Category Archives: ગીત

અષાઢ આયો – નિરંજન ભગત

રે આજ અષાઢ આયો,
મેં નેણના નીરમાં મનનો તે માઢ ગાયો !

દૂરને દખ્ખણ મીટ માંડીને
મોરલે નાખી ટ્હેલ,
વાદળી સાગરસેજ છાંડીને
વરસી હેતની હેલ;
એમાં મનભરીને મતવાલો મોર ન્હાયો !

મેધવીણાને કોમલ તારે
મેલ્યાં વીજલ નૂર,
મેહુલાએ ત્યાં જલની ધારે
રેલ્યા મલ્હારસૂર;
એથી ધરતીને અંગ રંગઉમંગ ન માયો !

જનમાં મનમાં આષાઢ મ્હાલ્યો,
સંસાર મ્હાલ્યો સંગ,
અલકાથી હું દૂર, તે સાલ્યો,
મને, ન લાગ્યો રંગ;
એ સૌને ભાયો ને શીતલ છાંયશો છાયો !

આપણે રે પ્રિય, સામસામે તીર,
ક્યારેય નહીં મિલાપ;
ગાશે જીવનજમુનાનાં નીર
વિરહનો જ વિલાપ !?
રે આયો અષાઢ ને વાયરે તોયે વૈશાખ વાયો !

બિરહમાં બાઢ લાયો!
રે આજ આષાઢ આયો !


માઢ= એ નામનો એક રાગ. (સંગીત.)
સાલ્યોનો એક અર્થ શૂળની માફક દિલમાં ખટકવું કે દુઃખ થવું થાય છે.

સદાકાળ ગુજરાત – અરદેશર ફ. ખબરદાર ‘અદલ’

ગાયક : આશિત દેસાઇ, ચન્દુ મટ્ટાણી

gujarat

.

જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત!
જ્યાં જ્યાં બોલાતી ગુજરાતી, ત્યાં ત્યાં ગુર્જરીની મહોલાત!

Continue reading →

દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

સ્વર : હેમંત ચૌહાણ

.

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

Continue reading →

આકાશનું ગીત – અનિલ જોશી

– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

ગોફણની છૂટતો પથ્થર થઇને કયાંક
પટકાતું ભોંય મને લાગું
ગુલમ્હોરી ડાળખીના લીલા આકારને
ઝૂકી ઝૂકીને તોય માગું

કલરવની સુંદરીને લઇને પસાર થતી જોઇ લઉં પોપટની પાલખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

વગડાનું ઘાસ નથી માંગ્યું સખી, કે નથી
માગી મેં પર્વતની ધાર
ચકલીનો નાનકો ઉતારો આપીને તમે
લઇ લ્યો ને ઊડતો વિસ્તાર !

નીકળતા વાયરે ચડતી પતંગના કાગળમાં ગીત દઉં આળખી
– કે મને ફૂટતી નથી રે કેમ ડાળખી?

(આ રચના સમજવામાં મદદ કરશો? )

કવિ શ્રી અનિલ જોશી ( જન્મ : 28 જુલાઇ,1940 )ની બીજી રચનાઓ :
ગીત ( મારી કોઈ ડાળખીમાં પાંદડા નથી )
અમે બરફના પંખી
પહેલા વરસાદનો છાંટો
કન્યા-વિદાય
દીકરી વ્હાલનો દરિયો…

પાંખો કાપવી ‘તી તો… – કૃષ્ણલાલ શ્રીધરાણી

paankho

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?
હે! પડઘો ન પાડવો તો… રે…
અંતરે સાદ કાં આલપ્યો ?
– જનમ કેમ આપ્યો?

સામી મ્હોલાતમાં દીવડી ફરૂકે,
ફરૂકે મારા અંતરની જ્યોતિ !
હે ! આડી ચણી આ કાચની દીવાલ તો,
લોહની દીવાલ કાં ન રોપી ?
– સાદ કાં આલપ્યો ?

પાંખો કાપવી ‘તી તો… રે…
મોરલાને જનમ કેમ આપ્યો?

( કવિ પરિચય )

ભોમિયા વિના મારે – ઉમાશંકર જોષી

કવિ શ્રી ઉમાશંકર જોષી ( જન્મ : 21 જુલાઇ, 1911 )

સ્વર : ઉદય મઝુમદાર
સંગીત : શ્યામલ – સૌમિલ મુન્શી

bhomiya

.

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજકુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાંની આંખ લ્હોવી હતી.

Continue reading →

તને જાતા જોઈ – અવિનાશ વ્યાસ

કવિ શ્રી અવિનાશ વ્યાસ ( જન્મ : તા 21 જુલાઇ, 1911 )

.

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

તારા રૂપાળા ગોરા ગોરા ઘાટે,
મારૂ મન મોહી ગયુ,

કેડે કંદોરોને કોટમાં દોરો
તારા લહેરિયાની લાલ લાલ ભાતે,
મારૂ મન મોહી ગયુ,

રાસે રમતી આંખને ગમતી
પૂનમની રઢિયાળી રાતે,
મારૂ મન મોહી ગયુ,

બેંડલુ માથે ને મહેંદી ભરી હાથે
તારી ગાગરની છલકાતી છાંટે,
મારૂ મન મોહી ગયુ,

તને જાતા જોઈ પનઘટની વાટે
મારૂ મન મોહી ગયુ,

જળ વ્હેર્યું – વ્રજલાલ દવે

આઘી આઘી કીધી જાતરા,
ખોયા આંગણાના રામ;
ખાલી રે ખજાના લાગ્યા પંડના,
પરના મબલખ તમામ !
જળ રહે વ્હેર્યું, જીવ ! કેટલું ?

દોરંગી દૂરની વેલીએ
જોયાં ઝાઝેરાં ફૂલ ;
ટોડલે ટ્હૌકંતી રાતરાણીનાં
રૂપ ખરી ગ્યાં વણમૂલ !
જળ રે વ્હેર્યું, જીવ ! કેટલું ?

પલ પલ સુણ્યા અંતરસાદ
તેં, દીધા કાને કાં હાથ ?
જીભને પટુડે જગ જીતવા
ભીડી ભવ શું તેં બાથ ?
જળ રે વ્હેર્યું, જીવ ! કેટલું ?

(આ કાવ્યનો ભાવાર્થ સમજવામાં તમે મદદ કરશો ? વ્હેર્યું એટલે કાપવું, છુટું કરવું. પરંતુ અહીંયા એ કયા અર્થમાં લેવાયું છે એનો મને ખ્યાલ ના આવ્યો. )

કાળું ગુલાબ – હર્ષદ ત્રિવેદી


મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.
અંધારા આંખોમાં ઊતરી આવ્યાં કે હવે દેખું છું કાળાં હું ખ્વાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

આંગણાનાં તુલસીને પૂજવા તો જાઉં પણ અંદરથી રોકે છે કોક,
માળા તો પ્હેરી છે બબ્બે સેરોની તોયે અડવાણી લાગે છે ડોક;
આયનો તો પૂછે છે જુઠ્ઠા સવાલ અને માગે છે સાચા જવાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

સપનાં કૈં કાચની બંગડી નથી કે એને પથ્થર પર પટકું ને તોડું,
ઉંબરની બહાર કૈં દરિયો નથી કે ભાન ભૂલું ને ખળખળતી દોડું;
જુઠ્ઠા તો જુઠ્ઠા પણ ગણવાના શ્વાસ અને કરવાના સાચા હિસાબ !
મારી છાતીમાં ઊગ્યું છે કાળું ગુલાબ.

નક્કી દુખે છે તને પેટમાં ! – કૃષ્ણ દવે


( સુનામી, દરિયાઈ ભૂકંપ, ડિસેમ્બર 26, 2004 )

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું આ રીતે મોજાં કંઇ મોકલે, ને ડુંસકાંઓ મોકલે કંઇ ભેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર આ આંગણું જ રમતી પગલીઓનો અટકાવે કોઇ દિવસ શ્વાસ ?
માના ખોળામાંથી થરથર કંપીને કદી ઊડતો જોયો છે વિશ્વાસ ?
ઘૂંટી ઘૂંટીને કેવો કક્કો લખે, ને પાછો ભૂંસી પણ નાખે છે સ્લેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !
નહિતર તું ધારે તો દરિયા પીવે છે, ને ધારે તો પીવે છે ઝેર.
રોઇ રોઇ મોજાંએ પૂછ્યું હશે કે મારે કાંઠાની સાથે શું વેર ?
બહેરા બે કાન કદી સાંભળે છે કોઇનુંય ? લઇ લે જે આવે લપેટમાં.

નક્કી દુખે છે તને પેટમાં !
માણસની જેમ હવે તારી પણ માણસાઇ, પળભરમાં જાય છે કાં ફાટી ?
વ્હાલસોયાં સપનાંનાં ઢગલાંને સંઘરતાં કંપી ઊઠે છે હવે માટી.
આંસુની કિંમત કાં સસ્તી થઇ જાય સાવ, દર વખતે તારા બજેટમાં ?

નક્કી દુખે છે તને પેટમાં !

(આમ તો આ કાવ્ય ‘સુનામી’ને ઘ્યાન્માં રાખીને લખાયું છે, પરંતુ છેલ્લી થોડી પંકિતો મુંબઇની આજની પરિસ્થિતિને ઘણી અનુરૂપ લાગે.)