Category Archives: વિવેક મનહર ટેલર

ગ્લૉબલ કવિતા : ૧૩૮ : નીતિશાસ્ત્ર – લિન્ડા પાસ્ટન

Ethics

In ethics class so many years ago
our teacher asked this question every fall:
if there were a fire in a museum
which would you save, a Rembrandt painting
or an old woman who hadn’t many
years left anyhow? Restless on hard chairs
caring little for pictures or old age
we’d opt one year for life, the next for art
and always half-heartedly. Sometimes
the woman borrowed my grandmother’s face
leaving her usual kitchen to wander
some drafty, half imagined museum.
One year, feeling clever, I replied
why not let the woman decide herself?
Linda, the teacher would report, eschews
the burdens of responsibility.
This fall in a real museum I stand
before a real Rembrandt, old woman,
or nearly so, myself. The colors
within this frame are darker than autumn,
darker even than winter — the browns of earth,
though earth’s most radiant elements burn
through the canvas. I know now that woman
and painting and season are almost one
and all beyond saving by children.

– Linda Pastan

નીતિશાસ્ત્ર

નીતિશાસ્ત્રના વર્ગમાં ઘણાં બધાં વર્ષો પહેલાં
અમારા શિક્ષક દર પાનખરમાં અમને આ સવાલ પૂછતા:
ન કરે નારાયણ ને કો’ક મ્યુઝિયમમાં આગ ફાટી નીકળે તો
તમે કોને બચાવશો, રેમ્બ્રાંટના ચિત્રને
કે એક ડોશીને જેની જિંદગીમાં આમ પણ ઝાઝાં વર્ષ
હવે બાકી નથી? સખત ખુરશીઓ પર બેચેન થતાં અમે,
કળાકૃતિ કે ઘડપણ બંને માટે તદ્દન બેફિકર,
એક વરસ જિંદગીનો વિકલ્પ પસંદ કરતાં, તો બીજા વરસે કળાનો
અને કાયમ અધકચરા મને. ક્યારેક
એ ડોશી મારા દાદીમાનો ચહેરો ઉછીનો લઈ લેતી
એનું કાયમનું રસોડું પડતું મૂકીને
કોઈક ઠંડાગાર, અર્ધ-કાલ્પનિક મ્યુઝિયમમાં ભટકવા માટે.
એક વર્ષે, હોંશિયારીમાં ને હોંશિયારીમાં, મેં જવાબ આપેલો:
આપણે એ ડોશીને જાતે જ આ નિર્ણય લેવાનું કહીએ તો કેવું?
અમારા શિક્ષકે મારા રિપોર્ટકાર્ડમાં લખેલું કે, લિન્ડા ભાગી રહી છે
જવાબદારીના બોજાઓથી.
આ પાનખરમાં હું એક સાચુકલા મ્યુઝિયમમાં ઊભી છું
એક સાચુકલા રેમ્બ્રાંટ સામે, ડોશી,
અથવા લગભગ ડોશી જેવી જ, હું પોતે. એ ચિત્રમાંની
જમીનના કથ્થઈ રંગો પાનખર કરતાં તો ઠીક,
શિયાળા કરતાંય વધારે ગાઢા છે,
છતાંય ધરતીનું તેજ તો આબાદ છલકે છે
એ કેન્વાસમાંથી. હવે મને સમજાય છે કે એ ડોશી
અને ચિત્ર અને ઋતુ બધાં લગભગ એકસમાન જ છે
અને કશુંય નાના બાળકોથી બચાવી શકાય એમ છે જ નહીં.

– લિન્ડા પાસ્ટન
(અનુ. વિવેક મનહર ટેલર)

कालाय तस्मै नमः।

એક જમાનો હતો, જ્યારે પૃથ્વી પર કોઈ સમાજવ્યવસ્થા નહોતી. મનુષ્યને જેમ અને જ્યાં રખડવું હોય એમ અને ત્યાં રખડતો. ભૂખ લાગે ત્યારે ખાતો અને સૂવાનું મન થાય ત્યારે સૂઈ જતો. જેની સાથે, જે જગ્યાએ અને જે સમયે શરીરસંબંધ બાંધવાનું મન થતું, બાંધતો. પણ પછી એને ખેતીના ‘ખ’માં સમજ પડવા માંડી. એટલે જાનવરો પાળતા શીખ્યો. ઘર બાંધતા શીખ્યો અને ઘરની સાથોસાથ જ ઊભી થઈ કુટુંબવ્યવસ્થા-સમાજવ્યવસ્થા અને વાડાવ્યવસ્થા. સમાજની રચનાની સૌથી મોટી સાઇડ-ઇફેક્ટ એટલે નૈતિક મૂલ્યોની સ્થાપના. ઘર, વાડા અને સમાજની અંદર સ્વયંભૂ પૂરાયેલા માણસની કાયાની ભીતર તો મૂળે જાનવર જ હતું. એટલે જેમ-જેમ નૈતિકતા અને નિયમો વધતાં ગયાં, તેમ-તેમ અનૈતિકતા આવશ્યક મટીને અનિવાર્ય બનતી ગઈ. અનૈતિકતા એ નૈતિકતાનો જ પડછાયો છે, અને પંડ કદી પડછાયા વિના હોય નહીં. નૈતિકતા શીખવી શકાતી નથી. માણસને જો કોઈ એકમાત્ર વ્યક્તિ નૈતિકતા શીખવી શકે એમ હોય તો તે સમય છે. સમયથી મોટો કોઈ શિક્ષક નથી. લિન્ડાની પ્રસ્તુત રચના સમયના સાર્વભૌમત્વની અડખેપડખે નૈતિકતાની મહત્વહીનતાની વાત કરે છે.

લિન્ડા પાસ્ટન. ૨૭-૦૫-૧૯૩૨ના રોજ બ્રોન્ક્સ, ન્યૂયૉર્ક ખાતે જેક ઓલેનિક અને બેસ સ્વાર્ટ્ઝના યહૂદી પરિવારમાં જન્મ. મોટાભાગનું જીવન પોટોમેક, મેરીલેન્ડમાં વિતાવ્યું. ૧૯૫૩માં લગ્ન. ૧૯૫૪માં અંગ્રેજીમાં બી.એ. અને ૫૭માં અંગ્રેજીમાં જ એમ.એ. કોલેજમાં હતાં ત્યારે સિલ્વિયા પ્લાથ જેવા કવયિત્રીને હરાવીને પુરસ્કાર જીત્યાં હતાં પણ ખુદને ‘પચાસના દાયકાનું ઉત્પાદન’ અને ‘પરફેક્ટ્લી પોલિશ્ડ ફ્લૉર સિન્ડ્રોમ’નો શિકાર ગણાવતા લિન્ડાએ પરિવારની જાળવણી બાબતમાં પોતાને ‘પરફેક્ટ’ સાબિત કરવાના ધખારામાં કલમને અલવિદા કહી દીધી. અધકચરા દિલે તેઓ કવિતા લખવા માંગતા નહોતાં. દસેક વર્ષ બાદ કવિપત્નીના કાવ્યનિષ્ક્રીયતા બાબતના અસંતોષથી થાકેલા પતિના આગ્રહથી ફરી કલમ ઉપાડી તે આજ દિનપર્યંત અટક્યા વિના ચાલી રહી છે. ૧૯૯૧થી ૯૫ સુધી મેરીલેન્ડના રાજકવિ. પંદરેક પુસ્તકો. ઢગલાબંધ ઈનામ-અકરામ. એક લાખ ડોલરનો લાઇફ ટાઇમ એચિવમેન્ટ એવૉર્ડ. ત્રણ સંતાન. એક, રચેલ નવલકથાકાર; બીજો, પીટર રસોઈયો-હોટેલિઅર; ત્રીજો, સ્ટિફન કિડનીરોગનો નિષ્ણાત. હાલ ૮૭ વર્ષની વયે તેઓ પતિ ઇરા પાસ્ટન સાથે મેરીલેન્ડમાં જ રહે છે.

કવિ. નિબંધકાર. લાઘવ એમની કવિતાઓનું પ્રમુખ અંગ છે. તેઓ કહે છે, ‘મારી સહજ પ્રકૃતિ છે લાઘવ. મને લાંબા વૃતાન્ત કાવ્યો લખવાની ઇચ્છા છે. મારે નવલકથા પણ લખવી છે. પણ ગમે ત્યારે હું કંઈ પણ લાંબુ લખવાનું શરૂ કરું; જે કંઈ પણ બહારનું છે, જે કંઈ પણ બિનજરૂરી છે, એ દૂર કરતી રહું છું, અને અંતે હું એક નાનકડા ઊર્મિકાવ્ય પર આવી અટકું છું.’ કવિતા લખ્યા બાદ, એમના પોતાના કહેવા મુજબ, તેઓ ‘ઓછામાં ઓછી સો વાર’ મઠારે છે, જ્યાં સુધી સંપૂર્ણ પ્રતીતિ નહીં થાય કે કવિતા વાંચતી વખતે પોતાની ઉપર જે અસર થાય છે, એ જ એમના વાચક પર પણ થશે. એમની ભાષાની પ્રવાહિતા, શબ્દોની કરકસર, કલ્પનોની તાજગી અને સંવેદનની સચ્ચાઈ ભાવકને સ્પર્શ્યા વિના રહેતાં નથી. પરિવાર, દામ્પત્ય, માતૃત્વ, માનવસંબંધ, સુખદુઃખ, મૃત્યુ વગેરે જિંદગીના રોજબરોજનાં પાસાંઓ એમની કલમનો સ્પર્શ પામી કવિતામાં પરિણમે છે. રોજિંદા જીવનની સપાટી તળે ધબકતી ચિંતાઓ એમના મુખ્ય રસનો વિષય છે. આત્મકથનાત્મકતા લિન્ડાની રચનાઓનું અગત્યનું અંગ છે. જીવન અને સંબંધોની ક્ષણભંગુરતા એમને સતત કગાર પર લટકતાં રાખતાં હોવાનું તેઓ માને છે. એમની કવિતાઓ એમના પોતાના અનુભવોમાંથી જન્મી હોવાનું અનુભવાયા વિના રહેતું નથી. હડસન રિવ્યૂ એમને ‘સો નાની-નાની ખુશીઓ, ઉજવણીઓ, પ્રતિક્રિયાઓ, સંતોષ અને સુખના કવિ’ તરીકે ઓળખાવે છે. એમિલી ડિકિન્સનની જેમ લિન્ડાની કવિતાઓ પણ ઘરબહારની દુનિયામાં ફરવા જવાને બદલે ઘરેલુ બાબતોની આસપાસ જ ફરતી જોવા મળે છે. નાંખી દેવા જેવી લાગતી ક્ષુલ્લક બાબતોમાંથી બંને કવયિત્રીઓની કવિતા જન્મે છે.

‘નીતિશાસ્ત્ર’ શીર્ષક વાંચતા જ રચના બે ઘડી બાજુએ મૂકી દેવાનું મન થાય. સાચી વાત છે. નીતુશાસ્ત્રના ભાષણની તમા કોને હોય? વિદ્યાર્થી વર્ગમાં, ને માણસ જીવનમાં નવું શીખવા ભાગ્યે જ આતુર છે. દરેક જણ પોતાને બધું આવડતું હોવાનો અથવા બધી સમજ પડતી હોવાનો સર્વગુણસંપન્નતાનો અંચળો ઓઢીને ફરતા જોવા મળે છે. અધૂરામાં પુરું ગૂગલદેવતાએ દાટ વાળ્યો છે. બે મિનિટના ગૂગલથી માણસ પોતાને સર્વજ્ઞ સમજવા માંડે છે. પાંચ-દસ મિનિટના ગૂગલજ્ઞાનના આધારે દર્દી ડોક્ટરના દસ વર્ષના મેડિકલ કોલેજના અભ્યાસને પડકારે છે. ટૂંકમાં, આપણે એવા સમાજની કગાર પર આવી લટક્યાં છીએ, જ્યાં નૈતિકતાનું દોરડું માત્ર સોશ્યલ મિડીયાઝ પર સૂફિયાણી વાતો ફૉરવર્ડ કરવા ખાતર જ હાથે ઝાલવામાં આવે છે. કગાર પર ક્યાં સુધી ટકાશે અને કઈ ઘડીએ પતન થશે એની કોઈને ખબર નથી પણ ‘સૃષ્ટિનો અંત આવે તોય કોઈ વાંધો નહીં આવે’ના મિથ્યાભિમાનના સહારે સહુ છે.

‘નીતિશાસ્ત્ર’ શીર્ષક જ કંટાળાજનક છે. પણ આ લિન્ડાની કવિતા છે. એ સ્વાનુભવોમાંથી ઘડાઈને આવતી હોવાથી આપણને વધુ આત્મીય લાગે છે. લિન્ડાની કવિતાઓ બહુ સહજભાવે અડોઅડ બેસીને આપણા ખભે હાથ મૂકીને સંવાદ કરે છે. આ કવિતા સમયના બે અલગ-અલગ બિંદુઓને ભેગાં કરતી હોવા છતાં કવિએ એને પરિચ્છેદમાં વિભાજીત કરવાના બદલે સળંગ રાખી છે. અપૂર્ણાન્વય (enjambment)નો સહારો પણ ખૂબ લીધો છે. પરિણામે આખી રચના એકઘટ્ટતાની અનુભૂતિ સાથે એકી કોળિયે ગળે ઉતારવાની ફરજ પડે છે. પચ્ચીસ પંક્તિઓના આઠેક વાક્યોમાં ચાર તો પંક્તિની અધવચ્ચે પૂરાં થાય છે. આખી રચનામાં લિન્ડાએ આયમ્બિક પેન્ટામીટર છંદ જાળવ્યો છે પણ ૨૧મી પંક્તિમાં દસની જગ્યાએ અગિયાર અને આખરી પંક્તિમાં નવ શબ્દાંશ (syllables) વાપરી કાવ્યાંતે લયમાં વધઘટ કરી એકીશ્વાસે વહી જતા અહેસાસને લગરિક આરોહ-અવરોહ આપ્યો છે. સંવેદનાના રસ્તે સડેડાટ દોડી જતા વાહન માટે ક્યાંક સ્પીડબ્રેકર પણ આવશ્યક છે, નહિંતર ચાલકને ઝોકું આવી જઈ શકે!

ઘણા વર્ષો પહેલાં પોતે કોલેજમાં હતાં એ સમયની વાત લિન્ડા કરે છે. નીતિશાસ્ત્રના વર્ગમાં શિક્ષક વિદ્યાર્થીઓને દરેક પાનખરમાં એક સવાલ પૂછતાં. અમેરિકામાં ઑગસ્ટનો અંત અને સપ્ટેમ્બરનો પ્રારંભ એ પાનખરની ઋતુ ગણાય છે અને કોલેજોનું નવું શૈક્ષણિક વર્ષ પણ આ જ સમયગાળામાં શરૂ થાય છે. મતલબ, કોલેજનું વર્ષ નવું-નવું શરૂ થયું હોય ત્યારે શિક્ષક દર વરસે પૂછતાં કે માની લો કે તમે કોઈક સંગ્રહાલયમાં ગયા છો અને ત્યાં આગ લાગે છે. તો તમે રેમ્બ્રાંતના અમૂલ્ય ગણાતા ચિત્રને બચાવશો કે જીવનના આરે આવી ઊભેલી કોઈક વૃદ્ધાને? વેકેશન ભોગવીને કોલેજ આવેલા વિદ્યાર્થીઓને આદતના અભાવે વર્ગખંડની ખુરશીઓ હજી સખત અનુભવાય છે એટલે એના પર બેસીને તેઓ બેચેન છે. એક વરસે તેઓ વૃદ્ધાની જિંદગીને બચાવવાનો વિકલ્પ પસંદ કરતાં તો બીજા વરસે ચિત્રને, પણ આમાનો કોઈ જ જવાબ દિલમાંથી આવતો નહોતો. શિક્ષક માથે હોય એટલે જવાબ તો આપવો પડે ને! ક્યારેક લિન્ડાને લાગતું કે એ વૃદ્ધા એના દાદી જ છે, જે રસોઈઘર પડતું મૂકીને મ્યુઝિયમમાં ટહેલવાં આવ્યાં છે. એક વર્ષે હિંમતપૂર્વક દોઢડહાપણ કરીને લિન્ડા જવાબ આપે છે કે આગ લાગે તો બચાવની પ્રાથમિકતા એ વૃદ્ધાને જ નક્કી કરવા દઈએ તો? વૃદ્ધ સ્ત્રીમાં દાદીનો ચહેરો જોયા બાદનો આ જવાબ નીતિશાસ્ત્ર પર અંગત સંબંધો અને લાગણીઓની હાવી થતી અસર ગણી શકાય? ખેર, એ અલગ અભ્યાસનો વિષય છે. પણ શિક્ષકના નીતિશાસ્ત્રનું અણિશુદ્ધ પાલન કરતાં શિક્ષકે તો તરત જ લિન્ડાને જાહેરમાં ઝાટકી: ‘તું તારી જવાબદારીઓના બોજાઓથી ભાગી રહી છે.’

વિદ્યાર્થીઓએ પોતે નીતિશાસ્ત્રનો વિષય પસંદ કર્યો છે એટલે નૈતિકતા શું છે અને વિપરિત સંજોગો દરમિયાન એ કઈ રીતે પ્રગટ થવી જોઈએ એ બાબત શિક્ષક શીખવે એ સ્વાભાવિક છે. પણ જે રીતે દર વરસે વિદ્યાર્થીઓ એકના એક સવાલના જવાબ બદલતા રહે છે અને જે રીતે શિક્ષકે પણ દર વરસે સવાલ દોહરાવવો પડે છે એના પરથી સમજાય છે કે શિક્ષક નૈતિકતા શીખવવામાં અને વિદ્યાર્થીઓ પણ એના પાઠ ભણવામાં નિષ્ફળ નીવડ્યાં છે. હકીકતમાં નૈતિકતા શીખવવાનો વિષય છે જ નહીં. સમાજનું સર્જન કરતી વખતે આચાર-વ્યવહારમાં સુસંગતતા રહે એ ખાતર નૈતિક મૂલ્યોનું સર્જન કરાયું પણ મનુષ્યની મૂળ પ્રકૃતિ આદિમ છે, પાશવી છે. એના પર નૈતિકતા લાદી જરૂર શકાય, અંદરથી ઊગાડી નહીં શકાય. કોઈ પણ મનુષ્યને એવી જગ્યાએ મૂકવામાં આવે જ્યાં એના પર નજર રાખનાર કોઈ હોય જ નહીં, એ શું કરે છે એ જોનારું પણ કોઈ જ ન હોય અને એ જે કરે છે એનો એણે કદી પણ કોઈને પણ જવાબ સુદ્ધાં આપવાનો ન હોય, તો એ મનુષ્ય શું કરે અને શું ન કરે એ અચંબાજનક સંશોધનનો વિષય બની રહે. વિલિયમ ગોલ્ડિંગની ‘લૉર્ડ ઑફ ધ ફ્લાઇઝ’ લઘુનવલકથામાં નવથી લઈને ૧૩-૧૪ વર્ષનાં કેટલાંક ટાબરિયાં કોઈક વસ્તીહીન ટાપુ પર પહોંચી જાય છે અને પછી આ નિર્દોષ ગણાતાં ભૂલકાંઓ વચ્ચે જે રીતે અસ્તિત્વનો ખૂનખાર જંગ શરૂ થાય છે, એ કથા વરસોથી વાચકોના લોહી થીજાવતી આવી છે.

કવિતાનો બીજો ભાગ અહીંથી શરૂ થાય છે. હકીકતમાં કવિતાનો આરંભ અહીંથી જ થયો છે. વૃદ્ધ લિન્ડા એક સંગ્રહાલયમાં રેમ્બ્રાંતના ચિત્ર સમક્ષ ઊભી છે. રેમ્બ્રાંતનું આ ચિત્ર જોઈને એને વરસો પૂર્વેના એના નીતિશાસ્ત્રના વર્ગ, સવાલ-જવાબ અચાનક યાદ આવ્યા અને કવિતા પ્રારંભાય છે. કવિતામાં અગાઉ ‘અધકચરા મને’ (half-hearted) અને ‘અર્ધ કાલ્પનિક’ (half imagined), એમ બે વાર અડધાની વાત દોહરાવાઈ હતી. એની મુખામુખ લિન્ડા હવે બે વાર ‘સાચુકલા’ (real) શબ્દ દોહરાવે છે. આ પુનરાવર્તન કલ્પનાની સન્મુખ વાસ્તવિકતાની બેવડી ધાર કાઢવામાં સાંગોપાંગ સફળ રહે છે. વાસ્તવિકને એ વધુ વાસ્તવિક બનાવે છે.

રેમ્બ્રાંત વાન રિન એટલે સત્તરમી સદીમાં હાલના નેધરલેન્ડ્સમાં થઈ ગયેલ, અમર કળાકાર. દુનિયાના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ કળાકારોમાંનો એક. ગાઢો તપખીરી-કથ્થઈ રંગ એના મોટાભાગના ચિત્રોમાં ઊડીને આંખે વળગે છે. વૉશિંગ્ટન ડીસીના પરગણાંની નિવાસિની હોવાના નાતે આ સંગ્રહાલય ‘નેશનલ ગેલેરી ફોર આર્ટ’ હોઈ શકે, જ્યાં રેમ્બ્રાંતે દોરેલ આત્મચિત્રો (સેલ્ફ-પૉર્ટ્રેટ્સ)માંનું એક ઉપલબ્ધ છે. આ ચિત્રમાંની ગાઢી કથ્થઈ રંગચ્છાયાઓ વૃદ્ધ અથવા લગભગ વૃદ્ધ લિન્ડાને ધરતીના રંગ જેવી લાગે છે, પણ આ રંગો પાનખર અને પાનખર પછી બરફ લઈને આવતા શિયાળા કરતાંય વધુ ગાઢા છે. એ કહે છે કે પૃથ્વીના સૌથી તેજસ્વી ઘટકો કેન્વાસ મારફતે જ સળગે છે. અહીં, પાનખર અને શિયાળાનો ગાઢા રંગ સાથેનો ઉલ્લેખ વૃદ્ધત્વ તથા મૃત્યુની અર્થચ્છાયાઓ ઉપસાવે છે. રેમ્બ્રાંતના ચિત્રમાં રહેલો મૃત્યુનો રંગ લિન્ડા પારખે છે. મૃત્યુ પછી મરનારે ધરતીમાં જ મળી જવાનું છે. ધરતીનો આ રંગ જ કેન્વાસમાં ઊતર્યો છે અને કેન્વાસનો રંગ પણ આખરે ધરતીમાં જ ભળી જનાર છે.

આજે લિન્ડાને સમજાયું છે કે નીતિશાસ્ત્ર વર્ગખંડમાં નહીં, માત્ર જીવનખંડમાં જ શીખી શકાય છે. અનુભવથી મોટો કોઈ શિક્ષક નથી. ‘આકસ્મિક પરિસ્થિતિમાં શું કરવું’નો પાઠ હજારવાર ભણ્યાં હોઈએ તોય પરિસ્થિતિ સામે આવી ઊભી રહે ત્યારે આપણે શું કરી બેસીશું એનું કોઈ નક્કી ગણિત સંભવ જ નથી. નૈતિકતા શીખવવાથી નથી સમજાતી. જીવન અને સમય જ મનુષ્યને નીતિમત્તાના પાઠ શીખવાડી શકે છે. ટૂંકમાં, નીતિશાસ્ત્રના વર્ગોથી વધુ મહત્ત્વહીન બીજું કદાચ કશું નથી. સમાજના વાડામાં કેદ મનુષ્ય માટે નૈતિકતા એ વાડામાં સુરક્ષિત રહેવા માટેની એક આવશ્યકતા છે. આવશ્યકતા ભાગ્યે જ અનિવાર્યતામાં પરિણમતી હોય છે. દરેક માણસ પોતાની ઠોકરમાંથી જ શીખતો હોય છે. દરેકનો નીતિશાસ્ત્રનો ગુરુ એનો પોતાનો સમય જ હોય છે, બીજું કોઈ નહીં.

નીતિશાસ્ત્રના વર્ગમાં ગાળેલ વર્ષો દરમિયાન અને એ બાદના, વૃદ્ધ થઈ જવાયું ત્યાં લગીની જિંદગીના અધધધ સમયગાળામાં જે વાત સમજાઈ નહોતી, એ આજે અચાનક લિન્ડાને સમજાઈ છે. શિક્ષકના સવાલનો સાચુકલો જવાબ એને સાચુકલા સંગ્રહાલયમાં સાચુકલા રેમ્બ્રાંત સામે આવીને ઊભા રહ્યા બાદ છેક આજે જડ્યો છે. એને સમજ પડે છે કે પેલી સ્ત્રી અને ચિત્ર અને ઋતુ એ બધાં લગભગ એક જ હતાં અને એ બધાં જ કોઈના પણ દ્વારા બચાવી શકાવાની શક્યતાથી ખૂબ પરે છે. માણસ ગમે એટલું જીવે, એનો અંત આવનાર જ છે. ચિત્ર ગમે એટલું ઉત્તમ કેમ ન હોય, સમયનું જડબું એને સો-હજાર-પાંચ હજાર વર્ષે પણ ગળી જ જવાનું છે અને ઋતુ તો આમેય કદી સ્થાયીભાવ લઈને આવતી જ નથી. ગમે એટલા તેજસ્વી તત્વોએ પણ સમયના કેન્વાસમાં થઈને સળગીને ખાખ જ થવાનું છે. કન્નડમાં ‘એલ્લારા કાલુ યેલિઠડે કાલા’ કહે છે, જેનો અર્થ થાય છે, ‘જરૂર પડશે ત્યારે સમય દરેકને ભોંય બતાવી દેશે.’ લિન્ડાની કવિતા પણ આવી જ વાત કરે છે. અહીં ‘जातस्य हि ध्रुवोमृत्युः’નો ગીતાપાઠ આપણા કાને સંભળાય છે. કાવ્યાંતે સમયનો શંખનાદ કાને પડે છે: ‘હે કાળા માથાના મનુષ્યો! થાય એ કરી લો. શું તમે, શું તમારી કળાઓ, શું તમારી દુનિયા- હું તમામને ધૂળ ચાટતાં કરી દઈશ.’ અને જે ઘડીએ આપણને આ વાત સમજાઈ જાય એ ઘડી નીતિશાસ્ત્રમાં PhD પ્રાપ્ત કર્યાની ઘડી છે. कालाय तस्मै नमः। હે સમય! તને અમારા નમસ્કાર છે.

ગ્લોબલ કવિતા : ૧૩૬ : કેમકે કોઈ મદદ શક્ય જ નથી – માઇકલ ડ્રાઇટન

Since There’s No Help

Since there’s no help, come, let us kiss and part,
Nay, I have done, you get no more of me,
And I am glad, yea, glad with all my heart,
That thus so cleanly I myself can free.

Shake hands for ever, cancel all our vows,
And when we meet at any time again
Be it not seen in either of our brows
That we one jot of former love retain.

Now at the last gasp of Love’s latest breath,
When, his pulse failing, Passion speechless lies,
When Faith is kneeling by his bed of death,
And Innocence is closing up his eyes,

Now, if thou wouldst, when all have given him over,
From death to life thou mightst him yet recover.

– Michael Drayton

કેમકે કોઈ મદદ શક્ય જ નથી

કેમકે કોઈ મદદ શક્ય જ નથી, ચુંબન કરી થઈએ અલગ,
ના, હવે બસ, બહુ થયું, નહિ પામશે સહેજે વધારે તું મને,
ને હું ખુશ છું, હા, હું ખુશ છું મારા દિલના આખરી ઊંડાણ લગ,
કે સિફતથી આમ છોડાવી શક્યો સર્વાંગે મારી જાતને.

મેળવીને હાથ છેલ્લી વાર, કરીએ રદ લીધેલા સૌ શપથ,
ને કદી સંજોગવશ જો આપણું મળવાનું થાયે ક્યાંય પણ
આપણા ચહેરા ઉપરથી ના થવું જોઈએ કશુંયે તો પ્રગટ
કે બચ્યો છે આપણા બેમાં હજી એ પ્યારનો એકેય કણ.

પ્રેમના છેલ્લામાં છેલ્લા શ્વાસના આ છેલ્લા ડચકા પર હવે,
જ્યારે, એની નાડી થઈ રહી છે ધીમી, આવેશ સૂતો છે અવાક,
જ્યારે એની મૃત્યુશૈય્યાની કને શ્રદ્ધા ઘૂંટણિયા ટેકવે,
ને ધીમે ધીમે બીડી રહી છે હવે નિર્દોષતા પણ એની આંખ.

જ્યારે એના નામનું નાહી જ નાખ્યું છે હવે ત્યારેય તું ધારે
તો મરણના મુખથી એને તું ફરી પાછું જીવન લગ આણી શકશે.

– માઇકલ ડ્રાઇટન
અનુ. વિવેક મનહર ટેલર

જ્યારે બધી જ આશાઓ મરી પરવારે…

जब तवक़्क़ो ही उठ गई ‘ग़ालिब’
क्यूँ किसी का गिला करे कोई

– બસોએક વર્ષ પહેલાં મિર્ઝા ગાલિબ કહી ગયા કે જ્યારે બધી અપેક્ષાઓ મરી જ પરવારી હોય ત્યારે કોઈની ફરિયાદ કરીને પણ શું? અઢીએક હજાર વર્ષ પૂર્વે ભગવાન બુદ્ધ પણ કહી ગયા કે અપેક્ષા દુઃખનું કારણ છે. પણ બુદ્ધ કવિ નહોતા, એ ચેતનાનો સાક્ષાત્કાર પામી ચૂકેલ મહામાનવ હતા. કવિને નિવારણમાં રસ નથી, સંતને એમાં જ છે. બુદ્ધ કહે છે કે જો અપેક્ષા દુઃખનું કારણ છે તો એ કારણનું નિવારણ પણ છે, જે વળી શક્ય પણ છે. પ્રસ્તુત કવિતા ગાલિબના નિરાશાવાદથી શરૂ થઈ બુદ્ધના આશાવાદ સુધી વિસ્તરે છે. ના-નાથી શરૂ થઈ હા-હા તરફ ગતિ કરતું માઇકલ ડ્રેઇટનનું આ કાવ્ય બે જણના સગપણના સમીકરણમાં પ્રવેશી ગયેલા રણ દૂર કરવાની ખરી સમજણ પૂરી પાડે છે.

માઇકલ ડ્રેઇટન. ઇંગ્લેન્ડમાં હાર્ટ્સહિલ (વૉરવીકશાયર) ખાતે ઈ.સ. ૧૫૬૩માં જન્મ. પ્રારંભિક જીવન વિશે વિશેષ જાણકારી નથી. એમની કવિતાઓ વિ. પરથી ઘણુંખરું અનુમાનિત કરવામાં આવ્યું છે. કવિ તરીકે કિસ્મત ચમકાવવા એ ૧૫૯૧ની આસપાસ લંડન સ્થાયી થયા. ૨૭ વર્ષની વયે પ્રગટે થયેલા પહેલા પુસ્તક ‘ધ હાર્મની ઓફ ધ ચર્ચ’ની ચાળીસ પ્રત કેન્ટરબરીના મુખ્ય પાદરી દ્વારા અને બાકીની આખી આવૃત્તિ નાગરિક ધારા દ્વારા નષ્ટ કરી દેવામાં આવી હતી. લોકોના ઘરે નોકર તરીકે જીવ્યા પણ પછી મહારાણી એલિઝાબેથ પ્રથમના દરબારમાં મોભાનું સ્થાન પણ શોભાવ્યું. એલિઝાબેથ પછી જેમ્સ પહેલાના દરબારમાં પ્રામાણિક અને આખાબોલા કવિએ અવગણનાનો સામનો કરવો પડ્યો. સર હેન્રી ગુડ્યર (કે ગુડરે)ના ઘરે તેઓ મોટા થયા હોવાનું મનાય છે અને એમની જ છોકરી એનના પ્રેમમાં હતા. એનને રિઝવવા એમણે ચોંસઠ સૉનેટનો સંપુટ ‘આઇડિયાઝ મિરર’ લખી કાઢ્યો પણ એન જ નહીં, કોઈપણ છોકરી કવિના નસીબમાં કદી આવી નહીં. ડ્રેઇટનના નસીબમાં રાજદરબારમાં હોવા છતાં કુંવારા મરવું જ લખાયું હતું. સ્વભાવે મમતાળુ અને મિત્રવર્ગ બહોળો. તત્કાલીન પ્રસિદ્ધ સાહિત્યકારો બેન જોન્સન અને શેક્સપિઅર પણ એમના મિત્ર. પણ જીવનમાં પૈસાના સ્થાને પ્રતિષ્ઠા અને દોસ્તી જ કમાઈ શક્યા. દારૂણ ગરીબીમાં જ ૨૩-૧૨-૧૬૩૧ના રોજ નિધન.

અગ્રણી એલિઝાબેથન/જેકોબિઅન કવિ. નાટ્યકાર. વિપુલ માત્રામાં સાહિત્યસર્જન. તેઓ કવિને જનતાના પ્રવક્તા ગણતા અને સારું સાહિત્યસર્જન કવિની ફરજ ગણતા. કાળજીપૂર્વકનું સંનિષ્ઠ કવિકર્મ અને પુરુષાર્થ એમની મોટાભાગની કૃતિઓમાં નજરે ચડે છે. આપણે જેને ઊર્મિગીત કહીએ છીએ, એ અંગ્રેજી ‘ઓડ’ના એ મુખ્ય પ્રણેતા અને લોકપ્રિય કરનાર હતા. હોરેસની શૈલી એમણે પહેલવહેલીવાર અંગ્રેજીમાં ઉતારી આણી. ડ્રેઇટનના સૉનેટ એમની સીધી પ્રત્યાયનક્ષમતા અને સાર્વત્રિક અપીલના કારણે વધુ લોકપ્રિય થયા. એકાધિક ભાગોમાં વહેંચાયેલી દીર્ઘ કવિતાઓ એમની વિશેષતા રહી, જેમાં એમની આત્મકથાના અંશો ઉપરાંત સમસ્ત ઇંગ્લેન્ડનું, એની પુરાકથાઓ અને ઇતિહાસ સહિતનું સર્વાંગી દર્શન થાય છે. પોલિ-ઓલ્બિયન તો ૧૫,૦૦૦ પંક્તિઓનું મહત્ત્વાકાંક્ષી મહાકાવ્ય છે. એમણે લખ્યું છે: ‘મારાં ગીત મારા મનની સાફ છબી છે.’

‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ એ ‘આઇડિયા’ના કથિત નામે એનને જ સંબોધીને લખેલ સૉનેટ-સંપુટમાંનું જ એક છે. શેઇક્સપિરિઅન શૈલી. ત્રણ ચતુષ્ક અને એક યુગ્મક. પ્રાસવ્યવસ્થા ચતુષ્કમાં અ-બ-અ-બ પ્રકારની અને ચુસ્ત. પણ યુગ્મકમાં ક-ક પ્રકારની અને સુસ્ત (over-recover), અંગ્રેજીમાં જેને eye-rhyme કહે છે. છંદ અંગ્રેજી કવિતાઓમાં સામાન્ય રીતે પ્રયોજાતો આયંબિક પેન્ટામીટર. પણ તેરમી પંક્તિમાં દસના બદલે બાર અને આખરી (ચૌદમી) પંક્તિમાં અગિયાર શબ્દાંશ (સિલેબલ્સ) વપરાયા છે જે વાક્યની લંબાઈ-લયમાં અર્થસભર ઉમેરણ કરે છે. ગુજરાતી અનુવાદ કરતી વખતે પણ પ્રાસવ્યવસ્થા મૂળ અંગ્રેજી મુજબ જ ચતુષ્કોમાં ચુસ્ત અને યુગ્મકમાં સુસ્ત રાખવામાં આવી છે. આ ઉપરાંત મૂળ કવિતાને અનુસરીને તેરમી પંક્તિમાં બે અને ચૌદમી પંક્તિમાં એક ગુરુ બાકીની પંક્તિઓ કરતાં વધુ વાપરવામાં આવ્યા છે.

કવિતાનું શીર્ષક એ જ એનો પ્રારંભ છે. ‘કેમકે કોઈ મદદ શક્ય જ નથી’ વાંચતા એટલું સમજી શકાય છે કે જે કોઈ મદદ કરવાની હતી, એ બધી અગાઉ કરી દેવામાં આવી હશે. ‘કેમકે’નો પ્રયોગ પણ શક્ય હતાં એ બધાં જ કારણો નાણી જોવાયાં છે એ વાત દૃઢીભૂત કરે છે. ‘ચુંબન કરી થઈએ અલગ’ વાંચતા જ ભીતર હચમચાટ અનુભવાય છે. સમજી શકાય છે કે બધી જ કોશિશ થઈ ચૂકી હોવા છતાં હવે આ સંબંધ એ જગ્યાએ આવી પહોંચ્યો છે, જ્યાંથી પુનર્જોડાણ શક્ય જ નથી. ‘આપણે અહીંથી હવે થઈએ અલગ, આપણી પાસે હવે કંઈ પણ નથી’ જેવી આ ક્ષણ છે. સંબંધ હવે ટકી શકે એમ નથી એમ નાયકે સ્વીકારી લીધું છે. સામા પક્ષે નાયિકાએ પણ આ ફેંસલો સ્વીકારી લીધો હોવાનું અનુભવાય છે. કવિતા ભલે નાયકની સ્વગતોક્તિ હોય, પણ સામા પક્ષ તરફથી નાયકની વાત કોઈ કાપતું હોય એવું દેખાતું નથી. મતલબ જે કોઈ નિર્ણય છે, એ બંને પક્ષે સમજીને જ લીધો છે. ‘કોઈ મદદ હવે શક્ય જ નથી’ની જે વાત છે, એ મદદ બંને પક્ષ પોતપોતાની ક્ષમતાનુસાર મહત્તમ કરી ચૂક્યા પછીની ક્ષણની આ કવિતા છે. પણ સંબંધનો અંત કદી સરળ હોતો નથી. એમાં હંમેશા એક ઘેરી દ્વિધા સમાયેલી હોય છે. માણસ એ છેલ્લું ડગલું હજાર વાર ભરે છે અને હજાર વાર પાછો ફરે છે. આ કાવ્ય પ્રેમની નિષ્ફળતાની અસમંજસની ચરમસીમાએ ઊભું છે. કાયમ માટે છૂટા પડી જવાનો અડીખમ નિર્ણય કદાચ કેટકેટલાં મનોમંથનો પછી લેવાયો હશે! છૂટાં પડતી વખતે એક ઔપચારિક ચુંબન અને કાયમની ગુડ-બાય. નાયક કહે છે, ના, હવે બસ, બહુ થયું. હવે તું મને સહેજ પણ વધુ પામી શકનાર નથી. જે પામવા-અનુભવવાનું હતું, એ બધું હવે સમાપ્ત થઈ ચૂક્યું છે. સંબંધમાં સહનશક્તિની પરાકાષ્ઠા આવી ચૂકી છે. નન્નો પરખાવીને નાયક પોતાનો ઈરાદો બુલંદ કરે છે અને વળી, પોતે ખુશ છે, હા, દિલના આખરીમાં આખરી ઊંડાણ લગ ખુશ છે, એમ ખુશ હોવાની વાતની પુનરુક્તિ કરીને નિર્ણય પર મતુ મારે છે. અને સંબંધના કોફીન પર આખરી ખીલો ઠોકતા એ કહે છે, કે પોતે પોતાની જાતને આમ સિફતથી, સફાઈથી પૂરેપૂરી છોડાવી શક્યો છે એ વાતની પોતાને ખુશી પણ છે.

સંબંધ જન્મે છે, વિકસે છે અને મૃત્યુ પામે છે. પણ સંબંધનું મૃત્યુ આપણામાંથી કેટલા સ્વીકારી શકે છે? મરેલા સંબંધને બાળવા-દાટવા કેટલા આગળ વધી શકે છે? પાશ્ચત્ય સંસ્કૃતિની વાત અલગ છે, પણ આપણે ત્યાં તો સ્ત્રી-પુરુષ વચ્ચેના સંબંધને વરસોનો નહીં, જન્મોજનમનો ગણવામાં આવે છે. એ વાત અલગ છે કે અનંતકાલીન સંબંધની પૂર્વધારણાને ભાગ્યે જ કોઈ પ્રમેયરૂપે સાબિત કરી શકે છે. પાશ્ચાત્ય દેશોમાં પણ છૂટાછેડાની માત્રા ભલે વધુ હોય, સંબંધોને ટકાવવાની મથામણ અને થાકી ન જવાય ત્યાં સુધી વેંઢાર્યે રાખવાની કસરત તો આપણા જેવી જ છે. એ વિના આવી કવિતા શક્ય બને ખરી? કોશિશ ન કરીએ તો દરેક સંબંધ ધીમેધીમે કરમાવા જ માંડે છે. ખાતર-પાણી-માવજતની કોશિશ કરતાં રહીએ તો મનભેદ-મતભેદની ઉધઈ સંબંધના છોડને જરા ઓછું નુકશાન કરે એ સાચું પણ બધા જ છોડને બધી જ વાર બચાવી શકાતું નથી. મરી ગયેલા સંબંધની લાશ ખભે વેંઢારીને આપણામાંના મોટાભાગના રાજા વિક્રમની જેમ આજીવન એકની એક સફરના આંટા માર્યે રાખીએ છીએ. બહુ ઓછા હશે જે આ નાયકની જેમ મરેલા સંબંધની લાશ ખભેથી ઉતારી એને દફનાવવાની હિંમત કરતા હશે.

છૂટાં પડતાં પહેલાં ચુંબન કરી લીધું, આલિંગી પણ લીધું. આત્મીય ઔપચારિકતાઓ ખતમ થઈ. પોતે ખુશ છે એનો પુનરોચ્ચાર કરી નિશ્ચિત થવા માટે ખાતરી પણ આપી દીધી. હવે? હવે વારો સામાજીક ઔપચારિકતાનો. હસ્તધૂનન કરી લઈએ છેલવેલ્લીવાર. સાથે રહેવાના અને એકમેકને ખુશ રાખવા માટે જે કોઈ સોગંદ સાથે મળીને લીધા હતા, એ તમામને રદકરાર આપી દઈએ. ન કરે નારાયણ, ને ક્યાંક મળવાનું બને, એકબીજાની સામે આવી ઊભા રહીએ તો બેમાંથી એકેયના ચહેરા પરથી એવું પ્રકટ થવું ન જોઈએ કે બેમાંથી એકેયના દિલમાં એ જૂના પ્રેમનો એકાદ અંશ પણ ભૂલેચૂકેય હજી બચી ગયો છે. બેમાંથી એકેયના ચહેરા પરની કરચલીઓમાં ભૂતકાળનો પ્રેમ નજરે પણ ન ચડવો જોઈએ એવી સમજૂતિ સાથે છૂટા પડવાનું છે. ‘મેરી પ્યારી બિન્દુ’ ફિલ્મના એક ગીતમાં આવી જ વાત બહુ સહજતાથી કહેવામાં આવી છે: ‘रास्ते में जो मिलो, तो दूर से ही तुम मुस्काना; लेकिन मुस्कान हो ऐसी, कि जिसमें इकरार नहीं|’ વર્ષોના સંબંધનો આ તે કેવો અંત? એક કવિતામાં ડ્રેઇટન આવી જ લાગણી આલેખે છે: ‘મને કહો કે દુનિયાની શરૂઆત થઈ તે ઘડીથી આજ લગ/આવા અદભુત ઉદયનો આવો કલુષિત અસ્ત કદી થયો હોય તો.’

આઇસીસીયુમાં જવાનું થયું હોય એવા લોકો આ ચિત્રથી પરિચિત જ હોવાના. હાર્ટએટેકના કારણે બ્લડપ્રેસર ઘટી જાય. બ્લડપ્રેસર ઘટે એટલે કિડની કામ કરતી બંધ થાય. કિડની નબળી પડે એટલે લિવર ખોટકાય અને શરીરમાંથી બગાડ નીકળતો બંધ થાય એટલે ફેફસાં જવાબ દઈ દે, વેન્ટિલેટરની જરૂર પડે અને મગજ પણ આ અવયવોને સાથ આપવામાં પાછી પાની કરતું નથી, એ પણ અસ્તાચળે પ્રયાણ આદરે છે. બરાબર, આવું જ ચિત્ર કવિ સજીવારોપણ અલંકાર વડે રજૂ કરે છે. પ્રેમ હવે આઇસીસીયુમાં છેલ્લા શ્વાસ ભરી રહ્યો છે. એની નાડ ધીમી પડી રહી છે. પાસે જ જે આવેશથી બંને એકમેકમાં ઓગળી જઈ એક થઈ જતાં હતાં, એ આવેશ વાચાહીન થઈ પડ્યો છે. પ્રેમની મૃત્યુશૈયાની બાજુમાંજ શ્રદ્ધા પણ હાર સ્વીકારી ઘૂંટણિયા ટેકવી બેઠી છે. જીવનમાં જે કંઈ નિર્દોષતા હતી, એ પણ ધીમે ધીમે એની આંખ બીડી રહી છે. ટૂંકમાં, પ્રેમ એની સાથે જે-જે મિત્રોને લઈને આ બેના જીવનમાં આવ્યો હતો એ તમામ મિત્રોને લઈને મરણ પામવાની તૈયારીમાં છે. પ્રેમ વિના કશું જ ટકી શકતું નથી. પ્રેમ સંબંધના શરીરનું હૃદય છે. એ બધી જ લાગણીઓને ટકાવી રાખે છે. ડ્રેઇટને જ એક કવિતામાં લખ્યું છે:

મારું હૃદય એરણ છે જ્યાં મારા વિચારો ધબકે છે,
મારા શબ્દો હથોડા છે, મારી ઇચ્છાઓને આકારતા,
મારી છાતી ભઠ્ઠી છે, બધી જ ગરમીઓને સમાવતી,
પ્રેમ ઈંધણ છે જે આગ સળગતી રાખે છે.

આખી કવિતા ઘેરા રંગની છે. વિષાદ શબ્દે-શબ્દે છલકાય છે. પણ એ છતાંય કવિ પંક્તિએ-પંક્તિએ કાળાભમ્મર વાદળની કોરેથી પ્રગટવા આતુર સોનેરી પ્રકાશ ચિતરવો ચૂક્યા નથી. છૂટા પડવું છે પણ લડી-ઝઘડીને નહીં, ચુંબન-હસ્તધૂનન કરીને. છૂટા પડવું છે પણ પોતે દુઃખી નથી એની ખાતરી એક-એક કરતાં બે વાર પોતે ખુશ છે, એમ કહીને આપવી પડે છે. કેમ વારુ? જો બધું ખતમ જ થઈ ચૂક્યું છે અને હવે કોઈ મદદ શક્ય જ નથી, તો સામાને પોતાની ખુશીની ખાતરી આપવાની દરકાર કેમ? સૌ શપથ રદ કરવાનાં, કેમકે એ રદ ન કર્યાં હોય તો બેઉના દિલે બોજ વર્તાયે રાખે અને આકસ્મિક ક્યાંક મળી જવાય તો બેમાંથી એકેના ચહેરા પરથી પ્રેમનો અંશમાત્ર પણ છતો ન થઈ જાય એની કાળજી રાખવાની ચીમકી. મતલબ, પ્રેમ ભલે મરવા પડ્યો હોવાનું એલાન કરવામાં આવે, દિલના ઊંડા ખૂણે એ છે જ એની પ્રતીતિ ઉભયપક્ષે છે જ. અને આખરી બે પંક્તિઓ તો આ સૉનેટના આભ આખાને સોનેરી ઉજાસથી અભરે ભરી દે છે. કવિની આ જ માનસિકતા અન્યત્ર પણ પ્રગટી છે: ‘જ્યારે હું પહેલીવાર સમાપ્ત થયો, ત્યારે મેં પહેલી શરૂઆત કરી,/જ્યાં મેં મહત્તમ ગુમાવ્યું, ત્યાં જ મેં મહત્તમ ચાહ્યું.’ અને કવિ સામા પાત્ર પાસે પણ આ જ રીતે નકારમાં હકારની અપેક્ષા સેવનાર છે: ‘હું હવે તને સાબિત કરી દઉં છું, કે તારો પ્રેમ અને નફરત આ જ છે,/તું નફરતમાં પ્રેમ કરે છે, અને નફરત થકી મને તને પ્રેમ કરાવડાવે છે.’

અહીંયા સુધીની ઘટના વધતે-ઓછે અંશે આપણે સહુએ જીવનમાં ક્યાંક ને ક્યાંક અનુભવી છે. પણ ખરી કવિતા અને સૉનેટની ચોટ છે આખરી બે કડીઓમાં. બંને જણે પ્રેમના નામનું નાહી નાખ્યું છે એમ કહેતાંમાં તો નાયક વિહ્વળ બની જાય છે. છોડી દઈએ, તોડી દઈએ કરવું અલગ વાત છે અને વાસ્તવિક્તાના દોરાહા પર આવી ઊભવાની ખાતરીનો સામનો કરવો અલગ વાત છે. મરણપથારીએ પડેલ પ્રેમ, વાચાહીન પડેલો આવેગ, લુપ્તગત શ્રદ્ધા, અને હાથતાળી દઈ ગયેલી નિર્દોષતા- આ બધું જ અચાનક જ વેન્ટિલેટરનો સાથ મળી ગયો હોય એમ આંખ ખોલે છે. કાવ્યારંભે અડીખમ નાયક કાવ્યાંતે આકસ્મિક ઘૂંટણિયા ટેકવી બેસે છે. એ નાયિકાને કહે છે, કે બધું બરાબર પણ જો તું ધારે તો આ પ્રેમને હજીયે મોતના મુખેથી ઉગારીને પરત જીવન તરફ લાવી શકે છે. તું જો એક નજર આ તરફ કરે.. એક સ્મિત મારા તરફ ફેંકે… એક હાથ લંબાવે… તો પુનરપિ આ પ્રેમ જીવિત થઈ ઊઠે… એક કવિતામાં ડ્રેઇટન કહે છે: ‘મારી માલકિન મારી બિમારી પર કાર્યરત છે,/દર કલાકે મને સાજો કરીને અને મારી નાખીને,/ફક્ત તેના સૌંદર્યની સર્વોપરી શક્તિ બતાવવા માટે.’

ना ना करते प्यार કરવાની અનોખી અદાએ આ સૉનેટને અમરત્વ બક્ષ્યું છે. ઇનકારના હૃદયમાં ભંડારાયેલ ઇકરારની શોધ અને સ્વીકાર આ કાવ્યનો પ્રાણ છે. સમ્-બંધ બે જણના સમાન બંધાવાની વાત છે. એક જણ કાચું પડે તો બીજું સાચવી લે, ને બીજું ક્યાંક અટકે, તો પહેલું મદદે આવે એ જ સંબંધની ખરી વિભાવના છે. આ સમજણ જ સગપણનો પ્રાણ છે. કવિ અહીં આ સમજણનો જ સહારો લે છે. હતોત્સાહી હતાશ નાયક આશા માટે નાયિકા તરફ નજર કરે છે. આ આશા જ પ્રેમ છે… આ પ્રેમ જ જિંદગી છે… સંબંધ તૂટી જવા પર છે કારણ કે એમાં પ્રયત્નનો અભાવ છે. પણ પ્રયત્ન કરો તો ફરી એ બેઠો અવશ્ય થઈ શકે. પ્રયત્ન મોટી વાત છે. કોશિશ અદભૂત બળ છે. સંબંધ નથી કારણ કે કોશિશ નથી. કોશિશ કરો તો મરેલો સંબંધ પણ ઊભો થઈ શકે. બાકી તો,

છે સંબંધ કાંઠાની માટી સમા સહુ,
ઊડે ભેજ થોડો, બની જાય રેતી….

ગ્લૉબલ કવિતા : ૧૩૪ : કવિતા કેવી રીતે ખાવી – ઇવ મેરિઅમ

How to eat a poem

Don’t be polite.
Bite in.
Pick it up with your fingers and lick the juice that
may run down your chin.
It is ready and ripe now, whenever you are.

You do not need a knife or fork or spoon
or plate or napkin or tablecloth.

For there is no core
or stem
or rind
or pit
or seed
or skin
to throw away.

– Eve Merriam

કવિતા કેવી રીતે ખાવી

વિનમ્ર ન બનશો.
કરડી ખાવ.
ઊંચકી લો એને તમારી આંગળીઓ વડે અને ચાટી લો રસ
જે કદાચ તમારી દાઢી પરથી દડી પડે.
એ હવે તૈયાર છે અને પાકટ છે, જ્યારે પણ તમે હોવ.

તમારે જરૂર નથી પડવાની છરી અથવા કાંટો અથવા ચમચી
અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથની.

કારણ કે ત્યાં કોઈ ગર્ભ નથી
અથવા દાંડી
અથવા છાલ
અથવા ઠળિયો
અથવા બિયાં
અથવા ત્વચા
ફેંકી દેવા માટે.

– ઇવ મેરિઅમ
(અનુ. વિવેક મનહર ટેલર)


કવિતા ‘ખાવા’ની કળા…

કવિતા. શું છે કવિતા? ક્યાંથી આવે છે અને ક્યાં જાય છે? કવિતા કેવી રીતે લખાય? કવિતા વાંચવી કઈ રીતે? –આ બધા પ્રશ્નો કવિતાઓ લખાવી શરૂ થઈ ત્યારથી એકસમાન રીતે કવિઓ અને ભાવકો-બંનેને મૂંઝવતા આવ્યા છે. વિશ્વની તમામ કળાઓમાં કવિતાને શિરમોર ગણવામાં આવી છે. કવિતા કોઈપણ વિશ્વસંસ્કૃતિના સિરનો તાજ છે. કવિતા સમજવી બધાને સહેલ નથી. કવિતામાં રસ પડવો બધાને સુલભ નથી. ને કદાચ એટલે જ, કવિતા બધાનો ‘કપ ઑફ ટી’ નથી. પણ જે લોકો એનો સ્વાદ લઈ શકે છે, એ લોકો માટે કવિતાથી મોટું કોઈ સુખ નથી. કલાપી કહી ગયા હતા:

કલા છે ભોજ્ય મીઠી તે ભોક્તા વિણ કલા નહીં
કલાવાન કલા સાથે ભોક્તા વિણ મળે નહીં.

ભોગવનાર ન હોય તો કળાનો કોઈ અર્થ સરતો નથી ને યોગ્ય ભોગવનાર મળે તો કળાથી મીઠું બીજું શું હોઈ શકે? કળાની આવી મીઠાશ મનભર કઈ રીતે માણવી એની વાત લઈને ઇવ મેરિઅમની આ કવિતા આપણી વચ્ચે ઉપસ્થિત છે.

ઇવ મેરિઅમ. ૧૯-૦૭-૧૯૧૬ના રોજ ફિલાડેલ્ફિયા, પેન્સિલ્વેનિયા ખાતે મેક્સ મોસ્કોવિટ્ઝ અને જેની સિગેલના ઘરે જન્મ. મા-બાપ બંને રશિયાથી અમેરિકા આવીને સ્થાયી થયા હતા. પિતા કપડાંની દુકાનોની શૃંખલા ધરાવતા હોવાથી ફેશનનો હાથ ઝાલીને તેઓ મોટાં થયાં. બાળપણથી કવિતાનું સંગીત એ રીતે આકર્ષતું કે એમને લાગતું કવિ બનવું એ બીજું કંઈ નહીં, પણ એમની પોતાની આંતરિક જરૂરિયાત હતી. કવિતાના પ્રાસ કે શબ્દોની રમત કાને પડતી એ એમને એડ્રિનાલિનનું ઇન્જેક્શન કે પ્રાણવાયુ મળવા બરાબર લાગતું. સાત વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી હાઇ સ્કૂલમાં તો પ્રકાશિત કરવી શરૂ કરી દીધી. આર્ટ્સમાં સ્નાતક. શરૂમાં કોપીરાઇટર અને ફેશન સામયિકોના માનદ તંત્રી તરીકે કામ કર્યું. રેડિયૉ માટે પણ લખ્યું. પ્રાધ્યાપિકા તરીકે પણ સેવા બજાવી. મૂળ નામ ‘એવા મોસ્કોવિટ્ઝ’ પણ જ્યારે એમનું પુસ્તક કોઈ છાપતું નહોતું ત્યારે પોતાની યહૂદી અટક અંતરાય બનતી હોવાની એક પ્રોફેસરની સલાહ માનીને ટેબલ પર પડેલી મેરિઅમ-વેબ્સ્ટર ડિક્શનરીમાંથી મેરિઅમ લઈને ઇવ મેરિઅમ નામ અપનાવ્યું. ૩૦ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ. બાળકાવ્યોના તો જાદુગર જાણે. એમના બાળકાવ્યો અમેરિકામાં પેઢી-દર પેઢી ભણાવવામાં આવી રહ્યાં છે. ૬૦થી વધુ પુસ્તકો લખ્યાં. વારાફરતી ચાર લગ્ન કર્યાં: એર્વિન સ્પિટ્ઝર (૧૯૩૯), માર્ટિન માઇકલ (૧૯૪૭), લિઓનાર્ડ લેવિન (૧૯૬૩) અને છેલ્લે વાલ્ડો સૉલ્ટ (૧૯૮૩). પ્રવાસ અને સમુદ્રના આકંઠ ચાહક પણ જીવનના કેન્દ્રસ્થાને ન્યૂયૉર્ક જ રહ્યું. એ કહેતાં કે ‘હું મેનહટ્ટનની અંતિમ જીવંત નિવાસી હોવાની આશા રાખું છું જ્યારે અન્યો સૌ પરાં કે ઉપનગરો માટે છોડી ગયાં હોય.’ ૧૧-૦૪-૧૯૯૨ના રોજ ૭૫ વર્ષની વયે મેનહટ્ટન, ન્યૂયૉર્ક ખાતે યકૃતના કેન્સરના કારણે નિધન. મૃત્યુ નજીક હોવાની ખાતરી થયા બાદ લખાયેલ મૃત્યુ-વિષયક કાવ્યો ‘એમ્બ્રાસિંગ ધ ડાર્ક: ન્યૂ પૉએમ્સ’ નામે મરણોત્તર પ્રકાશિત થયાં.

વિપુલ માત્રામાં ઉત્તમ બાળસાહિત્યનું સર્જન કર્યું હોવા છતાં અને સફળ નાટ્યકાર હોવા છતાંય ઇવ પ્રમુખતઃ કવયિત્રી જ હતાં. એ કહેતાં: ‘તમે કવિતાઓ લખો છો કેમકે એ તમારી અનિવાર્યતા છે… કેમકે તમે એમને લખ્યા વિના તમારું જીવન નહીં જીવી શકો.’ તેઓ ઉમદા જીવનકથાકાર પણ હતાં. નારીવાદી ચળવળો શરૂ થઈ એના ઘણાં વર્ષો પહેલાંથી ઇવના લખાણો, કટાક્ષોમાંથી એ વિશેનો બુલંદ અવાજ ઊઠવો શરૂ થયો હતો. પુરુષ-સ્ત્રી વચ્ચેની સામાજિક અસમાનતા સામેનો એમનો અભિગમ બહુ મજબૂત અને સટીક હતો. એમનો ક્રમિક રાજકીય દૃષ્ટિકોણ એમની કવિતાઓ અને નાટકોમાં શહેરી જીવન અને સામાજિક ન્યાયના સંદર્ભમાં સતત છતો થતો દેખાય છે. મેરિઅમની કવિતાઓ એક તરફ તમામ ઇન્દ્રિયો માટે ઉદ્દીપક અને સંતર્પકનું કામ કરે છે, તો બીજી તરફ આપણી મેધાને પણ પોષે-તોષે છે. મેરિઅમે પાનાં પર શબ્દોની ગોઠવણ બાબતમાં પણ કામ કર્યું હતું, અને એ રીતે દૃશ્યેન્દ્રિયને પોતાની કવિતામાં પૂરેપૂરી કામમાં લીધી હતી. પારંપારિક તુકબંદી ઉપરાંત રવાનુકરણ (onomatopoeia), અંતર્પ્રાસ, વર્ણસગાઈ, અનુનાદ (assonance), રુપક વગેરે તમામ કાવ્ય પ્રયુક્તિઓનો બહોળો પ્રયોગ એમની ખાસિયત ગણાય છે. કવિતાની ભાષા અને ભાષામાંનો અવાજ એ એમનો પ્રથમ પ્રેમ હતો, તો સામાજિક ન્યાય બીજો પ્રેમ હતો. સમાજની આકરી ટીકા કરતું ‘ઇનર સિટી મધર ગૂઝ’ પુસ્તક અમેરિકામાં સૌથી વધુ પ્રતિબંધિત થયેલ પુસ્તક હતું. આ પુસ્તકમાંની સૌથી ટૂંકી કવિતા આ હતી: ‘એક કુટિલ માણસ હતો,/ અને એ ખૂબ સારી રીતે જીવ્યો.’ આ પુસ્તક પરથી બનાવાયેલ સંગીત-નાટિકાએ બ્રૉડવે પર તહલકો મચાવ્યો હતો. ‘ધ વે વી વર’ ફિલ્મનું ‘કેટી મોરોસ્કી’ નામનું પાત્ર એમના જીવન પર આધારિત હતું.

‘કવિતા કેવી રીતે ખાવી’ નાની અમથી રચના છે. ૧૯૬૪માં બાળકો માટે લખાયેલ એમના ‘ઇટ ડઝન્ટ ઑલ્વેઝ હેવ ટુ રાઇમ’ પુસ્તકમાં આ કવિતા પ્રગટ થઈ હતી. બાળકો માટે લખવામાં આવેલ હોવા છતાં મેરિઅમના મોટાભાગના પુસ્તકો મોટેરાંઓને પણ સમાનભાવે અપીલ કરે છે. મેરિઅમ પોતે પણ આ હકીકતથી માહિતગાર હતાં. કદાચ એ રીતે કે તેઓ જાણતાં હતાં કે માણસ ગમે તેટલો મોટો કેમ ન થાય, એની અંદરનું બાળક કદી અવસાન પામતું નથી. સામાન્યરીતે પ્રાસને કવિતાનું બહુ અગત્યનું અંગ માનતાં મેરિઅમે ૬૦ના દાયકામાં કવિતા વિષયક કવિતાઓની પુસ્તકત્રયી પ્રગટ કરી હતી, જેમાં ઉપરોક્ત પુસ્તક ઉપરાંત ‘ધેર ઇઝ નો રાઇમ ફોર સિલ્વર’ અને ‘કેચ અ લિટલ રાઇમ’નો સમાવેશ થાય છે. સ્વભાવિકપણે પ્રસ્તુત રચના છંદ અને પ્રાસથી પર અછાંદસ કાવ્ય છે, જેને મરિઅમે ૫-૨-૭ પંક્તિઓના ત્રણ ભાગમાં વહેંચી નાંખ્યું છે. પહેલો ભાગ કવિતા કેવી રીતે ‘ખાવી’ એ સમજાવે છે, બીજો ભાગ કયા-કયા ઉપકરણોની જરૂર નથી એ કહે છે અને ત્રીજો ભાગ એ માટેનાં કારણો આપે છે.

હવા, પાણી અને ખોરાક જીવમાત્રની પ્રાથમિક જરૂરિયાત છે. આજે ભલે મનુષ્ય સર્વભક્ષી બન્યો છે પણ લાખો વર્ષ સુધી મનુષ્ય મુખ્યત્વે માંસભક્ષી જ હતો. દસેક હજાર વર્ષ પૂર્વે નૂતન પાષાણયુગમાં માણસ જંગલી ફળો-શાકભાજી અને અનાજ-કઠોળ ખાતો થયો. એ જમાનામાં મનુષ્યની શારીરિક સક્રિયતા એટલી બધી હતી કે એનો ખોરાક પણ આજે આપણી આંખ ચાર થઈ જાય એટલો અધધધ હતો. ખેતીની શોધ સાથે માણસ ઠરીને ઠામ થયો અને સભ્યતાઓ આકાર લેવા માંડી. જ્યારે માણસ ઠરીઠામ નહોતો થયો ત્યારે સ્થળાંતર કરતા પશુઓ સાથે એનું પણ સ્થળાંતર થતું રહેતું અને પ્રકૃતિ અને મનુસઃય વચ્ચેનું સમતુલન તંતોતંત જળવાઈ રહેતું પણ જેવો મનુષ્ય સ્થાયી થયો કે એનો ખોરાક અને ખોરાક માટેના વિકલ્પો-બંને મર્યાદિત બન્યા જેના કારણે આયુષ્ય ઘટતું ગયું, અને કુદરતી પરિબળો પર અવલંબન વધતું ગયું. બાઇબલમાં પણ સાત વર્ષના દુકાળનો ઉલ્લેખ જોવા મળે છે. સમય-સમયે અને સ્થળે-સ્થળે મનુષ્યોની ખાણીપીણીની પદ્ધતિઓમાં ફરક અને ફેરફાર થયેલાં જોવા મળે છે. ધીમેધીમે મનુષ્ય સીધાં બચકાં ભરીને ખાવા બદલે હાથથી નાના ટુકડાઓ કરીને ખાતો થયો. પછી છરી-કાંટા અસ્તિત્વમાં આવ્યા. ખાવાની વાતની આટલી પારાયણ એટલા માટે કે આપણે કવિતા કેવી રીતે ખાવી જોઈએ એ વાત કરવી છે.

શીર્ષક આપણને ચોંકાવે છે. કવિતા વાંચવાની-સાંભળવાની-માણવાની વસ્તુ છે એવું સાંભળી-સાંભળીને આપણાં મનાંકનો દૃઢ થયાં છે. કવિતા હાથમાં લઈએ એ પહેલાં જ મેરિઅમ સવાલ કરે છે: કવિતા કેવી રીતે ખાવી. કવિતા ખાવાની વાત જ આપણી આંખો ચાર કરી દે છે. આપણે તૈયાર થઈ જઈએ છીએ કે નક્કી આજ સુધી કદી જોયું-જાણ્યું નહીં હોય એવી જ કોઈ વસ્તુ સાથે અહીં આપણો પનારો પડશે. આ શીર્ષક વાંચી લીધા પછી કવિતા વાંચવાનું ટાળી શકે એવો હિંમતવાન તો કોઈ વિરલો જ હોવાનો. શીર્ષક વડે કવયિત્રી ભાવકને જડબેસલાક જકડી રાખે એવો હૂક મારી આપવામાં સફળ રહ્યાં છે. આખી કવિતામાં કુલ છ પૂર્ણવિરામ અને એક અલ્પવિરામચિહ્ન વપરાયાં છે, પણ શીર્ષકમાં પ્રશ્ન હોવા છતાં મેરિઅમ પ્રશ્નાર્થચિહ્ન પ્રયોજતાં નથી, એ સૂચક છે. પ્રશ્ન પછી ચિહ્ન મૂકીને એ ભાવકને અટકવા દેવા માંગતાં નથી. પ્રશ્ન પૂરો થાય એ પહેલાં એ ચિહ્ન ગોપિત રાખીને સીધું જવાબ સાથે જ ભાવકનું અનુસંધાન સાધી આપે છે. નાનપણથી આપણને શીખવવામાં આવ્યું છે કે ખાવા બેસીએ ત્યારે ડાહ્યા થઈને બેસવું. નીચે બેસીએ તો પલાંઠી વાળીને અને ટેબલ પર બેસીએ તો ખોળામાં નેપકિન પાથરીને. ખાતાં પહેલાં પ્રાર્થના કરવાની અને કોઈ મહેમાન આવ્યું હોય તો એ ખાવાની શરૂઆત કરે ત્યાં સુધી બાકીનાઓએ રાહ જોવાની. ઉતાવળ તો જરાયે ન કરવાની. નાના કોળિયાં લેવાનાં અને ધીમે ધીમે ચાવી-ચાવીને ખાવાનું. હાથ ન વાપરવા. છરી-કાંટા વાપરવા. સબડકાં ન ભરવા. બચ-બચ કરવું નહીં. આંગળાં ચાટવાં નહીં. સીધું વાસણ મોઢે માંડવું નહીં. અને આ બધા શિષ્ટાચાર પરથી તમારું શિક્ષણ અને સભ્યતા નક્કી કરવામાં આવે છે. જે કામ સજીવમાત્ર કુદરતી સ્વયંસ્ફુરણાથી કરતો આવ્યો હતો, એ શીખવાડવા માટે આજે પૈસા લઈને ચાલતા વર્ગો પણ અમલમાં આવ્યા છે.

પણ મેરિઅમ બધા જ શિષ્ટાચાર નેવે મૂકીને સીધી વાત કરે છે. કવિતા ખાવા માટે એનો પહેલો અને ટૂંકોટચ આદેશ છે કે વિનમ્ર ન બનશો. કરડી ખાવ. આક્રમણ. તૂટી પડો. રાહ ન જોશો. ગળથૂથીથી જે આચારસંહિતા શીખીને આપણે મોટાં થયાં છીએ, કવિતા ‘ખાવા’ સૌથી પહેલાં એનો જ ત્યાગ કરવાનો છે. કવિતાની પાસે જવાની આ પહેલી શરત છે. કોઈપણ જાતના પૂર્વનિર્મિત માપદંડ લઈને જો તમે કવિતાની પાસે જવાની કોશિશ કરશો તો કાવ્યતત્ત્વ કદી હાથ નહીં આવે. કવિત્ એ છટકણો પદાર્થ છે. પ્રારબ્ધની જેમ જ એ ‘રહે છે દૂર માંગે તો, ન માંગ્યે દોડતું આવે’ છે. (બાલાશંકર કંથારીયા) કવિતાની પાસે જવું હોય તો સૌથી પહેલાં તમારે કોરો કાગળ બનવું અનિવાર્ય છે. લીટા પડેલા કાગળ પર લખી નહીં શકાય. આકાર વગરની માટીનો લોંદો લઈને ચાકડે મૂકશો તો જ એમાંથી વાસણ બની શકશે. કેટલી મોટી વાત છે! પણ કવયિત્રી કેવી બાળસુલભતાથી સમજાવી શક્યાં છે!

કોઈ પણ સાધનસામગ્રીની રાહ જોયા વિના કવિતાને સીધી આંગળીઓથી જ ઊંચકી લેવાની છે અને કરડી જ ખાવાની છે. સ્વાદ પામવો હોય તો એમાં સીધા દાંત જ બેસાડવા પડશે, ને આમ કરતાં જે રસ કદાચ તમારી હડપચી પરથી દડીને નીચે ઊતરે છે, એને પણ જતો નથી કરવાનો, તરત જ ચાટી લેવાનો છે. અહીં ‘કદાચ’ શબ્દ પણ ધ્યાન માંગી લે છે. પૂર્ણ જંગલિયત સાથે જ્યારે તમે કવિતાના ફળને કરડી ખાવ છો ત્યારે રસ ભાગ્યે જ છટકી શકશે. એ સંપૂર્ણતઃ તમારા મોંમાં આવશે. પણ ન કરે નારાયણ ને રસ છટકે અને દાઢીથી નીચે ઊતરે તો લગરિક શરમાયા-ખંચકાયા વિના એને પણ ચાટી જ લેવાનો છે. એક બુંદ પણ છટકવા દેવાનું નથી. કવિતા ‘ખાવી’ હોય તો આ સૂચનાનું પાલન કર્યા વિના છૂટકો નથી. માર્ક સ્ટ્રાન્ડ નામના કવિ ‘ઇટિંગ પોએટ્રી’માં લખે છે: ‘શાહી મારા મોઢાના ખૂણાઓથી દડે છે./મારા જેવી ખુશી બીજે ક્યાંય નથી./હું કવિતા ખાઈ રહ્યો છું.’

બીજા તમામ ફળ પાકે અને ખાવા માટે તૈયાર થાય એ માટે તમારે રાહ જોવાની હોય છે પણ કવિતાનું આ ફળ એવું છે, જે તમે જે ઘડીએ તૈયાર અને પરિપક્વ હો એ ઘડીએ જ એ પણ તૈયાર અને પાકી ગયેલું હશે. કવિતાનું આ ફળ તમારી તૈયારી મુજબ પાકે છે. છરી અથવા કાંટા અથવા ચમચી અથવા પ્લેટ અથવા નેપકીન અથવા ટેબલક્લોથ – તમારે કશાની જરૂર પડવાની નથી. તમારી અને કવિતાની વચ્ચે કોઈપણ સાધન આણવાની જરૂર નથી. કવિતા સાધ્ય છે ને તમે પોતે જ સાધન છો. કોઈપણ બાહ્ય ઉપકરણ કવિતાનો સ્વાદ માણવા માટે ઉપકારક નહીં નીવડે. એકમાત્ર સાધન જો કોઈ હોય તો તે તમે, અને માત્ર તમે જ છો. કવિતા ખાવા માટેના તમામ ઉપકરણો – શબ્દાર્થ, વિવેચન, આસ્વાદ બધું જ અર્થહીન છે. આર્કિબાલ્ડ મેકલેઇશે કહ્યું હતું કે ‘કવિતાનો અર્થ જરૂરી નથી, પણ (કવિતા) હોવી જોઈએ.’ ઇલિયટે પણ કહ્યું હતું કે ‘વિશુદ્ધ કવિતા સમજાય એ પહેલાં જ પ્રત્યાયન કરી શકે છે.’ આમ, કવિતા મૂળે અનુભૂતિનો પદાર્થ છે. અર્થ ન પણ સમજાય તો પણ કવિતા ભાવકના મનમાં સ્પંદન સર્જી શકે છે. આ સ્પંદનો જ કવિતાનો મૂળ અર્થ અને હેતુ હોઈ શકે.

ભલે શબ્દો હો જાણીતા, ભલે હો અર્થથી અવગત,
કવિતા તે છતાં પણ જ્ઞાનથી સમજાય તો સમજાય

ઘણા ચિત્રો આપણે કલાકો મથીએ પણ સમજી શકાતા નથી. આપણને એ વાહિયાત લાગે છે. પણ આ ચિત્રો જોતી વખતે આપણી ભીતર જે વિચારવમળ જન્મે છે, જે અરાજકતા અનુભવાય છે એ જ એનો સાચો અર્થ છે. કોઈ જ્ઞાની માણસ આવે અને ચિત્ર કે કવિતાના મહીન પહલૂઓ તરફ આપણું ધ્યાન દોરે ત્યારે આપણી અનુભૂતિનો ગુણાકાર થાય છે. એ વિશેષ મજા છે પણ નાસમજીમાં અનુભવેલ રોમાંચ પણ એટલો જ સાચો છે. મેરિઅમના એક સંગ્રહનું નામ જ ‘આઉટ લાઉડ’ છે. આ બે શબ્દોમાં જ મેરિઅમની કવિતાની આખી ફિલસૂફી છતી થાય છે. કવિતા મનમાં વાંચવાની વસ્તુ છે જ નહીં. મોટેથી વાંચો. ફરી-ફરીને વાંચો. મોટેથી વાંચ્યા વિના અને એ રીતે સાંભળ્યા વિના કવિતાના પ્રેમમાં પડવું શક્ય જ નથી એમ તેઓ માનતાં. કવિતાનું સંગીત આત્માને સ્પર્શવું શરૂ થાય એ પછી જ સાચી કવિતા સમજાવી શરૂ થાય છે. મેરિઅમ કહેતાં: ‘કંઈ પણ કરો, પણ કવિતા વાંચવાના કારણો શોધી કાઢો. એને ખાવ, એને પીઓ, એનો આસ્વાદ લો, અને એને વહેંચો.’

કવિતા ખાવા માટે કોઈ પણ ઉપકરણની જરૂર નથી કારણ કે આ એવું ફળ છે જેમાં કાપીને કાઢવો પડે એવો સફરજન જેવો કોઈ ગર્ભ નથી, લીચી કે બેરી જેવી કોઈ દાંડી નથી, કેળાં, સંતરાં કે અનેનાસ જેવી કોઈ છાલ નથી, ચીકુ, બોર કે જાંબુ જેવા કોઈ ઠળિયાં નથી, સફરજન કે તડબૂચ જેવાં કોઈ બિયાં નથી, અને સંતરા-મોસંબીની જેમ બહારની છાલ કાઢ્યા પછી ચીરીઓ ઉપરની કોઈ ત્વચા નથી, જેને તમારે કાઢી ફેંકવાનું હોય. આ એવું ફળ છે, જેનો કોઈ જ ભાગ તમારે જતો કરવાનો છે જ નહીં. આખેઆખા ફળનો આકંઠ આસ્વાદ લેવાનો છે. તમારી અને આ ફળની વચ્ચે બીજું કશુંય આવવું ન જોઈએ. તમારે બસ, તૂટી પડવાનું છે.

બાળકો માટે લખાયેલી આ કવિતા સહુને સમાન અંશે સ્પર્શે છે. જમવા માટેના તમામ શિષ્ટાચારને સંપૂર્ણતયા તિલાંજલી આપીને જ કવિતાની વાનગી હાથમાં લેવાની છે. કવિતાનો દેખીતો સૂર રમૂજનો છે, હળવાશનો છે પણ વાત મુદ્દાની છે, પાયાની છે. કવયિત્રીનો હેતુ પૂર્ણપણે ગંભીર છે. ચાવીરૂપ સંદેશો એ ભરપૂર આવેશ અને ઊર્જા સાથે આપણા સુધી પહોંચાડે છે: કવિતા કંઈ વિનમ્ર, વિશુદ્ધ અને પૂર્ણપણે સભ્ય વસ્તુ નથી. એ પૂરી અવ્યવસ્થિત છે, માનવીય છે અને દરેક માટે મોકળો અભિગમ ધરાવે છે. એ ડાઇનિંગ ટેબલ પર બેસીને છરી-કાંટા લઈને ખાવાની વસ્તુ નથી, એના પર તો જંગલીની જેમ તૂટી જ પડવાનું હોય અને ખબરદાર જો, એક અંશ પણ વેડફ્યો છે તો…

અને કવિતા ‘ખાતાં’ શીખી લીધા પછી ચાલો, એમની જ એક કવિતા ‘’ધ એસ્કેઇપ’ એમણે જે રીતે સલાહ આપી છે, એ રીતે જ ખાઈએ:

અચાનક સબવેમાં
ન્યુઝસ્ટેન્ડ પરથી છાપું ખરીદવાનો સમય રહ્યો નહોતો,
અને પસાર થતી ટ્રેનો પરની બધી જાહેરાતો
(ઇનોના જોડકણાં વાળી સુદ્ધાં) વાંચી લીધા બાદ,
હું મારા અમર આત્મા સાથે રૂબરૂ થઈ ગયો,
અને મારે ઉતરવાનું બીજા ત્રણ સ્ટેશનો પછી આવવાનું હોવાથી
હું ચિંતામાં પડ્યો,
જ્યાં સુધી મેં એક છોકરાને અલગ-અલગ ટ્રેનોમાં ફરીને
કબજિયાત અને ઈલાજ પરના ફરફરિયાં વહેંચતો નહીં જોયો:
એમના પર બંને બાજુઓ પર છાપકામ હતું, અને નીચે ઝીણી પ્રિન્ટ પણ,
મતલબ હવે હકીકતમાં ચિંતા કરવા જેવું કંઈ જ નહોતું, કંઈ જ નહીં.

ગ્લૉબલ કવિતા : ૧૩૨ : માન – મલિસા સ્ટડાર્ડ

Respect

Because her body is winter inside a cave
because someone built
fire there and forgot to put it out
because bedtime is a castle
she’s building inside herself
with a moat
and portcullis
and buckets full of mist
because when you let go
the reins
horses
tumble over cliffs and turn
into moths before hitting bottom
because their hooves leave streaks of midnight
in the sky
because stuffed rabbits
are better at keeping secrets
than stopping hands
because when the world got
shoved up inside her
she held it tight like a kegel ball
and wondered
at the struggle Atlas had
carrying such a tiny thing
on his back

– Melissa Studdard

માન

કેમકે એનું શરીર ગુફા ભીતરનો શિયાળો છે
કેમકે કોઈકે ત્યાં આગ સળગાવી
અને હોલવવાનું ભૂલી ગયું છે
કેમકે નિદ્રાકાળ એક કિલ્લો છે
જે તેણી પોતાની ભીતર
ખાઈ
જાળીબંધ દરવાજા
અને ધુમ્મસભરી બાલ્દીઓથી બાંધી રહી છે
કેમકે જ્યારે તમે જતી કરો છો
લગામ
ઘોડાઓ
ગબડી પડે છે કરાડ પરથી અને
તળિયે પછડાતાં પહેલાં
ફૂદાંમાં પરિવર્તિત થાય છે
કેમકે એમની ખરીઓ મધરાત્રિના લિસોટા છોડી જાય છે
આકાશમાં
કેમકે ઠાંસી ભરેલાં સસલાંઓ
રહસ્યો ગોપવી રાખવા માટે
અટકાવી રાખતા હાથ કરતાં બહેતર છે
કેમકે જ્યારે દુનિયા
એની ભીતર ઘુસાડી દેવાય છે
એ કેગલ બૉલની જેમ
એને ચુસ્ત પકડી રાખે છે
અને વિસ્મિત થાય છે
એ સંઘર્ષથી
જે એટલસે કરવો પડ્યો હતો
આવડી નાનકડી ચીજ
પીઠ પર ઊંચકવામાં

– મલિસા સ્ટડાર્ડ
(અનુ. વિવેક મનહર ટેલર)

એક યૌનપીડિતાનું तमसो मा ज्योतिर्गमय…

ઈશ્વર પોતે પુરુષ હતો એટલે સર્જનકાળે કદાચ પક્ષપાત કરવાનું ચૂક્યો નહીં. પુરુષને એણે બળ આપ્યું ને સ્ત્રીને સહનશક્તિ. સ્ત્રીને સૌંદર્ય ને પુરુષને નિતાંત લોલુપતા. પુરુષ મગજજીવી તો સ્ત્રી હૃદયજીવી. સર્જન કરવાની શક્તિ સ્ત્રીને આપી પણ બીજ માટે પુરુષ પર અવલંબિતા રાખી. ટૂંકમાં ઈશ્વરે પુરુષનો હાથ ઉપર રાખ્યો અને બુદ્ધિ-બાવડાંના જોરે પુરુષ અનાદિકાળથી સ્ત્રીઓનું યેનકેન પ્રકારે શોષણ કરતો આવ્યો છે. વાણી-વિચાર-વર્તનથી પુરુષ સ્ત્રીને જેટલું શોષે છે, એના એકાદ ટકા જેટલી જ તક સ્ત્રીને માંડ મળતી હશે. એમાંય પૈસો કે પદ હોય, તો તો સ્ત્રીનું આવી જ બન્યું. અને જેની પાસે પદ-પૈસો નથી, એ તક ઝડપીને શારીરિક નબળાઈનો દુર્લાભ ઊઠાવીને સ્ત્રીને ભોગવવાનો પાશવી આનંદ પ્રાપ્ત કરી લે છે. ‘બ્રહ્મા! ભારી ભૂલ કરી તેં સરજી નારી ઉર’ એમ બાલમુકુંદ દવે કહી ગયા, પણ સ્ત્રી હકીકતમાં ઈશ્વરે સર્જેલો સહુથી મોટો ચમત્કાર છે. જ્યાં પુરુષનું વિચારવું ખતમ થઈ જાય છે, સ્ત્રી ત્યાંથી શરૂ કરી શકે છે. જ્યાં પુરુષની સહનશક્તિનું નાકું આવી જાય છે, ત્યાંથી તો સ્ત્રીની શરૂઆત થાય છે. સમય અને સંજોગોની થપાટો સ્ત્રી જેટલી સહજતાથી ખાઈ શકે શકે છે, એ પુરુષ ભાગ્યે જ કરી શકે. સર્જનહારે પણ ધાર્યું નહીં હોય કે પુરુષની શક્તિની સામે સ્ત્રીની સહનશક્તિ વધુ બળવત્તર સિદ્ધ થશે. દેવહૂમા પક્ષીની જેમ રાખમાંથી પુનર્જીવીત થવાની હામ ધરાવતી સ્ત્રીની વાત અમેરિકન કવયિત્રી મલિસા અત્રે લઈ આવ્યાં છે.

મલિસા સ્ટડાર્ડ. ૦૫-૦૮-૧૯૬૯ના રોજ અમેરિકાના અલાબામા રાજ્યના ટસ્કલૂસા ખાતે જોન અને લોરી સ્ટડાર્ડના ઘરે જન્મ. ભૂરી મોટી બોલકી ચમકદાર આંખો, સોનેરી ઘેઘૂર વાળ, આલિંગન આપતું પહોળું સ્મિત, ઊંચી-પાતળી કાઠી અને મૂડ મુજબના વસ્ત્રપરિધાનના કારણે તાત્ક્ષણિક વશીભૂત કરતું ચુંબકીય વ્યક્તિત્વ. બાળપણથી ચર્ચ જવાના બદલે ઘરના પછવાડે બેસીને ઈશ્વર સાથે વાતચીત કરવાની આદત. બૌદ્ધધર્મમાં રસ. એક બુદ્ધ સાધુએ એમને કહ્યું હતું, ‘જ્યારે તમે તમારા મનની અંદર જ હળવા થવાનું શીખી લો છો, ત્યારે તમે કાયમી વેકેશન પામી લો છો, દિવસના ચોવીસે કલાક, અઠવાડિયાના સાતેય દિવસ.’ બબ્બે અનુસ્નાતક ડિગ્રીઓ. પહેલી માટેના અભ્યાસ દરમિયાન કાવ્યલેખનની શરૂઆત. કવિતા ઉપરાંત નવલકથા, નિબંધ, વિવેચન, સંપાદન. ટૉક શૉ યોજે છે. ‘VIDA: વિમેન ઇન લિટરરી આર્ટ્સ’ સંસ્થાના સ્થાપ. આ સંસ્થા ‘વિડા: વૉઇસિસ એન્ડ વ્યૂઝ’ નામે સાહિત્ય-કળાના ક્ષેત્રો સાથે સંકળાયેલ સ્ત્રીઓના રચનાત્મક વિડીયો ઇન્ટર્વ્યૂ વડે સાહિત્ય તેમજ કળાઓમાં સ્ત્રીઓનો અવાજ બુલંદ કરી લિંગભેદ સામે આંગળી ચીંધે છે. ‘વિમેન’સ કૉકસ’ સંસ્થાના પ્રમુખ. કાવ્યસંગ્રહ ‘આઇ એટ ધ કોસમોસ ફોર બ્રેકફાસ્ટ’ ઢગલાબંધ એવૉર્ડસ–પુરસ્કારથી સન્માનિત. સંગ્રહમાંના શીર્ષક-કાવ્ય પર શૉર્ટ ફિલ્મ બની છે, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં અધિકૃત પસંદગીની ફિલ્મ તરીકે રજૂ કરાઈ છે. દીકરી રોઝાલિન્ડ વિલિયમ્સન બે જ વર્ષની હતી ત્યારે છૂટાછેડા થયા. દસ વર્ષ એકલા હાથે દીકરી અને દુનિયાના બેવડા મોરચા સાચવવામાં કવિતા છૂટી ગઈ. તેઓ પોતાને ઊભયલિંગી (બાય-સેક્સ્યુઅલ) કહેવડાવવાના બદલે સર્વલિંગી (પેન-સેક્સ્યુઅલ’ કહે છે), જેને મનુષ્ય માત્રમાં રસ છે. હાલ તેઓ ટેક્સાસ, હ્યુસ્ટન ખાતે દીકરી સાથે રહે છે. અલગ-અલગ યુનિવર્સિટીઓ અને કૉલેજોમાં સેવા બજાવ્યા બાદ હાલ લોન સ્ટાર કોલેજ-ટોમ્બાલમાં પ્રાધ્યાપિકા. દેશભરમાં નાનાવિધ પ્રવૃત્તિઓ સાથે જોડાઈને અમેરિકાની યુવાપેઢીને કવિતા-કળા તરફ દોરવાનું, કળાને જીવંત રાખવાનું અદભુત કામ કરી રહ્યાં છે.

એમની કવિતાઓમાંથી નારીવાદ તારસ્વરે ઊઠતો સંભળાય છે. ઈશ્વરને પણ સ્ત્રીસ્વરૂપે જુએ છે, પણ આ ઈશ્વર દેવની બાજુમાં બેઠેલી દેવી નથી, એ સ્વયં સર્વશક્તિમાન છે. મલિસા લખે છે: ‘તો ઈશ્વર ત્યાં સૂતાં છે, તેણીના પગ પહોળા ફેલાવીને, તેણીના લાલ મખમલી ચીરામાંથી આ ચિલ્લાતી દુનિયાને જન્મ આપતાં.’ ગ્રીક પુરાકથાના પાત્ર ફિલોમીલા -જેના પર બળાત્કાર કરીને સગા બનેવીએ પોતાનો ગુનો ખુલ્લો ન પડે એ માટે જીભ પણ કાપી નાંખી હતી- ની ઘાયલ જીભ (Philomela’s severed tongue)ને કેન્દ્રમાં રાખી નવો કાવ્યસંગ્રહ તૈયાર કરી રહ્યાં છે, જે સ્ત્રીશોષણના વેદનાસિક્ત આયામો રજૂ કરે છે. મલિસાની કવિતાઓમાં પગના મોજાં જેવી ક્ષુલ્લક વસ્તુ આકાશના તારાઓ સાથે, કપડાં ધોવાની ક્રિયા પ્રાર્થના સાથે તો પેનકેક બ્રહ્માંડ સાથે સંવાદિતતા સાધે છે. જોન ડનની આધિભૌતિક (metaphysical) કવિતાઓની પડખે ટટ્ટાર પીઠે બેસી શકે એવી એમની કવિતાઓ છે. રાજકીય ઉથલપાથલો એમની નજરમાંથી બચી શકતી નથી. ચિત્ર, નૃત્ય જેવી દૃશ્યકળાઓ તથા પુરાકથાઓ-પૌરાણિક પાત્રો પર આધારિત કવિતાઓ (ekphrastic poems) એમની આગવી ઓળખ છે. શબ્દોની મદદથી તેઓ જોયેલા ચિત્ર પરથી એક અલગ જ ચિત્ર બનાવે છે, જે મૂળ ચિત્રથી લગરિક ઊતરતું નથી. એમના માટે લખવું એ પોતે જે અનુભવે અને વિચારે છે એને કઈ રીતે વ્યક્ત કરવું એની રોજિંદી મથામણ છે. લખવું જ એમના માટે જાત-સંભાળ છે.

ઉત્તમ કવિતાઓની વાત થાય એટલે આપણી નજર ભૂતકાળ તરફ જ ડોકું ફેરવે. પણ આજે સર્વકાલીન ઉત્તમ ગણાતી કવિતાઓય ક્યારેક સમસામયિક જ હતી. આજે જેને સાંપ્રત ગણીને ઝાઝું માન આપવાથી આપણે દૂર રહીએ છીએ એ આજની કવિતાઓ શું આવતીકાલની પેઢી માટે સર્વકાલીન શ્રેષ્ઠ નહીં હોઈ શકે? મલિસાની આજની કવિતાઓ કદાચ આવતીકાલની ‘ક્લાસિકલ’ કવિતાઓ છે. પ્રસ્તુત રચના વિશે વાત કરતાં પહેલાં બે’ક સંદર્ભો સમજીએ. કવિતાના અંતે એટલસ (શિરોધર)ની વાત આવે છે. ટાઇટન્સ અને ઓલિમ્પિઅન્સ વચ્ચે દસ વરસ ચાલેલી લડાઈમાં ટાઇટન્સનો પક્ષ લેવા બદલ વિજેતા ઝિઅસે ગ્રીક પુરાકથાઓના કથાનાયક એટલસને પૃથ્વીના છેડા પર જઈને દૈવી સ્વર્ગોને અનંતકાળ સુધી પોતાના ખભા પર ઊઠાવવાની સજા કરી. પાછળથી કથા ખરડાઈ અને સ્વર્ગોનું સ્થાન પૃથ્વીએ લઈ લીધું. આજે આપણે સહુ એવું જ માનીએ છીએ કે એણે પૃથ્વી ઊપાડી હતી. કાવ્યાંતે કવયિત્રી એટલસને પૃથ્વી પીઠ-ખભે ઊંચકવામાં થયેલ તકલીફનો સંદર્ભ લઈ આવ્યા છે… (આપણે ત્યાં શેષનાગ પૃથ્વીને પોતાની ફેણ ઉપર ઊપાડે છે એવી પુરાકથા છે.) બીજું, કવિતામાં કેગલ બૉલની વાત આવે છે એ પણ પહેલાં સમજી લઈએ. પેશાબ ખૂબ લાગ્યો હોય પણ વૉશરૂમ જવું શક્ય જ ન હોય એવી પરિસ્થિતિમાં આપણે પેશાબ રોકી રાખવો પડે છે. આ માટે પેઢુના જે સ્નાયુ આપણે વાપરીએ છીએ એ સેક્સની ક્રિયામાં પણ ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. આ સ્નાયુઓ માટેની કસરત અમેરિકાના ગાયનેકોલોજીસ્ટ આર્નોલ્ડ કેગલે શોધી હતી એ પરથી આ સ્નાયુ અને એની કસરત માટે વપરાતા બૉલને કેગલ બૉલ્સ કહેવાય છે. આ બૉલને યોનિમાં નાખી રાખવામાં આવે ત્યાં સુધી આ સ્નાયુઓની કસરત આપોઆપ થતી રહે છે. આવા અનેકવિધ ફાયદાઓ માટે આ બૉલ્સ જાણીતા છે.

આટલી પૃષ્ઠભૂ પછી ‘માન’ કવિતા તરફ વળીએ. શીર્ષક અપેક્ષા જન્માવે છે પણ કવિતા છેલ્લી પંક્તિ સુધી શીર્ષકનું ઔચિત્ય સમજવા દેતી નથી. જો કે અંત સુધી ભાવકને લઈ જવામાં કવયિત્રી મદદગાર થાય છે. એમણે કવિતામાં એકપણ અલ્પવિરામ, પૂર્ણવિરામ કે પ્રશ્નાર્થ-ઉદગારચિહ્ન –કશાનો પ્રયોગ કર્યો નથી. વાત કોઈ પણ આરોહ અવરોહ વિના સડસડાટ અંત સુધી પહોંચે અને કવિતાની સળંગસૂત્રીતા જરાય બટકે નહીં એ સમગ્રતા આપણને સ્પર્શી જાય છે. કાવ્યકલેવરના પ્રાણરૂપ છંદનો પણ મલિસાએ ત્યાગ કર્યો છે. કુછંદની શિકાર યુવતીની જિંદગીમાં કોઈ છંદોલય બચ્યો હોય ખરો? પંક્તિઓની અનિયમિતતા પણ કદાચ નાયિકાના જીવનની વિસંગતિની દ્યોતક છે. કવિતા પોતે અને કવિતામાં દરેક નવું કલ્પન ‘કેમકે’થી આરંભાય છે. આ દરેક કેમકેનો પૂર્વાર્ધ કવયિત્રીએ અધ્યાહાર રાખ્યો છે જેથી કવિતા અને કાવ્યનાયિકાના જીવનનો ખાલીપો પંક્તિએ-પંક્તિએ, કલ્પને-કલ્પને ભાવકને અનુભવાતો-પીડતો જ રહે, અને નાયિકાની વ્યથા-કથામાં એ સહિયારી શકે.

વાત એક યૌનપીડિતાની છે એ કવયિત્રીએ વાપરેલા સંદર્ભોથી સમજી શકાય છે. પહેલી નજરે તો આ વાત અનધિકૃત સેક્સ માટે સમાજ દ્વારા શોષિત થયેલી કોઈક નિર્ભયાની વાત છે. પણ મૂળ વાત સ્ત્રીની અંતર્ગત તાકાત અને પુરુષથી ચડિયાતાપણાની છે. એની અંદર ગુફામાંના શિયાળા માફક કશુંક થીજી ગયું છે. એની જીવન-ઉષ્મા કોઈક છિનવી ગયું છે. જીવન ટાઢું હિમ બની ગયું છે. ઓલવવાની દરકાર કર્યા વિના એની ભીતર કોઈક આગ લગાડી ચાલ્યું ગયું છે. હવે સળગતા-દાઝતા રહેવું એ જ એની નિયતિ છે. બળાત્કારી કદી એ વિચારતો નથી કે એની બે પળની મજા કોઈક માટે જીવનભરની સજા બની રહેનાર છે. જબરદસ્તી કોઈકને ‘ઓવરપાવર’ કરતી વખતે કદાચ પુરુષને સર્વશક્તિમાન હોવાનો અહેસાસ થાય છે. મફતની વસ્તુ ચાખવાનો, ને ઇચ્છા વિરુદ્ધ કોઈકને ઝબ્બે કરવાનો પૌરુષી આસુરી નશો દુનિયાના કોઈપણ નશા કરતાં વધુ અસરદાર હોવો જોઈએ. કદાચ એટલે જ પરાપૂર્વથી પુરુષ સ્ત્રીમાત્રને માત્ર ભોજ્યભાવે જ જોતો આવ્યો છે. પુરુષ તો ચૂંથીને હાથ ખંખેરીને ચાલ્યો જાય છે. સ્ત્રીની અંદર જે આગ સળગે છે, એ આજીવન બુઝાતી નથી. એની બળતરા આખરી શ્વાસ લગીની છે. પોતે ન કરેલા અપરાધનો બોજ એણે જીવનભર વેંઢારવાનો છે. શરીર પર તો એક જ વાર બળાત્કાર થયો છે, પણ સંવેદના તો આજીવન બળાત્કારાતી રહે છે. પુરુષને તો વીર્યસ્ખલન કરવાની ચાનક ચડી હતી. પોતાનો હાથ વાપરીને આ કામ આસાનીથી કરી શકાયું હોત પણ જે પોતાનું છે જ નહીં, એની મરજી વિરુદ્ધ એના પર પોતાની સર્વોપરિતા સિદ્ધ કરવાની બે ઘડીની મજા જતી કરે, સામા પાત્રને આજીવન થનાર તકલીફો વિશે એ વિચારે તો એ વળી પુરુષ કેવો? સ્ત્રી પર ચડી બેસવું, સ્ત્રીનો એક વસ્તુ ગણીને ઉપભોગ કરવો એ તો એનો જન્મસિદ્ધ અધિકાર છે!

સ્ત્રી માટે તો દરેક રાત હવે એક યુદ્ધ છે. કોઈ નવું આવશે ફરી એના પર બળાત્કાર કરવા. કે ઘર ભાળી ગયેલ જમ પણ મનફાવે ત્યારે બોડી બામણીનું ખેતર ચરવા ફરી-ફરીને આવી શકે છે. આ ભયનું કાયમી અંધારું જ હવે એની કાયમી રાત છે. પોતાના કિલ્લાને રક્ષવા એની લાચારી પાસે કશું નક્કર છે જ નહીં, કેવળ ધુમ્મસ જ છે. કોઈ હુમલો લઈને ચડી આવે તો પણ પોતા સુધી પહોંચી ન શકે એ માટે એ એક ખાઈ બનાવી રહી છે. આવનાર પુરુષ એના શરીરને તો કદાચ ફરીથી પામી શકશે પણ એના અહેસાસને પહેલીવારમાં જે રીતે ચકનાચૂર કરી ગયો, એ રીતે હવે બીજીવાર નહીં કરી શકે, કેમકે સ્ત્રી રોજ રાતે પોતાની સંવેદના અને પુરુષની પહોંચની વચ્ચે એક ખાઈ બનાવી રહી છે, જાળીબંધ દરવાજાઓ ઊભા કરી રહી છે. હવે બીજીવાર કોઈ આ શરીર પર ચડાઈ કરે તોય એના ભાગે અચેતન શરીર જ આવશે, અંદરની સ્ત્રીને પીડિતા રોજેરોજ વધુને વધુ સુરક્ષિત બનાવી રહી છે. એ હવે કોઈનીય પહોંચબહાર જઈ પહોંચી છે. લગામ છૂટી ગયેલા ઘોડાઓ કરાડ પરથી ખીણમાં નિરંકુશ પતન પામે છે એ વાત ભોગવવી પડતી પારાવાર તકલીફનું પ્રતીક છે. પુરુષ તો ઘોડેસવારી કરીને ચાલ્યો ગયો. સ્ત્રી પોતાનું સમતુલન ખોઈ ચૂકી છે. એને પોતાના જીવતરની લગામ હાથમાંથી જતી રહેલી લાગે છે. અને નિરંકુશ અશ્વોને પહાડની ટોચે અટકી જવાનો ખ્યાલ પણ ક્યાંથી રહે? કોઈકના પાપે પતનની ખીણમાં સતત ગબડવાની સજાથી વધુ પરાધીનતા અને નિર્બળતાની લાગણી બીજી કઈ હોઈ શકે? પણ કવિતા અહીં વળાંક લે છે

આ સ્ત્રી છે. એ તાકાત છે. એનું શરીર કદાચ ઘડનારે કમજોર બનાવ્યું હશે પણ એનું ભીતર દુનિયાના કોઈપણ મર્દ કરતાં વધુ બળકટ છે. એના શરીરને જીતવું આસાન છે, પણ એના અહેસાસને જીતવો અશક્ય. એની કાયાને પરાજીત કરવી સરળ હશે પણ એના માનસને તમે એની મરજી વિના અડી પણ નહીં શકો. આ નિર્લગામ અશ્વો શોષણની અંધારી-ઊંડી ખીણમાં તળિયે પટકાઈ તો રહ્યા છે પણ ખતમ થઈ જતા નથી. તળિયે અફડાઈને ચૂરચૂર થઈ જવાના બદલે તેઓ એ પહેલાં જ ફૂદાંમાં પરિવર્તન પામે છે. ફૂદાં વિકાસ પામશે અને રંગબેરંગી પતંગિયાંમાં પરિણમશે. કોઈકે ભલે બેરંગ બનાવવા ધારી હોય, પણ આ જિંદગી ફરી એકવાર અનેકાનેક રંગો જન્માવી મુક્ત ગગનમાં સંચરવાની ફિનિક્સી ક્ષમતા ધરાવે છે. તળિયે પછડાઈને નષ્ટ થવા પૂર્વે જ પોતાની મરજીથી ઊડી શકનાર ફૂદાંમાં થતું આ પરિવર્તન એ નારીની પોતાની જન્મજાત અસીમ આંતર્શક્તિમાંના અખૂટ વિશ્વાસ અને એણે ભોગવેલી તકલીફોનું આધિભૌતિક રૂપાંતરણ સૂચવે છે – આપણે તળિયે પડીને ચકનાચુર નહીં થઈ જઈએ પણ પાંખ પામીને ઊડી જઈશું… तमसो मा ज्योतिर्गमय |

પેલા ઘોડાઓની ખરીઓ એના જીવતરના આકાશ પર મધરાત્રિના લિસોટાઓ છોડી જાય છે. રૂપક ધ્યાન આપવા જેવું છે. આ ઘટના એના જીવનને મધરાત્રિ નથી બનાવી દેતી, પણ જે રીતે ઘોડાની ખરી જમીન પર એમ આ ઘટના એના જીવતરના આકાશ પર મધરાત્રિના કાળા લિસોટા છોડી જાય છે. અર્થાત્, દિવસ હોય કે રાત, એના આકાશમાં આ કાળા લિસોટા કાયમ માટે નજરે ચડનાર છે. કોઈ સૂર્યનો પ્રકાશ આ લિસોટાને ગોપવી શકવા સમર્થ બનનાર નથી. નાનાં બાળકો પાસે સોફ્ટ ટોય્ઝનો એક આખો પરિવાર હોય છે. ટેડી બેર કે રેબિટ જેવા આ પોચાં રમકડાંઓ ભૂલકાંઓના પરમ મિત્ર હોય છે, જેમની સાથે તેઓ પોતાના અંગતતમ રહસ્યો ‘શેર’ કરતાં હોય છે. આ રમકડાં કદી કોઈને ચુગલી કરવા જતાં નથી. આપણે ત્યાં તો બળાત્કારના મોટા ભાગના કિસ્સા લોકડર ને લોકલાજે બહાર જ આવતા નથી. ભૂલ કોઈકે કરી છે, પણ આપણો સમાજ સજા ભોગ બનનારને જ કરતો આવ્યો છે. બળાત્કાર પામેલી સ્ત્રીએ મોઢું છૂપાવીને જીવવું પડે એ આપણી મહાન ભારતીય સંસ્કૃતિની અદભુત મહાનતાનું સુવર્ણપૃષ્ઠ છે! સમાજ આ સ્ત્રીને એ રીતે જુએ છે, જાણે અરેરે! આપણે બાકી રહી ગયા!!! વિદેશોમાં પરિસ્થિતિ આટલી ખરાબ નથી. ત્યાં સ્ત્રીઓ આગળ આવીને વાત કરી શકે છે. પણ એ છતાં હકીકત છે કે પાશ્ચાત્ય દેશોમાંય આજની તારીખે પણ ઘણી બધી સ્ત્રીઓ પોતાના જાતીય શોષણની વાત પોતાના સુધી જ સીમિત રાખીને જીવતી રહે છે. મોટાભાગના અપરાધ છતા થતા જ નથી. #MeToo આંદોલન સ્ત્રીઓ પોતાના પર થયેલા અત્યાચારોની વાત કરવા આગળ આવી એ બતાવે છે એના કરતાં વધુ તો એ વાતની સાબિતી આપે છે કે અત્યાચારો થયા હોવા છતાં કેટલી બધી સ્ત્રીઓ અત્યાર સુધી ચુપચાપ જીવ્યે જતી હતી! નાયિકા પણ પોતાના પર થયેલા અત્યાચારોની વાત પોતાના હાથ અટકાવનાર સમાજને કહેવા કરતાં નાના બાળકની જેમ સ્ટ્ફ્ડ ટોય્ઝને એ કરે છે. મતલબ એ પોતાના ઘા પોતાના પૂરતા સીમિત રાખે છે.

પણ એ મરી પરવારી નથી. દુર્ભાગ્યની ખીણમાં પછડાઈને ખતમ થવાને બદલે એ પાંખ ઊગાડીને ઊડી જવું નિર્ધારે છે. પૌરુષી અત્યાચારોનું આખું વિશ્વ એની યોનિમાં ઘુસાડી દેવાયું હોવા છતાં એ જાણે કેગલ-બૉલ યોનિમાં નાંખીને કસરત કરતી ન હોય એ સહજતાથી પોતાના વિશ્વને સાચવે છે. જીવી લે છે પોતાનો રસ્તો શોધીને. કોઈને કશું કહ્યા વિના. ચુપચાપ. અધિકૃતતાથી. ચઢિયાતાપણાંથી. પૃથ્વીને પોતાના ખભા પર ઊંચકવા માટે એક પુરુષે-એટલસે- કેટલો સંઘર્ષ કરવો પડ્યો હતો! દુનિયા સદીઓથી એટલસની આ ક્ષમતાને માનભરી નજરે જોતી આવી છે. એટલસ પુરુષપ્રધાન સમાજનો ગૌરવાન્વિત નાયક છે. એના નામ પરથી ટાપુ (એટલાન્ટિસ) –સમુદ્ર (એટલાન્ટિક)ના નામકરણ કરવામાં આવ્યાં છે. પણ નાયિકા એટલસના આ તમામ ‘પુરુષાર્થ’ને વિસ્મિતભાવે જુએ છે. જે સહજતાથી-સરળતાથી એ પોતાની દુનિયાને વેંઢારી રહી છે એની સામે એટલસની આ મહાગાથા સાવ વામણી ભાસે છે. દૃશ્યને વેંઢારવું કદાચ આસાન છે, પણ અદૃશ્યને વેંઢારવું વધુ ક્ષમતા, વધુ સમર્પણ, વધુ પ્રતિબદ્ધતા માંગી લે છે. સ્ત્રી આ દુનિયાને પુરુષ કરતાં વધુ સહજતાથી-સરળતાથી લઈ શકે છે. છેક અહીં આવીને કવિતાનું શીર્ષક આપણને સમજાય છે. કવયિત્રી નાયિકાની પીડા ઊંચકવાની ક્ષમતા સામે એટલસના સંઘર્ષને juxtapose કરીને, નાયિકાની ક્ષમતાનું મહિમાગાન કરીને, સ્ત્રીને- યૌનપીડિતાને સર્વોચ્ચ ‘માન’ આપે છે.

ગ્લૉબલ કવિતા : ૧૩૧ : સૈરન્ધ્રી – વિનોદ જોશી

સૈરન્ધ્રીની ભીતર રહેલી દ્રૌપદીની ભીતર રહેલી સ્ત્રી સાથે એક મુલાકાત : ૦૨

(વિનોદ જોશી રચિત પ્રબંધકાવ્ય ‘સૈરન્ધ્રી’નો આપણે ગતાંકમાં પરિચય મેળવ્યો. હવે આગળ… )

સૈરન્ધ્રી તો નિમિત્ત છે. એ તો દેખીતી વાર્તાનું દેખીતું સ્તર છે. એ બહાને કવિ પરકાયાપ્રવેશ કરીને સ્ત્રીઓના મનોજગતનો તાગ મેળવવા મથે છે અને એ મથામણ આપણા સહુ સુધી પહોંચાડે છે. કૃષ્ણને જો યુગપુરુષ કહીએ તો એમની પરમ સખી દ્રૌપદી યુગસ્ત્રી હતી. એના વિના મહાભારત શક્ય જ નહોતું. જો કે દ્રૌપદી કવિનો હેતુ નથી. એમને તો એના ભાતીગળ જીવનમાંથી એક વરસ જેટલી નાનકડી સ્લાઇસ –સૈરન્ધ્રી- જ આપણને ચખાડવામાં જ રસ છે. એના બહાને એક સ્તર તેઓ નારીગત સંવેદનોથી આપણને અવગત કરાવે છે તો બીજી તરફ આપણી લુપ્ત થઈ ગયેલી ઓળખની પીડા અને એ પરત પામવા માટેની આપણા સહુના આજીવન મહાભારત સાથે એ આપણી ઓળખાણ કરાવે છે. આપણે સહુ અજ્ઞાતવાસમાં જીવીએ છીએ. સહુ પોતપોતાની ઓળખ ગુમાવી બેઠાં છીએ. સૈરન્ધ્રી આપણી જાતના ખોવાઈ જવાના કારણો અને નિવારણોના પૃથક્કરણની મહાગાથા છે. ‘સર્વ રૂપ સંકેલી લઈને, કેમ જીવવું અખંડ થઈને’ આ જ સહુની વિડંબના છે. જ્યારે ‘નિત્ય નિજત્વ અવાંતર જોવું’ પડે છે ત્યારે ‘અંતરિયાળ પડ્યું આ હોવું’ની પીડા અસહ્ય બની રહે છે.

વ્યાસના મહાભારતમાં જે નથી એ આ ‘સૈરન્ધ્રી’માં છે. સ્વયંવર ટાણે આ સ્ત્રી કર્ણના પ્રેમમાં પડી મનોમન એને વરી લે છે. કર્ણનો દેખાવ જ એવો છે. ‘તેજપુંજ છલકાય વદનથી, સૂર્ય ઊતર્યો હો અંબરથી!’ એના ‘વક્ષ વિશાળ ભુજા બળશાળી, નેત્રે વિદ્યુત ચમક નિરાળી’ જોઈ પાંચાલી ‘તત્ક્ષણ મોહિત થઈ’ જાય છે. એને ‘આ જ પુરુષની હતી પ્રતીક્ષા,’ પણ ધૃષ્ટદ્યુમ્ન ‘સ્વાગત માત્ર કુલીનનું, એ જ સર્વથા વીર’ કહીને સૂતપુત્રને મત્સ્યવેધ કરતાં રોકે છે. ‘પ્રથમ પુરુષ જે ચાહ્યો મનમાં, હવે નહીં પામું જીવનમાં’ની અતુલિત તૃષ્ણાથી વ્યાકુળ કૃષ્ણાને સવાલ થાય છે: ‘હું કેવળ સ્ત્રી, કેમ ન મુક્તા?’ આ સવાલ શું સર્વકાલીન સર્વ સ્ત્રીઓનો નથી? અર્જુન મત્સ્યવેધ કરી આ ‘વસ્તુ અનુપમ’ને ઘરે લાવે છે અને કુંતી દરવાજા ખોલ્યા વિના જ ‘વહેંચી લો સમભાગ’ કહી દે છે. પાંડવો માટે આ સ્ત્રી એક ‘વસ્તુ’ જ હતી, મનુષ્ય નહીં. જો દ્રૌપદીને પાંડવોએ મનુષ્ય ગણી હોત તો દુર્યોધન કે દુઃશાસન એને સભામધ્યે ખેંચી લાવી શક્યા જ ન હોત અને કીચક એને લૂંટવાની ચેષ્ટા જ ન કરી શક્યો હોત. પાંડવોએ તો દ્રૌપદીનું ‘વસ્તુ જેમ જ કર્યું વિભાજન.’ આ વસ્તુને તો રોજની આ ચિંતા છે કે ‘કોનો વારો? કોણ હશે આજે પતિ મારો?’ એ એના મનમાં સ્પષ્ટ છે કે ‘હું નહિ વસ્તુ કોઈ વિક્રયની, હું કેવળ સ્ત્રી, હું ઉન્નયની.’ વેદ વ્યાસ જ્યાં અટકી ગયા હતા, વિનોદ જોશી ત્યાંથી આપણને આગળ લઈ જાય છે. કવિતાની આ જ સાચી ઉપલબ્ધિ છે.

દ્રૌપદી પણ પાંચ પાંડવોની પત્ની બનવા છતાં કર્ણ પ્રત્યેના પોતાના ‘સોફ્ટ કૉર્નર’ને અવગણી નથી શકતી. એણે તો ‘હૃદય એકમાં રોકી દીધું, પંડ પાંચમાં વહેંચી દીધું’ છે. ભરસભામાં જ્યારે દ્રૌપદી ‘ત્રસ્ત હરિણ’ શી ફફડતી હતી, ત્યારે ‘અંગારે ભડભડતી આંખો, સૂર્ય લાગતો જાણે ઝાંખો’ લઈને ક્રોધનો માર્યો એકમાત્ર કર્ણ જ ‘નારી પ્રથમ, પછી પાંચલી, નથી પળાતી કેમ પ્રણાલી’ કહીને ‘પુંસક સ્વરથી’ ગર્જના કરે છે. દુર્યોધન જ્યારે ‘નારી માત્ર સદાની ભોગ્યા’ કહી એને વારે છે ત્યારે એ નપુંસકતાથી વસ્ત્રાહરણના સાક્ષી બનવાના બદલે, દુ:શાસનને દૂર ફગાવીને, કર જોડીને સહુની ક્ષમા માંગતો તરત સભા છોડી ગયો હતો. જ્યારે સામા પક્ષે-

કંપિત બેઠા પાંડવ પાંચે,
વીલાં વદન પરસ્પર વાંચે;
સન્નાટો ભરપૂર છવાયો,
ગયો પુરુષ ફેંકી પડછાયો. (૦૬-૦૩:૦૮)

એટલે જ પાંચ પતિઓ સાથે સરખામણી કરાવતો ‘નેત્રથી નખશિખ ચાખ્યો’ કર્ણ એક વરસના આ ગુપ્તવાસમાં ‘હોય સર્વ પણ કોઈ ન પાસે’ની એકલતા ખાળતો સ્મરણલોકમાં ‘કોઈ દૂર પણ ભીતર ભાસે’ જેવો અવારનવાર પધરામણી કર્યે રાખે છે. અજ્ઞાતવાસમાં કીચકની પડછંદ કાયા અને વિશિષ્ટ વ્યક્તિત્વથી પણ આ સ્ત્રી અંજાય છે અને કામોત્તેજના સુદ્ધાં અનુભવે છે. ‘સૈરન્ધ્રી રંગાઈ અનંગે, છાલક વાગી અંગે અંગે.’ ‘એક છતાં એકાધિક રૂપો’ ધરાવતી હોવા છતાં એના બહુવેશી વ્યક્તિત્વમાં રહેલી નારી ‘પ્રગટ થઈ સહસા અણધારી.’ એ જાણે છે કે ‘પુરુષમાત્રની તું અધિકારી; તું સ્ત્રી અનરાધાર અનંતા, સકળ સૃષ્ટિની તું જ નિયંતા’, ને તોય જ્યારે ‘ઝંખે મન પરિતોષ પરાયા’ ત્યારે ‘અળગી લાગે નિજથી કાયા.’ ‘એક તરફ અર્જુન હતો, કીચક બીજી પાસ’ની દુવિધામાં ફસાઈ હોવા છતાં એ પોતાની નારીસહજ આદિમવૃત્તિને વશ વર્તતી નથી એટલું એના પાંચ નિર્માલ્ય પતિઓનું સદભાગ્ય. ‘મનનાં કારણ કોઈ ન જાણે’ એ છતાં સૈરન્ધ્રી ‘મનની માયા મનમાં માણે’ છે. આપણી આ ‘કાયા અક્ષત કૂપ અધૂરો’ છે, અને એને ‘ઝંખે મન કરવાને પૂરો.’ એના સ્વપ્નમાં કર્ણ કીચક સાથે મલ્લયુદ્ધ કરી એના ‘મલિન શ્વાસને ટૂપી’ નાંખે છે અને દ્રૌપદી સાથે અદ્વૈત સાધે છે પણ ‘કેવળ સ્ત્રી નસનસમાં’ વ્હેતી હોવાની આદિમ પળે ‘નિજમાં બેસી નિજને છળતી’ ‘પાંડવપત્ની જાતનો, જોઈ રહી વિનિપાત’ અને ‘રક્તચાપ થીજી ગયો, થયા સ્તબ્ધ સહુ કોષ.’ પળમાં એ કીચકને પરાયો કરી પુનઃ પાંચાલીત્વને સાધે છે. આ સ્ત્રી છે. એનું સ્ખલન પુરુષની જેમ ભાગ્યે જ કાયમી અને વાસ્તવિક હોવાનું.

મધરાતે એના દ્વાર પર ટકોરા પડે છે ત્યારે એને સમજાય છે કે એના મહાન પાંચ પતિઓને તો આ ‘નગર વિરાટે વામન કીધાં’ અને ‘પાંડવકુળની ભૂંસી વ્યાખ્યા.’ ‘પાંડવકુળની આ પટરાણી, જાણે લુપ્ત થયેલી વાણી’ હોય એમ નિરાધારિતાના અહેસાસથી વ્યગ્ર છે. દ્યૂત રમીને વિના વિચાર્યે બધું હારીને સંકટ જીતનાર પાંડવપતિઓ સાથે એ સહમત નથી. પત્નીભાવે એણે પતિઓનો નિર્ણય માથે લીધો અને પટરાણી હોવા છતાં તેર વરસથી એ તકલીફોના જંગલમાં ભટકી રહી છે, પણ સ્ત્રીભાવે એ ‘સ્વયં પરાક્રમ ક્યાંય ન’ કરનારા અને ‘મૃગજળને જળ માની’ લેનાર પતિઓને વણજોતી વિપદા વળગાડી આપનાર તરીકે ક્ષમા આપી શકે એમ નથી. જે પતિઓ પોતાને દાસીરૂપે જુએ છે અને લજ્જાતા પણ નથી એ પતિઓની હાજરીમાં ‘તિમિર વચાળે તેજ ફસાયું’ હોવાની પારાવાર વ્યથા એ અનુભવી રહી છે. ‘મરતાં રહીને છાનું છાનું, અંતે આમ જીવી જવાનું?’નો પ્રશ્ન એના અસ્તિત્વને આરીની જેમ આરપાર વહેરી રહ્યો છે, ‘કાળજે કર્બુર ચીરા’ પાડી રહ્યો છે. દરવાજે અર્જુન હશે કે કીચકની અટકળમાં રાતના કાજલઘેરા અંધકારમાં બિલકુલ એકલી અબળા હોવાના કારણે જે સૈરન્ધ્રી કબૂતર પેઠે ડરની મારી ફફડી રહી હતી, એને છેવટે સમજાય છે કે ‘જટિલ કોયડા ઉકલે જાતે’.

ઓળખ સકળ ઉતરડી નાખી,
કેવળ નિજતા સંગે રાખી;
કોઈ ન સ્વામી, કે નહિ દાસી;
વ્યક્તિરૂપ લીધું અવિનાશી. (૦૫-૦૫:૦૭)

સૈરન્ધ્રી’ વિનોદ જોશીની ગીતા છે. વાર્તાની વચ્ચેના ખાલીપામાં એ જે કહી રહી છે, એ સરવા કાને સાંભળી શકીએ તો નરવા ને ગરવા જીવનની ગેરંટી છે. તમામ ઓળખ ત્યાગીને જે ઘડીએ માણસ પોતાના નિજત્વને સાચા અર્થમાં પામી લે છે ત્યારે એનું વ્યક્તિત્વ અવિનાશી બને છે. પણ કમળપત્ર પરથી પાણી, એમ દુનિયા પાસેથી લીધેલા તમામ લેબલ ખેરવવા અનિવાર્ય છે. સૈરન્ધ્રી જે ઘડી મનથી જ્ઞાત-અજ્ઞાત ઓળખોનો ત્યાગ કરી ‘નિજની સંત્રી’ બને છે એ ઘડીએ એ ‘અધિક સભાન, પૂર્ણ ભયમુક્તા’ બને છે અને દ્વાર ખોલે છે. દાસી તરીકે જે કીચકના વ્યક્તિત્વના જાદુપાશમાં એ કવચિત્ બંધાઈ હતી, સ્ત્રી તરીકે એ કીચકના મર્મસ્થાન પર તીક્ષ્ણ છરીનો એવો ઘા કરે છે કે કીચક નામના ‘પડછાયાનો અંત’ આવે છે, અને એને સમજાય છે:

ભૂંસી દઈ સઘળા સરવાળા,
પ્હેર્યાં અંદરનાં અજવાળાં;
પામી સમજણ સીધીસાદી,
સદા જાત હોય જ સંવાદી. (૦૫-૦૭:૦૩)

સહુને સહુનાં રૂપ અનોખાં,
કરે પરસ્પર લેખાંજોખાં. (૦૫-૦૭:૦૪)

કોઈ ન પહોંચે ગંતવ્યોમાં,
અધવચ અટકે મંતવ્યોમાં. (૦૫-૦૭:૦૫)

બહારની તમામ ગણતરીઓ ભૂંસી દઈને માણસ એની ભીતરના અજવાળાંને જ્યારે ધારણે કરે છે ત્યારે જ એને સમજાય છે કે દરેક માણસ એકાધિક રૂપોનો બોજ લઈને જીવતો જ હોય છે અને આ બધાં રૂપ ‘પરસ્પર લેખાંજોખાં’ કર્યે રાખતાં હોય છે. પણ સીધીસાદી વાત એ છે કે બધા પરસ્પર સંવાદમાં હોય જ છે. સંબંધોની લાશને ખભે વેંઢારીને આપણે સહુ રાજા વિક્રમ જેવી અનર્થ જિંદગી જીવ્યે રાખ્યે છીએ. કોઈને મંઝિલ સુધી પહોંચવામાં રસ નથી, સૌ પોતપોતાના મંતવ્યોમાં જ રત રહે છે.

કીચક પર પ્રહાર કરવાના અપરાધસર સૈરન્ધ્રીને બેડી બાંધી કેદ કરવામાં આવે છે. સૈરન્ધ્રી માટે તો કેદ લુપ્ત ઓળખની હોય કે આ કારાવાસની, ‘ભીંતો બદલાઈ ગઈ, અન્ય કશો નહિ ભેદ’. એ સમજી ગઈ છે કે, ‘સહુને કારાવાસ સદાનો, વ્યર્થ મુક્તિના સર્વ વિધાનો.’ એ જાણી ગઈ છે કે, ‘એક વરસની કેવળ ભ્રાન્તિ, જન્મારે નહિ મળશે શાંતિ.’ પણ પાંડવ તો ‘નિદ્રાગ્રસ્ત હતા હજી, અંદર અપરંપાર.’ એ લોકોને એ જ્ઞાન પ્રાપ્ત થયું નથી, જે કીચકના ડરે અને હત્યાએ દ્રૌપદીની અંદર અજવાસ પાથરી દીધો હતો. એ લોકો ચિંતિત છે, પણ અર્જુન ગઈ સાંજની વાત જાણતો હતો. દ્રૌપદીએ સ્વયં કીચક પર પ્રહાર કેમ કર્યો એ પ્રશ્ન એને સતાવે છે. રાજા મૃત્યુદંડ ફરમાવે છે પણ દ્રૌપદી આવનારા અનિવાર્ય ઘોર વિનાશને જોઈ મલકી રહી હતી:

કીચક માર્યો એક, પણ કીચક હજી અનેક,
ઇચ્છે નહિ નારી, છતાં વિવશ કરે જે છેક. (૦૬-૦૧:દોહો)

ઘડી કઠોર, ઘડી મુલાયમ ચિત્ત આપણા સહુની સમજણ બહારનો પ્રદેશ છે:

સમજાતું નહીં ચિત્ત સલૂણું,
વજ્રકઠોર કુસુમથી કૂણું. (૦૬-૦૨:૦૧)

વિગત-અનાગતની પળોજણમાં ડૂબીને જિંદગી વ્યર્થ વહી જવા દેવાના બદલે જે પળ વહી રહી છે, એને જ પકડી લઈ એમાં જ જીવી લઈએ તો કશું અકળ રહેતું નથી:

સમજી લેવા અર્થ સકળને,
પકડી લેવી વહેતી પળને. (૦૬-૦૨:૦૧)

જે ઘડીએ આપણે સહુ વ્યર્થ વળગણોને ત્યાગીને ઈષ્ટ અને ખરી સમજણને વળગીશું એ ઘડીએ સઘળી ભ્રાન્તિ દૂર થાય છે, ચિત્ત સ્વસ્થ બને છે અને પરમ પ્રશાન્તિ પ્રાપ્ત થાય છે. જિંદગી તો મુઠ્ઠીમાં પરપોટા ભરવાની રમત છે. ‘પલકે પાંપણ જે ક્ષણ ક્ષણમાં, નહિ દેખાય કદી દર્પણમાં.’ આંખ પલકારો મારે એ ઘડી એ દૃષ્ટિ બંધ થવાની ઘડી છે. એટલી ઘડીભર માટે આપણે દર્પણમાં આપણી જાત સાથેનો નાતો ગુમાવી બેસીએ છીએ. પાંપણ ઊંચકાય એ પછી જ આપણે જાત સાથે પુનઃઅનુસંધાન સાધી શકીએ છીએ. સૈરન્ધ્રીના નિમિત્તે કવિ ડુંગળીના પડળની જેમ જિંદગીના એક પછી એક પડ ઉવેખતા જઈ ભીતરના અર્ક સાથે આપણને સતત મુખોમુખ કરતા રહે છે, એ આ કાવ્યની ખરી ઉપલબ્ધિ છે. બેવડી ઓળખનું અંધારું રગદોળીને અજવાળું ગોતી પરમ મોતી પરોવવાનું છે.

પરિઘ પાર ચકરાવો લઈને,
કેન્દ્રબિંદુમાં પહોંચી જઈને;
વર્તુળ પાછું ટાંગી દઈને,
જવું શૂન્યમાં શાશ્વત થઈને. (૦૬-૦૬:૦૭)

સકળ સંસારમાં ફરી-વિહરીને અંતે તો અસ્તિત્વના કેન્દ્રબિંદુને જ તાગવાનું છે અને એ થતાં જ વર્તુળનો પણ છેદ કરી શૂન્યની શાશ્વતી સુધી ગતિ કરવાની છે. મરીઝનો અમર શેર યાદ આવ્યા વિના નહીં રહે: ‘હદથી વધી જઈશ તો તુર્ત જ મટી જઈશ, બિંદુની મધ્યમાં છું હું, તેથી અનંત છું.’ દ્રૌપદી પણ ‘બ્હાર જઈને ભીતર આવી’ છે, અને ‘મધ્યબિંદુને મનમાં લાવી’ છે. પ્રતિહારી સૈરન્ધ્રીને લેવા આવે છે ત્યારે એ સુદૃઢ પગલે આગળ ‘નિજની વિજયપતાકા’ ફરકાવતી ચાલે છે. એના મનોમન તો કર્ણ પ્રત્યેની ‘સહજ પ્રેમની ઉત્તમ ગતને’ માણી રહી છે. સભાગૃહમાં લોકોની સાથે પાંડવો પણ બંદીવાન પત્નીનો આ તમાશો મૂંગા મોઢે જોઈ રહ્યા છે. પાંડવો તો હજી પણ દ્યૂતસભાવાળી મનોસ્થિતિમાં જ છે-નિર્માલ્ય, નપુંસક, નિષ્ક્રિય. પત્નીના રક્ષણની ચિંતા થવાના બદલે તેઓને ‘ગુપ્તવાસ નહિ રહેશે છાનો, પુનઃ હવે વનવાસ થવાનો’ એ ચિંતા વધુ છે. પરંતુ ‘નહીં અંધારું, નહીં અજવાળું’ એવા નિરાળા અસ્તિત્વને અનુભવતી દ્રૌપદી તટસ્થભાવે ઊભી છે. એ જાણે છે કે–

કાપે નહિ વાયુને કુહાડો,
પડે ન જળમાં કદી તિરાડો;
નભ ક્યારેય ન ટેકો માગે,
પૃથ્વીને પથ્થર શું વાગે? (૦૭-૦૧:૦૪)

પાંડવોએ દ્રૌપદીને ભોગવી છે, સૈરન્ધ્રીને જોઈ રહ્યા છે પરંતુ:

જાણે પાંડવ સૈરન્ધ્રીને,
જાણે નહીં એમાંની સ્ત્રીને;
જોયા કાંઠા, જોયાં જળને,
કદી ન જોયાં ઊંડા તળને. (૦૭-૦૨:૦૫)

વિરાટ જેવા રાજાને પ્રશ્ન થાય છે કે ‘નારીમાં ધનુધારીનો કેમ થયો ટંકાર?’ એકાકી અબળા છે ને વળી દાસી છે તોય આને ભય કેમ નથી? સુદેષ્ણા પણ સ્ત્રી તરીકે પોતાના ભાઈની હત્યારી હોવા છતાં એને સમભાવે જુએ છે. લોકો કૌતુકવશ છે. અમાત્યમંડળ સૈરન્ધ્રીને મરણચિતા પર ચડાવી તત્કાળ અગ્નિદાહ દેવાનો દંડ કરે છે અને દ્રૌપદીની આંખ સમક્ષ દ્યૂતસભા ફરી સજીવન થાય છે. માણસ પોતાની ઓળખ જતી કરીને સ્વાંગ ધારે છે ત્યારે એ ‘નરવી નિજતા ખોઈ’ બેસે છે. દ્રૌપદીને સામે આવેલ અંતમાં નવો અભ્યુદય દેખાય છે, જ્યાં ઓળખની શિક્ષા દીધા વિના મત્સ્યવેધની પરીક્ષા થશે અને ‘નિજતામાં સહુ પાછાં વળશે.’ સસ્મિત વદને એ ચિતા પર ચડી બેસે છે. મનોમન પુનઃ સ્વયંવર રચે છે, જેમાં કર્ણ કુસુમાયુધ વડે નયનથી જ મત્સ્યવેધ કરી ‘નિજતા સહજ પરસ્પર સોંપી’ને વરમાળા પહેરે છે. ચિતાને આગ લગાડવામાં આવે છે પણ જ્વાળા કાષ્ઠને અડતી નથી. યાજ્ઞસેની દ્રૌપદી તો ‘હતી જન્મથી ભડભડ બળતી, નિજથી છૂટી નિજમાં ભળતી; નિત્ય કોઈને મનથી મળતી, નિજમાં બળવા પાછી વળતી’ હતી.

સૂર્ય પૂર્ણ કળાએ એમ તપી રહ્યો હતો, જાણે ચારે દિશાઓમાં આગ લાગી હોય. સર્વ દશાઓ અનુપમ અને સર્વ દિશાઓ નિકટ લાગે છે. પાંચે પાંડવ વ્યાકુળ ઊભા છે પણ સૃષ્ટિનું આ નર્તન જાણે કે અનંત છે. કાવ્યારંભે જે સાંજ વિવશ હતી અને આકાશ નિરાધાર હતું એ કાવ્યાંતે અનંતતામાં પરિણમે છે. તમામ ઉંબરાઓ ઓળંગીને તેજ નગરભરમાં પ્રસરી રહ્યું છે. દિશાઓ સતત એ રીતે અને એટલો વિસ્તાર પામી રહી છે કે સૂર્ય કદી આથમી જ નહીં શકે. ચિતાએ ચડેલી સૈરન્ધ્રીનું પછી શું થયું એ કહ્યા વિના કવિતા સમાપ્ત થાય છે. આમેય કવિતાનો આ ફાંટો પ્રચલિત મહાભારતથી ક્યારનો અલગ થઈ ગયો છે. કવિ કલાકાર છે, ઇતિહાસકાર નથી. કવિનો ઉદ્દેશ સૈરન્ધ્રી વેશધારી દ્રૌપદીની ભીતરની સ્ત્રીને તાગવાનો છે. એક પુરુષે પાંચેક હજાર વર્ષ પહેલાંની ઘટનાઓને સામેથી જોઈને આલેખી હતી, અને એક બીજો પુરુષ પાંચેક હજાર વર્ષ બાદ એ ઘટનાઓમાંની એકાદની ભીતર જઈને ઘટના કરતાંય પાત્રોના મનોભાવને આલેખવાનો પુરુષાર્થ કરે છે. બંનેમાં જમીન-આસમાનનો તફાવત છે, પણ બંને જ નખશીખ આસ્વાદ્ય છે.

ગ્લોબલ કવિતા : ૧૨૯ : લીલી દ્રાક્ષ – અનામી (ગ્રીક)

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
તારી સૂકી દરાખના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?

– અનામી (ગ્રીક)
(અંગ્રેજી પરથી અનુ. વિવેક મનહર ટેલર)

જીવન નાશવંત છે… પ્રતીક્ષા ચિરકાલીન છે… પ્રેમ અમર છે…

જીવન નાશવંત છે, પ્રેમ શાશ્વત છે એમ કહેનારા કહી ગયા છે, અને આપણે સાંભળતા તથા ડોકું હલાવીને અનુમોદન આપતા આવ્યા છીએ. પ્રેમ કઈ લાગણીનું નામ છે એ વ્યાખ્યાયિત કરવામાં કવિઓએ અને ચિંતકોએ જિંદગીઓની જિંદગી વિતાવી દીધી પણ આ કંઈક એવી અનુભૂતિ છે જેને કોઈ નિશ્ચિત ચોકઠાંમાં કદી બેસાડી શકાઈ નથી અને બેસાડી શકાશે પણ નહીં. વ્યક્તિએ વ્યક્તિએ પ્રેમ, પ્રેમની વ્યાખ્યા અને અનુભૂતિ અલગ-અલગ હોવાની. એક જ વ્યક્તિ માટે પણ અલગ-અલગ સમયે અને અલગ-અલગ વ્યક્તિઓ માટેની પ્રેમની વ્યાખ્યા ભાગ્યે જ એકસમાન હોઈ શકે છે. સાચા પ્રેમ માટે આવું કહી શકાય:

હક, અપેક્ષા, શક, અહમના પંકની વચ્ચેથી કોઈ,
પદ્મ સમ નિર્મળ અગર ખીલી શકે એ પ્રેમ છે.

પણ અધિકાર, અપેક્ષા વગેરનો કાદવ સ્પર્શી જ ન શકે એ રીતે દુનિયામાં ભાગ્યે જ પ્રેમનું કોઈ કમળ ખીલતું હશે. પ્રેમ થાય એટલે ક્રમશઃ સંબંધમાં મમત્વ, આશાઓ, અહંકાર વગેરે બદીઓ આરબના તંબુમાં જે રીતે ઊંટ ઘૂસ્યું હતું એમ પગપેસારો કરે છે અને નાક, માથું, ગરદન કરતાં-કરતાં જે રીતે ઊંટ આખુ તંબુમાં ઘૂસી જતાં આરબનો તંબુનિકાલો થયો હતો એ રીતે સંબંધમાંથી પ્રેમનું બાષ્પીભવન થઈ જતું જોવા મળે છે. ફક્ત જે સંબંધો અધિકારભાવે બંધાતા નથી એમાં જ સ્નેહ આખર સુધી ટકી રહેલો જોવા મળે છે. કદાચ એટલે જ પતિ-પત્ની કરતાં દોસ્તો વચ્ચેનો પ્રેમ વધુ મજબૂત અને દીર્ઘાયુ જોવા મળે છે. આજે જે કવિતાની વાત કરવી છે એમાં વાત તો પ્રેમની જ છે, પણ વધતી જતી વય પણ સાથે સંકળાયેલ જોવા મળે છે.

ડૂડલી ફિટ્સે અંગ્રેજી અનુવાદ કરેલ આ કવિતા સેંકડો સદીઓ પહેલાં કોઈ અનામી ગ્રીક કવિએ લખી હતી. કવિતાનો રચનાકાળ ચોક્કસ કરી શકાયો નથી. ગ્રીક સાહિત્યમાં એ જમાનામાં સ્ત્રી-પુરુષના અંગ-ઉપાંગ અને કામક્રીડાની બેબાક કવિતાઓ સહજ હતી. વૃદ્ધ સ્ત્રીઓની નિર્લજ્જ મજાક પણ એવી જ સામાન્ય હતી. તું તારા વાળ રંગી શકશે પણ ઉંમરને નહીં. તું રાત્રે તારા દાંત જ નહીં, તારી પથારીમાંની આવડત પણ બાજુએ મૂકીને સૂઈ જાય છે. રંગરોગાન તને હેકુબામાંથી હેલન નહીં બનાવી શકે. વૃદ્ધા સાથે સૂવા કરતાં પોતાનું ખસીકરણ કરાવવું યોગ્ય છે એવો મત પણ પ્રવર્તતો. આપણે ત્યાંય પરિસ્થિતિ કંઈ અલગ નથી. શંકરાચાર્ય લખી ગયા: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે કહ્યું: “સૂંઘે ન કો કરમાઈ જૂઈ”

ત્રણ પંક્તિની આ કવિતાને ઘણાએ હાસ્યસ્પદ ગણી છે. ઘણા આ કવિતાને કવિતા જ ગણતા નથી. પણ આ ત્રણ જ પંક્તિની નાનકડી રચના ધ્યાન આપીએ તો જીવનની સૌથી અગત્યની બે વાત- પ્રેમ અને વધતી વયની- કરે છે, એ તરત જ સ્પર્શી જાય એવી છે. રચના ખૂબ સરળ છે પણ એના સંદર્ભે ઘણું વિચારી શકાય એમ છે. કવિ કહે છે, તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી સૂકી દરાખ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો? પ્રાચીન ગ્રીસની વાત કરીએ તો વૃદ્ધ પણ આકર્ષક સ્ત્રીઓને સ્વીકાર્ય ગણતા વૃદ્ધ પુરુષો પણ હતા. અહીં રજૂ કરેલી કવિતા એવા જ કોઈક અનામી કવિએ લખી હશે જે ઈસુના જન્મથી સોએક વર્ષ પહેલા થઈ ગયેલા ફિલોડેમસની કાવ્યનાયિકાઓમાંની એક, વૃદ્ધ પણ ઘાટીલા સ્તનવાળી કામુક ચેરિટો જેવી કોઈક સિનિયર સિટિઝન માટે લખાઈ હશે.

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ દ્રાક્ષ સાથે કેવા ‘મેચ’ થાય છે ! આ સિવાય જોઈએ તો કોઈ પણ ફળનો સંદર્ભ પરિણામ સાથે સંકળાયેલો હોય છે. ફળ બીજનું અંતિમ પરિણામ છે. બીજમાંથી કૂંપળ, છોડ-વૃક્ષ, ફૂલ અને આખરે ફળ. ફળનો એક અર્થ જ પરિણામ છે. મહેનતના ફળ કોને મીઠાં ન લાગે? ભગ્વદગીતા પણ કર્મ અને ફળના પાયા પર રચાયેલી છે. ફળોમાં દ્રાક્ષ પરિણામ, પુરસ્કાર અને પરિતોષનું પ્રતીક ગણાય છે. સ્વપ્નશાસ્ત્રમાં સ્વપ્નોમાં આવતા વિવિધ પ્રકારના દ્રાક્ષના સંદર્ભોના અર્થ જોવા મળે છે અને મોટાભાગના હકારાત્મક છે. દ્રાક્ષ તો આમેય પ્રણયનું અર્ક ગણાય છે. દ્રાક્ષાસવનો ઇતિહાસ કદાચ માનવ-ઇતિહાસ જેટલો જ પુરાણો છે. ઇજિપ્તના પિરામિડોમાંથી પણ દ્રાક્ષાસવના પુરાવાઓ મળી આવ્યા છે. રોમન પુરાણકથાઓમાં બક્ચુસ (Bacchus) નામના દેવતાનો ઉલ્લેખ છે, જે ખેતી, શરાબ અને ફળદ્રુપતાનો દેવતા છે અને દ્રાક્ષ એનું પ્રતિનિધિત્વ કરતું ફળ છે. દ્રાક્ષને કામોત્તેજક ફળ ગણવામાં આવે છે. ભરાવદાર અને રસદાર હોવાના નાતે વિશ્વસાહિત્યમાં ઠેકઠેકાણે દ્રાક્ષને સ્ત્રીના પ્રતીક તરીકે પ્રયોજવામાં આવી છે. સોફા પર આડી પડેલી સ્ત્રી દ્રાક્ષનો ઝુમખો હોઠ તરફ લાવે અથવા પ્રેમી આ કામ કરે એ દૃશ્ય ચિત્રકળા, કવિતા-નાટક-ચલચિત્રોના માધ્યમથી જનસમૂહના માંસ પર કામકેલિના રણશિંગા સમું અંકાઈ ચૂક્યું છે. દ્રાક્ષના બી અને છાલ વયપ્રતિકારક (anti-aging) દ્રવ્યોથી ભરપૂર હોય છે. પ્રસ્તુત રચના દ્રાક્ષના સ્ત્રી અને વય –બંને સાથેના સંદર્ભો એકીસાથે ઊઘાડવાનું કામ કરે છે. વધતી વય કોને નથી સતાવતી?

ઊંમરના કબાટમાં સાચવીને રાખેલો કાઢ્યો મેં બહાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

-મૂંછમાં ઊગી આવેલા પહેલા સફેદવાળની અક્ષુણ્ણ અનુભૂતિથી લઈને જીવનના અંત સુધી ઘડપણ માણસજાતને સતાવતું આવ્યું છે. ચહેરા પર મૂંછનો પહેલો દોરો ફૂટે એ અનુભૂતિ જેટલા ગર્વભરી હોય છે, એટલી જ મૂંછમાં પહેલા ધોળા વાળના દર્શનની અનુભૂતિ કષ્ટભરી હોય છે. નરસિંહ મહેતા જેવા સંતકવિ પણ યૌવન અને ઘડપણની માયાજાળથી અછતા નહોતા રહી શક્યા: ‘ઘડપણ કેણે મોકલ્યું? –જાણ્યું જોબન રહે સૌ કાળ.’ નર્મદ જેવો ભડવીર પણ ગાઈ ગયો: ‘હરિ, તું ફરી જોબનિયું આપે.’ ચિરયૌવનની કામના આદિકાળથી રહી છે. વૃદ્ધાવસ્થાને પચાવવું હંમેશા કપરું જ રહ્યું છે. પુરાણકાળમાં તો એક જ યયાતિ હતો જેણે પોતાનું યૌવન સાચવી રાખવા માટે પોતાના સંતાનની યુવાનીનો ભોગ પણ સ્વીકાર્યો હતો પણ ખરું જોઈએ તો એકેય અપવાદ વિના આપણા સૌની અંદર એક યયાતિ રહેલો છે જે સદૈવ સદાકાળ નિતાંત યૌવન જ ઝંખે છે.

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે (મુકુલ ચોકસી)

મહાભારતના યક્ષ પ્રશ્નોમાંનો એક આ હતો: ‘સૃષ્ટિનું સૌથી મોટું આશ્ચર્ય કયું?’ અને યુધિષ્ઠિરે જવાબ આપ્યો હતો કે જરા અને મૃત્યુ અફર હોવા છતાં દરેક માણસ એ જ રીતે જીવે છે જાણે એ કદી ઘરડો થવાનો નથી કે મરવાનો નથી; આ દુનિયાનું સૌથી મોટું આશ્ચર્ય છે. ચૌદસો વર્ષ પહેલાં ભર્તૃહરિએ શૃંગારશતકમાં કહ્યું હતું:

इदमनुचितमक्रमश्च पुंसां
यदिह जरास्वपि मान्मथाः विकाराः ।
तदपि च न कृतं नितम्बीनां
स्तनपतनावधि जीवितं रतं वा ।।

(વૃદ્ધાવસ્થામાં પણ પુરુષોને કામવિકાર થાય છે એ અયોગ્ય અને મર્યાદાનો લોપ છે. એ જ રીતે એ પણ અયોગ્ય છે કે સુંદરીઓના જીવનને અને રતિક્રીડાને સ્તનોનું પતન થાય ત્યાં સુધી જ નથી રાખ્યા.) આપણે ત્યાં એવું પણ લોકનિરીક્ષણ છે કે ‘સ્ત્રીયા જોબન ત્રીસ વર્ષ.’

વધતી વય ઉપરાંત બીજી એક વાત પણ ધ્યાનાર્હ છે. જેમ પ્રતીક્ષા પ્રેમનો પ્રાણ છે તેમ વફાદારી આ કાવ્યનો પ્રાણ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની તો આખી વાડીની વાડી હોય. પણ નાયકની તો અર્જુનનજર છે. જેમ અર્જુનને સાથી કૌરવો-પાંડવો, વાટિકા-વૃક્ષ, ડાળ-પાંદડા અને પંખી –કશું જ નહીં, માત્ર ને માત્ર પંખીની આંખ જ દેખાતી હતી એમ કાવ્યનાયક પણ એક જ દ્રાક્ષની વાત કરે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને પ્રત્યેક ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અહીં ‘સ્વ’ જ ‘સર્વસ્વ’ છે. નાયક નાયિકા ભરયૌવના હતી ત્યારથી એના પ્રેમમાં છે પણ કોઈક કારણોસર નાયિકાએ આ પ્રેમનો એ સમયે સ્વીકાર કર્યો નથી. કવિતામાં આ માટેનું કોઈ કારણ નિર્દેશાયું નથી ને કવિતાને આમેય કારણો સાથે સંબંધ હોવો બિલકુલ આવશ્યક હોતું નથી. નાયિકાનો ઇનકાર બરકરાર રહ્યો છે એની સમાંતરે જ નાયકનો એકરાર પણ અકબંધ રહ્યો છે. સમય સાથે વય ઢળવા આવી છે, એવા પરિપક્વ તબક્કે પણ નાયિકા નાયકના ઈજનને ઠુકરાવે છે. મતલબ કારણ જે પણ હોય, નાયિકાની ના કોઈ મુગ્ધાની અણસમજમાંથી જન્મેલી ના નથી. નાયિકા હવે પરિપક્વ સ્ત્રી બની ચૂકી છે. મતલબ એનો નકાર પણ એટલો પુખ્ત જ હશે. તો સામા છેડે નાયક પણ હવે છેલબટાઉ આશિક રહ્યો નથી. એ પણ પાકટ બન્યો છે. અને હજી એણે આશા ત્યજી નથી. હજી એણે નાયિકા સિવાય બીજા કોઈનો હાથ ઝાલ્યો નથી. એ હજીય પૂર્ણ પ્રામાણિકતાથી નાયિકાની ‘હા’ની પ્રતીક્ષામાં છે. એનો પ્રેમ પણ એની વયની સાથે પુખ્ત અને સમજદાર બન્યો હશે. નાયિકાના નકારનું કોઈ કારણ નથી. નાયકના પ્રણયનું કારણ કવિ કલાપી આપી ગયા હતા: ‘પ્રેમને કારણો સાથે સંબંધ કાંઈયે નથી, કારણ પ્રીતિનું પ્રીતિ, પ્રેમીની તેહ લક્ષ્મી બધી.’

મુગ્ધાવસ્થા ગઈ, પરિકવતા પણ ગઈ, હવે વૃદ્ધાવસ્થા આવી ઊભી છે. નાયિકાથી નકાર છૂટતો નથી, નાયકથી ઇંતેજાર છૂટતો નથી. પ્રિયતમાની વધતી વયને ઉનાળાના દિવસ સાથે સરખાવવાનો ઇનકાર કરીને શેક્સપિઅરે ૧૮મા સૉનેટમાં સૌંદર્ય નાશવંત હોવાનું સ્વીકારીને પ્રિયતમાના સૌંદર્યને કવિતામાં કેદ કરીને અમરત્વ આપવાની કોશિશ કરી હતી એ આ તબક્કે યાદ આવી જાય. પણ પ્રસ્તુત કવિતાનો નાયક વધુ વાસ્તવદર્શી છે. એ સવાર, બપોર અને સાંજના સૂરજને સ્વીકારીને ચાલે છે. પણ હવે મનુષ્યસહજ અપેક્ષા એના અત્યાર સુધીના એકતરફા પણ નિરપેક્ષ પ્રેમમાં પ્રવેશે છે. નાયિકાની ચામડી પર પડેલી કરચલીઓ અને ધોળાં થયેલાં વાળ એની નજરે પડે છે, ત્યારે એને એ પણ અહેસાસ થતો હશે કે એ પોતે પણ સંધ્યાચળે આવી ઊભો છે. એના પ્રેમનું હવે આ તબક્કે પણ કોઈ વળતર નહીં મળે તો શક્ય છે કે એણે ખાલી હાથે જ કબરમાં સૂવાનું થાય. પણ આટઆટલા દાયકાઓની એકધારી પ્રતીક્ષા બાદ કદાચ ખાલી હાથે ને ખાલી હૈયે જ મરી જવાનું એને સ્વીકાર્ય નથી. નાયિકા તરફની વફાદારી, એની એક ‘હા’નો ઇંતેજાર નાયકનું અત્યાર સુધીનું જીવનપાથેય હતું. પ્રતીક્ષાની ચરમસીમાએ ‘સમગ્ર’ની અપેક્ષાનો લોપ થવા માંડે છે. જીવનની સંધ્યાએ આ અપેક્ષા એક ‘આખી’ દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત થઈ જાય છે. અપેક્ષાની પરાકાષ્ઠાએ ફરિયાદ પણ સામેલ થાય છે. નાયિકાએ પણ કદાચ આજીવન કોઈ સાથીને અપનાવ્યો લાગતો નથી. એ છતાં એ નાયકના એકધારા પ્રેમ અને સમય-સમય પરના એકરાર અને સ્વીકારની માંગણીને સ્વીકારતી નથી એટલે અંતે નાયકથી માનવસહજ ફરિયાદ કર્યા વિના રહેવાતું નથી. ગાલિબે પણ થાકીને કહ્યું હતું: आह को चाहिए इक उम्र असर होने तक, कौन जीता है तेरी ज़ुल्फ़ के सर होने तक। आशिक़ी सब्र-तलब और तमन्ना बेताब, दिल का क्या रंग करूँ ख़ून-ए-जिगर होने तक। આખી ઉમર આહ કરવામાં અને પ્રેમને ધીરજ ધરવાનું શીખવાડવામાં વીતાવી તો ખરી પણ અંતે બેતાબ તમન્ના ફરિયાદ કરે છે: કંઈક તો આપ. પૂરું નહીં તો અસ્તિત્વનો એક અંશ તો આપ. આખી જિંદગી મને નકાર્યે રાખવો શું જરૂરી છે? શું મને એક બટકુંય નહીં મળી શકે? પ્રેમના એક ટુકડા માટેય મને નકારવો શું જરૂરી જ છે? નાયકની સ્વગતોક્તિનું આ કાવ્ય આ રીતે ફરિયાદમિશ્રિત અપેક્ષાના ઉંબરે આવીને પૂરું થાય છે.

‘કહીં લાખો નિરાશામાં અમર આશા છુપાઈ છે’ (મણિલાલ દ્વિવેદી) અમર આશાના તાંતણાને પકડીને જીવી રહેલા આ નાયકને જોઈને ફરી એકવાર આદિ શંકરાચાર્ય યાદ આવી જાય:

अंगं गलितं पलितं मुण्डं
दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहित्वा दण्डं
तदपि न मुच्यत्याशापिण्डम् ॥

અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

જીવન નાશવંત છે, પ્રતીક્ષા ચિરકાલીન છે પણ પ્રેમ અમર છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી યથાતથ્ રહે છે એ કેટલી મોટી વાત ગણાય! પણ પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને, એની ચિરંતન વફાદારીને અને સનાતન પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

ગ્લૉબલ કવિતા : ૧૨૮ : જાગ ને જાદવા – મનહર મોદી

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

– મનહર મોદી

જગતના તાતથી પોતાની જાત સુધી

ઊંઘમાંથી ઊઠવું અને જાગવું બે ક્રિયા પહેલી નજરે તો સમાનાર્થી લાગે છે. પણ થોડું ધ્યાન દઈએ તો બન્નેમાં જમીન-આસમાનનો ફરક છે. સવારે રોજ ઊંઘમાંથી આપણે બધા ઊઠી જઈએ છીએ. કૂકડાની બાંગ તો હવે ગાયબ થઈ ગઈ છે, પણ આપણા શરીરમાંની જૈવિક ઘડિયાળ સવાર પડતાં જ ઍલાર્મ વગાડે છે અને આપણાં બે પોપચાંની વચ્ચે અજવાળાનું કાજળ અંજાતાં આપણી આંખો ઊઘડે છે. ઊઠવાની આ ક્રિયા તો સાર્વત્રિક છે અને દુનિયાના તમામ સજીવો માટે એ સાહજીક પણ છે, પરંતુ જાગવાની ઘટના તો બહુ ઓછાના જીવનમાં આવે છે. ઊઠવાની વાત એટલે ચર્મચક્ષુ ખુલવાની વાત. જાગવાની વાત અંતર્ચક્ષુ સાથે સંકળાયેલી છે. જે ઘડીએ આપણા અંતર્ચક્ષુ ખુલે છે એ ઘડી ખરી જાગૃતિની ઘડી છે. એ ઘડીએ આપણે કહી શકીએ કે માંહ્યલો જાગી ગયો છે. કવિ મનહર મોદીની આ ગઝલ જાગવાની વાત લઈ આવી છે.

મનહર મોદી. ૧૫-૦૪-૧૯૩૭ ના રોજ અમદાવાદ ખાતે જન્મ. પિતા શાંતિલાલ. માતા ગજીબા. પત્ની સુહાસિની. અભ્યાસકાળ દરમિયાન બે’ક વર્ષ કાપડબજારમાં સેલ્સમેન તરીકે અને પછી ૧૯૫૮થી ૬૬ સુધી રેલવેમાં ક્લર્ક તરીકે કામ કર્યું. ૧૯૬૬માં જ ગુજરાત યુનિવર્સિટીમાંથી ગુજરાતી અને સંસ્કૃત સાથે એમ.એ. કર્યું. શરૂમાં ડાકોર અને પછી અમદાવાદ ખાતે નિવૃત્તિ સુધી અધ્યાપક તરીકે સેવા બજાવી. અનેક સામયિકોના સંપાદક રહ્યા. ૧૯૫૬ની આસપાસ ‘કવિતા’ અને ‘કુમાર’ના માધ્યમ થકી કવિ તરીકે એમનો ઉદય થયો. ૨૬ વર્ષની વયે પ્રથમ કાવ્યસંગ્રહ આપ્યો. ગુજરાતી સાહિત્યમાં આધિનિકતાની ચળવળના મુખ્ય પ્રણેતાઓમાં મોખરેના એક. બહુચર્ચિત અને બહુખ્યાત ‘રે મઠ’ના સ્થાપકોમાંના એક. એની પ્રવૃત્તિઓ અને બળવાખોરીમાં પ્રધાન પ્રદાન. ૨૩-૦૩-૨૦૦૩ના રોજ અમદાવાદ ખાતે જ નિધન.

ગુજરાતી ગઝલ ‘ગુજરાતી’ બની એ પછી લાંબો સમય નકરી પરંપરાની ગઝલ બની રહી. પરંપરાની ગુજરાતી ગઝલને નવો વળાંક આપવામાં જે થોડા નામોનું નોંધનીય યોગદાન છે એમાં મનહર મોદીનું નામ ભૂલી ન શકાય. આદિલ મન્સૂરીએ કહ્યું હતું: ‘ગુજરાતી ગઝલસાહિત્યનો આ આપણો પહેલો ઍબ્સર્ડ ગઝલકાર છે અને કદાચ છેલ્લો પણ.’ પ્રયોગખોરીના બેતાજ બાદશાહ. જો કે એમની પ્રયોગખોરી ‘રે મઠ’ સ્થાપ્યો એ પહેલાંથી જોવા મળે છે. મનહર મોદીના નસીબે બે પ્રકારના વાચકો આવ્યા. એક, નાકનું ટેરવું ચડાવી ભાગી જનારા અને બીજા, એમના પર ઓળઘોળ થઈ જનારા. સામા પક્ષે વાચકોના નસીબે પણ ચિનુ મોદીના મતે બે મનહર મોદી આવ્યા: એક, શુદ્ધ પરંપરાના શાયર અને બીજા, વિશુદ્ધ પ્રયોગશીલ. જો કે પરંપરાની ગલીમાંથી નીકળીને પ્રયોગના મહોલ્લામાં રખડવા નીકળેલી એમની ગઝલોએ પાછળથી બંનેના સુભગ સમન્વયથી સદભાગ્યે નવું સરનામું મેળવ્યું હતું. એમની ગઝલોનું ભાવજગત ક્યારેક અટપટું અને સંદિગ્ધ લાગે છે, ઘણીવાર પ્રાથમિક સ્તર પર પ્રત્યાયન કરવામાં સરિયામ નિષ્ફળ જાય છે, ગઝલને આધુનિક બનાવવા માટેના ભાષાકર્મ પાછળના આયાસ ઘણીવાર છતા થઈ જય છે અને ક્યાંક કાવ્યત્તત્વનો અગ્નિ મંદ પણ પડેલો અનુભવાય છે, એ છતાં ચુસ્ત છંદ અને કાફિયા-રદીફની અવનવી રવાની વડે શેરિયત સિદ્ધ કરવામાં એ ભાગ્યે જ પાછા પડ્યા છે. મણિલાલ પટેલ લખે છે: ‘છંદ-લયમાંથી બહાર આવીને જીવનની વિચ્છિન્નતાને છિન્નલયમાં અભિવ્યક્ત કરતી એમની કવિતા અર્થથી મુક્ત થઈને ‘નર્થ’ સુધી જાય છે.’ કવિએ પોતે કહ્યું છે કે, ‘આ ક્રિયેટિવ પ્રોસેસનો મામલો છે. અહીં શબ્દને નહીં, શબ્દ દ્વારા નવા શબ્દ ભણી સહજ રીતે જતા ભાવને કેવળ ‘સમજવાનો’ નહીં, ‘અનુભવવાનો’ છે, ‘પામવાનો’ છે. અહીં ‘અર્થ’માંથી ‘અનર્થ’ ભણીનો ચેતોવિસ્તાર છે.’

‘જાગ ને જાદવા’ રદીફવાળી સાત શેરની આ ગઝલ છે. પરંપરા અને પ્રયોગકાળ પછી બંનેથી સમન્વયિત થયેલા કવિની આ રચના છે. અહીં પરંપરા અને આધુનિકતાનું ન સાંધો-ન રેણવાળું સાયુજ્ય છે. નરસિંહ મહેતાના બે’ક પદોમાં આપણને ‘જાગ ને જાદવા’ મળી આવે છે. એક, ‘જાગને જાદવા ! જનની જશોદા ભણે કહાનજી, કાં ઘણી નિદ્રા આવે?’ અને બીજું અતિ લોકપ્રિય ‘જાગને જાદવા ! કૃષ્ણ ગોવાળિયા ! તુજ વિના ધેનમાં કોણ જાશે?’ આ અતિ લોકપ્રિય બનેલા પદના ઉપાડને કવિએ ગઝલની રદીફ બનાવી છે. એમ કહી શકાય કે નરસિંહ જ્યાંથી શરૂઆત કરે છે, મનહર ત્યાં સમાપ્ત કરે છે. નરસૈયો જગતના ‘તાત’ને જગાડવા આર્દ્ર સ્વરે વિનંતી કરે છે, મનહર મોદી પોતાની ‘જાત’ને જગાડવા તારસ્વરે ગાય છે. નરસિંહનો ‘જાદવા’ અને મનહરનો ‘જાદવા’ એક નથી. નરસિંહ કૃષ્ણને જગાડવાની વાત કરે છે, મનહર મોદી ખુદને. પાંચ-છ સૈકા પહેલાં લખાયેલ એ પદ ભક્તિ હતી, આજની આ ગઝલ કવિતા છે. મનહર મોદી છ સદીઓના આપણા સંસ્કારોને એકરસ કરીને આજના જમાનાના નરસૈંયાનું ભજન ગઝલસ્વરૂપે આપણને આપે છે. નરસિંહ મહેતાના અતિપ્રિય અને ‘જાગ ને જાદવા’ પદમાં પ્રયોજાયેલ ઝુલણા છંદના ફારસી-કઝિન જેવા ‘મુતદારિક મુસમન સાલિમ’ છંદના ગાલગાના સંગીતમય ચાર આવર્તનોથી આ ગઝલની લયાત્મક્તા વધે છે. વળી રદીફના ‘જાદવા’ની સાથે કાફિયાના ‘તાગવા’-‘માપવા’ વિ.નો આંતર્પ્રાસ પણ ચુસ્ત મળતો હોવાથી શ્રુતિરમ્ય નાદમાધુર્ય પણ જન્મે છે, જાણે દરેક શેરમાં બે કાફિયા ન હોય! એક પછી એક શેર જોઈએ:

તેજને તાગવા, જાગ ને જાદવા
આભને માપવા, જાગ ને જાદવા

મત્લાના શેરમાં અડધોઅડધ જગ્યા તો ખાલી રદીફ જ રોકી લે છે. પરિણામે શેર બનાવવા માટે કવિ પાસે બંને મિસરામાં માત્ર બે જ શબ્દની સા…વ સાંકડી જમીન બચે છે. આવામાં શેર કહેવો અને એ પણ ચુસ્ત કાફિયા લઈને તથા કવિતા પણ સર્જવી એ સોયના કાણામાંથી હાથીને પસાર કરવા જેવું ખકુસુમવત્ કામ છે. સિદ્ધહસ્ત ગઝલકાર જ આવી હથોટીની કસોટીમાંથી પાર પડી શકે. કવિ આ ચેલેન્જ ઉપાડે છે અને સાંગોપાંગ ઉત્તીર્ણ પણ થાય છે. મનહર મોદીની ગઝલોની એક ખાસિયત એ કે એ સહેલાઈથી છેતરી જઈ શકે છે. જરામાં એ દુર્બોધ-દુર્ગમ લાગે તો ઘડીમાં બાળરમત. પણ જો શેરને ખોલી શકીએ તો છીપમાંથી મોતી જડવાનું સાનંદાશ્ચર્ય થાય એ નક્કી. એમની ગઝલો ‘હળવે તે હાથ, નાથ! મહીડાં વલોવજો’ની નીતિ-રીતિને વરેલી છે. કવિએ પોતે કહ્યું છે: ‘ગઝલ એટલે ૧૦૦ મીટરની દોડ. ૨૦૦-૪૦૦-૮૦૦ મીટરની દોડ કરતાં એનું ડિસ્ટન્સ ટૂંકું તેથી જ પહોંચવું અઘરું. એના ચૅમ્પિયનમાં ઝડપ ટાઇમિંગ ફૂટિંગ સ્ફૂર્તિ એક્યુરસીનું માપ આગવું. આ સ્વરૂપમાં કામ કરવાની અર્થાત્ એ દ્વારા મને પામવાની હંમેશાં મજા પડી છે. બે પંક્તિના શેરમાં સમાઈ જતું ગઝલનું રૂપ દરિયાના દરિયા ઉછાળી શકે છે.’

જાગવા માટેનું આહ્વાન તો છે પણ શા માટે જાગવાનું છે? તો કે તેજને તાગવા અને આભને માપવા. જે અતાગ છે અને જે અમાપ છે એને બાથમાં લેવાની વાત છે. ભર્તૃહરિના શતકત્રયીના પ્રારંભનો મંગળશ્લોક યાદ આવે:

दिक्कालाद्यनवच्छिन्नानन्तचिन्मात्रमूर्तये ।
स्वानुभूत्येकमानाय नमः शान्ताय तेजसे ॥

(દિશાઓ અને કાળ આદિથી જે સીમિત નથી એ અનંત અને ચૈતન્યસ્વરૂપ જેને એકમાત્ર સ્વાનુભવથી જ જાણી શકાય છે તે શાંત અને તેજસ્વી (પરમેશ્વર)ને નમસ્કાર). અને આ અસીમને તાગવા-માપવા-પામવા માટેની એક માત્ર રીત સ્વાનુભવ એટલે કે જાગૃતિ… અંતર્ચક્ષુ જે ઘડી ઉઘડશે એ જ ઘડી એ મૂળ બ્રહ્મના દર્શન થશે…

એક પર એક બસ આવતા ને જતા
માર્ગ છે ચાલવા, જાગ ને જાદવા

જીવન શરૂ થાય એ ઘડીથી સફરની પણ શરૂઆત થઈ જાય છે. અનવરત ચાલતા શ્વાસ પોતે એક સફર છે. મંઝિલ પૂર્વનિશ્ચિત છે, પણ સફર કદી પૂર્વનિશ્ચિત હોતી નથી. ક્યાં જવાનું ધાર્યું હોય અને ક્યાં પહોંચી જવાય એ કદી નક્કી થઈ શકે ખરું? પુરુષાર્થ ગમે એટલો પ્રબળ કેમ ન હોય, પ્રારબ્ધ એનો ભાગ અવશ્ય ભજવે છે. એક પછી એક વિકલ્પ જીવનમાં આવતા જ રહેવાના અને જતા જ રહેવાના… આપણે સહુ ચિરનિદ્રાની ઘાણીએ બંધાયેલા બળદની જેમ બસ ચાલ-ચાલ કરીએ છીએ પણ હકીકત એ છે કે इन उम्र से लंबी सडकों को मंज़िल पे पहुंचते देखा नहीं… કવિ મુખર થયા વિના આપણને આહ્વાન આપે છે અને સમજાવે છે કે જે ઘડીએ આપણા અંતર્ચક્ષુ ઊઘડશે અને બ્રહ્મની સન્મુખ થઈશું એ ઘડી જ સફર પરિપૂર્ણ થવાની ઘડી છે અન્યથા એક પછી એક માર્ગ આવતા જ રહેવાના…

આંખ તે આંખ ના, દૃશ્ય તે દૃશ્ય ના
ભેદ એ પામવા, જાગ ને જાદવા

સૃષ્ટિનું સર્જન થયું અને માણસ વિચારતો થયો એ ઘડીથી આ મથામણ ચાલે છે. હું કોણ છું? ક્યાંથી આવ્યો છું? શંકરાચાર્ય પણ કહે છે: कस्त्वं क: अहं कुत आयात: का मे जननी को मे तात: । इति परिभावय सर्वमसारं विश्वं त्यक्त्वा स्वप्नविचारम् ॥ (તું કોણ? હું કોણ ? હું ક્યાંથી આવ્યો? મારી મા કોણ? મારા પિતા કોણ? એમ વિચાર્યા કર. આ સર્વ જગત અસાર અને સ્વપ્નવત્ છે, તેનો ત્યાગ કર) આપણું આ આખું જગત એક સ્વપ્ન છે, ભ્રમણા છે એ તાંતણાના સત્યને અઢેલીને આ શેર બેઠો છે. જે છે એ નથી. જે દેખાય છે એ પણ નથી. દૃષ્ટિની પાર જઈ શકે છે એ જ પ્રજ્ઞાચક્ષુ છે. એતેરેય ઉપનિષદમાં કહ્યું છે: प्रज्ञानं ब्रह्म। જે જાગી શકે છે – જાગૃતિ અને પ્રજ્ઞાનો તફાવત સમજી શકે છે – એ જ બુદ્ધ થઈ શકે છે… બાકીના આશારામ થઈને અવનિ પર વિચરતા રહે છે.

શૂન્ય છે, શબ્દ છે, બ્રહ્મ છે, સત્ય છે
ફૂલવા ફાલવા, જાગ ને જાદવા

પુનરાવર્તન અને પુનરુક્તિ એ જ્ઞાનની કૂંચી છે. આપણે વાત સાંભળીએ છીએ અને ભૂલી જઈએ છીએ. ફરીથી એ વાત સાંભળીએ અને ભૂલતા થોડી વધુ વાર લાગે છે. ફરી ફરીને સાંભળીએ અને એ વાત આપણી અંદર કોતરાઈ જાય છે, આત્મસાત થઈ જાય છે. આપણા ઋષિઓએ એમના મંત્ર-સ્તોત્રમાં એક જ વાત વારંવાર ખરલમાં ઘૂંટવાનો ઉપક્રમ રાખ્યો હતો એના મૂળમાં આ જ વૃત્તિ નજરે ચડે છે. કવિ મનહર મોદી પણ આ જ પ્રથાને અનુસરતા હોય તેમ ब्रह्मं सत्यं, जगत्मिथ्या ની એક જ વાતનો તંત પકડીને અલગ અલગ રીતે રજૂ કરે છે અને ભાવકે જાગવું જ પડશે એ વાત તારસ્વરે કરતા હોય એમ લાગે છે. ‘જાગ ને જાદવા’ની પુનરુક્તિ પણ જાગવું જ રહ્યુંની આલબેલ પોકારે છે.

ગઝલ જેમ આગળ વધે છે એમ અર્થનું ઊંડાણ વધતું જાય છે. છેલ્લા ત્રણ શેરમાં તો પોત ખાસ્સું ગાઢું બને છે.

ઊંઘ આવે નહીં એમ ઊંઘી જવું
એટલું જાગવા, જાગ ને જાદવા

ઊંઘ આવી ન જાય એમ ઊંઘવું અને એટલું જાગવા માટે જાગવાની ટકોર- બંને મિસરામાં એક જ શબ્દની દ્વિરુક્તિથી કવિ જે ભાવ અભિવ્યંજિત કરે છે તે ભાવકને પ્રત્યેક પુનરાવર્તન પર નવી ચેતના બક્ષે છે. અહીં ‘ઊંઘ’ અને ‘જાગવું’ બંને ધ્યાન માંગી લે છે. કહે છે કે રામકૃષ્ણ પરમહંસની ભીતરમાં ઊંઘતા-જાગતા, ઊઠતા-બેસતા સતત હરિસ્મરણ ચાલ્યા કરતું. કોઈ રસ્તે ભૂલેચૂકે પણ ઈશ્વરનું નામ લઈ લે તો એ ત્યાં અને તે જ ક્ષણે ભાવસમાધિમાં સરી જતા. એક ભક્તના આગ્રહવશ એ એના દીકરાના લગ્નમાં ગયા અને કોઈએ દીકરા ગોવિંદને બૂમ પાડી અને રામકૃષ્ણ તો ભાવલીન થઈ ત્યાં જ નાચવા માંડ્યા… કવિને જે જાગૃતિ અભિપ્રેત છે એ આ ભીતરની જાગૃતિ છે…

આપણે, આપણું હોય એથી વધુ
અન્યને આપવા, જાગ ને જાદવા

ભીતરની સંપત્તિ એક એવી સંપત્તિ છે જે સાચવી રાખો તો જડી જડતી નથી અને વાપરો તો ખૂટી ખૂટતી નથી. ભર્તૃહરિ ‘નીતિશતક’માં વિદ્યા નામના આંતરિક ધન વિશે કહે છે: ह्यर्थिभ्य: प्रतिपाद्यमानमनिशं प्राप्नोति वृद्धिं पराम् । (યાચકને આપવામાં આવતાં જે સતત વૃદ્ધિ પામે છે). બહુ જાણીતું એક સંસ્કૃત સુભાષિત પણ આ જ વાત કરે છે: व्ययेकृते वर्धत एव नित्यं विद्याधनं सर्वधनं प्रधानम्। (વ્યય કરવાથી જે સદા વૃદ્ધિ પામે છે એ વિદ્યાધન બધા જ ધનમાં ઉત્તમ છે). આ કયા વિદ્યાધનની વાત છે જે સ્કૂલ-કોલેજ કે પુસ્તકોમાંથી મળે છે એ? ના, ત્યાંથી તો માત્ર ગોખેલું જ્ઞાન મળે છે અને એ માટે તો શંકરાચાર્ય કહી જ ગયા છે કે संप्राप्ते संनिहिते काले नहि नहि रक्षति डुकृञ करणे (જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે ગોખણપટ્ટી તારું રક્ષણ નહીં કરે, નહીં કરે). ભીતરની આ સંપત્તિ એટલે પ્રજ્ઞા. જિંદગીના બોધિવૃક્ષની નીચે બેસીને સ્વયંનો સાક્ષાત્કાર કરીએ ત્યારે એ હાથ આવે. અને આ લખલૂટ સંપત્તિ સાચવવાનો એકમાત્ર નિયમ ગમતાંનો ગુલાલ કરવો તે છે.

હું નથી, હું નથી, એમ જાણ્યા પછી
આવવા ને જવા, જાગ ને જાદવા

ચોર્યાસી લાખ ફેરાનું આવાગમન કરતા રહેતા આપણા સહુમાંથી બહુ ઓછા પોતાના અવનિપટ પર હોવા વિશેના કારણોના તારણોમાં પડવાની મથામણ કરતા હોય છે. જે લોકો આધિ-વ્યાધિ ને ઉપાધિમાં પડી રહે છે એ બધા મહેલની અંદર કેદ કરાયેલા સિદ્ધાર્થ છે. મહેલની દીવાલ બહાર નિસરીને જે લોકો વેદનાથી સમ-વેદના સુધી જઈ શકે છે એ જ મહાભિનિષ્ક્રમણના હકદાર બને છે. ગાલિબે કહ્યું હતું, डूबोया मुझ को होने ने, न होता मैं तो क्या होता ? સમસ્યા આપણા ‘હું’ની છે. આપણે ‘હું’ના અનુસ્વારનો બોજો વેંઢારી શકીએ તોય બસ. જે દુનિયા આપણા પહેલા પણ હતી જ અને બાદ પણ રહેવાની જ છે અને જ્યાં આપણું હોવું એ ઓજસ પાલનપુરીએ કહ્યા મુજબ, ‘આંગળી જળમાંથી નીકળી ને જગા પુરાઈ ગઈ’ જેવું ક્ષણભંગુર છે ત્યાં હવે વધુ સૂઈ રહેવું પાલવે એમ નથી. હવે જાગીએ તો સારું… કારણ કે ખરેખર તો જે ઘડીએ હું ‘હું નથી’નું સત્ય સમજાઈ જાય એ ઘડી જ अहं ब्रह्मास्मि (બૃહદારણ્યક ઉપનિષદ)ની ઘડી છે…

આપણો બેલી આપણા સિવાય બીજું નથી. બીજાના દીવાથી આપણી જિંદગી અજવાળાય નહીં. ‘તું તારા દિલનો દીવો થા ને’ જ સાચું અજવાસસૂત્ર છે. બુદ્ધના મતે આંતરિક અને બાહ્ય જીવનમાં યાત્રા કરવી હોય તો અંતરાત્માના અવાજને જ અનુસરવો પડે. બુદ્ધનું તો એક નામ જ ‘Awakened one’ હતું. ઓશો પણ કહી ગયા, ‘દુનિયાને જોવા માટે ક્યાંય બહાર દોડવાની જરૂર નથી. આ એક અંતર્યાત્રા છે. જાગતા રહીને જગતના દરેક અનુભવમાંથી પસાર થઈ ભીતરના ભેદ પામવાની આ વાત છે.’ પણ જાગૃતિ તરફની આ મુસાફરીની શરૂઆત ‘હું જાગૃત નથી’ના સંપૂર્ણ સ્વીકાર બાદ જ શક્ય છે. એ પછીની અવસ્થાને બદરાયણ ‘બ્રહ્મજિજ્ઞાસા’ કહે છે. વિવેકચૂડામણિમાં શંકરાચાર્ય કહે છે: ‘કોટિમાંથી એકને બ્રહ્મજિજ્ઞાસા લાધે અને જેને લાધે તેવા લક્ષમાંથી એક પાણી વગર માછલી તડપે એમ દર્શનને ઝંખે. એવી જ વ્યક્તિ આ માર્ગે આગળ વધે અને કદાચ જાગૃત થાય. બાકી તમે ૫૦૦૦ વર્ષ સુધી અવિરત નામજાપ, સત્સંગ, ગુરુસેવા, ભક્તિ ઈત્યાદી કરો તો પણ તે વ્યર્થ છે.’ ભ્રમનો સ્વીકાર જ ખરી જાગૃતિ છે. આ ગઝલ ત્યાંથી જ શરૂ થાય છે…

ગ્લૉબલ કવિતા : ૧૨૭ : ચુંબન – સારા ટિસડેલ

The Kiss

I hoped that he would love me,
And he has kissed my mouth,
But I am like a stricken bird
That cannot reach the south.

For though I know he loves me,
To-night my heart is sad;
His kiss was not so wonderful
As all the dreams I had.

– Sara Teasdale

ચુંબન

આશ હતી એ મને ચાહશે,
ને એણે ચૂમ્યું મુજ મુખ,
પણ હું જાણે ઘાયલ પંખી
દખ્ખન ન પહોંચું એ દુઃખ

જાણું છું એ મને ચાહે છે,
આજ રાત દિલ તો પણ ખિન્ન;
ચુંબન એવું નહોતું અદભુત,
જોયેલ સૌ સ્વપ્નોથી ભિન્ન.

– સારા ટિસડેલ
(અનુ.: વિવેક મનહર ટેલર)

पहला नशा… पहला खुमार…

પ્રથમની ઉત્તજનાથી વધુ બીજું કંઈ હોતું નથી. પ્રથમ શાળા, પ્રથમ સાઇકલ, પ્રથમ કાર, પ્રથમ પ્રેમ, પ્રથમ ચુંબન, પ્રથમ ઘર, પ્રથમ બાળક – પ્રથમની તો વાત જ અલગ. પહેલું એ કાયમ પહેલું જ રહેવાનું. અજોડ અને અનન્ય. સર્વોત્તમ. ને વળી ‘પહેલું’ કદી ફરીને આવતું નથી, માટે જ એની સરખામણી શક્ય જ નથી. કેટલાક લોકો પોતાના જીવનના આવા ‘પહેલા’ઓની યાદી બનાવતા હોય છે, તો કેટલાક એને યાદમાં સંગોપીને વિન્ટેજ વાઇનની જેમ આજીવન ચુસકી ભરતા રહે છે. કોલેજનો પહેલો દિવસ હોય કે લગ્નની પહેલી રાત- લોકો તડામાર તૈયારી કરવાનું ચૂકતા નથી. પહેલી પળનો રોમાંચ તસુભર માણવાનું ચૂકી ન જવાય એ માટે માણસ પોતાની જાતને દિવસો સુધી તૈયાર કરે છે. પણ ધમધોકાર તૈયારી બાદ મળેલું ‘પહેલું’ તમારી અપેક્ષા પર ખરું ન ઊતરે તો? તો શું થાય? સારા ટિસડેલની આ કવિતા આવી ‘પહેલા’ની નિષ્ફળતાની જ વાત કરે છે.

સારા ટ્રેવર ટીસડેલ. ૦૮-૦૮-૧૮૮૪ના રોજ સેંટ લૂઈ, મિસોરી, અમેરિકા ખાતે મેરી વિલાર્ડ અને જોન ટિસડેલના પૈસાપાત્ર ઘરે ચોથા અને છેલ્લા સંતાન તરીકે જન્મ. નબળા સ્વાસ્થ્યના કારણે ૯ વર્ષની વય સુધી ઘરે જ ભણ્યાં. સ્વાસ્થ્ય તો જોકે આજીવન નબળું જ રહ્યું અને એક નર્સ મોટાભાગનો સમય એમની સાથે જ રહેતી. સૌથી નાનાં અને તબિયતે કમજોર હોવાના કારણે રાજકુમારીની જેમ લાડમાં ઉછર્યાં. બોલતાં શીખ્યાં ત્યારે પહેલો શબ્દ એ ‘pretty’ (સુંદર) બોલ્યાં હતાં. ૧૯૦૩માં સ્નાતક થયાં. ૧૫ વર્ષની વયે પહેલી કવિતા લખી. ૧૯૦૭માં ૨૩ વર્ષની વયે એમની પ્રથમ કવિતા અને પ્રથમ કાવ્યસંગ્રહ –બંને પ્રગટ થયાં. પોતાની કવિતાઓ વધુને વધુ લોકો સુધી પહોંચે એ માટે તેઓ ખૂબ સતર્ક હતાં. એ જમાનામાં સોશ્યલ મિડીયાઝ તો નહોતા, એટલે સ્ત્રી તરીકેની ગરિમાને ઠેસ ન પહોંચે એ રીતે, પણ ખંતપૂર્વક તેઓ પોતાનો સંગ્રહ ટપાલ વડે યોગ્ય જગ્યાઓએ પહોંચે એની કાળજી લેતાં. જો કે પુલિત્ઝર વિજેતા ‘લવ સૉન્ગ્સ’ પુસ્તક એટલું લોકપ્રિય થયું કે એની એકાધિક આવૃત્તિઓ ટૂંકા ગાળામાં છાપવી પડી હતી. ત્રણેક વર્ષ ઘણા બધા પુરુષો સાથે પ્રેમસંબંધ રાખ્યા બાદ ૧૯૧૪માં અર્ન્સ્ટ ફિલસિંગરને પરણીને ન્યૂયૉર્ક સ્થાયી થયાં. બહુખ્યાત પુલિત્ઝર પ્રાઇઝની શરૂઆત ૧૯૨૨માં થઈ પણ એ પહેલાં ૧૯૧૮માં આ ઈનામ પહેલવહેલીવાર ‘સ્પેશ્યલ પ્રાઇઝ’ તરીકે સારાને આપવામાં આવ્યું હતું. વ્યવસાયાર્થે સતત પરિભ્રમણ કરતા પતિને ૧૯૨૯માં છૂટાછેડા લઈ એમણે ચકિત કરી દીધો. જૂના પ્રેમીઓમાંથી એક, હવે પરિણીત કવિ વચેલ લિન્ડસે સાથે ફરી સ્નેહસંબંધે જોડાયાં. એમનો છેલ્લો સંગ્રહ પ્રગટ થયો એ જ વર્ષની શરૂઆતમાં ન્યુમૉનિયાથી લાંબો સમય રિબાયા બાદ વધુ પડતી ઊંઘની ગોળીઓ લઈને માત્ર ૪૮ વર્ષની વયે ૨૯-૦૧-૧૯૩૩ના રોજ ન્યૂયોર્ક ખાતે એમણે આત્મહત્યા કરી. આત્મહત્યાના અઢાર વર્ષ પૂર્વે પ્રગટ થયેલા એમના કાવ્યસંગ્રહમાંની ‘આઇ શેલ નોટ કેર’ કવિતાને ઘણા લોકો એમની ‘સુસાઇડ નોટ’ ગણવાની ભૂલ કરે છે.

સારાની કવિતાઓ પ્રમુખ અંગ્રેજી કાવ્યધારાઓમાંની ‘ક્લાસિકલ’ ધારાને વરેલી છે. મુખ્યત્વે તેઓ તેમના ગીતો માટે વધુ જાણીતાં છે. ન્યૂયૉર્ક ટાઇમ્સે તો લખ્યું હતું: ‘મિસ ટિસડેલ પહેલાં, અંતે, અને હંમેશા એક ગાયિકા છે.’ પરવીન શાકિરની જેમ સારાના ગીતો એક સ્ત્રીના અંતરના ભીતરતમ પડળમાંથી ઊઠતો નિજી અવાજ છે, જે જેટલો સરળ લાગે છે એટલું જ ઊંડાણ ધરાવતો હોવાથી જનસમાજને વ્યાપક રીતે સ્પર્શી શક્યો છે. એમના જીવનકાળમાં તેઓ વાચક અને વિવેચક -બંનેના પ્રિય હતાં. માનવસંબંધના ઝીણેરાં સંવેદનો એમણે કુમાશથી કાંત્યાં છે. એમની કવિતાઓમાં લંબાઈ કરતાં ઊંડાઈ વધુ મહત્ત્વનો ભાગ ભજવે છે, જાણે ગાગરમાં સાગર ન હોય!

પ્રસ્તુત રચના ‘ચુંબન’ પણ આ વાતની પ્રતીતિ છે. માત્ર આઠ જ પંક્તિનું આ સાવ ટબુકડું પણ કેવું બળુકડું ગીત છે! અહીં માત્ર ચાર-ચાર પંક્તિઓના બે જ બંધ છે અને પંક્તિઓ પણ સાવ નાનકડી. અંગ્રેજીમાં પ્રચલિત આયમ્બિક પેન્ટામીટર (દસ શબ્દાંશ) વાપરવાના બદલે સારા એકી પંક્તિઓમાં ટેટ્રામીટર (આઠ શબ્દાંશ) અને બેકી પંક્તિઓમાં તો સાત જ શબ્દાંશ (સિલેબલ્સ) પ્રયોજે છે. કવયિત્રી ચુસ્ત પ્રાસ મેળવે છે, પણ માત્ર બેકી પંક્તિઓમાં જ. ગુજરાતી અનુવાદ પણ મૂળ અંગ્રેજી રચનાને અનુસરીને બેકી પંક્તિઓમાં ચુસ્ત પ્રાસ મેળવવાની સાથે એકી પંક્તિઓમાં આઠ ગુરુ અને બેકી પંક્તિઓમાં સાત ગુરુ માત્રાવિન્યાસ કરીને તાલમાં તાલ મિલાવવાની કોશિશ કરે છે. ટૂંકી પંક્તિઓ, ઓછી પંક્તિસંખ્યા, સરળ અને સહજ શબ્દો, ચુસ્ત પ્રાસ અને પ્રવાહી લયના કારણે રચના નખશિખ આસ્વાદ્ય બની છે.

પ્રથમ ચુંબનની અનુભૂતિનું આ ગીત છે. ચુંબન આમેય કવિઓનો પ્રિય વિષય રહ્યો છે. આ જ શીર્ષકધારી અન્ય એક ગીતમાં સારા કહે છે, ‘તેં મને ચૂમી એ પહેલાં માત્ર સ્વર્ગમાંથી વાતા પવનો અને વરસાદની ઋજુતાએ જ મને ચૂમી હતી, પણ હવે તું આવી ગયો છે તો એમના જેવા ચુંબનોની દરકાર હું કઈ રીતે રાખી શકું? દરિયો દક્ષિણના ગીતો ગાતા પવનો મને ચૂમવા મોકલે છે, પણ હું મારું મોઢું દૂર ફેરવી લઉં છું જેથી મારા હોઠ પરના તારા ચુંબનોની પવિત્રતા યથાવત જાળવી શકું અને એપ્રિલની પ્રકાશિત ઋતુના મીઠા વરસાદો પણ મારા હોઠ શોધી નથી શકતા, જેના પર ચુંબનો હજી જીવંત છે; હું મારું માથું નમાવી લઉં છું, જેથી જે રીતે વરસાદ તારાઓ બુઝાવી દે છે, મારી શોભા ઓલવી ન દે. હવે હું મારા પ્રેમીની છું અને એ મારો છે હરહંમેશ માટે, મહોર મારીને કાયમ માટે સીલ કરી દઈને. તમને શું લાગે છે, જ્યાં પહેલાં રાજા ઊભો હતો, ત્યાં હું ભિખારીને પ્રવેશવા દઈશ?’ ચુંબનનું આ ગીત ખાસ એટલા માટે આખું અહીં ઉતાર્યું છે કે અહીં પ્રથમ ચુંબનની મહત્તા સારાએ સ્થાપી છે અને જે રીતે અમિતાભ બચ્ચન સાથે હાથ મેળવ્યા બાદ એ સ્પર્શ ઊડી ન જાય એ માટે ઘણા લોકો ત્રણ-ચાર દિવસ સુધી હાથ ધોતા નથી હોતા એ જ રીતે સારા પ્રિયતમના ચુંબનને સાચવે છે. પણ જે કવિતાની આપણે અહીં વાત કરવા ધારી છે એમાં પ્રથમ ચુંબનની વાત આનાથી બિલકુલ વેગળી છે. અલગ-અલગ મનોસ્થિતિમાં એક જ કવિ એક જ અનુભૂતિને કેવી અલગ-અલગ રીતે તાગે છે એ પણ કેવું રસપ્રદ છે, નહીં?!

આ નાયિકાની એકોક્તિ-સ્વગતોક્તિ છે. નાયિકાને આશા હતી કે નાયક એને પ્રેમ કરશે. અને એણે એને મુખ પર ચૂમી લીધી. આ પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રેમ છે. પ્રેમના એકરાર અને ચુંબન વચ્ચે શૂન્ય સમયગાળો હોય એ સહેજે સમજી શકાય છે. નાયિકાને આશા હતી કે બંને વચ્ચેનો સંબંધ જે રીતે આકાર લઈ રહ્યો છે એ મુજબ ગમે ત્યારે નાયક પ્રેમનો એકરાર અને ચુંબન કરશે જ. બે પંક્તિની વચ્ચે ‘પણ’ના સ્થાને ‘(અ)ને’ પ્રયોજાયું છે એ સૂચક છે એ વાતનું કે ચુંબન પ્રેમના એકરારની સાથે જ વણાયેલી અભિવ્યક્તિ છે. બલ્કે, ચુંબન જ કદાચ પ્રેમના આવિર્ભાવને સંપૂર્ણ કરે છે. ચુંબન વિશેનું સારાનું અન્ય ગીત ‘નજર’ અહીં માણવું ગમે એવું છે:

ધવલ મને ચૂમ્યો વસંતમાં,
પાનખરમાં કલ્પન,
પણ નીરવે માત્ર જોયે જ રાખ્યું
ચૂમ્યો નહીં કદી પણ.

ખોવાઈ મસ્તીમાં ચૂમી ધવલની,
કલ્પનની રમતમાં,
પણ મને રાત-દિ પીડે ચૂમી જે
હતી નીરવની નજરમાં.

પ્રત્યક્ષ ચુંબન કરતાં પરોક્ષ ચુંબન ક્યારેક વધુ બળવત્તર અને વધુ દીર્ઘજીવી હોય છે એ વાત આ કવિતા કેવી સ-રસ રીતે કરે છે! આપણે જે રચનાની વાત માંડી છે એમાં પણ પ્રેમના આવિર્ભાવ સાથે જ પ્રત્યક્ષ ચુંબન પણ નાયિકાને ભેટ મળ્યું છે. પણ અહીં પણ પ્રત્યક્ષ મળેલા ચુંબનમાં હોવી જોઈએ એવી મજા નાયિકા અનુભવતી નથી. આ ચુંબન નાયિકાની અપેક્ષાની કસોટી પર કદાચ પૂરું અને ખરું ઊતર્યું નથી એટલે જ એને પોતે ઘાયલ પંખી હોવાનો અહેસાસ થાય છે. પ્રેમથી મોટું બીજું કોઈ ઘા-બાજરિયું શોધાયું નથી અને ચુંબનથી વધુ અસરદાર કોઈ મલમ નથી. ચુંબનથી વધુ નજીકનો કોઈ દિલાસો હોઈ જ ન શકે પણ અહીં તો ઊલટું, નાયિકા ચુંબન મળ્યા બાદ ઘાયલ થયાનું દુઃખ અનુભવે છે. ઘાયલ થવાના કારણે દક્ષિણમાં પહોંચવા અસમર્થ બનેલા પક્ષીની વેદના એને થાય છે. જે રીતે પહેલી બે પંક્તિઓને કવયિત્રી ‘(અ)ને’થી સાંધે છે, એ જે રીતે પછીની બે પંક્તિઓ વચ્ચે એ ‘પણ’ લઈ આવે છે. કવિતામાં આ ‘પણ’નો પ્રવેશ વિરોધ અને વળાંકનો સૂચક છે. એક જ સાચા શબ્દનો પ્રયોગ કવિતાને કઈ રીતે ધારી દિશામાં લઈ જઈ શકે એ આના પરથી સમજી શકાય છે.

દક્ષિણનો સંદર્ભ આપણે ત્યાં મૃત્યુ સાથે સંકળાયેલો છે. દક્ષિણને યમરાજની દિશા માનવામાં આવે છે. મરણાસન્ન વ્યક્તિનું માથું ઉત્તર તરફ રાખવામાં આવે છે, જેથી એના પ્રાણ દશમ દ્વારમાં થઈને નીકળે. ચુંબકીય વિદ્યુત પ્રવાહની દિશા દક્ષિણથી ઉત્તર તરફની હોવાથી ધ્રુવાકર્ષણના લીધે આત્મા આસાનીથી શરીરની જેલમાંથી મુક્ત થઈ શકે એમ મનાય છે. પણ મૃત્યુ બાદ શબનું માથું દક્ષિણ તરફ કરવામાં આવે છે જે મૃતકને યમરાજને સમર્પિત કરી દેવાયાનું સૂચક છે. ગ્રીક પુરાણકથાઓમાં નોટસ નામે દક્ષિણાનિલના દેવતાનો ઉલ્લેખ છે. ઇજિપ્તની પુરાણકથાઓમાં પણ સિંહના માથું અને માનવીનું શરીર ધરાવતા દક્ષિણી પવનોના દેવતા શેહબુઇની વાતો જોવા મળે છે. પાશ્ચાત્ય દેશોમાં દક્ષિણથી આવતો પવન ખુશનુમા હોવાનું મનાય છે, જે ફૂલોને ખીલવામાં અને પક્ષીઓને ચહેકવા પ્રેરે છે. બાઇબલમાં પણ ઠેકઠેકાણે કહેવાયું છે કે દક્ષિણાનિલ મનુષ્યજીવનમાં શાંતિ આણે છે, જીવનને તરોતાજા બનાવે છે અને આ જ સમય છે જ્યારે ઈશ્વર આધ્યાત્મિક સત્યો છતા કરે છે. માટે જ બાઇબલ ચહેરો દક્ષિણ તરફ કરવા (સેમ્યુઅલ ૩૩:૨૪) અને દક્ષિણ તરફ જોઈ બોલવા (જોશુઆ ૧૫:૦૪) પણ કહે છે. જિનેસીસમાં અબ્રાહમને દક્ષિણ તરફ મુસાફરી કરતો બતાવાયા છે.

દક્ષિણના આ મહત્ત્વથી સારા વંચિત છે. એમની કવિતાઓમાં ‘દક્ષિણ’ અવારનવાર ડોકિયું કરે છે. વિશ્વમાં દક્ષિણના પ્રદેશો બહુધા હૂંફાળા છે. શિયાળો જોર પકડે ત્યારે યાયાવર પક્ષીઓ ઉત્તરીય શીતપ્રદેશો છોડીને દક્ષિણાયન કરે છે. આમ, પક્ષીઓનું દક્ષિણ દિશા તરફનું પ્રયાણ હૂંફ-ઉષ્મા પ્રાપ્તિ માટેનું પ્રયાણ છે. પણ નાયિકાને પ્રિયતમે કરેલા ચુંબનમાં એ હૂંફ અનુભવાતી નથી, જે દક્ષિણ તરફ જતું પક્ષી અનુભવતું હશે અથવા જે હૂંફ મેળવવા પક્ષી દક્ષિણ તરફ ઊડતું હશે. એટલે જ્યારે નાયિકા કહે છે, કે આ ચુંબન બાદ પોતાને દક્ષિણ તરફ ઊડવાને અશક્ત ઘાયલ પક્ષી હોવાનું અનુભવાય છે ત્યારે ચુંબન વડે મળવી જોઈતી હૂંફની ગેરહાજરી આપણને સમજાય છે. ગંતવ્યસ્થાને ન પહોંચી શકવાનું દુઃખ કોને ન થાય? પક્ષીનો ઉલ્લેખ અમૂર્ત ચુંબનના આનંદનું મૂર્ત સ્વરૂપ પણ છે. ચુંબન કરતી વખતે આપણા પગ ધરતીથી અધ્ધર થઈ જાય છે. રોમાંચના માર્યા આપણને સાતમા આસમાને ઊડતા હોઈએ એવી લાગણી થાય છે. પણ પ્રથમ ચુંબનમાં આ ઊડ્ડયનનો અભાવ અનુભવાતા કવયિત્રીને પોતે પાંખ કપાયેલું ને ધાર્યું ન ઊડી શકનાર પંખી હોવાની દુઃખદ ખાતરી થાય છે.

જાણ છે કે પ્રિયજન પોતાને સાચે જ ચાહે છે, પણ આ હકીકત નાયિકાના હૃદયને ખુશીનું માર્યું તર કરી દેવાના બદલે આજે રાત્રે ખિન્ન કરી દે છે. અહો વૈચિત્ર્યમ્! કેવી વિડંબના! પ્રિયપાત્ર પાસેથી ‘લૉન્ગ અવેઇટેડ’ ચુંબન મળે ત્યારે પ્રેયસીને પોતે ‘ટૉપ ઑફ ધ વર્લ્ડ’ હોવાનું અનુભવાવું જોઈએ. પ્રેમમાં આ એવી ક્ષણ છે, જેની આગળ મનુષ્યને સ્વર્ગસુખ પણ મિથ્યા લાગતું હોય છે. આ ક્ષણની પ્રાપ્તિ માટે લોકો આખું જીવન દાવ પર લગાવી દેતા હોય છે. પણ એથી વિપરિત, અહીં તો નાયિકા વ્યથિત થઈ ગઈ છે. સુખના સ્થાને એ દુઃખ અનુભવે છે. જીવનભરના ઘા રુઝાઈ જવાના બદલે એને પોતાની પાંખો કપાઈ ગઈ હોવાનું અનુભવાય છે. આખી મુગ્ધાવસ્થા પ્રથમ ચુંબનની પ્રતીક્ષામાં વીતી જતી હોય છે. પહેલી ચૂમીની ફરતે તો રોમાંચના મહેલોના મહેલ ચણાતા હોય છે. પહેલું ચુંબન કરીશું ત્યારે ચારેતરફ શહનાઈ-વાયોલિન વાગશે, આકાશમાંથી ફૂલવર્ષા થશે અને ‘હોવું’ એક ઉત્સવ બની રહેશે એવાં સ્વપ્નો કોણ નથી સેવતું? દરેકને આ ‘પહેલાં’ની બેસબ્ર ઇંતેજારી હોય છે. ચારેય હોઠ મંદ-મંદ કંપ અનુભવે છે. પૂર્વાનુમાનની ઉત્તેજનામાં આંખો બિડાઈ જાય છે, ને શરીર કમાન વળી જાય છે… હોઠ પર હોઠ પહેલવારકા સ્પર્શે એ સંવેદનાની પરાકાષ્ઠાનું ગુરુશિખર છે.

પણ ‘પહેલું’ શું સાચે જ આવું ને આટલું રોમાંચપ્રદ હોય છે? શું પ્રથમ ચુંબન તમારી વર્ષોની પ્રત્યાશાને સાચે જ સંતોષે છે? પૂર્ણપણે? આંશિક? કે ધૂળભેગી કરી દે છે? કવિઓએ, નવલકથાકારોએ અને પ્રેમીઓએ સેંકડો સદીઓથી ઊભા કરેલા પ્રથમ ચુંબનના ઉન્માદના મહાગ્રંથોને સારા ટૂંકાટચરક ગીતની છેલ્લી બે જ કડીમાં જમીનદોસ્ત કરી દે છે. એ કહે છે, કે આ ચુંબન આજ સુધી જોયેલાં સૌ સ્વપ્નોથી બિલકુલ ભિન્ન હતું. વર્ષોથી હજારો સપનાંઓમાં જે લાખો મન્સૂબા ઘડ્યે રાખ્યા હતા, આ ચુંબન એવું અદભુત હતું જ નહીં. કલ્પનાની દુનિયા જેટલી રળિયામણી ભાસતી હતી, વાસ્તવની ધરતી એનાથી સાવ ઊલટી જ અનુભવાઈ. સપનાંઓમાં સાતમા આસમાને ઊડવાનું સુખ આંખ ખુલતાવેંત ધરતી પર પછડાવાના દુઃખમાં પલટાઈ ગયું. ‘પ્રથમ’ની ઉત્તેજના બહુધા આપણે જ ઊભા કરેલા ભ્રમનો ભાગ હોય છે. એને ચકનાચૂર થતાં વાર લાગતી નથી. ‘પ્રથમ’માં એવું કંઈ મહાન જાદુ ભર્યું હોતું નથી.

ખેર, માત્ર ચુંબનની જ નહીં, જીવનની પણ આ જ હકીકત છે. કલ્પના અને વાસ્તવનું મિલન ભાગ્યે જ સુખદાયી હોય છે. આશાનો પ્રકાશ સદૈવ નિરાશાનો પડછાયો લઈને જ આવે છે. વસ્તુ જ્યાં સુધી મળતી નથી, ત્યાં સુધી જ મીઠી લાગે છે. પાણી ન મળે ત્યાં સુધી જ તરસની સાચી કિંમતની જાણ રહે છે. મન્સૂબાના સૂબા વાસ્તવની ધરતી પર ભાગ્યે જ રાજ કરી શકે છે. ટૂંકમાં કહીએ તો સારાનું આ ગીત અધૂરપની મધુરપનું પ્રશસ્તિગાન છે. પૂર્વાનુભૂતિનો હાથ અનુભૂતિથી હંમેશા ઉપર જ રહેવાનો…

પૂરી જો થઈ જશે તો પછી કોણ પૂછશે,
કિંમત છે એટલે કે તું ઇચ્છા અધૂરી છે…

ગ્લોબલ કવિતા : ૧૨૫ : આપણા સંત્રીઓ – આલ્બ્રેશ્ટ હૌસહૉફર

Our wardens

The wardens put in charge of our detention
are good fellows. Of farmer blood. Torn
from the protection of their villages
into a strange, not understood world.

They hardly speak. Only their eyes from time
to time ask humbly, as though they wanted to know
what their hearts were never to experience
that bear so heavily their homeland’s fate.

They come from Danube’s eastern regions
already devastated by the war.
Their families dead. Their goods and chattels wasted.

Perhaps they’re waiting still for a sign of life.
They work in silence. Prisoners – they too. Will they
understand that? Tomorrow? Later? Ever?

– Albrecht Haushofer
(Eng Translation from Germany: M. D. Herter Norton)

આપણા વૉર્ડનો

જે હાથમાં છે જેલવાસાનો હવાલો આપણા,
એ સંત્રીઓ માણસ છે સારા. ખેડૂતોનું છે રુધિર.
છૂટા પડ્યા છે પંડના ગામોથી તેઓ ને લગીર
આવી પડ્યા આ વિશ્વમાં અણજાણ, સમજણ પારના.

તેઓ કદીક જ બોલે છે. બસ, આંખ તેઓની કદી
મૂંગી-મૂંગી પૂછે છે, જાણે જાણવું હો એ જ કે,
ક્યારેય અનુભવવાનો નહોતો તેઓના હૃદયોએ જે
માભોમની કિસ્મતનો બોજો, વેઠ્યો એ શી રીતથી.

પૂર્વીય પ્રાંતોમાંથી તેઓ આવ્યા છે જે ક્યારના
તારાજ બિલકુલ થઈ ગયા છે યુદ્ધના પરિણામથી.
પરિવાર કહો કે માલમત્તા – કંઈ હવે સાબૂત નથી.

સંભવ છે, તેઓ છે હજી જીવન પ્રતીકની રાહમાં
ચુપચાપ કામે રત રહે છે. કેદીઓ છે – તેઓ પણ.
સમજી શું શક્શે તેઓ આ? કાલે? પછી? ક્યારેય પણ?

– આલ્બ્રેશ્ટ હૌસહૉફર
(અંગ્રેજી પરથી અનુવાદ: વિવેક મનહર ટેલર)

મોતના મોઢામાં ઊભેલા માણસની અ-મર કવિતાઓ…

મૃત્યુનો અનુભવ ફર્સ્ટહેન્ડ કોઈ કહી શકતું નથી જન્મ લેનાર દરેક સજીવે મૃત્યુનો અનુભવ કરવો ફરજિયાત હોવા છતાં મૃત્યુ પામ્યા પછી કોઈ પોતાનો અનુભવ પાછળ રહી જનારને કહેવા આવી શકતું નથી. જન્મતાવેંત માથે લખાઈ જનાર અફર મૃત્યુ સૌને ડરાવે તો છે જ પણ આકર્ષે પણ એટલું જ છે. મૃત્યુની પ્રતીક્ષાનો રંગ મૃત્યુના ઉંબરે આવી ઊભેલા ઘણા બધા કવિઓએ પોતપોતાની રીતે આલેખ્યો છે. આપણે ત્યાં અમરગઢના જીંથરીના રુગ્ણાલયમાં ૨૯ વર્ષની કૂમળી વયે ક્ષયના કારણે ક્ષરદેહ ત્યાગનાર રાવજી પટેલે મૃત્યુને નજીક આવતું પ્રત્યક્ષ અનુભવ્યું હતું. એની ‘મારી આંખે કંકુના સૂરજ આથમ્યાં’ ગીતરચના મૃત્યુને ઢૂંકડા જોતા માનવીની આત્મવ્યથા સમી છે… નિરાંતવા જીવે મૃત્યુ વિશે કવિતા કરવી અને મૃત્યુને જીવનના આંગણે પ્રતિપળ ટકોરા મારતું જોવા વચ્ચે જમીન- આકાશનો ફરક છે. કેન્સરના કારણે યુવાવસ્થામાં જ ગુડબાય કરી જનાર કવિ જગદીશ વ્યાસ તથા અમેરિકાસ્થિત હિમાંશુ ભટ્ટ જેવા સર્જકો મૃત્યુશૈયા પર બેસીને મૃત્યુની વાસ્તવિક્તા અને જીવનની ક્ષણભંગુરતાની જે વાતો કરી ગયા એ રૂંવાડા ઊભા કરી દે એવી છે. પણ મૃત્યુની નિશ્ચિતતા કોઈ ત્રાહિત વ્યક્તિએ માથે ઠોકી બેસાડી હોય ત્યારે? નખમાં પણ રોગ ન હોય પણ તમારી જિંદગી અને શ્વાસની માલિકી કોઈ અત્યાચારી પોતાના હાથમાં લઈ લે અને શ્વાસની દોરી ક્યારે કાપશે એની જાણ પણ ન કરે એવી નિશ્ચિત અનિશ્ચિતતામાં મોતની રાહ જોતો માણસ શું વિચારતો હશે એની વાત આજે કરવી છે.

આલ્બ્રેશ્ટ હૌસહૉફર. જર્મન ભૂગોળવિદ્. ૦૭-૦૧-૧૯૦૩ના રોજ મ્યુનિચ, જર્મની ખાતે વગદાર ભૂ-રાજનીતિજ્ઞ કાર્લ તથા માર્થાના ઘરે જન્મ. ભૂગોળમાં પી.એચ.ડી. તેઓ ૧૯૨૮થી ૪૦ સુધી બર્લિન જીઓગ્રાફિકલ સૉસાયટીના સેક્રેટરી જનરલ તથા તેઓના મુખપત્રના સંપાદક રહ્યા. રુડૉલ્ફ હેસના સલાહકાર. ૧૯૩૩થી તેમણે રાજકીય ભૂગોળ અને ભૂ-રાજનીતિના પ્રૉફેસર તરીકે પણ સેવા બજાવી. હિટલરની સરકારમાં ઊંચી પૉસ્ટની રૂએ વિશ્વભરમાં ફર્યા. બહોળો અનુભવ પામ્યા. હિટલરની વધતી આપખુદી અને યહૂદીઓ પરના દમનનું સમર્થન કરવું એમના માટે દોહ્યલું બની ગયું. ૧૯૪૦માં એમણે નોકરી છોડી દીધી પણ બર્લિન યુનિવર્સિટીમાં ભણાવવાનું ચાલુ રાખ્યું. આલ્બ્રેશ્ટ એમના હોદ્દા પર સર્વોત્તમ હતા. ત્રણ ભાગમાં લખવા ધારેલ પણ અકાળે મૃત્યુના કારણે એક ભાગ પૂરતું જ સીમિત રહી ગયેલ રાજનૈતિક ભૂગોળ પરનું એમનું પુસ્તક બહુખ્યાત થયું. મુઆબિત સૉનેટ્સ સિવાયની કવિતાઓ, નાટકો અને પદ્યનાટકમાં પણ એમણે પદાર્પણ કર્યું હતું. સારા સંગીતકાર પણ હતા. બીજું વિશ્વયુદ્ધ ફાટી નીકળ્યું ત્યારે ફ્રાંસ અને બ્રિટન વચ્ચે શાંતિ સ્થાપવાના હેસના પ્રયાસોમાં મધ્યસ્થી તરીકે એમણે કામ કર્યું. નાઝીઓ સામેના વિરોધ, હેસને ભગાડવામાં મદદરૂપ થવાની આશંકા તથા માતા અર્ધયહૂદી હોવાના ‘અપરાધ’સર એમને થોડા અઠવાડિયાની જેલ થઈ પણ બ્રિટન સાથે શાંતિ સ્થાપવા માટે એમની અગત્યતા જોઈને હિટલરે એમને જેલમુક્ત તો કર્યા પણ ગેસ્ટાપો ખાતે નિગરાનીમાં રાખ્યા. પણ, સંપૂર્ણ લશ્કરી અને રાજકીય હોનારતથી બચવા હિટલરને પૂર્ણતયા હટાવવું અનિવાર્ય છે એમ આલ્બ્રેશ્ટને લાગ્યું. ૧૯૪૪માં એ કામ બૉમ્બથી કરવાનું નક્કી કરાયું. હિટલરનો જમણો હાથ ખરાબ રીતે ઘવાયો પણ મૃત્યુ ન થયું. આલ્બ્રેશ્ટનો આમાં કોઈ હાથ ન હોવા છતાં પરિસ્થિતિની ગંભીરતા સમજીને તેઓ તરત જ ભૂગર્ભમાં ઊતરી ગયા. પણ જર્મનીની ગુપ્ત રાજકીય પોલિસ (ગેસ્ટાપો -Geheime Staatspolizei)ના હાથે ૦૭-૧૨-૧૯૪૪ના રોજ પકડાઈ ગયા. બર્લિનની મુઆબિત જેલમાં બંદી રખાયા. કહેવાય છે કે હિટલરના મનમાં એમની રાજકીય અગત્યતા યથાવત હોવાના કારણે નિયમિતપણે મોતને ઘાટ ઉતારાતા અન્ય કેદીઓની જેમ તેઓની હત્યા કરવામાં આવી નહીં. જો કે એમના પિતાએ પુત્રએ દેશદ્રોહ કર્યો છે એમ કહીને પોતાની વગ વાપરીને એમને આઝાદ કરાવવાની શક્યતાને નકારી દીધી હતી. ‘મારા પિતા’ (સૉનેટ ૩૮)માં પિતાની રાજકીય મહત્તા અને હિટલરને નાથવાની શક્તિ હોવા છતાં હિટલરનો સાથ આપવાની વૃત્તિને ધ્યાનમાં રાખીને આલ્બ્રેશ્ટ લખે છે કે ‘મારા પિતાએ જ સીલ તોડી નાંખ્યું. એમણે દુષ્ટના ચઢતા શ્વાસ જોયા નહીં. એમણે દૈત્યને દુનિયામાં ખુલ્લો છૂટી જવા દીધો.’ ‘એકરન’ (Acheron) (સૉનેટ ૨૪)માં એ પોતાના પિતાને ‘સત્તાના સ્વપ્નથી હજીય આંધળા થઈ ગયેલ’ ગણાવે છે. (જો કે કવિના મા-બાપ બંનેએ કવિના મૃત્યુના અગિયારેક મહિના પછી કોઈક કારણોસર ઝેર ખાઈને ભેગી આત્મહત્યા કરી હતી.)

કોટડીમાં બિલકુલ એકલા અને સાંકળમાં બંધાયેલા હાથ-પગ સાથે જેલમાં નિશ્ચિત મૃત્યુની અનિશ્ચિત રાહ જોતા આલ્બ્રેશ્ટે કાગળ-પેન મેળવ્યા અને જીવન-મૃત્યુ, આજ-કાલ અને વિશ્વયાત્રાઓના પરિપાકરૂપ સંસ્મરણોને સન્મુખ ઊભેલા મૃત્યુના હાથમાં આપીને કાગળ પર જેલની અંદરની અને બહારની દુનિયા ઉતારતા રહ્યા. સૉવિયેટ સૈનિકોએ બર્લિન પર કબ્જો મેળવ્યો પણ તેઓ શહેરમાં આવી ચડે એ પહેલાં ૨૩ એપ્રિલ, ૧૯૪૫ના રોજ જેલના અધિકારીઓએ આલ્બ્રેશ્ટ અને બીજા ચૌદ કેદીઓને છોડી મૂક્યા. નસીબ વાંકું તે જેલની બહાર જ હિટલરના સૈનિકો (SS-Saal-Schutz) એમની રાહ જોતા હતા. એક નિર્જન જગ્યા પર લઈ જઈને તમામને ગરદનમાં ગોળી આડેધડ દફનાવી દેવાયા. એક કેદી કોઈક રીતે બચી ગયો. જેના કારણે ત્રણ અઠવાડિયા પછી ૧૨મી મેના રોજ કવિના નાના ભાઈ હેઇન્ઝને એમનું શબ જડ્યું. કવિનો જમણો હાથ કોટની અંદર પાંચ કાગળોને હૃદયસરખા દાબીને પડ્યો હતો. આ પાંચ કાગળમાંથી જડી આવેલા એંસી સોનેટ્સ મુઆબિત સૉનેટ્સ તરીકે જાણીતા થયા. આ કવિતાઓએ વિશ્વને ખળભળાવી મૂક્યું. આ સૉનેટોમાં પોતાની આ પરિસ્થિતિ માટે કોઈ દયાભાવ નથી, તો આતતાયીઓ સામે કોઈ પ્રત્યારોપ કે નિંદાવૃત્તિ પણ નથી. અહીં પોતાના અનિચ્છનીય દુર્ભાગ્યની સ્વીકૃતિ અને ઉદાસીન શરણાગતિ નજરે ચડે છે. અહીં એક તરફ ગમે ત્યારે આવી શકનાર મૃત્યુની સન્મુખ એક કવિના અંતઃકરણનું પરીક્ષણ તો બીજી તરફ માનવસભ્યતા પર થતા હીચકારા હુમલા સામેની ઠંડી પ્રતિબદ્ધતા છે. કદાચ, એટલે જ આ એંસી સોનેટ્સ મૃત્યુ અને અન્યાય સામેના વિરોધમાં લખાયેલી આજ પર્યંતની શ્રેષ્ઠ કવિતાઓમાં સ્થાન પામ્યાં છે. આલ્બ્રેશ્ટનું રાજકારણ, ભૂગોળ, જ્યોતિષ-ખગોળવિદ્યા અને ગણિત વગેરેનું ઊંડું જ્ઞાન પણ અહીં નજરે ચડે છે. મધ્યયુગીન અલ્કેમી અને પુરાણકથાઓનો અર્ક આ સૉનેટ્સમાં રસ્યોબસ્યો છે.

‘બેડીમાં’ (In fetters) (સૉનેટ ૦૧)માં કવિએ પોતાની પીડા સાથે તમામ કેદીઓની પીડા વણી લીધી છે. કવિ કહે છે: ‘ખાલી લાગતી કોટડીની દીવાલો જિંદગીથી ભરપૂર છે. અપરાધબોધ અને નિયતિ એના ગુંબજની જગ્યાને ભૂખરા પડદાંઓથી ભરી દે છે. ઈંટો અને સળિયાઓમાં અન્ય આત્માઓનો ઊંડો તણાવ જીવંત શ્વાસ લઈ રહ્યો છે. આ કમરામાં હું પ્રથમ નથી જેના કાંડા સાંકળોથી કપાઈ રહ્યાં હોય અને જેના દુઃખ ઉપર અજાણ્યાઓની ઇચ્છાશક્તિ પોષાતી હોય. ઊંઘ ઉજાગરો બની જાય છે અને ઉજાગરો સ્વપ્ન. દીવાલોમાંથી ઘણા ભાઈઓના હાથનો કંપ સંભળાય છે.’ જો કે પોતાની ભીતરી તાકાતથી પણ તેઓ બરાબર માહિતગાર હતા. ‘પરાકાષ્ઠાએ’ (On the threshold) (સૉનેટ ૦૫)માં કવિ લખે છે કે ‘એક ઝાટકો – અને જેલની કોઈ દીવાલ નથી જે મારા આત્માને અડવા માટે શક્તિશાળી હોય.’ અને ‘જેને અન્યો માન્યતાઓ, આદર્શો, આશાઓ ગણીને વળગી રહે છે, એ મારા માટે મરી પરવાર્યા છે.’ આ એંસી સૉનેટ્સમાં તિબેટના રહસ્યો પણ છે અને ‘ઓમ મણી પદ્મે હમ’નું બોધિસૂત્ર પણ જોવા મળે છે. કવિના મા-બાપ, મિત્ર, પાડોશીઓ, તબીબ, વાયોલિન વાદકથી લઈને બીથોવન, ફિડેલો, એલેક્ઝાન્ડ્રિયા અને મેમ્ફિસ પણ અહીં સમાવિષ્ટ છે. વિશ્વપ્રવાસી આલ્બ્રેશ્ટે ઉમર ખૈયામ અને ભગવદગીતાને પણ પોતાના સૉનેટ્સના વિષય બનાવ્યા છે.

‘આપણા વૉર્ડનો’ ઇટાલિઅન અથવા પેટ્રાર્કશાયી ઢબમાં લખાયેલું પણ અંગ્રેજી પ્રાસવ્યવસ્થાનો સંસ્પર્શ પામેલ સૉનેટ છે. મૂળ પેટ્રાર્કશાયી સૉનેટમાં અષ્ટકમાં ABBA ABBA તથા ષટકમાં CDCDCD અથવા CDEEDE પ્રકારે પ્રાસ જોવા મળે છે. અંગ્રેજી સંસ્કરણમાં ષટકમાં CDD CEE પ્રકારની પ્રાસવ્યવસ્થા કરાય છે. આલ્બ્રેશ્ટે એમના આ સૉનેટ્સમાં શેક્સપિઅરની જેમ અષ્ટકના બે ચતુષ્ક બનાવી ABBA ABBA મુજબ એકસમાન પ્રાસ રાખવાના બદલે બંને ચતુષ્કમાં ABBA વ્યવસ્થા તો જાળવી છે પણ બંનેના પ્રાસ ABBA CDDC મુજબ અલગ કરી નાંખ્યા છે. ષટકમાં જો કે CDD CEE પ્રમાણે પ્રાસવ્યવસ્થા બરકરાર રાખી છે. સૉનેટ કદાચ સૌથી વધુ ચુસ્ત કાવ્યપ્રકાર છે. એ કવિ પાસે મહત્તમ શિસ્ત અને સજ્જતા માંગી લે છે. મુક્તવિહાર માટેનો અવકાશ અહીં લઘુત્તમ છે અને છંદ પણ વધુ છૂટ આપતો નથી. એમાંય ઇટાલિયન કે પેટ્રાર્કન સૉનેટ પ્રાસની બાબતમાં એટલા કડક છે કે અંગ્રેજી ભાષાએ શેક્સપિરિઅન સૉનેટ સ્વરૂપે પોતાની પ્રાસવ્યવસ્થા ઊભી કરવી પડી હતી. માથા પર તલવાર લટકતી હોય, કાળકોટડીનું એકાંત હોય અને હાથ-પગમાં સાંકળ પડી હોય એવી પરિસ્થિતિના તણાવને તંતોતંત અભિવ્યક્ત કરવા માટે પેટ્રાર્કન સૉનેટ જેવા સંયમિત અને અતિશિસ્તબદ્ધથી વધુ ઉચિત કાવ્યપ્રકાર બીજો કયો હોઈ શકે? કદાચ એટલે જ પોતાની તણાઈને તંગ થયેલી લાગણીઓ વ્યક્ત કરવા માટે કવિએ ઇટાલિઅન સૉનેટ પર કાવ્યસ્વરૂપ તરીકેનો કળશ ઢોળ્યો હોઈ શકે. એમ. ડી. હેર્ટર નોર્ટને જર્મન ભાષામાં લખયેલ આ સૉનેટ્સનો ગદ્યાનુવાદ કર્યો છે. પણ ગુજરાતી અનુવાદ કરતી વખતે કવિએ પ્રયોજેલ આયમ્બિક પેન્ટામીટરને મળતો આવતો માત્રામેળ છંદ (હરિગીત) અને મૂળ પ્રમાણેની પ્રાસવ્યવસ્થા સ્વીકારવામાં આવી છે.

રશિયન સૈનિકો વડે ધમરોળાઈ ગયેલ ટ્રાન્સિલ્વેનિયાનો વતની જેલના વૉર્ડન તરીકે નવોસવો આવ્યો હતો એની સાથે વાતચીત થયા બાદ કવિએ આ સૉનેટ લખ્યું હતું. આ સૉનેટ વાંચો ને રૂંવાડા ઊભા ન થઈ જાય તો કહેજો… જેલમાં કેદીઓની રખેવાળી કરતા વૉર્ડન પોતે પણ એક જાતના કેદીઓ જ છે એ વાત આ સૉનેટમાં કેટલી સરળ પણ વેધક ભાષામાં રજૂ થઈ છે! એક કેદીની નજરે જેલના દરોગાને જોવાનો અને સમજવાનો આ સંનિષ્ઠ પ્રયાસ છે. પોતાને બંદી રાખી, દેખરેખ કરતા, કાયદાઓ પળાવતા, જોર-જુલમ કરતા, મારતા-પીટતા વૉર્ડન પણ કેદીને ભલા લાગે છે. મોત નિશ્ચિત થઈને માથા પર આવી જાય ત્યારે મનુષ્યમાં કુદરતી રીતે જ સમ્યકભાવ આવી જાય છે. સગી આંખે પોતાના મોતને સામુ ઊભેલું જોવાનું થાય અને બચવાનો એકેય રસ્તો જ ન હોવાની ગળા સુધીની ખાતરી થઈ જાય ત્યારે માણસમાં બુદ્ધનો કરુણાભાવ જન્મે છે. અને એ લોકો સારા માણસ છે એ બાબતમાં કવિ વળી પુરાવો પણ રજૂ કરે છે. ભલા છે કેમકે તેઓ ખેડૂતનું જ લોહી છે. જે માણસ ધરતીની છાતીમાં બીજ વાવીને દુનિયા માટે અનાજ ઊગાડી જાણે એ કદી નિર્દય હોઈ શકે ખરો? એ લોકો પોતાની માતૃભૂમિની નિશ્ચિત સુરક્ષાથી દૂર ધકેલાઈને અહીં જેલની આ સાવ અણજાણ અને સમજણના પ્રદેશ બહારની દુનિયામાં આવી પડ્યા છે.

પૂર્વના જે પ્રદેશોમાંથી આ વૉર્ડનો અહીં આવ્યા છે એ પૂર્વના પ્રદેશોમાં હવે કંઈ જ બચ્યું નથી. સઘળું ક્યારનું ખેદાનમેદાન થઈ ચૂક્યું છે. યુદ્ધના ખપ્પરમાં આ વૉર્ડનોના ઘર-બાર, માલ-મત્તા અને પરિવાર-વંશજો – બધું જ હોમાઈ ચૂક્યું છે. જીવવાના વાંકે એકલતા જીરવતા વૉર્ડનની વાચા પણ આ આઘાતોએ હરી લીધી છે. એમણે તો સ્વપ્નમાં પણ વિચાર્યું નહીં હોય કે એમના હૃદયે આવો બોજ વેઠવાનો આવશે. ખરું પૂછો તો દુનિયામાં કયો માણસ હશે જે પોતાની અને પોતાનાઓની આવી તારાજીનું દુઃસ્વપ્ન જોતો હશે? ‘’ભગવદગીતા’ (સૉનેટ ૬૬)માં તો કૃષ્ણ હતા જેના કારણે અર્જુનનો ‘અપરાધભાવ વિજય અને શક્તિમાં રૂપાંતરિત થાય છે,’ પણ એ મહાભારત હતું, આ વિશ્વયુદ્ધ અને એના પરિણામ છે. જેલમાં બેસીને યુદ્ધના દુષ્પરિણામો જોઈ રહેલા કવિને ‘અપરાધ’ભાવ (Guilt) (સૉનેટ ૩૯) પણ થાય છે: ‘મારે મારી ફરજ વેળાસર સમજી જવાની હતી. મેં મારો નિર્ણય વધુ લાંબ સમય સુધી રોકી રાખ્યો. હું જાત અને અન્યો સાથે જૂઠું બોલ્યો.’ યુદ્ધની જે તારાજીની જાણ હોવા છતાં કવિ ‘પૂરતા મોટા અવાજે અને સ્પષ્ટ ચેતવણી’ આપી શક્યા નહોતા, આ વૉર્ડનો એ જ તારાજીનો શિકાર થઈ અહીં આવ્યા છે. અહીં જેલમાં સર્વેસર્વા હોવા છતાં તેઓ મૂંગા-મૂંગા જ ફરે છે. ભાગ્યે જ બોલે છે. જેલરની આંખોમાં તો કરડાકી હોય. એ તો પોતાને કેદીઓના ભાગ્યવિધાતા ગણતા હોય. પણ આ લોકો તો યુદ્ધના હાથે પાયમાલ થઈ ચૂકેલાઓ છે. એમની આંખો કદી-મદી વિનમ્રતાથી એ જ પૂછવા ઇચ્છે છે કે માતૃભૂમિના દુર્ભાગ્યનો આવો વિકટ બોજ એમના દિલે શા માટે વેંઢારવાનો આવ્યો? શું મનુષ્યને શાંતિ અભિપ્રેત જ નથી?

તેઓ જીવી રહ્યા છે. કદાચ લાખો નિરાશામાં એક અમર આશા છુપાયેલી હોવાના ન્યાયે જ સ્તો. કદાચ આ વૉર્ડનોને હજી પણ જિંદગીની એકાદી નિશાનીની પ્રતીક્ષા છે. આ ‘જીવનપ્રતીકની પ્રતીક્ષા’ ઘણું બધું કહી જાય છે. જેલની નિર્જીવ દીવાલો અને સળિયાની વચ્ચે સેંકડો કેદીઓ અને ઘણાબધા ચોકીદારો-વૉર્ડનો જીવી રહ્યા છે પણ કવિનો આ શબ્દપ્રયોગ એ વાતનો સાફ ઈશારો છે કે આ જીવન જીવન નથી. આ જિંદગી મૃત્યુથી વિશેષ કંઈ જ નથી. કેદી કવિની જેમ જ વૉર્ડનો પણ આ વાત કદાચ સમજે છે, માટે જ તેઓ ક્યાંક કોઈક જગ્યાએ જીવનની એકાદી નિશાની જડી આવે એની આશામાં જ કદાચ જીવી રહ્યા છે. તેઓ ચુપચાપ પોતપોતાનું કામ કર્યે રાખે છે. કેદીઓની જેમ જ તેઓ પણ મૂંગામૂંગા કદાચ પોતાના ભવિષ્યની, કોઈક આશાના કિરણની રાહ જોઈ રહ્યા છે. જોવા જઈએ તો તેઓ પણ કેદી જ છે ને? કેદીકવિ વૉર્ડનની સાંકળ-સળિયા વિનાની ‘ખુલ્લી’ જેલ જોઈ-સમજી શકે છે પણ શું વૉર્ડનોને આ સમજ હશે? પાયમાલીની દીવાલોમાં, ઉદાસીના સળિયા વચ્ચે એકલતાની સાંકળમાં કેદ વૉર્ડનોને પોતાનો કારાવાસ શું સમજાશે? કાલે? પાછળથી? ક્યારેય? છેલ્લા વાક્યમાં એક પછી એક આવતા ચાર પ્રશ્ન જાણે મશીનગનમાંથી છૂટેલી ચાર ગોળીઓ છે જે તમને આરપાર વીંધી નાંખે છે…

આપણા બધાની અંદર એક આલ્બ્રેશ્ટ હૌસહૉફર વસે છે, જે આપણને આપણી વ્યર્થ લડાઈઓ અને જાતે ઊભી કરેલી કેદમાં કેદી બની ચૂક્યા હોવા અંગે સમજાવવા માંગે છે, પણ શું આ વાત આપણને સમજાશે ખરી? આવતીકાલે? પછી? ક્યારેય પણ?

ગ્લૉબલ કવિતા : ૧૨૪ : અમે અંધારું શણગાર્યું – પ્રહલાદ પારેખ

આજ અમે અંધારું શણગાર્યું,
હે જી અમે શ્યામલને સોહાવ્યું.

ગગને રૂપાળું કર્યું તારા મઢીને એને, ધરતીએ મેલીને દીવા;
ફૂલોએ ફોરમને આલી આલીને એનું અંગે અંગ મહેકાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

પાણીએ, પાય એને, બાંધેલા ઘૂઘરા ખળખળ ખળખળ બોલે :
ધરણીના હૈયાના હરખે જાણે આજ અંધારાનેયે નચાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

વીતી છે વર્ષા ને ધરતી છે તૃપ્ત આજ, આસમાન ખીલી ઊઠ્યું;
ઊડે છે આનંદરંગ ચોમેર અમારો, એમાં અંધારું આજે રંગાયું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

થાય છે રોજ રોજ પૂજા સૂરજની ને ચાંદાનાંયે વ્રત થાતાં:
આનંદઘેલાં હૈયે અમારાં આજ અંધારાનેયે અપનાવ્યું !
હો આજ અમે અંધારું શણગાર્યું o

– પ્રહલાદ પારેખ

ચાલો, આજે અંધારું અજવાળીએ…

અંધારું. કાળુંડિબાંગ અંધારું. આદિકાળથી એ માનવજાતને પજવતું આવ્યું છે. દિવસના અજવાળામાં જે તમામ વસ્તુઓને આપણી આંખ અલગ-અલગ તારવી શકે છે, એ તમામને અંધારાની પીંછી એક જ રંગે રંગી દઈને સૃષ્ટિના તમામ ઊંચનીચ-ભેદભાવને એકરસ કરી દે છે. પંચેન્દ્રિયમાંથી આપણે દૃશ્યેન્દ્રિયનો મહત્તમ ઉપયોગ કરતાં હોઈએ છીએ પણ અંધારું એને જ સ્વીચ-ઑફ કરી દે છે. પરિણામે અંધારામાં અન્ય ઇન્દ્રિયો આપોઆપ સતેજ બની જાય છે. દિવસભરના અજવાળામાં પોતાની જાતને જોઈ ન શકતા મનુષ્યોને અંધારામાં પોતાની જાતને જોઈ શકે છે કેમકે ખુદને જોઈ શકવામાં બાધારૂપ દુનિયાના તમામ વ્યવધાનો અંધારાની કાળાશમાં લુપ્ત થઈ જાય છે. કવિઓએ કદાચ એટલે જ અજવાળાં કરતાં અંધારાંને વધુ લાડ લડાવ્યાં છે. કવિશ્રી પ્રહલાદ પારેખની અંધારાંને અજવાળતી એક અદભુત રચના આજે આપણે માણવાની છે.

પ્રહ્.લાદ પારેખ. ૨૨-૧૦-૧૯૧૧ના રોજ ભાવનગરના જેઠાલાલ દુર્લભજી પારેખ અને મેનાલક્ષ્મીના ઘરે જન્મ. ગુજરાતી સાહિત્ય પરિષદના ‘ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ગ્રંથ ૫’માં દક્ષા વ્યાસના લેખ મુજબ ત્રણ અલગ-અલગ સ્રોતમાં એમની ત્રણ અલગ-અલગ જન્મતારીખ મળે છે, અને લેખિકા જાણીતા સંશોધક ભૃગુરાય અંજારિયાએ લખેલ ૨૨-૧૦-૧૯૧૧ તારીખને વધુ પ્રમાણભૂત ગણાવે છે. પણ પરિષદની પોતાની વેબસાઇટ ઉપર અને અન્ય ઘણા સ્રોતમાં ૧૨-૧૦-૧૯૧૨ તારીખ જોવા મળે છે, જે ખોટી હોવાની સંભાવના વધારે છે. કેમકે ૨૨-૧૦-૧૯૬૧ના રોજ કવિના વનપ્રવેશને આવકારવા માટે એમના મિત્રોએ મુંબઈના ફૉર્ટ વિસ્તારમાં સર પી.એમ. રોડ ખાતે આવેલી ‘બ્રિસ્ટોલ ગ્રીન રેસ્ટોરાં’ ખાતે મૈત્રીભોજન ગોઠવ્યું હતું, જેમાં સમસ્ત કવિ પરિવાર હાજર હતો અને ભૃગુરાય અંજારિયા નિમંત્રકોમાંના એક હતા. કવિએ ‘વનપ્રવેશે મિત્રોને’ નામથી કાવ્ય પણ લખ્યું હતું. પોરવાડ વણિક. માધ્યમિક શિક્ષણ નાનાભાઈ ભટ્ટ અને હરભાઈ ત્રિવેદી જેવી વિભૂતિઓના હાથ તળે ભાવનગરની સુપ્રસિદ્ધ શિક્ષણસંસ્થા દક્ષિણામૂર્તિમાં. સ્વભાવે ટિખળી તે નાનાભાઈએ આખો દિવસ અલગ રૂમમાં રહેવાની સજા ફટકારી પણ કવિ તો ‘આવતી-જતી જાનને જોઈએ છીએ, અને આનંદની મોજને માણીએ રે’ એમ ગીતો ગાવા માંડ્યા હતા. ૧૯૩૦ની સ્વાતંત્ર્ય ચળવળમાં વીરમગામ સત્યાગ્રહ છાવણીમાં સક્રિય ભાગ લીધો અને વીસાપુરમાં જેલવાસો ભોગવવો પડ્યો. વિનીત થયા બાદ ગૂજરાત વિદ્યાપીઠ અને પછી કવિવર રવીન્દ્રનાથના સાંનિધ્યમાં શાંતિનિકેતન (૧૯૩૩થી ૩૭)માં આગળ અભ્યાસ કરવાનો લહાવો સાંપડ્યો. મુંબઈ અને ભાવનગરમાં શિક્ષક તરીકે સેવા બજાવી. ઋજુ, સરળ વ્યક્તિત્વ. આજીવન ખાદીધારી. કફની-લેંઘો-બંડી એમના ટ્રેડમાર્ક. ૧૯૪૨માં રંજનબેન સાથે લગ્ન. ચાર પુત્રીઓ (રક્ષા, ઉમા, હેમાંગિની, ભક્તિ) અને એક પુત્ર (અજય). ૦૨-૦૧-૧૯૬૨ના રોજ કવિનું નિધન થયું, એ જ દિવસે એમના ઘરે ગયેલ ઉપેન મહેતા અને અરવિંદ શાહને કવિએ ‘ઑલ ઇન્ડિયા રેડિયો’ પર એ જ સાંજે પ્રસારિત થનાર નવીનકોર કવિતા સાંભળવા અનુરોધ કર્યો જેમાં એમણે મુંબઈની લોકલ, ઝૂંપડપટ્ટી અને ભીડની વચ્ચે ગંદકી-કચરાંમાં અટવાતાં-રોળાતાં નિર્દોષ ભૂલકાંઓના જીવનની વિષમતા રજૂ કરી હતી. ‘જમ્યા પછી મસાલેદાર મીઠા પાનની લિજ્જત કંઈ ઓર જ છે’ કહીને એમણે પાન ખાધું અને પત્નીને જય શ્રી કૃષ્ણ કહીને કાંદિવલી સ્ટેશન જવા આ બે અતિથિઓ સાથે નીકળ્યા. રસ્તે ગભરામણ થતા ડચૂરો દૂર કરવા પાનની પિચકારી મારી પણ હૃદયરોગનો આ બીજીવારનો હુમલો પ્રાણઘાતક નીવડ્યો અને નાની વયે એક પ્રતિભાશાળી કવિ ફાની દુનિયાને રામ-રામ કરી ગયા.

કવિતા ઉપરાંત બાળકાવ્યો અને મહત્ત્વના અનુવાદ પણ એમણે આપ્યા છે. ‘હેતની હેલીના કવિ’, ‘નીતર્યાં હૈયાનો સુહૃદ’, ‘નેહના વેલાનો કવિ’ જેવા અંતરોદ્ગારોથી કવિઓ-વિવેચકોએ એમને વધાવ્યા છે. ગાંધીયુગમાં કાર્યશીલ હોવા છતાં તેમણે અનુગાંધીયુગીન કાવ્યધારાના પ્રમુખ અગ્રણી કવિ તરીકે પોતાની વિશિષ્ટ ઓળખ ઊભી કરી. સ્વાતંત્ર્ય સેનાની બન્યા હોવા છતાં એમની કવિતાઓમાં તત્કાલીન પ્રવર્તમાન શૌર્યગીતોની ઝળાંહળાંના સ્થાને પ્રકૃતિ અને માનવપ્રકૃતિ જ કેન્દ્રસ્થાને રહ્યાં હતાં. એમના સહાધ્યાયી અને એમની જેમ જ દક્ષિણામૂર્તિ, વિદ્યાપીઠ અને શાંતિનિકેતનમાં ભણેલાં કૃષ્ણલાલ શ્રીધરાણી પણ ગાંધીકાવ્યો કરતાં પ્રકૃતિકાવ્યો માટે વિશેષ જાણીતા છે. સાહિત્ય પરિષદ ‘ભાવની ઈન્દ્રિયગ્રાહ્ય રજૂઆત, લયસમૃદ્ધિ અને સૌન્દર્યાભિમુખતા’ને પ્રહલાદ પારેખની કવિતાના મુખ્ય લક્ષણ ગણાવે છે. એમના પ્રથમ સંગ્રહ ‘બારી બહાર’માં કવિતાના જેટલાં પાનાં હતાં, લગભગ એટલાં જ પાનાં લાંબી પ્રસ્તાવના ઉમાશંકર જોશીએ લખી હતી, જેને સુરેશ દલાલે ગુજરાતી ભાષાની શ્રેષ્ઠ પ્રસ્તાવના તરીકે ઓળખાવી છે. ઉ.જો.એ કવિની કવિતાને ‘આંખ, કાન અને નાકની કવિતા’ કહીને એમની કવિતાઓની ઇન્દ્રિયગ્રાહ્યતાને યથાર્થ બિરદાવી હતી. ઉ.જો. આ કવિતાઓને ‘નીતરાં પાણીની કવિતા’ કહીને એની પારદર્શિતાને વખાણે છે. આ સફળ ગીતકવિને છંદ અને લય બંને શ્વાસ જેમ જ સહજ થયા છે. અંધકાર અને વર્ષા એમને અતિપ્રિય છે. વિનોદ જોશીના શબ્દોમાં: ‘પ્રહલાદ પારેખની કવિતા ગુજરાતી સાહિત્યનો એક મહત્વનો સ્થિત્યંતર છે.કવિ ન્હાનાલાલ પછી ગુજરાતી કવિતામા સૌંદર્યનો ઉછાળ મને પ્રહલાદ પારેખની કવિતામા દેખાયો છે.’

‘અમે અંધારું શણગાર્યું’ શીર્ષક જ ભાવકને વિચારતા કરી દેવા માટે પૂરતું છે. અંધારાને વળી કોઈ શણગારે? કે એનાથી દૂર ભાગે? અંધારું અનંત છે, અમર્યાદિત છે, અમાપ છે, ને અતાગ છે. પોતાનો સગો હાથ પણ ભાળી ન શકાય એવા અંધારામાં લાંબો સમય રહેવા માટે વજ્જરની છાતી જોઈએ. અંધારું મૃત્યુના સાક્ષાત્કાર સમું છે. માટે જ, અંધારું સદી-સદીઓથી આપણને ડારતું-ડરાવતું આવ્યું છે. આપણે સહુ પ્રકાશના પૂજારી છીએ. આપણો તો ઈશ્વર પણ અજવાસ સાથે સંકળાયેલો છે. પણ હકીકતમાં તો કાળો રંગ એકત્વનો રંગ છે. ઉપસ્થિત તમામ રંગ એકમેકમાં ભળી જાય ત્યારે કાળો રંગ બને છે. કાળો રંગ કાયમી છે. પ્રકાશ માટે સૂર્યનું ઊગવું કે દીવાનું પ્રગટવું અનિવાર્ય છે પણ અંધારું તો જન્મજાત જ છે. અજવાળું નશ્વર છે પણ અંધારું તો શાશ્વત છે. કદાચ એટલે જ ઈસુની આગળ-પાછળના ત્રણસોએક વર્ષ દરમિયાન અસ્તિત્વમાં રહેલ એસેન (Essene) સંપ્રદાય સંપૂર્ણતઃ અંધકારને જ ઈશ્વર ગણતો હતો. આપણા આંતર્ચક્ષુ અંધકારમાં જ ઊઘડે છે ને અંધકાર જ આપણને આપણી ભીતર જોવા-ઝાંકવાની સવલત કરી આપે છે. માટે જ કવિ અંધારાને શણગારવાની નવીન વાત લઈને આવ્યા છે.

બે ટૂંકી પંક્તિમાં ધ્રુવપદ બાંધ્યા બાદ કવિએ ચાર અંતરામાં ગીતને વિભાજીત કર્યું છે. અંતરામાં આંતર્પ્રાસ મેળવવાની સામાન્ય ગીતપ્રયુક્તિને નેવે મૂકીને કવિએ સીધી ધ્રુવપદ સાથે જ ટૂક બાંધી છે. લય માટે ષટકલ પસંદ કર્યો હોવાથી પંક્તિ નાના-નાના ખંડમાં વિભાજિત થઈને ગીતને દ્રુતગતિ બક્ષે છે. પ્રકૃતિના સૌંદર્યથી છલોછલ કવિતા જો કવિનો મુખ્ય કાકુ હતો તો લયમાધુર્ય એમનું બીજું ઘરેણું હતું, એ વાત પ્રસ્તુત રચનામાંથી પસાર થતાં સમજી શકાય છે.

પ્રહલાદ પારેખ વિશે વિચારીએ તો ક્ષણાર્ધમાં ‘આજ’, ‘ઘેરૈયા’, ‘આપણે ભરોસે’, ‘બનાવટી ફૂલોને’ જેવી ઘણી રચનાઓ યાદ આવે. ‘બનાવટી ફૂલોને’ તો ગુજરાતી ભાષાની પ્રથમ આધુનિક કવિતા પણ કહેવામાં આવી છે. પણ અંધારાને અજવાળતું આ ગીત સાવ અલગ જ છે. અજવાળાંને તો ગામ આખું પૂજે પણ અંધારાને તો પ્રહલાદ પારેખ જેવો કોઈ પ્રકૃતિઘેલો કવિ જ પૂજી શકે… અંધારાને શણગારવાનું કલ્પન પોતે જ કેટલું ઉજાસભીનું છે! અંધકાર નિચોવીને અજવાસ કાઢે એનું જ નામ કવિ. મેઘજી દોઢેચા ‘મેઘબિંદુ’નું મજાનું ગીત તરત જ યાદ આવે:

અમે તમારાં અરમાનોને ઉમંગથી શણગાર્યા
અમે તમારાં સપનાંઓને અંધારે અજવાળ્યાં

તો રાજેન્દ્ર શુક્લ અંધારું વેચવા નીકળે છે:

ઊંટ ભરીને આવ્યું રે, અંધારું લ્યો.
આ પોઠ ભરીને આવ્યું રે, અંધારું લ્યો.
અમે તો મુઠ્ઠી ભરી મમળાવ્યું રે, અંધારું લ્યો.
અમને ભોર થતાં લગ ભાવ્યું રે, અંધારું લ્યો.

આપણા કવિ કહે છે, આજ અમે અંધારું શણગાર્યું. ગીતનો ઉપાડ ‘આજ’થી થાય છે. મતલબ, એક યા બીજા કારણોસર આજ પૂર્વે આ કામ કરાયું નથી. જિંદગીમાં તો ભાઈ, જાગ્યા ત્યાંથી સવાર. પ્રથમ પંક્તિમાં જ ‘અ’ની વર્ણસગાઈ ધ્યાન ખેંચ્યા વિના રહેતી નથી. આ વર્ણસગાઈ કવિતામાં આગળ જતાં ‘શ્યામલ-સોહાવ્યું’, ફૂલ-ફોરમ’, ‘આલી આલીને એનું અંગે અંગ’, ‘પાણીએ પાય’, ‘હૈયાના હરખે’ –એમ પંક્તિએ પંક્તિએ આવતી જ રહે છે, પરિણામે ગીતના પ્રવાહી લયસૌંદર્યમાં નક્કર નાદસૌંદર્ય પણ સંમિલિત થાય છે. ગીતની આસ્વાદ્યતા વધે છે. ગીતનો બીજો શબ્દ ‘અમે’ છે. કવિને આ અનનુભૂત અભૂતપૂર્વ કામ કર્યાનો લહાવો પોતાના એકલાના નામે નથી લૂંટી લેવો. કવિના આ ‘અમે’માં કવિની સાથોસાથ જે પણ કોઈ લોકો હશે એ તો હશે જ પણ ગીતના ભાવકો પોતે પણ જોતરાઈ ગયા હોવાનું અનુભવ્યા વિના નથી રહેતા, એ આ ‘અમે’ની ખરી ઉપલબ્ધિ છે. અંધારું આમેય વિરાટકાય દિવ્ય અનુભૂતિ છે. એને એકલા હાથે તો કેમ શણગારી શકાય? આ કામમાં તો ‘साथी हाथ बढाना’ કહેવું જ રહ્યું. અંધારાને શણગારવાના કારણે જે શ્યામલ હતું એ સોહી ઊઠ્યું છે. ભલે, કૃષ્ણ આપણો લોકનાયક કેમ ન હોય, પણ કાળો રંગ આપણા સમાજ અને આપણી સમજમાં હંમેશા ઊતરતું સ્થાન જ પામ્યો છે. આપણી સભ્યતામાં ગોરાની બોલબાલા જ વધુ રહી છે. પણ કવિ જ્યારે સાથે મળીને અંધારાને શણગારીને શ્યામલને શોભાવ્યું હોવાની વાત કરે છે ત્યારે ‘શ્યામલ’ શબ્દમાં ‘શ્યામ’માં છૂપાયેલ ઘનશ્યામ અને ‘મલ’માં છૂપાયેલ ‘મેલ-મલિનતા’ તરત જ અછતા થાય છે. અંધારાને શોભાવવાની સાથોસાથ શ્રીકૃષ્ણને અને આપણા મનના મેલને પણ સાફ કરીને, શણગારીને, શોભાવવાની વાત આપણા ચિત્તતંત્રમાં પ્રભવે છે. અને જન્મજાત અનાયામ અંધારાને એક નવો જ આયામ પ્રાપ્ત થાય છે.

આકાશ આ અંધારાને તારાઓ વડે તો ધરતી દીવાઓ પ્રગટાવીને શણગારે છે. ફૂલો ખુશબૂ રેલાવીને અંધારાના અંગ-અંગને, કણ-કણને મહેકાવે છે. તારા અને દીવડા તો માન્યું કે રાત્રે જ હોય પણ ફૂલોની ફોરમ તો દિવસે પણ હોવાની જ ને? તો, કવિ શા માટે એને રાત સાથે સાંકળે છે? ગીતમાં ક્યાંય રાતરાણી કે પારિજાત જેવા રાત્રે ખીલતાં ફૂલોનાં નામ પણ તો લખ્યાં નથી. રાતની વાત છે અને રાત્રે આગળ લખ્યું એમ, આંખ કશા કામની રહેતી નથી અને આંખના દીવા ઓલવાય છે ત્યારે નાક-કાનના દીવા આપોઆપ પ્રજ્વળી ઊઠે છે. એટલે જ રાતના અંધારામાં એ જ ખુશબૂ વધુ તીવ્રતર અનુભવાય છે, જે દિવસે ચૂકી જવાતી હોય છે. જેમ ઘ્રાણેન્દ્રિય, એમ શ્રવણેન્દ્રિય પણ અંધારામાં વધુ સતર્ક બની જાય છે. વહી જતું પાણી જાણે અંધારાના પગે ઘૂઘરા ન બાંધતું હોય અને એ પહેરીને અંધારું નર્તન ન કરતું હોય એમ પાણીનો ખળખળ ખળખળ અવાજ રાત્રે વધુ શ્રાવ્ય બને છે. અંધારાનું આ નર્તન જોઈ કવિને એમ લાગે છે, કે જાણે આ ધરતીના હૈયાનો જ હરખ છે, જે અંધારાને પણ આજે નચાવે છે. અહીં ફરીથી કવિ ‘આજ’ શબ્દ પ્રયોજે છે. મતલબ આ અહેસાસ આ પહેલાં થયો નહોતો. રાત તો કાયમ પડતી આવી છે પણ આવો પુણ્ય અહેસાસ કદીક જ થતો હોય છે. કવિ કાન્તને પણ ભવનાથના દરિયા પરથી થતા ચંદ્રોદયને જોઈને આ જ રીતે ‘આજ મહારાજ, જલ પરથી ઉદય જોઈને ચંદ્રનો હૃદયમાં હર્ષ જામે’ જેવો એ દિ’ સુધી અનનુભૂત રહેલો અહેસાસ થયો હતો ને?! ‘सुबह होती है, शाम होती है, उम्र यूँ ही तमाम होती है’ (મુંશી અમીરુલ્લાહ તસ્લીમ)ની એકવિધતા તોડીને ક્યારેક એકાદ ચમકારો આપણી ભીતર એવો થાય છે કે બધું એનું એ જ અને રોજનું જ હોવા છતાં અચાનક આપણને એમાં કંઈક નાવીન્ય લાગે છે. આ ગીત આ નવીન અનુભૂતિનું ગીત છે.

આજે આ જૂનું નવીન કેમ થયું છે એની વાત કવિ હવે માંડે છે. કવિઓને પ્રિય વર્ષા હમણાં જ વીતી છે અને ઉનાળાભરની પ્યાસી ધરતી હવે પરિતૃપ્ત થઈ છે. કાળાં વાદળોના બોજથી લચી પડેલું આકાશ પણ ખાલી થતાં ખીલી ઊઠ્યું છે. આ મદમસ્ત ઋતુની ભીનાશ અને પરિતોષની અસરના લીધે કે અન્ય કોઈક અંગત કારણે કવિના ઊરમાં આજે ચોમેર આનંદરંગના ફૂવારા ઊછળી રહ્યા છે, જેના પરિણામસ્વરૂપ કોઈ દિવસ નહીં ને આજે આ અંધારું પણ આનંદના રંગોથી રંગાયું છે. મન પ્રફુલ્લિત હોય તો દોઝખ પણ જન્નત લાગે. સૂરજ અને ચાંદાના પૂજાવ્રતો તો રોજે-રોજ લોકો કરતાં આવ્યાં છે. બંને પ્રકાશના પ્રતીક છે. પણ કવિનું હૈયું આજે આનંદઘેલું છે એટલે એ આજે કાળાડિબાંગ અંધારાને પણ અપનાવી લે છે. કાવ્યારંભે જે ‘અમે’ એકાધિક લોકોના સમૂહ માટે પ્રયોજાયો હોવાનું લાગ્યું હતું એ ‘અમે’ કવિએ પોતાની જ જાત માટે માનાર્થે પ્રયોજ્યો હોવાનું પણ સમજાય છે, પણ એનાથી ભાવકોની કવિના ‘અમે’ સાથે તાદાત્મ્ય સાધતા હોવાની અનુભૂતિમાં લવલેશ ફર્ક પડતો નથી. હોળીની મસ્તીમાં જે રીતે दुश्मन भी गले मिल जाते हैं, એ જ રીતે આનંદોર્મિના આવેશમાં આજ સુધી જેની નકરી અવગણના જ કરતાં આવ્યાં હોઈએ, એને પણ અપનાવી બેસાય છે. માત્ર અપનાવી જ નથી બેસાતું, એને પોતાના આનંદના રંગે રંગી, શણગારી અને શોભાવી પણ બેસાય છે. કવિતામાં ‘આજ’નો પ્રયોગ શા માટે વિશેષ છે એ પણ સમજાય છે.

ભીતરી ભાર-અંધાર લઈ જાય દૂર, એવા કંઈ વાયરા આજ ભૂલા પડ્યા;
યુગયુગાન્તર પછી શબ્દ કાવ્યે ઢળ્યા, આજ અંધાર ખુશબો ભર્યો લાગતો.

ભીતરનો ભાર અને અંધકાર દૂર લઈ જાય એવું કંઈ થાય છે ત્યારે અંધારું ખુશબૂદાર લાગે છે. ઉપરોક્ત શેરની રદીફ પ્રહલાદ પારેખના જ અતિપ્રસિદ્ધ ગીતમાંથી જ લેવામાં આવી છે અને એનું શીર્ષક પણ ‘આજ’ છે. આ કાવ્યમાં રાત્રિના સૌંદર્યને સ્પર્શક્ષમ પરિમાણ આપી કવિએ અદભુત ઈંદ્રિયવ્યત્યય સાધ્યો છે. રાત્રિના શાંત પ્રહરમાં કવિ ચારેકોરથી કોઈ દિવ્ય સુગંધની અનુભૂતિ કરી રહ્યા છે. કદીક એ સુગંધ શાલવૃક્ષથી ખરતી મંજરીઓની ભાસે છે તો વળી સિંધુના પેલે પારથી આવતી પવનની લહેરખી એ પારથી કોઈ સુગંધ આણતું હોય એમ પણ લાગે છે. ત્યાં સુધી કે આકાશના તારા પણ આજે સુગંધ રેલાવતા લાગે છે. આ દિવ્ય આનંદ કયો છે જે આજે આખી રાતને ખુશ્બૂદાર કરી ગયો છે એ પ્રશ્નનો જવાબ તો ગીત પાસે જ માંગીએ:

આજ અંધાર ખુશબો ભર્યો લાગતો,
આજ સૌરભ ભરી રાત સારી;
આજ આ શાલની મંજરી ઝરી ઝરી,
પમરતી પાથરી દે પથારી. આજ 0

આજ ઓ પારથી ગંધને લાવતી
દિવ્ય કો સિંધુની લહરી લહરી;
આજ આકાશથી તારલા માંહીંથી
મ્હેંકતી આવતી શી સુગંધી ! આજ 0

ક્યાં, કયું પુષ્પ એવું ખીલ્યું, જેહના
મઘમઘાટે નિશા આજ ભારી ?
ગાય ના કંઠ કો, તાર ના ઝણઝણે :
ક્યાં થકી સૂર કેરી ફૂવારી ? આજ 0

હૃદય આ વ્યગ્ર જે સૂર કાજે હતું
હરિણ શું, તે મળ્યો આજ સૂર ?
ચિત્ત જે નિત્ય આનંદને કલ્પતું,
આવિયો તે થઈ સુરભિ-પૂર ? આજ 0