Category Archives: દિલીપ જોશી

સુખ – દિલીપ જોશી

(સુખ તો…..જાણે પાંદડા ઉપર પાણી……)

સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.
ઉક્કેલવી એ કેમ કરી આ પરપોટાની વાણી ?

આંખ ખોલું તો મોસૂઝણું
ને આંખ મીંચું તો રાત
ખૂલવા ને મીંચવા વચ્ચે
આપણી છે ઠકરાત

પળમાં પ્રગટે ઝરણાં જેવી કોઈની રામકહાણી.
સુખ તો એવું લાગતું જાણે પાંદડા ઉપર પાણી.

ટહુકો નભમાં છલકી ઊઠે
એટલો હો કલરવ
સાંજનો કૂણા ઘાસ ઉપર
પથરાયો પગરવ

લીંપણ કોઈ ગાર-માટીનું સહુને લેતું તાણી.

-દિલીપ જોશી

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ – દિલીપ જોશી

rain.jpg

આંખ સામે હમસફર વરસાદ હોવો જોઇએ,
થઇ ટકોરો દ્રાર પર વરસાદ હોવો જોઇએ.

વક્ત હો હિલ્લોળતો પંખી સમો નીડે, નભે,
કાં પછી એના વગર વરસાદ હોવો જોઇએ.

ભાગ્ય જો પલ્ટી શકાતું હોત તો કહેતો ફરું,
પાનખરથી પાનખર વરસાદ હોવો જોઇએ.

ભીડ જેવું કૈ કળાતું કાં નથી રસ્તા ઉપર?
હર ગલી, ઘરઘર, નગર, વરસાદ હોવો જોઇએ.

સાવ ખુલ્લું આભ છે ને તો ય એકલ સાંજ છે,
આજ પણ તારા ઉપર વરસાદ હોવો જોઇએ.

કોઇ ભટકે છે અચાનક એક ટીપું ઝીલતાં
એ ખબરથી બે-ખબર વરસાદ હોવો જોઇએ.

– દિલીપ જોશી

જાગે જ્યારે મધુર-મધુરાં સોણલાં આંખ વચ્ચે – દિલીપ જોશી

જાગે જ્યારે મધુર મધુરાં સોણલા આંખ વચ્ચે
ગુંજે કેવો સ્મરણપટનો તોષ એકાંત વચ્ચે

ભીની વાતો ઝરમર થતી
હોય જ્યાં એકધારી
ફૂલો જેવું મઘમઘ છકી
ઊઘડે સ્વપ્ન-બારી

પંખી આખું ગગન લઇને નીકળે શ્વાસ વચ્ચે
દ્રશ્યો લઇને ભ્રમણ કરતું
આભ ક્યાં આથમે રે?
ઝોલાં ખાતું તિમિર ચળકે
સ્હેજ દીવો રે…

સંધ્યા ઊભી શરમ-ઘૂમટાં તાણતી દ્વાર વચ્ચે
મોંઘી માયા મમત સઘળી
પાથરી પંથ સામે
પ્હોંચી જાતાં પરમ પળમાં
ઓગળી હું ય ઠામે

આઠે કોઠે સમય છલકે મહેંકતા હાથ વચ્ચે
જાગે જ્યારે મધુર-મધુરાં સોણલાં આંખ વચ્ચે

ગરબે રમવાના થયા ઓરતા રે.. – દિલીપ જોશી

સ્વર : પ્રીતિ ગજ્જર, નિગમ ઉપાધ્યાય
સંગીત : ડો. ભરત પટેલ

bhagawati_PZ44

.

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

પડવેથી પૂનમનો પંથ કેવો પાવન
જ્યાં જ્યાં નિહાળો ત્યાં માઁના હો દર્શન

આંગણિયે આંગણિયા આજ થયા ઉપવન
સોળે શણગાર સહુ શોભતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ઝળહળતી હોય ધરા ઝળહળતું અંબર
માઁને પૂછીને ઉગે સૂરજ ને ચંદર

ચોકે ચોકે રે ઝરે ઉમંગી અવસર
આઠે બ્રહ્માંડ રંગ ઘોળતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ગરબે રમવાના થયા ઓરતા રે..
આવ્યા આવ્યા માઁના નોરતા રે…

ચોકે નર-નાર સહુ ડોલતા રે…
આવ્યા આવ્યા માઁના નોરતા રે…