રાઈ જેટલી ઘટના ઉપર પર્વતનો પડછાયો,
પળની ઉપર એકસામટો ઝંઝાવાત ફૂંકાયો.
ફૂલ ઉપર ઊગેલું ઝાકળ
સૂર્યદ્વેષથી બળતું,
રણને મૃગજળ, મૃગજળને રણ
કોણ કોણને છળતું ?
ઝરીક જેટલા જીવતર ઉપર મૃત્યુનો ઓછાયો.
પળની ઉપર એકસામટો ઝંઝાવાત ફૂંકાયો.
ફૂલ ચૂટ્યું તો અત્તર નીકળ્યું,
તેમાંથી ખુશ્બૂ,
રણ ખોયું તો સરવર નીકળ્યું
સરવરમાંથી શું ?
ઝરણાં ઉપર હકદાવો લઈ દરિયો પણ વંકાયો,
રાઈ જેટલી ઘટના ઉપર પર્વતનો પડછાયો.
– વિનોદ ગાંધી