Category Archives: નિર્મિશ ઠાકર

નાપાસ વિધાર્થીઓને ! – નિર્મિશ ઠાકર

ભણવા-ગણવામાં ભલે વરતે કાળો કેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

ગણિતમાં ગરબડ ઘણી, ભાષા મત ખંખોળ,
ભૂગોળમાં ફરતું દીસે, જગ આખુંએ ગોળ,
યુધ્ધ ઘણાં ઇતિહાસમાં, મનમાં કાગારોળ,
હીંડે ક્યમ ભણતર તણું ગાડું ડામાડોળ.

ભણતર સાથે આપણે સાત જનમનાં વેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

રંજ ન કરવો જ્ઞામાં ગુમાવતાં બહુ સત્ર,
બોચી દુખશે ઓઢતાં જ્ઞાન તણાં શિરછત્ર,
સ્નાતકને તક ને નહિ અત્ર-તત્ર-સર્વત્ર,
લઇને કરશો શું કહો અમથાં પ્રમાણપત્ર?

જીવતરમાં તમ હસ્તીથી આમ ન ઘોળો ઝેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

જ્ઞાનપિપાસુ – બોચિયા રાતરાતભર રોય,
થોથાં સતત ઉથામતાં પંડિત ભયા ન કોય,
રેખા સહ અમિતાભની ફિલ્મ પ્રણયમય જોય?
ઢાઇ અક્ષર પ્રેમ કો પઢે સો પંડિત હોય.

ફિલ્મ નિહાળો બ્લેકની ટિકિટ લઇ વટભેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

અભણ ઊડે અહીં પ્લેનમાં, પંડિત કાપે ઘાસ,
સફળ-વિફળ કૈં છે નહિ, જીવતર છે જ્યાં ભાસ,
ચિત્રગુપ્તને ચોપડે માત્ર થશે એ પાસ,
જે થૈ મસ્ત જીવે જગે, પામે વૈકુંઠવાસ;

બાપા બબડે એ સમે ગણવો દ્રષ્ટિ ફેર !
અડગ રહી, આનંદથી કરવી લીલ્લાલ્હેર !

———————-
આ કવિતા વાંચીને મને નીચે લખેલું એક હિન્દી હાસ્યકાવ્ય યાદ આવ્યું, તો મને થયું કે એ પણ વહેંચું તમારી સાથે… ઘણા વર્ષો પહેલા દૂરદર્શન પર દર વર્ષે હોળીના દિવસે હાસ્ય કવિ સંમેલન પ્રસારિત થતું – એમાં કોઇક કવિએ કહેલી એક કવિતાનો આ અંશ છે.. એમની કવિતામાં बाबर हुंयामुं अकबर शाहजहां… कौन किसका बेटा न-जाने, कौन किसका बाप था…. એવું પણ કંઇક હતું.. પણ એ કડી આખી યાદ નથી આવતી… નીચે લખ્યું છે એ પણ યાદશક્તિના જોરે જ લખ્યું છે.. થોડા શબ્દો આમ-તેમ થયા હોય એવું બને ય ખરું..!!

(Photograph : Webshots)

* * * * *

भूगोलमें गत वर्ष आया, गोल है कैसे धरा?
और हमनें एक पलमें लिख दीया उत्तर खडा

गोल है पूरी कचोरी और पापड गोल है
गोल रसगुल्ला जलेबी, गोल लड्डु गोल है
गोलगप्पा गोल है, मूंह थी हमारा गोल है,
इसलिये, हे मास्टरजी… ये धरा भी गोल है.

झूम उठे मास्टरजी इस अनोखे ज्ञान से,
और पर्चे पर उन्होंने लिख दिया ये शान से,
ठीक है बेटा, हमारी लेखनीभी गोल है…
और परिक्षामें तुम्हारा नंबर भी गोल है….

મને હું અજય ને અભય ચીતરું છું – નિર્મિશ ઠાકર

સવારે સવારે હ્રદય ચીંતરું છું,
નર્યા ઝાકળોનો જ લય ચીતરું છું.

હતી સાંજ તે અસ્ત પામી, હવે ત્યા.
નવો સૂર્ય છે તો હ્રદય ચીતરું છું.

જડી આખરે એક પીંછી ક્ષણોની,
હતી કલ્પના, તે સમય ચીતરું છું.

નવાં સર્જનોનાં જ એંધાણ છે આ,
હજી એકધારા પ્રલય ચીતરું છું.

લઘુતા તણી ફ્રેમ માગી નથી મેં,
મને હું અજય ને અભય ચીતરું છું.

ભાષા નથી તો શું છે? – નિર્મિશ ઠાકર

દ્રશ્યોમાં એકધારી, ભાષા નથી તો શું છે?
ખુલ્લી રહેલ બારી, ભાષા નથી તો શું છે?

ભીના ભરેલ ભાવે સોંદર્ય થઇ ગયેલી –
ફૂલો ભરેલ ક્યારી, ભાષા નથી તો શું છે?

કાળી સડક પરે જે પ્રસ્વેદથી લખાતી
મઝદૂર-થાક-લારી, ભાષા નથી તો શું છે?

ડૂબી શકે બધુંયે જેની હ્રદયલિપિમાં
અશ્રુસમેત નારી, ભાષા નથી તો શું છે?

ફૂટપાથની પથારી, ભૂખ્યું સૂતેલ બાળક
ખામોશ સૌ અટારી, ભાષા નથી તો શું છે?

જૂના જ શબ્દમાં કૈ પ્રગટાવજો અપૂર્વ
એ માગણી તમારી, ભાષા નથી તો શું છે?

એના હ્રદય મહીં જે અનુવાદ થઇ શકી ના
આ વેદના અમારી, ભાષા નથી તો શું છે?