એક કાગળ જૂનો…. – વિવેક મનહર ટેલર

IMG_4784
(ડાઉન મેમરી લેન…. ….ગોવા, નવે., 2015)

*

કબાટના ખાનાં સાફ કરતી વખતે
એક જૂનો કાગળ
હાથ આવ્યો.
ગડીબંધ કાગળના રંગ-રૂપ જોઈને જ ઘણું ઘણું યાદ આવી ગયું.
સમયે પણ સમય જોઈને
કાંટા પર ફરવું પડતું મેલીને
મારી અંદર ઝંપલાવ્યું.
ઘસાવા આવેલ એ કાગળમાં શું હતું
એ આટલા વરસેય ભૂંસાયું નહોતું.
હાથના હળવા કંપને હૈયાથી ઝાલીને ગડી ઊઘાડી.
ક્યારેક લોહીમાં વહેતા એ કાગળમાંના ચિરપરિચિત અક્ષરો
ઘસાયેલા કાગળમાંથી ખડી પડી
મારી ચોકોર વીંટળાઈ વળ્યા.
મને…મને…મને…ની બૂમોથી હું આખો છલકાઈ ઊઠ્યો.
કોને તેડું ને કોને નહીંની અવઢવમાં
હું ત્યાં જ બેસી રહ્યો.
કેટલી વાર તે તો કેમ કહી શકાય ?
સમય તો કાંટા છોડીને…

છપાક્ કરતાંકને બે’ક અક્ષરોએ ભીંજાયા હોવાની બૂમો પાડી
ને હું સફાળો…
આંખમાંથી અદૃશ્ય થઈ ગયેલી દૃષ્ટિ ક્યાંકથી પાછી ફરી.
એક હળવા કંપ સાથે (હૈયા અને) કાગળની ગડી કરી ફરી ખાનામાં….
ગાલ લૂછ્યા
ને
ગળામાં હાડકાંની જેમ અટકી ગયેલો સમય
સમય વરતીને ફરી કાંટા પર ટંગાઈ ગયો,
નિરંતર ગોળ ગોળ ફરવા માટે.
મેં પણ ખાનું બંધ કર્યું
ને કામે લાગ્યો.

– વિવેક મનહર ટેલર
(૧૭-૧૨-૨૦૧૫)

*

13 replies on “એક કાગળ જૂનો…. – વિવેક મનહર ટેલર”

 1. Wala Jayesh says:

  ખુબ સરસ.

 2. Jitesh Narshana says:

  ખૂબ સુંદર રીતે ભૂતકાળ નું વણઁન

 3. UMAKANT V. Mehta says:

  પત્ર તો જૂનો હતો, પણ લાગણીથી ભરેલો હતો;
  ગડીઓ એક પછી એક ખોલતા.
  આંખો કો ઠીક પણ હૃદયને રડાવી ગયો
  અભિનંદન વિવેકભાઇ
  ઉમાકાન્ત વિ.મહેતા.(ન્યુ જર્સી)

 4. Mera Tufan says:

  Liked. Thanks

 5. Bankim Shah says:

  Beautiful poem…..

 6. Narendra Ved says:

  Khub sundar…. khare khar same sundar chitra ubhu thayun…. jane ek solo short film….

 7. જૂનો કાગળ આંખ ભીંજ્કવી ગયો.
  ગોપાલ પારેખ-વાપી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *