Category Archives: પ્રણવ પંડ્યા

ભલા માણસ – પ્રણવ પંડ્યા

શું કરવાને પીડાવાનું? શું કરવો ગમ ભલા માણસ,
સતત અંધારપટ પણ ક્યાં રહે કાયમ ભલા માણસ.

હવે નાહક જુએ છે અધખૂલેલી બારીઓ પાછળ,
તને તાકી રહ્યું એ છે ભ્રમ ભલા માણસ.

દીવાલો સાવ પોલી છે, કદી પડઘો નહીં પાડે,
કરી દે બંધ તારા સ્નેહની સરગમ ભલા માણસ.

ઘણી છે વાટ નાની ને દીવે દિવેલ પણ ઓછું,
ને તારા ભાગ્યમાં છે મેઘની મોસમ ભલા માણસ.

તું પ્રગટાવીને પોતાને ઉજાળી દે દિશા સઘળી,
તને વધતી જતી વેદનાના સમ ભલા માણસ.

– પ્રણવ પંડ્યા

કવિતાથી વધુ કંઈ નહીં – પ્રણવ પંડ્યા

આજે – ૧૬ ફેબ્રુઆરીના દિવસે – કવિ શ્રી પ્રણવ પંડ્યાને – પૂજ્ય શ્રી મોરારીબાપુના હસ્તે – રાવજી પટેલ યુવા સાહિત્ય પ્રતિભા એવોર્ડ એનાયત થઇ રહ્યો છે. પ્રણવભાઇને ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે માણીએ એમની આ મઝાની ગઝલ – એમના તાજેતરમાં પ્રસિધ્ધ કવિતા સંગ્રહ – ‘કવિતાથી વધુ કંઈ નહીં’ ની ટાઇટલ ગઝલ..!!

kavitathi vadhu

કશુંય ના કવિતા સમ, કવિતાથી વધુ કંઈ નહીં
કવિતાના જ ખાઉ સમ, કવિતાથી વધુ કંઈ નહીં

ખીલે એ પાનખરમાં ને વસંતે થાય વૈરાગી
નરી નિત મ્હેંકતી મોસમ, કવિતાથી વધુ કંઈ નહીં

કવિતા એટલે કાગળમાં માનવતાના હસ્તાક્ષર
તપાસો સત્વ, રજ ને તમ, કવિતાથી વધુ કંઈ નહીં

કદી એકાંત અજવાળે, કદી આ આંસુઓ ખાળે
બનાવે શ્વાસને ફોરમ, કવિતાથી વધુ કંઈ નહીં

વણ્યું ચરખે કબીરે એ કે એણે ગણગણ્યું’તું એ?
કહો મોંઘું ક્યું રેશમ? કવિતાથી વધુ કંઈ નહીં

થશે ઝાંખા શિલાલેખો કે તૂટશે કોટના ગુંબજ
હશે પરભાતિયા કાયમ, કવિતાથી વધુ કંઈ નહીં

– પ્રણવ પંડ્યા