જુલાઇ ૨૬, ૨૦૦૮ ના દિવસે ફક્ત શબ્દો સાથે રજૂ કરેલી આ રમેશ પારેખની મઝાની ગઝલ, આજે રવિન નાયકના એટલાજ મઝાના સ્વર – સંગિત સાથે ફરી એકવાર… શબ્દો અને સાથે સ્વરાંકન એવું મઝાનું છે કે વારંવાર આ ગઝલ સાંભળવી ચોક્કસ ગમશે.
સ્વર – સંગીત : રવિન નાયક
તારા સ્મરણને મારામાંથી બાદ કરી જોઉં,
કોશિશ હું આપઘાતની એકાદ કરી જોઉં.
શા માટે બાધી રાખવા સગપણના પાંજરે?
લાવો, તમામ શ્વાસને આઝાદ કરી જોઉં.
કોનામાં લીલો મોલ લચી પડશે, શી ખબર
સર્વત્ર મારા જીવનો વરસાદ કરી જોઉં
આ ખાલી ઘરમાં હોતું નથી કોઇ આજકાલ,
રહેતુ’તું કોણ, લાવ, જરા યાદ કરી જોઉં
છું હું કોઇક માટેની સાષ્ટાંગ પ્રાથના,
મંદિરમાં કોણ છે, હું કોને સાદ કરી જોઉં?
જાઉં ને મૃત્યુ નામના રાજાધિરાજને
પેશેનજર રમેશની સોગાદ કરી જોઉં.