Category Archives: નયન દેસાઈ

કશુંક પૂંછું તને – નયન દેસાઇ

શ્વાસમાં સૂંઘું તને ને સાંજ થઇ ઘૂંટું તને,
યાદરૂપે રોમેરોમે લે હવે ફૂંકું તને.

આંખથી અશ્રુરૂપે ખાલી કરી દિલમાં ભરું
આભ, પૃથ્વી જલ પરિબ્રહ્માંડમાં મૂકું તને.

ફૂલ તાજું બુંદ ઝાકલના સૂરજ કિરણો રમે
તું કહે, આવી ક્ષણે કેવી રીતે ભૂલું તને?

આવ, ઓઢીને મધુરપ સ્મિતકળશો ઝળહળાવ !
ગાઢ એકલતાના આશ્લેષમાં ચૂમું તને.

સાંજનું આ વન અને એમાં ફરું છું એકલો
સાથમાં તું હોય એ રીતે કશુંક પૂંછું તને

એમ આવે છે યાદ કોઇ અરે ! – નયન દેસાઈ

પહેલાં પવન્ન પછી ધીંગો વરસાદ
પછી ડાળખીથી પાંદડું ખરે
એમ આવે છે યાદ કોઇ અરે !

થોડું એકાંત પછી મુઠ્ઠીભર સાંજ
પછી પગરવનું ધણ પાછુ ફરે
એમ આવે છે યાદ કોઇ અરે !  પહેલાં…

બારી ઉઘાડ એવી ઘટના બને
કે આંખ પાણીની જેમ જાય દદડી,
બારણે ટકોરાઓ એવા પડે કે
પછી વાણીની જેમ જાય દદડી,

આગળી ફટાક દઇ ખૂલે ઝૂલે ને
પછી થોડી વાર તરફડાટ કરે
એમ આવે છે યાદ કોઇ અરે…  પહેલાં…

પંખીના ટોળામાં આછો બોલાશ બની
ટહુકાઓ જેમ જાય ભળી,
અંધારુ પગ નીચે દોડીને આવે
ને અજવાળું જાય એમાં ઓગળી

આકાશે વાદળીઓ તૂટે – બને
ને પછી સોનેરી રાજહંસ તરે
એમ આવે છે યાદ કોઇ અરે…  પહેલાં…