ગ્લૉબલ કવિતા : ૩૫ : એક ગીત – ટી.એસ.એલિયટ (અનુ.: વિવેક મનહર ટેલર) A Song

If Time and Space, as sages say,
Are things which cannot be,
The sun which does not feel decay
No greater is then we.
So why, Love, should we ever pray
to live a century?
The butterfly that lives a day
Has lived eternity.

The flowers I gave thee when the dew
Was trembling on the vine,
Were withered ere the wild bee flew
To suck the eglentine.
So let us haste to pluck anew
Nor mourn to see them pine,
And though our days of love be few
Yet let them be divine.

If Space and Time, as sages say,
Are things which cannot be,
The fly that lives a single day
Has lived as long as we.
But let us live while yet we may,
While love and life are free,
For time is time, and runs away,
Though sages disagree.

– T. S. Eliot 
એક ગીત
(અ-૧)
સમય અને અવકાશ, જે રીતે સંત કહે છે,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે નહીં,
માખી જેનું જીવન એક જ દિવસનું છે,
આપણા જેટલું જીવન એણે જીવી લીધું સહી.
પણ જ્યાં સુધી આપણે છીએ ત્યાં સુધી તો જીવીએ,
પ્રીત ને જિંદગી જ્યાં સુધી આઝાદ રહી.
સંત કદી સહેમત એમાં નહિ થાય ભલે ને
કાળ તો કાળ જ છે અને એ નક્કી જશે વહી.

(અ-૨, બ-૨)
ફૂલ જે મેં આપ્યાં’તાં તુજને જ્યારે ઝાકળ
હળવે હળવે કંપી રહ્યું’તું વેલી ઉપર,
ગયાં વિલાઈ મધમાખ ઊડી આવે આગળ
કરવા માટે એમાંથી રસપાન મધુર,
સૂકાઈ ગયાં એનો શું કરવો શોક પળેપળ?
નવાં-નવાં નિત ચૂટવાં માટે બનો અધિર,
છો ને ખૂટી ગ્યાં હો કેમ ન પ્રીતનાં અંજળ,
બનાવી દઈએ જે છે એને જ દિવ્ય-સુંદર.

(બ-૧)
સમય અને અવકાશ, જે રીતે સંત કહે છે,
એ જ અગર જો હોય, જે ક્યારેય હોઈ શકે નહીં,
આ સૂર્ય જેનો થાતો નથી ક્ષય કદીયે,
આપણા લોકોથી જરાયે મહાન નથી.
તો, શા માટે આપણે કદીય એવું પ્રાર્થીએ
કે પ્રેમ આપણો રહે જીવતો સદી-સદી?
પતંગિયુ જે આમ તો એક જ દિવસ જીવે છે,
એ આમ જુઓ તો જીવન જીવી રહ્યું શાશ્વતી.

– ટી. એસ. એલિયટ
(અનુવાદ: વિવેક મનહર ટેલર)

એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે…

‘સમય જ નથી મળતો, યાર!’ અને ‘તમને આવું બધું કરવા માટેનો સમય ક્યાંથી મળી રહે છે?’ – આ બે બિંદુઓની વચ્ચે આપણા મોટાભાગના સંબંધ આખી જિંદગી વિતાવી લેતા હોય છે. અસ્તિત્વના આરંભબિંદુથી જ માણસ સમય નામનો કોયડો ઉકેલવા સતત મથતો આવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળની ગુફાઓના લીટાઓથી લઈને આઇન્સ્ટાઇનના સાપેક્ષવાદના સિદ્ધાંત સુધી સમયના પગલાં જોવા મળે છે. સમયથી પર અને પાર જવાની મથામણ યોગીઓ-વૈજ્ઞાનિકો સદૈવ કરતા આવ્યા છે. આ કવિતા સમયના તકલાદીપણાને નજર સામે રાખી ‘જિંદગીના રસને પીવામાં કરો જલ્દી ‘મરીઝ’, એક તો ઓછી મદિરા છે ને ગળતું જામ છે’નો ગુરુમંત્ર શીખવાડે છે. There is a time for all things કહેતો શેક્સપિઅર પણ ટી.એસ.એલિયટની આ કવિતામાં યાદ આવે.

થોમસ સ્ટર્ન્સ એલિયટ. (૨૬-૦૯-૧૮૮૮થી ૦૪-૦૧-૧૯૬૫) વીસમી સદીના દિગ્ગજ કવિઓમાંના સૌથી મોખરેના એક. જન્મ અમેરિકામાં પણ ૨૫ની ઉંમરથી ઇંગ્લેન્ડમાં અને ૩૯ની ઉંમરે અમેરિકન નાગરિકત્વ ફગાવીને બ્રિટિશ નાગરિકત્વનો સ્વીકાર. એ જ અરસામાં એકત્વવાદ ત્યજીને એન્ગ્લો-કેથલિક સંપ્રદાયનો પણ સ્વીકાર. બહુઆયામી વ્યક્તિત્વ- કવિ, નાટ્યકાર, વિવેચક, નિબંધકાર, સંપાદક. ઉત્તમ પદ્યનાટ્યકાર પણ. શાળાશિક્ષક. બેંક ક્લર્ક અને પછી ફેબર એન્ડ ફેબરના સંપાદક અને ડિરેક્ટર. ૧૯૪૮માં સાહિત્ય માટેનું નોબલ પારિતોષિક. વીસમી સદીના સૌથી નોંધપાત્ર સીમાચિહ્ન ગણાતા ‘વેસ્ટ લેન્ડ’ કાવ્યના ઉલ્લેખ વિના એલિયટનો પરિચય અધૂરો રહી જાય. જન્મજાત (બંને બાજુના) હર્નિયાના કારણે બાળપણથી શારીરિક રમતોથી દૂર રહેવું પડ્યું ને આડઅસરરૂપે સાહિત્ય સાથે સ્નેહસૂત્રે જોડાયા. ઉમર ખૈયામની રૂબાઈઓની અસર નીચે ચૌદ વર્ષની વયે કવિતા લખવી શરૂ કરી. સાહિત્યમાં માસ્ટર્સ. ફિલસૂફીમાં પી.એચ.ડી. ભારતીય ફિલસૂફી અને સંસ્કૃત સાહિત્યનો પણ ઊંડો અભ્યાસ. વિવિયન હેય-વુડ સાથે દુઃસ્વપ્ન સમા પ્રથમ લગ્ન (૧૯૧૫-૩૩). વેલેરી ફ્લેચર સાથે બીજા (૧૯૫૭-૬૫). ૭૭ વર્ષની ઉંમરે એમ્ફિસિમાના કારણે મૃત્યુ. કબર પરની મૃત્યુનોંધ: ‘મારા આરંભમાં મારો અંત છે, અંતમાં આરંભ.’

કવિતા આધુનિક સભ્યતાની સંકુલતાનો અરીસો હોવો જોઈએ એમ એ દૃઢપણે માનતા અને એ જ રીતે કવિતા પણ લખતા. એમના મતે કવિની લોકો તરફની ફરજ માત્ર આડકતરી છે; સીધી ફરજ ભાષા પરત્વે, પહેલી એની જાળવણીની અને બીજી એના પ્રસાર અને સુધારની. એલિયટના મતે કવિએ આસપાસ બોલાતી ભાષાને જ કવિતાની સામગ્રી તરીકે વાપરવી જોઈએ. એમની કવિતાનું ઊડીને આંખે વળગે એવું અને પહેલું પાસું છે કઠિનતા. કવિતામાં પ્રાસ અને પંક્તિની લંબાઈની અનિયમિતતા, વિરોધાભાસી કલ્પનોની ઘટ્ટતા, છંદપલટાનું કૌશલ્ય, અને સંયમિત શૈલીની તાકાતને લઈને એ ગિફ્ટેડ અને ઓરિજનલ તો ગણાયા પણ અઘરા પણ એટલાજ બન્યા. ભલે એમના મતે અધિકૃત કવિતા સમજાય એ પહેલાં પ્રત્યાયન કરતી હોવી જોઈએ પણ એમની કવિતા ભાવકના પક્ષે જબરદસ્ત સજ્જતા માંગી લે છે. એલિયટની વિચારધારા, કલ્પનો, ભાષાની લાક્ષણિકતા અને કથનની વિચક્ષણતાનો પૂર્વાભ્યાસ એલિયટને હાથમાં લેતાં પહેલાં હોવો જરૂરી છે. પ્રખર બુદ્ધિમતા અને નખશિખ કારીગીરીના સમન્વયના કારણે એમની કવિતાઓ કોઈપણ પ્રકારના સુધારાના અવકાશ વિનાની સંપૂર્ણ લાગે છે. સત્તરમી સદીના જોન ડન જેવા મેટાફિઝિકલ કવિઓ અને ઓગણીસમી સદીના બોદલેર જેવા પ્રતીકવાદીઓ પરત્વેની આસ્થા, એઝરા પાઉન્ડની આધુનિકતા – આ બધું કાયાપલટ પામીને, રસાઈને એલિયટની કવિતામાં આવ્યું ત્યારે જે ફ્લેવર ઊભી થઈ એણે કવિતાની દુનિયામાં ક્રાંતિ સર્જી. ૧૯૩૦ સુધીમાં તો એમની પ્રસિદ્ધિ દંતકથા સમાન બની રહી અને પછીના ત્રણ-ત્રણ દાયકા સુધી એમણે અંગ્રેજી કવિતા અને સાહિત્યિક વિવેચનના ક્ષેત્રો પર એકહથ્થુ શાસન કર્યું એમ કહીએ તો જરાય અતિશયોક્તિ નથી. જોકે એલિયટ તો કહેતા કે, ‘દાન્તે અને શેક્સપિઅરે દુનિયા એમની વચ્ચે વહેંચી લીધી છે. કોઈ ત્રીજું છે જ નહીં.’

પ્રસ્તુત રચનાના બે સંસ્કરણ ઉપલબ્ધ છે: કિંગ્સ કોલેજ, કેમ્બ્રિજ માટે આ કવિતા ૧૯૦૫માં ‘અ લિરિક’ શીર્ષકથી લખી હતી. (બ-૧, બ-૨) ૧૯૦૭માં આ જ કવિતા કોલેજના સામયિક માટે એમણે સુધારીને લખી ત્યારે એક ફકરો બદલી નાંખ્યો હતો (અ-૧, અ-૨), જે જોતાં સમજી શકાય છે કે બે વર્ષમાં એલિયટનો કાન વધુ પુખ્ત બન્યો હતો અને લય વધુ સમૃદ્ધ. આઠ પંક્તિના બે અંતરા અને અ-બ-અ-બ પ્રકારની પ્રાસરચના અહીં છે. સોળ વર્ષની ઉંમરે શાળામાં કવિતા લખવાની કવાયત ખાતર લખાયેલી અ કવિતામાં શિક્ષકને કોઈ વડીલનો ‘હાથ’ દેખાયો હતો પરંતુ એલિયટની માતા, જે પોતે પણ કવયિત્રી હતાં, એમણે કહ્યું કે એમણે લખેલા કોઈ પણ પદ્ય કરતાં આ રચના વધુ સારી છે. શેક્સપિઅરના સમસામયિક બેન જોન્સનના ‘સોંગ ટુ સિલિયા’ (Drink to me only with thine eyes)નો પ્રભાવ આ કવિતા પર સાફ નજરે ચડે છે. એલિયટે જાતે જ કહ્યું હતું, ‘અપરિપક્વ કવિઓ નકલ કરે છે, પરિપક્વ ઊઠાંતરી.’

શરૂઆતની કવિતાઓમાંથી જ એલિયટની સમય અંગેની ફિલસૂફી છતી થાય છે. લૌકિક સમય, સમયહીનતા અને શાશ્વતી – આ કાળબિંદુઓ સાથેની રતિ એ એલિયટની ગતિ છે. સોળ વર્ષની ઉંમરે લખાયેલી આ કવિતામાં પણ સમય અને શાશ્વતીના કોયડામાંનો રસ છતો થાય છે. સમયમાંથી પસાર થઈને જ સમયને જીતી શકાય એમ એલિયટ માને છે. એ કહે છે કે ગત સમય અને અનાગત સમય ચૈતન્યાવસ્થા માટે બહુ ઓછો અવકાશ રાખે છે. સભાન હોવું એટલે સમયમાં ન હોવું. ભગવદગીતામાં એક શ્લોક છે:

न त्वेवाहं जातु नासं न त्वं नेमे जनाधिपा:।
न चैव न भविष्यामः सर्वे वयमतः परम्॥ (2;12)

(એવું ક્યારેય નહોતું જ્યારે હું કે તું અથવા આ બધા રાજાઓ ન રહ્યા હોય અને એવુંય નથી કે ભવિષ્યમાં આપણે બધા નહીં હોઈએ). આપણું અસ્તિત્વ સમયની બંને તરફ વિસ્તરેલું છે, સમયાતીત છે, શાશ્વત છે. એલિયટ કહે છે, વર્તમાન સમય અને ગયેલો સમય બંને કદાચ ભવિષ્યકાળમાં હાજર હોય. જો કે આ કવિતામાં એલિયટ સમય અને અવકાશના અનસ્તિત્વ વિશે સાધુસંતોના પ્રવર્તમાન વિચારોથી ઉફરી ગતિ કરે છે અને ‘ઝાલો ત્યાં તો છટકે એવી નાજુક ને ચંચલ, સરકી જાયે પલ’ (મણિલાલ દેસાઈ)ની વાસ્તવિકતાનું જ યશોગાન કરે છે.

ઘડિયાળના કાંટા અટકી-બટકી જાય તોય સમય અટકતો-બટકતો નથી કેમકે સમયનો સ્વ-ભાવ રહેવાનો નહીં, વહેવાનો છે પણ ઘડિયાળ કાંડે બાંધીને આપણે એમ જ માનવા માંડીએ છીએ કે આપણે સમયને બાંધી લીધો છે. હકીકત એ છે કે સમયનું સોનું સમય પર ન વાપરીએ તો કથીર બની જાય છે.

‘મળ્યું સમયનું સોનું પરથમ વાવર્યું ફાવ્યું તેમ!
હવે આ હાથ રહે ના હેમ!’ (પ્રિયકાન્ત મણિયાર)

ઉમાશંકર જોશી પણ કહી ગયા,

‘ગયાં વર્ષો તે તો ખબર ન રહી કેમ જ ગયાં !
બધે જાણે નિદ્રા મહીં ડગ ભરું એમ જ સર્યો !’

ઊંઘમાં જ ચાલીને આપણે જીવન વિતાવીએ છીએ. આપણો અડધો સમય જાતને ને અડધો સમય વાતને શણગારવામાં વહી જાય છે. શંકરાચાર્ય કહી ગયા તેમ, कालः क्रीडति गच्छत्यायु| (કાળ એની ક્રીડા કરે છે, આયુષ્ય ઓછું થતું જાય છે). એલિયટ આ સમજે છે એટલે કહે છે કે જો સંતોની વાત માની લઈએ કે સમય અને અવકાશ એ જ વસ્તુ હોય જે કદી હોય જ શકે નહીં, જો સમય અને અવકાશ માત્ર આભાસ હોય, ભ્રમણા હોય, તો માખી, અથવા પતંગિયું, જેનું આયુષ્ય એક જ દિવસનું છે એ પણ આપણા જેટલું જ જીવે છે એમ કહી શકાય. બીજા પક્ષે, સૂર્ય જે કદી ક્ષય પામતો નથી એ પણ આપણા જેટલું જ જીવ્યો ગણાય, આપણાથી મહાન ન ગણાય. સમયનું અસ્તિત્વ જ ન હોય તો આપણો પ્રેમ સદીઓ સુધી જીવે એવી પ્રાર્થનાય શા માટે? ચંદ્ર પર ગુરુત્વાકર્ષણ નથી. ત્યાં નાનું-મોટું, ભારે-હલકું બધું એકસમાન છે. એમ જ સમય વિનાના સ્થળે લાંબુ-ટૂંકુ, નાનું-મોટું – બધું સરખું જ છે. સમય આપણી જિંદગીને માપવા માટેની માપપટ્ટી છે. સમયનો જ એકડો કાઢી નાંખીએ તો પછી સરખાવવાનું શું બચે?

સંતો ભલે સહમત નહીં થાય, કાળ તો બંધ પણ ન બાંધી શકાય એવી નદી છે, એ તો સતત વહેશે જ. ન જાણ્યું જાનકીનાથે, સવારે શું થવાનું છે? કબીર પણ એટલે જ કહે છે, ‘काल करे सो आज कर, आज करे सो अब। पल में प्रलय होएगी, बहुरि करेगो कब।।’ આજ વાત ગંગાસતી કહી ગયા, ‘વીજળીના ચમકારે મોતીડાં પરોવો, પાનબાઈ! નહિતર અચાનક અંધાર થાશે.’ એલિયટ પણ વીજળીનો લિસોટો પ્રકાશ આપતો હોય એટલીવારમાં જીવન જીવી લેવાનું ઇજન આપે છે. ફરી ઉમાશંકર જોશી યાદ આવે: ‘રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું ભલા પી લે.’

ખરી કવિતા બીજા અંતરામાં છે. આપણને જ્યારે જિંદગી મળી ત્યારે એ ઝાકળબુંદથી સદ્યસ્નાતા, નવપલ્લવિત ફૂલ સમી હતી. પણ જીવનનો સાચો રસ આપણે ચૂસી-માણી-પ્રમાણી શકીએ એ પહેલાં તો ફૂલ કરમાવાં માંડ્યાં. આ કંઈ માથે હાથ દઈ બેસવાની-રડવાની ઘડી નથી. સમયની શીશીમાંથી જે રેતી સરકી ગઈ, એનો અફસોસ કરવાના બદલે ‘નવ કરશો કોઈ શોક, રસિકડાં!’ (નર્મદ) કહીને આવનારી ક્ષણોને ભરપૂર જીવી લેવાની કોશિશ કેમ ન કરીએ? શેક્સપિઅરે પણ કહ્યું હતું, ‘I wasted time and now doth time waste me.’ (મેં સમયને વેડફ્યો, હવે સમય મને વેડફી રહ્યો છે.)

અફસોસને આસન કદી જો આપશું, જે રહ્યું થોડુંય તે લૂંટી જાશે;
જો ગુમાવ્યાની ગણત્રીમાં પડયા, ફૂલ ઊઘડતું ય એ ચૂંટી જશે (મકરંદ દવે)

નિતનવી તક ઝડપવા તૈયાર રહીએ અને નિતનવી તક ન પણ મળે તો જે પણ આપણી પાસે છે એને જ ચાહી-ચાહીને દિવ્યસુંદર કેમ ન બનાવી દઈએ? જિંદગીને મુક્તમને જીવવા અને ‘દિવ્ય’ પ્રેમના ચંદ દિવસોને સનાતનમાં પરિવર્તિત કરવા કવિ આમંત્રે છે. ‘ચાલ્યું ગયું એ પાછું ટીપુંય આપો તો બદલામાં ચાહે રગ-રગ લો’નો નોસ્ટાલ્જિક મોહ ત્યજીને આજમાં જીવતાં શીખી શકાય તો જીવનનું વન નંદનવન છે.

2 replies on “ગ્લૉબલ કવિતા : ૩૫ : એક ગીત – ટી.એસ.એલિયટ (અનુ.: વિવેક મનહર ટેલર) A Song”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *