છલકતું તળાવ એમ છલકાય ટહુકો – મનોજ ખંડેરિયા

છલકતું તળાવ એમ છલકાય ટહુકો
પળેપળને  ભીની  કરી જાય  ટહુકો

મહકતો રહે ફૂલ-ગજરાની માફક
હવામાં શી તાજપ ભરી જાય ટહુકો

તૂટી પડશે તરડાઈને નીલિમા કંઈ
જરા પણ જો નભ સાથ અફળાય ટહુકો

તમે મૌન દોરા સમું જો કરીને
પરોવી શકો તો પરોવાય ટહુકો

ફૂટી નીકળે પાંખનું પીછું થઈને
વિહગના ગળામાં જે રહી જાય ટહુકો

બરડ શુષ્ક શબ્દોના અવકાશમાં નિત
લીલોછમ મૃદુ તારો સંભળાય ટહુકો

કોઈ મોરપીછાંને મૂંગું કરી દો
હવે મુજથી એકે ન સચવાય ટહુકો

5 replies on “છલકતું તળાવ એમ છલકાય ટહુકો – મનોજ ખંડેરિયા”

  1. કોઈ મોરપીછાંને મૂંગું કરી દો
    હવે મુજથી એકે ન સચવાય ટહુકો
    વાહ્
    ટહુકો સંભળાય ત્યારે એટલું સમજવું રહ્યું કે એ ટહુકો આપણા અસ્તિત્વને પુલકિત કરવા માટે આવી પહોંચ્યો છે.ટહુકો વસંતનો વેદમંત્ર છે.આપણી સંવેદનાશૂન્યતાએ ટહુકાને સાંભળવાની છૂટ નથી આપતી.જો આપણું હૃદય બધી રીતે નવપલ્લવિત હોય તો એક ટહુકો પણ દિવ્યાનુભૂતિ માટે પૂરતો છે.

  2. ‘ટહુકો’માં ગુંજન ભરતી મનોજભાઇની ટહુકાભરી સુંદર ગઝલ!
    ગઝલનો આ પ્રકાર ખૂબ ગમ્યો.
    અભિનંદન!

  3. મનોજ ખંડેરિયાએ એક જમાનામાં આ પ્રમાણે એક જ વિષયને રદીફ બનાવી ગઝલો લખવાનો ચીલો ચાતર્યો હતો જે ખૂબ લોકપ્રિય થયો હતો….

    સુંદર ગઝલ… “ટહુકો” માટે મજાની “ટહુકો” ગઝલ…

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *