Category Archives: ગીત

કેડીનો છેવાડો આવ્યો ઈશ્વર દૂરનો દૂર છે ~ રચના: અવિનાશ વ્યાસ ~ સંગીત: ગૌરાંગ વ્યાસ ~ સ્વર: સંજીવની

રચના: અવિનાશ વ્યાસ
સંગીત: ગૌરાંગ વ્યાસ
સ્વર: સંજીવની

કેડીનો છેવાડો આવ્યો ઈશ્વર દૂરનો દૂર છે

ગામ ગામ ને નગર નગર, મંદિર મોટાં મશહૂર છે
શ્યામસુંદર ની મૂરત બનાવી હોઠે મુરલી મધુર છે.
પણ ઈશ્વર દૂર નો દૂર છે….

પાંખ મોટી ને ગગન છે નાનું તોય પંખી થઈને ઊડ્યું
પંડમાં મારા પરમેશ્વર તોય પરમેશ્વરને ઢુંઢુ
કોઈ ન ચીંધે મારગડો મને, સહુમાં સહુ ચકચૂર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે….

સિંધુ ધરી જો પર હોય દયાનું બિંદુ જો ભગવાનમાં
તો શ્રધ્ધાનો દીપ રાખી સળગતો આંધી આ તુફાનમાં
કોણ જીતે ને કોણ હારતું જોવા સહુ આતુર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે….

ઘડી તડકો ઘડી છાયો વાટમાં ઘડી દિવસ ઘડી રાત
કંઈ ઝરણા કાંઈ  નદીઓ આવી આવ્યો ન ગંગાઘાટ
આવ્યા આખી પ્યાસ બુઝાવવા આંસુડાના પૂર છે
પણ ઈશ્વર દૂરનો દૂર છે..

(પ્રેષક: પ્રણય વસાવડા)

સાહેબ મારા મેલા કપડાં ધૂએ (ગીત) ~ કવિઃ સુરેન ઠાકર ‘મેહુલ’ ~ સ્વરાંકન-સ્વરઃ સુરેશ જોશી

કવિઃ સુરેન ઠાકર ‘મેહુલ’
સ્વરાંકન-સ્વરઃ સુરેશ જોશી

(ગીત પહેલાં સુરેન ઠાકર ‘મેહુલ’ના અવાજમાં જે પૂર્વભૂમિકા છે, તે અચૂક સાંભળવા વિનંતી.)

સાહેબ મારા મેલા કપડાં ધૂએ
તરવેણીને તીર ઊભો ઈ
આજુબાજુ ના જુએ

મેલ ભરાયો અગમ ખૂણે ઈ
ધોતાં ધોતાં રૂએ
ટીપે ટીપે અડસઠ તીરથ
અનરાધારે ચૂએ… સાહેબ

ફાટ્યું વસ્તર, મરમી મારો
તન તોડીને તૂને
તપના તાપે સૂકવી વ્હાલો
નચંત થઈને સૂવે… સાહેબ

સોનલવરણી સાંજ ઢળે ને
ઝાલર ટાણે ઝગે
સુમિરન કરતાં સત-ચિત્ત-આનંદ
હોનાર હોય સો હુએ… સાહેબ

***

ઝાઝું નજીક નહીં જાવું (ગીત) ~ કવિ: હિતેન આનંદપરા ~ બે સ્વરાંકન

કવિ: હિતેન આનંદપરા

(1) સ્વરકાર: પરેશ નાયક
સ્વર: દિવીજ નાયક

ઝાઝું નજીક નહીં જાવું
કોઈની ઝાઝું નજીક નહીં જાવું
પાછળથી શાને પસ્તાવું ?

અંતર એક અદકેરું જાળવતાં આવડે તો સંબંધો ફૂલે નહીં, ફાલે
એક બે જણ ખાલી સોંસરવા રાખીને બાકીને રામરામ ચાલે
મોંઘેરી લાગણીનાં કરવાં જતન, નાહકનું શાને સસ્તાવું?
કોઈની ઝાઝું નજીક નહીં જાવું

ઇશ્વર સિવાય કોઈ સર્જક નથી, આ માણસ તો ખાલી વચેટિયો
આઘેથી ઊંચા પહાડ જેવો લાગે, ઓરા જાઓ તો સાવ વ્હેંતિયો
સર્જકને માન, એના સર્જનને માન, વચેટિયામાં નાહક અટવાવું
કોઈની ઝાઝું નજીક નહીં જાવું

***
(2) સ્વરકાર: રિષભ મહેતા
સ્વર: રિષભ મહેતા – ગાયત્રી ભટ્ટ

આ પ્રથમ કદીય તે કદમ આ ડગમગ્યા નથી (ગીત) ~ સુરેશ દલાલ ~ સ્વરાંકન-સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

પ્રસ્તુત ગીતમાં કવિ સુરેશ દલાલની છટા પણ નોખી છે અને પુરુષોત્તમ ઉપાધ્યાયની તે સાવ અનોખી. પોતાની શૈલીથી જુદા થઈને આ બંને જણે કરેલું કમનીય કારસ્તાન કાબિલ-એ-દાદ છે. મદહોશ મિજાજમાં લખાયેલું અને અલ્લડ આવારગીમાં સ્વરાંકિત થયેલું ગીત જાણે Zen-G માટે તૈયાર થયું હોય એવું લાગે છે. વેલેન્ટાઈન ડે નિમિત્તે એકવીસમી સદીમાં વીસમી સદીની આ સુ.દ.– પિયુ  તાજગી માણીએ.

કવિઃ સુરેશ દલાલ
સ્વરાંકન-સ્વરઃ પુરુષોત્તમ ઉપાધ્યાય

આ પ્રથમ કદીય તે કદમ આ ડગમગ્યા નથીઃ
આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!

ચરણને ચાલવા હવે હૂંફાળો તારો હાથ દે
નિશા અને નશા મહીં સુંવાળો તારો સાથ દે
હજી તરસ મટી નથી, હજી તરસ ઘટી નથી
આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!

પલ મહીં ચીરી ગઈ એ વીજળીની વાત શી!
એ વિના કશા દિવસ ને આ અકેલી રાત શી!
આ જિંદગી ગમી નથી કે વેદના શમી નથીઃ

આંખથી હું રૂપનો શરાબ પીતાં પી ગયો!
***

દોડિયાં રે અમે દોડિયાં (ગીત) ~ કવિ: રમેશ પારેખ ~ સ્વરાંકન: હરિશ્ચંદ્ર જોશી ~ સ્વર: ગાર્ગી વોરા 

કવિ: રમેશ પારેખ
સ્વરાંકન: હરિશ્ચંદ્ર જોશી
સ્વર: ગાર્ગી વોરા

દોડિયાં રે અમે દોડિયાં
વાલા નદિયું બનીને અમે દોડિયાં…

બે કાંઠા કરતાલ, અમારાં જલબિન્દુ મંજીરા
એક લહર કરતારો છે ને એક લહેર છે મીરાં
છોડિયાં રે અમે છોડિયાં
પથ્થરના રહેવાસ અમે છોડિયાં…

મીરાં કે પ્રભુ નામ તમારું એ જ અમારો ઢાળ
જળને કેમ પકડશે બોલો, રાણાજીની જાળ?
ફોડિયા રે અમે ફોડિયા
પરપોટા કર્યા ને અમે ફોડિયા..

(22.10.12/ શુક્રવાર. અમદાવાદથી અમરેલી જતાં બસમાં રચાયેલું ગીત)

હે દીવા! તને પ્રણામ… (ગીત) ~ રમેશ પારેખ ~ સ્વરાંકન-સ્વર: સુરેશ જોશી 

ગીત: રમેશ પારેખ
સ્વરાંકન-સ્વર: સુરેશ જોશી

હે દીવા! તને પ્રણામ…
અંધારામાં કરતો તું તો સૂર્ય-ચન્દ્રનું કામ

તારાં મૂઠીક કિરણોનું કેવું અલગારી તપ!
પથભૂલ્યાને પ્રાણ પાઈને કહેતાં – આગળ ધપ,
ગતિ હશે પગમાં તો મળશે કદીક ધાર્યું ધામ.
હે દીવા! તને પ્રણામ…

જાત પ્રજાળીને ઝૂઝવાનું તેં રાખ્યું છે વ્રત,
હે દીવા! તું ટકે ત્યાં સુધી ટકે દૃષ્ટિનું સત!
તું બુઝાય તે સાથ બુઝાઈ જાતી ચીજ તમામ
હે દીવા! તને પ્રણામ…

~ રમેશ પારેખ

હું તો નીકળી ગઈ મારી તલાશમાં (ગીત) ~ કવિ: અનિલ જોશી ~ સ્વરકાર: આશિત દેસાઈ ~ સ્વર: હેમા દેસાઈ

કવિ: અનિલ જોશી
સ્વરકાર: આશિત દેસાઈ
સ્વર: હેમા દેસાઈ

હું તો નીકળી ગઈ મારી તલાશમાં
સાત પગલાં આકાશમાં

સંજવારી જેમ હું તો પડી હતી ઉંબરે
ને પોતીકા ફળિયાને ઘેરી
વીજળીના ઝબકારે ઓળખે નહીં મને
મારા સરનામાની ડેલી
હું તો નીકળી ગઈ બહારના ઉજાસમાં
સાત પગલાં આકાશમાં

ઉંબરા ને ફળિયા તો ઓગળતા ચાલ્યા
ને આકાશને નહીં કોઈ બારી
બેડું જો હોય તો ઉતરાવે કોઈ
કેમ ઉતરાવે વીતકની ભારી  
મને અંધારું લાગે ઉજાસમાં
સાત પગલાં આકાશમાં ….

***

આંખ તો મારી આથમી રહી ~ ગીત: સુરેશ દલાલ ~ સ્વરાંકન-સ્વર: આશિત દેસાઈ

ગીત: સુરેશ દલાલ
સ્વરાંકન-સ્વર: આશિત દેસાઈ

આંખ તો મારી આથમી રહી
કાનના કૂવા ખાલી.
એક પછી એક ઇન્દ્રિય કહે :
હમણાં હું તો ચાલી.

શ્વાસના થાક્યા વણઝારાનો
નાકથી છૂટે નાતો,
ચીમળાયેલી ચામડીને હવે
સ્પર્શ નથી વરતા’તો.

સૂકા હોઠની પાસે રાખો
ગંગાજળને ઝાલી,
એક પછી એક ઇન્દ્રિય કહે :
અબઘડી હું ચાલી.

નસના ધોરી રસ્તા તૂટ્યા
લોહીનો ડૂબે લય.
સ્મરણમાં તો કાંઈ કશું નહીં :
વહી ગયેલી વય.

પંખી ઊડ્યું જાય ને પછી
કંપે જરી ડાળી.

***

ઓલ્યા પહાડની પાછળ પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો (ગીત) ~ નીનુ મઝુમદાર ~ સ્વરાંકન-સ્વર: કૃષાણુ મઝુમદાર

https://tahuko.com/?p=17203

કવિ: નીનુ મઝુમદાર
સ્વરાંકન-સ્વર: કૃષાણુ મઝુમદાર

ઓલ્યા પહાડની પાછળ પરોઢિયે રાતો રાતો રંગ ઢોળાયો
વસ્તર જાતા રાતનું
જાણે આભને ગાલે શરમભર્યો શેરડો એક છવાયો. – ઓલ્યા …

રમતા’તા થોડા તારલા થોડી બાકી રહેલી રાતે
ભમતા’તા નભ મોરલા થઇ વાદળિયાં પરભાતે
પૂરવને ભરી અમરતનો સોનલ કૂપો પાયો. – ઓલ્યા…

એકદંડિયા મ્હેલથી કો’કે કુવરીને છોડાવી
હજાર હાથે લડે બાણાસુ, કાળસેના તેડાવી
સૂરજદાદો અગનરથે ચઢી ગગન ધાયો – ઓલ્યા …

કુદરતમાં નાહીને પશુપ્રાણીએ મંત્ર જગાવ્યો
ભૂલાઈ જાતા સામને પાછો પંખીઓએ ગવરાવ્યો
ઝાકળથી ધોઈ આકાશભૂમિ હવનને પ્રગટાવ્યો – ઓલ્યા ….

***

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન (ગીત) ~ કવિ: ચંદ્રકાંત દત્તાણી ~ સ્વરાંકન: હરિશ્ચંદ્ર જોશી ~ સ્વર: રેખા ત્રિવેદી

કવિ: ચંદ્રકાંત દત્તાણી
સ્વરાંકન: હરિશ્ચંદ્ર જોશી
સ્વર: રેખા ત્રિવેદી

તમે જુઓ તે અમે ન સાજન, તમે જુઓ તે તન;
અમે તમારે શમણે મ્હોર્યા રૂપ રૂપના વન.

આંખ તમારી જુએ સપાટી, અમે છુપાયા કરીએ,
ભીતરને તળ તરો સજન તો રતન સમા સાંપડીએ,

ફૂલ ફૂલ માં ફોરમ ફોરમ, અમે વસંતી યૌવન,
તમે જુઓ તે છીપ સજનવા, અમે માંહ્યલા મોતન,

તમે સુનો તે શબ્દ અમે ના અમે નીરવ નીતરીયે
અમે ના રેશમ સ્પર્શે અમે એકાંત ભરી ઉભરીયે

અમે લહેર આંસુ ની સાજન અમે છલકાતા લોચન
અમે તામાંરી મરૂ ભોમ ના ઝરમર ઝરમર સાવન

અમે તમારે શમણે મ્હોર્યા રૂપ રૂપના વન.

***