Category Archives: નરસિંહરાવ દિવેટિયા

કાવ્યાસ્વાદ ૯ : મંગલ મન્દિર ખોલો – નરસિંહરાવ દિવેટિયા

કાવ્યાસ્વાદ – મધુસુદન કાપડિયા

YouTube Preview Image

મંગલ મન્દિર ખોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

જીવન વન અતિ વેગે વટાવ્યું,
દ્વાર ઊભો શિશુ ભોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

તિમિર ગયું ને જ્યોતિ પ્રકાશ્યો,
શિશુને ઉરમાં લ્યો, લ્યો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

નામ મધુર તમ રટ્યો નિરન્તર,
શિશુ સહ પ્રેમે બોલો,
દયામય! મંગલ મન્દિર ખોલો!

દિવ્ય-તૃષાતુર આવ્યો બાલક,
પ્રેમ-અમીરસ ઢોળો,
દયામય! મંગલ મન્દિર ખોલો!
– નરસિંહરાવ દિવેટિયા

મધ્યરાત્રીએ કોયલ – નરસિંહરાવ દિવેટિયા

કવિતા, કુદરત અને ટહુકાના પ્રેમીઓએ વિવેકભાઇની એક કવિતા ખાસ વાંચવા જેવી છે..! નાળવિચ્છેદ.

દેશમાં ઉનાળો આવે એટલે અહીં પરદેશમાં બેઠા બેઠા જેટલી કેરીઓ યાદ આવે એટલી જ કોયલો પણ યાદ આવે. (જો કે હવે તો ચોમાસું આવવાનું થોડા દિવસમાં).

ઇન્દુલાલ ગાંધીનું પેલું ગીત – આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર… યાદ છે? એ ગીતની જેમ અહીં કવિ નરસિંહરાવ દિવેટિયા મધરાતે કોયલ સાંભળે છે…

male cuckoo

(ફરી એક વેળા બોલ… ટુહૂ !   Photo : Vivek Tailor)

* * * * * * *

શાંત આ રજની મહીં, મધુરો કહીં રવ આ ટુહૂ ?
ઝીણો પડ્યો શ્રવણે અહીં,શું હું સ્વપ્નમાં સુખ આ લહું ?
મંદ વાઈ સમીર આ દિશ જો વહે રવ એ ફરી
નહિ સ્વપ્ન એ તો ગાન પેલી ગાય કોયલ માધુરી

મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા ! શું આ ગમ્યું ?
હા, મેહુલો વરસી રહ્યો તેથીજ તુજ મનડું ભમ્યું.

દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહીં તું રેલતી,
આ રમ્ય રાત્રિ મહીં અધિક આનંદ-ગાને ખેલતી.

નીતરી ધોળી વાદળી રહી વ્યોમમાં પથરાઈ આ,
ને ચાંદની ઝીણી ફીકી વરસી રહી શી સહુ દિશા !

ગાન મીઠું અમી સમું, તેણે ભર્યું તુજ કંઠમાં,
આ શાંતિ અધિક વધારતું, તે જાય ઊભરી રંગમાં.

નગર બધું આ શાંત સૂતું, ચાંદની પણ અહીં સૂતી
ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી.

અનિલ ધીરે ભરે પગલાં, પળે શાંતિ રખે સહુ-
ત્યાં ઊછળતી આનંદ રેલે, કોકિલા બોલે-ટુહૂ !

સૃષ્ટિ સઘળી શાંત રાખી, મુજને જ જગાડતો,
ટહુકો મીઠો તુજ પવન લહરી સંગ જે બહુ લાડતો.

ગાન તુજ સીંચે હ્રદયમાં મોહની કંઈ અવનવી,
ભૂલી ભાન,તજી રમ્ય શય્યા, હઈડું દોડે તવ ભણી.

દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં,
આનંદસિંધુતરંગમાં નાચંતુ એ ઉછરંગમાં;

હા વિરમી પણ ગયો, ટહુકો હ્રદય લલચાવે બહુ,-
ફરી એક વેળા, એક વેળા, બોલ મીઠી ! ટુહૂ ટુહૂ !

– નરસિંહરાવ દિવેટિયા

—————–
અને જ્યારે ટહુકાની વાત થઇ જ રહી છે, તો એને સાંભળવાનું બાકી રખાય?

Video from  Vimeo.

પ્રેમળ જ્યોતિ તારો દાખવી – નરસિંહરાવ દિવેટિયા

.

પ્રેમળ જ્યોતિ તારો દાખવી,
મુજ જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

દૂર પડ્યો નિજ ધામથી હું,
ને ઘેરે ઘન અંધાર,
માર્ગ સૂઝે નવ ઘોર રજનિમાં,
નિજ શિશુને સંભાળ,
મારો જીવનપંથ ઉજાળ … પ્રેમળ જ્યોતિ

ડગમગતો પગ રાખ સ્થિર મુજ,
દૂર નજર છો ન જાય;
દૂર માર્ગ જોવા લોભ લગીર ન,
એક ડગલું બસ થાય,
મારે એક ડગલું બસ થાય … પ્રેમળ જ્યોતિ

આજ લગી રહ્યો ગર્વમાં હું,
ને માગી મદદ ના લગાર;
આપબળે માર્ગ જોઇને ચાલવા,
હામ ધરી મૂઢ બાળ;
હવે માગું તુજ આધાર … પ્રેમળ જ્યોતિ

ભભકભર્યા તેજથી હું લોભાયો,
ને ભય છતાં ધર્યો ગર્વ,
વીત્યાં વર્ષો ને લોપ સ્મરણશ્રી,
સ્ખલન થયાં જે સર્વ,
મારે આજ થકી નવું પર્વ … પ્રેમળ જ્યોતિ

તારા પ્રભાવે નિભાવ્યો મને પ્રભુ !
આજ લગી પ્રેમભેર,
નિશ્ચે મને તે સ્થિર પગલેથી
ચલવી પહોંચાડશે ઘેર,
દાખવી પ્રેમલ જ્યોતિની સેર … પ્રેમળ જ્યોતિ

કર્દમભૂમિ કળણ ભરેલી,
ને ગિરિવર કેરી કરાડ,
ધસમસતા જળકેરા પ્રવાહો,
સર્વ વટાવી કૃપાળ,
મને પહોંચાડશે નિજ દ્વાર … પ્રેમળ જ્યોતિ

રજનિ જશે, ને પ્રભાત ઊજળશે,
ને સ્મિત કરશે પ્રેમાળ,
દિવ્ય ગણોનાં વદન મનોહર
મારે હૃદ્ય વસ્યાં ચિરકાળ,
જે મેં ખોયા હતાં ક્ષણવાર … પ્રેમળ જ્યોતિ