Category Archives: વિશનજી નાગડા

પુરુષોત્તમ પર્વ ૪ : શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં? – વિશનજી નાગડા

આજે કવિ-સ્વરકાર અને ગુજરાતી સંગીતમાં જેઓ હંમેશા ધબકતા રહેશે એવો વ્હાલા શ્રી અવિનાશ વ્યાસને એમની પુણ્યતિથિ એ હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી..!!

અખૂટ શ્રધ્ધાના પ્રતિક સમી શબરીની વાતને કવિએ અહીં ખૂબ જ અસરકારક રીતે રજુ કરી છે.. અને આ ચોટદાર શબ્દોમાં જાદુ રેડ્યો છે પુરુષોત્તમ ઉપાધ્યાયના સ્વર-સંગીતે..!!

સ્વર – સંગીત : પુરુષોત્તમ ઉપાધ્યાય

.

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?
એણે જીભે રાખ્યા’તા રામને !
એક પછી એક બોર ચાખવાનું
નામ લઇ અંદરથી ચાખ્યા’તા રામને,

શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

બોર બોર ચૂંટતા કાંટાળી બોરડીના
કાંટા જરૂર એને વાગ્યા હશે,
લાલ લાલ લોહીના ટશિયા ફૂટીને પછી,
એક એક બોરને લાગ્યા હશે.

આંગળીથી બોર એણે ચૂંટ્યા’તા ક્યાં?
લાલ ટેરવેથી પૂજ્યા’તા રામને,
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

રોમ રોમ રાહ જોતી આંખો બિછાવીને,
કેટલીયે વાર એણે તાકી હશે ?
રામરામ રાત દિ’ કરતાં રટણ,
ક્યાંક આખરે તો જીભ એની થાકી હશે?

હોઠેથી રામ એણે સમર્યા’તા ક્યાં?
ઠેઠ તળિયેથી ઝંખ્યા’તા રામને.
શબરીએ બોર કદી ચાખ્યા’તા ક્યાં?

– વિશનજી નાગડા