી એ જે સ્વરૂપે અનુભવી હતી એ જ સ્વરૂપે બહાર આવે એની રાહ જોવામાં એક આખું વર્ષ ગાળ્યું એટલે એમના આ શબ્દો અમરત્વ પામ્યા. વર્ડ્સવર્થની કવિતાની વ્યાખ્યા એમણે સાચા અર્થમાં આત્મસાત્ કરી હતી એમ કહી શકાય. જ્યાં સુધી દિલમાંથી શબ્દો સીધા ન આવ્યા ત્યાં સુધી એમણે કાગળ પર કાવ્યકૌશલ્યના ફળસ્વરૂપ આવતા રહેલા શબ્દોના ઘોડાપૂરને ખાળ્યે જ રાખ્યું. હજારો અઠવાડિયાઓ સુધી તમે શબ્દને ચમકાવવા માટે, ઝગારો અપાવવા માટે એના પર મચી કેમ ન રહો, એ બધું જ વ્યર્થ છે જો એ શબ્દ સમયની ભઠ્ઠીમાં તવાઈ તવાઈને શુદ્ધ થયેલી ધાતુની ઉષ્ણ શુભ્રતા સાથે વણશોધ્યો ઊર્મિના ઊછળતા ફુવારાઓમાંથી નીકળીને કાગળ પર અવતર્યો નહીં હોય તો. તપશ્ચર્યા શબ્દોને ચમકાવવા માટે નથી કરવાની, તપશ્ચર્યા ઊર્મિઓના ફુવારાઓ બંધ ન પડી જાય એ માટે કરવાની છે. પ્રતીક્ષા કરવાની છે, શબ્દ એની મેળે કોઈપણ જાતની શોધખોળને મહોતાજ થયા વિના, કવિ કે કવિતાની અંગત જરૂરિયાતને તાબે થયા વિના સ્વયંસ્ફુરિત થાય એ માટેની.

શબ્દોનું લોહી જેવું છે, ઘા થાય તો વહે,
વ્યર્થ જ હું એના ઘેર તકાજો કરું છું રોજ.

વિચારોની એરણ પર સમયને હથોડી લઈ લઈને ટીપ્યા કરવાથી કે ખૂબ જ કાળજીપૂર્વક એને ચીપી ચીપીને ગોઠવવાથી કવિતા નહીં બને. જો કવિનો આત્મા ઠેઠ અંદર સુધી વલોવાયો નહીં હોય તો લાખ કોશિશ કરીને લખાયેલી કવિતા પણ માથે બાળમરણનો શાપ લખાવીને જ જન્મશે. જે શબ્દ દિલના ઊંડાણમાંથી નહીં પણ દિમાગની સપાટી પરથી જ જન્મ્યો છે એ શબ્દ વધુમાં વધુ ભાવકના દિમાગ સુધી જ જઈ શકશે, દિલને કદી સ્પર્શી નહીં શકે. ચાર્લ્સ સ્વેઇન વર્ડ્સ નામની એમની એક કવિતામાં આ જ વાત કરે છે: ‘ઓછું જ કહ્યું છે-પણ સાચું જ કહ્યું છે-કે જે શબ્દો માત્ર માથાં સુધી જ રહે છે અને દિલ સુધી પહોંચતાં નથી એ પ્રગાઢ આનંદ આપી શકતા નથી.’ સપાટી પર રમનારને કદી મોતી મળતાં નથી. એને માટે સમુદ્રના તળિયાનાં જોખમો વેઠીને ઠેઠ ગર્ભ સુધી જવું પડે છે. શબ્દ જ્યાં સુધી શ્વાસની પેઠે અનિવાર્ય બનતો નથી, કવિતા બનતી નથી. પણ,

શ્વાસની જેમ જ બને અનિવાર્ય જે,
શબ્દ એવા ક્યાં મળે છે સ્હેલમાં?

ગુજરાતી ભાષા મરવા પડી છે એમ જ્યારે આપણે કહીએ છીએ ત્યારે એ વાત સમજવી માત્ર આવશ્યક જ નહીં, અનિવાર્ય પણ બની રહે છે કે કોઈપણ ભાષા એના કવિઓ થકી જ જીવતી રહે છે. મનુષ્યમાત્રને કળાની તરસ રહે જ છે. આદિમાનવો પણ ગુફામાં ચિત્રો દોર્યા વિના રહ્યા નહોતા. પાંચ-પાંચ હજાર વર્ષો જૂનાં કાવ્યોની ઉપસ્થિતિ જ એ વાતની સાબિતી છે કે સમય કે સંસ્કૃતિ કોઈપણ હોય, કવિતા વિના માનવજાતને ચાલ્યું નથી, ચાલવાનું નથી. જે માણસોને કવિતા સાથે સ્નાન-સૂતકનો પણ સંબંધ નથી એ લોકોને પણ આપણે ફિલ્મી ગીતો ગણગણતાં જોઈએ જ છીએ. તાત્પર્ય એ જ કે જે ભાષાના કવિઓ પ્રામાણિક છે, દિમાગથી નહીં પણ દિલથી લખે છે એ ભાષાને મરણ પામવાનો કોઈ ભય હોય જ નહીં. પણ આપણે ત્યાં છેલ્લા ઘણા દાયકાઓથી આ ભય પ્રવર્તી રહ્યો છે કે ગુજરાતી ભાષા મરણશય્યા પર આવી પડી છે. એટલે હકીકતમાં તો આ ઘડી પ્રામાણિક આત્મવિશ્લેષણની ઘડી છે. અત્યારે એક આખી પેઢી છંદોલય અને કાફિયા-રદીફનો કસબ શીખી લઈને ગીત-ગઝલના કારખાનાં ચલાવવા મચી પડી છે. શબ્દોની રમતને અને હાથચાલાકીને કવિતાનો દરજ્જો મળી રહ્યો છે. માત્ર સાહિત્યિક સામયિકો જ નહીં, પાઠ્યપુસ્તક જેવા પાઠ્યપુસ્તકોમાં પણ કવિતાના નામે ગતકડાંઓ અને જોડકણાંઓ સ્થાન પામી રહ્યાં છે જેના પરિણામે આવનારી આખી પેઢીની માવજત જ ગેરવલ્લે જઈ રહી છે. સરકારને ભાષાની પડી નથી. શિક્ષણશાસ્ત્રીઓ સાચા રહ્યા નથી. સામયિકોમાં ખાલી ચણા જેવા સંપાદકો અને સાહિત્યિક સંસ્થાઓમાં વહાલાં-દવલાંઓના રાજકારણ ખેલીને કુપાત્રો મથાળે ચડી બેઠાં છે. અને એટલે જ ભાષાની દુર્ગતિ શરૂ થઈ છે..

જે શબ્દ તમારી ઠેઠ ભીતરથી તવાઈને શુદ્ધ શુભ્ર થઈને બહાર આવીને ભાવકના ભીતરને ઝંઝોડી નાંખે છે એની જ આ દુનિયા પરવાહ કરે છે અને એ જ ટકે છે એ સનાતન સત્ય આજનો સર્જક જ્યાં સુધી નહીં સમજે ત્યાં સુધી ભાષાને બચાવવાના બ્યુગલો ‘વંધ્યાસુત બે વા’ણે ચઢ્યા, ખપુષ્પ વસાણાં ભર્યાં’ જેવી શેખચલ્લી કથા બનીને જ રહી જશે…. સસ્તી પ્રસિદ્ધિથી વધીને મોટો કોઈ દુશ્મન નથી. સાચો શબ્દ સાગના લાકડાં જેવો હોય છે, એ કદી કહોવાતો નથી:

પ્રસિદ્ધિનું પાણી ભીંજવતું રહ્યું પણ
રહ્યો શબ્દ સાબૂત, હતું કાષ્ઠ સાગી.

ગ્લૉબલ કવિતા : ૮૧ : આપણે બધા – એરિકા એલ. સાંચેઝ

All of Us

Every day I am born like this—
No chingues. Nothing happens
for the first time. Not the neon
sign that says vacant, not the men
nor the jackals who resemble them.
I take my bones inscribed by those
who came before, and learn
to court myself under a violence
of stars. I prefer to become demon,
what their eyes cannot. Half of me
is beautiful, half of me is a promise
filled with the quietest places.
Every day I pray like a dog
in the mirror and relish the crux
of my hurt. We know Lilith ate
the bones of her enemies. We know
a bitch learns to love her own ghost.

– Erika L. Sánchez


આપણે બધા

દરરોજ હું આ જ રીતે જન્મું છું-
પત્તર ના ઠોકશો. કંઈ પણ થતું નથી
પહેલી વાર. ‘ખાલી છે’ કહેતી
નિયૉન સાઇન નહીં, માણસો નહીં
કે શિયાળ પણ નહીં જે એમના જેવા જ લાગે છે.
હું ઊઠાવું છું પહેલાં આવી જનારાઓ દ્વારા
અક્ષરાંક્તિ થયેલા મારા હાડકાંઓ, અને શીખી લઉં છું
મારી જાતને સોંપી દેતા સિતારાઓની
હિંસા તળે. હું રાક્ષસ બનવાનું પસંદ કરું છું,
જે એમની આંખો નથી બની શકતી. મારામાંની અડધી સ્ત્રી
સુંદર છે, અડધી એક વચન છે
જે ભર્યું પડ્યું છે શાંતતમ જગ્યાઓથી.
દરરોજ હું પ્રાર્થું છું એક કૂતરાની જેમ
અરીસામાં અને ઉપભોગું છું મારી પીડાઓના
અર્કને. આપણે જાણીએ છીએ કે લિલિથ ખાઈ ગઈ હતી
એના શત્રુઓનાં હાડકાં. આપણે જાણીએ છીએ
કૂતરી શીખી લે છે ચાહવાનું પોતાના જ ભૂતને.

– એરિકા એલ. સાંચેઝ


આ સદીની સૌથી મોટી ઘટના : હેશ ટેગ મી ટુ (#MeToo)

શું તમે એક સ્ત્રી છો? તો આ વાતનો જવાબ આપો: બાળપણના સાવ કાચા-કૂમળા વરસોથી લઈને આજ સુધીમાં તમારા ખભા પર વડીલનું વહાલ, સગાંવહાલાંની આત્મીયતા, મિત્રતાનું સર્ટિફીકેટ, શિક્ષકની શાબાશી કે બૉસની કદરદાની બતાવવા માટે મૂકાયેલો હાથ તમારી બ્રાની પટ્ટી પર માત્ર થોડી જ ક્ષણો માટે પણ ખાસ ઈરાદાપૂર્વક ફરતો તમે કદી અનુભવ્યો છે? એક સ્ત્રી તરીકે આનો જવાબ જો ‘હા’માં આપવો પડે તો સમજી લેજો કે યૌનશોષણનો વિશ્વવ્યાપી વાઇરસ તમને પણ ચેપ લગાડી ચૂક્યો છે.

શું તમે એક પુરુષ છો? તો આ વાતનો જવાબ આપો: શરીરમાં હૉર્મોન્સનો પહેલવહેલો હણહણાટ થયો ત્યાંથી માંડીને આજદિનપર્યંત શું તમે કોઈપણ સ્ત્રીના શરીરને માત્ર થોડી તો થોડી જ ક્ષણો, પણ એ રીતે સ્પર્શ કર્યો છે જે સ્પર્શમાં હાથ લગાડવા પાછળના મૂળ ઈરાદાની જગ્યાએ એક પુરુષ શ્વસતો હોય? માત્ર સ્પર્શ શા માટે, નજરથી તમે કોઈ સ્ત્રીને એને ખબર પડે એ રીતે ગંદો સ્પર્શ કર્યો છે? સ્ત્રી સાંભળી તો શકે પણ તમને દોષી સાબિત ન કરી શકે એવી સિફતાઈથી તમારા બે પગ વચ્ચે ગલગલિયા થાય એવી કૉમેન્ટ તમે કદી કરી છે? જો આનો પ્રામાણિક જવાબ ‘હા’ હોય તો એ વાઇરસ તમે જ છો.

અમેરિકન કવયિત્રી એરિકા એની કવિતામાં વિશ્વ સનાતન કાળથી વ્યાપ્ત આ જ રોગચાળાની વાત કરે છે. એરિકા. એલ. સાંચેઝ. હાલ શિકાગોમાં રહે છે પણ જ્યાં એ જન્મ્યા હતા એ ઇલિનોઇસના સિસરો ખાતેનું ઘર શિકાગોની સરહદને એ રીતે અડીને હતું કે જૂતું ફેંકે તો શિકાગોમાં જઈ પડે. મા-બાપ મેક્સિકોથી અમેરિકા આવેલા ગેરકાયદેસર નિર્વસિતોમાંના એક હતા એટલે એમના સર્જનમાં અને જીવનમાં સતત સરહદો ભૂંસવા માટેની સજાગ મથામણ નજરે ચડે છે. બાર વર્ષની વયે મોટા ડાબલા જેવા ચશ્માં સાથે કિતાબી કીડો જ લાગનારી એરિકાને એ વયે પણ વિશ્વાસ હતો કે એ મોટી લેખિકા બનશે. તેઓ કવિતામાં અનુસ્નાતક થયાં છે. ત્રણેકવર્ષ અખબારમાં સેક્સ અને લવગુરુ તરીકે કોલમ પણ લખી.

એરિકાની રચનાઓમાં સરહદની બંને બાજુએ રહેવાના અનુભવો તાદૃશ વર્ણવાયા છે: આ સરહદ બે દેશ વચ્ચેની છે, બે ભાષા વચ્ચેની છે, જીવન-મૃત્યુ વચ્ચેની છે, તથા તકલીફો અને શક્યતાઓની વચ્ચેની પણ છે. આ કવિતાઓમાં સેક્સ, જાતીય શોષણ, શરમ, ભૂખમરો, હિંસા, અપમાન, રંગભેદ, ડ્રગ્સ, બેનામી નાગરિકત્વ ખૂલીને સામે આવે છે. એરિકાની કવિતા આજના કચડાયેલા અમેરિકાનો બુલંદ અવાજ છે. સરવાળે, આ કવિતાઓ વિષમતાઓની વચ્ચે પણ જીવી જવાની –સ્ટ્રગલ ફોર એક્ઝિસ્ટન્સની કવિતાઓ છે.

એરિકાની આ રચનાનું શીર્ષક ‘આપણે બધા’ છે. અર્થાત્ કવયિત્રી અહીં જે વાત કરનાર છે એ આપણા બધાની છે. એરિકા આજની હવાના કવયિત્રી છે. વરસ પહેલાં ૨૦૧૭માં જ એમનો પહેલો કાવ્યસંગ્રહ ‘લેસન્સ ઑફ એક્સપલ્ઝન’ અને પહેલી વયસ્ક નવલકથા ‘આઇ એમ નૉટ યૉર પરફેક્ટ મેક્સિકન ડૉટર’ પ્રગટ થયાં. એટલે એમની કવિતા પણ આજની કવિતા છે. આજની આઝાદ પેઢીની જેમ એ પણ છંદ અને પ્રાસના બંધનો ફગાવીને ચાલે છે. ‘આપણે બધા’માં પ્રવેશતાં જ સમજાઈ જાય છે કે આ સ્ત્રીઓના શોષણ સામેનું આક્રંદ છે, આક્રોશ છે. શીર્ષકમાં ‘સર્વ’ તરફ ફૉકસ કરાયેલ કેમેરા કવિતાની પ્રથમ પંક્તિમાં જ એરિકા ‘સ્વ’ તરફ ફેરવે છે. શરૂઆત ‘દરરોજ’થી થાય છે. મતલબ આ કોઈ એક-બે દિવસની કે આજ-કાલની વાત નથી, આ સનાતનકાળની હકીકત છે. એ કહે છે કે એ દરરોજ આ જ રીતે જન્મે છે. વાક્યાંતે પૂર્ણવિરામના સ્થાને એ ડૅશ મૂકે છે જે આપણી આરપાર કશુંક ચીરી નાંખતો હોવાનું અનુભવાય છે. માણસ આમ તો એક જ વાર જન્મે છે પણ અહીં દરરોજ જન્મવાની અને દરરોજ આ એક જ રીતે જન્મતા હોવાની વાત છે. આ કયા પ્રકારના ‘पुनरपि जननं’ની વાત છે એ સાંભળવાને ભાવકના કાન તરત સરવા થઈ જાય છે. અધૂરું રહી ગયેલું વાક્ય એરિકા ‘પત્તર ના ઠોકશો’ કહીને પૂરું કરે છે એટલે તરત જ ખ્યાલ આવે છે કે આગળ કવિતામાં જે કંઈપણ ‘આપણે બધા’ને સ્પર્શતી વાત આવનાર છે એ ખુશનુમા મિજાજની તો નથી જ હોવાની. મૂળ રચનામાં કવયિત્રી સ્પેનિશ ભાષાનો ‘No chingues’ મહાવરો પ્રયોગ કરે છે, જેનો સીધો અર્થ અભદ્ર અંગ્રેજી ભાષામાં don’t fuck થાય છે. પત્તર ઠોકવી ક્રિયાપદ અર્થ અને ક્રિયા-એમ બંને રીતે આની સૌથી નજીક પહોંચે છે. આવી ભાષા વાપરવા પાછળનું કારણ આગળની પંક્તિઓમાં ક્રમશઃ સ્પષ્ટ થાય છે.

એ કહે છે અહીં કશું પણ પહેલીવાર થતું જ નથી. જે કંઈ આજે બને છે એ અગાઉ પણ બની જ ચૂક્યું છે. વસ્તુતઃ એ દરરોજ જ બનતું આવ્યું છે. ‘વેકેન્ટ-ખાલી’ લખેલી નિયૉન સાઇનનો સંદર્ભ આગળ જતાં સમજી શકાય છે પણ કવિતા હવે ઊઘડવા માંડે છે. પુરુષો કે પુરુષના વેશમાં આવેલા શિયાળ પણ કંઈ પહેલીવારની વારતા નથી. શિયાળનો સંદર્ભ એક જ શબ્દમાં પુરુષનું પોત પ્રકાશી આપે છે. શિયાળ અને પુરુષની પ્રકૃતિ એક જ – બંને કાયમના ભૂખ્યાડાંસ, બંને હલકટ, બંને મફતનો શિકાર છોડે નહીં. હવે દરરોજ અને આપણે બધાનો અર્થ નિયૉન સાઇનની જેમ એકદમ સાફ થાય છે. પુરુષો તક મળતાં જ શિયાળની જેમ સ્ત્રીઓને ચૂંથી નાંખે છે અને સ્ત્રીઓના અસ્તિત્વ ઉપર પોતાના પૌરુષી પરાક્રમો અક્ષરાંકિત કરે છે. અંકિત થયેલાં હાડકાં એ સ્ત્રીની ઠે..ઠ ભીતર સુધી આજીવન ભૂંસી જ ન શકાય એ હદે કોતરાઈ ગયેલી વેદના ઈંગિત કરે છે. સ્ત્રી પોતાની આ વેદનાસિક્ત જાતને ઊપાડીને પુરુષોને પોતાનો ભોગ ધરાવતા ક્રમશઃ શીખી ગઈ છે. સિતારાઓની હિંસા શબ્દ કાસ્ટિંગ કાઉચ તરફ ઈશારો કરે છે.

૨૦૧૭ની સાલમાં દુનિયાએ એક એવી વસ્તુ જોઈ જેનો આ પહેલાં કદી સામનો કરવાનો થયો જ નહોતો. એ વસ્તુ કોઈ નવી વસ્તુ તો હતી જ નહીં. જે દિવસે સ્ત્રી અને પુરુષનું સર્જન થયું એ દિવસથી જ કદાચ આની શરૂઆત થઈ હતી પણ હજારો વર્ષોથી માનવજાત આ હકીકતની સામે એમ આંખમીંચામણાં કરીને જીવતી આવી છે, જાણે આ વસ્તુનું પૃથ્વીના પટ પર અસ્તિત્વ જ નથી. આમ તો ૨૦૦૬માં તરાના બર્ક પાસે આવીને એક તેર વર્ષની છોકરીએ પોતાની સાથે કરવામાં આવેલી જાતીય સતામણીની કબૂલાત કરી હતી ત્યારે તરાનાએ માયસ્પેસ નામના સોશ્યલ નેટવર્ક પર આ શબ્દપ્રયોગ કર્યો હતો પણ જ્યારે ૧૫ ઓક્ટૉબર, ૨૦૧૭ના રોજ એલિસા મિલાનોએ ‘હેશ ટેગ મી ટુ’ (#MeToo) કહીને દુનિયાભરની સ્ત્રીઓને પોતાની સાથે થયેલી જાતીય સતામણીનો એકરાર કરીને આ બિમારી કેટલી હદે સાર્વત્રિક છે અને સમાજના દરેકે-દરેક સ્તર પણ કેવા ઊંડા મૂળિયાં ઘાલી ચૂકી છે એનો દુનિયાનો અહેસાસ કરાવવા માટે આમંત્રણ આપ્યું ત્યારે જાણે ચમત્કાર થયો. હોલીવૂડ ફિલ્મજગતમાં નવોદિત અને જાણીતી અભિનેત્રીઓના થતા શારીરિક શોષણ -‘કાસ્ટિંગ કાઉચ’-ના જાહેર એકરારનામાએ રાતોરાત આખી દુનિયાની સ્ત્રીઓને એકજૂથ કરી દીધી અને હજારો વર્ષોથી આંખે પાટા બાંધીને જીવતી દુનિયા પાટા ઊતરી જતાં સામે આવી પડેલા પ્રકાશના ઝળાંહળાં ધોધથી હક્કીબક્કી થઈ ગઈ. શાબ્દિક છેડતીથી માંડીને સંપૂર્ણપણે કરાતું છડેચોક જાતીય શોષણ ઘરેઘરે છે એ વાત સિદ્ધ થઈ ગઈ. દુનિયાની અડધાથી વધુ સ્ત્રીઓ જીવનના કોઈના કોઈ તબક્કે ઘર કે બહાર આ પ્રકારની સતામણીનો શિકાર બનતી જ આવી છે અને સોમાંથી પંચાણુ કેસોમાં પુરુષો તરફ કોઈ આંગળી પણ ચીંધતું નથી. છેલ્લા વીસ વર્ષોમાં પોણા બે કરોડ જેટલી સ્ત્રીઓએ જાતીય હુમલાની ફરિયાદ નોંધાવી છે. પણ ‘હેશ ટેગ મી ટુ’એ દુનિયાની સરકારોને સ્ત્રીશોષણ વિરુદ્ધના કાયદાઓ બદલવાની અને ઘડવાની ફરજ પાડી છે. મિલાનોની પહેલવહેલી ‘હેશ ટેગ મી ટુ’ની ટ્વિટ ૨૪ જ કલાકમાં બે લાખ લોકોએ અને ૪૮ કલાકમાં પાંચ લાખ લોકોએ રિટ્વિટ કરી હતી, જે પોતે એક વિક્રમ છે. ફેસબુક પર તો એક જ દિવસમાં સુડતાળીસ લાખ લોકોએ સવા કરોડ પૉસ્ટ્સમાં ‘હેશ ટેગ મી ટુ’નો ઉપયોગ કર્યો હતો.

સિતારા (S-t-a-r) પરથી અલાસ્કામાં ચારેક દાયકાથી કાર્યરત્ ‘સ્ટેન્ડિંગ ટુગેધર અગેઇન્સ્ટ રૅપ’ સંસ્થા પણ યાદ આવે. જો કે અહીં સિતારાઓનો સીધો અર્થ ફિલ્મજગતના સિતારાઓની જેમ પોતપોતાના ક્ષેત્રમાં પ્રભાવશાળી બનેલા પુરુષો સાથે સંકળાયેલો છે, જેઓ પોતાના હાથ નીચે એક યા બીજા કારણોસર આવનારી સ્ત્રીનો આંશિક કે પૂર્ણતયા શારીરિક કે માનસિક ગેરલાભ ઊઠાવવાનું છોડતા નથી. સ્ત્રીને પુરુષોની કામલોલુપ આંખ પણ જે દાનવ નથી બની શકતી એવા શક્તિશાળી દાનવ બનવાની ઇચ્છા છે જેથી એ કમસેકમ પોતાને સંરક્ષી તો શકે. ‘મારામાંની અડધી સ્ત્રી સુંદર છે’ એ વાક્યપ્રયોગ ઇટાલિઅન કવિ પ્રાઇમો લેવીની કવિતા ‘લિલિથ’ના કવયિત્રી રુથ ફેલ્ડમેને કરેલા અંગ્રેજી અનુવાદ ‘Half of me is beautiful/but you were never sure which half’માંથી એરિકા અહીં સીધું જ આણે છે, કેમકે કવિતા આગળ જતાં લિલિથ સાથે સંધાન પણ સાધે છે.

જીવનમાં આગળ આવવાની ઇચ્છા કોને નથી હોતી? પણ આપણા પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી હંમેશા સેકન્ડ સેક્સ બનીને જ રહી ગઈ છે. સ્ત્રીસમાનતાની ચળવળ પોતે જ એ વાતની દ્યોતક છે કે હજારો વર્ષ વીતી ગયાં પણ સ્ત્રીઓને કદી પણ પુરુષસમોવડી ગણવામાં આવી જ નથી કેમકે લડાઈ હંમેશા જે નથી પ્રાપ્ત થયું એ મેળવવા માટેની જ હોઈ શકે. સમાન જ હોઈએ તો તો સમાનતાની ચળવળ જ ન હોય પણ ચળવળો છે મતલબ સમાનતા નથી જ. વિશ્વના દરેક ધર્મના શાસ્ત્રો પુરુષોએ લખ્યા, બધા નિયમો પુરુષોએ જ લખ્યા, બધા ઇતિહાસ પણ એમણે જ લખ્યા અને એટલે જ ‘વુમન ઑન ટૉપ’ એ માત્ર સેક્સ દરમિયાન એકવિધતા ટાળવા માટેનું કામાસન બનીને જ રહી ગયું છે. અપવાદોને બાદ કરતાં સ્ત્રીઓનું સ્થાન સમાજમાં હંમેશા સંઘર્ષપૂર્ણ જ રહ્યું છે. પુરુષોએ કાયમ એમનો હાથ ઉપર જ રાખ્યો છે ને પરિણામે દુનિયાના કોઈપણ દેશમાં કોઈપણ ક્ષેત્રમાં કોઈપણ સ્ત્રી આગળ આવવા ઇચ્છતી હોય તો એણે એની ઉપરનું સ્થાન પચાવી પાડનાર પુરુષની જોહુકમીનો વધતાઓછા અંશે ભોગ બન્યા સિવાય આરો જ નથી. ક્યાંક ગાજર લટકાવીને તો ક્યાંક માત્ર દાદાગીરીના જોર પર પુરુષો સ્ત્રીઓનો શિકાર કરતા આવ્યા છે, કરતા રહેશે. એટલે જ એરિકા કહે છે કે એનામાં અડધી સ્ત્રી સુંદર છે અને બાકીની અડધી ભરી પડી છે શાંતતમ જગ્યાઓના વચનોથી, એવા વચન જે કદી પૂરાં થનાર જ નથી, કેમકે શિયળ ચૂંથનાર શિયાળ એના શિકારને કદી શાંતિ બક્ષનાર જ નથી.

ફરી એકવાર એરિકા યાદ કરાવે છે કે આ શોષણની વાર્તા ‘દરરોજ’ની છે, સનાતન છે. ઘાયલ કૂતરો જેમ પોતાના જ હાડકાંઓને ચાટીને પીડાયુક્ત આનંદ મેળવે છે એમ જ એ દરરોજ અરીસા સામે કૂતરાની જેમ આ યાતનાઓમાંથી બચવા માટે પ્રાર્થના કરે છે અને પોતાની જ પીડાઓના અર્કને ઉપભોગે પણ છે. કૂતરો અરીસામાં જુએ ત્યારે શું પોતાની જાતને ઓળખી શકે છે? વૈજ્ઞાનિક સંશોધનો પરથી એવું સિદ્ધ થયું છે કે હાથી, ડોલ્ફિન અને ચિમ્પાન્જી જેવા કેટલાક પ્રાણીઓ જાત વિશે સભાન હોય છે અને તેઓ અરીસાની કસોટીમાં પાર ઉતરે છે પણ કૂતરો અરીસામાં પોતાની જાતને ઓળખવાની કસોટીમાં કદી ઉત્તીર્ણ થતો નથી. અર્થાત્ કૂતરો ભલે અરીસામાં દેખાતા પ્રાણી સાથે ઝઘડે કે રમે પણ પોતાની જાતને ઓળખી શક્તો નથી. મતલબ નાયિકા અરીસામાં પોતાને કદાચ ઓળખી પણ નથી શકતી. એ કોને પ્રાર્થી રહી છે એ કદાચ એ પોતે પણ જાણતી નથી.

આખરી ત્રણ પંક્તિઓમાં કવયિત્રી પોતાની વાત પડતી મૂકીને ‘આપણે’ને લઈ આવે છે અને એ રીતે શીર્ષક સાથે અનુસંધાન કરે છે. પોતાના શત્રુઓના હાડકાં ખાઈ જનાર લિલિથની વાત સાથે ‘આપણે જાણીએ છીએ’નો જે ઉલ્લેખ થયો છે એ યાદ રાખવા જેવો છે. એ કહેવા માંગે છે કે આપણે જાણીએ જ છીએ કે લિલિથ ઉર્ફે સ્ત્રીઓની ખરી તાકાત શું છે. લિલિથ ચારેક હજાર વર્ષ જૂનું યહૂદી પુરાણકથાઓનું પાત્ર છે. લિલિથ એટલે એક રાતની ખતરનાક રાક્ષસી, કામાતુર સ્ત્રી, જે અંધારામાં અન્યોના બાળકો ચોરી લે છે. લિલિથનો અર્થ રાત્રિ થાય છે અને એ રીતે તે ડર, ઉપભોગ અને નિરંકુશ સ્વાતંત્ર્ય જેવી અંધારી પરિભાષાઓ પણ નિર્દેશે છે. સિરિયામાં મળી આવેલ ઈ.પૂ. ૭૦૦ના એક પથ્થર પરનું કોતરકામ કહે છે: ‘હે અંધારા કક્ષમાં ઊડનાર, તાબડતોબ રવાના થા, ઓ લિલી.’ કહેવાય છે કે લિલિથ આદમની પહેલી પત્ની હતી, ઈવ નહીં, જે આદમના પૌરુષી ‘મેન ઓન ટોપ’ આદેશને તાબે થવાના બદલે ‘તું મારી નીચે સૂઈ જા, આપણે બંને સરખાં જ છીએ કેમકે આપણે બંને એક જ પૃથ્વીમાંથી જન્મ્યાં છીએ’ કહીને ભાગી નીકળી હતી. આજના સમયમાં લિલિથ ‘સારી છોકરી’ નહીં બની રહેવા માંગતી નારીવાદી સ્ત્રીઓની સ્વતંત્રતાનું પ્રતિનિધિત્વ કરે છે. માઇકલ એન્જેલો તથા દાન્તેના ચિત્ર, દાન્તેની કવિતા અને જેમ્સ જોઇસની નવલકથાઓમાં એ અમર થઈ ગઈ એ પછી તો ઢગલાબંધ સર્જકોએ સ્ત્રીસ્વાતંત્ર્ય આલેખવા લિલિથના રૂપકનો આશરો લીધો છે.

એરિકા ‘બીચ’ વિશેષણ વાપરે છે જેનો એક સીધો અર્થ તો કૂતરી થાય છે પણ ગર્ભિત અર્થ કૂતરી જેવી સ્ત્રી અર્થાત્ સ્ત્રીઓને આપવામાં આવતી ગાળ થાય છે. કૂતરી પોતાના ભૂતને પણ આખરે ચાહતા શીખી લે છે એ આપણે જાણીએ જ છીએ ને એ કારણોસર જ આપણે સ્ત્રીઓને કૂતરી જેવી બનાવીને રાખી છે. બળાત્કારીને પણ એ માફ કરી શકે છે અને એટલે જ એના પર થતા બળાત્કારોનો અંત આવતો નથી. એરિકા સમસ્યા તરફ અંગૂલિનિર્દેશ માત્ર કરે છે, કોઈ ઈલાજ સૂચવતી નથી. કવિતાનું એ કામ પણ નથી. કવિતા માત્ર આપણી મૂર્છિત થઈ ગયેલી સંવેદનાઓને સંજીવની સૂંઘાડીને હોંશમાં લાવવાનું કામ કરે છે અને એ કામ આ કવિતા બખૂબી કરી શકી છે. આ કવિતા વિશે એરિકા પોતે કહે છે કે આ કવિતા ગુસ્સામાંથી જન્મી છે અને જેમ જેમ મેં ફરી-ફરીને સુધારવાનું ચાલુ રાખ્યું તેમ-તેમ મને ખ્યાલ આવતો ગયો કે હું પણ હેશ-ટેગ મી ટુ ચળવળ વિશે લખી રહી છું અને આ સભ્યતામાં સ્ત્રી હોવાનો મતલબ શો છે. વારસામાં મળતી હિંસાનો આપણે કેવી રીતે સામનો કરીએ છીએ?

ગ્લૉબલ કવિતા : ૮૦ : આઇસક્રીમનો શહેનશાહ – વૉલેસ સ્ટિવન્સ

The Emperor of Ice-Cream

Call the roller of big cigars,
The muscular one, and bid him whip
In kitchen cups concupiscent curds.
Let the wenches dawdle in such dress
As they are used to wear, and let the boys
Bring flowers in last month’s newspapers.
Let be be finale of seem.
The only emperor is the emperor of ice-cream.
Take from the dresser of deal.
Lacking the three glass knobs, that sheet
On which she embroidered fantails once
And spread it so as to cover her face.
If her horny feet protrude, they come
To show how cold she is, and dumb.
Let the lamp affix its beam.
The only emperor is the emperor of ice-cream.

– Wallace Stevens


આઇસક્રીમનો શહેનશાહ

બોલાવો મસમોટી સિગારના વાળનાર,
એ હટ્ટાકટ્ટાને, અને કહો એને કે વલોવે
રસોડાના વાસણોમાં કામાતુર દહીંઓને.
છોકરડીઓને આળસમાં રાચવા દો એ વસ્ત્રોમાં
જે પહેરવા તેઓ ટેવાયેલી છે, અને છોકરાઓને
લાવવા દો ગયા મહિનાના અખબારોમાં ફૂલો.
હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

કાઢો, કાચના ત્રણ ડટ્ટાઓ વગરના
કબાટના ખાનાંમાંથી, પેલી ચાદર
જેના પર એણે કદી પંખીઓનું ભરતકામ કર્યું હતું.
અને એવી રીતે પાથરો કે એનો ચહેરો ઢંકાય.
જો એના કઠણ પગ બહાર રહી જાય, તો એ બતાવવા માટે
જ કે એ કેટલી ઠંડી છે, અને મૂંગી પણ.
દીવાને એના કિરણ ગોઠવવા દો.
એકમાત્ર શહેનશાહ છે આઇસક્રીમનો શહેનશાહ.

– વૉલેસ સ્ટિવન્સ
(અનુ. વિવેક મનહર ટેલર)


ચાલો, જઈએ આઇસક્રીમના શહેનશાહના દરબારમાં…

સાંજના સોનેરી કિરણની છેલ્લી કરાડ પર વીતી રહેલી ક્ષણોને અઢેલીને તમે એનો હાથ હાથમાં ઝાલીને તારામૈત્રક રચીને બેઠા છો… આ સમય અહીં જ થીજી જાય તો કેવું સારું એવી બૂમ હૃદયના ઊંડામાં ઊંડે ખૂણેથી ઊઠતી હોય એવે વખતે ક્ષિતિજ પર તમારા પ્રણયને અવગણીને ઝડપભેર ઢળી રહેલો સૂરજ પીગળી રહેલા આઇસક્રીમ જેવો નથી લાગતો? આઇસક્રીમ… આઇસક્રીમ કોને ન ગમે? પણ શું એ પ્રેમની જેમ ટકી શકવા સમર્થ છે ખરું? ગમે એટલું વહાલું કેમ ન હોય, વેફલકૉનમાં કે કપમાં આઇસક્રીમ લઈને બેસી ન રહેવાય. જે ઘડીએ એ તમારા હાથમાં આવે એ ઘડીએ જ એને ખતમ કરવાની પેરવીમાં લાગી જવું પડે નહિતર એ પીગળવા માંડે છે કેમકે એની ખરી મજા જ એને માણવામાં છે, સાચવવામાં નહીં. જિંદગીનું પણ આવું જ છે. વૉલેસ સ્ટિવન્સ પ્રસ્તુત રચનામાં આઇસક્રીમ અને જિંદગીનો એકમાત્ર સિદ્ધાંત –માણી લો- સમજાવે છે.

વૉલેસ સ્ટિવન્સ. અમેરિકામાં પેન્સિલ્વેનિયાના રિડિંગ શહેરમાં ૦૨-૧૦-૧૮૭૯ના રોજ ધનાઢ્ય વકીલના ઘરે જન્મ. કાયદો ભણ્યા અને ૧૯૧૬ સુધી ન્યૂયૉર્કમાં વકાલત કરી. ત્યારબાદ કનેક્ટિકટ સ્થાયી થઈ વીમાકંપનીના ઉપપ્રમુખપદ સુધી પહોંચ્યા. ૧૯૧૪માં ‘પિટર પેરાસોલ’ના છદ્મનામે એમણે મોકલેલી કવિતાઓ સ્પર્ધામાં તો જીતી ન શકી પણ પ્રગટ જરૂર થઈ. એલ્સી વાયોલા કચેલ સાથે પાંચ વર્ષ લાંબા પ્રેમપ્રકરણ બાદ લગ્ન કર્યા ત્યારે વૉલેસના કુટુંબીજનો છોકરી નીચલા વર્ગની છે એમ વિરોધ સાથે આશીર્વાદ આપવા આવ્યા નહીં અને વૉલેસે પણ મા-બાપ સાથે આજીવન સંબંધ ન રાખ્યો. એલ્સી અડધા ડોલરના સિક્કા માટેની મોડેલ પણ બની હતી. વૉલેસ કરતાં ઉમરમાં એક દાયકો નાની, ઊંચાઈમાં એક ફૂટ અને વજનમાં સો પાઉન્ડ ઓછી, આર્થિક રીતે અને અભ્યાસની (૯મું પાસ) રીતે પણ અડધાથીય ઓછી એલ્સીને પાછળથી માનસિક બિમારી પણ થઈ એટલે સહજીવન છિન્નભિન્ન થઈ ગયું પણ લગ્નજીવન એક છત નીચે અલગ-અલગ શયનકક્ષમાં ટકી રહ્યું. ૦૨-૦૮-૧૯૫૫ના રોજ જઠરના કેન્સરના કારણે થ્રી-પીસ સુટમાં સજ્જ રહેલી અંતર્મુખી સ્વભાવની માલિક સવા છ ફૂટની પડછંદ કાવ્યપ્રતિભા કાયમ માટે સૂઈ ગઈ.

પુલિત્ઝર પ્રાઇઝના વિજેતા. આજે વીસમી સદીના શ્રેષ્ઠતમ અમેરિકન કવિઓમાંના એક ગણાય છે પણ મૃત્યુના એક વર્ષ પહેલાં સુધી એમને જોઈતી પ્રસિદ્ધિ પ્રાપ્ત થઈ નહોતી. પહેલા સંગ્રહની તો માંડ સો જ પ્રત વેચાઈ હતી. શરૂઆતની કવિતાઓમાં અંગ્રેજી રોમેન્ટિસિઝમ અને ફ્રેન્ચ પ્રતીકવાદની છાંટ જોવા મળે છે. નખશિખ મૌલિકતાથી છલોછલ એમની કવિતાઓ આગવી સૌંદર્યાન્વિત ફિલસૂફી, દિગ્મૂઢ કરી દેતા વૈચિત્ર્ય, તરંગીપણાં, અને પ્રભાવવાદી ચિત્રોની રંગચ્છાયાથી પ્રચુર જોવા મળે છે. વસ્તુમાત્રને સમુચી બદલી શકવાની કલ્પનાની શક્તિ એમનું મુખ્ય હથિયાર હતું. કલ્પના અને નક્કર વાસ્તવિક્તાને એકમેકમાં સંપૂર્ણતઃ પલોટવાની એમની અભૂતપૂર્વ પ્રતિભા એમને સમકાલીન આધુનિક કવિઓથી ઉફરા તારવી આપે છે. તકનીક અને વિષયવસ્તુની સંકુલતાના કારણે લોકો એમને સ્વેચ્છાએ અઘરા બનેલા કવિ પણ કહે છે. એ કહેતા કે કવિતાનો ખરો અર્ક પરિવર્તન છે અને પરિવર્તનનો ખરો અર્ક એ છે કે એ આનંદ આપે છે.

પ્રસ્તુત રચના આઠ-આઠ પંક્તિના બે અંતરામાં વહેંચાયેલી છે. બહુપ્રચલિત આયંબિક પેન્ટામીટરમાં એ લખાઈ છે પણ કવિએ મીટર એકધારું રાખવાના બદલે નાના-નાના પરિવર્તન કર્યે રાખ્યા હોવાથી વાત વધુ રસિક બને છે. બંને અંતરાની આખરી બે કડીઓ સિવાય ક્યાંય પ્રાસ મેળવવાની પળોજણ કરી નથી. આ કવિતાને સેંકડો વિવેચકોએ વીસમી સદીની સૌથી વધુ ગૂંચવાડાજનક કવિતા કહી છે અને એ સાથે જ સેંકડો વિવેચકોએ આને ઉત્તમોત્તમ કૃતિ કહીને માથે પણ ચડાવી છે. ૧૯૪૬માં ફ્રેડરિક પૉટલે વાપરેલ પરિભાષાને સ્ટિફન બર્ટે ૧૯૯૮માં ‘એલિપ્ટિકલ પોએટ્રી’ તરીકે પુનઃસ્થાપિત કરી જે પરિભાષા આ કવિતાને પણ લાગુ પડે છે. આ પ્રકારની કવિતાઓ સામાન્ય પ્રવાહ અને સમજણથી જરા ઉફરી ચાલે છે. આ કવિતાઓમાં વચ્ચે-વચ્ચેથી ઘટનાલોપ કરીને અમુક બાબતો અધ્યાહાર રાખવામાં આવે છે. તિર્યકતા અને માર્મિકતા એના પ્રધાન લક્ષણ છે. આ કવિતામાં પણ ઘણી વસ્તુઓ સામાન્ય સમજ અને રોજિંદા અર્થઘટનની વ્યાખ્યાઓની બહારની છે. શબ્દો, વિશેષણ, વાક્યરચનાઓ- આ બધું જ વધારાનું ધ્યાન માંગી લે છે. કવિતાની વ્યાખ્યા આપતા વૉલેસે કહ્યું હતું: ‘કવિતાએ બુદ્ધિનો પ્રતિકાર કરવો જ જોઈએ/લગભગ સફળતાપૂર્વક.’ કવિતાનું શીર્ષક ‘આઇસક્રીમનો શહેનશાહ’ વાંચીને જ મગજ ચકરાવે ચડી જાય. હજાર જાતના શહેનશાહોના નામ આપણે સાંભળ્યાં હશે પણ આઇસક્રીમનો શહેનશાહ? કવિતામાં કવિ વળી એને એ એકમાત્ર શહેનશાહ છે એ વાત બબ્બે વાર કરે છે. એટલે કવિતા પીગળી જાય એ પહેલાં આપણે આઇસક્રીમ પર ધ્યાન આપવું ઘટે.

આઇસક્રીમનો ઇતિહાસ પણ એના જેવો જ સ્વાદિષ્ટ છે. અઢી હજાર વર્ષ પૂર્વે ગ્રીક લોકો બરફમાં મધ તથા ફળો ભેળવીને બજારમાં વેચતા હતા. હિપોક્રેટ્સ એમના દર્દીઓને નિરામય સ્વાસ્થ્ય માટે બરફ ખાવાનો ઈલાજ સૂચવતા હતા. ઈ.પૂ. ૪૦૦માં પર્શિયામાં નવાબો ગુલાબજળ, કેસર, ફળો વગેરેને બરફમાં ભેળવીને પેશ કરાતા. ઈસુના બસો વર્ષ પહેલાં ચીનમાં દૂધ અને ચોખાના મિશ્રણને બરફમાં થીજાવીને આઇસક્રીમ જેવો પદાર્થ બનાવાયો હતો. મીઠું ભેળવવાથી બરફનો હિમાંક શૂન્ય ડિગ્રીથી નીચે ઊતરે છે એ હકીકત એમણે શોધી કાઢી હતી. રોમન રાજાઓ ગુલામો પાસેથી પહાડો પરથી તાજો બરફ મંગાવી એમાં અલગ-અલગ સ્વાદ ભેળવીને આરોગતા હતા. ઈ.સ. ૬૧૮થી ૬૯૭ની વચ્ચે ચીનમાં જ રાજા ટેન્ગ ઑફ શાન્ગે ૯૪ આઇસ-મેનની મદદથી દૂધ, લોટ અને કપૂરની મદદથી આઇસક્રીમ જેવો ઠંડો પદાર્થ બનાવડાવી ખાધો હતો. તેરમી સદીના અંતભાગમાં વિશ્વ પ્રવાસી માર્કો પોલો ચીનથી આઇસક્રીમની રેસિપી ઇટલી લઈ આવ્યો હતો. ભારતમાં મોઘલ સામ્રાજ્યમાં આઇસક્રીમના પગરણ મંડાયા. છેક ૧૯૨૬માં વ્યાવસાયિક ધોરણે આઇસક્રીમનું ઉત્પાદન શરૂ થયું, એ પહેલાં આઇસક્રીમ સામાન્ય માણસોની પહોંચ બહારની ભોગવિલાસની વસ્તુ ગણાતી. ૧૯૦૮માં મોન્ટગોમેરી ‘એન ઑફ ગ્રીન ગેબલ્સ’માં લખે છે: ‘મેં કદી આઇસક્રીમ ખાધું નથી. ડાયેનાએ મને સમજાવવાની કોશિશ કરી- પણ મને લાગે છે કે આઇસક્રીમ કલ્પના બહારની વસ્તુઓમાંની એક છે.’ વૉલેસની આ કવિતા ૧૯૨૩માં પ્રગટ થઈ એટલે સહજ સમજી શકાય છે કે આઇસક્રીમ એ જમાનામાં શી ચીજ હશે!

કવિતા ઘરના બે કમરામાં વહેંચાયેલી છે. બંને અંતરા પણ બે કમરાની જેમ જ અલગ પડે છે. પહેલો અંતરો આપણને રસોડામાં તો બીજો અંતરો શયનકક્ષમાં લઈ જાય છે. રસોડામાં વ્યસ્તતા જ વ્યસ્તતા નજરે ચડે છે તો શયનકક્ષમાં મૃત્યુનો સન્નાટો. આઇસક્રીમના શહેનશાહવાળી ધ્રુવપંક્તિ બંને કમરા અને બંને અંતરા વચ્ચે અનુસંધાન સાધી આપે છે. કવિતા વિશે વાત કરતાં-કરતાં વૉલેસે જે અસામાન્ય શબ્દોની ભરમાર કરી છે એ પણ સાથોસાથ જોતાં જવું પડશે. Big Cigar (મોટી સિગાર), Muscular (હટ્ટાકટ્ટા), Whip (ફીણવું), Wenches (છોકરડી), Dawdle (ટહેલવું) Horny (કામાતુર, કઠણ) જેવા શબ્દો કવિતાની અસાધારણતા તરફ લક્ષ ખેંચે છે, પણ દહીંનું બહુવચન અને કામાતુર (Concupiscent) વિશેષણ તો આપણને બેઠક પરથી અચાનક જ ઊઠલાવી પાડે છે. આ તદ્દન out of the box શબ્દ આપણને વધુ પડતો ભપકાદાર (Gaudy) લાગે છે. જો કે વૉલેસે પોતે આ કવિતા વિશે કહ્યું હતું: ‘એમ્પરર ઑફ આઇસક્રીમ કવિતાએ જાણીબૂજીને સામાન્ય પોશાક ધારણ કર્યો છે પણ તે છતાંય મને લાગે છે કે કવિતા માટેના આવશ્યક ભડકીલાપનમાંથી એ કંઈક કબ્જે કરી શકી છે.’ એટલે સમજી શકાય છે કે વૉલેસે આ વિશેષણ અને બહુવચન સહેતુક પ્રયોજ્યાં છે. કામાતુર શબ્દ ખાદ્યપદાર્થ માટે વાપરવામાં આવ્યો છે એ ઇન્દ્રિયવ્યત્યય ધ્યાનાર્હ છે. કિટ્સનું દીર્ઘકાવ્ય ‘ઇવ ઑફ સેઇન્ટ એગ્નેસ’ યાદ આવે જેમાં ‘મલાઈદાર દહીં કરતાં વધુ સારી જેલી’ જેવા પ્રયોગ સાથે પ્રેયસીને રીઝવવા માટે પોર્ફાઇરો જે રીતે નાનાવિધ વાનગીઓનો ખડકલો કરે છે એ સ્વાદેન્દ્રિય કરતાં વધુ તો આપણી વિષયાસક્તિને સ્પર્શે છે. આપણા ભાષાભંડોળમાં અંગ્રેજી ભાષાના સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટી – આ બે શબ્દોની અર્થચ્છાયા યથાર્થ સમજાવી શકે એવા શબ્દ કદાચ નથી. વિષયાસક્તિ અને જાતીયતા કહીને આપણે ચલાવી લેવું પડે છે. પણ આ કવિતા ઇન્દ્રિયજન્ય સુખ પરત્વેની અભિરુચિ તરફ ઈશારા કરતા સેક્સ્યૂઍલિટી અને સેન્સ્યૂઍલિટીસભર સંકેતોથી ભરી પડી છે.

આ કવિતામાં વીસમી સદીના પ્રારંભકાળના કી-વેસ્ટ તથા હવાના ટાપુઓની આબોહવા નજરે ચડે છે. વૉલેસ આ સ્થળોએ અવારનવાર રહ્યા હતા એટલે ત્યાંના મૃત્યુવિષયક રિવાજોનો પરિચય અહીં આપણને સાંપડે છે. અંગ્રેજીમાં મૃતકના ઘરમાં એની લાશ પડી હોય એ સમયે થતા સામાજિક મેળાવડાને ‘વૅક’ (wake) કહે છે. એક જમાનામાં આ પ્રસંગે જાગરણ થતું હોવાથી આ નામ પડ્યું હોવાનું મનાય છે. આવા પ્રસંગોએ આઇસક્રીમ પણ ઘરોમાં બનાવાતું. કવિતાના આરંભ પરથી જ સમજી શકાય છે કે કોઈકે આ ‘વૅક’ની જવાબદારી પોતાના માથે લીધી છે અને એ એક પછી એક હુકમ આપે છે. હાથેથી કાગળ વાળીને મોટી સિગાર બનાવવામાં જે નિષ્ણાત હશે એવા કોઈક હટ્ટાકટ્ટાને બોલાવવાનું ફરમાન સૌપ્રથમ તો કરવામાં આવે છે. ક્યુબા, કી-વેસ્ટમાં એ ગાળામાં ઘણી સિગારની ફેક્ટરીઓ હતી એટલે નજીકની આવી ફેક્ટરીમાંથી કોઈકને બોલાવવાનો હુકમ થયો છે પણ એ માણસ માંસલ હોવો જરૂરી છે. કેમ? કેમકે એણે શોકસભામાં આવનાર તમામ માટે કામાતુર દહીંઓને વલોવીને આઇસક્રીમ બનાવવાનું છે. આઇસક્રીમ આપણને દૂધ કરતાં વધુ આકર્ષે છે. કામક્રીડા સાથે સાંકળીએ તો આઇસક્રીમને દૂધનું ઓર્ગેઝમ ગણી શકાય. એટલે જ સંભાષક સ્નાયુબદ્ધ કામદારને બોલાવવાનું કહે છે. છોકરીઓને જે કપડાં તેઓ સામાન્યતઃ પહેરતી હોય છે એ જ કપડાંમાં અહીં-તહીં આંટા મારવા દેવાનું સૂચવાય છે. શોકપ્રસંગે આપણે ત્યાં સફેદ અને પાશ્ચાત્ય સંસ્કૃતિમાં ખાસ કાળાં કપડાં પહેરવાની પ્રથા હોય છે પણ નાયક અહીં મૃત્યુની ઉજવણીમાં માને છે એટલે રોજિંદા કપડાંમાં છોકરીઓનું સ્વાગત છે. છોકરડી માટે કવિએ વાપરેલ ‘વેન્ચ’નો એક અર્થ છોકરી તો બીજો અર્થ વેશ્યા પણ થાય છે. અહીં કવિ કદાચ બંને અર્થોનું સંમિશ્રણ ઝંખે છે. શોકસભામાં છોકરાઓ વ્યવસ્થિત બુકે બનાવીને ફૂલ લાવતા હોય છે પણ અહીં વીગત મહિનાના અખબારોમાં વીંટાળીને ફૂલો લાવવાની રજા આપવામાં આવી છે. ગયા મહિનાના અખબારનો સંદર્ભ અને ફૂલોનું અલ્પાયુ પણ આઇસક્રીમ અને એ રીતે જીવનની નશ્વરતા તરફ અંગૂલિનિર્દેશ કરે છે.

‘હોવાને હોવા દો લાગવુંની પરાકાષ્ઠા’ વાક્યપ્રયોગે તો વિશ્વભરના વિવેચકોને મૂંઝવ્યા છે. વાસ્તવ અને કલ્પના – આ બે જણ સામસામે આવી ઊભા હો ત્યારે વાસ્ત્વને કલ્પનાથી ઊંચુ સ્થાન કવિ આપી રહ્યા છે. સરળ ભાષામાં કહી શકાય કે ચાલાકી અને આભાસને નક્કર વાસ્તવિક્તા માટે માર્ગ પ્રશસ્ત કરવા દો. લાગવું એ આભાસી જીવનનું પ્રતીક હોઈ શકે છે તો હોવું એ નક્કર મૃત્યુની હકીકત. કેમકે આખરે તો જે ક્ષણોમાં પીગળી જનાર છે આઇસક્રીમ યાને કે મૃત્યુ જ શહેનશાહોનો શહેનશાહ છે. આઇસક્રીમ એ સેક્સ, ફૂલો અને અખબારની જેમ જ એકદમ અલ્પજીવી આનંદ છે. વળી આઇસક્રીમ ઠંડુ પણ છે. ઠંડે કલેજે પોતાના સમયે ને પોતાની શરતે આપણને તાણી જતા મૃત્યુની ટાઢક પણ અહીં અનુભવાય છે. રસોડામાં ચાલતા હલ્લાગુલ્લા તરફ મૃતકનો અભિગમ જેમ હવે ઠંડો જ હોઈ શકે, રસોડામાં આરામથી ટહેલતાં છોકરી-છોકરાઓનો પણ જેના મૃત્યુપ્રસંગે આવ્યાં છે એ મૃતક તરફનો અભિગમ એવો જ ઠંડો છે. આમ, બધી રીતે આઇસક્રીમ યથાર્થ લાગે છે.

ચહલપહલ અને કામુકસંકેતસભર રસોડાનું દૃશ્ય પૂરું થયા બાદ બીજા અંતરામાં કવિનો કેમેરા શયનકક્ષ તરફ વળે છે. આખી કવિતા વાંચી ન લો ત્યાં સુધી પહેલો અંતરો સમજી શકાય એમ જ નથી. બીજો અંતરો જ પહેલા અંતરાને ખોલવા માટેની ચાવી છે. સંભાષક હજીય હુકમ ચલાવી રહ્યો છે. એ મૃતકને ઓઢાડવા માટે કબાટના ખાનામાંથી ચાદર કાઢવા આદેશ આપે છે. કબાટના ખાનાં પરના કાચના ડટ્ટાઓમાંથી ત્રણ ગાયબ છે. મરનારની આર્થિક પરિસ્થિતિનો અહીં પહેલવહેલો અંદેશો આવે છે. સમારકામના પૈસાનો અભાવ તરવરી આવે છે. એ ચાદર કાઢવાની છે જેના પર મૃતકે ક્યારેક પંખીઓનું ભરતકામ કર્યું હતું. ભરતકામનો શોખ મરનારની વય વધુ હશે એવો ઈશારો કરે છે. આમ, મૃતકની ઉમર વિશે પણ કવિતામાં પહેલી વાર અછડતો પ્રકાશ પડે છે. મૃતકનો વૃદ્ધ ચહેરો ઢંકાય એ રીતે આ ચાદર એને ઓઢાડવાની છે. રસોડામાં ચાલતી પવૃત્તિઓ પર પડદો પાડવા માટેની આ ચેષ્ટા હોવાનું પણ અનુભવાય છે. બની શકે કે મોઢું ઢાંકવા જતાં એના પગ ઊઘાડા રહી જાય. કવિ પગ માટે હૉર્ની વિશેષણ વાપરે છે. હૉર્ની ફીટનો એક અર્થ નખવાળા પગ કે કઠણ પગ થાય છે. નખ એ આંગળીના અગ્રભાગને ઢાંકતો શિંગડા (હૉર્ન)ની જેમ કેરેટિનનો બનેલો પદાર્થ છે. વળી આંટણ પડીને કઠણ થઈ ગયેલ ચામડી માટે પણ હૉર્ની વિશેષણ પ્રયોજી શકાય છે. એ સિવાય આખી કવિતા કામસંદર્ભપ્રચૂર હોવાથી હૉર્નીનો બીજો અર્થ કામાતુર થાય છે એ યાદ કરવું પણ અનિવાર્ય છે. આંટણવાળા કઠણ પગ એ મૃતકની ઉમરનો અંદાજ આપતો બીજો સંદર્ભ છે. ચાદરમાં ઢંકાવા બાકી રહી જતા કઠણ પગ મૃતકનો રસોડાની ગતિવિધિ તરફનો ઠંડો અને મૂંગો પ્રતિભાવ સૂચવે છે. અંતે દીવાને એના કિરણ ગોઠવવા દેવાની વાત સૂચવે છે કે વાસ્તવિકતાનો નિષ્ઠુર પ્રકાશ માત્ર એ જ બતાવશે જે ખરેખર જોઈ શકાય છે, આભાસ નહીં. એમ પણ વિચારી શકાય કે હવે આપણે આપણું ધ્યાન, આપણી સ્પૉટલાઇટ જીવન પર કેન્દ્રિત કરવાનાં છે, મૃત્યુ પર નહીં. ભરતકામવાળી પણ ટૂંકી પડતી ચાદર દીવાના પ્રકાશમાં જીવનની અપૂર્ણતા પણ દેખાડે છે. ટૂંકમાં, અનેક રીતે અર્થઘટન કરી શકાવાની શક્યતાઓ અહીં પણ ભરી પડી છે.

વૉલેસની આ Carpe Diem કવિતા પણ આજમાં જીવી લેવાની જ વાત કરે છે. ‘ટુ બી ઓર નોટ ટુ બી’ની હોવા-ન હોવાની દ્વિધામાં અટવાયેલ શેક્સપિઅરના હેમ્લેટની પણ આ કવિતા યાદ અપાવે છે. અને ‘ઓન્લી એમ્પરર’ હેમ્લેટના જ ઉચ્ચારણ ‘તમારો કીડો જ તમારો એકમાત્ર શહેનશાહ છે ખોરાક માટેનો. આપણે સૌ જીવોને જાડા કરીએ છીએ, આપણા જાડા થવા માટે, અને આપણે જાડા થઈએ છીએ કીડાઓ માટે’ની પણ યાદ અપાવે છે. મૃત્યુ જ એકમાત્ર શહેનશાહ છે. કબરના કીડાઓ જ આપણને ખાનાર છે એ અફર હકીકત છે. આસપાસનું જીવન તો મૃત્યુ પછી પણ અટકવાનું નથી. શા માટે મોતના શોકનો દંભ કરવો? મૃત્યુને ઊજવવું કેમ નહીં? શા માટે પીગળી જાય એ પહેલાં આઇસક્રીમ માણી ન લેવું? શા માટે શોક પ્રદર્શિત કરતાં કપડાં પહેરવાં? શા માટે ફૂલોને સજાવી-ધજાવીને લાવવા? બે અંતરા અને બે ઓરડામાં વહેંચાયેલી કવિતા વ્યસ્ત જીવનનું ચિત્ર અને એકલવાયા મૃત્યુના ચિંતન તરફ આપણને લઈ જાય છે. એક શોકપ્રસંગ અને લોકપ્રસંગને એ આપણા અંતિમ ગંતવ્યમાં પલટાવે છે. આઇસક્રીમ જે આપણને શરૂમાં એક ઇક્ઝોટિક ડિઝર્ટ તરીકે લોભાવે છે એ આખરે ભાગ્ય આપણને અંતે ક્યાં લઈ જનાર છે એના પ્રતીકમાં પલોટાય છે અને આપણા મોઢામાં ભય પમાડે એવો ઠંડો સ્વાદ છોડી જાય છે… વૉલેસે કવિતા માટે જે કહ્યું હતું એ અહીં યથોચિત સિદ્ધ થાય છે: ‘કવિતાએ જીવંત હોવાની લાગણી તથા જીવંત હોવાને ઉત્તેજીત કરવું જોઈએ.’

ગ્લૉબલ કવિતા :૭૯ : રાત અને મૃત્યુ – જોસેફ બ્લેન્કો વાઇટ

Night and death

Mysterious Night! when our first parent knew
Thee, from report divine, and heard thy name,
Did he not tremble for this lovely Frame,
This glorious canopy of Light and Blue?

Yet ‘neath a curtain of translucent dew,
Bathed in the rays of the great setting Flame,
Hesperus with the host of heaven came,
And lo! Creation widened in man’s view.

Who could have thought such Darkness lay concealed
Within thy beams, O Sun! or who could find,
Whilst fly, and leaf, and insect stood revealed,
That to such countless Orbs thou mad’st us blind!

Why do we then shun death with anxious strife?
If Light can thus deceive, wherefore not Life?

– Joseph Blanco White

રાત અને મૃત્યુ
(મંદાક્રાંતા)

ગેબી રાત્રિ! પ્રથમ જનકે જાણ્યું’તું જે ઘડીએ
તારા વિશે પ્રથમ જ અને નામ સુણ્યું હશે જ્યાં
કાંપી ઊઠ્યો શું નહિ જ હશે દૃશ્ય એ નીરખી આ-
ભવ્યાતિભવ્ય છત અજવાળી અને આસમાની?

તોયે લો! ઝાકળ યવનિકા પારભાસી તળેથી,
ન્હાઈધોઈ ઢળકત મહા જ્યોતિના કિરણોમાં,
સ્વર્ગેથી લશ્કર સહિત જ્યાં આવતો શુક્ર તારો
ને દેખો! સર્જન મનુજની દૃષ્ટિમાં વિસ્તર્યું ત્યાં

વિચારી શું શકત કદીયે કોઈ, ઓ સૂર્ય! કેવું
છૂપાયું છે તિમિર કિરણોમાં, અને જંતુ, માખી,
પર્ણો છે દૃષ્ટિ મહીં પણ તેં અંધ કીધા અમોને
કેવા આવા અગણિત ગ્રહો રત્નની હાજરીથી!

શા માટે તો ઝઘડવું ઘટે મૃત્યુ સાથે કહો તો?
ધોખો શાને જીવન ન કરે, તેજ જો છેતરે તો?

– જોસેફ બ્લેન્કો વાઇટ
(અનુ. વિવેક મનહર ટેલર)

મૃત્યુ – અજવાળામાં છૂપાઈ ગયેલું અજવાળું?

અજ્ઞાન ડરના ઘરનો દરવાજો છે. જે વસ્તુ વિશે આપણે જાણી લઈએ છીએ એ આપણને ડરાવી શકતી નથી પણ જે વસ્તુ વિશે આપણે પૂરતું જાણી શકતા નથી એ ડર બનીને આપણા મનોમસ્તિષ્કનો કબજો લઈ લે છે. ઈશ્વર વિશે આપણે કંઈ જાણતા નથી એટલે આપણે ડરીએ છીએ. માનવીના મનમાં જો ઊંડે ઊંડેથી પાપ અને નરકની વિભાવના ભૂંસી કાઢવામાં આવે (જે શક્ય જ નથી!) તો માનવી ઈશ્વરથી ડરતો બંધ થઈ જાય અને એની ત્વચા નીચેનું જનાવર સાચા અર્થમાં પ્રકટ થાય. જે ક્ષણે માણસ ગુનો આચરે છે એ એક ક્ષણ પૂરતો એ ઈશ્વર-પાપ-નરકના ડરથી સંપૂર્ણ મુક્ત હોય છે. જે ક્ષણે એનો ડર પરત ફરે છે, એ પ્રાયશ્ચિત કરવા બેસે છે. અંધારાનું પણ આવું જ છે. તમારી પાસે પ્રકાશનો કોઈપણ પ્રકારનો સ્રોત ન હોય તો અંધારામાં છાતીના પાટિયા બેસ્યા વિના નહીં જ રહે. ગાઢ જંગલમાં જ્યાં ચાંદતારાનો ટીપું પ્રકાશ પણ પહોંચી ન શકે અને પોતાનો હાથ પણ દેખી ન શકાય એવા પ્રગાઢ અંધકારમાંથી તમે પસાર થઈ શકો ખરા? મૃત્યુ પણ આવો જ એક ડર છે. મૃત્યુ જેટલું નિશ્ચિત છે એટલું જ અકળ પણ છે. મૃત્યુ પામ્યા પછી કોઈ આપણી સાથે પોતાનો અનુભવ વહેંચવા પરત ફરી શકતું નથી. મૃત્યુ વિશે આપણે જે કંઈ લખ્યું-વાંચ્યું છે એ બધું જ કપોળકલ્પનાથી વિશેષ કંઈ જ નથી. મૃત્યુ એક એવું અંધારું છે જ્યાં આજસુધી રોશનીનું એક કિરણ પણ પ્રવેશી શક્યું નથી. એટલે જ મૃત્યુથી આપણને ડર લાગે છે. પ્રસ્તુત રચનામાં કવિ જોસેફ વાઇટ આજ અંધારા અને મૃત્યુની વાત લઈ આવ્યા છે.

જોસેફ બ્લેન્કો વાઇટ. જન્મનું નામ જોઝ મારિઆ બ્લેન્કો વાય ક્રેસ્પો. ૧૧-૦૭-૧૭૭૫ના રોજ સ્પેનના સવિલ (Seville) ખાતે ધનાઢ્ય કેથલિક વેપારીના ઘરે જન્મ. મૂળ આઇરીશ, જન્મે સ્પેનિશ પણ કર્મે અંગ્રેજી કવિ. લેખક. પત્રકાર. મજાના વાયોલિનવાદક. સ્પેનની આઝાદીના હિમાયતી. નેપોલિઅનના ફ્રેન્ચ લશ્કરે જ્યારે સ્પેન પર અતિક્રમણ કર્યું ત્યારે ૧૮૧૦માં એ ઇંગ્લેન્ડ આવી ગયા અને ફ્રેન્ચવિરોધી ચળવળ જગાવનાર ‘સ્પેનિયાર્ડ’ના તંત્રી બન્યા. રોમન કેથલિક પાદરી. પણ પછીથી ચર્ચ અને ચર્ચના નિયમો બંધન લાગવા માંડ્યા. કેથલિક ચર્ચ છોડી, ઇંગ્લેન્ડપ્રવેશ સાથે એન્ગ્લિકન ચર્ચ તરફ વળ્યા. વાઇટ અટક અપનાવી. આખરે ચર્ચ છોડીને મુક્ત વિચારક બન્યા. છેવટે ૧૮૩૫માં યુનિટેરિયન ચર્ચમાં પ્રવેશ્યા પણ ત્યાંય એમને વડાઓ સાથે વાંકુ પડતું. ટૂંકમાં ધર્મના વાડાઓની અંદર અથવા બહાર, સનાતન સત્યની અનવરત શોધ એમના જીવનનું મુખ્ય ધ્યેય હતું. યેલો-ફીવરના રોગચાળા વખતે મોતની લગોલગ પહોંચીને બચી ગયા. જીવનના અંતભાગમાં તબિયત નબળી રહી. ૨૦-૦૫-૧૮૪૧ના રોજ ૬૫ વર્ષની વયે લિવરપુલ, ઇંગ્લેન્ડ ખાતે દેહાવસાન.

વાઇટની કવિતાઓમાં એમની અંતિમ સત્ય તરફની ગતિ સતત નજરે પડે છે. ધર્મના નામે પેસી ગયેલા સડાઓના એ પ્રખર વિરોધી હતા. ચર્ચમાં ઊંચા સ્થાને પહોંચ્યા હોવાના કારણે કરવા પડતા કામોથી એ ત્રાસતા અને એ એમની રચનાઓમાં પણ પ્રતિબિંબિત થાય છે. ઇંગ્લેન્ડ આવ્યા પછી એમણે ‘લેટર્સ ફ્રોમ સ્પેન’ પુસ્તક લખ્યું જેમાં કેથલિક ચર્ચની ગેરરીતિઓનો પર્દાફાશ કર્યો હતો. ઈશ્વરમીમાંસા (થિઓલોજી) એમનો પ્રિય વિષય હતો. ધર્મ અને ધર્મવિષયક મથામણો તથા જીવનની નાની-નાની વાતો એ નિયમિત ડાયરીમાં ટપકાવ્યે રાખતા. સરલ ભાષા અને ગહન વિચારોના કારણે એમની અલ્પમાત્રામાં લખાયેલી કવિતાઓ પણ ધ્યાનાર્હ બને છે.

ક્યારેક કળાકારની કોઈ એક જ કૃતિ એના તમામ સર્જન ઉપર હાવી થઈ જતી હોય છે. આ સૉનેટને પણ આનું ઉત્તમ ઉદાહરણ ગણી શકાય. આ સૉનેટનો મધ્યવર્તી વિચાર એના સર્જકના ખુદના જીવનમાં જ સિદ્ધ થયેલો જોવા મળે છે. જે રીતે વાઇટના આ સૉનેટમાં સૂર્ય પોતાના તેજના ઓછાયામાં રાતના અંધારા અને એ અંધારામાં ઉપસ્થિત અગણ્ય ગ્રહ-તારકોને આપણી આંખથી છૂપાવી દે છે, એ જ રીતે આ સૉનેટના પ્રકાશમાં વાઇટનું બાકીનું તમામ સર્જન ભાવકોની આંખથી છૂપાઈ ગયું. ૧૮૨૮માં પ્રગટ થયેલ આ સૉનેટ કવિએ સેમ્યુઅલ ટેઇલર કૉલરિજને અર્પણ કર્યું હતું. કૉલરિજે આ સૉનેટને ‘અંગ્રેજી ભાષાનું શ્રેષ્ઠ સૉનેટ’ કહીને બિરદાવ્યું હતું. લે હન્ટે કહ્યું હતું: ‘કદાચ બધી ભાષાના સૉનેટોમાં આ સર્વોપરી સ્થાને બિરાજે છે.’

રચનાની દૃષ્ટિએ ચૌદ પંક્તિની આ કવિતા સૉનેટના બે મુખ્ય પ્રકાર પેટ્રાર્કશાઈ અને શેઇક્સપિરિઅન સૉનેટની ભેળસેળ છે. ત્રણ ચતુષ્ક અને યુગ્મકની ગોઠવણ તથા યુગ્મકની પ્રાસ રચના (ગ-ગ) શેઇક્સપિરિઅન સૉનેટ પ્રકારની છે; જ્યારે પહેલી બાર પંક્તિની પ્રાસરચના અ-બ-બ-અ/અ-બ-બ-અ/ક-ખ-ક-ખ પેટ્રાર્કશાઈ સૉનેટ મુજબની છે. પેટ્રાર્કશાઈ સૉનેટમાં અષ્ટક-ષટક પ્રમાણે પંક્તિવ્યવસ્થા હોય છે. છંદ અંગ્રેજી ભાષામાં મહદ અંશે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર જ છે. ગુજરાતી અનુવાદ મંદાક્રાંતામાં કરતી વખતે પ્રાસવ્યવસ્થાનો મોહ જતો કરવો પડ્યો છે. કવિતાનું શીર્ષક ‘રાત્રિ અને મૃત્યુ’ અગોચર તરફની કવિતાની ગતિ તરફ આપણને તૈયાર કરે છે. રાતનું અને મૃત્યુનું અંધારું એકસમાન જ ગણી શકાય, ફરક માત્ર એટલો જ કે રાતનો અંત નિશ્ચિત છે, મૃત્યુના અંત વિશે અટકળથી વિશેષ કોઈ જાણકારી નથી. રાત અને મૃત્યુ બંનેમાં એકમાત્ર નિશ્ચિત બાબત અનિશ્ચિતતા છે. એ અર્થમાં બંનેને સમાનાર્થી ગણી શકાય.

અઢારમી સદીનો પૂર્વાર્ધ એ યુરોપમાં કળામાં ‘રોમેન્ટિસિઝમ’ની ચરમસીમાનો હતો. રોમેન્ટિસિઝમ યાને કે પ્રાકૃતવાદ કળામાં ખાસ કરીને મધ્યયુગીન કાળને નજરમાં રાખીને વ્યક્તિવાદ, અંગત અનુભૂતિઓ તથા ભૂતકાળ અને પ્રકૃતિની સ્તુતિની રજૂઆત પર ધ્યાનસ્થ હતો. રોમેન્ટિક યુગમાં રાત્રિના રંગો જેમ કે રાત, ચાંદની, છાયા અને ઓછાયાઓ, ધુમ્મ્સ, રહસ્ય, ઉદાસી, બિમારી અને મૃત્યુ વધુ સંમિલિત થયેલા જોવા મળે છે. પ્રકટપણે વાઇટ રોમેન્ટિસિઝમના હિમાકતી નહોતા પણ એમની આ રચનામાં એની અસર સ્પષ્ટ નજરે ચડે છે. આ પ્રણાલિકાના છેડા આ યુગ પ્રારંભાયો એ પહેલાંના કબર-કવિઓ (‘ગ્રેવયાર્ડ પોએટ્સ’) સુધી જઈ અડે છે. થોમસ પાર્નેલની કવિતા ‘અ નાઇટ-પીસ ઓન ડેથ’માં મૃત્યુ કહે છે કે ‘હું કેવો મહાન ડરનો રાજા છું!’ અને પછી કહે છે: ‘મૂર્ખાઓ! તમે તમારા દરને ઓછું ઉત્તેજન આપો, તો મારું ભૂતિયા-સ્વરૂપ દેખાશે જ નહીં, મૃત્યુ એવો રસ્તો છે, જે પર બધાએ ચાલવાનું જ છે.’ થોમસ ગ્રેની ‘એલીજી રીટન ઇન અ કન્ટ્રી ચર્ચયાર્ડ’, એડવર્ડ યંગની ૨૫૦૦ પંક્તિની ‘નાઇટ થોટ્સ’, જૉર્જ ફિલિપ્સ ફ્રેડરિક (નોવાલિસ)ની ‘હાયમ્સ ટુ ધ નાઇટ’ વગેરે અમર રચનાઓ રાત્રિ અને મૃત્યુને અડખેપડખે બેસાડીને વાત કરે છે. નોવાલિસ મૃત્યુને ‘પવિત્ર, અકથ્ય, ગેબી રાત્રિ’ તથા ‘શાશ્વત રાત્રિ’ કહીને સંબોધે છે. આમ, રાત્રિ અને મૃત્યુની જોડી કવિઓ માટે કાવ્યસાધના માટેનું ગેબી હથિયાર બની રહી છે.

કવિતાની શરૂઆત ‘ગેબી રાત્રિ’થી થાય છે. આ એક જ શબ્દપ્રયોગથી રાતના પેટમાં ભર્યા પડ્યા રહસ્યો તરફ આપણું ધ્યાન ખેંચવામાં કવિ સફળ થાય છે. પ્રથમ પિતાના ઉલ્લેખ સાથે ખ્રિસ્તી તથા મુસ્લિમ ધર્મમાં આદમ અને ભારતીય સંસ્કૃતિમાં મનુ આપણી નજર સમક્ષ આવી ચડે છે. સૃષ્ટિનું સર્જન કઈ રીતે થયું, માનવ પ્રજાતિ કઈ રીતે અસ્તિત્વમાં આવી એ વિશેના ઘણાખરા વૈજ્ઞાનિક તથ્યોથી આજે આપણે વાકેફ છીએ પણ કવિતા વિજ્ઞાન નથી. કવિતા એ કોલરિજની ભાષામાં Willing suspension of disbelief (અવિશ્વાસનું સ્વૈચ્છિક નિલંબન) કરાવે છે. કવિ આદમની જિંદગીમાં પહેલવહેલીવાર આવેલી રાતની વાત કરે છે. માનવજાતે જે ક્ષણે જિંદગીની પ્રથમ રાત અનુભવી હશે એ ક્ષણની આ વાત છે. આજની રાત પૂર્વે આદમે કદી રાત જોઈ જ નથી. સૂર્યને એણે આજે પહેલીવાર આથમતો, સાંજના રંગોને પ્રથમવાર ગાઢા થતા અને અંધકારના ઓળાઓને પહેલવહેલીવાર ઊતરતા જોયા છે એટલે એ સ્વાભાવિક છે કે કાંપી રહ્યો છે. એણે પહેલીવાર રાત વિશે જાણ્યું છે, રાતનું નામ સાંભળ્યું છે, રાતને જોઈ છે. રાત સાથે એનો કોઈ જ પૂર્વપરિચય નથી. એને અંતઃસ્ફુરણા થાય છે કે આ અંધારું આખી દુનિયાનો અને એનો પોતાનો પણ અંત આણશે. ઉજાસ અને આસમાની રંગથી ભરેલી આ ભવ્ય છતને જોઈને એ ધ્રુજી ઊઠ્યો છે. આ પહેલાં એનો પરિચય માત્ર અજવાળા સાથે જ હતો. પ્રથમ પરિચય, પ્રથમ મુલાકાત, પ્રથમ અનુભૂતિની તો વાત જ અલગ.

દિવસ આથમી રહ્યો છે. મહાનલ સૂર્યદેવતા અસ્તાચળ તરફ જઈ રહ્યા છે. સળગતી જ્યોત જેવા એના પીળા-કેસરી કિરણોમાં ન્હાઈને ઝાકળના પારભાસી પડદા પાછળથી જાણે કે શુક્રમહારાજ ગ્રહ-તારાઓના લાવલશ્કર સાથે સ્વર્ગમાંથી ઊતરી આવે છે. કવિએ અંગ્રેજી રચનામાં શુક્ર યાને વીનસ માટે ‘હેસ્પરૂસ’ શબ્દ પ્રયોજ્યો છે. ગ્રીક પુરાણકથામાં હેસ્પરૂસ સાંધ્યતારકનું નામ છે, જે પ્રભાતદેવી ઈઓસ (રોમન ઑરોરા)નો પુત્ર છે. પીળાશ પડતો દેખાતો શુક્ર એ સૂર્યમંડળમાં બીજો ગ્રહ છે અને ચંદ્ર પછી આકાશમાં સૌથી વધુ ચમકતો બીજો પદાર્થ પણ છે. ઘણીવાર તો દિવસના આછા અજવાળામાં પણ એ નજરે ચડે છે. કૃષ્ણલાલ શ્રીધરાણીનું અદભુત ગીત યાદ આવે:

રાત્રિનો મોતીશગ થાળ,
હીરા મોતી ઝાકઝમાળ;
સુરસરિતાની રેતી ઘણી,
કોણ બધામાં પારસમણિ ?
ઝળકે શુક્ર.

સૂર્યના આથમવાની સાથે જ અંધારી રાત ઊતરી આવી અને રાત પોતાની સાથે ઝાકળમાં ન્હાઈને અને સૂર્યની જ્વાળાઓમાં તપીને સાફ થયો હોય એવો ઝળહળ થતો શુક્ર અને અગણ્ય તારામંડળો લઈને આવે છે. આખું દૃશ્ય જ બદલાઈ જાય છે. દિવસના પ્રકાશમાં એટલું બધું નજરે ચડતું હતું કે શું જોવું અને શું નહીં એ નક્કી કરવું શક્ય નહોતું, જ્યારે અંધારું આપણને એ જ બતાવે છે જે જોવા જેવું છે. અંધારામાં ધ્યાનને ભટકવાનો અવકાશ જૂજ રહી જાય છે એટલે જ આંખ સામે સર્વપ્રથમવાર ઊઘડી આવેલી આ સ્વર્ગંગાને જોઈને મનુષ્યને પ્રકૃતિનું સર્જન કેવડું વિશાળ છે એનો પ્રથમ અહેસાસ થાય છે. ટૂંકમાં કહીએ તો દિવસના અજવાળામાં નહીં પણ રાતના અંધારામાં મનુષ્યની દૃષ્ટિ ઊઘડે પણ છે અને વિકસે પણ છે. આ જ તો કુદરતની કરામત છે અને કુદરતની આવી કરામતને શબ્દોની વેધશાળામાં પકડી પાડવી એ કવિની કરામત છે.

હવે કવિ સૂર્ય સાથે સીધા સંવાદમાં ઊતરે છે. ‘ઓ સૂર્ય!’ એમ સીધું જ પૂછે છે કે તારા પ્રકાશ-તારા અજવાળાને જોઈને તો કદાચ કોઈપણ કદીપણ વિચારી જ ન શક્યું હોત કે એની પાછળ આવું અંધારું –આવું ભર્યુંભાદર્યું અંધારું- છૂપાઈ પડ્યું હશે. જાતજાતના જીવજંતુઓ, માખીઓ, પર્ણો વગેરે નાની-નાની વસ્તુઓને પણ તેં તારા અજવાળામાં છતી કરી દીધી છે અને એક એવો ભ્રમ ઊભો કર્યો છે કે અજવાળામાં બધું જ દેખી શકાય છે પણ હકીકત એ છે કે તારું અજવાળું આકાશની ભૂરી તેજસ્વી છતને અને એ છતમાંથી ઝળુંબતા અગણિત ગ્રહો-રત્નોની હાજરીની બાબતમાં મનુષ્યને ધોળેદહાડે અંધાપો આપે છે. ચાંદ-તારા કંઈ સૂર્ય ઊગતા ગાયબ નથી થઈ જતાં, એ તો છે જ. એ તો જ્યાં હતાં ત્યાં જ રહીને પોતપોતાના પરિભ્રમણોમાં રત છે પણ અજવાળાના અંધારામાં એ ઓઝપાઈ જાય છે. આમ, જેને આપણે અજવાળું સમજીએ છીએ એની અંધારી બાજુ અને એ અજવાળામાં ઊઘડતી જણાતી દૃષ્ટિના ખરા અંધાપાને કવિ આપણી સમક્ષ રજૂ કરે છે. કેવી અદભુત વાત! કવિતા અહીં પૂર્ણ કરી દીધી હોય તોય સર્વકાલીન ઉત્તમ કાવ્યોની પંગતમાં મોખરે બેસી શકે એવી આ વાત છે. પણ કવિને આટલાથી સંતોષ નથી. કવિ અંધારા-અજવાળા, રાત-દિવસ, શુક્ર-સૂર્યની વાત કરીને પણ બીજું નિશાન તાકવા ઇચ્છે છે.

કાવ્યાંતે કવિ પોતાને જે વાત કરવી છે ત્યાં લઈ આવે છે. ‘રાત્રિ અને મૃત્યુ’ની વાત કરતી વખતે ચૌદમાંથી બાર પંક્તિ કવિ રાત્રિના નામે કરે છે અને મૃત્યુના નામે માત્ર આખરી દોઢ જ પંક્તિ કરે છે પણ કવિતા પૂરી થતાં જ સમજાય છે કે આખી કવિતા મૃત્યુને સંદર્ભે જ છે. મૃત્યુ સાથે આપણો પરાપૂર્વનો ઝઘડો છે, મૃત્યુને આપણે તિરસ્કારીએ છીએ, નફરત કરીએ છીએ કેમકે એ આપણને ક્યાં લઈ જાય છે એ તો કોઈનેય ખબર નથી જ પણ એ આપણને જ્યાં પણ લઈ જાય છે ત્યાંથી કોઈ પરત આવી શકતું નથી, આવી શક્યું નથી. મૃત્યુ એવી રાત્રિ છે, જેની સવાર નથી. મૃત્યુ અને રાતની વચ્ચેનો એકમાત્ર તફાવત શ્વાસની ગતિવિધિનો છે. પ્રકાશ ખુદ ઊઠીને જો છેતરી શકતો હોય, આપણને ધોળે દહાડે અંધાપો આપી શકતો હોય તો જીવન શા માટે આપણને ન છેતરે? જેમ દિવસના ભરઅજવાળામાં પણ આકાશમાં તારાઓનું અસ્તિત્વ છે જ, બરાબર એ જ રીતે જીવનના અજવાળાના કારણે ભલે આપણે જોઈ શકતા નથી પણ મૃત્યુ તો છે જ. મૃત્યુ ચોવીસ કલાક આપણી સાથે ને સાથે જ છે, માત્ર જિંદગીનું તેજ આપણી આંખોને એવી આંજી દે છે કે આખર સુધી આપણે એને જોઈ જ શકતા નથી. કવિની વાતમાં ભગવદ્ગીતાનો રણકો ઊઠતો સંભળાય છે. બીજું, રાત અને મૃત્યુને એકમેક સાથે સાંકળી લઈને કવિ એવો પણ ઈશારો કરતા હોય એમ લાગે છે કે રાત પછી જેમ દિવસનું આવવું નિર્ધારિત છે, એમ જ મૃત્યુ પછી જિંદગી પુનઃપ્રાપ્ત થવી પણ નિશ્ચિત જ છે. તો પછી શા માટે મૃત્યુને ધિક્કારવું?

જે દેખાય છે એ જોવામાં મશગુલ થઈ જતી વખતે આપણે એ ભૂલી જઈએ છીએ કે જે નથી દેખાતું એ પણ છે જ. ઊભા સિક્કાની જે બાજુ આપણને દેખાય છે એને જ એકમાત્ર બાજુ ગણીને ચાલવું એ જ આપણો મૂળગત સ્વભાવ છે. નરી આંખે જે ન દેખાતું હોય એના અસ્તિત્વનો અહેસાસ હોવા છતાં એ નરી આંખે ન દેખાય ત્યાં સુધી એને નકારતા રહેવું એ જ આપણી સાચી પ્રકૃતિ છે. મૃત્યુને પણ આપણે એ જ રીતે જાણે આવવાનું જ નથી એમ અવગણતા રહીએ છીએ. મહાભારતમાં વનપર્વમાં પાણી પીવા જતાં ઢળી પડેલ ભાઈઓને શોધવા નીકળેલ યુધિષ્ઠિરને યક્ષ જે પ્રશ્નો પૂછે છે એમાંના એક – આ જગતમાં સૌથી મોટું આશ્ચર્ય શું છે?-નો ઉત્તર આપતાં યુધિષ્ઠિર જણાવે છે: ‘બધાને મરતાં જોવા છતાં પણ મનુષ્ય એમ જ માને છે કે પોતે કદાપિ મરવાનો નથી.’ આ જ યક્ષપ્રશ્નને છેડતાં કવિ કહે છે કે જે સદાસર્વદા હાજરાહજૂર જ છે એની સાથે ઝઘડવાનો કોઈ અર્થ જ નથી… જિંદગીના દરેક શ્વાસમાં ઉચ્છવાસ બનીને મોત હાજર જ છે. જીવનને જો ડાબો પગ ગણીએ તો મોત જમણો પગ છે, બંને સાથે જ ચાલે છે. જીવનના દિવસને જેમ પ્રેમથી વધાવી લઈએ છીએ એમ જ મૃત્યુની રાત્રિને પણ વધાવતાં શીખવું જોઈએ… આદમથી શરૂ થયેલી આ વાત આજ સુધી પહોંચે છે પણ આદમથી આદરીને આજના આદમી સુધી શું કોઈ આમ કરી શક્યું છે? કરી શકશે? આ પણ યક્ષપ્રશ્ન જ છે ને!

ગ્લૉબલ કવિતા : ૭૮ : નાગરિકત્વ – જાવિએર ઝામોરા

Citizenship

it was clear they were hungry
with their carts empty the clothes inside their empty hands

they were hungry because their hands
were empty their hands in trashcans

the trashcans on the street
the asphalt street on the red dirt the dirt taxpayers pay for

up to that invisible line visible thick white paint
visible booths visible with the fence starting from the booths

booth road booth road booth road office building then the fence
fence fence fence

it started from a corner with an iron pole
always an iron pole at the beginning

those men those women could walk between booths
say hi to white or brown officers no problem

the problem I think were carts belts jackets
we didn’t have any

or maybe not the problem
our skin sunburned all of us spoke Spanish

we didn’t know how they had ended up that way
on that side

we didn’t know how we had ended up here
we didn’t know but we understood why they walk

the opposite direction to buy food on this side
this side we all know is hunger

– Javier Zamora

નાગરિકત્વ

એ સાફ હતું કે એ લોકો ભૂખ્યા હતા
એમના ગાડાં ખાલી કપડાં એમના ખાલી હાથમાં

એ લોકો ભૂખ્યા હતા કેમકે એમના હાથ
ખાલી હતા એમના હાથ કચરાપેટીઓમાં

કચરાપેટીઓ શેરીઓ પર
ડામરની શેરીઓ લાલ ધૂળ પર ધૂળ જેના માટે લોકો કરવેરો ચૂકવે છે

પેલી અદૃશ્ય સરહદ સુધી દૃશ્યમાન ઘાટો સફેદ રંગ
દૃશ્યમાન બૂથ દૃશ્યમાન વાડ સાથે જે બૂથ પાસેથી શરૂ થાય છે

બૂથ રસ્તો બૂથ રસ્તો બૂથ રસ્તો કાર્યાલયનું મકાન પછી વાડ
વાડ વાડ વાડ

એ શરૂ થાય છે ખૂણામાંથી એક લોખંડના થાંભલાથી
હંમેશા એક લોખંડનો થાંભલો શરૂઆતમાં

પેલા માણસો પેલી સ્ત્રીઓ ચાલી શકે છે બૂથોની વચ્ચેથી
શ્વેત કે ઘઉંવર્ણા અફસરોને હાય કહી શકે છે સમસ્યા નથી

સમસ્યા હું માનું છું ગાડાં પટ્ટાઓ જેકેટ્સ હતાં
અમારી પાસે એકેય નહોતાં

અથવા કદાચ સમસ્યા જ નહોતી
અમારી ચામડી સૂર્યથી તતડેલી અમારામાંના બધા સ્પેનિશ બોલતા હતા

અમને ખબર નહોતી કેવી રીતે એ લોકોના આવા હાલ થયા હતા
પેલી બાજુ પર

અમને ખબર નહોતી કેવી રીતે અમે અહીં આવી ચડ્યા
અમને ખબર નહોતી પણ અમે સમજતા હતા કેમ એ લોકો ચાલે છે

વિરુદ્ધ દિશામાં અન્ન ખરીદવા આ બાજુ પર
આ બાજુએ અમે બધા જાણીએ છીએ તો માત્ર ભૂખ

– જાવિએર ઝામોરા
(અનુ. વિવેક મનહર ટેલર)

સરહદ – અનહદ દર્દની બેદર્દ જનેતા

નવ જ વર્ષનો એક ટાબરિયો સાવ એકલો મેક્સિકોની સરહદ પર, જેને એ લોકો ‘લાઇન’ કહે છે, આવી ઊભો હતો અને સામેની બાજુએ ફેલાયેલા અમેરિકાને એકતક જોઈ રહ્યો હતો. ઢગલાબંધ પૈસા લઈને ગેરકાયદેસર રીતે સરહદ પાર કરાવનાર દલાલનો ક્યાંય પત્તો નથી. છોકરાનો બાપ એ માત્ર એક જ વર્ષનો હતો ત્યારે અને મા એ પાંચ વર્ષનો હતો ત્યારે સરહદ ઓળંગીને અમેરિકા ભાગી છૂટ્યા હતા. લેટિન અમેરિકાના એલ સાલ્વાડોર શહેરમાંથી મા-બાપની પાસે જવા નીકળેલ આ ટાબરિયાને એકલો મૂકીને એના દાદા પણ ગ્વાટેમાલાથી જ પરત વળી ગયા હતા. ત્યાંથી મેક્સિકોની સરહદ સુધી એ એકલો જ આવી પૂગ્યો હતો. બસ, અહીંથી જાવિએર ઝામોરાની આ કવિતા શરૂ થાય છે.

જાવિએર ઝામોરા. લેટિન અમેરિકામાં એલ સાલ્વાડોર ખાતે ૧૯૯૦માં જન્મ. ૧૯૮૦થી ૧૯૯૨ના સમયગાળા દરમિયાન અમેરિકી સહાયથી ચાલતા સાલ્વાડોરના ગૃહયુદ્ધના પ્રતાપે મા-બાપ નાનપણમાં જ હિજરત કરી ગયાં. સરકારવિરોધી ડાબેરીપંથી પિતા પર સહકારી મંડળીના નાણાં ગબન કરવાનો આરોપ આવતાં એમણે ભાગી જવું પડ્યું. નોકરી મેળવવા માટે શેઠની સાથે સૂવાની આકરી શરતોને તાબે થવું નહોતું અને એ વિના નોકરી મળવી જ શક્ય નહોતી એ ખાતરી થતાં માતાએ પણ દેશ છોડવો પડ્યો. નવ વર્ષની ઉમરે જાવિએર કોઈ સાથી વિના સાવ એકલા જ ક્યારેક બસમાં, ક્યારેક બોટમાં, ક્યારેક પગપાળા પોતાના પરિવારને મળવા માટે ગ્વાટેમાલા, ત્યાંથી મેક્સિકો અને આખરે અમેરિકાના અરિઝોનાના સોનોરાન રણમાં એક ગેંગ્સ્ટરની મદદથી જઈ પહોંચ્યા. હાલ એ કેલિફૉર્નિયામાં સાન રફેલ ખાતે મા-બાપ સાથે રહે છે તથા સ્ટેનફર્ડ ખાતે વૉલેસ સ્ટેગ્નર ફેલો તરીકે રચનાત્મક લેખનમાં પ્રવૃત્ત છે. અલગ-અલગ યુનિવર્સિટીઝની ફેલોશિપ અને એવૉર્ડ્સથી એ સન્માનિત છે. અમેરિકાના નાગરિક કવિના પ્રથમ સંગ્રહને જ પુરસ્કારો મળી શકે એવી અમેરિકાની પરંપરા સામે જાવિએરે અન્ય બે કવિમિત્રો સાથે મળીને ઝુંબેશ ઊપાડી અને સરકારને નમાવી. હવે અમેરિકામાં વસતો કોઈ પણ કવિ એના પ્રથમ સંગ્રહનું દરેક જાતના પુરસ્કાર માટે નામાંકન કરી શકે છે.

ગ્વાટેમાલા સુધીની મુસાફરી એમણે ગદ્યમાં વર્ણવી પણ એ પછીની મુસાફરી નાની-નાની કવિતાઓના આકસ્મિક ઊભરા સ્વરૂપે પ્રકટ થતી રહી. ૨૦૧૧માં એક ચેપબુક આપ્યા બાદ ગયા વર્ષે ૨૦૧૭માં એમણે એકલપંડે કરેલી હિજરતની અનુભવયાત્રાના નિચોડ સમો પ્રથમ સંગ્રહ ‘અનએકમ્પનિડ’ આપ્યો. ન્યૂયૉર્ક ટાઇમ્સ એમની કવિતાઓને ‘’પ્રતિકારની કવિતાઓ’ કહીને બિરદાવે છે. એમની રચનાઓ એમની જીવનયાત્રાનું કબૂલાતનામું છે. આ કવિતાઓ એમના જીવનમાં અલગઅલગ તબક્કે આવેલા વ્યક્તિઓને સંબોધીને સીધી લખાઈ હોય એવી છે. બાળકને દાદા પાસે એકલો મૂકીને દેશાટન કરી ગયેલા મા-બાપને પણ એ પોતાની કવિતામાં વાચા આપે છે: ‘તને કહેવા માટે કે હું જઈ રહ્યો છું/હું રાહ જોતો રહ્યો, જોતો રહ્યો/પુનર્વિચાર કરતો ઊંઘમાં મારા પહેલા વાક્યો માટે,/હું સૂઈ જ ન શક્યો.’ એમની કવિતાઓ નિર્વાસિતોની પીડાનું પંચનામું છે. એમાં રઝળપાટની યાતનાઓ અને છાતી પાસેથી પસાર થઈ ગયેલી ગોળીઓની ધણધણાટી છે. યુદ્ધ, ગરીબી અને સરહદોની વિષમતાઓને કવિ શબ્દોમાં તોળે છે અને આપણને જાગવા માટેનો ઈશારો કરે છે. એ પોતાના દેશ માટે લખે છે: ‘’મારા દેશ, તું છે જ નહીં/તું ફક્ત મારો એક ખરાબ ઓછાયો જ છે/શત્રુનો એક શબ્દ જેના પર હું વિશ્વાસ કરી બેઠો.’ નાની ઉમરે ખોવાઈ ગયેલ માતૃભૂમિ અને માતૃભાષા સાથે એમનું પુનઃસંધાન કરવામાં કવિતાએ ઉદ્દીપકનો ભાગ ભજવ્યો. પાબ્લો નેરૂદાની કવિતાઓએ એમના અતૃપ્ત આત્માનો કવિતા સાથે મેળ કરાવી આપ્યો.

પ્રાણીમાત્રમાં જે ઘડીએ સમજણ આવી, સરહદ રચાઈ. વાડ બાંધીને વાડા ઊભા કરવા એ પ્રાણીમાત્રની ફિતરત છે. વાઘ-સિંહ જેવા મૂંગા પ્રાણીઓ પણ સ્થળે-સ્થળે પેશાબ કરીને અને ઝાડના થડ પર નહોરથી નિશાન કરીને પોતાની સરહદ નક્કી કરે છે, તો માણસ વળી કઈ વાડીનો મૂળો? સમજણની ખીલીથી માણસે પહેલું કામ હદ નક્કી કરવાનું કર્યું. માણસે ઘરની હદ નક્કી કરી, ગામની હદ નક્કી કરી, રાજ્યની હદ નક્કી કરી, દેશની હદ નક્કી કરી અને આ ભૌતિકતામાં તો પૂળો મૂકો, માણસે લાગણીઓની, સંબંધોની, વાણીવર્તાવની –કઈ હદ નક્કી નથી કરી એ કહો. આ હદ જ આપણી અનહદ સમસ્યાઓની ખરી જડ છે. જાવિએર ઝામોરા એમની ‘નાગરિકત્વ’ રચનામાં આ જ વાત લઈને આવ્યા છે. આ કવિતા વિશે કવિ પોતે લખે છે: ‘આ કવિતામાં, મેં એક અંગત દૃશ્યને પ્રસ્તુત કરવાની કોશિશ કરી છે, જેને મારે હજી પૂરું સમજવું બાકી છે: બેઘર અમેરિકન નાગરિકોને સસ્તો ખોરાક ખરીદવા મેક્સિકોમાં ઘુસતા જોવું. સ્થળ છે નોગાલિસ, એરિઝોના, પ્રવેશ માટેનું બારું. વર્ષ છે ૧૯૯૯નું. વક્તા છે નવ વર્ષનો છોકરો વચ્ચેની ‘લાઇન’ની મેક્સિકો તરફની બાજુએથી અમેરિકા તરફ જોઈ રહ્યો છે. હું ઇચ્છું છું દેશ-રાજ્યની હદ સ્પષ્ટ થાય, કઈ રીતે નાગરિકત્વનો વિચાર પણ સ્થૂળ સરહદની જેમ જ ધૂંધળો છે તે.’

નાગરિકત્વ શીર્ષક પરથી સમજી શકાય કે દેશની વાત હશે. બે દેશની વચ્ચેની સરહદની વાત છે એટલે કદાચ કવિએ આખી રચનાને નાની-મોટી બબ્બે પંક્તિઓના જોડકાંનું સ્વરૂપ આપ્યું છે. છંદનું બંધન પણ કવિએ સ્વીકાર્યું નથી. આખી રચનામાં કવિએ ક્યાંય કેપિટલ લેટર્સ તથા કોઈપણ પ્રકારના વિરામચિહ્ન પણ વાપર્યા નથી જેથી બબ્બે પંક્તિઓમાં દ્વિભાજિત થયેલી આ કવિતા સળંગસૂત્રી લાગે છે. ઘણી જગ્યાઓએ કવિએ છંદની જેમ જ વ્યાકરણની વાડ પણ વળોટી છે અને ક્યાંક-ક્યાંક શબ્દોના પુનરાવર્તનનો કીમિયો અપનાવીને પોતાના અવાજને બુલંદ કર્યો છે.

દુનિયા આખીના પોલિસદાદો બની ગયેલા અમેરિકાનો બાર-બાર વરસ ચાલેલા એલ સાલ્વાડોરના ગૃહ યુદ્ધમાં સિંહ ફાળો હતો. સરકાર ને સરકારના વિરોધીઓ વચ્ચે ફાટી નીકળેલા આ યુદ્ધને અમેરિકાએ પૈસા અને સૈનિકોનું પેટ્રોલ રેડી-રેડીને સળગતું રાખ્યું. ૭૫૦૦૦થી વધુ નિર્દોષ માણસો માર્યા ગયા અને દેશની લગભગ પાંચમા ભાગની વસ્તીએ, દસ લાખથી વધુએ દેશ છોડી ભાગી છૂટવાની નોબત આવી. એકતરફ અમેરિકાના પાપે નાગરિકોને પોતાનો દેશ છોડી ભાગવાની ફરજ પડી તો બીજી તરફ અમેરિકાએ ભાગી આવેલા નાગરિકોની સાથે બર્બરતાપૂર્ણ વ્યવહાર કર્યો અને નાગરિકત્વ આપવામાં ઠાગાઠૈયા કર્યાં. હજારો લોકોએ ગુમનામ જિંદગી જીવવી પડી. આ જ અમેરિકાએ જ્યારે જરૂર હતી ત્યારે યુરોપથી ગૃહયુદ્ધના કારણે ભાગી આવેલા નિર્વાસિતોને ખુલ્લા હાથે આવકાર્યા હતા. સંયુક્ત રાષ્ટ્ર સંસ્થા વચ્ચે પડી ન હોત તો કદાચ દુનિયાના નક્શામાંથી એક સાલ્વાડોરનું નામોનિશાન મટી જાત.

કવિતા ભૂખથી શરૂ થઈ ભૂખ પર ખતમ થાય છે. નાયકને સાફ સમજાય છે કે એ લોકો ભૂખ્યા હતા અને એમના ગાડાં પણ ખાલી હતાં, હાથ પણ ખાલી હતા. આપણે કહીએ છીએ કે भूखे भजन न होय गोपाला. અહીં ભૂખની પરાકાષ્ઠા ભાષાને પણ ચાવી ગઈ છે. વ્યાકરણના નિયમો ક્યારે ખવાઈને ક્યારે વાગોળાઈ પણ ગયા એ સમજી શકીએ એ પહેલાં કવિતા પાણીના રેલાની જેમ આગળ વધતી જાય છે. દર વખતે પાછળ છૂટી ગયેલ વાક્ય કે શબ્દસમૂહ કે પ્રતીકનો હાથ ઝાલીને ખાલી પેટની ઊંડી ગુફામાં અભાવનો પડઘો પાડતી હોય એ રીતે કવિતા આગળ વધે છે. એ લોકો ભૂખ્યા છે, કેમકે એમના હાથ ખાલી હતા. હાથ કચરાપેટીઓમાંથી ખાવાનું શોધી રહ્યા છે. કચરાપેટીઓ શેરીઓ પર પડી છે. શેરીઓમાંની જગ્યાએ શેરીઓ પર શબ્દપ્રયોગ કચરાપેટીની જેમ જ ખૂંચે છે આપણને. એ ડામરના લાલ ધૂળવાળી શેરીઓ જેના માટે લોકો કરવેરા ચૂકવે છે. લાલ ધૂળ વાંચતા જ લોહીનું ચિત્ર આંખ સામે આવી ઊભે. લોકોની મહેનત, લોકોનો પસીનો, લોકોનું લોહી ધૂળમાં રગદોળાઈ રહ્યાં છે. કવિ ઝડપભેર સરહદનું તણાવપૂર્ણ રેખાચિત્ર આડાઅવળા શબ્દોની પીંછીથી ઊભું કરે છે.

બે દેશ વચ્ચેની સરહદ (‘લાઇન’), સફેદ ઘાટો પટ્ટો, સૈનિકો, કર્મચારીઓના બૂથ, વાડ… બૂથ, રસ્તો અને વાડના એકધારા પુનરાવર્તનના કારણે આપણે આપણી છેક અંદર એ વાડ ઊતરી જતી હોવાનું અનુભવીએ છીએ. દરેક વાડની શરૂઆત એક લોખંડી થાંભલાથી થાય છે એમ કહીને કવિ કદાચ સરહદોની શરૂઆત હૃદયહીન આગેવાનોથી જ થાય છે એમ ઈંગિત કરતા હોવાનું અનુભવાય છે. પેલા લોકો અમેરિકન છે, એ લોકોને અફસરો અને બૂથો વચ્ચેથી પસાર થવામાં કોઈ સમસ્યા નથી એમ કહીને કવિ સમસ્યા તરફ વળે છે. કશાનું હોવું એ જ મૂળ સમસ્યા છે. સરહદની આ પાર ઊભેલા નિર્વાસિતો પાસે તો કશું છે જ નહીં એટલે કદાચ સમસ્યા પણ નહોતી. ચામડી સૂર્યના તાપથી તતડી ગઈ છે કેમકે આ બધા લોકો દિવસોના દિવસોથી સરહદ પાર કરવાની આશામાં મુસાફરી કરતાં અહીં આવી પહોંચ્યા છે. બાળક ઝામોરાને પોતાને બે અઠવાડિયાની મુસાફરી પૂરી કરવામાં બે મહિના લાગી ગયા હતા. આ તરફના લોકોને ખબર નહોતી પડતી કે પેલી તરફના લોકોના આ હાલ કેવી રીતે થયા હશે! બહુ અગત્યની વાત છે આ. પોતીકું વતન છોડીને ગુનેગારની જેમ ગેરકાયદેસર જ્યારે કોઈ બીજા દેશમાં ઘૂસવા માંગતું હોય ત્યારે એના મનમાં એ દેશમાં માતૃભૂમિ કરતાં વધુ ચડિયાતા ભવિષ્યની આશા જ હોવાની ને? જે ભૂમિને સ્વર્ણભૂમિ માનીને માણસ પોતાના ઘર-બાર, સમાજ-સંબંધોનો ત્યાગ કરે છે એ ભૂમિના લોકોને પણ દુર્દશામાં જ સબડતા જુએ ત્યારે પોતાના ‘મહાભિનિષ્ક્રમણ’ની યથાર્થતા પર પ્રશ્ન તો થવો જ ઘટે ને? હિજરતીઓને ખબર નથી કે વખાના માર્યા પોતે અહીં કેમ આવી ચડ્યા છે પણ તેઓ એ જાણે છે કે પેલી બાજુના લોકો આ તરફ શા માટે આવી રહ્યા છે? એ લોકો સસ્તુ અનાજ ખરીદવા આ તરફ આવવાની જહેમત ઊઠાવી રહ્યા છે, જ્યારે વરવી વાસ્તવિક્તા તો એ છે કે આ બાજુના લોકો કોઈ વસ્તુ જાણતા હોય, આ તરફના લોકોને કોઈ વસ્તુ સાથે ગાઢ પરિચય હોય તો એ વસ્તુ એકમાત્ર ભૂખમરો જ છે.

પારકે ભાણે લાડુ હંમેશા મોટો જ લાગે છે. આ તરફના લોકોને સુખી થવા માટે યેનકેન પ્રકારે પેલી તરફ જવું છે તો પેલી તરફના લોકોને એમ લાગે છે કે આ તરફ સોંઘવારી છે. સરવાળે બંને તરફના લોકો દુઃખી જ છે. સરહદે કદી કોઈને સુખ આપ્યું નથી. વાડ બાંધી દેવાથી પોતાની સુરક્ષા વધી જશે એવા ભ્રમમાં માણસ જેમ જેમ વાડ વિસ્તારતો ગયો એમ એમ એના મનોમસ્તિષ્કમાં વાડા ઊભા થતા ગયા અને આ દુઃખ તો છીંડા પાડીને સતત વાડાઓમાં પ્રવેશતું રહ્યું પણ સુખ બિચારું ગભરું, તે વાડ ઓળંગીને વાડામાં આવતા અચકાયા જ કર્યું. હિજરતની આ કહાણી માત્ર અમેરિકા અને લેટિન અમેરિકા પૂરતી સીમિત નથી, દુનિયાના દરેક દેશોમાં પાડોશી દેશોમાંથી રેફ્યુજીઓના ધાડાં ઠલવાતાં જ રહે છે. જ્યાં સુધી માતૃભૂમિ યોગ્ય તક આપતી ન થઈ જાય ત્યાં સુધી નસીબના માર્યા લોકોએ જીવના જોખમે, બંદૂકની ગોળીઓની નજર ચૂકવીને પણ સરહદ પાર કરવાની ફરજ પડતી જ રહેશે, ભલે નવો દેશ એમને કોઈ ઓળખ ન આપે, સમાન તક ન આપે, સ્વીકાર ન આપે, નાગરિકત્વ ન આપે.

ભૂખનું કોઈ નાગરિકત્વ નથી હોતું. ભૂખ વિઝા લઈને નથી આવતી. હાડમારી, યાતના, નામલોપ, ગરીબી, તિરસ્કાર, મૃત્યુ- આ બધા હિજરતીઓના પાસપૉર્ટમાં ફરજિયાત લાગતા સિક્કાઓ છે. મૂળ છૂટવાની સાથે જ આ બધું કપાળ પર લખાઈ જાય છે. ઝામોરી કહે છે કે આજે લોકો નિર્વાસિતોની પીડાઓ પર ખુલીને કવિતાઓ લખતા થયા છે, પણ જ્યારે હું આ પીડામાંથી, નરકમાંથી પસાર થઈ રહ્યો હતો ત્યારે કેમ કોઈ કવિતા મને સાંત્વના આપવા આગળ આવી નહોતી? ઝામોરીની આ કવિતા નિર્વાસિતોની સમસ્યાઓનો કોઈ ઉકેલ લઈને આવી નથી. કવિતાનું કામ ઉકેલ આપવાનું હોય પણ નહીં. કવિતાનું કામ છે માનવમનમાં ક્યાંક ઊંડે ઊંડે ધરબાઈ ગયેલી સંવેદનાઓના અંગારા પર બાઝી ગયેલી રાખ થોડીવાર માટે ઊડાડી આપવાનું, બસ! ઝામોરા આ કવિતા વડે જે સંદેશો આપવા માંગે છે એવા જ સંદેશા સાથેની એક બિનસરહદી ગઝલ પણ જોઈએ:

सरहद की दोनों ओर चहकता चमन रहे,
એક જ રહે હૃદય, ભલે નોખાં વતન રહે.

બંને તરફના લોક વિચારે બસ આટલું-
मुझ से कहीं अधिक तेरे घर में अमन रहे ।

सूरों की तरह लफ़्ज़ भी सरहद से हैं परे,
ઇચ્છું છું, મારા કંઠમાં તારું કવન રહે.

ફોરમને કોઈ રેખા કદી રોકી ક્યાં શકી ?
आवाम दोनों ओर सदा गुलबदन रहे ।

सरहद ने क्या दिया है ख़ूं-औ-अश्क़ छोडकर ?
સપનું છે કોની આંખનું, આવું રુદન રહે ?

તારામાં મારું હિંદ ને મારામાં તારું પાક,
हर दिल में इसी आस का आवागमन रहे ।

ગ્લૉબલ કવિતા : ૭૭ : ગીતાંજલિ – રવીન્દ્રનાથ ટાગોર

મહામાનવ ટાગોર: જીવન અને કવન

પવનમાં મંદમંદ ફરફરતી શ્વેત દાઢી, ઘટાદાર ધવલ કેશજટા, સીધી હૃદયમાં જ ઊતરી જાય એવી પાણીદાર છતાં કરુણાસભર આંખ અને ઘેરો મીઠો અવાજ… વીસમી સદીનો આ સંતકવિ ખુલતો ઝભ્ભો પહેરી ચાલવા નીકળતો ત્યારે સૃષ્ટિ પણ એમના સૌંદર્યનું આચમન કરવા બે ઘડી થંભી જતી. રવીન્દ્રનાથ ટાગોર. બંગાળીમાં રબીન્દ્રનાથ ઠાકુર. ઓગણીસમી સદીમાં બંગાળમાં જેના પગરણ મંડાયા એવા ઉપનિષદ આધારિત હિંદુત્વને પ્રમાણતા બ્રહ્મસમાજના અગ્રણી નેતા દેવેન્દ્રનાથ ટાગોરના ઘરે ૦૭-૦૫-૧૮૬૧ના રોજ કલકત્તા ખાતે જન્મ. શરૂનું શિક્ષણ ઘરે જ. માત્ર ૮ વર્ષની વયે એમણે કવિતા લખવી શરૂ કરી હતી. ૧૬ વર્ષની વયે તો ભાનુસિંહાના છદ્મનામથી એમની કવિતાઓ પ્રગટ થવા માંડી. સત્તર વર્ષની કૂમળી વયે વિદ્યાભ્યાસ માટે ઇંગ્લેન્ડ ગયા પણ અભ્યાસ પૂર્ણ કર્યો નહીં. ઘરની વિશાળ જાગીરોની દેખરેખ માટે ગંગાકિનારે બોટ-હાઉસમાં ઘણા વરસો સુધી કોઈને એમનો ખરો પરિચય હોય જ નહીં એવી અવસ્થામાં દિવસ-રાતના અનવરત એકાંતને અઢેલીને રહ્યા. પત્ર દ્વારા મોકલાતી અને સામયિકોમાં છપાતી કવિતાઓ વડે જ એ બહારના વિશ્વ સાથે જોડાયેલા રહ્યા. ત્યાં સ્વરચિત કાવ્યો એ મોટા અવાજે રાત્રિના નીરવ આકાશ તળે બેસીને પોતાને જ સંભળાવતા. આ કામમાં જોતરાવાના પરિણામે સામાન્ય વર્ગના માણસોના નજદીકી પરિચયમાં આવ્યા જેનો પછીની આખી જિંદગી અને તમામ સાહિત્યસર્જન પર પર ખૂબ વ્યાપક પ્રભાવ રહ્યો. ભારતીય રાષ્ટ્રીય ચળવળમાં પણ અવારનવાર જોડાયા. ગાંધીજી એમના નજીકના મિત્ર હતા. પોતાના અરુઢ વિચારો અને નવા સમાજની કલ્પનાઓને સાકાર કરવા માટે એમણે ૧૯૦૧માં શાંતિનિકેતન નામની પ્રાયોગિક સંસ્થા શરૂ કરી, જે આજે બીજમાંથી વટવૃક્ષ બની ચૂકી છે. ૧૯૧૮માં વિશ્વભારતીની સ્થાપના કરી. ૧૯૧૫માં બ્રિટીશ સરકારે એમને નાઇટનો ખિતાબ આપ્યો જે ૧૯૧૯માં જલિયાવાલા બાગના હત્યાકાંડના વિરોધમાં એમણે પરત કર્યો. ૧૮૮૩માં માત્ર દસ વર્ષની મૃણાલિનીદેવી સાથે એમના લગ્ન થયા. ટાગોર સાચા અર્થમાં બહુશ્રુત પ્રતિભા હતા. કવિ. નાટ્યકાર. વાર્તાકાર. નવલકથાકાર. નિબંધકાર. પ્રવાસકથાકાર. આત્મકથાકાર. વિવેચક. ફિલસૂફ. સમાજસેવક. ચિત્રકાર. સંગીતકાર. રવીન્દ્રસંગીતના પ્રણેતા. પોતાની બંગાળી કૃતિઓના જાતે જ કરેલા અંગ્રેજી અનુવાદોના પરિણામે વિદેશમાં એમની ખ્યાતિ આભને આંબવા માંડી. પાશ્ચાત્ય વિશ્વ માટે એ ભારતના સાહિત્યિક વારસાનો પ્રતિનિધિ અવાજ હતા અને ભારતમાં એ જીવતીજાગતી યુનિવર્સિટી બની રહ્યા. ૦૭-૦૮-૧૯૪૧ના રોજ લાંબી બિમારીના અંતે એમનું દેહાવસાન થયું.

૧૯૧૨માં ઇંગ્લેન્ડ જતી વેળાએ જહાજ પર એમણે પોતાની રચનાઓનું અંગ્રેજીમાં ભાષાંતર આદર્યું. જહાજમાં સમય પસાર કરવાના એકમાત્ર આશયથી કરાયેલી આ પ્રવૃત્તિ જ્યોતમાંથી સૂર્યનું સ્વરૂપ લેશે એની એમણે કલ્પના પણ નહોતી. લંડનના સબવેમાં એમનો દીકરો ટાગોરની બ્રિફકેસ ભૂલી ગયો પણ કોઈક પ્રામાણિક માણસે એ પરત કરી. ટાગોરના મિત્ર રોથેન્સ્ટાઇનને આ કવિતાઓની જાણ થતાં એમણે જોવા માંગી. ખંચકાતા-ખંચકાતા ટાગોરે એમની નોટબુક એમને આપી. રોથેન્સ્ટાઇનને તો જાણે ધોળે દિવસે તારા દેખાયા. એણે તત્કાલીન મહાકવિ ડબ્લ્યુ. બી. યિટ્સને આ રચનાઓ વાંચવા અનુગ્રહ કર્યો. યિટ્સ તો આભા બની ગયા. એમણે આ રચનાઓની પ્રસ્તાવના લખી અને લંડનની ઇન્ડિયન સૉસાયટીએ આ કવિતાઓ ગીતાંજલિ નામથી પ્રગટ કરી. મૂળ બંગાળી ગીતાંજલિ તો અંગ્રેજીથી ઘણી અલગ છે. પોતાના જ દસેક કાવ્યસંગ્રહોમાંથી ૧૦૩ કવિતાઓનું ચયન કરીને એમણે આ પુસ્તક સર્જ્યું. પાશ્ચાત્ય દેશોમાં પુસ્તકે રાતોરાત ધમાલ મચાવી દીધી. આ અગાઉ પાશ્ચાત્ય વિશ્વે આવું કશું વાંચ્યું જ નહોતું. ૧૯૧૩માં ગીતાંજલિ માટે સાહિત્યનું નૉબેલ પારિતોષિક એમને એનાયત કરવામાં આવ્યું. શાંતિનિકેતનમાં કવિને જ્યારે ટેલિગ્રામથી સમાચાર મળ્યા ત્યારે સમાચારને બરાબર સમજ્યા વિના કાગળ એમણે ખિસ્સામાં મૂકી દીધો. એક અંગ્રેજ મુલાકાતીના આગ્રહથી જ્યારે એમણે તાર વાંચ્યો ત્યારે પહેલાં તો એમને થયું કે તારની અંગ્રેજી ભાષામાં કંઈ સમસ્યા છે. આવું વિરાટ બહુમાન ખાટનાર એ ન માત્ર પ્રથમ ભારતીય હતા, પ્રથમ બિનયુરોપીય નાગરિક પણ હતા. ટાગોર પહેલાં અને ટાગોર પછી પણ કોઈ ભારતીય સાહિત્યકારને આ બહુમાન આજદિનપર્યંત પ્રાપ્ત થયું નથી.

નોબેલ પારિતોષિકની વેબસાઇટ પર ટાગોરની કવિતાઓ માટે લખાયું છે: ‘એમની ગહન સંવેદનશીલતા, તાજગી અને સૌંદર્યસભર કવિતાઓ, જેના વડે, કુશળ કૌશલ્યસહિત, એમણે પોતાના કાવ્યાત્મક વિચારોને, જે એમના પોતાના અંગ્રેજી શબ્દોમાં અભિવ્યક્ત થયા છે, પાશ્ચાત્ય સાહિત્યનો એક હિસ્સો બનાવ્યો છે.’ નોબેલ પુરસ્કાર ગ્રહણ કરતી વખતે કવિએ જે ભાષણ આપ્યું હતું એમાં એમણે કહ્યું કે પચાસ વર્ષો સુધી સક્રિયતાથી અલિપ્ત, પશ્ચિમથી તો સાવ જ દૂર રહેલા મારા માટે ક્ષણાર્ધ જેવામાં જ મારો એમના કવિઓની સમકક્ષનો સ્વીકાર મારા માટે એક ચમત્કાર જ હતો. એકાંત અને એકલતાના વર્ષોમાં જે શાંતિ કવિઉરમાં જમા થઈ હતી એનો પડઘો પાશ્ચાત્ય સભ્યતાએ તરત જ સ્વીકારી લીધો. કવિ કહે છે કે, ‘હું જાણું છું કે આ પ્રસંશાને મારે વ્યક્તિગત ધોરણે સ્વીકારવી ન જોઈએ. મારી અંદર જે પૂર્વ હતું એણે જ પશ્ચિમને આપ્યું. મારા સદભાગ્યે જ્યારે પશ્ચિમે પોષણ માટે પૂર્વ તરફ નજર ઊઠાવી એ જ ક્ષણે હું સામે આવ્યો અને એટલે જ મને આ સન્માન મળ્યું છે.’

કવિવર અને અનેકાનેક સ્ત્રીઓનો સંબંધ પણ હંમેશા ચર્ચાના ચકડોળે રહ્યો. ટાગોર અને ભાભી કાદમ્બરી વચ્ચેનો સ્નેહસંબંધ કુટુંબમાં ચર્ચાવા લાગ્યો ત્યારે એમના પિતાએ કવિવરના લગ્ન માત્ર દસ વર્ષની કન્યા મૃણાલિણીદેવી સાથે કરાવી દીધા. કાદમ્બરીએ ટાગોરના લગ્નના ચાર મહિનામાં જ આત્મહત્યા કરી લીધી. ટાગોરની ત્રણેય પુત્રીઓના લગ્ન પંદર વર્ષથી ઓછી આયુમાં થયા અને ટાગોરે ત્રણેયના લગ્નમાં દહેજ પણ ખાસ્સું આપ્યું હતું. ટાગોરે પોતાની પત્ની કે પુત્રીઓને શાંતિનિકેતન કે વિદેશમાં અભ્યાસ કરવા કેમ ન પ્રેર્યા એ પણ એક પ્રશ્ન છે. પાંચ બાળકોને જન્મ આપીને મૃણાલિનીદેવી ૨૯ વર્ષની કાચી વયે જ ગુજરી ગયા. મોટી દીકરી માધુરી ૩૨ની વયે તો નાની દીકરી રેણુકા તો લગ્ન પછી માત્ર ૧૪ જ વર્ષની વયે નિધન પામી. કદાચ ટાગોરે સમાજસુધારાના મહાયજ્ઞની સામે પારિવારીક ભોગને નગણ્ય જ ગણ્યો હતો. ટાગોરના જીવનમાં સ્ત્રીઓ પણ ઘણી આવી. ઇંગ્લેન્ડ જતાં પહેલાં મુંબઈ જેમના ઘરે એ રહ્યા હતા એ પરિવારની અન્નપૂર્ણા તુરખુડ ટાગોરનો કદાચ પ્રથમ પ્રેમ હતો અને વાત લગ્ન સુધી જતાં-જતાં અટકી ગઈ હતી. એ કહેતી કે, ‘કવિ, હું માનું છું કે હું મૃત્યુશૈયા પર પણ હોઈશ તો તારાં ગીત મને ફરી જિંદગી બક્ષશે.’ લંડનમાં જેમના ઘરે એ પેઇંગગેસ્ટ તરીકે રહ્યા હતા એ મિ. સ્કૉટની બંને સુપુત્રીઓ એમના પ્રેમમાં હતી પણ ટાગોર શારીરિક પ્રોત્સાહન આપવાથી દૂર રહ્યા. ટાગોરની પહેલી પુત્રીના અવસાન પછી નિકટ આવેલી રાનુ અધિકારી સાથેના ટાગોરના સ્નેહસંબંધોમાં શરૂઆતનો પિતૃભાવ કાયમ ન રહેતાં બંને વચ્ચે કાયમી કહી શકાય એવો લાંબા ગાળાનો બહુઆયામી સંબંધ સ્થપાયો હોવાનું પણ કહેવાય છે. ટાગોરે એને ૨૦૦ પત્રો અને એક નાટક રક્ત કરાબી પણ લખ્યું હતું.

બંગાળી કવિતાને એમણે પારંપારિક ભારઝલ્લી સંસ્કૃત ભાષાના પ્રભુત્વથી આઝાદી અપાવી. ગદ્ય અને પદ્યને એમણે માત્ર બોલચાલની ભાષાના જ નહીં, પોતીકી આગવી શૈલીના નવાં કલેવર પણ પહેરાવ્યાં. ટાગોરના સર્જનની સંખ્યા, ગુણવત્તા અને વિવિધતા વિશે કશું જ બોલવું સંભવ નથી. ૬૦ વર્ષની વયે એમણે ચિત્રકળા અપનાવી પણ એમાંય એ ભારતભરના અગ્રણી કળાકારોમાંના એક બની રહ્યા. ૨૫૦૦થી વધુ ચિત્રો અને ૨૦૦૦થી વધુ કવિતાઓ રચી. ભારત અને બાંગ્લાદેશના રાષ્ટ્રગીત પણ એમની જ કલમે અવતર્યાં. આઇન્સ્ટાઇન સાથે વિજ્ઞાનની ઊંડા વાદવિવાદમાં પણ ઊતરી શકે એવી એમની કાબેલિયત હતી. વિશ્વભરમાં પ્રવાસો કરીને એમણે પ્રવચનો આપ્યાં અને એ રીતે સાચા અર્થમાં તેઓ પૂર્વ અને પશ્ચિમ વચ્ચેનો મજબૂત સાંસ્કૃતિક સેતુ બની રહ્યા. જીવનના સેંકડો ક્ષેત્રોમાં આપેલા ઊંડા અને ઉમદા પ્રદાનોને લઈને એમને મહામાનવ ગણવામાં આવે છે એમાં લગરિક અતિશયોક્તિ નથી.
ઈશ્વરની અસીમ કૃપાઓનું નિરવરત ભક્તિગાન એટલે ગીતાંજલિ. ગીતાંજલિ એ ભારતીય સંત-ભજનિક પરંપરાનું જ વહન કરતી હોવાથી લખાયાના સો વરસ પછી આજેય એ આપણા હૃદયને સીધો સ્પર્શ કરતી હોવાનું અનુભવાય. ગીતાંજલિમાંથી પસાર થતાં કોઈકને કદાચ એવુંય લાગે કે આ બધું તો સેંકડો સદીઓથી આપણી રગોમાં કબીર-તુલસી-નરસિંહ-મીરાંના હાથે દોડતું જ રહ્યું છે પણ મૌલિક અભિવ્યક્તિ, સહજ કલ્પન, સરળ બાની અને પ્રવાહી રવાનીના કારણે ગીતાંજલિના કાવ્યો આપણા સાહિત્યના અ-મર અમૂલ્ય મૌક્તિક બની રહ્યાં છે. ઈશ્વર પ્રતિ અગાધ પ્રેમ અને અનન્ય વિશ્વાસના કવિ એટલે રવીન્દ્રનાથ અને ગીતાંજલિ એટલે જાણે વેદઋચાઓ… ગીતાંજલિના કેટલાક ફૂલોનો બૂકે આજે આપ સહુ માટે:

૧.

તેં મને અંતહીન બનાવ્યો છે, એ જ તારી ઇચ્છા છે. આ તકલાદી વાસણને તું ફરી ફરીને ખાલી કરે છે અને ફરી ફરીને નવજીવનથી ભરી દે છે.

વાંસની આ નાનકડી વાંસળીને ઊંચકીને તું પર્વતો અને ખીણોમાં ફર્યો છે અને એમાં શ્વસીને તેં નૂતન શાશ્વતી સૂરાવલિઓ રેલાવી છે.

તારા હાથોના અમર્ત્ય સ્પર્શે મારું નાનકડું હૃદય આનંદમાં એની સીમાઓ ગુમાવી દે છે અને અવર્ણનીય ઉદગારોને જન્મ આપે છે.

તારી અનંત ભેટો માત્ર આ મારા નાનકડા હાથોમાં આવતી રહે છે. યુગો વહી જાય છે, અને છતાં તું ભરતો જ રહે છે અને છતાં હજી એમાં જગ્યા ખાલી જ રહે છે.

જીવન તો નાશવંત છે છતાં કવિ એને અનંત કહે છે કેમકે મનુષ્યજીવનનું આ વાસણ ઘડી ઘડી ખાલી થાય છે પણ ઈશ્વર એને સદા નવજીવનથી નપવપલ્લવિત કરતો જ રહે છે. જીવતરની ગલીમાં આપણી ચોર્યાસી લાખ ફેરાની વાત કવિ કેવી સાહજિકતાથી કરે છે! पुनरपि जननं, पुनरपि मरणं, पुनरपि जननी जठरे शयनं (આદિ શંકરાચાર્ય) યાદ આવી જાય. જીવનના બધા ઉતાર-ચઢાવ કવિની નજરે ઈશ્વરકૃપાને જ આધીન છે. આપણા સુખ-દુઃખનો ખરો સંગીતકાર એ પોતે જ છે. માટે આપણે સુખ જોઈ છકી ન જવું જોઈએ અને દુઃખ જોઈ ભાંગી પડવું ન જોઈએ. વિશાળ પર્વતો અને ઊંડી ખીણોના સાપેક્ષમાં આપણું જીવતર તો ચિદ્ર પડેલી નાની પોલી વાંસળી જેવું તુચ્છ છે. ઈશ્વરકૃપા આપણા પોલાણમાંથી પસાર થાય ત્યારે જ નવીનતમ સૂરાવલિઓ રેલાય છે, ત્યારે જ જીવન સંગીતમય બને છે.

એના હાથોના અમર્ત્ય સ્પર્શનો અહેસાસ થાય ત્યારે આપણે નિરવધિ આનંદની અવર્ણનીય ચરમસીમા અનુભવીએ છીએ. ઈશ્વરકૃપા થઈ હોય એ જ નરસિંહની જેમ મામેરાની ચિંતા ન કરે કે મીરાંની જેમ ઝેર ગટગટાવી જઈ શકે. આપણા સંતકવિઓના શબ્દો અજરામર છે કેમકે એમની વૈખરીને ઈશ્વરનો અમૃતસ્પર્શ થયો છે. એની કૃપા થાય ત્યારે હદ-અનહદ બધું ઓગળી જાય, અનલહકની અનુભૂતિ થાય… “એ”ની ભેટ! અનંત! પણ આપણા હાથ? તોય આશ્ચર્ય તો એ વાતનું કે આપણા ખોબા જેવડા વાસણમાં એ યુગયુગાંતરોથી સતત કૃપામૃત રેડતો જતો હોવા છતાં વધુ ને વધુ કૃપા માટે જગ્યા ખાલીને ખાલી જ રહે છે.. આપણે લેતાં થાકી જઈએ, એ દેતા નહીં થાકે… દુઃશાસન થાકીને ઠુસ્સ થઈ જશે પણ દ્રૌપદીના ચીર કદી નહીં ખૂટે.

૨.

જ્યારે તું મને ગાવા માટે આજ્ઞા કરે છે ત્યારે મારું હૃદય જાણે ગર્વથી તૂટી જવાનું ન હોય એમ લાગે છે અને હું તારા ચહેરા તરફ જોઉં છું અને મારી આંખોમાં આંસુ આવે છે.

મારા જીવનમાં એ બધું જે કર્ણકટુ અને બેસૂરું છે એ એક મધુર સ્વરસંવાદિતામાં ઓગળી જાય છે અને મારી ભક્તિ સમુદ્ર પાર કરવા નીકળેલ એક ખુશહાલ પક્ષી પેઠે પોતાની પાંખો પ્રસારે છે.

હું જાણું છું કે તું મારા ગાયનમાં આનંદ લે છે. હું જાણું છું કે ફક્ત ગાયક તરીકે જ હું તારી સન્મુખ આવી શકું છું.

મારા ગાનની વિસ્તીર્ણ પાંખોની કિનારી વડે હું તારા ચરણોને સ્પર્શું છું જ્યાં પહોંચવાની અન્યથા હું આકાંક્ષા પણ રાખી શક્તો નથી.

ગાયનની મસ્તીમાં ઘેલો હું મારી જાતને પણ વિસરી જાઉં છું અને તને, જે મારો માલિક છે, હું મારો દોસ્ત કહી બેસું છું.

ઈશ્વર સર્વજ્ઞ છે. એ આપણી ઇચ્છાઓથી સુપેરે પરિચિત છે. આપણે એની સાથે જોડાવા તૈયાર નથી હોતા બાકી એ તો પોતાના બંને બાહુ ફેલાવીને આપણને આશ્લેષમાં લેવા સદાકાળ તત્પર જ ઊભો છે. એ આપણને એની નજીક પહોંચવાનો માર્ગ પણ બતાવે છે. એ આદેશ પણ કરે છે આપણને. કહે છે કે તારી અંદર જે કંઈ ગોપવીને બેસી રહ્યો છે એ બધું જ ખુલ્લું કરી દે કેમકે મારા સુધી આવવાનો એકમાત્ર માર્ગ સંપૂર્ણ સમર્પણ જ છે. ભવાટવિમાં ભેરવાઈ ગયેલ આપણને એનો સાદ જ કાને પડતો નથી. જે દિવસે આપણે એની આજ્ઞા સાંભળી લઈશું, અપાર આનંદથી ફાટ-ફાટ હૈયું આંસુઓથી છલકાઈ ઊઠશે. એની આજ્ઞા સાંભળતાવેંત આપણી અંદરની તમામ વિસંવાદિતતા ઓગળી જાય છે. આપણા શબ્દો કે આપણો અહમ કે આપણી અંદરની ભારોભાર વિસંવાદિતતા નહીં, પણ આપણી ભીતરથી ઊઠતું પ્રાર્થનાનું સંગીત જ આપણને ઈશ્વર સુધી લઈ જઈ શકે છે. આપણો સૂર જ્યારે ઈશ્વર માટે ઊઠે છે ત્યારે એ ભવસાગર પાર કરવા નીકળેલ પક્ષીના ઉડ્ડયન સમો વિસ્તારિત થાય છે. આપણી તમામ નિઃસ્વાર્થ વૃત્તિ અને પ્રવૃત્તિમાં એને આનંદ જ આવે છે.

અહીં ગાયન એક પ્રતીક છે. કવિ કવિ હોવાના નાતે પોતાને ગાયક કલ્પે છે. આપણી પાસે જે કંઈપણ પ્રતિભા છે એને આપણે ઓળખી લઈએ અને આપણી શુદ્ધ પ્રતિભાનું પુષ્પ એના ચરણે ચડાવીએ ત્યારે એ નિરંજન નિરાકાર પ્રસન્ન જ થશે. આપણી અંદર એણે જે આપ્યું છે એ લીધા વિના એની સન્મુખ પહોંચવું શક્ય જ નથી. આ પાંખ વડે જ ઊડીને એનો ચરણસ્પર્શ કરી શકાશે. આત્માના સંગીતથી જ્યારે આપણે નિરાકાર સાથે અદ્વૈત અનુભવીએ છીએ એ ચરમસીમાએ જગતપિતાને, જે આમ તો આપણો માલિક છે એને દોસ્ત કહી બેસવામાંય કશું ખોટું નથી. શ્રવણ, કીર્તન, સ્મરણ, પાદસેવન, અર્ચના, વંદના, મિત્ર, દાસ્ય, આત્મનિવેદન – આ નવધા ભક્તિમાં મિત્ર પણ એક ભક્તિભાવ છે. અને મિત્ર તો શું, સમર્પણની ચરમસીમાએ તો આપણા મલિકનેય આપણે વેચવા નીકળી શકીએ છીએ. મટુકીમાં માધવને વેચવા નીકળેલી ગોપી યાદ છે?

૩.
મને ખબર નથી નથી, ઓ મારા માલિક ! તું શી રીતે ગાય છે. હું હંમેશા મૂકાશ્ચર્યથી સાંભળતો રહું છું.
તારા સંગીતનું અજવાળું વિશ્વને ઝળાંહળાં કરે છે. તારા સંગીતનો પ્રાણવાયુ આકાશે આકાશમાં વિસ્તરતો રહે છે. તારા સંગીતનું પવિત્ર ઝરણું ભલભલા પત્થર જેવા અવરોધો ભેદીને પણ અનવરત વહેતું રહે છે.

મારું હૃદય તારા ગીતમાં જોડાવા તો ઝંખે છે પણ અવાજ માટે નિરર્થક પ્રયાસ કરે છે. હું બોલવા તો જાઉં છું પણ મારા બોલ ગીતમાં પરિણમતા નથી, અને હું મૂંઝાઈને રડી પડું છું. આહ, મારા માલિક ! તારા સંગીતની અંતહીન જાળમાં તેં મારા હૃદયને બંદી બનાવ્યું છે.

ઈશ્વરના સૂરમાં સૂર પુરાવવાની મંશા કોને ન થાય? પણ એના ગીત-સંગીતની રીત કોણ કળી શકે છે? એની બધી વાત, એની બધી જ છટા અનાદિકાળથી અકળ જ રહ્યાં છે. એનું સંગીત આખા વિશ્વને રોશન કરે છે. એના સૂરથી જગ આખું પ્રકાશિત છે. ઈશ્વરનું સંગીત એ સૃષ્ટિનો ધબકાર છે. એ બ્રહ્માંડમાં પ્રાણવાયુ થઈને રેલાય છે, જ્યાં-જ્યાં આકાશ જેવી મોકળાશ છે, ત્યાં-ત્યાં બધે એ વ્યાપ્ત છે. આકાશ જેવા ખુલ્લા હૈયાને ઈશ્વરનું સંગીત પ્રાણવાયુ બનીને ઠેઠ ભીતર સુધી સ્પર્શે છે. ભગવાનના પ્રેમનું ઝરણું ભલભલા પથ્થર જેવા હૈયાને પણ ભેદી રહે છે અને એકધારું વહેતું જ રહે છે. એની કૃપાઓનો કોઈ અંત નથી, એની આશિષને કોઈ અવરોધ નથી. એ સર્વથા સર્વદા છે. આપણે એના સૂરમાં સૂર પૂરાવવાની માત્ર કોશિશ જ કરી શકીએ છીએ. કેમકે એના સૂરમાં તાલ પુરાવવાની વાત તો દૂર રહી, એમ કરવા જતાં આપણને તો અવાજ માટેય ફાંફા મારવા પડે છે. કારણ? કારણ એ જ કે એના અનંતગાનની જાળમાં આપણું અંતઃકરણ સદા માટે કેદ થયું છે… એના સંગીત, એના ઝરણાંની સાથે તાલમેલ પૂરાવી શકે એવું એકમાત્ર ઝરણું જે આપણી પાસે છે એ પ્રાયશ્ચિતનો અશ્રુપ્રવાહ જ છે…

૪.

હે પ્રાણેશ્વર! હું સદા મારા શરીરને વિશુદ્ધ રાખવા પ્રયત્ન કરીશ કેમકે હું જાણું છું કે મારા અંગાંગમાં તારો જીવંત સ્પર્શ છે.

બધા અસત્યોને મારા વિચારથી પણ બહાર રાખવા હું સદા પ્રયત્નશીલ રહીશ કેમકે હું જાણું છું કે એ તારું જ સત્ય છે જેણે મારા માનસમાં કારણનો પ્રકાશ રેલાવ્યો છે.

હું મારા હૃદયમાંથી તમામ અનિષ્ટને હાંકી કાઢવા હંમેશા મથીશ અને પુષ્પને ચાહીશ કેમકે હું જાણું છું કે તું મારા હૃદયની અંતરતમ બેઠકમાં વિરાજે છે.

અને એ મારી કોશિશ રહેશે કે મારા તમામ કર્મોમાં તું જ દૃશ્યમાન થાય કેમકે હું જાણું છું કે તારી શક્તિ જ મને ચાલકબળ પૂરું પાડે છે.

ટાગોરની આ રચના વાંચતા જ ચાર વેદના ચાર મહાવાક્યો યાદ આવે.

प्रज्ञानम् ब्रह्म (જ્ઞાન એ જ પરમાત્મા. ઐતરેય ઉપનિષદ:ઋગ્વેદ)
अयम् आत्मा ब्रह्म (આ જાત બ્રહ્મ છે. માણ્ડુક્ય ઉપનિષદ:અથર્વવેદ)
तत् त्वम् असि (તે તું છે. છાંદોગ્ય ઉપનિષદ:સામવેદ)
अहम् ब्रह्मास्मि (બૃહદારણ્યક ઉપનિષદ:યજુર્વેદ)

ટૂંકમાં, ઈશ્વર આપણી ભીતર જ વસેલો છે. આપણી ભીતર જે ચેતન છે એ જ ઈશ્વર છે. આપણા અસ્તિત્વના કણકણમાં એનો વાસ છે. આપણે જે કંઈ પણ કરીએ છીએ એ એનાથી અછતું નથી. માટે જ આપણે આપણા વાણી, વિચાર અને વર્તન- બધાને પરિશુદ્ધ રાખવા જોઈએ. અને આપણા બધા જ કૃત્યોમાં એનો સ્નેહ તરવરી ઊઠે એ માટે આપણે સદૈવ પ્રયત્નશીલ રહેવું જોઈએ…

શ્રીકૃષ્ણે પણ ભગ્વદ્ગીતામાં કહ્યું છે કે सर्वस्य चाहं हृदि सन्निविष्टो मत्तः स्मृतिर्ज्ञानमपोहनञ्च| (હું જ બધા પ્રાણીઓના હૃદયમાં સ્થિત છું તથા મારાથી જ સ્મૃતિ, જ્ઞાન અને અપોહન (બંનેનો નાશ) થાય છે.) આપણી ભીતર અંગાંગમાં એનો જીવંત સ્પર્શ છે, એ જ આપણા માનસમાં કારણનો પ્રકાશ રેલાવે છે, એ આપણા હૃદયમાં સૌથી અંદરના સ્થાને વિરાજમાન છે, અને એની શક્તિ જ આપણને ચાલકબળ આપે છે એની પ્રતીતિ જો સદા રહે તો मनसा कर्मणा वाचा न च काड्क्षेत पातकम् –મન, કર્મ અને વાણીથી પણ પાપ કરવાની ઇચ્છા ન થાય.

ગ્લૉબલ કવિતા :૭૬ : ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા – લૂસીલ ક્લિફ્ટન

poem in praise of menstruation

if there is a river
more beautiful than this
bright as the blood
red edge of the moon if

there is a river
more faithful than this
returning each month
to the same delta if there

is a river
braver than this
coming and coming in a surge
of passion, of pain if there is

a river
more ancient than this
daughter of eve
mother of cain and of abel if there is in

the universe such a river if
there is some where water
more powerful than this wild
water
pray that it flows also
through animals
beautiful and faithful and ancient
and female and brave

– Lucille Clifton


ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા

જો ત્યાં એક નદી હોય
આના કરતાં વધારે સુંદર
તેજસ્વી જાણે કે રક્ત
રાતી કિનાર ચંદ્રની જો

ત્યાં એક નદી હોય
આનાથીય વધુ વફાદાર
જે દર મહિને પરત ફરતી
એ જ મુખત્રિકોણ પર જો ત્યાં

એક નદી હોય
આનાથીય વધુ બહાદુર
જે આવ્યા જ કરે આવ્યા જ કરે
આવેશના, દર્દના ઉછાળા સાથે જો ત્યાં એક

નદી હોય
જે વધુ પુરાતન હોય
કેઇન અને એબલની માતા
ઈવની આ પુત્રી કરતાં જો ત્યાં એક આવી

નદી હોય બ્રહ્માંડમાં જો
ત્યાં ક્યાંય પાણી હોય
વધુ તાકતવર આ જંગલી
પાણીથી
પ્રાર્થના કરો કે એ વહે
પ્રાણીઓમાંથી પણ
સુંદર અને વફાદાર અને પુરાતન
અને સ્ત્રી અને બહાદુર

– લૂસીલ ક્લિફ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)
માસિક-ઋતુસ્ત્રાવની ‘નો નોનસેન્સ’ કવિતા…

માસિક. માહવારી. મેન્સિસ. પિરિયડ. કેલેન્ડરના મહિનાના પાનાં સાથે જિગરજાન યારી હોય એ રીતે પુખ્તવયની સ્ત્રી રજોદર્શનથી રજોનિવૃત્તિ સુધીના જીવનના લગભગ ત્રણ-ત્રણ દાયકાઓ સુધી દર મહિને એકવાર ચારથી પાંચ દિવસ સુધી યોનિમાર્ગેથી કુદરતી રીતે થતા રક્તસ્ત્રાવને સહન કરે છે. દુનિયાની વસ્તીનો અડધોઅડધ ભાગ સક્રિય જીવનના લગભગ અડધોઅડધ વરસ આ દેહધાર્મિક ક્રિયામાંથી પસાર થતો હોવા છતાં આ દિવસો દરમિયાન કોઈકને કોઈક રીતે અછૂતા હોવાનો અહેસાસ આજે પણ કરે છે. અમેરિકા જેવા વિકસિત દેશમાં પણ બિલકુલ કુદરતી એવી આ પ્રક્રિયા તરફની પ્રતિક્રિયા પૂર્ણતયા સામાન્ય નથી જ. લૂસીલ ક્લિફ્ટન એની કવિતામાં સાહિત્યમાં ઓછા ખેડાયેલા આ વિષય તરફ આપણું ધ્યાન દોરે છે.

લૂસીલ ક્લિફ્ટન. અમેરિકન અશ્વેત કવયિત્રી. બાળપણનું નામ થેલ્મા લૂસીલ સેઇલ્સ. ન્યૂયૉર્ક ખાતે ૨૭-૦૬-૧૯૩૬ના રોજ જન્મ. પિતા લોખંડની મિલમાં મજૂર હતા, મા ધોબણ હતી અને કવિતા પણ લખતી. ઓછું ભણ્યા હોવા છતાં મા-બાપે બાળકોને ઢગલાબંધ પુસ્તકો મળતા રહે એનું ધ્યાન રાખ્યું હતું. એમનાં એક પૂર્વજ અમેરિકામાં ગુલામીના સમયે માનવહત્યાના આરોપસર ફાંસી પામનાર પ્રથમ હબસી મહિલા હતાં. બંને હાથમાં છ-છ આંગળી હતી પણ અંધશ્રદ્ધાના કારણે બાળપણમાં જ એ કપાવી નંખાઈ હતી. આ બે આંગળીઓ એમના સર્જનમાં અવારનવાર ડોકાતી રહી. સ્કોલરશીપ મેળવીને ડ્રામા ભણવા તો ગયાં પણ ઓછા માર્ક્સ આવવાના કારણે હાવર્ડ યુનિવર્સિટી છોડવી પડી. પછી બીજી કોલેજમાં ભણ્યાં. શરૂમાં ક્લર્ક તરીકે, બાદમાં સાહિત્ય-સહાયક તરીકે અને અંતે સાહિત્યના પ્રોફેસર તરીકે નોકરી કરી. લગભગ છ વરસ સુધી મેરીલેન્ડના રાજકવિ રહ્યાં. ૧૯૫૮માં ફ્રેડ જેમ્સ ક્લિફ્ટન સાથે લગ્ન. છ બાળકો. ૧૯૮૪માં ફ્રેડનું નિધન. ૧૩-૦૨-૨૦૧૦ના રોજ ૭૩ વર્ષની વયે દુનિયાને અલવિદા. એમના અવસાન પર ન્યૂયૉર્કરે લખ્યું હતું: ‘એ વાત અલગ છે કે ક્લિફ્ટન સાચે જ બિલાડીની નવ જિંદગી જીવી ગયાં-કિડની ટ્રાન્સપ્લાન્ટ, કેન્સરના અલગ-અલગ અંગો પરના વારંવારના હુમલાઓ-તોય એમના અવસાને આપણને આઘાત પહોંચાડ્યો છે કેમકે એમના જેટલા ચહીતા અને બહોળા પ્રભાવવાળા બીજા અમેરિકન કવિ આજે કોઈ નથી.’ (બિલાડીની નવ જિંદગી એ વિદેશોમાં સદીઓથી પ્રવર્તતી વાયકા છે. શેક્સપિઅરે રોમિયો-જુલિયેટમાં પણ એનો ઉલ્લેખ કર્યો છે.)

આફ્રિકન-અમેરિકન સાંસ્કૃતિક વારસો અને નારીવાદ એમના બહોળા સર્જનનો પ્રધાન સૂર રહ્યો. એવરેટ એન્ડરસન નામના હબસી છોકરાના કાલ્પનિક પાત્રને કેન્દ્રમાં રાખીને ઘણું બધું બાળસાહિત્ય સર્જ્યું. એમની કવિતાઓ રોજબરોજના સમાજનો, સામાન્ય માનવજીવનનો સીધો આયનો છે. એમના સર્જનમાં બાળપણ, બાળકોના મનોભાવો અવારનવાર નજરે ચડે છે. દુઃસાધ્યતા બાજુએ રાખીને એ સરળ ભાષામાં લાઘવ સાથે પોતાની ભાવોર્મિ એ રીતે રજૂ કરે છે કે ભાવકને તરત જ સ્પર્શી જાય. કપરા સંજોગોમાં પણ ટકી રહેવાની તાકાત અને ધૈર્ય એ એમની રચનાઓનો લઘુત્તમ સામાન્ય અવયવ છે. અમેરિકન હબસી હોવાના નાતે એક માનવતાવાદી અભિગમ એમના સર્જન સાથે સદા સંકળાયેલો રહ્યો. એ કહેતાં, ‘લેખન એક રસ્તો છે આશા ટકાવી રાખવા માટેનો… કદાચ એ મારા માટે એ યાદ રાખવાનો રસ્તો છે કે હું એકલી નથી.’
કવિતાનું શીર્ષક ‘ઋતુસ્ત્રાવની પ્રસંશામાં કવિતા’ જરૂર કરતાં વધારે બોલે છે. સામાન્યરીતે કવિતા દેખાડે ઓછું અને છુપાવે વધુ, પણ અહીં શીર્ષકની બાબતમાં કિસ્સો ઊલટો છે. એક તો કવિ જાતે જ કહી દે છે કે આ કવિતા છે, બીજું એ ઋતુસ્ત્રાવ વિશે છે અને ત્રીજું એ ઋતુસ્ત્રાવનું પ્રશસ્તિકાવ્ય છે. પ્રશ્ન થાય કે કવિએ શું આટલા મુખર થવાની જરૂર હતી ખરી? પણ વિચારતાં જ સમજાય કે કવયિત્રીએ જે વિષય અહીં હાથમાં લીધો છે એ હજારો વર્ષોથી આખી દુનિયાને સાફ દેખાતો હોવા છતાં હજારો વર્ષોથી છુપાવવામાં આવી રહેલો વિષય છે ને એટલે જ લૂસીલ આ અસ્પૃશ્ય વિષયમાં પ્રવેશતાં પહેલાં જ ભાવકને ચેતવી દે છે: Enter at your own risk! ‘મેન્સ્ટ્રુએશન’ (Menstruation)શબ્દ લેટિન menstruus અર્થાત્ માસિક (લેટિન mensis=મહિનો) પરથી ઊતરી આવ્યો છે. જૂની અંગ્રેજીમાં આ માટે monaðblot અર્થાત્ month-blood શબ્દ હતો. માસિક સામાન્યતઃ પાંચ દિવસ ચાલે એમ આ કવિતા પાંચ અંતરામાં વહેંચાયેલી છે. કવયિત્રીએ છંદ પકડી રાખવાની મમત સેવી નથી પણ રચના આયંબિક ટેટ્રામીટરની નજીક-નજીક પહોંચે છે. વિભાવના મુક્ત કાવ્યની હોવાથી પ્રાસની કેદ પણ એમણે સ્વીકારી નથી. આ ઉપરાંત લગભગ દરેક અંતરો ‘જો ત્યાં એક નદી હોય’થી શરૂ થાય છે અને પહેલા અંતરાના અંતમાં બીજા અંતરાની શરૂમાં આવતી આ ધ્રુવકડીનો પહેલો શબ્દ અંતર રાખીને જોડાઈ જાય છે, અને ત્યારબાદ દરેક અંતરામાં આ જોડાણમાં ધ્રુવકડીનો એક-એક શબ્દ જગ્યા રાખીને ઊમેરાતો જાય છે. લૂસીલ આ રીતે પાંચેય અંતરાઓને સળંગસૂત્રે બાંધે છે અને દરેક તબક્કે આ બંધન બળવત્તર બનાવતાં જાય છે. પાંચમા અંતરામાં આ ધ્રુવકડીમાં વચ્ચે બ્રહ્માંડ પ્રવેશે છે અને કવિતાને સર્વલક્ષી બનાવે છે.

સંસારમાં પહેલી સ્ત્રી પુખ્ત થઈ હશે એ દિવસથી માસિકસ્ત્રાવ (Menstruation)ની શરૂઆત થઈ હશે. ઋતુસ્ત્રાવ એ સ્ત્રીના ગર્ભધારણ માટેની અગત્યની દેહધાર્મિક ક્રિયા છે. હૉર્મોન્સના કારણે ગર્ભાશયની દીવાલો જાડી થાય છે અને બીજું માસિક આવવાનું હોય એના લગભગ ચૌદ દિવસ પહેલાં અંડાશયમાં તૈયાર થયેલ અંડકોષ અંડવાહિનીમાં થઈને ગર્ભાશયમાં આવે છે. ગર્ભાશયની જાડી થયેલી દીવાલો અંડકોષને રહેઠાણ અને પોષણ બંને પૂરાં પાડે છે. આ સમયે જો સ્ત્રીની યોનિમાર્ગેથી પુરુષના શુક્રાણુઓ ગર્ભાશયમાં પ્રવેશે અને લાખો શુક્રકોષમાંથી કોઈ એક નસીબદાર શુક્રકોષ અંડકોષની દીવાલ ચીરીને ભીતર પ્રવેશવામાં સફળ થઈ જાય તો ફલીકરણ થાય છે અને ગર્ભની સ્થાપના થાય છે. ગર્ભાશયની જાડી દીવાલમાંથી ગર્ભને શરૂનું પોષણ મળી રહે છે. શુક્રકોષ વડે અંડકોષનું ફલીકરણ ન થાય એ સંજોગોમાં ચૌદમા દિવસે દીવાલની જાડાઈમાં થયેલી આ વૃદ્ધિ છૂટી પડી જઈને માસિકસ્ત્રાવસ્વરૂપે શરીરની બહાર નીકળી જાય છે, જેથી અંતઃસ્ત્રાવો ગર્ભાશયની દીવાલોને ફરી એકવાર ગર્ભધારણ માટે અનુકૂળ બનાવવાની પ્રક્રિયા પુનર્રારંભ કરી શકે. ટૂંકમાં, માસિક એ ગર્ભધારણ ન થયું હોય એ સંજોગોમાં ગર્ભાશયને સાફ કરવાની દેહધાર્મિક ક્રિયા છે. આ ચક્ર સામાન્યતઃ ચાર અઠવાડિયાનું અથવા થોડું લાબું-ટૂકું હોય છે.

આજે એકવીસમી સદીમાં પણ આપણા દેશમાં ‘પેડમેન’ જેવી માસિકધર્મને લગતી ફિલ્મ બનાવવી પડે છે એ હકીકત જ એ વાતની સાબિતી છે કે હજી આ દેશના લોકોને માસિકધર્મ વિશે પૂરતી જાણકારીનો અભાવ છે. અને આજે આ હાલત હોય તો જૂના જમાનામાં તો કેવી હાલત હશે? હજારો વર્ષો સુધી માસિકમાં આવતી સ્ત્રીઓને જાત-જાતના લેબલ લગાવીને જોવામાં આવી. મોટાભાગના દેશોમાં ઇતિહાસકારો પુરુષો જ હોવાથી માસિક વિશેની પુરાતન માન્યતાઓની માહિતી ઓછી જ મળે છે. ૩૫૦૦ વર્ષ પહેલાં ઇજિપ્તમાં આ ઋતુસ્ત્રાવના લોહીને કેટલીક દવાઓમાં પણ વાપરવામાં આવતું. માસિકમાં જાદુઈ શક્તિ હોવાનું મનાતું અને તેઓ આ શક્તિ મેળવવા માટે આ લોહી પીતાં પણ ખરાં. ગ્રીકલોકો આ લોહી દારૂમાં ભેળવીને જમીન પર છાંટતા જેથી જમીન વધુ ફળદ્રુપ બને. આફ્રિકન સ્ત્રીઓ માનતી કે આ લોહી કોફીમાં ભેળવવાથી પુરુષને વશ કરી શકાય છે. હિપોક્રેટ્સના ગ્રંથમાં ઓછું કે વધુ માસિક આવવાને બિમારી તરીકે નિર્દેશાયું છે. એરિસ્ટોટલના લખાણ પરથી સમજી શકાય છે કે પહેલાંના સમયમાં રજોનિવૃત્તિ નાની ઉમરે -૪૦ની આસપાસ-થતી હોવી જોઈએ. પહેલી સદીમાં રોમન લેખક પ્લાઇની ધ એલ્ડરે લખ્યું છે કે માસિકમાં હોય એવી નગ્ન સ્ત્રી કરાવૃષ્ટિ અને વીજળીને અટકાવી શકે છે અને પાકને નાશ કરતાં જંતુઓને ડરાવી ભગાડી શકે છે. ઈસ્લામમાં પણ નિયમોની ભરમાર છે અને આ સમય દરમિયાન સ્ત્રીઓને પ્રાર્થના કરવાની મનાઈ છે અને કરે તો એ ગણતરીમાં નથી લેવાતી. સિગ્મંડ ફ્રોઇડે તો રક્તસ્ત્રાવ ‘શિશ્ન-ઈર્ષ્યા’માંથી જન્મે છે એવું વિધાન કર્યું હતું. બાઇબલકાળમાં યહૂદીઓ અને વિશ્વમાં બીજા ઘણા સમાજમાં આ સાત દિવસ સુધી સ્ત્રીઓને સમાજથી દૂર એકલી રહેવાની ફરજ પાડતા. આપણે ત્યાં તો હજી પણ સમાજ એટલો પછાત અને ધર્મ એટલો બિમાર છે કે આજની તારીખે પણ મોટાભાગની સ્ત્રીઓને આ દિવસોમાં અસ્પૃશ્ય ગણવામાં આવે છે, એમને રસોઈ કરવાનો કે ઘરમાં કશાંને અડવાનો અધિકાર નથી, દેવસ્થાનોમાં જવાનો તો વિચાર જ અસ્થાને છે.

જો કે એ માહિતી ભાગ્યે જ મળે છે કે સ્ત્રીઓ આ સમયગાળા દરમિયાન સેનિટરી પેડ તરીકે શું વાપરતી હતી? ઇજિપ્શ્યન સ્ત્રીઓ જેમાંથી કાગળ બનાવાતો એ પેપાયરસ નામની જળવનસ્પતિનો તો ગ્રીકસ્ત્રીઓ ઊનનો પેડ તરીકે પ્રયોગ કરતી હતી. હિપોક્રેટ્સ લાકડાના ટુકડા સાથે શણ લગાવીને વાપરવાની સલાહ આપતા. મધ્યયુગીન યુરોપમાં પણ સ્ત્રીઓ ક્યાં તો કપડાંના લબાચા વાપરતી અથવા રક્તસ્ત્રાવ કપડાંમાં થવા દેતી હતી. માસિકસ્ત્રાવ કપડાંમાં જ થવા દેવાની પ્રથા તો હજારેક વર્ષ ચાલી. દુઃખદાયક તંગ માસિક માટેના પટ્ટાઓ પણ ચલણમાં આવ્યા હતા. છેક ૧૮૮૮માં જોન્સન એન્ડ જોન્સન કંપનીએ ડિસ્પોઝેબલ સેનિટરી પેડ –લિસ્ટર’સ ટૉવેલ્સ- અને ૧૯૩૩માં ડૉ હાસે ટેમ્પૂન બજારમાં મૂક્યા. ખરી ક્રાંતિ પ્રથમ વિશ્વયુદ્ધ દરમિયાન ફ્રેન્ચ નર્સોએ ઘા પર લગાડવામાં આવતા સેલ્યુલૉઝ બેન્ડેજીસ વાપરવા શરૂ કર્યા ત્યારે થઈ. આપણા દેશમાં તો આજે પણ ઘણીખરી સ્ત્રીઓ સેનિટરી નેપકીન વાપરતી જ નથી અને ટેમ્પૂન વિશે તો ઘણી શિક્ષિત સ્ત્રીઓને પણ જાણકારી નથી.

કવિતા તરફ ફરી વળીએ. લૂસીલ કવિતાની શરૂઆત ‘જો’થી કરે છે. આ ‘જો’નો સીધો મતલબ એ જ થાય કે જે વાત માસિક વિશે અહીં કરવામાં આવી છે, એ અનન્ય છે; સંસારમાં એની કોઈ જોડ જડે એમ નથી. માસિક દરમિયાન થતા રક્તસ્ત્રાવને એ નદી સાથે, માફ કરજો, સુંદર નદી સાથે સરખાવે છે. અને આવી સુંદર નદી બીજે ક્યાંય જોવાય નહીં મળે એની પ્રતીતિ ‘જો’ મૂકીને કરાવે છે. નદી વહેણની સાથોસાથ ફળદ્રુપતા પણ ઈંગિત કરે છે. માસિકનો પ્રવાહ પણ ગર્ભધારણ માટેની પૂર્વતૈયારી જ તો છે. નદીનો ઉલ્લેખ જૉર્ડન નદીની યાદ પણ અપાવે છે. હિબ્રૂ બાઇબલમાં જૉર્ડન નદીને ફળદ્રુપતા સાથે સાંકળવામાં આવી છે. આ નદી બાપ્ટિઝમ અને પુનર્જન્મ સાથે પણ સંકળાયેલી છે. આ નદી લોહીની બની છે અને આ નદી સુંદર છે, બહાદુર છે, વફાદાર છે; બિલકુલ એ રીતે જે રીતે ઈસુનું લોહી ખ્રિસ્તીઓ માટે. ચંદ્રના ઉલ્લેખ પરથી યાદ આવે કે માસિકને પરાપૂર્વથી ચંદ્રના માસિકચક્ર સાથે સાંકળવામાં આવ્યું છે. લેટિનમાં mene એટલે ચંદ્ર (moon). મેન્સ્ટ્રુએશન શબ્દના ઉદભવમાં આ રીતે ચંદ્રનો પણ હાથ હોવાનું મનાય છે. સોળમી સદીમાં મિઝોઅમેરિકન માયા સંસ્કૃતિમાં માસિક એ ચંદ્રદેવીએ સૂર્યદેવ સાથેના શયન બાદ કરેલા નિયમભંગના કારણે સ્ત્રીઓને કરવામાં આવેલી સજા છે.

નદી એક સ્થળ છોડીને આગળ નીકળી જાય પછી ત્યાં ફરી આવતી નથી. માસિકની નદીથી વધુ વફાદાર નદી બીજી કઈ હશે જે દર મહિને એના એ જ મુખત્રિકોણ પર પરત ફરતી રહે છે? માસિક આવવનું હોય ત્યારે અને/અથવા ચાલુ હોય ત્યારે મોટાભાગની સ્ત્રીઓ ઓછાથી અસહ્ય દુઃખાવામાંથી પસાર થતી હોય છે, પણ સ્ત્રીઓ આ દર્દને ચુપચાપ સહેતી રહે છે. માસિકને કવયિત્રી ઈવની સૌથી પુરાતન પુત્રી તરીકે સંબોધે છે. કેઇન અને એબલ આદમ-ઈવના પ્રથમ બે સંતાન હતા. ઈવ સંસારની પ્રથમ માતા છે. માસિકનો દુઃખાવો અને ઈવનો સંદર્ભ ઇતિહાસનું એ પાનું તાજું કરે છે જ્યારે ચર્ચ માસિકનો દુઃખાવો ઓછો કરવા માટેની કોઈપણ જાતની સારવાર કરવા દેવાની મનાઈ ફરમાવતા કેમકે તેઓ માનતા કે ઈશ્વર દેખીતી રીતે ઇચ્છે છે કે દુઃખની દરેક આંચકી ઈવના મૂળ પાપની યાદ કરાવે. આમ, જે તકલીફોમાંથી પોતે કદી પસાર થવાનું જ નથી એ તકલીફો સમજવાના બદલે, સહાનુભૂતિ બતાવવાના બદલે પુરુષપ્રધાન સમાજે વરસોવરસ ન માત્ર સ્ત્રીઓનો જ વાંક કાઢ્યો, એમને દર્દ સહન કરવાની ફરજ પણ પાડી.

અંતે કવિતા સર્વલક્ષી બને છે. લૂસીલ કહે છે કે આખા બ્રહ્માંડમાં ક્યાંય આવી નદી હોય તો દેખાડો. માસિકના લાલ પાણીથી વધુ તાકતવર અને જંગલી પાણી બીજે ક્યાંય નથી કેમકે આ પાણી સૃષ્ટિના મૂળમાં છે. કવયિત્રી પ્રાર્થે છે કે આ પાણી સંસારના દરેક પ્રાણીઓમાં થઈને વહે. આ પાણી સુંદર છે અને વફાદાર છે અને પુરાતન છે અને સ્ત્રી છે અને બહાદુર છે. કવિતામાં ક્યાંય કવયિત્રીએ નથી કેપિટલ લેટર્સ વાપર્યા કે નથી એક પણ પ્રકારના વિરામચિહ્નો વાપર્યા, જેના લીધે કવિતાની ગતિ નદીની જેમ બિલકુલ અટક્યા વિના સતત વહેતી અનુભવાય છે, નદી જે એક સ્ત્રીને બીજી સ્ત્રી સાથે અને એક માદા સજીવને બીજા માદા સજીવો સાથે અને એ રીતે આખી સૃષ્ટિને સાંકળી લે છે. કવિતા માસિક વિશેના આપણી સૂગ અને માન્યતાઓને ફગાવી દઈને ખુલ્લા હાથે એના ગર્વ અને મહત્ત્વને વધાવી લેવાનું ઈજન આપે છે. આ કવિતા આપણને સ્ત્રીઓની ફળદ્રુપતા અને સંસારચક્રને આગળ વધારવાની અનન્ય ક્ષમતાનો સ્વીકાર કરવાનું શીખવે છે. પ્રથમ પંક્તિનું દરેક અંતરાના પ્રારંભે કરાતું પુનરાવર્તન માસિકની કવિતાને માસિકસ્વીકારની પ્રાર્થનાની કક્ષાએ લઈ જાય છે, જે અંતે શબ્દશઃ પ્રાર્થનામાં પરિણમે પણ છે.

લૂસીલની આ કવિતા ‘નો નોનસેન્સ’ કવિતા છે. જે વસ્તુ તરફ હજારો વર્ષોથી પુરુષ ઇતિહાસકારોએ, પુરુષ સાહિત્યકારોએ, પુરુષ ધર્મનેતાઓએ આંખ આડા કાન જ કર્યે રાખ્યા, અસ્તિત્વ જ ન હોય એમ જેના પ્રતિ સતત દુર્લક્ષ જ સેવ્યે રાખ્યું; એ પવિત્રતાથીય પવિત્ર, ખુદ કુદરતની દેન અને સૃષ્ટિચક્રની સૌથી અગત્યની ધરી એવા ઋતુસ્ત્રાવનો મહિમાગાન લૂસીલ અહીં કરે છે કેમકે એ જાણે છે કે, ‘એ કવિ છે, એની પાસે કોઈ અર્થહીનતા નથી.’