Category Archives: ભગીરથ બ્રહ્મભટ્ટ

ગીત – ભગીરથ બ્રહ્મભટ્ટ

ઘણાં બધાં તો વૃક્ષો વેચે, કોક જ વ્હેંચે છાયા;
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

તલના ભેળા ભળ્યા કોદરા
દાણે દાણો ગોત,
સાચજૂઠના તાણે વાણે
બંધાયું છે પોત;

પાંખ વગરનાં પારેવાં સૌ ધરતી પર અટવાયાં,
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

ક્ષુધા કણની મણની માયા
ઘણાં બધાંને વળગી,
ઘણાં ખરાંની દરિયા વચ્ચે
કાયા ભડભડ સળગી;

જબરા જબરા ઊણા અધૂરા કોક જ વીર સવાયા,
લોક અમસ્તા ઉંમર આખી વીણે છે પડછાયા.

– ભગીરથ બ્રહ્મભટ્ટ