Category Archives: ગઝલ

ગઝલ – ભરત વિંઝુડા

સાવ સીધું છે ગૂંચવાવું શું,
કાળું ધાબું છે એમાં જાવું શું.

એ નથી જાણતા રિસાવું શું !
તો કહો એમને મનાવું શું !

એણે આપ્યું નહીં કશુંય મને,
બંધ મુઠ્ઠીમાં હું છુપાવું શું !

વહી ગઈ એમ વિસરાઈ ગઈ,
જિંદગીમાં કહો ભુલાવું શું !

કંઈ નથી આવતું બીજું મોઢે,
એક બગાસું છે એમાં ખાવું શું !

– ભરત વિંઝુડા

ગઝલ – રઈશ મનીઆર

દીવાનગીની હદ સુધી મુજથી ન જવાયું
ટળવળતું રહ્યું સ્વપ્ન ફરી એક નમાયું

તુજ આત્મકથામાં થયો ઉલ્લેખ ન મારો
એક પાનું જો કે સાવ તેમાં કોરું રખાયું

કાંટા હવે ખૂંચે છે તો ઘા પણ નથી પડતા
ક્યારે તે રુઝાયું છે જે ફૂલોથી ઘવાયું

તારી સ્મૃતિ તારા જ વિચારો અહીં દાટ્યા
ને નામ કબર પર છતાં મારું જ લખાયું

ઇતિહાસ લખાયો તે ઘડી નામ કોઇનું
સગવડતાભરી રીતે ‘રઈશ’ ભૂલી જવાયું

– રઈશ મનીઆર

ગઝલ – શેખાદમ આબુવાલા

હું નયનનું નીર છું
પ્રેમનું તકદીર છું

ખેંચશો – હારી જશો
દ્રૌપદીનું ચીર છું

અર્જુને પૂછ્યું મને
રે તું કોનું તીર છું

જે નજર આવે નહીં
તેની હું તસ્વીર છું

પાત્ર લાવો હેમનું
હું સિંહણનું ક્ષીર છું

જન્મના ફેરાની હું
તૂટતી ઝંજીર છું

જાય છે આદમ? ભલે!
દુ:ખ નથી-દિલગીર છું

– શેખાદમ આબુવાલા

ટૂંકી બહેરની પણ કેવી મજાની ગઝલ… ગાગરમાં સાગર જ જાણે !

લઇને આવ્યો છું – ગની દહીંવાલા

હું છું ગઝલ-બુલબુલ…. (Red Wiskered Bulbul ~ સિપાહી બુલબુલ – Photo by Vivek Tailor: 27-04-2009)

હૃદયના ભાવ , પાંખે કલ્પનાની લઇને આવ્યો છું ,
સિતારાઓ ! સુણો કથની ધરાની લઇને આવ્યો છું .

હજારો કોડ , ટૂંકી જિંદગાની લઇને આવ્યો છું ,
સમય થોડો અને લાંબી કહાની લઇને આવ્યો છું .

સમયની પીઠ પર બેસી વિહરનારા ભલે રાચે ,
તમન્ના હું સમયને દોરવાની લઇને આવ્યો છું.

તૃષાતુર વાટ ! તારે મારી પાછળ દોડવું પડશે ,
ભર્યાં છે નીર છાલામાં , એ પાની લઇને આવ્યો છું.

જગત-સાગર , જીવન-નૌકા , અને તોફાન ઊર્મિનાં ,
નથી પરવા , હૃદય સરખો સુકાની લઇને આવ્યો છું.

ઊડીને જેમ સાગર-નીર વર્ષા થઇને વરસે છે ,
જીવન ખારું , છતાં દ્રષ્ટિ કળાની લઇને આવ્યો છું.

’ગની’ , ગુજરાત મારો બાગ છે , હું છું ગઝલ-બુલબુલ ,
વિનયથી સજ્જ એવી પ્રેમ-બાની લઇને આવ્યો છું .

– ગની દહીંવાલા

ગઝલ – ભારતી રાણે

તેજના ભારા લખ્યા ને ઘોર અંધારા લખ્યાં,
તેં હરેક ઈન્સાન કેરાં ભાગ્ય પણ ન્યારાં લખ્યાં.

સૂર્ય પર જ્વાળા લખી ને રણ ઉપર મૃગજળ લખ્યાં,
રાખની નદીઓ તટે તેં સ્વપ્ન-ઓવારા લખ્યા.

શું હતો તુંયે વિવશ લખવા હૃદયને શબ્દમાં ?
જળ ઉપર લહેરો લખી ને આભમાં તારા લખ્યા !

ઘાસ પર ફૂલો લખ્યાં ને ડાળ પર પર્ણો લખ્યાં,
મોસમે આ પત્ર કોના નામના પ્યારા લખ્યા ?

ચંદ્રએ શાના ઉમળકે સાગરે ભરતી લખી ?
ડૂબતા સૂરજને નામે રંગના ક્યારા લખ્યા ?

કોણ દિવસરાત શબ્દોની રમત રમતું રહ્યું ?
રેત તો ભીની લખી, ને સાગરો ખારા લખ્યા !

– ભારતી રાણે

ગઝલ – ફિલિપ ક્લાર્ક

હોઠ સુધી આવી અટકી જાય છે,
કોઈ દ્વારે આવી ભટકી જાય છે.

આપણા સંબંધના અંધારમાં –
દીપ શ્રદ્ધાના જ ઝબકી જાય છે.

વાત મળવાની સદા કરતાં રહે;
તક મળે ત્યારે જ સરકી જાય છે.

એમના ગુન્હા બધા હું જાણતો;
ફાંસ રૂપે એ જ ખટકી જાય છે.

વૃક્ષ આખું શ્વાસમાં ઝોલે ચઢે,
બેસવાની ડાળ બટકી જાય છે.

– ફિલિપ ક્લાર્ક

ગઝલ – વિનોદ રાવલ

થાક ખાવા લગીર ઊભા છે,
ફૂલ પાસે સમીર ઊભા છે.

કોઈ વરસવા અધીર ઊભા તો,
કોઈ ખૂલ્લા શરીર ઊભા છે.

પૂર ઘટવાની રાહ જોતાં ત્યાં,
કોઈ તો સામે તીર ઊભા છે.

બ્હાર જેવા જ કોઈ મોટેરા,
આપણામાં ફકીર ઊભા છે.

એ સ્વયં મૃગ સમાન તરફડતાં,
જે ચલાવીને તીર ઊભા છે.

– વિનોદ રાવલ

ગઝલ – હનીફ સાહિલ

મારા સર્વે ગુમાનથી આગળ,
તીર કોઈ નિશાનથી આગળ.

ત્યાં હતું શહેર એક વસાવેલું,
મારા ઉજ્જડ મકાનથી આગળ.

થાય છે એવી તીવ્ર ઇચ્છા કે,
જઈને રહીએ જહાનથી આગળ.

હોય પંખી ભલે ને પીંજરમાં,
પણ છે દૃષ્ટિ ઉડાનથી આગળ.

શક્ય છે હો જમીન જેવું કંઈક,
દૂર આ આસમાનથી આગળ.

સાથ આપે તને તો લઈ ચાલું,
આ ધરા આસમાનથી આગળ.

દિલ ને દુનિયાની હકીકતથી હનીફ,
છે ગઝલ દાસ્તાનથી આગળ.

– હનીફ સાહિલ

કંઠી બાંધી છે તારા નામની – અશરફ ડબાવાલા

કંઠી બાંધી છે તારા નામની
અઢળક અને અઢીમાં ફેર નહીં કાંઈ એવી લાગી મમત તારા ગામની.

માગ્યું મળે ને મન છલકાતું હોય ત્યારે કાંઠાનું ભાન રહે કેમ ?
કેટલા કોરા ને અમે કેટલા ભીંજાણા ઇ પૂછો ના મે’તાજી જેમ.
સાચું પૂછો તો એક જણને મળ્યા અને જાતરા ગણો તો ચાર ધામની
… કંઠી બાંધી છે તારા નામની

કેડીથી આડી ફંટાઈ મારી ઘેલછા કાંડું પકડીને મને દોરે
ચરણો ને ચાલની તો વાત જ શું કરવી ? હું ચાલું છું કોઈના જોરે
મોજડીની સાથ મોજ રસ્તે ઉતારી, હવે મારે નથી કોઈ કામની
… કંઠી બાંધી છે તારા નામની

– અશરફ ડબાવાલા

ઝીલો – ધ્રુવ ભટ્ટ

આ ​ઝરમર ઝરમર કરી રહ્યા તે જળને ઝીલો
આ ધરતીથી આકાશ બની સાંકળને ઝીલો.

આ એકજ ટીપુ આખે આખાં સરવર દેશે,
ધરો હથેળી અચરજના અવસર ને ઝીલો.

આ કણ કણ લીલી લીલા છે નાચી ચોગરદમ,
જીવતર જેણે પ્રગટાવ્યા તે બળને ઝીલો.

આ નથી ફક્ત આકાશી ઘટના ઝીલી શકો તો,
ઘટ -ઘટ ઉમટી ઘેરાયા વાદળને ઝીલો.

આ ઉમ્મર પદવી ,નામ ઘુંટ્યા તે ભૂંસી દઈને,
અંદર અનરાધાર વસ્યા બાળકને ઝીલો.

આ મહેર કરી છે મહરાજે મોટુ મન રાખી,
ખોલી દો ઘુંઘટપટ વરસ્યા વરને ઝીલો.

– ધ્રુવ ભટ્ટ

****

આસ્વાદ – ઉર્વશી પારેખ (કાવ્યાનુભૂતિ) (કાવ્યાનુભૂતિ પુસ્તક ટહુકોને મોકલવા માટે ઉર્વશીબેનનો ખૂબ ખૂબ આભાર)

વર્ષા ​ઋતુ નું આગમન થઇ ચુક્યું છે. આજે આપણે વરસાદની રચના માણીશું. ઠંડા પવનની લહેરખીઓ વાતી હોય, વ્રુક્ષ, છોડ, પાન એ બધા​પવન સાથે નૃત્ય કરી રહ્યા હોઈ. આકાશ, આજુબાજુનું વાતાવરણ ચોખ્ખુ, નિર્મળ અને આહલાદક હોઈ, મન ને શાતા આપી સભર કરતું હોય ત્યારે લાગે ઝીણા ઝરમર વરસાદમાં ફરવા નીકળી પડીએ. પ્રકુતિને મનભેર માણી ઝીલી લઈએ.

અહીં કવિ કહે છે કે વરસાદ ઝરમર પડી રહ્યો છે તે આપણે ઝીલીએ, ધરતી અને આકાશ વરસાદ રૂપી સાંકળ વડે જોડાઈ ગયા છે તે જોઈએ, માણીએ. હથેળીમાં વરસાદના ટીપાને ઝીલીને ભેગા કરીએ,જે તમને સરોવરની અનુભૂતી કરાવશે. વરસાદનાં આવવાથી ચારેબાજુ લીલા લીલા છોડો ઉગી જાય છે, લીલોતરી પથરાઈ ​જાય છે, આ લીલેરા જીવતર ને પ્રગટાવનાર ધરતીનાં બળને,શક્તીને ઝીલીએ. આ વરસાદ એ ફક્ત આકાશી ઘટના નથી, પણ ઉમટી આવેલા વાદળોની રમાતી સંતાકુકડી,દોડાદોડી છે તેને માણીએ. અંહી કવિ એક સરસ વાત કરે છે કે, તમે તમારી ઉંમર, પદ, નામ, હુંપણું આ બધુ ભૂલી જઈ, તમારા અંદર જે બાળક વસેલુ છે તેને ભરપુર આનંદ માણવા દો. ભગવાને ખુબ મોટું મન રાખી મોટી મહેર કરી છે તો બધા અંચળાઓને ફગાવી નાના બાળકની જેમ વરસતા વરસાદમાં ભીંજાવાનો લ્હાવો લઇ, વરસાદને ઝીલીલો માણી લો.