સંગીત: અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર, પિનાકીન શાહ અને કોરસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)
Audio Player
.
તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે
નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …
વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …
હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી
હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …
મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.
– ઇન્દુલાલ ગાંધી