Category Archives: રમણલાલ સોની

ખદુક, ઘોડા, ખદુક ! – રમણલાલ સોની

ખદુક, ઘોડા, ખદુક !
ખદુક, ઘોડા, ખદુક !

ઘોડો મારો સાતપાંખાળો ઊડતો ચાલે કેવો,
કેડી નહિ ત્યાં કેડી પાડે જળજંગલમાં એવો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

એક કહેતામાં અમદાવાદ ને બે કહેતામાં બમ્બઈ,
ત્રણ કહેતામાં ઘેરે પાછો આવે ખબરું લઈ !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

માગે એ ના ખાવું પીવું, માગે એ ના ચારો,
હુકમ કરો ને કરો સવારી, પળનો નહીં ઉધારો !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

જાય ટપી એ ખેતરપાદર, જાય ટપી એ ડુંગર,
માન ઘણું અસવાર તણું જે રાજાનો છે કુંવર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

ઓળખી લો આ ઘોડાને, ને ઓળખી લો અસવાર,
જાઓ ઊપડી દેશ જીતવા, આજે છે દિત વાર !
ખદુક, ઘોડા, ખદુક ! ખદુક, ઘોડા, ખદુક !

-રમણલાલ સોની

(આભાર – લયસ્તરો)

સિંહની પરોણાગત – રમણલાલ સોની

 

ગુજરાતી પાઠ્યપુસ્તકમાં ભણેલા આ વાર્તા-ગીત… આ બાળગીતના કવિ – શ્રી રમણલાલ સોનીનો આજે જન્મદિવસ.. (25 – જાન્યુઆરી , 1908). આ ગીત અમે નિશાળમાં ગાતા એવું યાદ છે.. (એટલે કે શિક્ષક ગવડાવતા..). પણ ઘણા વર્ષોથી એની કોઇ ઓડિયો મારા ધ્યાનમાં નથી આવી. તમને ખ્યાલ હોય તો મદદ કરશો? ટહુકાના બાળમિત્રો – અને આપણા બધાની અંદરના બાળકને આ ગીત વાંચવા સાથે સાંભળવા પણ મળે તો વધુ મઝા આવશે એવું નથી લાગતું? (રીંછ અને સિંહનો એકસાથે કોઇ સારો ફોટો તમારા કેમેરામાં કેદ થયો હોય, તો એ પણ અમારી સાથે વહેંચશો તો ગમશે…! 🙂 )

અને મારી ફોટાની ફરમાઇશ પૂરી કરી ભૂમિએ.. (ત્રણ ફોટા ભેગા કરીને…) આભાર ભૂમિ..! ખરેખર મઝાનો ફોટો બન્યો છે. સિંહ અચાનક સામે આવતા રિંછ જાણે બે પગે ઉભુ થઇને સલામ કરતુ હોય એવું લાગે..!! 🙂

(photo mixing by Bhumi… Click here for original pictures – 1, 2, 3)

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા રે, આફત આવી મોટી.

ઝૂકી ઝૂકી ભરી સલામો, બોલ્યું મીઠાં વેણ :
‘મારે ઘેર પધારો, રાણા ! રાખો મારું કહેણ.

હાડચામડાં બહુ બહુ ચૂંથ્યાં, ચાખોજી મધ મીઠું;
નોતરું દેવા ખોળું તમને, આજે મુખડું દીઠું !’

રીંછ જાય છે આગળ, એના પગ ધબધબ,
સિંહ જાય છે પાછળ, એની જીભ લબલબ.

‘ઘર આ મારું, જમો સુખેથી, મઘથી લૂમેલૂમ’
ખાવા જાતાં રાણાજીએ પાડી બૂમેબૂમ !

મધપૂડાનું વન હતું એ, નહીં માખોનો પાર;
બટકું પૂડો ખાવા જાતાં વળગી લારોલાર !

આંખે, મોઢે, જીભે, હોઠે ડંખ ઘણેરા લાગ્યા;
‘ખાધો બાપ રે !’ કરતાં ત્યાંથી વનરાજા તો ભાગ્યા.

રીંછ એકલું ફરવા ચાલ્યું, હાથમાં લીધી સોટી;
સામે રાણા સિંહ મળ્યા’તા, આફત ટાળી મોટી !