તા ૧૫ જુલાઈથી ૨ ઑગસ્ટ સુધી કવિશ્રી કૃષ્ણ દવે બ્રિટનની ઉડતી મુલાકાતે હતા. લયના હિલ્લોળના રાજવી અને મંચના મહારથી આ કવિ મનમોજી વાદળોની જેમ લંડન, બેટલી, બર્મિંગહામ અને લેસ્ટર જેવા સ્થળોએ ગીત, ગઝલ અને બાળકાવ્યોની હેલીથી સહુને તરબતર કરી શિકાગોના ભવ્ય કાર્યક્ર્મ માટે અમેરિકા આવી રહ્યા છે.
આખો ઑગસ્ટ મહિનો કવિશ્રી અમેરિકાના વિવિધ સાહિત્યિક વર્તુળોને એમનો લાભ આપશે. કવિ સાથે ગોષ્ઠિ માટે આતુર સાહિત્યક સંસ્થાઓ કે ઘરઘરાઉ બેઠકો યોજવા ઈચ્છનાર માટે કવિનો ઈમેલ સંપર્ક છેઃ krushnadave@yahoo.co.in
(in case you are unable to view this video, double click on the video to go to You Tube)
બે ઘડી વાતો કરી ને દિલને બહેલાવી અમે નીકળી ગયા,
કોઈ ના સમજી શક્યું તો ખુદને સમજાવી અમે નીકળી ગયાં.
આ ચિરંતન તરસનું કારણ તમે પૂછ્યું છતાંયે કાંઈ પણ બોલ્યા નહીં,
બસ આંખમાં આવી અમે નીકળી ગયાં.
વાદળોની પાઠશાળામાં ગયા તો આટલું શીખ્યા અમે,
જ્યાં થયું મન ત્યાં ગયા ને હેત વરસાવી અમે નીકળી ગયા.
પથ્થરોની કોર્ટમાં એ કેસ લાં..બો ચાલશે,
એમનો આરોપ છે કે ત્યાં કશુંક વાવી અમે નીકળી ગયા.
આંખ બે હેતાળ, ખુલ્લા કાન ને ભીનું હૃદય,
એટલે તો આ ગઝલ તમને જ સંભળાવી અમે નીકળી ગયા.
આજે માણીએ કવિ શ્રી કૃષ્ણ દવેની કલમે લખાયેલ આ સ્વર્ણિમ ગુજરાત સ્પેશિયલ ગીત…
નવી સવારે નવું કિરણ લઇ આવ્યુ નવલી વાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત
નવા જ સંકલ્પોને લઇને પ્રગટ્યું નવું પ્રભાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.
નવી જ માટી, મૂળ નવા ને મ્હેક નવી પણ માંગે
અંદર લીલ્લુછમ સૂતેલુ હોય બધુ એ જાગે
જેમ સમયને આદર દઇને વૃક્ષ પર્ણને ત્યારે
એમ જુના જે હોય વીચારો પોતે ખરવા લાગે
નવી પાંખ છે, નવા ઉમંગો, નવું નવું મલકાતા
નવા દિવસ છે ભલે હવે એ નવી રીતે ઉજવાતા
જે મારગ પર ડર લાગે છે સૌ ને જાતા જાતા
એ મારગ નીકળી પડવાનુ ગીતો ગાતા ગાતા
નવી દિશામાં નવા જ સાહસ માટે જગવિખ્યાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.
નવો સમય છે નવું જોશ લઇ મળવા સૌને આવે
અંધારાના ઘરઘરમાં જઇને દીપક પ્રગટાવે
નવા નવા સપનાઓ શોધી નવા જ ક્યારે વાવે
તેજ તરસતી એ આંખોમાં સૂરજ આંજી લાવે
નવ આકાશે નવું જ ચમકી નવી જ પાડે ભાત
અમારૂ નવું નવું ગુજરાત, અમારૂ નવું નવું ગુજરાત.
હવેની પેઢીને જોઇને ક્યારેક એમ લાગે છે કે માત્ર બે-પાંચ વર્ષમાં જ જમાનો બદલાતો રહે છે. ઘરમાં બે બાળકો હોય અને બંને વચ્ચે પાંચ-દશ વર્ષનું પણ અંતર હોય તો એમ લાગે કે ઘરમાં એકી સાથે બે પેઢી ઊછરી રહી છે, બધું જ ઝડપથી બદલાય છે જાણે કે ઝડપથી નાશ થવા માટે જ.
એક જ ઘરમાં માણસો વચ્ચે અનેક અંતરો અને અનેક અંતરાયો છે. કોઇને દોષ દેવાથી કશું વળે એમ નથી. અહીં કશું નિર્દોષ નથી. તમામ શાળાઓ બંધ કરી નાખવાનું મન થાય એવી શિક્ષણપદ્ધતિ થઇ ગઇ છે. સ્કૂલમાંથી સંતાનો પાછાં વળે છે, હાશ છૂટ્યા ! એવા મનોભાવ સાથે. જે રીતે દફ્તરોને ફંગોળે છે એ વર્તન પરથી પણ ખ્યાલ આવે. કવયિત્રીએ વર્તન દ્વારા ભાષાને પ્રયોજી છે અથવા એમ કહો કે આ વર્તન પોતે જ એક ભાષા છે. નાયિકા દંગ થઇ જાય છે. વિદ્યાર્થીઓ મજૂર હોય એમ બોજો ઊંચકીને આવે છે. નાનપણથી જ જાણે કે એ કાળના કોળિયા થઇ ગયા છે.
નિરાંત જેવું કશું નથી કે કશું નથી મિરાત જેવું. કોઇને સમય જ ક્યાં છે. બધા જ સભાનપણે સમયપત્રકના ગુલામ થઇ ગયા છે. નાસ્તો કરે છે. માણતા નથી. મોઢામાં કોળિયો મૂકે છે પણ મનમાં વિચાર હોમવર્કનો છે. બધા જ વિભાજિત રીતે જીવે છે. એક જાપાનીસ હાઇકુ યાદ આવે છે.
વાત સીધી સાદી છે. ભૂખ લાગે તો ખાવ અને ઊંઘ આવે તો સૂઓ. આ સાદી વાતમાં ગહન સત્ય છે. ખાતી વખતે બીજો કોઇ જ વિચાર નહીં. વિકેન્દ્રિત કે એવું કોઇ સત્ય નહીં. દીકરા-દીકરીઓ દફ્તરને ફંગોળી શક્યાં, થોડીક ક્ષણ માટે, પણ એક ન દેખાતો બોજો હોમવર્કનો તો છે જ. સ્કૂલ છોડીને આવ્યાં એટલું જ પણ સાથે સાથે પડછાયાની જેમ સ્કૂલ પાછળ ને પાછળ આવવા માંડી.
એક જમાનો એવો હતો કે રમતધેલા છોકરાઓને કહેવું પડતું કે લેશન કરો. આજે હવે છોકરાઓ જ માબાપને કહે છે કે રમવું નથી, લેશન પૂરું કરી લેવા દો. અહીં પતાવી નાખવાની વાત છે. આટોપી દેવાની વાત છે. જીવ સિરિયલમાં છે. ક્યાંય કોઇ પણ બાબતમાં એકાગ્રતાનું નામોનિશાન નથી.
સિરિયલ સક્રિય આનંદ ન આપે, પણ નિષ્ક્રિય આનંદ આપે. આપણે કુસ્તીના ખેલ જોઇએ અને રાજી થઇએ કે આપણે જ કુસ્તી કરીએ છીએ. આપણે આપણું જીવન જીવતા નથી અને બીજાનું જીવન જીવવાનો ખેલ કરીએ છીએ. ઇશ્વરે આપણને માણસ તરીકે મોકલ્યા પણ આપણે કાટૂર્ન થઇ ગયાં.
કાટૂર્ન જોઇજોઇને સમયને આપણે બરબાદ કરીએ છીએ. કોઇ રમે અને આપણે રમતનો આનંદ લઇએ. આ આનંદ પણ ઉછીનો.
નવી રમતો આવી. જૂની રમતો વિસરાઇ ગઇ. વચ્ચેનાં વરસો કયાં વહી ગયાં કોને ખબર ? આંધળોપાટો, પકડદાવ આ બધી આપણી જ કહેવાય એવી અસલ રમતો કાળના કબ્રસ્તાનમાં દટાઇ ગઇ. મમ્મીની વાતો બાળકોને લવારો કે સનેપાત લાગે. મમ્મીના શબ્દો બકવાસ લાગે.
બાળકો પાસે પ્રશ્નાર્થચિહ્ન છે અને મમ્મી પાસે આઘાતચિહ્ન. ‘ટીવી અને વિડિયો ગેમ્સે બાળકોનાં મનનો કબજો કર્યો છે.’ – આવી બોલકી પંકિત કવયિત્રી ટાળી શક્યાં હોત. કાવ્યનો અંત કટાક્ષથી થાય છે. એક જમાનાની રમતો હવે ઇતિહાસ થઇ ગઇ છે. એને જાળવવી હોય તો રમીને જળવાશે નહીં.
એને પુસ્તકોના મોર્ગમાં રાખવી પડશે. સાચવવી પડશે એને સી.ડી.ના સ્વર્ગમાં. કદાચ બાળકો કોમ્પ્યૂટર પર આ બધી રમતો જુએ અને જીવે અને કદાચ વિસરાઇ ગયેલી આ રમતો માત્ર સ્મૃતિ ન રહે પણ જીવંત બને. જોકે આવી મૃગજળિયા આશા પર જીવવું એ પણ આત્મવંચના જેવું લાગે.
મીનાક્ષી પંડિત સામાન્ય રીતે અછાંદાસ કાવ્યો લખે છે. એમનાં કાવ્યોમાં અંગત સંવેદનો અને સામાજિક સંવેદનો ઝંકૃત થતાં હોય છે.
આ સંદર્ભમાં કૃષ્ણ દવેનું આ ગીત ગૂંજીને ગાજવા જેવું છે.
.
આ સઘળાં ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે
પતંગિયાંઓને પણ કહી દો સાથે દફ્તર લાવે
મનફાવે ત્યાં માછલીઓને આમ નહીં તરવાનું
સ્વિમિંગ પુલના સઘળા નિયમોનું પાલન કરવાનું
દરેક કૂંપળને કોમ્પ્યૂટર ફરજિયાત શીખવાનું
લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું
આ ઝરણાંઓને સમજાવો સીધી લીટી દોરે
કોયલને પણ કહી દેવું ના ટહુકે ભરબપ્પોરે
આજે ફરી એક વરસાદી ગઝલ.. મને જરા થયું ખરું કે આ વરસાદી વાતોનો Overdose તો નથી થઇ જતો ને? પણ વરસાદના આવવાની રાહ જોવામાં કેટલીય વરસાદી ગઝલો અને વરસાદી ગીતો સાચવી રાખ્યા હોય છે, કે સમયસરની પોસ્ટ કરીશ…! એટલે ચોમાસામાં તો થોડા થોડા દિવસે (અને ક્યારેક એકી સાથે) વરસાદી ગીતો અહીં છલકવાના જ છે..! 🙂
અને હા, જ્યારે ગઝલમાં વાત ચોમાસાના બેસવાની થતી હોય, તો એ ગઝલ વાંચવાની સૌથી વધુ મઝા ચોમાસાના શરૂઆતના દિવસોમાં જ આવે ને..!
શું થયું મુંબઇ ?
બધ્ધું જ શમી ગયું ને !
એ તો સ્મશાન વૈરાગ્ય !
જ્યાં સુધી ચિતા બળતી હોય ને, ત્યાં સુધી સૌ ઉભા હોય.
બાકી એમને પણ એમના કામ હોય કે નહીં ?
રોઇ રોઇને આંખ સૂજી ગઇ ને ?
ચાલ હવે શાંતિથી ઉંઘી જા.
બીજી કોઇ ઘટના ના બને ને ત્યાં સુધી.