ગ્લૉબલ કવિતા: મારો તમામ સંકોચ – વિદ્યાપતિ ઠાકુર (અનુ. વિવેક મનહર ટેલર)

All My Inhibition Left Me In A Flash

All my inhibition left me in a flash,
When he robbed me of my clothes,
But his body became my new dress.
Like a bee hovering on a lotus leaf
He was there in my night, on me!

True, the god of love never hesitates!
He is free and determined like a bird
Winging toward the clouds it loves.
Yet I remember the mad tricks he played,
My heart restlessly burning with desire
Was yet filled with fear!

– Vidyapati Thakur

મારો તમામ સંકોચ

ક્ષણાર્ધમાં તો મારો તમામ સંકોચ હવા થઈ ગયો,
જે ઘડીએ એણે મને અનાવૃત્તા કરી દીધી;
પણ એનું પોતાનું શરીર જ મારો નવો પોશાક બની ગયું.
જે રીતે મધમાખી કમળપત્ર પર
એમ જ એ મારી રાત્રિ દરમિયાન મંડરાતો રહ્યો, મારી ઉપર!

સાચું છે, પ્રણયદેવતા કદી અચકાતા નથી !
એ મુક્ત છે અને પક્ષીની જેમ દૃઢનિશ્ચયી છે-
એ વાદળો તરફ ઊડવા, જેને એ ચાહે છે.
છતાં મને એ જે પાગલ પ્રયુક્તિઓ કરે છે એ યાદ છે,
મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
છતાં ભર્યું પડ્યું છે ડરથી !

– વિદ્યાપતિ ઠાકુર
(અનુ. વિવેક મનહર ટેલર)

બેબાક સંભોગશૃંગારનું આ અલ્લડ પ્રણયકાવ્ય આજથી સાતસો-આઠસો વર્ષ પહેલાં કોઈ લખી ગયું હતું એમ કોઈ કહે તો કેવો આંચકો અનુભવાય? ઘડીભરની રાહ જોયા વિના પ્રિયાના શરીરને તમામ વસ્ત્રોની કેદમાંથી આઝાદ કરી દઈ પોતે જ એનું વસ્ત્ર બની જાય, બંને પ્રેમીઓની ત્વચા એક બની જાય, અને આ સમ્-ભોગ રાત આખી ચાલતો જ રહે, ચાલતો જ રહે… કેવું પ્રબળ અને મુખર પ્રેમગીત! સંભોગશૃંગારની વાત થાય, સાવ જ ઉઘાડાં શબ્દોમાં થાય ને તોય એ સુચારુ કવિતાસ્વરૂપે જનમનને આકર્ષી શકે એવું દૈવત તો કોઈક જ કલમમાં હોય.

આવી કલમ ચૌદમી-પંદરમી સદીમાં બિહારના મધુબની જિલ્લાના બિષ્પી (બિસપૂ) ગામમાં થઈ ગયેલા વિદ્યાધર ઠાકુરની હતી. નેવુ વર્ષનું દીર્ઘાયુષ્ય ભોગવનાર વિદ્યાપતિ મૈથિલિના કોકિલ તરીકે જાણીતા છે. એમની કવિતાઓ દૈહિક પ્રેમના આંચળમાં છુપાવીને ઐહિક પ્રેમ ઉજાગર કરે છે. કબીર-મીરાના સમયકાળ પહેલાં લખાયેલ રાધા-કૃષ્ણના શારીરિક પ્રેમની એમની સેંકડો કવિતાઓ આજે પણ ઉત્તમ પ્રણયકાવ્યો ગણાય છે. આ ઉપરાંત એમની શિવસ્તુતિઓ પણ શ્રેષ્ઠ ભક્તિપદોમાં મોખરે બિરાજે છે. રાજા શિવસિંહના દરબારમાં કવિ તરીકે એ સ્થાન શોભાવતા હતા. કહે છે, એકવાર અલાઉદ્દીન ખિલજીએ રાજા શિવસિંહને કેદ કરી લીધા હતા. વિદ્યાપતિ એમને છોડાવવા ગયા ત્યારે ખિલજીએ પોતાના રાજકવિ સાથે એમની વાક્સ્પર્ધા યોજી જેમાં વિદ્યાપતિ જીતી જતાં રાજા મુક્ત થયા હતા. એવી પણ દંતકથા છે કે ભગવાન શિવ સાક્ષાત્ એમના ઘરે ઉજ્ઞ નામના નોકર તરીકે રહેતા હતા. પત્ની દ્વારા એકવાર ઉજ્ઞની પિટાઈ થતી જોઈ વિદ્યાપતિએ નોકરની હકીકત પત્નીને કહી અને શિવ અજ્ઞાતવાસની શરતભંગ થવાથી ગાયબ થઈ ગયા. વિદ્યાપતિની કવિતાઓનું પ્રભુત્વ પછીની સદીઓમાં પૂર્વ ભારતીય અને નેપાળી ભાષાઓ પર ભારોભાર જોવા મળે છે.

પ્રચુર શૃંગારરસની આવી રચનાઓનું આચમન કરીએ ત્યારે સહેજે સમજી શકાય છે કે પ્રેમ અને સેક્સ આપણી સંસ્કૃતિનો મજબૂત અને તંદુરસ્ત હિસ્સો હતા. આજે તો સેક્સનું નામ પડતાં જ આપણા નાકના ટેરવાં ચઢી જાય છે. વાલ્મિકીરામાયણમાં જે સમાજનું આલેખન છે એ બેફામ ભોગવિલાસ, પોતાની ઈચ્છાઓ અને વાસનાની ચોખ્ખીચટ રજૂઆતમાં કશો શરમસંકોચ અનુભવતો નથી. અહલ્યાને ઇન્દ્ર સ્પષ્ટ કહે છે કે હું તારો સમાગમ ઈચ્છું છું. અહલ્યા પણ ઇન્દ્ર જોડેના અનુભવથી પોતાને બહુ મજા પડી એવું ઉઘાડેછોગે કહે છે. વાલીને હણવા આવેલો દુંદુભિ એને કહે છે, “તું રાત્રે સ્ત્રીઓને ભોગવીને સવારે લડવા આવીશ તો પણ મને વાંધો નથી”. અઢી હજાર વર્ષ પહેલાના વાલ્મિકીના સમયના ભારતને ભૂલી જાઓ, તો હજારેક વર્ષ પહેલાંના ભારતમાં આ જ રામાયણમાં જે ઉમેરા થયા છે એ પણ જોઈએ: મરણ પામેલા વાલીની પત્ની તારા કહે છે કે તમે ઊભા થઈને આ બધા મંત્રીઓને રજા આપી દો તો પછી આપણે જંગલમાં સંભોગ કરીશું.(विसर्ज्य ऐनान् सचिवान् यथापूर्वं अरिंदम, ततः क्रिडामहे सर्वा वनेषु मदनोत्कटा। (કિષ્કિંધા કાંડ, સર્ગ 25, શ્લોક 47). (સંદર્ભ: રામાયણની અંતર્ યાત્રા, નગીનદાસ સંઘવી)

આપણા સાહિત્યમાંથી જ પ્રણયશૃંગારના બે’ક દાખલા લઈએ:

अद्यापि तां प्रणयिनीं मृगशावकाक्षीं पीयूषवर्णकुचकुम्भयुगं वहन्तीम् ।
पस्याम्यहं यदि पुनर्दिवसावसाने स्वर्गापिवर्गवरराज्यसुखं त्यजामि॥ (બિલ્હણ – ચૌરપંચાશિકા)

(આજે પણ જો દિવસ સમાપ્ત થયા બાદ મૃગબાળ સમાન નેત્રોવાળી અને દૂધ જેવા ધવલ વર્ણના સ્તનકુંભયુગ્મને ધારણ કરતી પ્રિયતમાને દેખી શકું તો હું સ્વર્ગ, મોક્ષ અને શ્રેષ્ઠ રાજ્યના સુખને ત્યાગી શકું છું.) (બિલ્હણ – ચૌરપંચાશિકા)

सुप्तोडयं सखि! सुप्यतामिति गताः सग्व्यस्ततोडनंतरं
प्रेमावेशितमा मया सरलया न्यस्तं मुखं तन्मुखे।
ज्ञातेड्लीकनिमीलने नयनयोर्धूर्तस्य रोमांचतो
लज्जासीन्मम तेन साप्यपहृता तत्कालयोग्यैः क्रमः॥ ॥३७॥

(હે સખી! આ (પ્રિય) સૂઈ ગયો છે તેથી હું પણ સૂઈ જઈશ એવું કહેતાં સખીઓ ગઈ. પ્રેમાવેશમાં ત્યારબાદ મેં તેના મુખમાં મારું મુખ મૂક્યું (ચુંબન કર્યું). ત્યારે તે ધૂર્તના રોમાંચ ચિહ્નો (શિશ્નોત્થાન) જોતાં મેં જાણ્યું કે તે આંખો મીંચી સૂવાનો ઢોંગ કરે છે. હું લજ્જાશીલ થઈ પણ તેણે મને હરી લઈ તત્કાળ યોગ્ય ક્રમથી (સંભોગ) કર્યો.) (અમરુક-અમરુશતક)

કામ અને રતિ તો આપણા આરાધ્યદેવ છે! આપણી સંસ્કૃતિ વીર્યવાન સંસ્કૃતિ છે. આખી દુનિયામાં કદાચ આપણી પ્રજા જ એકમાત્ર એવી પ્રજા હશે જે શિશ્નની પૂજા કરે છે… ખજૂરાહોના અમર શિલ્પો અને કામસૂત્રને કેમ ભૂલી જવાય? પણ કમનસીબે આજે આપણી કવિતાઓમાં જાતિયતા કે જાતીય અંગોની ખુલ્લી વાત આવે તો નાકનાં ટેરવાં ચઢી જાય છે.

વિદ્યાપતિની રચના દેહથી એહ તરફની ગતિ સાફ અનુભવાય છે. આ રચના ઇશ્કે-મિજાજીની નથી, ઇશ્કે-ઇલાહી, ઇશ્કે-હકીકીની છે. અહીં કેન્દ્રમાં માત્ર ઈશ્વરપ્રેમ- બ્રહ્નવાદનું સૌંદર્ય જોવા મળે છે. હવસની બૂ નથી. અને એટલે જ કવિતા ઉત્કૃષ્ટતાના પગથિયા સડસડાટ ચડી જાય છે.

करो प्रेम मधुपान शीघ्र ही यथासमय कर यत्न विधान।
यौवन के सुरसाल योग में कालरोग है अति बलवान। (અજ્ઞાત)

(પ્રેમરસપાન તરત જ કરી લો, સમયસર યત્ન-ઉપાય કરી લો (કેમકે) યૌવનના રસાળ યોગમાં કાળરોગ ખૂબ જ બળવાન છે) કાવ્યનાયક આ ઉક્તિથી પરિચિત હોય એમ ક્ષણાર્ધમાં નાયિકાને વસ્ત્રહીન કરે છે અને વસ્ત્રોની સાથે જ પળભરમાં જ રહ્યો સહ્યો સંકોચ પણ દૂર થઈ જાય છે. બે શરીર કામકેલિમાં એકાકાર થઈ જવાની ચરમસીમા એ જ પ્રેમ. શૃંગારશતકમાં ભર્તૃહરિ કહે છે, आलिङग्तायां पुनरायताक्ष्यामाशास्महे विग्रहयोर्भेदम्। (આલિંગન કરી લેવાથી આપણે માનીએ છીએ કે આપણું અને તેણીનું શરીર મળીને એક થઈ જાય)

પ્રેમને કદી પરમિશન માંગવી નથી પડતી કેમકે दोनों तरफ लगी है आग बराबर की. પ્રેમ આઝાદ પણ કૃતનિશ્ચયી લાગણીનું બીજું નામ છે. એટલે જ તો સદીઓથી જમાનાની કાળમીંઢ ચટ્ટાનો સાથે ટકરાઈને અવારનવાર ચૂરેચૂરા થવા છતાં પ્રેમ ફિનિક્સ પંખીની જેમ રાખમાંથી સજીવન થતો જ રહ્યો છે, રહેશે. શારીરિક સુખની આકાંક્ષાઓથી તન ગમે એટલું બળતું હોય પણ પૂર્વાપેક્ષિત સમાગમ ડરની લહેરખી થઈ રૂંવાડા તો ઊભા કરી જ દે છે… પ્રણયનો દેવતા તરીકેનો સ્વીકાર દૈહિકમાંથી ઐહિક તરફ લઈ જતું પ્રથમ પગલું છે…

10 replies on “ગ્લૉબલ કવિતા: મારો તમામ સંકોચ – વિદ્યાપતિ ઠાકુર (અનુ. વિવેક મનહર ટેલર)”

  1. “My heart restlessly burning with desire
    Was yet filled with fear! ”
    i could not get the exact meaning of these last 2 lines. Does Heroine wants more love (sex)? Love is bold then why filled with fear.
    Are we missing some vital message of poet?
    Pls explain

  2. (……..નિખાલસતા,પારદર્શિતા,સ્પષ્ટતા,સાચુકલાપણું…. પણ ઉભરાઈને મુખરિત થતા દેખાય છે. ધ્યાનમાં થતી અનુભૂતિની[આના ગેબી નાદના મોજાં…ધ્વનિ-આંદોલનો,/ઊછળ્યા કરે છે, ગૂંજ્યા કરે છે ભીતર,વારંવાર, લગાતાર].+( જાણે બરફની શ્વેત શીલા તે હુંજ !/શ્વેત નિર્મળ નિરામય બરફાચ્છાદિત સમગ્ર વાતાવરણની શીતળતા,તાઝગી વર્તાય છે!) + {હું ગૂંજુ બેફામ, અંતરતમ મન-ગગનમાં, /રણઝણ રણઝણ,ઝનઝન, ઝનઝન થાય/ઝબકયો અંગત એહસાસ! ગજબ આભાસ! } + નિજ એકાંતે સુખાનુભૂતિનો આનંદ માણી રહ્યા/તંતોતંત અમી છાંટણા, ઈશકૃપાના રણકારા, /આવી પૂગ્યા હરિ અમારે દ્વાર! બાજે ભણકારા, /શરણાઈ, ઘંટનાદ, મંજીરાના બજંત રે ઝણકારા/ મારું અસ્તિત્વ નીરવ એકાંતે ઝળહળે છે! / સર્વત્ર આનંદ! સ્વાનંદ-વર્ષા થઇ રહે છે!) માં ઝલક મળે છે.
    શૃંગાર-રસ કયા સંવેદનશીલ- “જીવંત” માનવીને ન આકર્ષે? ક્યાંક સહજ વીજ ચમકારા નજરે પડે છે [મિલનની ક્ષણને અજવાળે એહસાસ બનીને આવ્યો છું, બીજ ફળ્યાના ઠેlસ સજ્જડ પુરાવા લઈને આવ્યો છું,]+ {તારી કોમલ આળી ફળદ્રુપ ગુપ્ત-ભૂમિએ-,ચોક્કસ મારો કોઈ બીજ-અંશ ફળ્યો હશે!} + (ઝુમ્મર એવા બાંધ્યા તસ-તસ, છૂટેતો પય-કુંભ, ઝોલા ખાય!) + {તું તનની દોરી ઢીલી રાખજે,અંગ અંગ મસ્તી,મોર નાચશે!તું તારી છાતી ખૂલ્લી રાખજે,} / [પુષ્પધન્વા કંપની ઝનઝન તનમાં માણતી, /આહ્ લાદી રહી સ્વર્ગની સહેલ સલૂણી,જાણતી.}/સર્વ પ્રિય,પ્રેયસ્કર અને શ્રેયસ્કર પ્રેમ-સ્નેહ,,મિત્રતા, વિગેરે ભાવો દૃષ્ટિગત થાય. )

  3. આ કોના રસનો વિષય નથી / “વિષય-ભોગ” ?..
    ક્યયાંથી ક્યયાં …પહોંચાડી દે છે ! સંશોધન ..વાંચન અને અનુભવજ્ઞાન પણ …
    “….પણ કમનસીબે આજે આપણી કવિતાઓમાં જાતિયતા કે જાતીય અંગોની ખુલ્લી વાત આવે તો નાકનાં ટેરવાં ચઢી જાય છે.”
    વાતમાં ભારોભાર સત્ય પણ …. છે જ … ” દંભ ‘ એ પણ સુધરેલા કહેવાતા અમુક ભીરુ લીકોનો …
    ” બેઉને … સહભાગીઓને ” આનંદ ….પરમ-આનંદ આવે એ જ ખરી વાત !

  4. વાહ – સુન્દર પ્રસ્તુતી.- તમો છેલ્લા ફકરામાં સચું જ લખ્યું છે કે —
    ” પ્રેમને કદી પરમિશન માંગવી નથી પડતી કેમકે दोनों तरफ लगी है आग बराबर की. પ્રેમ આઝાદ પણ કૃતનિશ્ચયી લાગણીનું બીજું નામ છે “.
    મને પેલી ગીતની લીટીઓ યાદ આવી ગઈ.કે —
    ” સાગરનાં મોજાં કઈ રેતી ને પુછે તને ભિંજાવું ગમશે કે કેમ ? – એમ પુછી ને થાય નહીં પ્રેમ …. “

  5. આખ્ખી કવિતાનું હાર્દ
    મારું હૃદય બળબળતી ઇચ્છાઓથી વિક્ષુબ્ધ છે
    છતાં ભર્યું પડ્યું છે ડરથી !
    plutonic love ની અપેક્ષા

  6. Very romantic. It is interesting that sex (which is an essential part of life) is tabooed( or booed). In Japan they celebrated sex festival in spring and in the procession they carry humongous phallic idol. In most instances love and sex are confused… the latter is hormonal.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *