એક ચહેરો પણ ન સરખો આપણાથી ઊકલે
સાવ એવાં તો નિરક્ષર આપણે હોતાં નથી
આપણામાં કોઈ પણ પૂરેપૂરું ડૂબી શકે
એ સરોવર કે સમંદર આપણે હોતાં નથી
~ બાબુલાલ ચાવડા ‘આતુર’ ~ ગઝલસંગ્રહઃ શબ્દ પણ બોલ્યા વિના
પ્રસ્તુત ગઝલમાં શાયરે આપણી ભીતર રહેલો વિરોધાભાસ આક્રોશ કે ઉહાપોહ વિના, શાંત ચિત્તે વ્યક્ત કર્યો છે.
આયોજન કરીએ ત્યારે સૌથી મોટી મોકાણ ચાલુ કાર્યક્રમે પ્રેક્ષકોનું વ્હૉટસેપ ચેકિંગ અને ચેટિંગ બંધ કરાવવાની હોય છે. કેટલાક તો વળી પહેલી હરોળમાં બેસી ગેમ રમતા હોય છે. એક બહેનને તો મેં સલવાર કમીઝ ખરીદવાની પ્રક્રિયા કરતાં જોઈ ટોક્યા અને વળતરમાં એમની પહાડી નારાજગી વહોરી લીધી હતી. આ પ્રકારનું નિર્લજ્જપણું કલાજગત માટે અપમાનજનક અને હાનિકારક છે. આપણી સામે જ આપણી અવગણના થતી જોવી દુઃખદ છે. શાયરે આપણી કેટલીક ખામીઓ આ ગઝલમાં ઉજાગર કરી છે. આ યાદી લંબાઈ પણ શકે છે.
***
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.
જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઈ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઈ?
નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
રેતી પર એક નામ લખું રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય
રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
કવિ સુરેશ દલાલે અનેક સુંદર કૃષ્ણગીતો આપ્યા છે. અહી એક એવું ગીત છે જેનું સ્વરાંકન કરવું અઘરું પડે. પ્રલંબ લય છે. સુરેશભાઈના કંઠે પઠનરૂપે અનેક વાર સાંભળ્યું છે, પણ સ્વરાંકન સાંભળીને આ ગીત, ફરિયાદ સ્વવરૂપે હોવા છતાં, વધારે વ્હાલું લાગશે.