Category Archives: ઇંદુલાલ ગાંધી

ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી – ઈન્દુલાલ ગાંધી

દિવાળીના દિન આવતા જાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

માથે હતું કાળી રાતનું ધાબુ
માગીતાગી કર્યો એકઠો સાબુ
કોડી વિનાની હું કેટલે આંબુ
રૂદિયામાં એમ રડતી છાની
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

લૂગડાંમાં એક સાડલો જૂનો
ઘાઘરો મેલો દાટ કે’દુનો
કમખાએ કર્યો કેવડો ગુનો
તંઈણ ત્રોફાયેલ ચીંથરાંને
કેમ ઝીંકવા તાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

ઘાઘરો પહેરે ને ઓઢણું ધૂવે
ઓઢણું પહેરે ને ઘાઘરો ધૂવે
બીતી બીતી ચારે કોર્યમાં જૂએ
એના ઉઘાડા અંગમાંથી
એનો આતમો ચૂવે

લાખ ટકાની આબરુંને
એણે સોડમાં તાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

ઊભા ઊભા કરે ઝાડવા વાતું
ચીભડાં વેંચીને પેટડાં ભરતી
ક્યાંથી મળે એને ચીંથરું ચોથું
વસ્તર વિનાની અસ્તરી જાતને હાટું
આ પડી જતી નથી કેમ મોલાતું?
શિયાળવાની વછૂટતી વાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

અંગે અંગે આવ્યું ટાઢનું તેડું
કેમ થાવું એને ઝૂંપડી ભેળું
વાયુની પાંખ ઉડાડતી વેળુ
ઠેસ ઠેબા ગડથોલીયા ખાતી
કૂબે પટકાણી રાંકની રાણી
ભાદરમાં ધૂવે લૂગડાં ભાણી

-ઈન્દુલાલ ગાંધી

નવા નગરની વહુઆરું – ઇંદુલાલ ગાંધી

સ્વર : પરાગી અમર
સંગીત : રસિકલાલ ભોજક

નવા નગરની વહુઆરું, તારો ઘુમટો મેલ,
વડવાઇઓની વચમાં જોને નિસરી નમણી નાગરવેલ,
હે જી તારો ઘુંમટો મેલ.

તાળા નંદવાણાને પીંજરાએ ઉઘડ્યા,
સૂરજને તાપે જો સળીયાઓ ઓગળ્યાં.
ચંપકવર્ણી ચરકલડી તારે ઉડવું સે,
લાહોલીયાને વીંઝેણે તારા હૈયાને
શેડે નમતી હેલ.
હે જી તારો ઘુંમટો મેલ.

વાયરે ચડીને ફૂલ રૂમઝૂમતાં,
વગડે વેરાયા ફાગણનાં ફૂમતાં,
ફૂલડે રમતી ફોરમડે તારું ફળીયું મેલ,
સપનાં લ્હેરે રમતી તારી નીંદર
નામણી આઘી મેલ,
હે જી તારો ઘુંમટો મેલ.

– ઇંદુલાલ ગાંધી

મેંદી તે વાવી માળવે (યુગલગીત) – ઇન્દુલાલ ગાંધી

‘આંધળી માનો કાગળ’ ન રચયિતા કવિશ્રી ઈન્દુલાલ ગાંધીનો આજે જન્મદિવસ, તો એમને શ્રધ્ધાંજલી સાથે આજે ફરી એકવાર યાદ કરીએ એમના કલમથી નીકળીને અમર બનેલા આ શબ્દો… મેંહદી તે વાવી માળવે એનો રંગ ગયો ગુજરાત…

આજે આ મઝાનું યુગલગીત તો તમારા માટે લઈ આવી – પણ થોડી તમારી મદદની જરૂર પડશે..!! ‘મેંહદી રંગ લાગ્યો’ – ફિલ્મનું પેલું ‘લાંબો ડગલો મૂછો વાંકડી’ વાળું ‘મેંદી રંગ લાગ્યો… ‘ ગીતના કવિ ઇન્દુલાલ ગાંધી છે – એ વાત લયસ્તરો પરથી જાણી..! (લયસ્તરો પર આ ગીત એના મૂળ શબ્દો સાથે ઉપલબ્ધ છે) તો આ યુગલગીતના કવિ પણ શું ઈન્દુલાલ ગાંધી છે? કે પછી ફિલ્મમાં અવિનાશ વ્યાસનું સંગીત હતું તો આ ગીતના શબ્દો પણ અવિનાશ વ્યાસના છે? તમને ખબર હોય તો જણાવશો?

અને બીજી એક વાત કહું? – પટેલ – પાટીદાર સમાજની સ્થાપના સાથે આ પણ આ ગીત જોડાયેલું છે – એ તમને ખબર છે? લો.. તમે જાતે જ આ લેખ વાંચી લો.! અરે થાંબા થાંબા… પહેલા આ ગીત સાંભળી ને જાવ.:)

અને હા – હજુ એક સવાલ – લતા મંગેશકરની સાથે યુગલસ્વરમાં મન્ના ડે જ છે ને?

સ્વર : લતા મંગેશકર, મન્ના ડે (?)

મેંદી તે વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંદી રંગ લાગ્યો

હો.. મેંદી મૂકી મેં તો રંગીલી ભાતની
માળવાનો મોર ને ઢેલ ગુજરાતની..
મળ્યો મને મનનો માંગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!

મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંહદી રંગ લાગ્યો

મારા છાયલનો રંગ, મારી પાયલનો રંગ
મારા કાજળનો રંગ, મારા કંકુનો રંગ
મેંદીના રંગમાં છૂપ્યો અનંગ..
તારી આંખ્યુંનો ઝોક મને વાગ્યો, કે રંગ મને લાગ્યો,
કે રંગ મને લાગ્યો… કે મેંદી રંગ લાગ્યો..!

મેંહદીને વાવી માળવે, એનો રંગ ગયો ગુજરાત રે,
મેંહદી રંગ લાગ્યો

– ઇન્દુલાલ ગાંધી

આંધળી માનો કાગળ – ઇન્દુલાલ ગાંધી

ટહુકો શરૂ કર્યાને હજુ થોડા દિવસો જ થયા હતા ને રજુ કરેલું આ ગીત, ટહુકો પર સૌથી વધુ વંચાયેલું, સંભળાયેલું અને કેટલાયની આંખો ભીની કરી ગયેલું ગીત છે..! ‘આંધળી માનો કાગળ’ – આટલા શબ્દો પછી આ ગીતને કોઇ પૂર્વભુમિકાની જરૂર જ નથી..!

કવિ ઇન્દુલાલ ગાંધી (ડિસેમ્બર 8 , 1911 : જાન્યુઆરી 10, 1986) ના બીજા ઘણા ગીતો જાણીતા છે, પણ આ ગીત તો જાણે એમના નામનો પર્યાય જ કહેવાય.. અને હા, એમણે લખેલો ‘દેખતા દીકરાનો જવાબ’ ઘણાએ વાંચ્યો – સાંભળ્યો હશે, પણ એ સિવાય પણ ઘણા કવિઓએ ‘દેખતા દીકરાનો જવાબ’ લખ્યો છે – એ તમને ખબર છે? (મને થોડા વખત પહેલા જ ખબર પડી). એ બધા જવાબ આપની સાથે ટહુકો પર ભવિષ્યમાં જરૂર વહેંચીશ, પણ આજે – કવિ શ્રી ઇન્દુલાલ ગાંધીના જન્મદિવસે – ગુજરાતી કાવ્ય-સંગીત સૃષ્ટિનું આ અમર ગીત; ગાયક-સ્વરકાર જયદીપ સ્વાદિયાના અવાજમાં ફરી એકવાર….

સ્વર : જયદીપ સ્વાદિયા

.

—————————-
Posted on July 25, 2006

સ્વર : આશા ભોંસલે

.

અમૃત ભરેલું અંતર જેનું, સાગર જેવડું સત્,
પૂનમચંદના પાનિયા આગળ ડોશી લખાવે ખત,
ગગો એનો મુંબઇ કામે;
ગીગુભાઇ નાગજી નામે.

લખ્ય કે માડી ! પાંચ વરસમાં પ્હોંચી નથી એક પાઇ
કાગળની એક ચબરખી પણ, તને મળી નથી ભાઇ !
સમાચાર સાંભળી તારા,
રોવું મારે કેટલા દ્હાડા ?

Continue reading →

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર… – ઇન્દુલાલ ગાંધી

આજનું આ ગીત ટહુકોના એક વાચકમિત્ર તરફથી. મારા તરફથી હું એટલું કહીશ કે શાસ્ત્રીત્ર રાગ પર આધારિત આ ગીત સાંભળવાની ખરેખર મજા આવે છે..
——————————

કવિ ઇન્દુલાલ ગાંધી અડધી રાતે મોરનો ટહુકો સાંભળે છે અને કૌતુકવશ બહાર નીકળે છે. તમે ક્યારેય મોરને અડધી રાતે બોલતા સાંભળ્યો છે ? કવિ આ આખી ઘટનાને એક વર્ણનાત્મક કવિતામાં ઢાળી દે છે. કવિતાનો આ એક સીધીસાદી ઘટનાના વર્ણન સિવાય બીજો કોઇ ગૂઢાર્થ નથી. ક્ષેમુભાઇએ ચંદ્રકૌંસમાં રાગ બનાવ્યો અને રાસભાઇએ ગીત ગાયું, આપણે સાભળીયે… આમ કવિનું કૌતુક અને કલ્પના આપણા સુધી પહોંચી એનો આનંદ લઇએ.

મોર કેમ બોલ્યો હશે? આકાશમાં વાદળો ન હતાં, ચંદ્ર પણ ન હતો – મોરે શું જોયું ? હા, એ રાત ઝાકળભીની હતી. ઝાકળ પડતું હતું એને વાદળનો વીંઝણો માની બેસેલો મોર આનંદથી ટહુકી ઉઠ્યો; હકીકતમાં તો એ નટવો નઠોર છેતરાયો હતો. અને મોરને પોતા છેતરાયો છે એ ત્યારે ખબર પડે છે જ્યારે ઉષઃકાળ થતાં કાજળ કરમાયું એટલે કે અંધારુ ગયું… અને પોતાનાં રંગીન ફૂમતાં એટલે કે પીછાં ફંગોળી મોર પોતાનો કલશોર સંકેલી લે છે.
…. પણ એક વાત નક્કી છે કે અડધી રાતે કોઇ મોર કે કોયલનો કલશોર સાંભળવો, કે પછી આકાશમાં ઊડતા સારસ પક્ષી કે કુંજ પક્ષીના ટહુકાઓ (અડધી રાતે) સાંભળવા એ ખૂબ જ રોમાંચક ઘટના છે. અને એ અહીં અમેરિકામાં નહીં પણ ભારતના કોઇ ગામડામાં જ મળે !!

સ્વર : રાસબિહારી દેસાઇ
સંગીત : ક્ષેમુ દિવેટીઆ

peacock-noght

.

આજ મેં તો મધરાતે સાંભળ્યો મોર
મધરાતે સાંભળ્યો મોર

વાદળા ય ન્હોતાં ને ચાંદો યે ન્હોતો,
ઝાકળનો જામ્યો તો દોર;
ઝાકળને માનીને વાદળનો વીઝણો,
છેતરાયો નટવો નઠોર.

ઉષાની પાંપણ જ્યાં અધમીચી ઊઘડી,
કાજલ કરમાણી કોર;
રંગ કેરાં ફૂમતડાં ફંગોળી મોરલે,
સંકેલી લીધો કલશોર.

——————————
ફરમાઇશ કરનાર મિત્ર : વિક્રમ ભટ્ટ.

મેંદી તે વાવી માળવે ને….- ઇન્દુલાલ ગાંધી

સંગીત: અવિનાશ વ્યાસ
સ્વરઃ લતા મંગેશકર, પિનાકીન શાહ અને કોરસ
ફિલ્મઃ મહેંદી રંગ લાગ્યો (૧૯૬૦)

.

તન છે રૂપનું હાલરડું ને આંખે મદનો ભાર
ઘૂંઘટમાં જોબનની જ્વાળા ઝાંઝરનો ઝમકાર
લાંબો છેડો છાયલનો, ને ગજરો ભારોભાર
લટકમટકની ચાલ ચાલતી જુઓ ગુર્જરી નાર

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે

નાનો દિયરડો લાડકો જે,
કંઇ લાવ્યો મેંદીનો છોડ રે … મેંદી …

વાટી ઘૂંટીને ભર્યો વાટકો ને
ભાભી રંગો તમારા હાથ રે … મેંદી …

હે… લાંબો ડગલો, મૂછો વાંકડી, શિરે પાઘડી રાતી
બોલ બોલતો તોળી તોળી છેલછબીલો ગુજરાતી
હે.. તન છોટુ પણ મન મોટું, છે ખમીરવંતી જાતી
ભલે લાગતો ભોળો, હું છેલછબીલો ગુજરાતી

હાથ રંગીને વીરા શું રે કરું?
એનો જોનારો પરદેશ રે … મેંદી …

મેંદી તે વાવી માળવે ને
એનો રંગ ગયો ગુજરાત રે
મેંદી રંગ લાગ્યો રે.
– ઇન્દુલાલ ગાંધી

દેખતા દીકરાનો જવાબ -ઇંદુલાલ ગાંધી

સ્વર : હેમંત ચૌહાણ

.

ફાટ્યાં-તૂટ્યાં જેને ગોદડી ગાભાં, આળોટવા ફૂટપાથ,
આંધળી ડોશીનો દેખતો દીકરો, કરતો મનની વાત.
વાંચી તારાં દુ:ખડાં માડી ! ભીની થઈ આંખડી મારી.

Continue reading →