ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે – આદિલ મંસૂરી

આજે એક આદિલ-ગઝલ….શ્રી આદિલભાઈનાં જ અવાજમાં સાંભળીએ….

કાવ્ય પઠન : શ્રી આદિલ મંસૂરી

લાગણી ને આમનાં વિસ્તાર વચ્ચે આવશે,
આપણા હોવાપણાનો ભાર વચ્ચે આવશે.

કાન મીંચી મૌનનાં ખંડેરમાં બેઠા પછી,
સૂક્ષ્મતમથી સૂક્ષ્મતમ ઉદગાર વચ્ચે આવશે.

આ સડકની સામસામે આપણું હોવું અને,
સાયકલ રીક્ષા ખટારા કાર વચ્ચે આવશે.

આંગણું સંબંધનું કોરું રહી જાશે અગર,
એક દી વરસાદ મુશળધાર વચ્ચે આવશે.

વચ્ચેની દિવાલ કેવી પારદર્શક છે હજી,
પણ સમય વિતે સમયનો ક્ષાર વચ્ચે આવશે.

માર્ગનાં અંતે હશે એક બારણું પણ તે પ્રથમ,
ઝંખનાનો ભૂખરો વિસ્તાર વચ્ચે આવશે.

તું બધું છોડીને ચાલી તો નીકળ પહેલાં, પછી
ડગલે ને પગલે ભર્યા ભંડાર વચ્ચે આવશે.

કોના કોના આંગળાની છાપ છે ગરદન ઉપર ?
દોસ્તોનાં નામ વારંવાર વચ્ચે આવશે.

આ ગઝલનાં આયનાઘરમાં કદમ મૂકો અને,
ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે.

આ ગઝલ ‘આદિલ’ હૃદય સોંસરવી ઉતરી જાય પણ,
પંડિતો ને પાઘડીનો ભાર વચ્ચે આવશે.

– આદિલ મંસૂરી
(આભાર – ગાગરમાં સાગર)

4 replies on “ગુર્જરી સોળે સજી શણગાર વચ્ચે આવશે – આદિલ મંસૂરી”

 1. manubhai1981 says:

  પઁડિતોને પાઘડીનો ભાર વચ્ચે આવશે…
  વાહ કવિ ! તમને શ્રદ્ધાઁજલિ !..આભાર !

 2. Hasu says:

  Thank You “Adilbhai” for leaving such great gems behind in this mundane world.

 3. Satish Kalaiya says:

  ~Panditone Paghdino bhar wachhe aawsshe! Wah..tunkma ghanu samjay che !

 4. Bansilal Parekh says:

  સ્વર્ગસ્થ્ આદિલ મનસુરિજિ નિ ગઝલ તો સત્ય સત્ય કહિ ગૈ. બધા તો વાહ વાહ કહિ ઉથ્શે પન બિજા કવિ ઓ ને સ્વિકાર્વામા હા કહેતા બહુ વાર લાગશે. તેથિ પાઘડી આળા નાનો નન્નઓ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *