વરસાદ – અનિલ જોશી

કવિ શ્રી અનિલ જોશીને એમના જન્મદિવસે ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમનું આ મઝાનું વર્ષાકાવ્ય…
સાથે એમના વિષે થોડી વાતો… (લયસ્તરો પરથી સાભાર)

અનિલ રમાનાથ જોશી કવિ ઉપરાંત નિબંધકાર તરીકે પણ જાણીતા છે. જન્મસ્થળ ગોંડલ. (જન્મ: ૨૮-૭-૧૯૪૦) વ્યવસાય અર્થે મુંબઈમાં વસવાટ. આપણા ગુજરાતી સાહિત્ય જગતમાં ગીતોને એક નવતર વળાંક આપવામાં રમેશ પારેખની સાથે અનિલ જોશીનું નામ પણ કદાચ સૌથી મોખરે આવે. આધુનિક જીવનની અનુભૂતિને તાજગીભર્યા પ્રતીકો-કલ્પનો દ્વારા અવનવી રીતે એમણે પોતાની કવિતાઓમાં નિતારી છે. મુખ્યત્વે ગીતમાં એમની હથોટી, પરંતુ એમણે ગઝલ ઉપરાંત ઘણી અછાંદસ રચનાઓ પણ કરી છે. એમનાં ’સ્ટેચ્યૂ’ નિબંધસંગ્રહને ૧૯૯૦નાં વર્ષનો દિલ્હી સાહિત્ય અકાદમીનો પુરસ્કાર પણ મળ્યો હતો. (કાવ્યસંગ્રહો: ‘બરફનાં પંખી’ અને ‘કદાચ’, અને એ બંનેનાં પુનર્મુદ્રણ એટલે ‘ઓરાં આવો તો વાત કરીએ’; નિબંધસંગ્રહ: ‘સ્ટેચ્યૂ’, ‘પવનની વ્યાસપીઠે’, ‘જળની જન્મોતરી’)

આકાશમાં જૂઠાં વાદળાં છે,
પણ વરસાદ નથી.
નળના કાટ ખાધેલા પાઈપમાં
અંધારું ટૂંટિયું વળીને બેઠું છે.
નપાવટ માનવજાત સામેના વિરોધમાં
પાણી હડતાળ પર ગયું છે.
કોઈ ધોતું નથી.
આપણા પાપ ધોવા માટે પાણી ક્યાં છે ?
સૌ પોતાની આંખ્યુંનું પાણી બચાવીને
આકાશને તાકતા બેસી પડ્યા છે.
કોઈના ભયથી જેમ દૂઝણી ગાય
દૂધ ચોરી જાય એમ આકાશ
આજે પાણી ચોરી ગયું છે.
આ મેલખાઉ હાથ દુવા માગવા
કે પ્રાથના માટે લાયક નથી રહ્યા ?
શું વરસાદ આપણા કરોડો ગુનાઓને
માફ કરવાના મૂડમાં નથી ?
મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.

– અનિલ જોશી

10 replies on “વરસાદ – અનિલ જોશી”

 1. કમલેશ... says:

  મને લાગે છે કે, વરસાદે આપણું પાણી માપી લીધું છે.
  વાહ..

 2. સુંદર કાવ્ય… ગીતકવિ અછાંદસ લખે તોય લય ભૂંસાતો નથી…

 3. Rajiv Upadhyaya says:

  Finally some one is there from Gujarat… on the NET.

 4. tusharchandarana says:

  નપાવટ માનવ જાત પૉતાના શરીના ૯૦% પાણી માટે પણ લાયક નયૌ

 5. સુન્દર અને મન ને સ્પર્શી જાય તેવુ ગીત..
  વરસાદે આપણુ પાણી માપી લિધુ,
  ખુબજ સરસ.

 6. Ullas Oza says:

  વરસાદી વાતમાંથી જીવનની વાત બતાવતુ સુંદર ગીત.
  અનિલભાઈને જન્મદિન મુબારક.

 7. Ashvin Sheth says:

  Anil,

  Congratulation.I know you as a writer & poet.I am proud of you for two reasons.one as a
  SAHITYAKAR and another is as a son of Ramanathbhai who was my teacher .My native place is
  GONDAL.

  Ashvin C Sheth.USA.

 8. જયેન્દ્ર ઠાકર says:

  કાવ્ય વાચી શ્રી કલાપી યાદ આવી ગયાઃ

  કાપી કાપી ફરી ફરી અરે ! કાતળી શેલડીની,
  એકે બિંદુ પણ રસતણું કેમ હાવાં પડે ના ?
  ‘શુ કોપ્યો છે પ્રભુ મુજ પરે !’ આંખમાં આંસુ લાવી,
  બોલી માતા વળી ફરી છૂરી ભોંકતી શેલડીમાં

  ‘રસહીન ધરા થૈ છે, દયાહીન થયો નૃપ;
  નહિ તો ના બને આવું;’ બોલી માતા ફરી રડી.

 9. hanif diwan says:

  અદભુત કાવ્ય.
  માનવજાતે પ્રક્રુતિ ના આ અનમોલ તત્વની (પાણી)કિમ્મત સમજી લેવા નો સમય આવી ગયો

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *