તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! (હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી)

આજે કવિવર શ્રી રવીન્દ્રનાથ ટાગોરનો જન્મ દિવસ!  આજના દિવસ માટે લખાયેલો આ લેખ ટહુકો પર પ્રસિદ્ધ કરવાની પરવાનગી આપવા બદલ નંદિનીબેન નો આભાર માનું છું. 
*************

Link to Original Article: હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી
આત્મવિશ્વાસના એક હજાર સૂર્ય એક સાથે ઝગમગાવી શકે એવું અમર ગીત એટલે તારી જો હાક સૂણી કોઈ ના આવે તો એકલો જાને રે …! વિશ્વ કવિ રવીન્દ્રનાથ ટાગોરનો આવતીકાલે જન્મદિવસ.‌ ૭ મે ૧૮૬૧મા જન્મેલા આ કવિ, સંગીતકાર, લેખક, નાટ્યકાર, નિબંધ કાર અને ચિત્રકાર રવીન્દ્રનાથ ટાગોરે ત્રણ હજાર જેટલાં ગીતો રચ્યાં અને સ્વરબદ્ધ કર્યાં.‌ રવીન્દ્રનાથ ટાગોરે તેમના જીવનકાળમાં ઘણાં પુસ્તકો, નાટકો, નિબંધો, ટૂંકી વાર્તાઓ અને કવિતાઓ લખ્યાં છે. તેમનાં નાટકો, પુસ્તકો અને ટૂંકી વાર્તાઓ દ્વારા તેઓ લોકોને ખોટા રિવાજોના નકારાત્મક પ્રભાવ વિશે હંમેશાં કહેતા. સામાજિક જાગૃતિ વિશે એમણે ઘણું લખ્યું.

રવીન્દ્રનાથ ટાગોર દ્વારા લખાયેલાં ‘ગીતાંજલિ’ કાવ્યસંગ્રહને વર્ષ 1913માં નોબેલ પુરસ્કાર મળ્યો. આ સાથે, તે ભારતીય મૂળ અને એશિયાના પ્રથમ વ્યક્તિ બન્યા, જેમને નોબેલ પુરસ્કાર આપવામાં આવ્યો. વર્ષ 1915માં તેમને બ્રિટિશરોએ ‘સર’ની પદવી પણ આપી હતી.

આવા ગુરુદેવ ટાગોરની કવિતાઓ, ગીતો વર્તમાન સમયમાં પરમ શાંતિ આપી શકે એવાં છે.‌ રવીન્દ્રનાથ ટાગોરનો ગુજરાત સાથે પણ સંબંધ રહ્યો છે. એમના મોટાભાઈ સત્યેન્દ્રનાથ જ્યારે અમદાવાદમાં મેજિસ્ટ્રેટ હતા, ત્યારે રવીન્દ્રનાથ સત્તર વર્ષની વયે એમના ઘરે અમદાવાદ રહેવા ગયા. ભાભી જ્ઞાનદાનંદિની તથા બાળકો ઈંગ્લેન્ડ રહેતાં હોવાથી રવિ ઠાકુર એકલા હોઈ, ઘરની લાઈબ્રેરીનાં પુસ્તકો ઉથલાવતા, કવિતાઓ લખતા. અમદાવાદમાં જ એમણે એક ઉત્તમ વાર્તા ‘ક્ષુધિત પાષાણ’ લખી જેના પરથી ફિલ્મ પણ બની હતી.‌

રવીન્દ્રનાથની ગીતસૃષ્ટિ વિશે કહીએ તો બંગાળમાં આજે એક પણ અનુષ્ઠાન એવું નહીં હોય જ્યાં રવીન્દ્રનાથની હાજરી ન હોય. રવીન્દ્રનાથે પોતે જ એક સ્થાને લખ્યું છે કે, “ભવિષ્યમાં મારી કવિતા-વાર્તાનું જે થવાનું હશે તે થશે પણ મારાં ગીતો બંગાળી સમાજે અપનાવવાં જ પડશે, મારાં ગીતો બધાએ ગાવાં જ પડશે.” આજે આ વાત બંગાળના સંદર્ભમાં કહીએ તો અક્ષરશઃ સાચી છે.‌

રવીન્દ્ર સંગીતનાં અદ્ભુત ગીતોની યાદીમાં સર્વોચ્ચ સ્થાને હકપૂર્વક બેસી શકે એવું ગીત એટલે ‘જોદી તોર ડાક શુની કેઉ ના આશે તોબે એકલા ચલો રે …!’ બંગાળીમાં શ્રેયા ઘોષાલથી લઈને અનેક કલાકારોએ આ ગીત ગાયું છે તેમ જ આપણા મહાનાયક અમિતાભ બચ્ચનના અવાજમાં હિન્દીમાં આ ગીત સાંભળવું એ અદ્દભુત લહાવો છે.

સ્વર – કિશોર કુમાર

સ્વર – શ્રેયા ઘોશાલ

Singer: Amitabh Bachchan
Film: Kahaani
Lyrics: Anvita Dutt Guptan
Music Director: Vishal-Shekhar

ગુજરાતીમાં મહાદેવભાઈ દેસાઈએ આ ગીતનો એવો સુંદર ભાવાનુવાદ કર્યો છે કે એ ગીત આપણને આપણું પોતીકું જ લાગે છે. ગુજરાતીમાં ય અનેક કલાકારોએ આ ગીત ગાયું છે પરંતુ, સૅન ફ્રાન્સિસ્કો સ્થિત ગાયક-સંગીતકાર યુગલ માધ્વી-અસીમ મહેતાએ થોડાં વર્ષો પહેલાં રવીન્દ્ર ગુર્જરી નામે એક સંગીત આલ્બમ કર્યું.‌ એ આલ્બમ અનાયાસે સાંભળીને એમાંનાં બધાં ગીતોએ અત્યારના કપરા કાળમાં ચંદનનો લેપ કર્યો. માધવીબહેનનાં કંઠની મીઠાશ રવીન્દ્ર સંગીતમાં સાંગોપાંગ ભળી ગઈ છે.‌

આ સંગીતકાર યુગલ મૂળ તો વડોદરાનું અને ઘણાં વર્ષોથી સૅન ફ્રાન્સિસ્કોમાં રહે છે. રવીન્દ્ર સંગીતનાં ગીતો વિશે અસીમભાઈ-માધવીબહેન સાથે વાત કરતાં એમણે બહુ ઉત્સાહપૂર્વક જણાવ્યું કે રવીન્દ્ર સંગીત અમને બંનેને ખૂબ પ્રિય છે.‌ આ સંગીત ખરેખર માનસિક શાંતિ પ્રદાન કરનારું છે.‌ એમાં ય ‘એકલો જાને રે …’ ગીત તો હતાશ-નિરાશ વ્યક્તિઓમાં પણ જોમ પૂરી શકે છે.‌ ખૂબ પ્રેરણાદાયી ગીત છે.

માધ્વી મહેતા નવ વર્ષની ઉંમરથી જ વડોદરાના સંગીતકાર જયદેવ ભોજક પાસે સંગીત શીખતાં હતાં.‌ એમણે બરોડા મ્યુઝિક કૉલેજમાંથી કંઠ્ય સંગીતમાં ડિગ્રી મેળવી છે.‌ એ વખતે અગ્રેસર તબલાંવાદક સ્વ. વિકી પાટીલનાં ગરબા ગ્રુપમાં માધ્વીબહેન અગ્રગણ્ય ગાયિકા હતાં. દરમ્યાન વડોદરાના જ એન્જિનિયર અસીમ મહેતા સાથે એમનાં લગ્ન થયાં. નસીબ કેવું કે અસીમભાઈને પણ સંગીતનો ખૂબ શોખ હતો. તેઓ પોતે બહુ સારા મ્યુઝિક એરેંજર અને હાર્મોનિયમ પ્લેયર હતા. ત્યારબાદ અસીમભાઈએ લક્ષ્મીકાંત બાપટ પાસે શાસ્ત્રીય સંગીતની તાલીમ લીધી. પછી તો આ સંગીતપ્રેમી યુગલ સૅન ફ્રાન્સિસ્કો જઈને વસ્યું અને ટૂંક સમયમાં ‘બે એરિયા’માં પણ સંગીતના કાર્યક્રમો આપવા માંડ્યા હતાં.

“એકવાર રવીન્દ્રનાથ ટાગોરની ૧૫૦મી જન્મ જયંતી નિમિત્તે સેન ફ્રાન્સિસ્કોમાં બહુ મોટું સંમેલન હતું જેમાં કલાપ્રેમી શુભચિંતક મહેન્દ્ર મહેતાને ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવાની જવાબદારી સોંપવામાં આવી હતી. એમણે અમને રવીન્દ્ર સંગીતનાં ગીતો ગુજરાતીમાં રજૂ કરવા માટે આગ્રહ કર્યો. મારાં મમ્મી મેઘલતા મહેતા બંગાળી શીખ્યાં હોવાથી ટૂંક સમયમાં જ એમણે કેટલાંક ગીતોનો અનુવાદ કરી આપ્યો અને અમે બંનેએ એ તૈયાર કરી રવીન્દ્ર ગીતો પ્રસ્તુત કર્યાં તો અમને બહુ સુંદર પ્રતિસાદ મળતા અમે ગીતોનું આલ્બમ કરવાનું નક્કી કર્યું. અમારા સપ્તક વૃંદના સભ્યોએ પણ એમાં કેટલાંક કોરસમાં સાથ પુરાવ્યો છે તેમ જ વ્યક્તિગત પણ ગાયું છે. અમારો ઉદ્દેશ એ જ છે કે આવા મહાન કવિની રચનાઓ આપણા ગુજરાતીઓ સુધી પહોંચે.” કહે છે માધ્વી મહેતા.

ટાગોર લય અને તાલના નિષ્ણાત હતા.‌ એશિયાના બન્ને દેશ ભારત અને બાંગ્લાદેશને રાષ્ટ્ર ગીતની ભેટ આપનાર ટાગોરે બ્રિટિશ પરાધીન ભારતને ૧૯૩૮માં રેડિયો પ્રસારણ કરનાર કેન્દ્રોને એક સુંદર નામ આપ્યું આકાશવાણી. ‘રવીન્દ્રનાથનો કલા વૈભવ’ પુસ્તકના લેખક લેફ્ટેનન્ટ ડૉ. સતીષચંદ્ર વ્યાસ એમાં લખે છે, “સામાન્ય રીતે જોમ અને જુસ્સો ચડાવવા માટે લખાતાં પ્રયાણ ગીત એટલે કે ‘માર્ચ સોંગ’માં કવિઓનાં કાવ્યતત્ત્વ પાતળાં પડી જાય અથવા નહિવત થઇ જાય છે. કવિત્વ શક્તિ કોરાણે મૂકાઈ જાય છે. સંગીત એકવિધ બની જાય છે. પરંતુ, ટાગોર તેવી કસોટીમાં પણ અક્ષુણ્ણ બહાર નીકળ્યા છે. એકલો જાને રે ગીત તેનું ઉત્તમ ઉદાહરણ છે. સાહિત્યિક દ્રષ્ટિએ એનું જરા પણ ઓછું મૂલ્ય આંકી શકાય તેમ નથી.”

Click here for Amazon Link for the album

આ ગીત દ્વારા કવિ કહે છે કે તારે જ તારા પોતાના ઉદ્ધારક બનવાનું છે, ઉદ્દીપક બનવાનું છે. કોઈ દીવો ધરે કે ના ધરે, મારગ બતાવે કે ના બતાવે, મંઝિલ સુધી હિંમત હાર્યા વિના તારે એકલા જ આગળ વધવાનું છે. અંધારી રાતે વીજળીના ચમકારા જેટલા સમયમાં દીવો પ્રગટાવવાનો છે અને આગળ વધવાનું છે. આપણી સાથે કોણ આવશે? કોણે આવવું જોઈએ? એ વિચાર કરવાને બદલે એમ વિચારો કે રસ્તો આપણો છે, કુદરત આપણી સાથે છે અને પ્રમાણિકતાથી જીવીએ તો સિદ્ધિ અને સફળતા પણ આપણી સાથે જ છે. એકલા હોવાથી ડરવાની જરૂર નથી. વૃક્ષ પણ એકલું જ છે ને છતાં એ વરસાદ આપે છે, પંખીઓને ઘર આપે છે અને મનુષ્યને છાંયો આપે છે. એ જ રીતે આપણે ભલે એકલા હોઈએ, કોઈ સાથ આપે કે ના આપે છતાં આગળ વધવાનું છે.‌ હારવાનું તો નથી જ.‌

પીડા અને યાતનાના આ કપરા સંજોગોમાં આવાં ગીતો સાચે જ નવી ઉર્જા આપે છે. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરને ૧૬૦મી જન્મ જયંતીએ યાદ કરી આપણે પણ આ ગીત ગાઈને એમની પરમ ચેતનાને વંદન કરીએ; તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે …!

*****

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

એકલો જાને, એકલો જાને, એકલો જાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌનાં મોં સીવાય
ઓરે ઓરે ઓ અભાગી
સૌનાં મોં સીવાય

જ્યારે સૌએ બેસે મોં ફેરવી
સૌએ ડરી જાય
ત્યારે હૈયું ખોલી અરે તું મન મૂકી
તારાં મનનું ગાણું એકલો ગાને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો સૌએ પાછાં જાય
ઓરે ઓરે ઓ અભાગી ! સૌએ પાછાં જાય
જ્યારે રણવગડે નીસરવા ટાણે
સૌ ખૂણે સંતાય
ત્યારે કાંતા રાને
તું લોહી નીંગળતે ચરણે
ભાઇ એકલો ધા ને રે

તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

જો દીવો ન ધરે કોઇ
ઓરે ઓરે ઓ અભાગી ! દીવો ન ધરે કોઇ

જ્યારે ઘનઘેરી તુફાની રાતે
બાર વાસે તને જોઈ
ત્યારે આભની વીજે, તું સળગી જઈ
સૌનો દીવો એકલો થાને રે
તારી જો હાક સુણી
કોઇ ના આવે તો,
એકલો જાને રે

3 replies on “તારી જો હાક સુણી કોઇ ના આવે, તો એકલો જાને રે! (હૈયાને દરબાર – નંદિની ત્રિવેદી)”

  1. It’s so nice of you to take interest in compiling… things into a memorable one.

    Today , I am taking liberty to revive memories of Vadodara, as I am settled after graduating from Faculty of Technology. I am sure , Asim bhai , too must have graduated from the same faculty.

    Madhviben…. yes the Music College is still … the same…

    If you have any roots left in Vadodara… will love to meet you wherever you are here…!

    Sorry to use this platform, but I am not on any other social media..!

    Gautam Kothari

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *