ગ્લૉબલ કવિતા: દ્રાક્ષ: – અનામી (ગ્રીક) અનુ. વિવેક મનહર ટેલર

Green grape, and you refused me.
Ripe grape, and you sent me packing.
Must you deny me a bite of your raisin?

– Dudley Fitts (Eng. Translation from Greek)

લીલી દ્રાક્ષ, અને તેં મને ઠુકરાવ્યો,
પાકી દ્રાક્ષ, અને તેં મને પાછો મોકલી આપ્યો,
તારી સૂકી દરાખના એક બટકા માટેય મને નકારવું શું જરૂરી જ હતું ?
– અનામી (ગ્રીક)
અનુ. વિવેક મનહર ટેલર

ઊંમરના કબાટમાં સાચવીને રાખેલો કાઢ્યો મેં બહાર આજે ડગલો,
કે બેઠો મૂંછોના ખેતરમાં બગલો.

– મૂંછમાં ઊગી આવેલા પહેલા સફેદવાળની અક્ષુણ્ણ અનુભૂતિથી લઈને જીવનના અંત સુધી ઘડપણ માણસજાતને સતાવતું આવ્યું છે. નરસિંહ મહેતા જેવા સંતકવિ પણ કહી ગયા, “ઘડપણ કેણે મોકલ્યું? –જાણ્યું જોબન રહે સૌ કાળ.” નર્મદ જેવા ભડવીરે પણ ગાવું પડ્યું, “હરિ, તું ફરી જોબનિયું આપે” ચિરયૌવનની કામના આદિકાળથી રહી છે. વૃદ્ધાવસ્થાને પચાવવું હંમેશા કપરું જ રહ્યું છે. આપણા સૌની અંદર એક યયાતિ રહેલો છે જે સદૈવ યૌવન જ ઝંખે છે.

પૂછ્યું મેં કોણ છે ! ઉત્તર મળ્યો યયાતિ છે,
ને બહાર જોઉં તો આખી મનુષ્યજાતિ છે (મુકુલ ચોકસી)

મહાભારતમાં યક્ષ જે પ્રશ્ન પૂછે છે એમાંનો એક હતો, સૃષ્ટિનું સૌથી મોટું આશ્ચર્ય કયું? યુધિષ્ઠિરે જવાબ આપ્યો કે જરા અને મૃત્યુ અફર હોવા છતાં દરેક માણસ એ જ રીતે જીવે છે જાણે એ કદી ઘરડો થવાનો નથી કે મરવાનો નથી.

આજે જે કવિતાની આપણે વાત કરીએ છીએ એ સેંકડો સદીઓ પહેલાં કોઈ અનામી ગ્રીક કવિએ લખી હતી. ગ્રીક સાહિત્યમાં એ જમાનામાં સ્ત્રી-પુરુષના અંગ-ઉપાંગ અને કામક્રીડાની બેબાક કવિતાઓ સહજ હતી. વૃદ્ધ સ્ત્રીઓની નિર્લજ્જ મજાક પણ એવી જ સામાન્ય હતી. તું તારા વાળ રંગી શકશે પણ ઉંમરને નહીં. તું રાત્રે તારા દાંત જ નહીં, તારી પથારીમાંની આવડત પણ બાજુએ મૂકીને સૂઈ જાય છે. રંગરોગાન તને હેકુબામાંથી હેલન નહીં બનાવી શકે. વૃદ્ધા સાથે સૂવા કરતાં પોતાનું ખસીકરણ કરાવવું યોગ્ય છે એવો મત પણ પ્રવર્તતો. આપણે ત્યાંય પરિસ્થિતિ કંઈ અલગ નથી. શંકરાચાર્ય લખી ગયા: “वयसि गते कः कामविकारः, शुष्के नीरे कः कासारः |” (વય વીતી જાય પછી કામ ક્યાંથી? જળ સુકાઈ જાય પછી સરોવર ક્યાંથી?) નર્મદે કહ્યું: “સૂંઘે ન કો કરમાઈ જૂઈ” ચૌદસો વર્ષ પહેલાં ભર્તૃહરિ શૃંગારશતકમાં કહી ગયા:

इदमनुचितमक्रमश्च पुंसां
यदिह जरास्वपि मान्मथाः विकाराः ।
तदपि च न कृतं नितम्बीनां
स्तनपतनावधि जीवितं रतं वा ।।
(વૃદ્ધાવસ્થામાં પણ પુરુષોને કામવિકાર થાય છે એ અયોગ્ય અને મર્યાદાનો લોપ છે. એ જ રીતે એ પણ અયોગ્ય છે કે સુંદરીઓના જીવનને અને રતિક્રીડાને સ્તનોનું પતન થાય ત્યાં સુધી જ નથી રાખ્યા.) આપણે ત્યાં એવું પણ લોકનિરીક્ષણ છે કે ‘સ્ત્રીયા જોબન ત્રીસ વર્ષ”

પ્રાચીન ગ્રીસની વાત કરીએ તો વૃદ્ધ પણ આકર્ષક સ્ત્રીઓને સ્વીકાર્ય ગણતા વૃદ્ધ પુરુષો પણ હતા. અહીં રજૂ કરેલી કવિતા એવા જ કોઈક અનામી કવિએ લખી હશે જે ફિલોડેમસની વૃદ્ધ પણ ઘાટીલા સ્તનવાળી કામુક ચેરિટો જેવી કોઈક સિનિયર સિટિઝન માટે લખાઈ હશે.

ત્રણ પંક્તિની આ કવિતાને ઘણાએ હાસ્યપ્રેરક પણ ગણી છે. કવિ કહે છે, તું લીલી દ્રાક્ષ જેવી યુવાન હતી ત્યારે તેં મને ઠુકરાવ્યો હતો. પાકી દ્રાક્ષ જેવી પરિપક્વ સ્ત્રી બની ત્યારેય તેં મને ના પાડી. આજે તું વૃદ્ધ છે, કરચલિયાળી સૂકી દરાખ જેવી અને તું હજી મને તારા અસ્તિત્વનો એક ભાગ આપવાનીય ના પાડે છે… શું આ અસ્વીકાર જરૂરી હતો?

પ્રિયતમાના પ્રતીક તરીકે દ્રાક્ષ જેવો ખાદ્યપદાર્થ શા માટે? કારણ કે પ્રેમ આત્માનો ખોરાક છે. મા-બાપ સંતાનને કે પ્રિયતમ પ્રિયતમાને વહાલના અતિરેકમાં ખાઈ જવાની વાત નથી કરતા? એ રીતે જોતાં દ્રાક્ષનું કલ્પન ચસોચસ બેસતું નજરે ચડે છે. બીજું કારણ છે જીવનચક્ર. અલ્લડ યુવાની, પીઢ પરિપક્વતા અને વૃદ્ધાવસ્થા – આ ત્રણેય તબક્કા લીલી દ્રાક્ષ, પાકી દ્રાક્ષ અને ચિમળાયેલ દ્રાક્ષ સાથે કેવા ‘મેચ’ થાય છે !

બીજી પણ કેટલીક વાતો ધ્યાનાર્હ છે. જેમ પ્રતીક્ષા પ્રેમનો પ્રાણ છે તેમ વફાદારી આ કાવ્યનો પ્રાણ છે. દ્રાક્ષ તો ઝુમખામાં હોય અને ઝુમખાઓની આખી વાડી હોય. પણ કવિની તો અર્જુનનજર છે. જેમ અર્જુનને વાટિકા-વૃક્ષ, ડાળ-પાંદડા અને પંખી સુદ્ધા નહીં, માત્ર પંખીની આંખ જ દેખાય છે એમ કાવ્યનાયક એક જ દ્રાક્ષની વાત કરે છે. વાડીમાં કેટલા ઝુમખા છે અને પ્રત્યેક ઝુમખામાં કેટલી દ્રાક્ષ છે એની એને તમા નથી. વૈશ્વિક રીતે જોઈએ તો એક દ્રાક્ષની કિંમત કેટલી? પણ વૈયક્તિક રીતે જોઈએ તો આ એક દ્રાક્ષ નથી, પ્રેમીનો આખો સંસાર છે. અહીં ‘સ્વ’ એ જ ‘સર્વ’ છે. નાયિકા તરફની વફાદારી, એની એક ‘હા’નો ઇંતેજાર નાયકનું જીવનપાથેય છે. પ્રતીક્ષાની ચરમસીમાએ અપેક્ષાનો લોપ થવા માંડે છે. જીવનની સંધ્યાએ તો આ અપેક્ષા ‘એક’ આખી દ્રાક્ષમાંથી એક ‘બટકા’ સુધી સીમિત બની રહે છે…

જીવન નાશવંત છે, પ્રતીક્ષા ચિરકાલીન છે પણ પ્રેમ અમર છે. યુવાની અને પ્રૌઢાવસ્થામાં ઠુકરાવાયા હોવા છતાંય પ્રેમીની આશા વૃદ્ધાવસ્થા સુધી પણ યથાતથ્ રહે છે પણ પ્રેયસી આવા શાશ્વત પ્રેમીને, એની ચરંતન વફાદારીને અને સનાતન પ્રેમને સમજી શકવામાં સરિયામ નિષ્ફળ જાય છે એ વાસ્તવિક્તા આ લઘુ કાવ્યનો પ્રાણ છે.

ફરી એકવાર આદિ શંકરાચાર્ય યાદ આવે છે:

अंगं गलितं पलितं मुण्डं
दशनविहीनं जातं तुण्डम् ।
वृद्धो याति गृहित्वा दण्डं
तदपि न मुच्यत्याशापिण्डम् ॥

(અંગ ગળી ગયાં, માથાનાં વાળ સફેદ થઈ ગયાં, મોઢું દંત વિનાનું થઈ ગયું, લાકડી લઈને ચાલવું પડતું હોય તો પણ વૃદ્ધ આશાપિંડને છોડતો નથી.)

8 replies on “ગ્લૉબલ કવિતા: દ્રાક્ષ: – અનામી (ગ્રીક) અનુ. વિવેક મનહર ટેલર”

  1. Thanks for your honest opinion for “honesty” these days belongs to near-extinct species. I do have my own blogs and Global Kavita on tahuko has been initiated on insistence of Jayshree herself…

    feel free not to visit tahuko on Saturdays.

    You must be aware that all the comments on tahuko needs moderation by the admin before they get published. Your comment with a FAKE e-mail id has been published by me only.

    Once again thanks for your honest feedback.

  2. પ્રાચીન ગ્રીક કવિની આ તદ્દન નાનકડી કવિતાને તમે સરસથી રજૂ કરી , વિવેકભાઈ ! તેથી યે વિશેષ તમે તેની વિગતે છણાવટ કરી અને સવિસ્તર સમજાવી .. તમારું વિવેચનાત્મક અર્થઘટન તમારી નવી પ્રતિભાને ઑર ચમકાવે છે.

    અભિનંદન!

  3. seems to be one sided love by hero. The heroine is firm for non acceptance, may be she must have someone more dear than hero. No doubt hero has done lifelong tapasya, but still its not enough to win her love. Rejection by her is justified. You can not have forced love though you may have forced sex. Hero is looking for sex and hence inferior.

  4. લઘુકાવ્ય ખંડકાવ્ય બની ગયું। પહેલી નજરે કાવ્ય વાંચી કાક અર્થ કાઢ્યા। પણ જેમ જેમ તમારું પૃથક્કરણ વાંચ્યું તેમ અરેથ બદલાતો ગયો આભાર સુંદર કાવ્ય ને તેવું જ વિવેચન વિવેકની ગરિમા રાખીને મનહર રૂપણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *