સ્વર :ડો. કેદાર ઉપાધ્યાય
સ્વરાંકન : કેદાર અને ભાર્ગવ
.
દરિયાની છાતી પર ઢોળાતું જાય એવું યાયાવર ગાન છીએ આપણે
સમદરને પાર જેનાં સરનામાં હોય એવાં વણજાણ્યા નામ છીએ આપણે
હોવું તો વાદળિયાં શ્વાસ જેવી વાત જેની ધરતીને સાંપડી સુગંધ
આપણેતો કલબલનો એવડો પ્રવાસ જેની એકે દિશા ન હોય બંધ
સમદરની છોળ જેમ સમદરમાં હોય એવો આપણો મુકામ છીએ આપણે
પાંખમાં ભરીને ચાલો આખું આકાશ કોઈ તગતગતા સરોવરમાં ઢોળીએ
ભાંગતા કિનારાનું ભાંગે એકાંત એવી કલબલતી કોઈ વાત બોલીએ
માળાના હોય નહીં આપણને સાદ સાવ ટૂંકા રોકાણ છીએ આપણે
-ધ્રુવ ભટ્ટ
લીલી છમ્માક હોય પર્વતની ધાર અને તડકા છાયાની હોય ભાત
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત
આખી વણજાર ક્યાંક રોકાશે રાત પછી નદીએ નાહ્યાનો સમો આવશે
એટલીક આશાના તાંતણાને અંત લગી ચાલ્યા કરવાનું કેમ ફાવશે
કોકવાર વાદળાંને થાશે કે ચાલ જરા ભીનેરું કરીએ વેરાન
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત
ચૈતરની ચાંદનીને પૂછ્યું કે, બોલ અલી, ફળિયું ઢળાય છે કે ઢોલિયા
મલકાતી જાય અને વળતું પૂછે કે,તમે માણસ જીવ્યાં કે નર્યા ખોળિયા
રઢિયાળી રાત હોય ,વાતુંનો ભાર હોય ઘેરાતી હોય જારી આંખ
હુક્કો ભરોને પછી માંડો તો સાંભળીએ ધોધમાર વરસ્યાની વાત