બીજી એપ્રિલે ટહુકો પર મુકેલી – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અમર રચના – આજે ફરી એકવાર… થોડી વધુ માહિતી – થોડી વધુ Hyperlinks – અને થોડા વધુ સ્વર-સંગીત સાથે..!
અને હા.. આજે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ.. (August 28,1896 – March 9,1947) એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ રચના.. અને એના વિષે થોડી વાતો…!!!
આ વર્ષે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (માર્ચ 9 ) નિમિત્તે એમને એક અનોખી શ્રદ્ધાંજલી આપવાનાં હેતુસર ૮૨ વર્ષ બાદ પહેલી વખત એક ગુજરાતી અખબાર સંદેશના પ્રતિનિધિ તરીકે પત્રકાર લલિત ખંભાયતા એમના સાથીદાર સાથે મેઘાણીની એ અમર ચારણ કન્યાના વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે માર્ચની 2જી તારીખે પહોંચેલા… એમના વંશજો સાથેની એમની એ મુલાકાતનો આ રસપ્રદ લેખ* માણવાનું જરાયે ચૂકશો નહીં.
*આ લેખ JPG ફોર્મેટમાં અહીં પણ જોઈ શકો છો !
(અને આ માહિતી માટે ઊર્મિનો ખાસ આભાર..)
સંગીત : મેહુલ સુરતી
સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા
ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી
Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.
————-
Posted on April 2, 2010
ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.
“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
- દુલા કાગ
(શ્રી દુલા કાગના આ શબ્દો ટાઇપ કરીને એમની સાઇટ પર મુકવા માટે ગોપાલકાકા નો આભાર…)
(ચૌદ વરસની ચારણ કન્યા….Photo : અરવિંદભાઇ જોષી)
સ્વર – હરિદાન ગઢવી
(લક્ષમણભાઇ ગઢવી – પીંગળશીભાઇ ગઢવીના સુપુત્ર તરફથી – ઝવેરચંદમેઘાણી.કોમ માટે એમણે આપેલ નીચેના બંને રેકોર્ડિંગ માટે મારા અને ટહુકોના સર્વ વાચક-શ્રોતાઓ તરફથી લક્ષમણભાઇ ગઢવીનો ખૂબ ખૂબ આભાર.., અને ઝવેરચંદમેઘાણી.કોમ જેવી વેબસાઇટ બનાવી ગુજરાતીઓમાં એની લ્હાણી કરનાર પીનાકીભાઇ મેઘાણીનો પણ ખાસ આભાર….)
બાલકૃષ્ણ દવેના અવાજમાં ચૌદ વરસની ચારણ કન્યા
પિંગળશી ગઢવીના અવાજમાં ચૌદ વરસની ચારણ કન્યા
સાવજ ગરજે !
વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?
બાવળના જાળામાં
ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે
થર થર કાંપે !
વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે
આંખ ઝબૂકે
કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે
જડબાં ફાડે !
ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.
બ્હાદર ઊઠે !
બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !
ઊભો રે’જે
ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !
ચારણ કન્યા
ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા
ભયથી ભાગ્યો !
સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !
- ઝવેરચંદ મેઘાણી
બાલકૃષ્ણ દવે અને પિંગળશી ગઢવીના અવાજમાં Mp3 માટે આભાર – ઝવેરચંદમેઘાણી.કોમ

Email
સોરથ નિ વત કદિક જોવ મલે તો જિન્દગિ મા અનદ આવિ જાય્.
આ અદભુત રચના ઉપેન્દ્ર ત્રિવેદી ના સ્વર માં પણ ખુબ સરસ રીતે ગવાયેલી છે. રેકોર્ડીંગ મેળવીને અપલોડ કરવા પ્રયત્ન કરીશ.
ગીર ની કન્યા નું શૌર્ય તો ઉજાગર થાય છે જ આ ગીત માં પણ અમે પાંચમાં ધોરણ ના ક્લાસ માં સમૂહ માં આ ગીત તું પઠન કરતા એટલા તાન માં આવી જતા તો આખા સમૂહ નો ઉદ્દાત સ્વર છેક દૂર સુધી સંભળાતા અને અન્ય વર્ગ ના વિદ્યાર્થીઓ પણ તાન માં આવી જતા !! છેવટે અમારા ઇતિહાસ અને ગણિત ના શિક્ષકે પ્રિન્સીપાલ ને ફરિયાદ કરી આ ગીત નું સમૂહ પઠન બંધ કરાવ્યું હતું. અમને અને અમારા ગુજરાતી ના શિક્ષક ને અમારો મોટો ગરાસ લુટાઈ ગયો હોય તેવી લાગણી થઇ હૈ. !!
વર્ષો પછી આ ગીત સાંભળીને વર્ષો પહેલા અમારા દ્વારા થયેલો આનંદ નો અત્યાચાર અને અમારા ઉપર થયેલો પાબંદી નો અત્યાચાર તાદ્રશ્ય નજર સમક્ષ ઉભો થઇ ગયો !!!
આભાર ટહુકે ટીમ ને !! ગીત-સંગીત ને સીચીને ગાયકો-લેખકો કવિઓ ની કૃતિઓ અને માણનાર ની કૃતિઓ સાથે જોડાયેલી યાદો ને લીલી છમ અને તાજીમાજી રાખવાની જહેમત લેવા બદલ.
અરે બાળપણનુ સુરેીલુ સમ્ભારણુ ફરેી તાજુ થઈ ગયુ……….
4th મા આ કાવ્ય ગાવાનેી એટલેી તો મજા આવતેી કે ૨૪ કલાક બસ એ જ રટણ ચાલ્યા કરતુ, આજે ફરેી એ જ ધુનમા ખોવાઈ જવુ ચે…
આ અદભુત રચનાખુબ સરસ રીતે ગવાયેલી છે.ગીર ની કન્યા નું શૌર્ય તો ઉજાગર થાય છે
jay ho meghani naman tamone, koti vandan kagne,
આ કાવ્ય એ તો મારું જીવન બદલાવ્યું હતું,એટલો બધો અત્મ્વીશ્વશ ચાલકે છે આ કાવ્યમાં,તમે બહુ સારું કર્યું આ કાવ્ય ને અહી મુકે ને.
WAH WAH…….. MAUJ PADI GAI. KRUTI TO LAJAWAB CHHE J PAN HEMU GADHAVI NE VRUND NI RAJUAT PAN JORDAR. ABHINANDAN….
આ કાવ્ય હું ધોરણ ૪ માં ભણેલો. એકાદ બે વાર બાલ કૃષ્ણ ભાઈ દવે ના અવાજ માં સંભાળવા મળેલું.
વારંવાર સંભાળવું ગમે તેવું આ ગીત છે.
હું આચાર્ય છું. શિક્ષકોની સભા માં પણ કવિતા બાળકોને કેમ શીખવવી, કેવી રીતે ગાવી તેની પણ સમજ આપું છું.
બાળકોને અને શિક્ષકોને પણ મજા આવે છે.
વર્ષો પછી આ ગીત સાંભળીને વર્ષો પહેલા અમારા દ્વારા થયેલો આનંદ નો અત્યાચાર અને અમારા ઉપર થયેલો પાબંદી નો અત્યાચાર તાદ્રશ્ય નજર સમક્ષ ઉભો થઇ ગયો .
ધોરણ ૪ મન ભણતો ત્યારે આ કવિતા આવતી. બાલ્ક્રુષણ દવે શાળા માં આવી આ કવિતા સંભળાવેલી, ત્યાર બાદ તેમના કાર્યક્રમો ડાયરામાં પણ સાંભળેલી.
આજે આના પર સાંભળી મજા આવી ગઈ. આ કવિતા ઝવેરચંદ મેઘાણી એ ક્યાં અને કેવી રીતે લખી તેનો આખો પ્રસંગ છે.
ચરણ કન્યા સાથે મને નાનપણથી લગાવ છે.યોગ એવો આવ્યો કે બોરીવલી માં શિવરાત્રીનાં એક કાર્યક્રમમાં હું બલ્ક્રીશના દવે પ્રફુલ્લ દવે મીનાબેન વાવેરે સાથે હતા.એ વેલા આ ચારણ કન્યા મેં સાંભળેલી. મને ખુબ ગમતા મેં પણ મારા કાર્યક્રમ આ રચના શરુ કરી. આજે લંડન અમેરિકા હું જાઉં છું ત્યારે lઓકો સામેથી આ રચનાને જ્યારે દાદ આપે છે ત્યારે મને મેઘાણી સામે બેઠા હોય તેવો ભાષ થાય છે.