હાલો ને કીડીબાઇની જાનમાં – ભોજા ભગત

સ્વર – પ્રફુલ દવે
સંગીત – સી.અર્જુન
ગુજરાતી ફિલ્મ – ભગત પિપાજી (૧૯૮૦)

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં….

મોરલે બાંધ્યો રૂડો માંડવો રે, ખજુરો પિરસે ખારેક
ભુંડે રે ગાયાં રૂડાં ગીતડાં…હે પોપટ પિરસે પકવાન,
હાલો ને કીડીબાઇની જાનમાં….

મંકોડાને મોકલ્યો માળવે રે લેવા માંડવીયો ગોળ
મંકોડો કેડે થી પાતળો…હે ગોળ ઉપડ્યો ન જાય
હાલો ને કીડીબાઇની જાનમાં….

મીનીબાઇને મોકલ્યાં ગામમાં રે એવા નોતરવાં ગામ
હામા મળ્યા બે કૂતરા…હે બિલાડીના કરડ્યા બે કાન
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઘોડે રે બાંધ્યા પગે ઘુઘરા રે, કાકીંડે બાંધી છે કટાર
ઉંટે રે બાંધ્યા ગળે ઢોલકા…હે ગધેડો ફુંકે હરણાઇ
હાલો ને કીડીબાઇની જાનમાં….

ઉંદરમામા હાલ્યા રે રીહામણે ને, બેઠા દરીયાને પેટ
દેડકો બેઠો ડગમગે…હે મને કપડાં પેહરાવ
જાવું છે કીડીબાઇની જાનમાં….

વાંસડે ચડ્યો એક વાંદરો રે, જુએ જાનની વાટ
આજતો જાનને લુટવી…હે લેવા સર્વેના પ્રાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
હાલો ને કીડીબાઇની જાનમાં….

કીડી બિચારી કીડલી ને કીડીના લગનીયા લેવાય
પંખી પારેવડા ને નોતર્યા…હે કીડી ને આપ્યા સન્માન
હાલો ને કીડીબાઇની જાનમાં…..

– ભોજા ભગત

28 replies on “હાલો ને કીડીબાઇની જાનમાં – ભોજા ભગત”

  1. આ ગુજરાતી ભજન મા આવતા પશુ પક્ષી ના પ્રતિક નો વિસ્તાર પૂર્વક લેખ કે જેમા દરેક પ્રતિક ના સંબંધે જણાવ્યું હોય તે વાંચવા મળે તો આપના આભારી રહીશું
    ચંદ્રકાંત મહેતા 09824284716th મહુવા

  2. ખુબ જ સરસ ભજન છે, સીધું હૈયામાં ઊતરી જાય છે…
    Really spiritualy… Bhajan.. હરિ ૐ

  3. ખુબ સરસ ગીત છે ,રડિયા પર હજીપણ સાભળવાની મજા આવે છે .

  4. કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
    ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
    હાલો ને કીડીબાઇની જાનમાં….ખુબ ગમ્યું જુનુ ભજન..!!

  5. જયશ્રેી, આ ભજન પ્રફુલ દવે અને દમયન્તિ બરદાયિ ના કન્થ મા હોય તેમ જનાય ચે. આશા.

  6. આ ગીત જીવનની મોહ માયા વિષેનો સંદેશો આપતું જાય છે. કેત્લ્યી તૈયારી કરી કીડીબેન પરણવા ચાલ્યા અને જાન માં કેટલાય હોશે હોશે જોડાયા. પણ વાંદરો ક્યારની લૂટવા માટે રાહ જોઇને બેઠો હતો. મનુષ્ય પણ કેટલા સપના સજાવે છે પરંતુ કાળ કોનો કોળીયો ક્યારે કરશે!

  7. ભોજા ભગતના આ ભજનનો ખુબ ગહન અર્થ છે. કવિએ સન્તોને અને ચતુર સુજાણને વિચાર કરવાનુ કહ્યુ છે.મને તો કશઈ સમઝણ પડી નથી.કોઇ સમઝાવે તો આભારી થઇશ્.

    • કઈ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
      ભોજા ભગતની વિનંતી… હે સમજો ચતુર સુજાણ
      હાલો ને કીડીબાઈની જાનમાં…

      એરિક ફ્રોમ મારો પ્રિય ફિલસૂફ છે જેનું એક સૂત્ર મને-તમને ખૂબ ગમશે. માનવની પ્રથમ ફરજ શું છે? માનવની પ્રથમ ફરજ એ છે કે તેણે પોતાને જાણવો. આજે આપણે આપણને જાણીએ છીએ? કે વેરવિખેર કરીએ છીએ? આજે મારે, તમારી સાથે અમારા સૌરાષ્ટ્રના ભોજા ભગતની ફિલસૂફીને ભેગા મળી જાણવી-માણવી છે. તેનું ઉપરનું લોકગીત માણસને ચોખ્ખી શિખામણ આપે છે કે આ ઈશ્વરના દરબારમાં તારે બીજા જીવો સાથે લગ્નમાં કે લગનીમાં રહેવાનું છે. એલુફનેસમાં (એકલપટુડા) સરકી જવાનું નથી. હિન્દુસ્તાનના માનવોનું મૂલ્ય એ છે કે ગામઠી ભાષામાં આપણે સૌ ‘માણહ ભૂખ્યા’ છીએ. અમેરિકનો અને યુરોપિયનો માણહ-ગંધારા બની ગયા છે. માનવજાતથી અળગા થતા જાય છે. એરિક ફ્રોમ કહે છે : તમારે પીડાથી ભાગવું ન જોઈએ. સમાજથી-સગાથી ટોટલ ડિટેચમેન્ટ સારું નથી.

      ગામડામાં લગ્ન લેવાય ત્યારે કેવા કેવા દૂર દૂરનાં સગાંને યાદ કરીને કંકોત્રી લખાય છે તે કદી જોયું છે? કાકા, મામા, ફોઈ, માસી તો ઠીક પણ માસીના જમાઈના કાકા અને એ જમાઈના કાકાની માસીને પણ યાદ કરાય! તો હવે તમને ખ્યાલ આવ્યો હશે કે ભોજા ભગતે ઉપરની જે લોકકથા લખી તેમાં કીડીબાઈની જાનમાં કીડીબાઈનાં લગ્ન લેતી વખતે પ્રાણીજગતના તમામે તમામને યાદ કરાય છે. પરસ્પર દુશ્મન હોય તેવા બિલાડી-ઉંદરને પણ યાદ કરાય છે.

      ડબલ્યુ સમરસેટ મોમે વર્ષ 1921માં ‘ધ સર્કલ’ નામનું પુસ્તક લખેલું. તેમાં પશ્ચિમી સમાજમાં જે નિઃસંગની અને લગ્નમાં બેવફાઈ આવી ગઈ છે તે વિશે ટકોર કરેલી કે આપણા લોકો ઝટપટ ‘પ્રેમ’ થયો કહી ભાગડ-ભૂતડ રીતે લગ્ન કરી લે છે. ઉતાવળે લગ્ન કરી નિરાંતે પસ્તાય છે. પણ તમે એશિયાના લોકો અને હિન્દુસ્તાનના લોકો જુઓ. એ લોકો ઉતાવળે ઉતાવળે લગ્ન કરતા નથી. ચૂપચાપ લગ્ન કરતા નથી. તમારાં લગ્નોમાં આખું ગામ હિસ્સો લે છે. દૂર દૂરનાં સગાંને બોલાવાય છે. ઘણાં લગ્નોનો ઉત્સવ તો મહિના સુધી ચાલે છે…

      માંડવરે રે કાંઈ ઢાળોનો બાજોઠી
      કે ફરતી મેલો ને કંકાવટી કે
      આજ મારે લખવી છે કંકોતરી

      માંડવો બંધાય તેનુંય મુહૂર્ત હોય. કન્યા-વર અગ્નિની સાક્ષીએ લગ્ન કરવાનાં હોય તે લગ્નવેદીની માટી લેવા ગામની કુંવારિકાઓ ગાતી ગાતી માટી લાવે છે. અરે, સુતારને ત્યાંથી માણેકસ્તંભ લાવવાનો હોય તેનું પણ મુહૂર્ત જોવાય. એને બદલે પશ્ચિમને વાદે વાદે આપણે પણ શું કરીએ છીએ? તમે જાણો છો. લગ્ન જિંદગીનો લહાવો છે. તે લહાવો લો અને બીજાને આપો. સમરસેટ મોમે જોકે કહેલું કે હિન્દુસ્તાનના લોકો પણ પ્રેમ કરે છે અને પ્રેમ થયા પછી ઝટપટ લગ્ન કરતા નથી. બંને પક્ષવાળા મંજૂર કરે પછી લગ્ન કરે છે. અને પછી કન્યાનો બાપ ના પાડે તો? તો શું થાય છે? ‘ન પરણેલા લોકો વચ્ચે જે લગ્નમાં બંધન થવાનું હોય છે તેના કરતાં ન પરણે ત્યારે જે સૂક્ષ્મ રીતે આંતરિક બંધન હોય છે તે અમર રહે છે. જે બંધન એકબીજાને પીડતું નથી. પોતે જ પ્રેમથી પીડાતું રહે છે.’ સાચું? તમારો શું અનુભવ છે?

      હવે આપણે જો ભોજા ભગતના લોકગીતનું ઓશિંગણ લઈને આ અણમોલ વિષયની ચર્ચા ઉપાડી છે તે ભોજા ભગતને જાણીએ અને તે માટે લોકકથા લેખક મનસુખભાઈ સાવલિયાએ ‘ગુજરાતી વિશ્વકોશ’માં અજોડ લેખ લખ્યો છે. તેની દૃષ્ટિથી પણ ભોજા ભગતને જાણીએ.

      ભોજા ભગતનાં લોકગીત કે ભક્તિગીત કે તેમનાં વચનોમાં પરમતત્ત્વનું બળ છે કારણ કે ભોજા કરશન સાવલિયા એ ભલે લેઉવા પટેલ હોય પણ કશાક વધુ પડતા ભક્તિ અને ધર્મનાં જીન્સ લઈને 1785માં દેવકીગીલોલ ગામે માતા ગંગાબાઈને પેટે જન્મેલા. બાર વર્ષની ઉંમર સુધી કોણ જાણે તે અનાજ લેતા નહીં. બાજરાના રોટલા સામે જુએ નહીં. તે માત્ર ગાયનું દૂધ જ પીતા. તેથી મનસુખભાઈ સાવલિયાના (જેની સાતમી પેઢીએ ભોજા ભગત સગા થાય છે.) કહેવા મુજબ તે ‘દૂધાધારી બાળયોગી’ કહેવાતા. મારે ગામ ઝાંઝમેરમાં ગિરનાર કે હિમાલય કે ઋષિકેશથી તપસ્વી બાબા આવતા તેમાંના 99 ટકા દૂધ ઉપર જ રહેતા. ગિરનારના બાવાઓ જાણતા કે સૌરાષ્ટ્રના ગામડાના લોકો શ્રદ્ધાળુ હોય છે અને બાવાઓને શ્રદ્ધાથી જુએ છે. પાળે છે, પોષે છે. એટલે જ ગિરનારથી રખડતા રખડતા રામેતવન નામના યોગી ભોજા ભગતના ગામ દેવકીગીલોલ આવ્યા. ભોજાને તેણે આશીર્વાદ આપવા સાથે માથે હાથ મૂકી શક્તિપાત કર્યો.

      ખરેખર આ શક્તિપાતની વાત સૌરાષ્ટ્રમાં તો સેંકડો વર્ષથી બાવાઓ કરતા આવ્યા છે. તે પછી જ મુક્તાનંદ સ્વામી મહેશ યોગી, રાજર્ષિ મુનિ અને રજનીશે તે વાટ પકડી છે. રામેતવન મુનિના શક્તિપાત થકી કહેવાય છે કે, ભોજાની કુંડલિની જાગ્રત થઈ. તે પછી જ તેમણે અનાજ લીધું અને રામેતવનબાપુએ ભાવિ ભાખ્યું કે આ બાળક મહાન ભગત, યોગી અને કવિ થશે. આ કથન સાચું પડ્યું. કોણ જાણે ઈશ્વર સતત સૌરાષ્ટ્રના લોકનું ધીંગાપણું ચકાસવા માગે છે. પણ ભગવાનને ભાન નથી કે સૌરાષ્ટ્રના માણહને દુકાળથી ભાંગવો પણ મુશ્કેલ છે. તે દુષ્કાળને ગાંઠતો નથી. દુષ્કાળ પોતે થાકી જાય તેટલી હદે અમે દુષ્કાળને પચાવીએ છીએ. મેં મનસુખ સાવલિયાને પૂછ્યું કે એક બાજુ આ બધા પટેલો પછી તે લેઉવા હોય કે કોઈપણ પેટા જ્ઞાતિના પટેલ હોય તેનામાં ઊંડે ઊંડે આધ્યાત્મિકતાનાં બીજ કેમ હોય છે? અને મોટે ભાગે તે પ્રેમાળ હોય છે. પરગજુ હોય છે. તેનું રહસ્ય શું છે?

      તો સાવલિયાએ કહ્યું કે આખરે તો તે ધરતીપુત્ર છે અને ધરતીને માતા ગણીએ તો આ લેઉવા કે કડવા કે મીઠા પટેલો ધરતી ઉર્ફે ભગવાનને સૌથી વહાલા છે. ધરતીપુત્ર એટલે માત્ર કહેવા પૂરતા નથી. મને બરાબર યાદ છે કે મારા ગામમાં સતત બીજો દુષ્કાળ પડ્યો ત્યારે પાંચા પટેલ તેના સૂકા ખેતરમાં આંટા મારતા હતા તે જોઈ મેં પૂછ્યું, ‘દાદા’ કેમ આ કોરા ખેતરમાં આંટા મારો છો?’ તો કહે, ‘બચુડા’ જો આ ખેતરની હું ભાળ કાઢવા ન આવું તો ખેતરને ખોટું લાગે કે ‘મારો બેટો ખેતર લીલુંછમ હોય ત્યારે આવે છે અને સૂકું હોય ત્યારે ભૂલી જાય છે. એટલે હું અહીં આવું છું.’

      કીડીબાઈના લોકગીતને છેવાડે ભોજા ભકતે લખ્યું છે કે ‘કઈ કીડીની અને કોની જાન છે રે, સંતો કરજો વિચાર. ભોજા ભગતની વિનંતી… ‘હે સમજો ચતુર સુજાણ.’ તો આપણને ઉપરના લોકગીતમાં ભોજા ભગત શું બોધપાઠ આપવા માગે છે? મનસુખભાઈએ લાંબો જવાબ આપ્યો. પણ સાર એ છે કે કીડીરૂપી જીવાત્મા કે માનવે આખું જીવન પરમાત્મા તરફ જવાનું છે એટલે કે બધા જ મદમોહ ત્યાગીને પોતે ઈશ્વરસ્વરૂપ બનવાનું છે. તે યાત્રામાં તેણે અનેક જીવોને સાથે લેવાના હોય છે. કેટલાક સારા હોય કે નઠારા પણ હોય. એ નઠારાને પોતાના ભોળપણથી સારા કરીને, અહંકાર ત્યજીને, ચંચળતા છોડીને તેણે માનવપ્રેમી બનવાનું છે. જો ભોજા ભગતની ફિલસૂફીને વધુ ઊંચે જાણનાર કોઈ વિદ્વાન વાચક હોય તો છેલ્લે યાદ રાખે કે આખી જિંદગી સગપણોનું આખું સરઘસ છોડીને સંગમાંથી નિઃસંગ થવાનું છે.

  8. કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
    ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
    હાલો ને કીડીબાઇની જાનમાં….ખુબ ગમ્યું જુનુ ભજન..!!

  9. સમજવા જેવુ છે.

    “રાખના રમકડા, મારા રામે રમતા રાખ્યા રે ..”

    જય શ્ર ક્રિશ્ણ!
    સુરેશ વ્યાસ

  10. જયશ્રીબેન,

    સ્વર ૧૦૦% પ્રફુલભાઈનો જ છે.

  11. ખજૂરો.ભુઁડ પોપટ,મઁકોડો,મીનીબાઇ,કૂતરા,ઘોડો,કાકીડો,
    ઊઁટ,ગધેડો ,ઊઁદર,દેડકો,વાઁદરો…..માણસ બાકી ?
    કઇ કીડી? કઇ જાન ?ચતુર કરજો વિચાર !!હાલો ને…
    આભાર બહેના !અમિતભાઇનો પણ !ગાયકો સુધ્ધાઁ !

  12. Hi Jayshreeben..
    This one really outstanding, awesome, melodious, evergreen..
    Regards
    Rajesh Vyas
    Chennai

  13. Hi Jayshreeben…

    outstanding number this is…. hahahaha…

    I really like it…

    regards
    Rajesh Vyas
    Chennai

  14. કઇ કીડીની કોની જાન છે રે, સંતો કરજો વિચાર
    ભોજા ભગતની વિનતી…હે સમજો ચતુર સુજાણ
    હાલો ને કીડીબાઇની જાનમાં….
    This is so very symbolic, enjoyable and easily put. Kudos to Bhoja Bhagat for his simplicity of expressions. I really like it and it is one of my favourites.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *