Category Archives: પ્રજારામ રાવળ

આ અંધકાર શો મ્હેકે છે ! – પ્રજારામ રાવળ

આ અંધકાર શો મ્હેકે છે !

શું કોઇ પદમણી નારીએ નિજ કેશ ઉઘાડા મૂક્યા છે!
ને શોભાથી વિસ્મિત વિસ્મિત નભથી શું તારા ઝૂક્યા છે!
ઘટા સઘન ઘનશ્યામ નિહાળી મયૂર મનમાં ગ્હેકે છે!

અહો, વહે શી હળવે હળવે સુરભિ મગન મન ભરી દઇ!
દિગ્દિગંતમાં, – બસ અનંતમાં સરી જાય ઊર હરી લઇ!
અંધકારના મસૃણ હૃદયથી નિગૂઢ બુલબુલ ચ્હેકે છે!

સ્વચ્છ, સુભગ મધરાત વિશે, આ કાલ તણું ઉર શાંત અહો!
મધુર મૌનથી સભર શરદનું નીલમ આ એકાન્ત અહો!
પૃથિવી કેરું પારિજાત શું ફુલ્લ પ્રફુલ્લિત બ્હેકે છે!

– પ્રજારામ રાવળ

મોર ટહુકે.. – પ્રજારામ રાવળ

આ આવી ભીની જ હવા લહરી,
ઓ ધૂળ તણી ઘૂમરે ડમરી,
બદલાઈ ગઈ જ હવા સઘળી,
આ ચિહ્ન પ્રગટ સૌ વર્ષાનાં !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

હે આવ સઘન ઘનશામળિયા,
હો આવ મીઠા મન-મેહુલિયા,
તું આવ ધરાના નાવલિયા,
બહુ દિન વીત્યા છ નિરાશાના!
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

રે, ભાંભરતી ગાયો તરસે,
કૂવાનાં જળ તળને સ્પરશે,
નહીં પ્રાણ ટકે, જો ના વરસે,
અવલંબન એક જ તરસ્યાનાં !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

હે આવ, ભરી સઘળુંય ગગન,
લઈ સ્નિગ્ધ ગંભીર મીઠાં ગર્જન,
ને તુજ કેવલ અમીનાં વર્ષણ,
અયિ પંડિત મૌનની ભાષાના !
ઘન ગગડે દૂર ગગન મહીં,
ને મોર ટહુકે આશાના !

– પ્રજારામ રાવળ