Category Archives: દોહા

ગ્લૉબલ કવિતા : ૧૯૭ : વસંત વિલાસ – પ્રાચીન ગુજરાતીનું બેનમૂન વિશ્વકાવ્ય : ૦૨

ગયા અંકમાં આપણે પ્રાચીન ફાગુ કાવ્ય વસંતવિલાસના પરિચય સાથે કેટલાક દોહા માણ્યા. આજે થોડા બીજા અણમોલ મૌક્તિકોના ઝળહળાટના સાક્ષી બનીએ:

(૦૫)
થંભણ થિય ન પયોહર મોહ રચઉ મ ગમારિ,
માન રચઉ કિસ્યા કારણ તારુણ દીહ બિચ્ચારિ. |૨૪|

સુદૃઢ સ્તન રહેશે નહીં, મોહ ન રાખ ગમાર,
શાને માંગે માન તું? યૌવન દિન બે-ચાર. |૨૪|

સ્તન કાયમ સુદૃઢ રહેવાનાં નથી. હે ગમાર! મોહ ન કર. કયા કારણે માન કરે છે? યૌવન બેચાર દિવસ છે.

સતત વહેતા સમયના વહેણમાં તણાઈ જતા ક્ષણભંગુર યૌવનનો હવાલો આપીને કવિ નાયિકાને કામક્રીડામાં સમર્પિત થવા આહ્વાન આપે છે. કહે છે, આજે ભલે તારાં આ સ્તનો સુદૃઢ કેમ ન હોય, એ કંઈ કાયમ આવાં ઉન્નત રહેનાર નથી. સમયની સાથે એ લચી પડી એનું સૌંદર્ય ગુમાવશે જ. માટે હે મૂર્ખ સ્ત્રી! શા માટે આમ મૂર્ખતા દેખાડે છે? કયા કારણથી તું પોતાના યૌવન પર અભિમાન કરે છે? આ યુવાની તો થોડા દિવસોની જ મહેમાન છે.

माणं मुंचह देहि वल्लहजणे दिठ्ठीं तरंगुत्तरं
तारुण्णं दियहाई पंच दह वा पीणस्थणत्थंभणं। (कर्पूरमंजरी-राजशेखर) (१-१८)

(માન છોડી દે અને પિયુ તરફ પ્રેમભીની નજર કર. યૌવન પાંચ-દસ દિવસ જ છે અને દૃઢ સ્તનોની કઠિણતા પણ) શંકરાચાર્ય મોહમુદ્ગર સ્તોત્રંમાં કહે છે: ‘मा कुरु धनजनयौवनगर्वं हरति निमेषात्कालः सर्वम्।’ (ધન, સ્વજન, યૌવનનો ગર્વ ન કર. નિમિષમાત્રમાં કાળ સર્વને હરી લેશે.) નરસિંહ મહેતા પણ ગાઈ ગયા: ‘ઘડપણ કોણે મોકલ્યું, જાણ્યું જોબન રહે સૌ કાળ’ દેહસૌંદર્ય કાયમી ન હોવાથી નાહક પ્રિયજન પાસે માન માંગવાની મૂર્ખાઈ કરવાના બદલે પ્રેમઋતુ વસંતમાં સહવાસનો-સંભોગનો આનંદ ભરપૂર માણી લઈને જે હાલ છે એનો ઓચ્છવ કેમ ન કરવો?!

(૦૬)
ઘૂમઈ મધુપ સકેસર કેસરમુકુલિ અસંખ,
ચાલતઈ રતિપતિ સૂરઈ પૂરઈ સુભટ કિ શંખ. |૨૯|

ઘૂમે ભ્રમર કેસરકળી કેસરયુક્ત અસંખ,
ચાલે છે રતિપતિ શૂરા, સુભટ ફૂંકે છે શંખ. |૨૯|

ભમરાઓ બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર ઘૂમી રહ્યા છે, જાણે કે શૂરવીર કામદેવના પ્રયાણ સમયે સુભટ શંખ ફૂંકી રહ્યા છે.

વસંત ઋતુ કામદેવની ચહિતી છે. આ ઋતુમાં પ્રેમદેવતા મન્મથ શરસંધાન કરે છે અને પ્રેમપ્લાવિત હૈયાંઓ કામકેલિમાં જોડાઈ અદ્વૈત સાધે છે. હાથમાં ધનુષ્ય લઈને શૂરવીર કામદેવ યુદ્ધ કરવા નિસરે અને એમના આગમનની જાણ કરવા શંખનાદ કરતાં સુભટ સાથે કવિ ભમરાઓની સરખામણી કરે છે. બકુલની કેસરયુક્ત અસંખ્ય કળીઓ પર મંડરાઈને ગુંજારવ કરતા મધુકર જાણે કે કામદેવના આવણાંના શંખ ફૂંકી રહ્યા છે. ઈસ ૧૩૬૩માં શાર્ંગધરે લખેલો શ્લોક સરખાવવા જેવો છે:

मालतीमुकुले भाति मञ्जु गुञ्जन्मधुव्रतः।
प्रयाणे पञ्चबाणस्य शंङ्खमापूरयन्निव॥ (शार्ङ्गधरपद्धति)

(માલતીની કળીઓમાં મધુર ગુંજન કરતો ભમરો જાણે પંચબાણ (કામદેવ)ના પ્રયાણસમયે શંખ ફૂંકતો હોય એવો લાગે છે.)

(૦૭)
કેસૂયકલી અતિ વાંકુડી આંકુડી મયણચી જાણિ,
વિરહિણીનાં ઇણિ કાલિ જ કાલિજ કાઢએ તાણિ. |૩૪|

કિંશુકકળી અતિ વાંકડી, આંકડી મદનની જાણ,
તાણી આણશે આ ઘડી વિરહિણીના પ્રાણ. |૩૪|

કેસૂડાની વાંકી કળી જાણે મદનની આંકડી છે, વિરહિણીનાં કાળજાં તત્ક્ષણ બહાર ખેંચી કાઢે છે.

વસંતમાં પૂરબહાર ખીલેલ કેસૂડાની કળીઓ અત્યંત વાંકી હોય છે. નજરના રસ્તે ચાલી દિલોદિમાગને સંતપ્ત કરતા કેસૂડાંની આ વક્રકળીઓમાં કવિને કામદેવનું શસ્ત્ર આંકડી કે અંકુશ નજરે ચડે છે, જેના વડે કામદેવ વિરહિણીઓનાં કાળજાં બહાર ખેંચી કાઢે છે. મૂળ દોહાની જેમ અનુવાદમાં પણ વાંકડી-આંકડી-આ ઘડી એમ યમકસાંકળી પ્રયોજવામાં આવી છે. નૈષધીયચરિતમાંથી આના જેવો શ્લોક મળી આવે છે:

स्मरार्धचन्द्रेषुनिभे क्रशीयसां स्फुटं पलाशेऽध्वजुषां पलाशनात् ।
स वृन्तमालोकत खण्डमन्वितं वियोगिहृत्खण्डिनि कालखण्डजम् ॥१.८४॥

એણે વિયોગીઓનાં હૃદય ખંડિત કરતી, કામદેવના અર્ધચંદ્રાકાર બાણ જેવી કેસૂડાનાં ફૂલની દાંડી જોઈ, જે વિરહમાં દુબળા બનેલા પ્રવાસીઓનું ભક્ષણ કરતાં (બચી ગયેલા) કાળજાના ટુકડા જેવી લાગતી હતી. કાલિદાસના ઋતુસંહારમાંથી પણ આવી ઉપમા જડે છે:

किं किंशुकैः शुकमुखच्छविभिर्न भिन्नं किं कर्णिकारकुसुमैर्न कृतं न दुग्धम्| (६:२०)

(પોપટની ચાંચ જેવી શોભાધારી આ કેસૂડાં શું યુવાચિત્તને નથી ચીરતાં? આ કર્ણિકાર પુષ્પો પણ તેને ઘાયલ નથી કરતાં?) સાતવાહન-હાલ કવિને પણ કેસૂડાનાં ફૂલના આકારમાં પોપટની ચાંચ નજરે ચડી હતી: કીર-મુહ-સચ્છેહેહિં રેહઇ વસુહા પલાસ-કુસુમેહિં. (સૂડાની ચાંચ સમાં કેસૂડાનાં ફૂલ ધરતી પર શોભી રહ્યાં છે.) એમનું જ પુષ્પોને કામદેવનું આયુધ ગણાવતું એક પ્રાકૃત મુક્તક પણ જોવા જેવું છે:

સહિ દુમ્મેંતિ કલંબાઇં જહ મં તહ ન સેસ-કુસુમાઇં
નૂણં ઇમેસુ દિઅહેસુ વહઇ ગુડિયા-ધણું કામો

હે સખી! જેવી કદંબકળીઓ મને પીડે છે, તેવાં બીજાં પુષ્પો મને નથી પીડતાં: આ દિવસોમાં તો કામદેવ જાણે કે હાથમાં ગિલોલ લઈને ફરતો હોય છે.

(૦૮)
સખિ મુઝ ફુરકઈ જાંઘડી તાં ઘડી બિહું લગઈ આજુ,
દુષ સવે હિવ વામિસુ પામિસુ પ્રિય તણૂં રાજુ. |૪૬|

સાથળ ફરકે મુજ સખી, આ પળ બેથી આજ,
દુઃખ હવે સૌ વામશું, પામશું પ્રિયનું રાજ. |૪૬|

સખી! મારી જાંઘ આ બે ઘડીથી ફરકી રહી છે. હવે બધા દુઃખ દૂર કરીશું અને પ્રિયનું રાજ્ય પામીશું.

નાયિકા એની સખીને પોતાને થયેલાં શુકનની વાત કરી રહી છે. આજે આ બે’ક ઘડીભરથી એની સાથળો ફરકી રહી છે. જાંઘ ફરકતી હોવાનું શુકન સૂચવે છે કે નાયક અને નાયિકાનું મિલન થવાની સંભાવના ઊજળી છે. મતલબ હવે વિરહના સૌ દુઃખ દૂર થવાની પળ ઢૂંકડી આવી ઊભી છે. અને નાયિકાને ટૂંક સમયમાં જ પ્રાણપિયુના સમાગમના રાજ્ય જેવું સુખ પ્રાપ્ત થશે. વસંતવિલાસના શ્લોકે શ્લોકે વેરાયેલી નાનાવિધ યમકસાંકળી સાછંદ પદ્યાનુવાદમાં જાળવવી તો કદાચ જ શક્ય બને, પણ સાથળ-આ પળ, વામશું-પામશું જેવી યમકસાંકળીથી મૂળ દોહરાની બને એટલા નજીક રહેવાનો સંનિષ્ઠ પ્રયાસ જરૂર કર્યો છે.

(૦૯)
નમણિ કરઈં ન પયોધર યોધર સુરતસંગ્રામિ
કંચુક તિજઈં સંનાહુ રે નાહુ મહાભડુ પામિ. |૬૬|

રતિસંગ્રામે ના નમે યોધ પયોધર નામ,
કંચુકિ બખ્તર ત્યાગતાં પામતાં સુભટ નાથ. |૬૬|

રતિસંગ્રામમાં પયોધર નામના યોદ્ધાઓ નમતા નથી. તેઓ પતિરૂપી મહાભડને પામતાં કંચુકીરૂપી બખ્તર પણ ત્યજી દે છે.

વસંતઋતુના વર્ણનથી વિપ્રલંભશૃંગાર તરફ વળ્યા બાદ કવિતા નખશિખ સંભોગશૃંગાર તરફ વળી છે. કામકેલિને કવિ બે પાત્રો વચ્ચેના યુદ્ધ તરીકે જુએ છે. કવિ નાયિકાના ઉન્નત, સુદૃઢ સ્તનોને સુરતસંગ્રામમાં ભાગ લેતા વીરયોદ્ધાઓ સાથે સરખાવે છે. કામક્રીડા દરમ્યાન તેઓ જરાય નીચું નમતા નથી, અર્થાત્ ઢીલા પડતા નથી. ઊલટું, પતિરૂપી મહાસુભટ, મહાવીરનો સામનો થતાં જ સહેજ પણ ડર્યા વિના ચોળીરૂપી બખ્તરનો પણ ત્યાગ કરી દઈને ઊઘાડાં થઈ જાય છે. અને પતિનો સામનો કરે છે. સામાન્યરીતે બખ્તર યોદ્ધાનું રક્ષણ કરતું હોય છે, પણ સ્તન આવૃત્ત હોય એના કરતાં નિરાવૃત્ત હોય ત્યારે પુરુષોને વધુ આસાનીથી વશ કરી શકે છે, એ હકીકત કવિના મનમાં રમતી હોવાનો અત્રે ખ્યાલ આવે છે. સોમેશ્વરદેવના કીર્તિકૌમુદીમાં પણ સમાન વિચાર જોવા મળે છે:

निगिदितुं विधिनाऽपि न शक्यते सुभटता कुचयोः कुटिलभ्रुवाम्।
सुरतसंश्रमतः प्रियपीडितावपि नतिं न गतौ गतकञ्चुकौ ॥७९॥

વક્રભ્રૂકુટીવાળીઓના સ્તનોની વીરતા વર્ણવવું વિધાતા માટે પણ શક્ય નથી. સુરતસંગ્રામમાં પ્રિયએ ભીડાવ્યા છતાં એ કંચુકવિહોણા સ્તન નમ્યાં નહીં.

(૧૦)
કેસૂય ગરબુ મ તૂં ધરિ મૂં સિરિ ભસલુ બઈઠ,
માલતીવિરહ બહૂ વહઈ હૂઅવહ ભણીય પઈઠ. |૭૭|

કિંશુક, ના કર ગર્વ તું, શિર છો બેઠો ભીર,
આગ ગણી પેઠો જો વધી માલતીવિરહ પીર. |૭૭|

હે કેસૂડા! મારા માથે ભમરો બેઠો છે એવો ગર્વ તું ન કર. (કારણ કે) માલતીના વિરહની પીડા અતિશય વધતાં એ (આપઘાતકરવાના ઇરાદે જ તને) આગ ધારીને (તારામાં) પેઠો છે.

માલતી, ભમરો અને કેસૂડાના પ્રતીકથી કવિ કેવી મજાની વાત કહે છે! પ્રિયતમાનો વિરહાગ્નિ સહન ન થતાં પ્રિયુ અન્ય સ્ત્રીના સહવાસમાં સુખ શોધવાના ફાંફા મારતો હોય અને એ અન્ય સ્ત્રી જાત પર અભિમાન કરે એ જોવમાં આવતાં નાયિકા એ મદભરી માનુનીને ઠંડો ડામ આપતી હોય એમ કહે છે, કે તારે નાહક ફુલાવાની જરૂર નથી. પિયુ તો પોતાની વિરહવેદના અસહ્ય બનતાં બે ઘડી રાહત મેળવવા માટે જ તારા પડખામાં આવ્યો છે. આ સાથ કંઈ કાયમી નથી. વિયોગ પૂર્ણ થતાં જ એ તારો ત્યાગ કરશે. આ વિચારથી બિલકુલ વિપરિત દોહો પણ વસંતવિલાસમાંથી જડી આવે છે:

બઉલસિરી મદભીંભલ ઈ ભલપણું અલિરાજ,
સંપતિ વિણ સુકુમાલ તી માલતી વીસરી આજ. |૭૪|

અલિરાજ! બોરસલ્લીમાં મદવિહ્વળ થયો એ તારું ભલાપણું છે? (પુષ્પ)સંપત્તિ વિનાની સુકુમાર (સૂકાઈ ગયેલ) માલતીને તેં આજે વિસારી દીધી છે!

(૧૧)
સખિ અલિ ચલણિ ન ચાંપઇ, ચાંપઇ લિઅઇ ન ગંધુ,
રૂડઇ દોહગ લાગઇ, આગઇ ઇસ્યુ નિબંધું. |૭૮|

ભ્રમર મૂકે ના પગ સખી, ના લે ચંપક ગંધ,
રૂડાંને દુર્ભાગ્ય એ આગળથી સંબંધ. |૭૮|

હે સખી! ભમરો ચંપામાં પગ મૂકતો નથી, એની ગંધ પણ લેતો નથી. રૂડી વસ્તુ સાથે દુર્ભાગ્ય જોડાયેલું હોય છે એ આગળથી ચાલતો આવેલો નિયમ છે.

ફૂલે-ફૂલે ભમીને મધુરસપાન કરતા ભમરાએ આમ તો સુગંધમાં પી.એચડી. કરેલું હોય છે, પણ આટલો જ્ઞાની હોવા છતાં એ સુગંધથી છલકાતા ચંપાનો સ્પર્શ સુદ્ધાં કરતો નથી. આ હકીકતનો અર્થાન્તરન્યાસ કરતાં કવિ કહે છે કે સંસારમાં જે કંઈ સારું, સુંદર છે એ તમામ સાથે આવું દુર્ભાગ્ય, અવગણના જોડાયેલ હોય એ દુનિયામાં પરાપૂર્વથી ચાલ્યો આવતો નિયમ (સંબંધ) છે. સંસ્કૃત સાહિત્યમાં ચંપો સુશીલ સુંદર સ્ત્રીનું પ્રતીક લેખયો છે. ગુણજ્ઞ પુરુષો સાચા અર્થમાં સુંદર અને ગુણવંતી સ્ત્રીઓને ચાહી શકતા નથી. કદાચ પોતાનાથી ચડિયાતી સ્ત્રીનું તેજ સહી શકતા નહીં હોય! કે પછી સ્ત્રી-પુરુષ વચ્ચે સંબંધ બંધાય એ કોઈ ઈશ્વરકૃપા કે ઋણાનુબંધને જ આભારી હશે? શાર્ંગધર કહે છે:

भ्रमन् वनान्ते नवमञ्जरीषु न षट्पदो गन्धफलीमजिघ्रत्|
सा किं न रम्या सच किं न रन्ता बलीयसी केवलमीश्वरेच्छा||
વનમાં નવમંજરીઓમાં (નવી ઊઘડેલી મંજરીઓમાં અથવા નવી લતાઓમાં) ભટકતાં ભમરાએ ગંધફલીની (ચંપકની કળીની કે પ્રિયંગુલતાની) સુવાસ લીધી નહીં. શું એ રમ્ય નથી ? તેમ એ (ભ્રમર) રમણનો જ્ઞાતા નથી ? (અર્થાત્ એ રમણ કરવાની કળામાં કુશળ નથી એમ નથી.) કેવળ ઈશ્વરેચ્છા જ બળવાન છે. (અર્થાત્ ગુણાવગુણથી નહીં પણ ઈશ્વરેચ્છાના પ્રાબલ્યથી સંબંધો બંધાય છે.) (शाङ्ग्रधरपद्धति)

(૧૨)
એક થુડિ બઉલ નઇ બેઉલ બેઉ લતાં નવ ભેઉ,
ભમર વિચાલિ કિસ્યા મર પામર વિલસિ ન બેઉ. |૮૧|

એક થડે બેઉલ બકુલ બેઉ લતામાં ન ભેદ,
ભોગવ બેઉને, ભ્રમર, ના કર પામર ખેદ. |૮૧|

એક થડ ઉપર બેઉલ અને બકુલ છે. બેઉ લતાઓમાં ભેદ નથી. હે ભ્રમર! બેઉ વચ્ચે શા માટે મરે છે? પામર! બંને સાથે વિલાસ કર ને!

જીવન જેમ આવ્યું એમ માણી લેવાની શીખ અહીં પ્રાપ્ત થાય છે. એકસમાન રૂપગુણ ધરાવતી બે સુંદરીઓમાં કોને ચાહવી અને કોને નહીંના અનિર્ણયના દ્વિભેટે અટવાયા કરવાના બદલે દુઃખી થયા વિના બંનેને જ કેમ ન ભોગવવી? અમરુશતક યાદ આવે:

दृष्ट्वैकासनसंस्थिते प्रियतमे पश्चादुपेत्यादरा
देकस्या नयने निमील्य विहितक्रीडानुबन्धच्छलः
ईषद्वक्रितकंधरः सपुलकः प्रेमोल्लसन्मानसा
मन्तर्हासलसत्कपोलफलकां धूर्तोऽपरां चुम्बति ॥१९॥

એક જ આસને બેઠેલી બે પ્રેમિકાઓની, પાછળથી આદરપૂર્વક નજીક જઈને, એકની આંખો રમતના બહાને દાબીને, કપટી સહેજ ડોક નમાવીને, રોમાંચિત થઈને, પ્રેમોલ્લાસથી ઊછળતી અને મનોમન હસવાથી ખીલી ઊઠેલા ગાલવાળી બીજીને ચૂમી લે છે.

ચૌદ વરસની ચારણ કન્યા – ઝવેરચંદ મેઘાણી

બીજી એપ્રિલે ટહુકો પર મુકેલી – કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની આ અમર રચના – આજે ફરી એકવાર… થોડી વધુ માહિતી – થોડી વધુ Hyperlinks – અને થોડા વધુ સ્વર-સંગીત સાથે..!

અને હા.. આજે કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીનો જન્મદિવસ..  (August 28,1896 – March 9,1947) એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે માણીએ આ રચના.. અને એના વિષે થોડી વાતો…!!!

આ વર્ષે ઝવેરચંદ મેઘાણીની પુણ્યતિથિ (માર્ચ 9 ) નિમિત્તે એમને એક અનોખી શ્રદ્ધાંજલી આપવાનાં હેતુસર ૮૨ વર્ષ બાદ પહેલી વખત એક ગુજરાતી અખબાર સંદેશના પ્રતિનિધિ તરીકે પત્રકાર લલિત ખંભાયતા એમના સાથીદાર સાથે મેઘાણીની એ અમર ચારણ કન્યાના વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે માર્ચની 2જી તારીખે પહોંચેલા… એમના વંશજો સાથેની એમની એ મુલાકાતનો આ રસપ્રદ લેખ* માણવાનું જરાયે ચૂકશો નહીં.

*આ લેખ JPG ફોર્મેટમાં અહીં પણ જોઈ શકો છો !

(અને આ માહિતી માટે ઊર્મિનો ખાસ આભાર..)

સંગીત : મેહુલ સુરતી
સ્વર : હરેશ મારુ અને ગાર્ગી વોરા
ગાયકવૃંદ : રાજેન્દ્ર ગઢવી, કપિલદેવ શુક્લ, મેહુલ સુરતી


————-

Posted on April 2, 2010

ઝવેરચંદ મેઘાણીની આ કવિતા ૧૯૨૮ ગીરના જગલમાં તુલસીશ્યામ પાસેના એક નેસડામાં હીરબાઈ નામની ૧૪ વર્ષની ચારણ કન્યાએ એકલે હાથે પોતાની વાછરડીને મારનાર સિંહને એનું માંસ ચાખવા નહોતું દીધું અને ફક્ત લાકડીએથી ગીરના સાવજને હાંકી કાઢ્યો હતો.

“તુલસીશ્યામથી બે ગાઉ અમે ખજૂરીને નેસડે હતા,ત્યાં રીડ થઇ. સાવજ ડણક્યો. હાકોટા થવા માંડ્યા. રોળકોળ વેળા થઇ હતી. ખાડું-ધણ ઝૂંપડે આવતાં હતાં. તેમાંથી હીરબાઇ કરી એક ચારણ બાઇની વોડકીને સાવજે પાદરમાં જ પાડી. અમે બધાદોડ્યા.વીસેક જણ હતા. જ્યાં ધાર માથે ચડ્યા ત્યાં તો હીરબાઇ ક્યારની યે ત્યાં પહોંચી ગઇ હતી. મરેલી વોડકી પર એ ચારણ-કન્યા ચડીને સાવજ સામે સોટો વીંઝતી હતી. સાવજ બે પગે સામો થઇ હોંકારા કરતો હતો. બાઇ સાવજના ફીણથી નાહી રહી, પણ ગાયને ચારણી બાઇએ સાવજને ખાવા ન દીધી….એવખતે ‘ચારણ-કન્યા’ ગીત મેઘાણીભાઇ કાગળ-કલમ સિવાય રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠ્યું. આંખો લાલ ઘ્રમેલ ત્રાંબા જેવી થઇ ગઇ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે એમને માંડમાંડ પકડી રાખેલા.”
– દુલા કાગ

(શ્રી દુલા કાગના આ શબ્દો ટાઇપ કરીને એમની સાઇટ પર મુકવા માટે ગોપાલકાકા નો આભાર…)

(ચૌદ વરસની ચારણ કન્યા….Photo : અરવિંદભાઇ જોષી)

સ્વર – હરિદાન ગઢવી

.

(લક્ષમણભાઇ ગઢવી – પીંગળશીભાઇ ગઢવીના સુપુત્ર તરફથી – ઝવેરચંદમેઘાણી.કોમ માટે એમણે આપેલ નીચેના બંને રેકોર્ડિંગ માટે મારા અને ટહુકોના સર્વ વાચક-શ્રોતાઓ તરફથી લક્ષમણભાઇ ગઢવીનો ખૂબ ખૂબ આભાર.., અને ઝવેરચંદમેઘાણી.કોમ જેવી વેબસાઇટ બનાવી ગુજરાતીઓમાં એની લ્હાણી કરનાર પીનાકીભાઇ મેઘાણીનો પણ ખાસ આભાર….)

બાલકૃષ્ણ દવેના અવાજમાં ચૌદ વરસની ચારણ કન્યા

.

પિંગળશી ગઢવીના અવાજમાં ચૌદ વરસની ચારણ કન્યા

.

સાવજ ગરજે !

વનરાવનનો રાજા ગરજે
ગીરકાંઠાનો કેસરી ગરજે
ઐરાવતકુળનો અરિ ગરજે
કડ્યપાતળિયો જોદ્ધો ગરજે
મોં ફાડી માતેલો ગરજે
જાણે કો જોગંદર ગરજે
નાનો એવો સમદર ગરજે !
ક્યાં ક્યાં ગરજે ?

બાવળના જાળામાં

ગરજે ડુંગરના ગાળામાં ગરજે
કણબીના ખેતરમાં ગરજે
ગામ તણા પાદરમાં ગરજે
નદીઓની ભેખડમાં ગરજે
ગિરિઓની ગોહરમાં ગરજે
ઉગમણો, આથમણો ગરજે
ઓરો ને આઘેરો ગરજે

થર થર કાંપે !

વાડામાં વાછડલાં કાંપે
કૂબામાં બાળકડાં કાંપે
મધરાતે પંખીડાં કાંપે
ઝાડ તણાં પાંદડલા કાંપે
પહાડોના પથ્થર પણ કાંપે
સરિતાઓના જળ પણ કાંપે
સૂતાં ને જાગંતાં કાંપે
જડ ને ચેતન સૌએ કાંપે

આંખ ઝબૂકે

કેવી એની આંખ ઝબૂકે
વાદળમાંથી વીજ ઝબૂકે
જોટે ઊગી બીજ ઝબૂકે
જાણે બે અંગાર ઝબૂકે
હીરાના શણગાર ઝબૂકે
જોગંદરની ઝાળ ઝબૂકે
વીર તણી ઝંઝાળ ઝબૂકે
ટમટમતી બે જ્યોત ઝબૂકે

જડબાં ફાડે !

ડુંગર જાણે ડાચાં ફાડે !
જોગી જાણે ગુફા ઉઘાડે !
જમરાજાનું દ્વાર ઉઘાડે !
પૃથ્વીનું પાતાળ ઉઘાડે !
બરછી સરખા દાંત બતાવે
લસ લસ કરતા જીભ ઝુલાવે.

બ્હાદર ઊઠે !

બડકંદાર બિરાદર ઊઠે
ફરસી લેતો ચારણ ઉઠે
ખડગ ખેંચતો આહીર ઊઠે
બરછી ભાલે કાઠી ઊઠે
ઘર ઘરમાંથી માટી ઊઠે
ગોબો હાથ રબારી ઊઠે
સોટો લઈ ઘરનારી ઊઠે
ગાય તણા રખવાળો ઊઠે
દૂધમલા ગોવાળો ઊઠે
મૂછે વળ દેનારા ઊઠે
ખોંખારો ખાનારા ઊઠે
માનું દૂધ પીનારા ઊઠે !
જાણે આભ મિનારા ઊઠે !

ઊભો રે’જે

ત્રાડ પડી કે ઊભો રે’જે !
ગીરના કુત્તા ઊભો રે’જે !
કાયર દુત્તા ઊભો રે’જે !
પેટભરા ! તું ઊભો રે’જે !
ભૂખમરા ! તું ઊભો રે’જે !
ચોર લૂંટારા ઊભો રે’જે !
ગા-ગોઝારા ઊભો રે’જે !

ચારણ કન્યા

ચૌદ વરસની ચારણ કન્યા
ચૂંદડીયાળી ચારણ કન્યા
શ્વેતસુંવાળી ચારણ કન્યા
બાળી ભોળી ચારણ કન્યા
લાલ હિંગોળી ચારણ કન્યા
ઝાડ ચડંતી ચારણ કન્યા
પહાડ ઘૂમંતી ચારણ કન્યા
જોબનવંતી ચારણ કન્યા
આગ ઝરંતી ચારણ કન્યા
નેસ નિવાસી ચારણ કન્યા
જગદમ્બા શી ચારણ કન્યા
ડાંગ ઉઠાવે ચારણ કન્યા
ત્રાડ ગજાવે ચારણ કન્યા
હાથ હિલોળી ચારણ કન્યા
પાછળ દોડી ચારણ કન્યા

ભયથી ભાગ્યો !

સિંહણ, તારો ભડવીર ભાગ્યો
રણ મેલીને કાયર ભાગ્યો
ડુંગરનો રમનારો ભાગ્યો
હાથીનો હણનારો ભાગ્યો
જોગીનાથ જટાળો ભાગ્યો
મોટો વીર મૂછાળો ભાગ્યો
નર થઈ તું નારીથી ભાગ્યો
નાનકડી છોડીથી ભાગ્યો !

– ઝવેરચંદ મેઘાણી

બાલકૃષ્ણ દવે અને પિંગળશી ગઢવીના અવાજમાં Mp3 માટે આભાર – ઝવેરચંદમેઘાણી.કોમ