જવા દે – વિવેક કાણે ‘સહજ’

live

વીતકનો નથી આપવો અહેવાલ, જવા દે
આ ક્ષણને ઊજવ દોસ્ત, ગઇકાલ, જવા દે

સંબંધના સરવૈયાનો તાળો નથી મળતો ?
મારી જ કશી ભૂલ હશે, ચાલ, જવા દે

જા આખી ગઝલ પ્રેમને નામે તને અર્પણ
નહીંતર તો અહીં કોણ ઊભા ફાલ જવા દે ?

આદર્શ ને સિધ્ધાંત અને ધૂળ ને ઢેફાં,
આ માલનો અહીં છે કોઇ લેવાલ ? જવા દે.

અસ્તિત્વનો લય પામ, ‘સહજ’ સમને પકડ તું
ઝુમરા છે, કહેરવા છે કે જપતાલ – જવા દે.

20 thoughts on “જવા દે – વિવેક કાણે ‘સહજ’

 1. Pravin Shah

  છેલ્લી લીટીમાં, અસ્તિત્વનો લય, ગતિ પામીને વર્તમાનને ઉત્સવ માની સહજ રીતે જીવવાનું કવિ કહે છે. આ વાત કવિ સંગીતની ભાષામાં બહુ સહજ રીતે સમજાવે છેઃ
  ઝુમરા, કહેરવા, જપતાલ કે ત્રિતાલ, રૂપક, એકતાલ વગેરે સંગીતમાં આવતા તાલના પ્રકાર છે. તાલ ભલે ગમે તે હોય, દરેક તાલની પહેલી માત્રાને સમ કહે છે, તેથી તાલના પ્રકારને વિશિષ્ટ મહત્વ આપ્યા સિવાય, તાલની પહેલી માત્રા એટલે કે સમ સમજાય, તો પણ ગાવા-વગાડવાનું સહેલું થઈ જાય.
  એમ અસ્તિત્વનો લય પામીને, ભૂત કે ભવિષ્યની ચિંતા કર્યા સિવાય વર્તમાનમાં સહજ રીતે જીવવાનું કવિ કહે છે.
  “અસ્તિત્વનો લય પામ, ‘સહજ’ સમને પકડ તું
  ઝુમરા છે, કહેરવા છે કે જપતાલ – જવા દે.”
  આભાર

  Reply
 2. ઉદય ત્રિવેદી

  વીતકનો નથી આપવો અહેવાલ, જવા દે
  આ ક્ષણને ઊજવ દોસ્ત, ગઇકાલ, જવા દે

  સંબંધના સરવૈયાનો તાળો નથી મળતો ?
  મારી જ કશી ભૂલ હશે, ચાલ, જવા દે

  વાહ, ખુબ સુંદર… જીવનના નાના-મોટા ઝગડામા રચ્યા-પચ્યા રહેવાને બદલે “મારી જ કશી ભૂલ હશે, ચાલ, જવા દે” કહી શકાય તો કેવુ સારુ…

  હર્ષદભાઈને – ઝુમરા ,કહેરવા, જપતાલ આ બધા તબલાના તાલ છે… સમ એટલે તાલની પહેલી “બીટ”.આ બીટ પર બધા સાજીંદાઓ સાથે તાલ શરુ કરે છે. મારા મતે કવિશ્રી કહે છે “અસ્તિત્વનો સહજ લય જાળવવા શ્રેથ્ઠતમ સાજીંદા ઈશ્વરની સાથે જીવનતાલ (કર્મ) કરીએ તો પછી સામાન્ય કર્મ પણ કર્મયોગનુ સાધન બની રહે..

  Reply
 3. તબલચી

  છેલ્લી લાઈનઃ
  ઝુમરા, કહેરવા, ઝપતાલ એ તબલા પર વગાડાતા તાલ છે અને સમ એટલે એ તાલની પહેલી માત્રા.

  ઝાકિર હુસેનને આપણે સાંભળતા હોઈએ અને જો એની ચર્ચામાં પડી જઈએ કે એ કયો તાલ વગાડે છે ઝપતાલ કે એકતાલ, તો એની ચર્ચામાં જે સંગીત પિરસાઈ રહ્યું છે એની મજા આપણી જતી રહે. ખાલી સમને પકડી લઈએ અને પછી જે કોઈ તાલ વગાડાઈ રહેલો હોય એની મજા માણીએ એ જ ઘણું છે…..જિંદગીમાં પણ અસ્તિત્વના લયને પામવાની વાત કવિ કરે છે, એટલે કે મારું આ જગત પર એક અસ્તિત્વ છે, મારો આ જગત સાથે એક સંબંધ છે, મારો આ જગતના પાલનહાર સાથે એક સંબંધ છે અને આ જે મારા અસ્તિત્વનો અન્ય સાથે સંબંધ છે એનો એક લય છે, rythem છે એ લયને માણવાની વાત છે….ઘણી વખત આપણે જિંદગીની વાતોને બહુ ચોળીને ચીકણી કરીએ છીએ અને એમ કરતાં લાગણીઓ મરી પરવાડે છે, તો એવું ના કરતાં એક મસ્તીથી અને લય એટલે કે જીવનસંગીતથી જીવી જવાની વાત છે.

  Reply
 4. પંચમ શુકલ

  સુંદર ગઝલ. કાફિયા પણ સરસ અને સહજ રીતે ગોઠવાયા છે.
  મીટર પણ સરસ છે, મીટર પકડાય છે? કવિના કંઠે આનું પઠન સાંભળવાની બહુ મજા પડે.

  Reply
 5. kamlesh

  Whar a nice gazal, really and above all what a nice and intellegent persons reading all this as they can discuss about the last line very nicely, Jay, you had made a very fantastic site and group too….thanks…..this brings joy to heart…..

  Reply
 6. harshad jangla

  પ્રવીણભાઈ, ઉદયભાઈ અને તબલચી ભાઈ નો આભાર

  Reply
 7. વિવેક

  પંચમભાઈ,

  ગાગાલલ ગાગાલલ ગાગાલલ ગાગા – છંદ છે. આ છંદમાં મારી એક ગઝલ- http://vmtailor.com/archives/125

  (આ ગઝલ રઈશભાઈને વંચાવી હતી ત્યારે એમણે મને કહ્યું હતું કે ‘મુકુલને પૂછી જોજે… એ તરત જ કહેશે કે આ છંદમાં ગઝલ લખી એટલે બધા જ છંદ આવડી ગયા કહેવાય’.)

  Reply
 8. વિવેક

  મીટર-છંદ-ની વાતમાં ગઝલની વાત કહેવાની જ રહી ગઈ. ખૂબ જ સુંદર ગઝલ… બધા જ શે’ર ઉત્તમ નીવડ્યા છે. ‘જપતાલ’ જેવા કાફિયાને લઈને આવતો આખરી શે’ર તો સોનામાં સુગંધ છે. સંગીતના જ્ઞાનનો ગઝલના શે’રમાં આવો સુંદર સુમેળ કદાચ બીજા કોઈએ કર્યો નહીં હોય…

  Reply
 9. પંચમ શુક્લ

  વિવેક્ભાઇ, મીટરની નોંધ બદલ આભાર.

  તમારી એ મીટરની ગઝલનો મારો ગમતો શેર છેઃ
  પહોંચાય ત્યાં સુધી એ જરૂરી નથી તો પણ
  ત્યાં પહોંચવા માટેની શરૂઆત કરી જો.

  તમારા કંઠે તમારી અને ઉપરની એ બન્ને ગઝલનું પઠન કરી ટહૂકો પર ચડાવીએ તો કેવું? જયશ્રીબેન હોંકારો દેજો.

  આ મીટર ૧૦૦% સાચવવો ખરેખર મુશ્કેલ છે. જો આ મીટરમાં એકે છૂટ વગર ગઝલ લખી શકાય તો અક્ષરમેળ છંદમાં પણ ગઝલ લખી શકાય- કવિ શ્રી રમેશ પારેખે કદાચ અક્ષરમેળ ગઝલના પ્રયોગ કર્યાં છે.

  આજ મીટરને આ રીતે તોડીને પઠન કરવાની પણ મજા પડીઃ
  ગાગાલ લગા ગાલ લગા ગાલ લગાગા

  Reply
 10. Jayshree Post author

  ચોક્કસ પંચમભાઇ,
  ટહુકો પર વિવેકભાઇનો સ્વર મળે, એ પણ એમની પોતાની ગઝલ સાથે, એ તો જાણે સોનામાં સુગંધ ભળે.. !!
  વિવેકભાઇ, ક્યારે મોકલો છો રેકોર્ડિંગ કરાવીને ??

  Reply
 11. Ruju

  Hi Panchambhai, Vivekbhai,
  I am curious about identifying the meter and chand in a peom/gazal. Do you have any good references I can start with?

  Reply
 12. પંચમ શુક્લ

  વિવેક્ભાઇએ કદાચ ગઝલ પર એક સરળ લેખ લખેલો. આપ જો ગુજરાતમાં હો તો ગઝલના છંદો પર ઠગલાબંધ પુસ્તકો ઉપલબ્ધ છે. યુ એસ માં હો તો આવતા જતાં બે ચાર પુસ્તકો મગાવી લેવા. (વિવેકભાઇને આ બાબતે વધુ માહિતી હશે).
  કોક ગઝલ લખનાર સાથે ઉઠબેસ રાખવાથી અને રૂબરૂ ચર્ચા કરવાથી છંદો જલદી પકડાશે.

  Reply
 13. વિવેક

  પ્રિય ઋજુ,

  રઈશ મનીઆરનું પુસ્તક, “ગઝલ: રંગ અને રૂપ” છંદ શીખવા માટે ઉપયોગી બની રહેશે. (પ્રકાશક: અરૂણોદય પ્રકાશન, અમદાવાદ)
  (સમય અને સંજોગો યોગ્ય રહેશે તો આ પુસ્તક પંદરમી ઑગસ્ટના રોજ નેટ પર પ્રકાશિત થશે…)

  રઈશ મનીઆરનું જ એક બીજું પુસ્તક ગણતરીના દિવસોમાં પ્રકાશિત થશે એ ઊંડા અભ્યાસ માટે ઉપયોગી બનશે- “ગઝલનું છંદોવિધાન” (પ્રકાશક: સાહિત્ય સંગમ, સુરત)

  Reply
 14. ruju Mehta

  Vivekbhai & Panchambhai

  Thank you so much….I appreciate your help and time.I am in US but i’ll buy this book anyhow.Thank you so…much again…

  Reply
 15. કુણાલ

  આદર્શ ને સિધ્ધાંત અને ધૂળ ને ઢેફાં,
  આ માલનો અહીં છે કોઇ લેવાલ ? જવા દે.

  આદર્શો જ્યારે પડીભાંગે અને વ્યર્થ બને તે માટે ખુબ સુંદર શેર…

  ખુબ જ સુંદર ગઝલ…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *