कोई अटका हुआ है पल शायद
वक़्त में पड़ गया है बल शायद
लब पे आई मिरी ग़ज़ल शायद
वो अकेले हैं आज-कल शायद
दिल अगर है तो दर्द भी होगा
इस का कोई नहीं है हल शायद
जानते हैं सवाब-ए-रहम-ओ-करम
उन से होता नहीं अमल शायद
आ रही है जो चाप क़दमों की
खिल रहे हैं कहीं कँवल शायद
राख को भी कुरेद कर देखो
अभी जलता हो कोई पल शायद
चाँद डूबे तो चाँद ही निकले
आप के पास होगा हल शायद
– गुलज़ार
કોઈ અટકી રહેલી પળ છે કદાચ,
કે સમયમાં પડેલ વળ છે કદાચ.
લાગે છે આજકાલ એ એકલા
હોઠ પર આવી મુજ ગઝલ છે કદાચ,
દર્દ હોવાનું, દિલ જો હોય યદિ,
એનો ઉપચાર પણ અકળ છે કદાચ.
જાણ છે, ફળ શું છે ભલાઈનું,
ફક્ત કપરો બન્યો અમલ છે કદાચ.
આવે જો આ તરફ એ પગરવ તો,
ખીલવા વ્યગ્ર આ કમળ છે કદાચ.
જોઈ લ્યો, રાખને ઉસેટીને,
ભીતરે કો’ક બળતી પળ છે કદાચ.
ચાંદ ડૂબે તો ફક્ત ચાંદ ઊગે,
આપની પાસે એવી કળ છે કદાચ.
– ગુલઝાર
(અનુ. વિવેક મનહર ટેલર)
તમે સમ્પૂરન સિંહ કાલરા કહો તો મગજ ચકરાવે જ ચડી જાય ને? પણ ગુલઝાર કહો તો! ઑસ્કાર એવૉર્ડથી સન્માનિત એકમાત્ર ભારતીય ગીતકાર. ગ્રેમી એવોર્ડ, પદ્મભૂષણ, સાહિત્ય અકાદમી પુરસ્કાર, ભારતીય સિનેમાનાં સર્વોચ્ચ પુરસ્કાર દાદાસાહેબ ફાળકે એવોર્ડ, અને સાત-સાત વખત નેશનલ એવોર્ડ! આજના દૌરના ઉત્તમોત્તમ કવિ, સફળતમ ફિલ્મી ગીતકાર, ઉત્તમ ફિલ્મોના લેખક, દિગ્દર્શક ગુલઝારના નામથી ભાગ્યેજ ગઈકાલ અને આજની પેઢીના કોઈ કાવ્યરસિક અને સિનેરસિક અણજાણ હોઈ શકે.
૧૮/૦૮/૧૯૩૬ના રોજ બ્રિટિશ ભારત (આજના પાકિસ્તાન)ના ઝેલમ જિલ્લાના દીના ગામમાં જન્મેલા ગુલઝારનો પરિવાર ભાગલાના સમયે અમૃતસર આવી વસ્યો. તત્કાલીન રિવાજ મુજબ પેટિયું રળવા ગુલઝાર મુંબઈ આવ્યા. વર્લીમાં એક ગેરેજમાં મિકેનિક તરીકે કામે લાગ્યા. બિમલ રૉયે કાદવમાં ખીલતા કમળને પારખી લીધું અને આપણને ગુલઝાર દિનવી મળ્યા, જેમાંથી દિનવી તખલ્લુસ કાળક્રમે ખરી ગયું. હિંદી, ઉર્દૂ અને પંજાબી ઉપરાંત તેઓ વ્રજ ભાષા, ખડી બોલી, મારવાડી અને હરિયાણવીમાં પણ રચના કરે છે.
ચુસ્ત કાફિયા અને સંભાવનાના સિક્કાની બીજી બાજુ કોરી છોડી દેતી ‘કદાચ’ જેવી બહુઆયામી રદીફ વાપરીને ગુલઝાર અદભુત ગઝલ આપે છે. ટૂંકી બહેરમાં કામ કરવું એટલે આમેય સાંકડી ગલીમાં નોળિયો નાચવા જેવી વાત. પણ ગુલઝાર સિદ્ધહસ્ત સર્જક છે. એ ફિલ્મી ગીત લખે છે તો એમાંય કવિતાનો સ્પર્શ અછતો રહેતો નથી.
समय तू धीरे धीरे चल એમ આપણે ગાઈએ તો છીએ પણ આપણે સહુ જાણીએ પણ છીએ કે સમય નથી રોકાયો, નથી રોકાવાનો. સમયનું વહેણ નદીના જેવું છે. એક જ પાણીમાં તમે કદી બે વાર ન્હાઈ શકતા નથી. જે પળ હાથમાંથી સરી ગઈ એ ગઈ. એટલે જ તો Live in this moment એવું કહેવાયું છે. પણ તોય સમય થંભી જાય એવી મનોકામના આપણે કેટલીવાર કરતાં હોઈએ છીએ! સમયથી વધુ સાપેક્ષ પરિબળ બીજું કયું હશે?!
તું આવે તો યુગોની રાહ પળથી પાતળી લાગે,
પ્રણયમાં કાળની આવી ગતિ સમજાય તો સમજાય.
કાળની ગતિ અકળ છે પણ આવનાર સમય આપણી મરજી મુજબનો આવે અને વીતેલી પળોમાં પુનઃપ્રવેશ કરી શકાય એવી મંશા તો કાયમ રહે છે. વીતી ગયેલા સમયની વાત થાય તો મીર ‘હસન’ની ચેતવણી યાદ આવ્યા વિના નહીં રહે:
सदा ऐशे दोरां दिखाता नहीं,
गया वक़्त फ़िर हाथ आता नहीं
‘રાહી’ કુરેશી પણ યાદ આવે:
मैं गया वक़्त हूं जमाने में
मुझ को आवाज़ दे न अब कोई
અને આ બે શેર વાંચીએ એટલે કયા પૂર્વસૂરિના પ્રભાવમાં આ બંને શેર લખાયા હશે એ તરત ધ્યાનમાં આવ્યા વિના નહીં રહે. મિર્ઝા ગાલિબના શેરો એ “આગામી કોઈ પેઢીને દેતાં હશે જીવન, બાકી અમારા શ્વાસ નકામા તો જાય ના” (મરીઝ)ના ન્યાયે આજપર્યંતના તમામ શાયરોને ઓછેવત્તે અંશે પ્રભાવિત કર્યા જ છે. મિર્ઝા કહે છે:
मेहरबाँ हो के बुला लो मुझे जिस वक़्त चाहो,
मैं गया वक़्त नहीं हूं कि फिर आ भी न सकूं
પણ ગુલઝાર વીતેલી પળની વાત નથી કરતા. એ તો કોઈક અટકી ગયેલી પળની વાત કરે છે. એવો સમય જે વીતી ગયા પછી પણ વીતતો જ નથી. એવો સમય જેને વૉચના કાંટા તો તાણી લઈ ગયા છે પણ સોચના કાંટામાં ભરાઈ અટકી પડ્યો છે. સડસડાટ વહી જતા સમયમાં વળ-આમળો પડી જવાનું કલ્પન શેરના સૌંદર્યને ઉજાગર કરી આપે છે. સડસડાટ વહી નીકળતા સંબંધમાં પણ એકવાર વળ પડી જાય પછી ઇસ્ત્રી કરી શકાતી નથી.
પ્રેમમાં એકલતાની કોરી દીવાલને અઢેલીને બેસવા માટે સ્મરણોની પીઠથી મોટી કોઈ સવલત નથી. બીજાના પ્રેમમાં પડીને પહેલાને છોડી દેનાર બેવફા સાથે જ્યારે બેવફાઈ થાય છે ત્યારે કદાચ વફાદાર આશિકની ગઝલો જ દવા બની રહે છે.
ગુલઝાર ઘણીવાર પોતાને જ દોહરાવતા પણ જોવા મળે છે. ‘દિલ સે’ ફિલ્મના ટાઇટલ ગીતમાં ‘દિલ હૈ તો ફિર દર્દ હોગા’ પંક્તિ આપણને સ્પર્શી જાય છે. અહીં ગુલઝાર એ જ પંક્તિ લઈને આવે છે. ધુમાડો છે તો આગ પણ હશે જ. દિલ અગર છે તો દર્દ પણ હશે જ. અને કદાચ આ દર્દનો કોઈ ઈલાજ પણ નથી. તરત ગાલિબ યાદ આવે:
इश्क़ से तबीअत ने ज़ीस्त का मज़ा पाया,
दर्द की दवा पाई, दर्द बे-दवा पाया।
આખી વાતને આ રીતે પણ જોઈ શકાય:
આ દર્દ પ્યારનું હો ભલે લા-દવા મગર,
એના વિના આ જિંદગી બીમાર હોય છે.
સારાં કામનું ફળ હંમેશા સારું જ હોય છે પણ પણ કદાચ આપણે જાણકારી હોવા છતાં એના પર અમલ કરી નથી શકતા આ મનુષ્યગત કમજોરીને કવિએ બખૂબી ઉપસાવી છે. વાત તો જૂની જ છે પણ અંદાજે-બયાં સ્પર્શી જાય છે.
પ્રિયતમાનો પગરવ સાંભળીને દિલના કમળ ખીલી ઊઠવા જેવી તકિયાનુશી વાત પણ કવચિત્ ગુલઝાર કરી બેસે છે.
जला है जिस्म जहाँ, दिल भी जल गया होगा,
कुरेदते हो जो अब राख, जूस्तेजु क्या है?
ગાલિબ કહે છે, શરીરની સાથે જ દિલ પણ બળી જ ગયું હશે. શેની તલાશ છે જે માટે હવે રાખને ફંફોસી રહ્યા છો? ગુલઝારે ગાલિબના કામ સાથે પોતાની કવિતાને ઘણીવાર તાણા-વાણાની જેમ વણી લીધી છે. ગાલિબની પંક્તિ ‘बैठे रहे तसव्वुरे-जानां किए हुए’ની ઉપર ‘दिल ढूंढता है, फ़िर वही फुरसत के रात-दिन’ની ગિરહ લગાવી ગુલઝારે નવી જ કમાલ કરી છે. અહીં પણ ગાલિબના ‘जूस्तेजु क्या है?’નો જવાબ આપતા હોય એમ ગુલઝાર કહે છે કદાચ સમયનો કોઈ ટુકડો હજી આ રાખની નીચે સળગતો બચી ગયો હોય.
પ્રિયતમાને ચાંદની ઉપમા તો કવિઓ સદીઓથી આપતા આવ્યા છે પણ ગુલઝાર ચવાઈને ચુથ્થો થઈ ગયેલ ઉપમાનને પણ નવો રંગ આપીને એક નવી જ સૃષ્ટિ સર્જી શકે છે. ચંદ્રનું આથમવું એ સૂર્યોદયની પહેલી શરત છે પણ કવિ કહે છે કે કદાચ તારી પાસે કોઈ ઉપાય હોય, ચંદ્ર આથમે અને ચંદ્ર જ ઊગે.. મતલબ દિવસ થાય અને તું આવે! શબ્દની નાની સરખી રમત અને કવિતા નામનો મોટો ચમત્કાર! આવા જાદુથી જ ગુલઝારે ગઝલને ગુલઝાર કરી છે…
સહુ મિત્રોનો ખૂબ ખૂબ આભાર….
ભાવભરી રચનાનો એવો જ રસાસ્વાદ. ગુજરાતી ભાષામાં નવો કંસેપ્ટ. ખૂબ ગમ્યો આવો પરિચય.
ગઝલ અને રસદર્શન બંને માણ્યા
સરસ,સરસ,સરસ………..
ગુલઝાર સાહેબને સલામ………..
આપને અભિનદન…………
કવિતા જેટલો જ અનુવાદ સુદર
સુન્દર! ગુલઝારની રચનાઓ ભારી અસરકારક છે. મુખ્ય કવિતાની સાથે સાથે પિરસેલી અન્ય વાનગી પણ ઘણી સ્વાદીષ્ટ છે.