Category Archives: પ્રદ્યુમ્ન તન્ના

પ્રદ્યુમ્ન તન્ના શ્રેણીમાંના બધા પોસ્ટ (કક્કાવાર). સંપૂર્ણ પોસ્ટ માટે ક્લીક કરો.

પ્હેલો વરસાદ - પ્રદ્યુમ્ન તન્ના
બહુયે ચહું રે – પ્રદ્યુમ્ન તન્ના
વાલ્યમના અઢળક વ્હાલને... - પ્રદ્યુમ્ન તન્નાબહુયે ચહું રે – પ્રદ્યુમ્ન તન્ના

કૂંડળિયા કૂવાનાં પાણીડાં જાતી’તી....

કૂંડળિયા કૂવાનાં પાણીડાં જાતી’તી…. Picture: http://www.dollsofindia.com/

બહુયે ચહું રે તોય ક્યમ કરી કહું
મારો ફફડે છે જીવ ઘણો રાંકડો !
હાં કે સૈયર લાગ્યો રે –
રે લાગ્યો અણિયાળી આંખ્યુનો આંકડો !

કૂંડળિયા કૂવાનાં પાણીડાં જાતી’તી
આડો ઊતર્યો ઓલ્યો ફાંકડો,
આઘીપાછી તે જરી થાવા નો પામી કે
મારગડો હતો સાવ સાંકડો.

ચસચસતો ચોરણો, કોરુંમોરું કેડિયું
સાફલિયો બાંધ્યો સહેજ વાંકડો,
આંટી પાડીને ઊભા છોગાળા છેલની
કડ્યનો લાજી દેખી લાંકડો.

ના ઝાલી બાંયજી કે ના ઝાલ્યો છેડલો
ના માર્યો વ્હાલે એ કાંકરો,
આઘેથી આવડલી આંખ્યના ઉલાળે રે
ચિત્તનો ઘુમાવી ગિયો ચાકડો.

વાલ્યમના અઢળક વ્હાલને… – પ્રદ્યુમ્ન તન્ના

૩૦ ઓગસ્ટના દિવસે આપણે વચ્ચેથી ચિરવિદાય લઇ ગયેલા કવિ શ્રી પ્રદ્યુમ્ન તન્ના ને ટહુકોના સૌ વાચકો તરફથી શ્રધ્ધાંજલી..! પ્રભુ એમના આત્માને શાંતી અર્પે એવી પ્રાથના.

(કે’ને વાલ્યમ….    Photo: DollsofIndia.com)

* * * * * * *

કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું?

આવરી લીધો રે મારા ચિતનો ચંદરવો
એણે આવરી લીધાં રે મારા ચેન
દા’ડીને રેણ હવે દેખે ન કાંઇ બીજું
તારી રમણામાં રચ્યાં નેણ
અંજવાળે અરુંપરું રે’તાં બીડાઇ એને
રેશમ અંધારે ગમે ખૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? ….

રાખું રાખું ને બંધ આપસમાં એવી તોય
ગુસપુસ તે શીય કરી ગોઠ,
વારે વારે ને વળી અમથાં અમથાંયે હવે
મરકી રિયે છે બેઉ ઓઠ,
રોમ રોમ અણજાણ્યા ઊઠતા હુલાસને
હાલર હિંદોલ મારે ઝૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? …

ઊભરતી એષણાના ઓઘ પરે ઓઘ લઇ
આવ્ય મારા આઠાઢી મેહ,
કુંળી આ કાયાના કણકણમાં રોપી દે
લીલો કુંજાર તારો નેહ,
અતલ ઊંડાણ થકી આનંદના આવ્ય
એક તારું સરૂપ નવું હૂલવું !
કે’ને વાલ્યમ તારા અઢળક આ વ્હાલને
હાયે કઇ પેર હું તે મૂલવું? ….

– પ્રદ્યુમ્ન તન્ના

પ્હેલો વરસાદ – પ્રદ્યુમ્ન તન્ના

મોસમના પહેલા વરસાદની મઝા કોણે ના લીધી હોય? અને બાળપણમાં તો એ મઝા જાણે બેવડી નો’તી લાગતી? આખા ઉનાળાના વેકેશનની બધ્ધી જ બપોર ક્યાં તો પોતાના કે કોઇ મિત્રના ઘરે કે ઓટલા પર જ ગાળવાની હોય…! અને એ ગરમી અને એના બંધનમાંથી છુટ્ટી આપતો મોસમનો પહેલો વરસાદ જ્યારે વરસે… આ હા હા… જલસો જ કહેવાય ને?

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી,
મા ! જાવા દે જરી.

ચારેકોર ઊભરતા હાલક હિલોળ મહીં
ઝબકોળાં થોડાંઘણાં થાવા દે જરી.
મા ! થાવા દે જરી.

કેમ આજે રે’વાશે ઘરમાં ગોંધાઈ,
કેમ બારી ને બા’ર કીધાં બન્ધ ?
ઝાલ્યો ઝલાય નહીં જીવ કેવાં કે’ણ લઈ
આવી મત્ત માટીની ગન્ધ !

ફળિયાને લીમડે ગ્હેંકતા મયૂર સંગ
મોકળે ગળે તે ગીત ગાવા દે જરી,
મા ! ગાવા દે જરી.

ચાહે ઘણુંય તોય રે’શે ના આજ કશું
તસુ એક હવે ક્યહીં કોરું,
જળે ભર્યા વાદળાંના ઝુંડ પર ઝુંડ લઈ
ઝૂક્યું અંકાશ જ્યહીં ઓરું :

ઝડીયુંની જોરદાર જામી આ રમઝટમાં
થઈએ તરબોળ એવું ના’વા દે જરી,
મા ! ના’વા દે જરી.

ક્યારની તે જોતાં’તાં વાટ એવા મોસમના
પ્હેલા વરસાદમાં જાવા દે જરી
મા ! જાવા દે જરી.