ગ્લૉબલ કવિતા : ૩૩ : પ્રવાસ – મેરી ઓલિવર (અનુ. વિવેક મનહર ટેલર)

એક દિવસ આખરે તમે જાણી ગયા હતા
તમારે શું કરવાનું હતું, અને શરૂ કર્યું,
ભલે તમારી આસપાસના અવાજો
ચિલ્લાતા રહ્યા એમની બકવાસ સલાહો-
ભલે આખું ઘર
ધ્રુજવા કેમ ન માંડ્યું હોય અને તમને જૂનું ખેંચાણ વર્તાવા લાગ્યું હોય તમારી ઘૂંટીઓ પર.
“મારું જીવન દુરસ્ત કરો!”
-બધા જ ચિલ્લાયા હતા.
પણ તમે અટક્યા નહોતા.
તમે જાણતા હતા કે તમારે શું કરવાનું છે,
ભલે પવન ખણખોદ કરતો હતો એની અક્કડ આંગળીઓ વડે છેક પાયા સુધી,
ભલે એમની ગ્લાનિ
ભયંકર હતી.

પહેલાં જ વધુ પડતું મોડું
થઈ ચૂક્યું હતું, અને રાત જંગલી હતી,
અને રસ્તો ભર્યો પડ્યો હતો તૂટેલ
ડાળીઓ અને પથરાંઓથી.
પણ એક પછી એક,
જેમ જેમ તમે એમના અવાજોને પાછળ છોડતા ગયા,
તારાઓએ ચમકવું શરૂં કર્યું હતું વાદળોના ટોળાંમાંથી,
અને એક નવો જ અવાજ આવ્યો
જે ધીરે રહીને તમે
ઓળખ્યો કે તમારો જ હતો,
જેણે તમારી સંગત કરી
જેમ જેમ તમે ઊંડેને ઊંડે છલાંગ ભરતા ગયા આ દુનિયામાં,
કરવાના નિર્ધાર સાથે
એ એકમાત્ર વસ્તુ જે તમે કરી શકો છો-
બચાવવાના નિર્ધાર સાથે
એ એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો.

– મેરી ઑલિવર
(અનુ.: વિવેક મનહર ટેલર)

એકમાત્ર જિંદગી જે તમે બચાવી શકો છો

ઈસુથી લઈને મહંમદ સુધી અને ગૌતમથી લઈને ગાંધી સુધી – કંઈ કેટલાય મસીહા-પયગંબર-ધર્મગુરુ પૃથ્વીના પટ પર આવ્યા અને ગયા. માણસ બદલાયો નહીં. બદલાશે પણ નહીં. કેમકે સનાતન સત્ય માણસ માત્ર પોતાના રસ્તે ચાલીને જ મેળવી શકે છે, કોઈના ચીંધેલા કે ચાતરેલા રસ્તે નહીં. બુદ્ધ થવું હોય કે મહાવીર- પોતાનો રસ્તો તો જાતે જ શોધવો પડે. બીજાના બતાવેલા રસ્તે ચાલવાથી કંઈક કર્યાનો આત્મસંતોષ થાય એટલું જ, બાકી જ્ઞાન મેળવવું હોય, અંતિમ સત્ય શોધવું હોય તો तोबे एकला चलो रे(તમે એકલા ચાલો રે- ટાગોર). રૂમી પૂછે છે, ‘અને તમે? તમે ક્યારે શરૂ કરશો તમારી અંદરની એ લાંબી મુસાફરી?’ મેરી ઓલિવર આ જ વાત આ કવિતામાં લઈ આવ્યાં છે.

મેરી ઓલિવર. અમેરિકાના ઓહાયોમાં જન્મ (૧૦-૦૯-૧૯૩૫). પચાસથી વધુ વર્ષ માસાચુસેટ્સમાં ગાળ્યા. જીવનસાથી ફોટોગ્રાફર મોલી મેલોની કૂકના નિધન બાદ હાલ ફ્લોરિડામાં રહે છે. અગિયાર-બાર વર્ષની ઊંમરે કવિતા લખવી શરૂ કરી. મેરી કહે છે, ‘પેન્સિલની મદદથી હું ચંદ્ર સુધી જઈ આવી હતી. કદાચ ઘણી બધી વાર.’શાળામાંથી ગુલ્લી મારીને ચોપડીઓ સાથે જંગલમાં રખડવા જવામાં એ એક્કો હતાં. એમિલિ ડિકિન્સનની જેમ એકાકીપણું અને આંતરિક આત્મસંભાષણ એમની પ્રમુખ ચાહના. એકાંતવાસી. મિતભાષી. કવિતા જ બોલે એમ માનનારા. ચાલ-વાની બિમારી. જંગલમાં સ્વૈરવિહાર કરતાં કરતાં કવિતા લખવી એ કાયમની આદત. એક વિવેચકે તો કહ્યું હતું કે, ‘મેરી ઓલિવરની કવિતાઓ વધુ પડતા શહેરીકરણ માટે ઉત્તમ મારણ છે.’ બાળપણમાં ચર્ચમાં તો જતાં પણ ફાવતું નહીં. તોય ચર્ચ અને ખ્રિસ્તી ધર્મ એમના જીવનનો એક પ્રધાન રસ રહ્યો. રૂમીથી એટલા પ્રભાવિત છે કે રોજ એકવાર તો વાંચે જ છે. કોલેજ તો ગયાં પણ ડિગ્રી મેળવી નહીં. કવિ અને શિક્ષક તરીકે જીવ્યાં. ગરીબીમાં મોટા થયાં. ફેફસાના કેન્સરમાંથી ઊભાં થયાં પણ ધુમ્રપાનની આદત કવિતાની જેમ છોડી નહીં.

કવિતા, કાવ્યશાસ્ત્ર, કવિતા વિષયક પુસ્તકો અને નિબંધ – ખૂબ લખ્યું. હજી લખે છે. હમણાં જ ૮૦ વર્ષની ઊંમરે પણ ‘ફેલિસિટી’ નામનો કાવ્યસંગ્રહ એમણે આપ્યો. ઢગલાબંધ પુસ્તકો અને પુલિત્ઝર સહિતના ઢગલાબંધ પુરસ્કારો. મેરીની કવિતાઓ પ્રકૃતિના વણપ્રીછ્યાંવણચાહ્યાં પાનાંઓ ખોલી આપે છે. કુદરત, સ્થાનિક રંગ અને રોમેન્ટિસિઝમનાં મૂળિયાં એમના સર્જનમાં દૃઢીભૂત થયેલાં દેખાય છે. સ્પષ્ટ અને માર્મિક અવલોકન અને હૂબહૂ આલેખનના કારણે એમની કવિતાઓ દિલની વધુ નજીક અનુભવાય છે. કવિતામાં કુદરત ઉપરાંત ‘હું’ને કેન્દ્રસ્થાને રાખે છે કેમકે એમનું માનવું છે કે કવિનો ‘હું’ જ ભાવકનો ‘હું’ બની જાય છે. એમના મતે કવિતા એ ખૂબ જ એકાકી વ્યાસંગ છે.

સ્વરૂપની દૃષ્ટિએ જોઈએ તો આ કવિતા મુક્ત પદ્ય છે. કવિતા સળંગસૂત્રી પણ છે, સિવાય કે એક અંતરાલ જે છત્રીસ પંક્તિની કવિતાને અઢાર-અઢાર પંક્તિના બે સમાન અંતરામાં વહેંચે છે. કોઈ નિર્ધારિત પ્રાસરચના પણ અમલી નથી કેમકે જીવનની અંધાધૂંધીની આંધીમાંથી નીકળીને, બીજાઓ માટે નહીં પણ પોતાના માટે જીવવા નીકળતા માણસની આ કવિતા છે. જિંદગીમાં કેઓસ હોય છે, પ્રાસ કે છંદ નહીં. શારીરિક યાત્રાનું રૂપક લઈને કવયિત્રી વ્યક્તિગત પરિવર્તન તરફની એકાકી, આધ્યાત્મિક મુસાફરીની વાત કરે છે. એ જાણે છે કે આ રસ્તો એકલાએ જ કાપવાનો છે… મજરુહ સુલતાનપુરીએ કહ્યું હતું તેમ-
मैं अकेला ही चला था जानिब-ए-मंज़िल मगर,
लोग साथ आते गए और कारवाँ बनता गया।

બીજા તમારી સાથે આવે એ તબક્કો તો બહુ પાછળનો છે. ભોગીલાલ ગાંધી કહી ગયા, ‘તું તારા દિલનો દીવો થા ને.’ રઈશ મનીઆરનો એક શેર પણ આ જ દર્શનબોધ કરાવે છે: ‘મારો દીવો તારા ઘરને શી રીતે રોશન કરે? દોસ્ત, સૌનું પોતિકું અજવાળું હોવું જોઈએ.; મેરી પણ બીજાઓના અવરોધ વટાવી એકલા આગળ જવાની વાત કરે છે. એક દિવસ આખરે તમને જાણ થાય છે. કવિતાની શરૂઆત કરતા આ ‘એક દિવસ’ અને ‘આખરે’ શબ્દ અગત્યના છે. આપણને બધાને એક દિવસ તો જાણ થાય જ છે કે આ सुब्ह होती है, शाम होती है; उम्र यूँही तमाम होती है (અમીરુલ્લાહ તસ્લીમ)ની ઘરેડમાં ઘાણીના બળદ પેઠે એક જ જગ્યાએ ગોળગોળ ફર્યા કરતી આપણી જિંદગીમાં यूँ भी होने का पता देते हैं, अपनी जंजीर हिला देते हैं (બાકી સિદ્દીકી)થી વિશેષ કંઈ સજીવ બચ્યું જ નથી.

અને જ્યારે અંદરથી ‘એ’ અવાજ જાગે છે ત્યારે બહારના કોલાહલ એનો સંદર્ભ ગુમાવી બેસે છે. ઝાડ જેમ બધા પાંદડાં ખેરવીને નવા પર્ણોની તૈયારી કરે છે એ જ રીતે તમે નવા માર્ગ, નવા જીવનની તૈયારી કરો છો. આપણા બધાના જીવનમાં મહાભિનિષ્ક્રમણની આ તક ‘આખરે’ એકાદવાર તો આવે જ છે, સવાલ માત્ર એટલો જ છે કે આપણા કાન શું એને સાંભળશે કે આપણી આજુબાજુની માયાજાળ એટલી બધી સદી ગઈ છે કે આપણે એને અવગણીને માત્ર સાંકળ હલાવતા બેસી રહીશું? મેરી એક જગ્યાએ કહે છે, ‘સાંભળો, તમે માત્ર જરા-તરા શ્વસી રહ્યાં છો અને એને જિંદગી કહો છો?’ મેરી સ્પષ્ટ છે એની જિંદગી વિશે. કહે છે, ‘મારે ખતમ થવું નથી, આ વિશ્વની માત્ર એક મુલાકાત લઈને.’ અને એ આપણને પણ પૂછે છે, ‘કહો મને, શું છે તમારી યોજના તમારી આ એક જંગલી અને કિંમતી જિંદગી વડે?’

તમે જ્યારે શરૂ કરો છો, ત્યારે દુનિયાની “સુગ્રથિત એન્ટ્રોપી” ચિલ્લાવા માંડશે, સલાહોનો ધોધ વરસશે, તમારું ઘર તૂટી જવાનું ન હોય એમ ધ્રૂજવા માંડશે, સગપણની-જવાબદારીઓની બેડી પગને પાછા ખેંચવા મથશે પણ એક વાર કોલ ઝીલી લીધા પછી આતમમાર્ગનો મુસાફર રોક્યો કેમ કરીને રોકાય? જૂનાને તોડ્યા વિના નવું કશું મળતું નથી. દુનિયાને અવલનવલ ઘાટ આપવા માટે સુન્દરમે કહ્યું, ‘ઘણુંક ઘણું ભાંગવું, ઘણ ઉઠાવ મારી ભુજા.’ શ્રીધરાણી પણ કહે છે, ‘સહો સખત ટાઢ ને પ્રખર તાપ મધ્યાહ્નના’ કેમકે હોય એને સમારવાથી માત્ર નવીનીકરણ જ થાય, નવસર્જન માટે તો જૂનાંને તોડીને ખતમ કરવું પડે. પોતે જેમના માટે જીવે છે એ પોતાના નથી એનો અહેસાસ થવો જરૂરી છે. વાલિયા લૂટારાને જે દિ’ આ અહેસાસ થયો અને સમજણ ઉપર જામી ગયેલો રાફડો તૂટ્યો ત્યારે એ ઋષિ વાલ્મિકી બન્યો હતો. સિદ્ધાર્થને અટકાવવા માટે એના પિતાએ શું શું ન કર્યું, પત્નીએ પણ પુત્ર આગળ ધરેલો. એવું નહોતું કે સિદ્ધાર્થ પરિવારને પ્રેમ નહોતા કરતા. પણ એનો પરિવાર તો સમસ્ત જગત હતું એટલે મુસાફરી પર નીકળી પડ્યા. ખલિલ જિબ્રાને કહ્યું હતું, ‘મુસાફરી કરો અને કોઈને ન કહો, લોકો સુંદર ચીજોને ખતમ કરી નાંખે છે.’ રૂમી કહે છે, ‘તમે પિંજરામાંથી છટકી ચૂક્યા છો, તમે તમારી પાંખો પ્રસારી લીધી છે, હવે ઊડો.’

જ્ઞાનમાર્ગનો મુસાફર જાણી જાય છે કે એણે શું કરવાનું છે. એ અટકતો નથી. ભલે આંધી પાયા હચમચાવી નાંખતી હોય, ભલે આજુબાજુવાળાઓની ગ્લાનિ ભયંકર હોય, પણ વટેમાર્ગુ સમજે છે કે ઓલરેડી મોડું તો થઈ જ ચૂક્યું છે. અંદરનો અવાજ એ જીવનગીતાના રથનો સારથિ છે. એ સાથે હશે તો ગ્લાનિ કમળપત્ર પરથી પાણી માફક સરી જશે. મુસાફરી તો ક્યારની શરૂ કરી દેવાની હતી. રાત અંધારી છે અને અંધારું જંગલી છે. રસ્તો વિપદાથી ભર્યોભાદર્યો છે પણ એકવાર પ્રવાસ શરૂ થઈ જાય તો રસ્તો બતાવવા માટે તારાઓ પણ ચમકવા માંડશે. પ્લુટાર્ક કહે છે, ‘તોફાનમાં જહાજની મુસાફરી પહેલાં કપ્તાન કહે છે કે હંકારવું અનિવાર્ય છે, જીવવું નહીં.’ જંગલી અંધારું સમાધાનથી પર હોય છે પણ આવામાં તમારો પોતાનો અવાજ જ તમને સંગાથ આપશે અને તમે જાણી જાવ છો એ સનાતન સત્ય કે તમે યદિ કોઈને બચાવી શકો છો તો એ માત્ર તમારી પોતાની જાતને જ. દુનિયાને બચાવવાની જરૂર નથી, જાતનો જ ઉદ્ધાર કરો. દરેક જણ પોતાને ઉગારી લેશે તો દુનિયા આપોઆપ જ ઉગરી જવાની. ગૌતમ, મહાવીર, કબીર- કોઈએ સંપ્રદાયની સ્થાપના કરી નથી. સંપ્રદાય તો ભક્તોએ ઊભા કર્યા. જે ધર્મગુરુ સંપ્રદાયની સ્થાપના જાતે કરે છે એ તો તરકટી તકસાધુ પયગંબરો છે.

બસ, યાદ રહે કે તમારું પહેલું પગલું જ સૌથી અગત્યનું છે. બધું જ એના પર અવલંબિત છે. રૂમીએ કહ્યું હતું, ‘ચાલવું શરૂ કરો. તમારા પગ ભારી થશે અને થાકી જશે. પણ પછી તમને ઊંચકી જતી ઊગેલી પાંખોની અનુભૂતિની એ ક્ષણ આવશે.’ બસ, યાદ રહે કે આ મુસાફરી તમારી મુસાફરી છે અને તમારા સિવાય કોઈ બીજું આ મુસાફરી તમારા વતે કરી નહીં શકે. ધમ્મપદ કહે છે, ‘તમારી બરાબરીના અથવા બહેતર લોકો સાથે મુસાફરી કરો અથવા એકલા જ કરો.’ રાજેન્દ્ર શાહે કહ્યું, ‘ઘરને ત્યજી જનારને મળતી વિશ્વ તણી વિશાળતા.’ પણ આ મુસાફરી હકીકતમાં ઘરબાર છોડીને જંગલમાં ચાલી નીકળવાની વાત નથી. આ મુસાફરી છે તમારા વળગણો, આસક્તિમાંથી મુક્ત થઈ તમારી પોતાની જાત સુધી પહોંચવાની. આ મુસાફરી જેટલી બહારની છે, એટલી જ અંદરની પણ છે કેમકે જે સ્વને પામી લે છે એ જ સર્વને પામી શકે છે.

*

The Journey

One day you finally knew
what you had to do, and began,
though the voices around you
kept shouting
their bad advice–
though the whole house
began to tremble
and you felt the old tug
at your ankles.
“Mend my life!”
each voice cried.
But you didn’t stop.
You knew what you had to do,
though the wind pried
with its stiff fingers
at the very foundations,
though their melancholy
was terrible.

It was already late
enough, and a wild night,
and the road full of fallen
branches and stones.
But little by little,
as you left their voices behind,
the stars began to burn
through the sheets of clouds,
and there was a new voice
which you slowly
recognized as your own,
that kept you company
as you strode deeper and deeper
into the world,
determined to do
the only thing you could do–
determined to save
the only life you could save.

– Mary Oliver

5 replies on “ગ્લૉબલ કવિતા : ૩૩ : પ્રવાસ – મેરી ઓલિવર (અનુ. વિવેક મનહર ટેલર)”

  1. કવિવર ટાગોર ની જાણીતી “એકલો જાને રે,….” શું આજ વાત કહી જાય છે?.

    ભાઈ શ્રી વિવેકની સરળ રીતે સમજાવવાની રીત ખાસકરીને બીજા કવિઓ ની રચનાઓ રજુ કરીને વાચકો ને સારીરીતે સમજવામાં
    મદદ થાય છે.

    આભાર સહિત.
    નવીન કાટવાળા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *