કવિતા, કુદરત અને ટહુકાના પ્રેમીઓએ વિવેકભાઇની એક કવિતા ખાસ વાંચવા જેવી છે..! નાળવિચ્છેદ .
દેશમાં ઉનાળો આવે એટલે અહીં પરદેશમાં બેઠા બેઠા જેટલી કેરીઓ યાદ આવે એટલી જ કોયલો પણ યાદ આવે. (જો કે હવે તો ચોમાસું આવવાનું થોડા દિવસમાં).
ઇન્દુલાલ ગાંધીનું પેલું ગીત – આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર … યાદ છે? એ ગીતની જેમ અહીં કવિ નરસિંહરાવ દિવેટિયા મધરાતે કોયલ સાંભળે છે…
(ફરી એક વેળા બોલ… ટુહૂ ! Photo : Vivek Tailor )
* * * * * * *
શાંત આ રજની મહીં, મધુરો કહીં રવ આ ટુહૂ ?
ઝીણો પડ્યો શ્રવણે અહીં,શું હું સ્વપ્નમાં સુખ આ લહું ?
મંદ વાઈ સમીર આ દિશ જો વહે રવ એ ફરી
નહિ સ્વપ્ન એ તો ગાન પેલી ગાય કોયલ માધુરી
મધ્યરાત્રિ સમે તને અલિ કોકિલા ! શું આ ગમ્યું ?
હા, મેહુલો વરસી રહ્યો તેથીજ તુજ મનડું ભમ્યું.
દુઃખ નવ સ્વપ્ને દીઠું ને સુખ મહીં તું રેલતી,
આ રમ્ય રાત્રિ મહીં અધિક આનંદ-ગાને ખેલતી.
નીતરી ધોળી વાદળી રહી વ્યોમમાં પથરાઈ આ,
ને ચાંદની ઝીણી ફીકી વરસી રહી શી સહુ દિશા !
ગાન મીઠું અમી સમું, તેણે ભર્યું તુજ કંઠમાં,
આ શાંતિ અધિક વધારતું, તે જાય ઊભરી રંગમાં.
નગર બધું આ શાંત સૂતું, ચાંદની પણ અહીં સૂતી
ને વાદળીઓ ચપળ તે પણ આ સમે નવ જાગતી.
અનિલ ધીરે ભરે પગલાં, પળે શાંતિ રખે સહુ-
ત્યાં ઊછળતી આનંદ રેલે, કોકિલા બોલે-ટુહૂ !
સૃષ્ટિ સઘળી શાંત રાખી, મુજને જ જગાડતો,
ટહુકો મીઠો તુજ પવન લહરી સંગ જે બહુ લાડતો.
ગાન તુજ સીંચે હ્રદયમાં મોહની કંઈ અવનવી,
ભૂલી ભાન,તજી રમ્ય શય્યા, હઈડું દોડે તવ ભણી.
દોડી ખેલે મધુર તુજ ટહુકાની સંગે રંગમાં,
આનંદસિંધુતરંગમાં નાચંતુ એ ઉછરંગમાં;
હા વિરમી પણ ગયો, ટહુકો હ્રદય લલચાવે બહુ,-
ફરી એક વેળા, એક વેળા, બોલ મીઠી ! ટુહૂ ટુહૂ !
– નરસિંહરાવ દિવેટિયા
—————–
અને જ્યારે ટહુકાની વાત થઇ જ રહી છે, તો એને સાંભળવાનું બાકી રખાય?
Video from Vimeo .