રોજ એક કૂંપળ ફૂટે છે ભીતરે
ફૂલ શી ફોરમ ઉઠે છે ભીતરે
સ્વપ્નમાં સાચી પરી આવે પછી
રોજ સપનાઓ તૂટે છે ભીતરે
ગાર-માટીના લીંપણ શોભાવતા
ટેરવાં ઓકળ ધૂટેં છે ભીતરે
એક ટીપું અશ્રુનું ટપક્યું અને
બંધ દરિયાના છૂટે છે ભીતરે
મુખે ઉપર તો હાસ્યનો પમરાટને
રક્તના ટશિયા ફૂટે છે ભીતરે
જીવતરમાં શું વધ્યું છે શેષમાં
એ પલાખા મન ઘૂંટે છે ભીતરે