આજે તો વસંતપંચમી…. (અરે, ભુલી ગયા? લો સારુ થયું ને મેં યાદ કરાવ્યું એ? 🙂 ) ખાનગીમાં એક વાત કહું? મને પણ ‘કોઇ’એ યાદ કરાવ્યું ત્યારે જ યાદ આવ્યું. 😀
હા.. તો સૌપ્રથમ તો વસંતપંચમીની સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અને વસંતની પધારમણીને આવકારીએ આ સુંદર ગઝલથી… !
સ્વર – સંગીત : અમર ભટ્ટ
(…ન ક્ષણ એક કોરી !! Picture : A Spirited Chat)
* * * * *
.
ટહુકો ફાઉન્ડેશનના સુર શબ્દની પાંખે કાર્યક્રમમાં હેતલ જાગીરદાર બ્રહ્મભટ્ટના સ્વરમાં સાંભળો
અહો શ્વાસ મધ્યે વસંતો મહોરી,
ઊડે રંગ ઊડે ન ક્ષણ એક કોરી!
ઊડે દૂરતા ને ઊડે આ નિકટતા,
અહીં દૂર ભાસે, ત્યહીં સાવ ઓરી!
ઊડે આખ્ખું હોવું મુઠીભર ગુલાલે,
ભીંજે પાઘ મોરી, ભીંજે ચુનરી તોરી!
ઊડે છોળ કેસરભરી સર સરર સર,
ભીંજાતી ભીંજવતી ચિરંતનકિશોરી!
સુભગ આપણો સ્વર બચ્યો છે સલામત,
ગઝલ ગાઈયેં, ખેલિયેં ફાગ, હોરી!
– રાજેન્દ્ર શુક્લ (૬ ફેબ્રુઆરી ૧૯૮૫)
ગઝલસંહિતા મંડલ-૨ (મેઘધનુના ઢાળ પર), પૃષ્ઠ ૮૩.
કવિશ્રીની વેબસાઈટ: www.RajendraShukla.com
નોંધ: આખરી શેરમાં અમરભાઈએ ‘ગઝલ’ ને બદલે ‘ચલો’ એવો પાઠફેર એક ગાયકની કોઠાસૂઝથી કર્યો હોય એમ લાગે છે.