Category Archives: પુષ્પા મહેતા ( પારેખ )

ભીતરે – પુષ્પા મહેતા ( પારેખ )

રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે
ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે

સ્વપ્નમાં સાચી પરી આવે પછી
રોજ સપનાઓ તૂટે છે ભીતરે

ગાર-માટીના લીંપણ શોભાવતા
ટેરવાં ઓકળ ધૂટેં છે ભીતરે

એક ટીપું અશ્રુનું ટપક્યું અને
બંધ દરિયાના છૂટે છે ભીતરે

મુખે ઉપર તો હાસ્યનો પમરાટને
રક્તના ટશિયા ફૂટે છે ભીતરે

જીવતરમાં શું વધ્યું છે શેષમાં
એ પલાખા મન ઘૂંટે છે ભીતરે

સાંજ – પુષ્પા મહેતા (પારેખ)

સાંજ જ્યારે સાંજ સ્થાપી જાય છે
કોઇ ત્યારે યાદ આવી જાય છે

રાત ઢળતા એક પડછાયો મળે
એ પછી ચોમેર વ્યાપી જાય છે

છુંદણાંમાં કોણ પીડા આપતું
એ વિચારે દર્દ ભાગી જાય છે

છાંટણાં વરસાદના સ્પર્શી જતાં
રોમ સૌ ધરતીના જાગી જાય છે

હું અહ્રર્નિશ યાદનું છું તાપણું
કોઇ આવી રોજ તાપી જાય છે

રોજ હું વાવી રહી સંબંધને
રોજ આવી કોણ કાપી જાય છે